સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યહોવાહનો મહાન દિવસ નજીક છે”

“યહોવાહનો મહાન દિવસ નજીક છે”

“યહોવાહનો મહાન દિવસ નજીક છે”

“યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.”—સફાન્યાહ ૧:૧૪.

૧, ૨. (ક) આપણે કયા ખાસ દિવસની રાહ જોઈએ છીએ? (ખ) આપણે કયા સવાલોના જવાબ હમણાં શોધવા જોઈએ? શા માટે?

 સપનાનો મહેલ સજી, કન્યા પોતાના લગ્‍નના દિવસો ગણે છે. જે માની કૂખમાં ફૂલ જેવું બાળક ખીલી રહ્યું છે, તે એનો જન્મ થાય એ દિવસની રાહ જુએ છે. થાકેલો-પાકેલો માણસ ક્યારે રજાઓ મળે એની રાહ જુએ છે. આ બધા એક સ્પેશિયલ દિવસની રાહ જુએ છે. એ દિવસે તેઓનું જીવન બદલાઈ જશે. ભલે તેઓના સંજોગો જુદા છે, છતાં એ બધાનાં દિલમાં લાગણીઓ ઉભરાઈ રહી છે. એ દિવસ ચોક્કસ આવી પહોંચશે. તેઓ એના માટે તૈયાર રહેવા માંગે છે.

આપણે પણ એક ખાસ દિવસની રાહ જોઈએ છીએ. એ “યહોવાહનો દિવસ” છે. (યશાયાહ ૧૩:૯; યોએલ ૨:૧; ૨ પીતર ૩:૧૨) એ ‘દિવસનો’ અર્થ શું થાય અને એનાથી લોકોનાં જીવનમાં કેવા ફેરફારો થશે? આપણે એ દિવસ માટે કેવી રીતે તૈયાર રહી શકીએ? એ સવાલોના જવાબ હમણાં શોધીએ, એમાં આપણું જ ભલું છે. આજકાલ બનતા બનાવો બતાવે છે કે બાઇબલના આ શબ્દો સો ટકા સાચા છે: “યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.”—સફાન્યાહ ૧:૧૪.

“યહોવાહનો મહાન દિવસ”

૩. “યહોવાહનો મહાન દિવસ” શું છે?

“યહોવાહનો મહાન દિવસ” શું છે? બાઇબલ પ્રમાણે એ દિવસે યહોવાહ પોતાના દુશ્મનોને સજા કરશે અને પોતાનું નામ મોટું મનાવશે. યહુદાહ અને યરૂશાલેમના બેવફા લોકો, બાબેલોન અને મિસરના જુલમી લોકો, એ બધા પર ‘યહોવાહનો દિવસ’ આવી પડ્યો હતો. એ દિવસે યહોવાહે તેઓનો ન્યાય કરીને સજા કરી હતી. (યશાયાહ ૨:૧, ૧૦-૧૨; ૧૩:૧-૬; યિર્મેયાહ ૪૬:૭-૧૦) તોપણ ‘યહોવાહનો સૌથી મહાન દિવસ’ તો હજુ આવનાર છે. યહોવાહનું નામ બદનામ કરનારાને એ “દિવસે” તે સજા કરશે. ‘મહાન બાબેલોનના’ નાશથી એ ‘દિવસની’ શરૂઆત થશે. એટલે કે જે ધર્મો સાચા ઈશ્વરનો માર્ગ શીખવતા નથી, તેઓનો નાશ થશે. એ દિવસનો અંત ક્યારે આવશે? આર્માગેદોનની લડાઈથી. બાકી રહેલા બધા દુષ્ટ લોકોનો આર્માગેદોનમાં નાશ થશે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૧૭:૫, ૧૫-૧૭; ૧૯:૧૧-૨૧.

૪. મોટા ભાગના મનુષ્યોએ શા માટે યહોવાહના આવનાર દિવસથી બીવું જોઈએ?

