સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“પહેલું પુનરુત્થાન” આજે થઈ રહ્યું છે!

“પહેલું પુનરુત્થાન” આજે થઈ રહ્યું છે!

“પહેલું પુનરુત્થાન” આજે થઈ રહ્યું છે!

“ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે.”—૧ થેસ્સાલોનીકી ૪:૧૬.

૧, ૨. (ક) ગુજરી ગયેલાની કઈ આશા છે? (ખ) ગુજરી ગયેલાને સજીવન કરવામાં આવશે એવી શ્રદ્ધા તમે શા માટે રાખો છો? (ફુટનોટ જુઓ.)

 “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે.” આદમ ને હવાએ પાપ કર્યું ત્યારથી આ વાત સાચી પડી છે. આખી દુનિયાના લોકોને ખબર છે કે એક દિવસ તેઓ ગુજરી જશે. એટલે તેઓ આ સવાલો પૂછે છે કે ‘મરણ પછી શું થાય છે? ગુજરી ગયેલા કેવી હાલતમાં છે?’ બાઇબલ એનો સ્પષ્ટ જવાબ આપે છે, “મૂએલા કંઈ જાણતા નથી.”—સભાશિક્ષક ૯:૫.

તો પછી, ગુજરી ગયેલાની કોઈ આશા છે? ચોક્કસ! સદીઓ પહેલા યહોવાહે વચન આપ્યું હતું કે આખી દુનિયામાં લોકો સુખ શાંતિમાં રહેશે. યહોવાહ એ વચન જરૂર પૂરું કરશે. એના લીધે સદીઓથી ઘણા ઈશ્વરભક્તોએ યહોવાહના સંતાનમાં પૂરી શ્રદ્ધા રાખી છે. શા માટે? કેમ કે તેઓ જાણે છે કે એ સંતાન એટલે ઈસુ, શેતાનનો નાશ કરીને આખી દુનિયામાં અનેક ફેરફારો લાવશે. (ઉત્પત્તિ ૩:૧૫) એ ઈશ્વરભક્તોમાંના ઘણા હવે ગુજરી ગયા છે. તેથી, તેઓ એ ફેરફારો જોઈ શકે માટે તેઓને જરૂર સજીવન કરવા પડશે. (હેબ્રી ૧૧:૧૩) શું આ વાત સાચી હોઈ શકે? ચોક્કસ! પ્રેરિત પાઊલે કહ્યું કે “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) પાઊલે પોતે યુતુખસ નામના યુવાનને સજીવન કર્યો હતો. તે ત્રીજા માળની બારીમાંથી નીચે પડી ગયો હતો. લોકોએ “તેને મૂએલો ઉપાડ્યો.” પણ પાઊલે તેને સજીવન કર્યો. આખા બાઇબલમાં જોવા મળે છે કે નવ વ્યક્તિઓને સજીવન કરવામાં આવી હતી. એ નવમાંથી યુતુખસ છેલ્લો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૭-૧૨. *

૩. યોહાન ૫:૨૮, ૨૯માં ઈસુના વચનથી તમને કેવો દિલાસો મળ્યો છે, અને શા માટે?

એ નવ વ્યક્તિઓને સજીવન કરવામાં આવી એને આધારે આપણે પાઊલની વાત પર પૂરી શ્રદ્ધા રાખી શકીએ. ઈસુના વચનમાં પણ આપણે હવે પૂરો ભરોસો રાખી શકીએ કે મૂએલા ફરી જીવતા થશે. તેમણે કહ્યું કે ‘એવી વેળા આવે છે કે જ્યારે જેઓ ગુજરી ગયા છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે’ ને જીવતા થશે. (યોહાન ૫:૨૮, ૨૯) એ જાણીને આપણું દિલ કેવું આનંદથી ભરાઈ જાય છે! ખાસ કરીને જેઓના કુટુંબમાંથી કોઈ ગુજરી ગયું છે તેઓને કેટલો દિલાસો મળે છે!

૪, ૫. બાઇબલ કયા બે પ્રકારના પુનરુત્થાન વિષે જણાવે છે? આ લેખમાં આપણે શાના વિષે વાત કરીશું?

