સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તું બહુ આનંદ કરશે”

“તું બહુ આનંદ કરશે”

“તું બહુ આનંદ કરશે”

‘યહોવાહ તારા દેવના માનમાં તું પર્વ પાળ અને તું બહુ જ આનંદ કરશે.’—પુનર્નિયમ ૧૬:૧૫.

૧. (ક) શેતાને કેવા સવાલો ઊભા કર્યા? (ખ) આદમ અને હવાએ પાપ કર્યું પછી યહોવાહે કઈ ભવિષ્યવાણી કરી?

 શેતાને આદમ અને હવાને તેઓના સર્જનહાર સામે બળવો કરવા ઉશ્કેર્યા. તેઓએ શેતાનનું સાંભળીને પાપ કર્યું. એ વખતે શેતાને બે સવાલો ઊભા કર્યા. એક, યહોવા જે કહે છે એ સાચું છે કે નહિ. અને તે જે રીતે આપણા પર રાજ કરે છે એ આપણા સારા માટે છે કે નહિ. બીજું, શેતાન એવું કહેવા માંગતો હતો કે આપણે પોતાના સ્વાર્થને લીધે યહોવાહને ભજીએ છીએ. શેતાને ખાસ કરીને આ બીજો સવાલ અયૂબના સમયમાં જાહેરમાં ઉઠાવ્યો હતો. (ઉત્પત્તિ ૩:૧-૬; અયૂબ ૧:૯, ૧૦; ૨:૪, ૫) યહોવાહે આ બંને સવાલો હલ કરવા તરત જ પગલાં લીધાં. આદમ અને હવા એદન બાગમાં હતા ત્યારે જ યહોવાહે જણાવ્યું કે તે શું કરશે. તેમણે ભવિષ્યવાણી કરી કે એક સંતાન આ ધરતી પર આવશે. એ સંતાનની એડી છૂંદાશે અને પછી એ જ સંતાન શેતાનનું માથું છૂંદશે.—ઉત્પત્તિ ૩:૧૫.

૨. ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી થવા વિષે યહોવાહ કેવી સમજણ આપતા ગયા?

સમય પસાર થયો તેમ એ સંતાન વિષે યહોવાહે વધુ સમજણ આપી. તેમણે બતાવ્યું કે ભવિષ્યવાણીની બધી વાતો જરૂર પૂરી થશે. દાખલા તરીકે, યહોવાહે ઈબ્રાહીમને જણાવ્યું કે તેમના વંશમાંથી એ “સંતાન” આવશે. (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮) પછી ઈબ્રાહીમનાં પૌત્ર, યાકૂબમાંથી ઈસ્રાએલના બાર કૂળો પેદા થયા. ઈ.સ.પૂર્વે ૧૫૧૩માં આ બારે કૂળો એક પ્રજા બન્યા ત્યારે, યહોવાહે તેઓને નિયમો આપ્યા. એમાં દર વર્ષે અમુક પર્વો કે તહેવારો ઊજવવાના હતા. પાઊલે સમજાવ્યું કે એ બધા તહેવારો તો “થનાર વાતોનો પડછાયો છે.” (કોલોસી ૨:૧૬, ૧૭; હેબ્રી ૧૦:૧) એ તહેવારોમાં એ વાતની ઝલક મળતી હતી કે યહોવાહ કઈ રીતે સંતાન વિષેનો પોતાનો મકસદ પૂરો કરશે. એટલે જ એ તહેવારો દરમિયાન આખા ઈસ્રાએલમાં આનંદ આનંદ છવાઈ જતો. તો ચાલો, આપણે એ તહેવારો વિષે વધારે શીખીએ. એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે કે યહોવાહનાં વચનો જરૂર પૂરાં થશે.

ધરતી પર સંતાન આવે છે

૩. વચનનું સંતાન કોણ હતું? તેમની એડી કેવી રીતે છૂંદવામાં આવી?