મોટા ભાગના મનુષ્યોએ આ ઝડપથી આવી રહેલા દિવસથી બીવું જોઈએ. શા માટે? યહોવાહ પોતાના ભક્ત સફાન્યાહ દ્વારા એનું કારણ આપે છે: ‘તે દિવસ કોપનો દિવસ, દુઃખ તથા સંકટનો દિવસ, ઉજ્જડપણાનો તથા વેરાનપણાનો દિવસ, અંધકારનો તથા ઝાંખનો દિવસ, વાદળાં તથા ગાઢ અંધકારનો દિવસ છે. હું માણસો ઉપર સંકટ લાવીશ, કેમ કે તેઓએ યહોવાહની વિરૂદ્ધ પાપ કર્યું છે.’—સફાન્યાહ ૧:૧૫, ૧૭.

૫. કેમ લાખો લોકો યહોવાહના આવનાર દિવસની કાગને ડોળે રાહ જુએ છે?

તોપણ બીજા લાખો લોકો એવા છે, જેઓ યહોવાહના આવનાર દિવસની કાગને ડોળે રાહ જુએ છે. તેઓને ખબર છે કે એ દિવસ તો ઈશ્વરને માર્ગે ચાલનારનું જીવન બચાવશે. યહોવાહ પોતાને એ દિવસે મહાન મનાવશે, પોતાનું નામ પવિત્ર મનાવશે. (યોએલ ૩:૧૬, ૧૭; સફાન્યાહ ૩:૧૨-૧૭) શું તમારે એ દિવસથી બીવું જોઈએ કે પછી એની રાહ જોવી જોઈએ? એ તો એના પર આધાર રાખે છે કે હમણાં આપણે કેવી રીતે જીવીએ છીએ. એ દિવસ આવતો જોઈને તમને કેવું લાગે છે? શું તમે એના માટે તૈયાર છો? એ દિવસ બારણે આવીને ઊભો છે, એ જોઈને શું તમારા જીવનમાં કોઈ ફેર પડે છે?

લોકો મજાક ઉડાવશે

૬. ‘યહોવાહના દિવસ’ વિષે મોટા ભાગના લોકોને કેવું લાગે છે? એ કેમ કંઈ નવાઈની વાત નથી?

આ સમય બધા માટે જીવન-મરણનો સવાલ છે. તોપણ ‘યહોવાહના દિવસ’ વિષે મોટા ભાગના લોકોના પેટનું પાણીયે હાલતું નથી. એના વિષે ચેતવણી આપનારાની તેઓ મશ્કરી કરે છે. પણ એમાં કંઈ નવાઈ નથી. આપણને ઈશ્વરભક્ત પીતરની આ ચેતવણી યાદ છે: ‘સૌ પ્રથમ તો છેલ્લા દિવસોમાં ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ ઊભા થશે. તેઓ દરેક જાતનાં ખોટાં કામો કરશે અને સત્યની મજાક ઉડાવશે. તેઓ કહેશે, “ઈસુએ પાછા આવવાનું વચન આપેલું તેનું શું થયું? તે આવ્યા કે નહિ? કેમ કે દુનિયાના આરંભથી જે હતું તે બધું આજે પણ તેવું ને તેવું જ છે.”’—૨ પિતર ૩:૩, ૪,IBSI.

૭. આપણે કઈ રીતે યહોવાહના દિવસ માટે હંમેશાં તૈયાર રહી શકીએ?

આપણે તેઓ જેવા ન બનીએ, પણ યહોવાહના દિવસ માટે હંમેશાં તૈયાર રહીએ. કઈ રીતે? ઈશ્વરભક્ત પીતર જણાવે છે: ‘તમારાં મનોને ચેતવણી આપીને સાવધ કરૂં છું; કે પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ જે વચનો કહેવામાં આવ્યાં હતાં, તેઓનું, પ્રભુ અને તારનારે તમારા પ્રેરિતોની મારફતે આપેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.’ (૨ પીતર ૩:૧, ૨) આપણે અગાઉથી મળેલી ચેતવણીને ધ્યાન આપીએ. એમ કરવાથી આપણે સમય અને સંજોગોને યહોવાહની નજરે જોઈ શકીશું. ભલે આ બધું વારંવાર સાંભળ્યું હોય, તોપણ આપણે પહેલાં કરતાં હમણાં આ ચેતવણીઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.—યશાયાહ ૩૪:૧-૪; લુક ૨૧:૩૪-૩૬.