બાઇબલ જણાવે છે કે જેઓને સજીવન કરવામાં આવશે તેઓમાંથી મોટા ભાગના પૃથ્વી પર રહેશે. એ વખતે ઈશ્વરની સરકાર આખી ધરતી પર સુખ શાંતિ લાવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; યશાયાહ ૧૧:૬-૯; ૩૫:૫, ૬; ૬૫:૨૧-૨૩) પણ એ પહેલાં બીજા પ્રકારનાં પુનરુત્થાન થાય એ જરૂરી હતું. એમાં સૌથી પહેલા ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું, જેથી તે આપણા માટે પોતાના પવિત્ર જીવનની કિંમત યહોવાહ આગળ ધરી શકે. ઈસુના મરણ પછી યહોવાહે તેમને ૩૩મી સાલમાં જીવતા કર્યા.

ઈસુ પછી બીજા કોને સજીવન કરવામાં આવે છે? “દેવના ઈસ્રાએલ” એટલે કે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે તેઓને. તેઓ ‘સદા પ્રભુ ઈસુ સાથે’ સ્વર્ગમાં રાજ કરશે. (ગલાતી ૬:૧૬; ૧ થેસ્સાલોનીકી ૪:૧૭) બાઇબલ એને ‘પહેલું પુનરુત્થાન’ કહે છે. (પ્રકટીકરણ ૨૦:૬) આ પહેલું પુનરુત્થાન પૂરું થઈ ગયા પછી શું થશે? એ પછી યહોવાહ એ લાખો લોકોને જીવતા કરશે, જેઓને પૃથ્વી પર સદા સુખ-ચેનમાં જીવવાનો મોકો આપશે. તેથી, ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, આપણે બધાએ ‘પહેલા પુનરુત્થાનમાં’ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. પણ એ ખરેખર શું છે અને એ ક્યારે થાય છે?

સજીવન થશે ત્યારે “કેવાં શરીર ધારણ” કરશે?

૬, ૭. (ક) સ્વર્ગની આશા રાખે છે તેઓએ પહેલાં શું અનુભવવું પડશે? (ખ) સજીવન થયા પછી યહોવાહ તેઓને કેવું શરીર આપશે?

પાઊલે પહેલી વાર કોરીંથના મંડળને પત્ર લખ્યો ત્યારે આ સવાલ કર્યો: “મૂએલાંને શી રીતે ઉઠાડવામાં આવે છે? અને તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે છે?” પછી પાઊલ પોતે એનો જવાબ આપે છે: ‘પોતે જે વાવે છે તે જો મરે નહિ તો તે સજીવન પણ થાય નહિ. દેવ પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે. સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનાંનું જુદું.’—૧ કોરીંથી ૧૫:૩૫-૪૦.

તો પછી સ્વર્ગની આશા રાખે છે તેઓએ શું અનુભવવું પડશે? પાઊલની વાત પરથી જોવા મળે છે કે તેઓએ મરવું પડશે. એ પછી જ તેઓને સ્વર્ગમાં જવા મળશે. મરણ વખતે તેઓનું શરીર પાછું ધૂળમાં જાય છે. (ઉત્પત્તિ ૩:૧૯) પછી યહોવાહ નક્કી કરે ત્યારે તેઓને સજીવન કરવામાં આવશે અને તેઓ સ્વર્ગમાં રહી શકે એવું શરીર આપવામાં આવશે. (૧ યોહાન ૩:૨) યહોવાહ એ વખતે તેઓને અમર જીવન આપે છે. ઘણા લોકો માને છે એમ એ વરદાન જન્મથી મળતું નથી. એટલે પાઊલે કહ્યું કે “મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.” હા તેઓ મર્યા પછી ‘પહેલા પુનરુત્થાનમાં’ જીવતા થશે. તેઓને અમર જીવનનું વરદાન મળશે.—૧ કોરીંથી ૧૫:૫૦, ૫૩; ઉત્પત્તિ ૨:૭; ૨ કોરીંથી ૫:૧, ૨,.