એદનમાં યહોવાહે ભવિષ્યવાણી કરી, એના ૪,૦૦૦ વર્ષ પછી સંતાનનો ધરતી પર જનમ થયો. એ સંતાન ઈસુ હતા. (ગલાતી ૩:૧૬) ઈસુ પવિત્ર હતા. સંપૂર્ણ હતા. મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાં સુધી તેમની શ્રદ્ધા ડગી નહિ. આ રીતે ઈસુએ શેતાને મૂકેલા આરોપોને જૂઠા સાબિત કર્યા. બીજું કે ઈસુમાં કોઈ પાપ ન હતું. તેથી તેમનું બલિદાન બહુ જ કીમતી હતું. તેમણે જે લોહી વહેવડાવ્યું એનાથી, આદમ અને હવાના એ સંતાનોને પાપ અને મોતમાંથી છુટકારો અપાવ્યો જેઓ ઈશ્વરને વળગી રહે છે. ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા ત્યારે, વચનના એ સંતાનની એડી છૂંદવામાં આવી હતી.—હેબ્રી ૯:૧૧-૧૪.

૪. ઈસુના બલિદાનને અગાઉથી કેવી રીતે બતાવવામાં આવ્યું હતું?

ઈસુ નીસાન ૧૪, ઈ.સ. ૩૩ના રોજ મરણ પામ્યા. * ઈસ્રાએલીઓ માટે નીસાન ૧૪ ખુશીનો દિવસ હતો. કેમ કે એ દિવસે તેઓ પાસ્ખાપર્વ ઊજવતા હતા. દર વર્ષે એ દિવસે તેઓ પોતાના કુટુંબ સાથે ભેગા મળીને તંદુરસ્ત નાનું ઘેટું રાંધીને ખાતા. આ રીતે તહેવાર ઊજવીને તેઓ ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં નીસાન ૧૪ના રોજ બનેલા એક બનાવને યાદ કરતા હતા. એ દિવસે ઘેટાના લોહીને લીધે ઈસ્રાએલીઓના સર્વ પ્રથમજનિતો બચી ગયા હતા. બીજી બાજુ, મિસરીઓના સર્વ પ્રથમજનિતને યહોવાહના દૂતે મારી નાખ્યા હતા. આમ એ લોહીનું ઘણું મહત્ત્વ હતું. (નિર્ગમન ૧૨:૧-૧૪) પાસ્ખાપર્વનું ઘેટું ખરેખર તો ઈસુને બતાવતું હતું. એ વિષે પ્રેરિત પાઊલે કહ્યું: “ખ્રિસ્ત જે ઈશ્વરનું હલવાન છે તે આપણે માટે પાસ્ખાનું બલિદાન બની ગયા છે.” (૧ કરિંથી ૫:૯, IBSI) પાસ્ખાના ઘેટાંના લોહીથી ઈસ્રાએલીઓ બચી ગયા. એ જ રીતે ઈસુએ વહેવડાવેલું લોહી પણ ઘણાનો ઉદ્ધાર કરે છે.—યોહાન ૩:૧૬, ૩૬.

‘ઊંઘી ગએલાંનું પ્રથમફળ થયા’

૫, ૬. (ક) ઈસુ ક્યારે સજીવન થયા? અને કયું પર્વ એ બનાવ વિષે અગાઉથી જણાવતું હતું? (ખ) ઈસુ સજીવન થયા એનાથી ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી થવાનું કેવી રીતે શક્ય બન્યું?

ઈસુ મરણ પામ્યા એના ત્રીજા દિવસે તેમને જીવતા કરવામાં આવ્યા, જેથી તે પોતાના બલિદાનની કિંમત યહોવાહને ધરી શકે. (હેબ્રી ૯:૨૪) ઈસુ સજીવન થશે એ પણ એક પર્વ દ્વારા અગાઉથી બતાવવામાં આવ્યું હતું. નીસાન ૧૪ પછીના દિવસે (નીસાન ૧૫) બેખમીર રોટલીનું પર્વ શરૂ થતું હતું. એ પછીના દિવસે, નીસાન ૧૬ના રોજ ઈસ્રાએલીઓ પોતાના ખેતરમાં પાકેલા જવની પહેલી ઊપજની પૂળીઓલેવી. ૨૩:૧૦ યાજક પાસે લાવતા. યાજક તે પૂળીની યહોવાહ આગળ આરતી ઉતારતાલેવી ૨૩:૧૧. ઈસ્રાએલમાં એ જવની ફસલ વર્ષની પહેલી ફસલ હતી. (લેવીય ૨૩:૬-૧૪) એટલે જ ૩૩મી સાલમાં નીસાન ૧૬ના રોજ યહોવાહે ઈસુને સજીવન કર્યા, ત્યારે એ એકદમ યોગ્ય દિવસ હતો. શેતાન તો પરમેશ્વરના આ ‘વિશ્વાસુ તથા ખરા સાક્ષીને’ કાયમ માટે ચૂપ કરવા માંગતો હતો. પરંતુ પરમેશ્વરે તેના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું. યહોવાહે ૩૩ની સાલમાં નીસાન ૧૬ના રોજ ઈસુને સ્વર્ગદૂત તરીકે સજીવન કર્યા અને તેમને અમર જીવન આપ્યું.—પ્રકટીકરણ ૩:૧૪; ૧ પીતર ૩:૧૮.