૮. અમુક લોકો કેમ બાઇબલની ચેતવણીને ધ્યાન આપતા નથી?

અમુક લોકો કેમ આ ચેતવણીને ધ્યાન આપતા નથી? ઈશ્વરભક્ત પીતર કહે છે કે ‘તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી; તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું.’ (૨ પીતર ૩:૫, ૬) આજે ઘણા તો એવું ચાહે છે કે યહોવાહનો દિવસ આવે જ નહિ તો સારું. તેઓ પોતાના જીવનમાં કોઈ જ ફેરફાર કરવા માંગતા નથી. તેઓને તો પોતાની મરજી પ્રમાણે જીવવું છે, પણ પોતાનાં ‘ખોટાં કામોનો’ કોઈ હિસાબ યહોવાહને આપવો નથી. સાચે જ તેઓ મન ફાવે એમ જીવે છે!

૯. નુહ અને લોતના જમાનામાં લોકોએ શાના પર ધ્યાન ન આપ્યું?

મજાક ઉડાવનારા લોકો “જાણીજોઈને” કબૂલ કરતા નથી કે યહોવાહ પહેલાં પણ દુનિયામાં ફેરફારો લાવ્યા છે. ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વરભક્ત પીતર એવા બે બનાવો વિષે જણાવે છે. એ છે ‘નુહના દિવસો’ અને ‘લોતના દિવસો.’ (લુક ૧૭:૨૬-૩૦; ૨ પીતર ૨:૫-૯) નુહના જમાનામાં પાણીનો મોટો પ્રલય આવ્યો, પણ લોકોએ ચેતવણી માની નહિ. એ જ રીતે સદોમ અને ગમોરાહનો વિનાશ થયો એ અગાઉ, લોત “ઠઠ્ઠા [મજાક] કરતો હોય એમ” તેના જમાઈઓને લાગ્યું.—ઉત્પત્તિ ૧૯:૧૪.

૧૦. જેઓ ચેતવણી માનતા નથી તેઓ વિષે યહોવાહને કેવું લાગે છે?

૧૦ આજે પણ લોકો એવા જ છે. જે લોકો માનતા નથી તેઓ વિષે યહોવાહને કેવું લાગે છે? તે કહે છે: “જે માણસો દ્રાક્ષારસના ઠરી ગએલા રગડાની પેઠે એશઆરામ ભોગવીને પોતાના મનમાં કહે છે, કે યહોવાહ તો ભલું નહિ કરે તેમ ભૂંડુંએ નહિ કરે, તેઓને હું શિક્ષા કરીશ. તેમનું ધન લૂંટાઈ જશે, ને તેમનાં ઘરો ઉજ્જડ થઈ જશે; હા, તેઓ ઘરો બાંધશે, પણ તેઓમાં રહેવા પામશે નહિ; તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે, પણ પોતે તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.” (સફાન્યાહ ૧:૧૨, ૧૩) ભલે લોકો પોતાનાં જીવનમાં ‘બીઝી’ હોય, પણ એનાં મીઠાં ફળ કાયમ મળશે નહિ. તેઓની મહેનતમાં કંઈ બરકત નહિ હોય. કેમ નહિ? યહોવાહનો દિવસ અચાનક આવી પડશે. તેઓએ ભેગી કરેલી મિલકત કંઈ જ કામ નહિ આવે!—સફાન્યાહ ૧:૧૮.

“તેની વાટ જો”

૧૧. આપણે કઈ શિખામણ માનવી જોઈએ?