૮. આપણે કેવી રીતે જાણીએ છીએ કે યહોવાહ ૧,૪૪,૦૦૦ને અનેક ધર્મોમાંથી પસંદ કરતા નથી?

પહેલા પુનરુત્થાનમાં કેટલા લોકોને સ્વર્ગમાં જીવવા મળશે? ફક્ત ૧,૪૪,૦૦૦. યહોવાહે તેઓને પસંદ કર્યા છે. ક્યારે? ઈસુને સજીવન કરવામાં આવ્યા એના થોડા સમય પછી પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં. દરેકના “કપાળ પર તેનું [ઈસુનું] તથા તેના પિતાનું [યહોવાહનું] નામ લખેલું હતું.” (પ્રકટીકરણ ૧૪:૧,) એનો શું અર્થ થાય? તેઓને ઘણા ધર્મોમાંથી પસંદ કરવામાં આવ્યા નથી. બધાયે ઈસુની જેમ ફક્ત યહોવાહની જ ભક્તિ કરે છે અને બીજાઓને યહોવાહ વિષે શીખવે છે. તેઓને સ્વર્ગમાં સજીવન કરવામાં આવે છે ત્યારે યહોવાહ તેઓને જવાબદારી આપે છે. તેથી તેઓ કેટલા ખુશ છે કે પોતે યહોવાહ સાથે સ્વર્ગમાં રહીને તેમની સેવા કરી શકશે!

પહેલું પુનરુત્થાન અત્યારે થઈ રહ્યું છે?

૯. પ્રકટીકરણ ૧૨:૭ અને ૧૭:૧૪ની કલમો પ્રમાણે પહેલું પુનરુત્થાન લગભગ ક્યારે શરૂ થયું છે?

પહેલું પુનરુત્થાન ક્યારે શરૂ થયું? સાબિતી પ્રમાણે એવું લાગે છે કે એની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે એ ચાલી રહ્યું છે. કેવી રીતે એમ કહી શકીએ? ચાલો આપણે બાઇબલમાં પ્રકટીકરણના બે અધ્યાય તપાસીએ. પહેલા તો બારમા અધ્યાય પર નજર નાખીએ. એ જણાવે છે કે ઈસુ રાજગાદી પર બેઠા છે. સ્વર્ગદૂતો તેમની સાથે છે. તેઓ શેતાન અને તેના ખરાબ દૂતો સામે લડે છે. (પ્રકટીકરણ ૧૨:૭-૯) એ ક્યારે બન્યું? આ મૅગેઝિન ઘણી વાર સમજાવે છે તેમ, એ લડાઈ ૧૯૧૪માં શરૂ થઈ હતી. * સ્વર્ગની આ લડાઈમાં ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ખ્રિસ્તીઓમાંથી કોઈ ન હતું. હવે ૧૭મા અધ્યાય પર આપણે નજર નાખીએ. એમાં આપણે વાંચીએ છીએ કે ‘મહાન બાબેલોન’ એટલે કે બધા જૂઠા ધર્મોનો નાશ કર્યા પછી હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત, બધી સરકારોનો નાશ કરશે. એમાં એ પણ જોવા મળે છે કે “પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.” (પ્રકટીકરણ ૧૭:૫, ૧૪) “પસંદ કરેલા તથા વિશ્વાસુ” અભિષિક્ત ભાઈ-બહેનોને રજૂ કરે છે. આ બતાવે છે કે ઈસુ જૂઠા ધર્મો અને સરકારોનો નાશ કરશે ત્યારે તેઓ ઈસુ સાથે હશે. એનાથી સ્પષ્ટ થાય છે કે એ સમય સુધીમાં સ્વર્ગમાં તેઓનું પુનરુત્થાન થઈ ચૂક્યું હશે. તો પછી, આપણે કહી શકીએ કે જે અભિષિક્તો આર્માગેદન પહેલા ગુજરી ગયા હશે તેઓનું પુનરુત્થાન ૧૯૧૪ અને આર્માગેદનની વચ્ચે થાય છે.