ઈસુ મરણમાં ‘ઊંઘી ગએલાંનું પ્રથમફળ થયા.’ (૧ કોરીંથી ૧૫:૨૦) ઈસુ પહેલા પણ અમુક લોકો સજીવન થયા હતા. પરંતુ એ લોકો ફરીથી મરી ગયા. જ્યારે ઈસુ સજીવન થયા પછી ફરી ક્યારેય મર્યા નથી. એને બદલે, તે સ્વર્ગમાં જઈને યહોવાહને જમણે હાથે બેઠા. યહોવાહ તેમને સ્વર્ગના રાજ્યના રાજા બનાવે એ સમયની રાહ જોવા લાગ્યા. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨, ૩૩; હેબ્રી ૧૦:૧૨, ૧૩) આજે ઈસુ રાજા બની ગયા છે. હવે તે સૌથી મોટા દુશ્મન શેતાનનું માથું છૂંદવા અને તેના વંશ કે સાથીદારોનો કાયમ માટે નાશ કરવા તૈયાર છે.—પ્રકટીકરણ ૧૧:૧૫, ૧૮; ૨૦:૧-૩, ૧૦.

ઈબ્રાહીમના સંતાનના બીજા સભ્યો

૭. અઠવાડિયાંઓનો તહેવાર શું હતો?

એદન બાગમાં આપેલાં વચનનું સંતાન ઈસુ હતા. એ સંતાન દ્વારા જ યહોવાહ ભવિષ્યમાં ‘શેતાનનાં કામનો નાશ કરશે.’ (૧ યોહાન ૩:૮) પરંતુ યહોવાહે ઈબ્રાહીમ સાથે વાત કરી, ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે તેમના ‘સંતાનમાં’ એક કરતાં વધારે લોકો હશે. એ સંતાનો “આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલાં” હશે. (ઉત્પત્તિ ૨૨:૧૭) ઈબ્રાહીમના ‘સંતાનના’ આ બીજા સભ્યોની ઝલક બીજા એક પર્વ દ્વારા અગાઉથી આપવામાં આવી હતી. નીસાન ૧૬થી ઠીક પચાસમા દિવસે ઈસ્રાએલીઓ અઠવાડિયાંઓનો તહેવાર ઊજવતા હતા. આ તહેવાર વિષે બાઇબલ જણાવે છે: “એટલે સાતમા સાબ્બાથના બીજા દિવસ સુધીના પચાસ દિવસ તમારે ગણવા; અને પચાસમે દિવસે તમારે યહોવાહને નવું ખાદ્યાર્પણ ચઢાવવું. તમારાં મકાનોમાંથી બે દશાંશ એફાહની આરતીની બે રોટલી તમારે લાવવી; તેઓ યહોવાહને સારૂ પ્રથમ ફળના અર્પણને માટે મેંદાની તથા ખમીર સહિત પકાવેલી હોય.” *લેવીય ૨૩:૧૬, ૧૭, ૨૦.

૮. ૩૩ની સાલમાં પેન્તેકોસ્તના દિવસે કયો ખાસ બનાવ બન્યો?