૧૧ આપણે દુનિયાના લોકો જેવા ન બનીએ. આપણે ઈશ્વરભક્ત હબાક્કૂકે લખેલી શિખામણ માનીએ: “એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ; જોકે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જો; કેમ કે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.” (હબાક્કૂક ૨:૩) આપણને કદાચ થાય કે હજુ કેટલી વાર? પણ આપણે કદી ન ભૂલીએ કે યહોવાહ વચન પાળવામાં ધીમા નથી. મનુષ્યો ધારતા પણ નહિ હોય ત્યારે, તેમનો દિવસ ચોક્કસ સમયે આવશે.—માર્ક ૧૩:૩૩; ૨ પીતર ૩:૯, ૧૦.

૧૨. ઈસુએ શાના વિષે ચેતવણી આપી? ઈસુને પગલે ચાલનારા કેવી રીતે જુદા છે?

૧૨ ઈસુએ પણ યહોવાહના દિવસની ધીરજથી રાહ જોવા પર ભાર મૂક્યો હતો. તેમણે ચેતવણી આપી કે અમુક શિષ્યો પણ અધીરા બનશે. તેમણે જણાવ્યું કે “જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, કે મારા ધણીને આવતાં વાર છે; અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની [દારૂડિયાની] સાથે ખાવાપીવા લાગે; તો જે દહાડે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો ધણી આવશે, ને તે તેને કાપી નાખશે.” (માત્થી ૨૪:૪૮-૫૧) બીજી બાજુ, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરનો દાખલો લઈએ. તેઓ યહોવાહની નજરે સંજોગો જોઈને, ધીરજથી રાહ જુએ છે. તેઓ બનાવો પરથી સંજોગો પારખીને યહોવાહના દિવસ માટે તૈયાર રહ્યા છે. ઈસુએ પૃથ્વી પરની ‘પોતાની બધી સંપત્તિ’ તેઓના ભરોસે મૂકી છે.—માત્થી ૨૪:૪૨-૪૭.

તૈયાર રહેવાની જરૂર છે

૧૩. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તરત જ પગલાં લેવા તૈયાર રહેવું જોઈએ?

૧૩ પહેલી સદીમાં ઈસુના શિષ્યો માટે તૈયાર રહેવું બહુ જ જરૂરી હતું, કેમ કે જિંદગી ને મોતનો સવાલ હતો. ‘યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું જુએ’ ત્યારે, તેઓએ ત્યાંથી નાસી છૂટવાનું હતું. (લુક ૨૧:૨૦, ૨૧) ૬૬ની સાલમાં એમ જ બન્યું. એ વખતે તરત જ પગલાં લેવાની જરૂર હતી. એ બતાવતા ઈસુ કહે છે: “ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઊતરે; અને ખેતરમાં જે હોય તે પોતાનું લૂગડું લેવાને પાછો ન ફરે.” (માત્થી ૨૪:૧૭, ૧૮) ઇતિહાસ બતાવે છે કે બીજાં ચારેક વર્ષ સુધી તો યરૂશાલેમનો નાશ થયો ન હતો. તો પછી, કેમ ૬૬ની સાલમાં લોકોએ ઈસુના શબ્દો પ્રમાણે તરત જ નાસી છૂટવાનું હતું?

૧૪, ૧૫. પહેલી સદીમાં યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું જોઈને શિષ્યો તરત નાસી છૂટે એ કેમ બહુ જ જરૂરી હતું?

૧૪ ખરું કે રોમન લશ્કરે ૭૦ની સાલ સુધી યરૂશાલેમનો નાશ કર્યો ન હતો. પરંતુ એ ચાર વર્ષો યરૂશાલેમમાં રહેવું, એ લોઢાના ચણા ચાવવા બરાબર હતું. એ વર્ષો મારા-મારી ને હિંસાથી ભરેલાં હતાં. એક ઇતિહાસકાર એના વિષે કહે છે: ‘અંદરો-અંદરની લડાઈમાં કંઈ કેટલાયની કતલ થઈ. એ લોહીથી રંગાયેલો ખતરનાક સમય હતો. એમાં બેહદ નિર્દય કામો થયાં.’ રક્ષણ માટે યુવાનોને લશ્કરમાં ભરતી કરવામાં આવતા. દરરોજ ટ્રેનિંગ આપવામાં આવતી. જેઓ આવાં કડક પગલાં લેવા તૈયાર ન હતા, તેઓને દગાખોર ગણવામાં આવતા. જો ઈસુના શિષ્યો યરૂશાલેમમાં રોકાયા હોત, તો તેઓનો જીવ પણ જોખમમાં મૂકાઈ જાત.—માત્થી ૨૬:૫૨; માર્ક ૧૨:૧૭.