૧૦, ૧૧. (ક) ૨૪ વડીલો કોણ છે? એમાંથી એક વડીલે યોહાનને શું જણાવ્યું? (ખ) એ જાણવાથી આપણે શું કહી શકીએ?

૧૦ પણ શું પહેલા પુનરુત્થાનના સમયને આપણે વધારે સ્પષ્ટ બનાવી શકીએ? હા. એ માટે ચાલો આપણે પ્રકટીકરણ ૭:૯-૧૫ની કલમો પર નજર નાખીએ. એમાં યોહાને પોતાના દર્શનમાં “કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા” જોઈ હતી. સ્વર્ગમાં ૨૪ વડીલોમાંથી એક વડીલ યોહાનને સમજાવે છે કે મોટી સભા કોણ છે. આ ૨૪ વડીલો કોને દર્શાવે છે? તેઓ ૧,૪૪,૦૦૦ ભાઈ-બહેનો છે જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. * (લુક ૨૨:૨૮-૩૦; પ્રકટીકરણ ૪:૪) જો કે, યોહાનને પણ સ્વર્ગમાં જવાની આશા હતી પરંતુ તેમણે આ દર્શન જોયું ત્યારે તે પૃથ્વી પર હતા. એમાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે યોહાન એવા અભિષિક્ત ભાઈ-બહેનોને રજૂ કરે છે જેઓ પૃથ્વી પર છે અને સ્વર્ગનું વરદાન મળ્યું નથી.

૧૧ યોહાનના દર્શનમાં એક વડીલ તેમને મોટી સભાની ઓળખ વિષે પણ માહિતી આપે છે. એમાંથી આપણે શું શીખી શકીએ? એવું લાગે છે કે ૨૪ વડીલોના ગ્રૂપમાંથી જેઓને સજીવન કરવામાં આવ્યા છે તેઓ આજે યહોવાહનો સંદેશો આપી રહ્યા છે. એ સમજવું શા માટે મહત્ત્વનું છે? કેમ કે ૧૯૩૫માં પૃથ્વી પરના અભિષિક્ત ભાઈ-બહેનોને મોટી સભાની ઓળખ વિષે પૂરી ખાતરી મળી. જો એવું હોય કે સ્વર્ગના ૨૪ વડીલોના ગ્રૂપમાંથી કોઈ એકને આ નવો સંદેશો જણાવવાનું કામ મળ્યું હોય, તો એ વડીલ ૧૯૩૫ સુધીમાં સજીવન થઈ ગયા હશે. એ જાણીને આપણે હવે કહી શકીએ કે પહેલું પુનરુત્થાન ૧૯૧૪થી ૧૯૩૫ની વચ્ચે શરૂ થયું. શું એ સમય વિષે હજી વધારે સ્પષ્ટ બની શકીએ?

૧૨. કઈ રીતે કહી શકીએ કે ૧૯૧૮ની વસંતઋતુમાં પહેલું પુનરુત્થાન શરૂ થયું હોય શકે?

૧૨ ચાલો આપણે બાઇબલમાં એક બીજા બનાવ પર નજર નાખીએ જે પહેલા પુનરુત્થાનની શરૂઆત વિષે વધુ પ્રકાશ ફેંકે છે. ઈસવીસન ૨૯ની પાનખર ઋતુમાં યહોવાહે પોતાના રાજ્યના રાજા તરીકે ઈસુને અભિષિક્ત કર્યા, એટલે પસંદ કર્યા. સાડા ત્રણ વર્ષ પછી, ઈસવીસન ૩૩ની વસંતઋતુમાં ઈસુને સ્વર્ગદૂતના શરીરમાં સજીવન કરવામાં આવ્યા. હવે એ બનાવનો ક્રમ આપણા સમય સાથે સરખાવી શકાય. ૧૯૧૪ની પાનખર ઋતુમાં ઈસુ યહોવાહના રાજ્યના રાજા બન્યા. ૧૯૧૪થી સાડા ત્રણ વર્ષ આગળ ગણીએ તો એ ૧૯૧૮ની વસંતઋતુ આવે છે. શું પહેલા પુનરુત્થાનની શરૂઆત ત્યારે થઈ હતી? કદાચ એ સાચું હોઈ શકે. બાઇબલ આ વિચાર સાફ બતાવતું નથી. પરંતુ બાઇબલની અમુક કલમો ચોક્કસ બતાવે છે કે ઈસુ રાજા બન્યા એના અમુક સમય પછી પહેલા પુનરુત્થાનની શરૂઆત થઈ.