જ્યારે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે અઠવાડિયાંઓનું પર્વ, પેન્તેકોસ્તના (આ ગ્રીક શબ્દનો અર્થ થાય, પચાસમા) નામથી જાણીતું હતું. ૩૩ની સાલમાં પેન્તેકોસ્તના દિવસે, મહાન પ્રમુખ યાજક, એટલે કે સજીવન થયેલા ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં ભેગા થયેલા ૧૨૦ શિષ્યોના નાના ટોળા પર પવિત્ર આત્મા રેડ્યો. આ રીતે તેઓ પરમેશ્વરના અભિષિક્ત પુત્રો અને ઈસુ ખ્રિસ્તના ભાઈઓ બન્યા. (રૂમી ૮:૧૫-૧૭) તેઓ એક નવી પ્રજા, ‘દેવનું ઈસ્રાએલ’ બન્યા. (ગલાતી ૬:૧૬) આગળ જતા આ પ્રજાની સંખ્યા વધીને ૧,૪૪,૦૦૦ થવાની હતી.—પ્રકટીકરણ ૭:૧-૪.

૯, ૧૦. અભિષિક્તોની મંડળીને અગાઉથી પેન્તેકોસ્તના દિવસે કેવી રીતે બતાવવામાં આવ્યા હતા?

પેન્તેકોસ્તના દિવસે યહોવાહ આગળ જે ખમીરવાળી બે રોટલીની આરતી કરાતી હતી એ અભિષિક્ત ખ્રિસ્તીઓની મંડળીને બતાવતી હતી. રોટલીમાં રહેલું ખમીર બતાવતું હતું કે અભિષિક્ત હોવા છતાં તેમનામાં વારસામાં મળેલું પાપ હતું. તોપણ તેઓ ઈસુએ ચૂકવેલી બલિદાનની કિંમતને આધારે યહોવાહની પાસે જઈ શકતા હતા. (રૂમી ૫:૧, ૨) પરંતુ કેમ બે જ રોટલીઓને હલાવવામાં આવતી? એનો અર્થ કદાચ એ થતો હતો કે ઈશ્વરના અભિષિક્ત પુત્રોને બે જાતિમાંથી ભેગા કરવામાં આવવાના હતા. પ્રથમ યહુદીઓમાંથી અને પછી અન્ય જાતિઓમાંથી.—ગલાતી ૩:૨૬-૨૯; એફેસી ૨:૧૩-૧૮.

૧૦ પેન્તેકોસ્તના દિવસે અર્પણ કરવામાં આવતી બે રોટલીઓ, ઘઉંની પહેલી ઊપજમાંથી બનાવવામાં આવતી હતી. એવી જ રીતે આ અભિષિક્તોને ઈશ્વરના “ઉત્પન્‍ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા” કહેવામાં આવ્યા છે. (યાકૂબ ૧:૧૮) સૌથી પહેલા તેઓને ઈસુના વહેવડાવેલા લોહીને આધારે પાપોની માફી મળી છે. એ કારણે તેઓ માટે સ્વર્ગમાં અમર જીવન મેળવવું શક્ય બન્યું છે. ત્યાં તેઓ ઈસુની સાથે તેમના રાજ્યમાં રાજ કરશે. (૧ કોરીંથી ૧૫:૫૩; ફિલિપી ૩:૨૦, ૨૧; પ્રકટીકરણ ૨૦:૬) સ્વર્ગીય પુત્રો હોવાને લીધે, તેઓ જલદી જ ‘લોઢાના દંડથી (જુદી જુદી જાતિના લોકો) પર અધિકાર ચલાવશે.’ એ ઉપરાંત તેઓ ‘શેતાનને પોતાના પગ તળે છૂંદી નાંખશે.’ (પ્રકટીકરણ ૨:૨૬, ૨૭; રૂમી ૧૬:૨૦) પ્રેરિત યોહાને આ અભિષિક્તો વિષે કહ્યું: “હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને દેવને સારૂ તથા હલવાનને સારૂ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.”—પ્રકટીકરણ ૧૪:૪.

છુટકારા પર ભાર મૂકતો દિવસ

૧૧, ૧૨. (ક) પ્રાયશ્ચિતના દિવસે શું કરવામાં આવતું હતું? (ખ) પ્રાયશ્ચિતના દિવસે વાછરડાં અને બકરાંના બલિદાનોથી ઈસ્રાએલીઓને કેવા લાભ થતા હતા?