૧૫ ફક્ત યરૂશાલેમમાં જ નહિ, પણ ઈસુએ કહ્યું કે “જેઓ યહુદાહમાં હોય,” તેઓએ નાસી છૂટવાનું હતું. શા માટે એમ? રોમન લશ્કર યરૂશાલેમથી પાછું વળ્યું એના અમુક મહિના પછી, તેઓએ ફરીથી લડાઈ શરૂ કરી. ૬૭ની સાલમાં પહેલા તો ગાલીલ જીતી લીધું, પછીના વર્ષમાં યહુદાહ. આનાથી યરૂશાલેમની આજુબાજુ રહેતા લોકોમાં આતંક છવાઈ ગયો. યરૂશાલેમની અંદર રહેતા યહુદીઓ માટે પણ છટકી જવું આસાન ન હતું. શહેરના દરવાજે ચોકી-પહેરો હતો. જો કોઈ નાસી છૂટવાનો પ્રયત્ન કરે, તો એમ મનાતું કે તે દગો કરીને રોમનોનો દોસ્ત બને છે.

૧૬. આફતના સમયે બચી જવા માટે પહેલી સદીના શિષ્યોએ શું કરવાનું હતું?

૧૬ એ બધું જોતા સમજી શકાય કે ઈસુએ કેમ તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. શિષ્યોએ ઘરબાર, માલ-મિલકત પાછળ ખેંચાવાનું ન હતું. ઈસુની ચેતવણી પાળવા, તેઓએ “પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ” કરવાનો હતો. (લુક ૧૪:૩૩) જેઓ આજ્ઞા પાળીને તરત જ યરદનની પેલે પાર નાસી છૂટ્યા, તેઓ બચી ગયા.

આપણે કાયમ તૈયાર રહીએ

૧૭. યહોવાહના દિવસ માટે આપણે કેમ કાયમ તૈયાર રહેવું જોઈએ?

૧૭ બાઇબલ ચોખ્ખું જણાવે છે કે આપણે દુનિયાના અંતના સમયમાં જીવીએ છીએ. આપણે તન-મનથી કાયમ તૈયાર રહેવું જોઈએ. એક સૈનિકનો વિચાર કરો. લડાઈ ચાલતી ન હોય ત્યારે તેને બહુ ટેન્શન હોતું નથી. તોપણ તેણે લડવા માટે કાયમ તૈયાર રહેવું પડે છે. જો તૈયાર નહિ રહે અને અચાનક લડાઈમાં જવું પડે તો તેનું આવી બને. તેણે ભારે કિંમત ચૂકવવી પડી શકે. એ જ રીતે જો આપણે યહોવાહના દિવસ માટે કાયમ તૈયાર ન રહીએ, તો જ્યારે એ આવી પડશે ત્યારે ભારે કિંમત ચૂકવવી પડી શકે. (લુક ૨૧:૩૬; ૧ થેસ્સાલોનીકી ૫:૪) જો કોઈએ યહોવાહનો માર્ગ છોડી દીધો હોય તો પાછા ફરવાનો આ જ સમય છે.—સફાન્યાહ ૧:૩-૬; ૨ થેસ્સાલોનીકી ૧:૮, ૯.

૧૮, ૧૯. ‘યહોવાહનો દિવસ આવવાની’ રાહ જોવા આપણને શું મદદ કરી શકે?