૧૩. ૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૭ની કલમોથી આપણે કઈ રીતે કહી શકીએ કે ઈસુ રાજા બન્યા ત્યાર પછી પહેલા પુનરુત્થાનની શરૂઆત થઈ?

૧૩ પાઊલે લખ્યું કે “પ્રભુના આવતાં સુધી [એટલે તેમના રાજના અંત સુધી નહિ, પણ તેમનું રાજ શરૂ થાય ત્યારથી] આપણામાંનાં જેઓ જીવતાં રહેનારાં છે, તેઓ ઊંઘેલાંઓની પહેલાં જનારાં નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખ દૂતની વાણીસહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે; પછી આપણામાંનાં જેઓ જીવતાં રહેનારાં છીએ, તેઓ ગગનમાં પ્રભુને મળવા સારૂ તેઓની સાથે વાદળાંમાં તણાઈ જઈશું; અને એમ સદા પ્રભુની સાથે રહીશું.” (૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૭) આ બતાવે છે કે ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા એ પહેલા જે અભિષિક્તો ગુજરી ગયા હતા તેઓને સૌથી પહેલાં સજીવન કરવામાં આવ્યા. એ પછી ઈસુ રાજા બન્યા એ દરમિયાન જે અભિષિક્તો જીવતા હતા, તેઓ ગુજરી ગયા પછી સજીવન થવા લાગ્યા. એ શું બતાવે છે? એ જ કે ઈસુ રાજા બન્યા એના અમુક સમય પછી પહેલું પુનરુત્થાન શરૂ થયું અને હજી એ ચાલી રહ્યું છે. તેથી આપણે કહી શકીએ કે બધા અભિષિક્તોનું એક સાથે પુનરુત્થાન થતું નથી. એ અમુક સમય દરમિયાન થાય છે.

“તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો”

૧૪. (ક) પ્રકટીકરણ ૬ના બનાવો ક્યારે પૂરા થાય છે? (ખ) પ્રકટીકરણ ૬:૯નો શું અર્થ થાય?

૧૪ ચાલો આપણે પ્રકટીકરણના છઠ્ઠા અધ્યાયમાંથી અમુક પુરાવા જોઈએ. એમાં ઈસુ સફેદ ઘોડા પર સવાર છે. તે એક પછી એક જીત મેળવતા આગળ વધી રહ્યા છે. (પ્રકટીકરણ ૬:૨) બધા દેશો મોટા પાયા પર યુદ્ધો કરે છે. (પ્રકટીકરણ ૬:૪) આખી દુનિયામાં દુકાળ ફેલાયો છે. (પ્રકટીકરણ ૬:૫, ૬) જીવલેણ બીમારીઓ માણસજાત પર ત્રાટકી રહી છે. (પ્રકટીકરણ ૬:૮) ઘણાં વર્ષ પહેલા આ કહેવામાં આવ્યું હતું. તો ક્યારે આ બધું થયું? આપણે ઇતિહાસ જોઈએ તો ૧૯૧૪માં આવી હાલત જોવા મળી. આ સિવાય બીજો એક બનાવ પણ બની રહ્યો છે. પ્રકટીકરણમાં આગળ વાંચીએ તો બલિદાનની વેદીની આ વાત થાય છે: “દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને [જીવને] મેં વેદી તળે જોયા.” (પ્રકટીકરણ ૬:૯) એનો શું અર્થ થાય? આ સમજવા માટે આપણે જાણવું જોઈએ કે “શરીરનો જીવ રક્તમાં છે.” (લેવીય ૧૭:૧૧) તેથી મારી નાખવામાં આવેલાના જીવ વેદી નીચે છે, એ ઈસુને વફાદાર રહ્યાં હોય એવા ભાઈ-બહેનોના લોહીને રજૂ કરે છે. આ વફાદાર ભાઈ-બહેનોને મારી નાખવામાં આવ્યા કેમ કે તેઓ હિંમતથી ને હોંશથી પ્રચાર કરતા હતા.