૧૧ એથાનીમ (જેને પાછળથી તીશરી કહેવામાં આવ્યો) * નામના મહિનાના દસમા દિવસે, ઈસ્રાએલીઓ એક તહેવાર ઊજવતા હતા. એ તહેવાર બતાવતો હતો કે ઈસુએ પોતાનું બલિદાન આપીને જે કિંમત ચૂકવી એનાથી કેવા લાભ થશે. આ તહેવાર પ્રાયશ્ચિતનો દિવસ હતો. આ દિવસે બધા જ ઈસ્રાએલીઓ ભેગા મળતા હતા અને તેઓના પાપોની માફી માટે અર્પણો ચઢાવવામાં આવતા હતા.—લેવીય ૧૬:૨૯, ૩૦.

૧૨ પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખ યાજક એક વાછરડાંનું બલિદાન ચઢાવતા હતા. પછી એમાંથી થોડું લોહી પરમપવિત્ર સ્થાનમાં લઈ જઈને કરારકોશની પેટી આગળ સાત વાર છાંટતા હતા. એમ પ્રમુખ યાજક જાણે યહોવાહની સમક્ષ બલિદાનનું લોહી અર્પી રહ્યા હતા. પ્રમુખ યાજક આ બલિદાન પોતાના અને “પોતાના ઘરનાંને” માટે તેમ જ યાજકો અને લેવીયોના પાપો માટે ચઢાવતા હતા. ત્યાર પછી તે બે બકરાં લેતા. એમાંથી એકને તે “લોકોને માટે” પાપાર્થાર્પણ તરીકે ચઢાવતા. એનું પણ થોડું લોહી પરમપવિત્ર સ્થાનમાં લઈ જઈને કરારકોશની પેટી આગળ છાંટતા. પછી બીજા બકરાંના માથા પર તે પોતાનો હાથ રાખીને ઈસ્રાએલીઓના પાપોને સ્વીકારતા અને એ બકરાંને અરણ્યમાં છોડી મૂકતા. આમ એ બકરો જાણે ઈસ્રાએલીઓના પાપોને દૂર લઈ જતો હતો.—લેવીય ૧૬:૩-૧૬, ૨૧, ૨૨.

૧૩. પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખયાજક જે કામ કરતા, એ ઈસુની ભૂમિકાને કેવી રીતે બતાવે છે?

૧૩ પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખ યાજકનું કામ એ બતાવતું હતું કે મહાન પ્રમુખ યાજક, ઈસુ ખ્રિસ્ત પોતાના લોહીના મૂલ્યથી આપણને પાપોની માફી અપાવશે. સૌથી પહેલા તેમના લોહીથી “આત્મિક ઘર” એટલે કે ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ખ્રિસ્તીઓને લાભ થાય છે. તેઓને ન્યાયી ગણવામાં આવ્યા છે અને યહોવાહની નજરમાં તેઓ શુદ્ધ સાબિત થયા છે. (૧ પીતર ૨:૫; ૧ કોરીંથી ૬:૧૧) આને અગાઉથી વાછરડાંના બલિદાન દ્વારા બતાવવામાં આવ્યું હતું. આમ અભિષિક્તો માટે સ્વર્ગમાં વારસો મેળવવાનો રસ્તો ખુલી ગયો. બીજું, ઈસુ પર વિશ્વાસ કરે છે એવા લાખો લોકોને પણ તેમણે વહેવડાવેલા લોહીથી ફાયદો થયો છે. એ બાબત બકરાંના બલિદાનથી બતાવવામાં આવી હતી. આ લાખો લોકોને ધરતી પર હંમેશ માટેનું જીવન વારસામાં મળશે, જે આદમ અને હવાએ ગુમાવ્યું હતું. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) જેમ જીવતો બકરો ઈસ્રાએલીઓના પાપોને દૂર અરણ્યમાં લઈ જતો હતો, એ જ રીતે ઈસુ પોતાના વહેવડાવેલા લોહીને આધારે માણસજાતના પાપોને દૂર લઈ જાય છે.—યશાયાહ ૫૩:૪, ૫.