૧૮ ઈશ્વરભક્ત પીતર ભલામણ કરે છે કે ‘યહોવાહનો દિવસ આવવાનો’ છે, એની આપણે ‘આતુર થઈને’ રાહ જોઈએ! એમ કરવા આપણને શું મદદ કરશે? એક તો આપણે “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં” મંડ્યા રહીએ. (૨ પીતર ૩:૧૧, ૧૨) એમ કરીશું તો ‘યહોવાહના દિવસની’ રાહ જોવા મદદ મળશે. “આતુરતાથી” ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, “ઝડપથી.” યહોવાહનો દિવસ આવે ત્યાં સુધીના સમયની ઝડપ તો આપણે વધારી શકતા નથી. પણ જો આપણે યહોવાહની ભક્તિમાં તન-મનથી લાગ્યા રહીશું તો સમયને જાણે પાંખો આવશે. આપણને ખબરેય નહિ પડે એમ સમય પસાર થઈ જશે.—૧ કોરીંથી ૧૫:૫૮.

૧૯ બાઇબલ વાંચીને એનાં વચનો પર વિચાર કરવાથી પણ આપણને તૈયાર રહેવા મદદ મળશે. પછી, આપણે યહોવાહના દિવસની ‘એ રીતે રાહ જોઈશું કે એ જલદી આવે.’ ‘આતુર થઈને એની રાહ જોઈશું, એની ખૂબ જ ઇચ્છા રાખીશું.’ (૨ પિતર ૩:૧૨, કોમન લેંગ્વેજ, ઇઝી ટુ રીડ વર્શન) બાઇબલમાં એવાં ઘણાં જ ભવિષ્યવચનો છે, જે યહોવાહના આવનાર દિવસ વિષે જણાવે છે. સાથે સાથે ‘યહોવાહની વાટ જોનારા’ પર તે કેવા આશીર્વાદો વરસાવશે, એ પણ જણાવે છે.—સફાન્યાહ ૩:૮.

૨૦. આપણે કઈ સલાહ દિલમાં ઉતારવી જોઈએ?

૨૦ ઈશ્વરભક્ત સફાન્યાહ આ અરજ કરે છે: “યહોવાહનો સખત ક્રોધ તમારા પર આવે, યહોવાહના કોપનો દિવસ તમારા પર આવી પડે, તે પહેલાં તમે એકઠા થાઓ, હા, એકત્ર થાઓ. હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહના હુકમોનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.” (સફાન્યાહ ૨:૧-૩) ચાલો આપણે આ સલાહ હમણાં જ દિલમાં ઉતારીએ.

૨૧. ૨૦૦૭ના વર્ષ માટે આપણે શું નક્કી કરવું જોઈએ?

૨૧ એટલે જ, ૨૦૦૭ના વર્ષ માટે આ વચન પસંદ થયું છે: “યહોવાહનો મહાન દિવસ નજીક છે.” આપણને સો ટકા ખાતરી છે કે “તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.” (સફાન્યાહ ૧:૧૪) “તે વિલંબ [મોડું] કરશે નહિ.” (હબાક્કૂક ૨:૩) આપણે એ દિવસની રાહ જોઈએ તેમ, ચાલો કાયમ તૈયાર રહીએ. આપણે જાણીએ છીએ કે હવે આ ભવિષ્યવચનો પૂરાં થવાની તૈયારીમાં જ છે! (w 06 12/15)

આપણે શું શીખ્યા?

• “યહોવાહનો મહાન દિવસ” શું છે?

• ઘણા આપણા સમય વિષેની ચેતવણીને કેમ ધ્યાન આપતા નથી?

• પહેલી સદીમાં ઈસુના શિષ્યોએ કેમ તરત પગલાં ભરવાની જરૂર હતી?

• આપણે કઈ રીતે યહોવાહના દિવસ માટે કાયમ તૈયાર રહી શકીએ?

[Study Questions]

[Blurb on page 11]

૨૦૦૭ના વર્ષનું વચન આ હશે: “યહોવાહનો મહાન દિવસ નજીક છે.”—સફાન્યાહ ૧:૧૪.

[Picture on page 9]

નુહના જમાનાની જેમ યહોવાહનો દિવસ આવશે ત્યારે, મશ્કરી કરનારાનાં મોં બંધ થઈ જશે

[Picture on page 10]

યરૂશાલેમને ‘ફોજોથી ઘેરાયેલું જોયું’ ત્યારે, ઈસુના શિષ્યો તરત નાસી છૂટ્યા