૧૫, ૧૬. પ્રકટીકરણ ૬:૧૦, ૧૧ની કલમો કેવી રીતે પહેલા પુનરુત્થાનની વાત કરે છે?

૧૫ કાઈને ઈશ્વરભક્ત હાબેલનું ખૂન કર્યું ત્યારે હાબેલનું લોહી જાણે કે ભૂમિમાંથી યહોવાહને હાંક મારતું હતું. અભિષિક્ત ભાઈ-બહેનોને મારી નાખવામાં આવ્યા ત્યારથી તેઓનું લોહી પણ ઇન્સાફ માટે પોકારી રહ્યું છે. (ઉત્પત્તિ ૪:૧૦) “તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું, કે હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઈનસાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તું ક્યાં સુધી મુલતવી રાખીશ?” તો આના પછી શું થાય છે? બાઇબલ કહે છે: “પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી પેઠે માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો.”—પ્રકટીકરણ ૬:૧૦, ૧૧.

૧૬ શું શ્વેત ઝભ્ભા વેદી નીચે પડેલા લોહીને આપવામાં આવ્યા હતા? ના. પણ જેઓનું લોહી જાણે વેદી પર રેડવામાં આવ્યું હતું તેઓને શ્વેત ઝભ્ભા આપવામાં આવ્યા. શા માટે? કેમ કે તેઓ મરણ સુધી ઈસુને વફાદાર રહ્યા અને હવે તેઓને સ્વર્ગમાં સજીવન કરવામાં આવ્યા છે. આપણે કેવી રીતે એમ કહી શકીએ? પ્રકટીકરણ ૩:૫ કહે છે કે “જે જીતે છે તેને એ જ પ્રમાણે ઊજળાં વસ્ત્ર પહેરાવવામાં આવશે: અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ.” પ્રકટીકરણ ૪:૪ પણ કહે છે કે “ચોવીસ વડીલોને બેઠેલા મેં જોયા, તેઓએ ઊજળાં વસ્ત્ર પહેરેલાં હતાં; અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.” તેથી, યુદ્ધ, દુકાળ ને રોગો મોટા પાયે ચાલવા માંડ્યા ત્યારથી મૂએલા અભિષિક્ત ભાઈ-બહેનોનું પુનરુત્થાન શરૂ થઈ ચૂક્યું છે. એ મૂએલા અભિષિક્તો વેદીની નીચેના લોહીને રજૂ કરે છે અને સજીવન થયા પછી જાણે તેઓને શ્વેત ઝભ્ભા આપવામાં આવ્યા છે.

૧૭. જેઓને શ્વેત ઝભ્ભો મળે છે તેઓ કયા અર્થમાં “વિસામો” લેશે?

૧૭ સજીવન થયેલા આ અભિષિક્ત ભાઈ-બહેનોએ “વિસામો” કે આરામ લેવો પડશે. એનો શું અર્થ થાય? એ જ કે તેઓએ ધીરજથી યહોવાહના એ મહાન દિવસની રાહ જોવાની છે જ્યારે તે દુશ્મનો સામે બદલો લેશે. એ દરમિયાન તેઓના “સાથી સેવકો,” એટલે કે જે અભિષિક્ત ભાઈ-બહેનો હજી પૃથ્વી પર છે તેઓએ અગ્‍નિ-પરીક્ષા પાર કરવી પડશે અને યહોવાહને જ વળગી રહેવું પડશે. જ્યારે યહોવાહ ન્યાયનો મહાન દિવસ લાવશે ત્યારે એ ‘વિસામાનો’ અંત આવશે. (પ્રકટીકરણ ૭:૩) એ વખતે સજીવન થયેલા અભિષિક્તો દુષ્ટ લોકોનો નાશ કરવા ઈસુને મદદ કરશે. ખાસ કરીને એવા લોકોનો નાશ કરવા, જેઓએ યહોવાહના નિર્દોષ ભક્તોનું લોહી વહેવડાવ્યું છે.—૨ થેસ્સાલોનીકી ૧:૭-૧૦.