યહોવાહ સામે આનંદ કરવો

૧૪, ૧૫. માંડવાપર્વ દરમિયાન શું કરવામાં આવતું હતું? એ પર્વ ઈસ્રાએલીઓને શું યાદ અપાવતું હતું?

૧૪ પ્રાયશ્ચિતના દિવસ પછી ઈસ્રાએલીઓ માંડવાપર્વ ઊજવતા હતા. આ તહેવાર વર્ષમાં આવતા બીજા બધા તહેવારો કરતાં સૌથી વધારે ખુશીઓથી ભરેલો હતો. (લેવીય ૨૩:૩૪-૪૩) આ તહેવાર એથાનીમ મહિનાની ૧૫થી ૨૧ તારીખ સુધી ઊજવવામાં આવતો હતો. ૨૨મી તારીખે મોટા મેળાવડા પછી આ તહેવાર પૂરો થતો. આ તહેવાર એ વાતની નિશાની હતો કે ફસલ ભેગી કરવાનું કામ પૂરું થઈ ગયું છે. અને હવે યહોવાહની અપાર ભલાઈ માટે તેમનો ઉપકાર માનવાનો સમય છે. એટલે જ યહોવાહે તહેવાર ઊજવનારાઓને આ આજ્ઞા આપી હતી: “યહોવાહ તારો દેવ તારી સર્વ ઊપજમાં, તથા તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ દેશે, ને તું બહુ જ આનંદ કરશે.” (પુનર્નિયમ ૧૬:૧૫) સાચે જ એ તહેવાર દરમિયાન ઈસ્રાએલીઓમાં આનંદ આનંદ છવાઈ જતો!

૧૫ એ તહેવાર દરમિયાન ઈસ્રાએલીઓ સાત દિવસ સુધી માંડવાઓમાં રહેતા હતા. આ રીતે તેઓને યાદ અપાવવામાં આવતું, કે તેમના બાપ-દાદાઓ એક સમયે અરણ્યમાં માંડવાઓમાં રહેતા હતા. તહેવાર દરમિયાન તેઓને મનન કરવાનો મોકો મળતો કે યહોવાહ કેવી રીતે એક પિતાની જેમ તેઓની સંભાળ રાખે છે. (પુનર્નિયમ ૮:૧૫, ૧૬) વળી અમીર-ગરીબ બધા એક સરખા માંડવાઓમાં રહેતા હતા. આ તેમને યાદ અપાવતું હતું કે તહેવાર દરમિયાન બધા સમાન છે, કોઈ કોઈથી ચઢિયાતું નથી.—નહેમ્યાહ ૮:૧૪-૧૬.

૧૬. માંડવાપર્વ શાને બતાવતું હતું?

૧૬ માંડવાપર્વ કાપણીનો તહેવાર હતો. આ તહેવાર ફસલ ભેગી કરવાની ખુશીમાં ઊજવવામાં આવતો. આ તહેવાર અગાઉથી બતાવતો હતો કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓને એકઠા કરવામાં આવશે. એકઠા કરવાનું એ કામ ૩૩ની સાલમાં પેન્તેકોસ્તના દિવસથી શરૂ થયું. એ દિવસે ઈસુના ૧૨૦ શિષ્યોને અભિષિક્ત કરવામાં આવ્યા. આમ તેઓ ‘પવિત્ર યાજકવર્ગના’ ભાગ બન્યા. જેમ ઈસ્રાએલીઓ થોડા દિવસ માટે માંડવાઓમાં રહેતા હતા એવી જ રીતે અભિષિક્તો જાણે છે કે આ દુષ્ટ જગતમાં તેઓ “પ્રવાસી” જેવા છે. તેઓની આશા સ્વર્ગમાં જીવવાની છે. (૧ પીતર ૨:૫, ૧૧) આ ‘છેલ્લા દિવસોમાં’ અભિષિક્ત ખ્રિસ્તીઓને ભેગા કરવાનું કામ પૂરું થઈ રહ્યું છે. જ્યારે ૧,૪૪,૦૦૦માંના બાકીનાઓને ભેગા કરવામાં આવશે ત્યારે, એ કામ પૂરું થઈ જશે.—૨ તીમોથી ૩:૧.