આ માહિતી કેવી રીતે આપણને લાગુ પડે છે?

૧૮, ૧૯. (ક) તમે કઈ રીતે કહી શકો કે પહેલું પુનરુત્થાન અત્યારે થઈ રહ્યું છે? (ખ) પહેલા પુનરુત્થાનની સમજણ મેળવીને તમને કેવું લાગે છે?

૧૮ પહેલું પુનરુત્થાન ક્યારે શરૂ થયું એની બાઇબલમાં કોઈ ચોક્કસ તારીખ નથી. પણ એ સમજાવે છે કે ૧૯૧૪માં ઈસુ રાજગાદીએ બેઠા ત્યાર પછી એની શરૂઆત થઈ. જે અભિષિક્ત ભાઈ-બહેનો ૧૯૧૪ પહેલાં ગુજરી ગયા તેઓને સૌથી પહેલા સજીવન કરવામાં આવ્યા હતા. ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા પછી જે અભિષિક્તો ગુજરી જાય છે તેઓ ‘આંખના પલકારામાં રૂપાંતર પામીને’ સ્વર્ગમાં જાય છે. (૧ કોરીંથી ૧૫:૫૨) પણ સવાલ ઊભો થાય છે કે આર્માગેદન પહેલાં દરેક અભિષિક્ત ભાઈ-બહેન સ્વર્ગમાં હશે? એ આપણે જાણતા નથી. પણ એક વાત ચોક્કસ છે કે યહોવાહે નક્કી કરેલા દિવસે બધા ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ભાઈ-બહેનો સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરશે.

૧૯ આપણે એ પણ જાણીએ છીએ કે આજે મોટા ભાગના અભિષિક્ત ભાઈ-બહેનો સ્વર્ગમાં ઈસુ સાથે છે. ફક્ત થોડા જ અભિષિક્તો પૃથ્વી પર છે. એ બતાવે છે કે યહોવાહનો મહાન દિવસ બહુ નજીક છે. યહોવાહ જલદી જ શેતાનની દુનિયાનો નાશ કરશે. શેતાનને કેદ કરવામાં આવશે. એ પછી યહોવાહ પૃથ્વી પર તેમના મૂએલા ભક્તોને ફરી જીવતા કરશે. પછી આદમે જેવું જીવન અને ક્ષમતા ગુમાવ્યા હતા એ તેઓને ઈસુની કુરબાનીને લીધે પાછા મળશે. તો આજે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ કે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી યહોવાહ પૂરી કરી રહ્યા છે. ખરેખર આપણે કહી શકીએ કે આ સમયે યહોવાહની ભક્તિ કરવા સિવાય જીવનમાં બીજું કંઈ જ મહત્ત્વનું નથી! (w 07 1/1)

[Footnotes]

^ ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા છે એની બાઇબલ આધારે સાબિતી મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૨૧૫-૨૧૭ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ આપણે કઈ રીતે જાણી શકીએ કે ૨૪ વડીલો અભિષિક્ત ભાઈ-બહેનોને દર્શાવે છે? એ વિષે વધારે જાણવા પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકનું પાન ૭૭ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

તમે સમજાવી શકો?

“પહેલું પુનરુત્થાન” ક્યારે શરૂ થયું એ જાણવા માટે નીચેની કલમો આપણને કઈ રીતે મદદ કરે છે?

પ્રકટીકરણ ૧૨:૭; ૧૭:૧૪

પ્રકટીકરણ ૭:૧૩, ૧૪

૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૭

પ્રકટીકરણ ૬:૨, ૯-૧૧

[Study Questions]

[Picture on page 28]

પૃથ્વી પર મોટા ભાગના મૂએલાઓને ફરી જીવતા કરવામાં આવે એ પહેલાં કોને સજીવન કરવામાં આવે છે?