૧૭, ૧૮. (ક) શું બતાવે છે કે અભિષિક્તો સિવાય બીજાઓને પણ ઈસુના બલિદાનથી લાભ થાય છે? (ખ) આજે માંડવાપર્વથી કોને લાભ થાય છે અને આ આનંદી તહેવાર ક્યારે પૂરો થશે?

૧૭ ધ્યાન આપો કે માંડવાપર્વ દરમિયાન ૭૦ બળદોનું બલિદાન ચઢાવવામાં આવતું હતું. (ગણના ૨૯:૧૨-૩૪) ૭૦નો આંકડો ૭ને ૧૦ જોડે ગુણવાથી મળે છે. બાઇબલમાં ૭ આંકડો સ્વર્ગ માટે સંપૂર્ણતા અને ૧૦ આંકડો ધરતી માટે સંપૂર્ણતા બતાવવા વપરાય છે. એનો અર્થ એ થયો કે નુહના વંશમાંથી આવેલા ૭૦ કુટુંબોના સર્વ વફાદાર લોકોને ઈસુના બલિદાનથી લાભ થશે. (ઉત્પત્તિ ૧૦:૧-૨૯) તેથી આજે અભિષિક્તોની સાથે સાથે બધી જ જાતિઓના લોકોને પણ ભેગા કરવામાં આવી રહ્યા છે. આ લોકો ઈસુમાં શ્રદ્ધા મૂકે છે અને સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે.

૧૮ આપણા સમયમાં થઈ રહેલા એ ભેગા કરવાના કામને પ્રેરિત યોહાને એક દર્શનમાં જોયું હતું. સૌથી પહેલા તેમણે ૧,૪૪,૦૦૦માંના બાકી રહેલા અભિષિક્તો પર મહોર મારવાની જાહેરાત સાંભળી. પછી તેમણે યહોવાહ અને ઈસુ સામે “કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા” ઊભેલી જોઈ. તેઓના “હાથમાં ખજૂરીની ડાળીઓ” હતી. તેઓ ‘મોટી વિપત્તિમાંથી નીકળીને’ નવી દુનિયામાં આવ્યા છે. અભિષિક્તોની જેમ તેઓ પણ આ જૂની દુનિયામાં પ્રવાસી જેવા છે. તેઓ પૂરી શ્રદ્ધાથી એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે ‘હલવાન તેઓનો પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે.’ અને તે સમયે ‘ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.’ (પ્રકટીકરણ ૭:૧-૧૦, ૧૪-૧૭) ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ પૂરું થશે પછી, મોટું ટોળું અને સજીવન થયેલા ઈશ્વરભક્તોને હંમેશ માટેનું જીવન મળશે. ત્યારે એ માંડવાપર્વ મોટા પાયા પર પૂરું થઈ જશે.—પ્રકટીકરણ ૨૦:૫.

૧૯. ઈસ્રાએલમાં ઊજવવામાં આવતા તહેવારો પર વિચાર કરવાથી આપણને શું ફાયદો થાય છે?

૧૯ આપણે પ્રાચીન સમયના યહુદી તહેવારો પર વિચાર કરીએ તો, આપણે પણ “આનંદ” મેળવી શકીએ છીએ. યહોવાહે એદનમાં જે ભવિષ્યવાણી કરી હતી એ પૂરી થવાની ઝલક આ તહેવારો દ્વારા આપણને આપી છે. એના પર વિચાર કરતા આપણે કેટલા ભાવ-વિભોર થઈ જઈએ છીએ! આ ભવિષ્યવાણીની એકે-એક બાબતને પૂરી થતા જોઈને આપણે કેવો રોમાંચ અનુભવીએ છીએ. આજે આપણે જાણીએ છીએ કે એ સંતાન આવી ગયું છે અને તેની એડી છૂંદાઈ ગઈ છે. હવે એ સંતાન સ્વર્ગમાં રાજા છે. એ ઉપરાંત ૧,૪૪,૦૦૦માંના મોટા ભાગનાઓએ પરમેશ્વરને વળગી રહીને પૃથ્વી પરનું પોતાનું જીવન પૂરું કર્યું છે. હવે બીજું શું થવાનું બાકી છે? એદનમાં કરેલી ભવિષ્યવાણીને પૂરી થવાને હજુ કેટલો સમય બાકી છે? એની ચર્ચા આપણે હવે પછીના લેખમાં કરીશું. (w 07 1/1)

[Footnotes]

^ નીસાનનો મહિનો આપણા કૅલેન્ડર પ્રમાણે માર્ચ/એપ્રિલ છે.

^ આરત્યાર્પણ કે આરતીરુપી અર્પણમાં, ખમીરવાળી બે રોટલીઓને યાજક સામાન્ય રીતે પોતાની હથેળીમાં રાખીને ઉપર ઉઠાવતા. પછી આરતીની જેમ ડાબે-જમણે હલાવતા હતા. આ રીતે હલાવવું બતાવતું હતું કે યહોવાહને ચઢાવેલું બલિદાન, તેમને અર્પણ કરવામાં આવી રહ્યું છે.ઇન્સાઇટ ઑન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૨નું પાન નંબર ૫૨૮ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ એથાનીમ અથવા તીશરીનો મહિનો આપણા કૅલેન્ડરમાં લગભગ સપ્ટેમ્બર/ઑક્ટોબરમાં આવે છે.

શું તમે સમજાવી શકો?

• પાસ્ખાપર્વનું હલવાન કોને બતાવતું હતું?

• પેન્તેકોસ્તનું પર્વ કોને ભેગા કરવાને બતાવતું હતું?

• પ્રાયશ્ચિતના દિવસે જે બલિદાન ચઢાવવામાં આવતું હતું, એ કેવી રીતે ઈસુના બલિદાનને લાગુ પડે છે?

• માંડવાપર્વ કઈ રીતે ખ્રિસ્તીઓને ભેગા કરવાને બતાવતું હતું?

[Study Questions]

[Chart on page 24, 25]

(For fully formatted text, see publication)

બનાવ: આને બતાવતું હતું:

પાસ્ખાપર્વ નીસાન ૧૪ પાસ્ખાપર્વના ઈસુનું બલિદાન

હલવાનનું

બલિદાન

બેખમીર નીસાન ૧૫ સાબ્બાથ

રોટલીનું પર્વ

(નીસાન ૧૫-૨૧) નીસાન ૧૬ જવનું અર્પણ ઈસુ સજીવન થયા

ચઢાવવું

૫૦ દિવસો

અઠવાડિયાંઓનું સીવાન ૬ બે રોટલીઓનું ઈસુએ પોતાના અભિષિક્ત

પર્વ (પેન્તેકોસ્ત) અર્પણ કરવું ભાઈઓને યહોવાહ આગળ રજૂ કર્યા

પ્રાયશ્ચિતનો તીશરી ૧૦ બળદ અને બે ઈસુએ માણસજાત માટે પોતાનું

દિવસ બકરાંનું બલિદાન લોહી વહેવડાવીને કિંમત ચૂકવી

માંડવાપર્વ તીશરી ૧૫-૨૧ ઈસ્રાએલીઓ ખુશીથી અભિષિક્તો અને ‘મોટી

(સંગ્રહપર્વ) માંડવાઓમાં રહેતા હતા, સભાના’ લોકોને ભેગા કરવા

કાપણીનો આનંદ માણતા

હતા, અને ૭૦ બળદોનું બલિદાન

ચઢાવવામાં આવતું હતું

[Pictures on page 23]

પાસ્ખાપર્વના ઘેટાંના લોહીની જેમ, ઈસુનું વહેવડાવેલું લોહી પણ કેટલાય લોકોને તારણ આપે છે

[Pictures on page 24]

નીસાન ૧૬ના રોજ અર્પણ કરવામાં આવતી જવની પહેલી ફસલ, ઈસુના પુનરુત્થાનની નિશાની હતી

[Pictures on page 25]

પેન્તેકોસ્તના દિવસે અર્પવામાં આવતી બે રોટલીઓ, અભિષિક્ત ખ્રિસ્તીઓની મંડળીને બતાવતી હતી

[Pictures on page 26]

માંડવાપર્વ, બધી જાતિના લોકોમાંથી અભિષિક્તો અને ‘મોટી સભાના’ લોકોને ભેગાં કરવાને બતાવતું હતું