યહોવાહ પાસે ‘માગનારને તે પવિત્ર આત્મા’ આપે છે
યહોવાહ પાસે ‘માગનારને તે પવિત્ર આત્મા’ આપે છે
“જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?”—લુક ૧૧:૧૩.
૧. કેવા સમયે યહોવાહની મદદની આપણને ખાસ જરૂર હોય છે?
‘યહોવાહની મદદ વગર હું આ કસોટી કઈ રીતે સહી શકું?’ શું તમને કદીયે આવું લાગ્યું છે? યહોવાહના મોટા ભાગના ભક્તોને આવું લાગે છે. કદાચ તમને ખબર પડે કે તમને કોઈ મોટી બીમારી થઈ છે. કે પછી તમારા જીવનસાથી ગુજરી જાય. અથવા તો તમારી હસતી-રમતી જિંદગી પર ડિપ્રેશનનાં કાળાં વાદળ છવાઈ જાય. તમને થાય કે ‘આવાં દુઃખોનો સાગર તરી જવાની મારામાં તાકાત નથી. એ તો ફક્ત યહોવાહના “સર્વશ્રેષ્ઠ સામર્થ્ય” કે શક્તિથી જ હું ટકી રહ્યો છું.’—૨ કોરીંથી ૪:૭-૯, કોમન લેંગ્વેજ; ગીતશાસ્ત્ર ૪૦:૧, ૨.
૨. (ક) આજે યહોવાહના ભક્તોએ શું સહેવું પડે છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?
૨ આ દુનિયા શેતાનના હાથમાં છે. એમાં યહોવાહના ભક્તોએ ઘણી મુશ્કેલીઓ અને સતાવણીઓ સહેવી પડે છે. (૧ યોહાન ૫:૧૯) શેતાન આપણો શિકાર કરવા માંગે છે. “જેઓ દેવની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે,” તેઓને બેવફા બનાવવા તે આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) એટલે જ હમણાં આપણને યહોવાહનો પવિત્ર આત્મા કે તેમની શક્તિની બહુ જ જરૂર છે. આપણને એ મદદ પુષ્કળ મળતી રહે એ માટે શું કરવું જોઈએ? આપણે કેમ યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખી શકીએ કે તે આપણને ચોક્કસ જરૂરી મદદ અને હિંમત આપશે? આપણને આ સવાલોના જવાબ ઈસુએ આપેલા બે દાખલામાંથી મળશે.
પ્રાર્થના કરતા થાકો નહિ
૩, ૪. ઈસુએ કયો દાખલો આપ્યો અને એમાંથી પ્રાર્થના વિષે શું શીખવ્યું?
૩ ઈસુના એક શિષ્યે વિનંતી કરી કે ‘પ્રભુ, તું અમને પ્રાર્થના કરતા શીખવ.’ (લુક ૧૧:૧) એટલે ઈસુએ પોતાના શિષ્યોને બે દાખલા આપ્યા. પહેલો એક એવા માણસનો દાખલો, જેના ઘરે મહેમાન આવ્યા હતા. બીજો એવા પિતાનો જે પોતાના દીકરાનું સાંભળે છે. ચાલો આપણે એક પછી એક બંને દાખલામાંથી શીખીએ.
૪ ઈસુએ કહ્યું કે “તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે, કે મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ; કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી. તો શું, તે માંહેથી ઉત્તર આપતાં એમ કહેશે, કે મને તસ્દી ન દે: હમણાં બારણું બંધ છે, અને મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે; હું તો ઊઠીને તને આપી શકતો નથી? હું તમને કહું છું, કે તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને નહિ આપે, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને જોઈએ તેટલી રોટલી તેને આપશે.” પછી ઈસુએ જણાવ્યું કે પ્રાર્થના વિષે એમાંથી શું શીખી શકાય: “હું તમને કહું છું, કે માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારૂ ઉઘાડવામાં આવશે. કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ઠોકે છે તેને સારૂ ઉઘાડવામાં આવશે.”—લુક ૧૧:૫-૧૦.
૫. આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ એ વિષે ઈસુએ દાખલો આપીને શું શીખવ્યું?
૫ ઈસુએ આપેલો દાખલો બતાવે છે કે આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. એ દાખલામાં ઈસુ જણાવે છે કે માણસને તેના “આગ્રહને લીધે” એટલે કે વારંવાર માગતા રહેવાને લીધે જોઈતી ચીજ મળી. (લુક ૧૧:૮) અહીં “આગ્રહને લીધે” ભાષાંતર થયેલો મૂળ ગ્રીક શબ્દ બાઇબલમાં એક જ વાર આવે છે. એનો અર્થ થાય છે, “બેશરમ.” મોટે ભાગે આપણે કોઈ ખરાબ વ્યક્તિને બેશરમ કહીશું. પણ જ્યારે કોઈ સારું કામ કરવા વ્યક્તિ બેશરમ બનીને વારંવાર પ્રયત્ન કર્યા જ કરે, ત્યારે તેની હિંમતને દાદ દેવી પડે. ઈસુએ આપેલા દાખલામાં જેને ઘરે મહેમાન આવ્યા એ માણસ પણ એવો જ હતો. તેને જોઈતી ચીજ મળી ત્યાં સુધી માંગ્યા કરવામાં તેને શરમ આવી નહિ. ઈસુ એ દાખલો આપીને ઉત્તેજન આપે છે કે આપણે પણ એ જ રીતે પ્રાર્થના કરવી જોઈએ. યહોવાહ ચાહે છે કે આપણે વારંવાર ‘માગીએ, શોધીએ અને ઠોકીએ.’ પછી તે ચોક્કસ ‘માગનારને પવિત્ર આત્મા આપશે.’
૬. ઈસુના જમાનામાં મહેમાનની સંભાળ રાખવાનો કેવો રિવાજ હતો?
૬ ઈસુએ ફક્ત એ જ ન શીખવ્યું કે કેવી રીતે પ્રાર્થના કરવી. તેમણે તો એ પણ શીખવ્યું કે કેમ એ રીતે પ્રાર્થના કરવી જોઈએ. એ વધારે સારી રીતે સમજવા આપણે શું કરી શકીએ? ચાલો જોઈએ કે એ જમાનામાં કોઈના ઘરે મહેમાન આવે તો તેમની કેવી રીતે સંભાળ લેવામાં આવતી. બાઇબલમાં એવા ઘણા બનાવ આપ્યા છે. એ બનાવો જણાવે છે કે લોકોમાં, ખાસ કરીને યહોવાહના લોકોમાં મહેમાનની સારી રીતે સંભાળ રાખવાનો રિવાજ હતો. (ઉત્પત્તિ ૧૮:૨-૫; હેબ્રી ૧૩:૨) જે કોઈ એમ ન કરતું તેનું નામ બદનામ થતું. (લુક ૭:૩૬-૩૮, ૪૪-૪૬) એ ધ્યાનમાં રાખીને ઈસુએ આપેલો દાખલો ફરીથી વિચારીએ.
૭. ઈસુએ આપેલા દાખલામાંના માણસને પોતાના મિત્રને અડધી રાત્રે જગાડતા કેમ શરમ આવતી નથી?
૭ દાખલા પ્રમાણે વ્યક્તિને ત્યાં અડધી રાતે મહેમાન આવે છે. હવે એ માણસે મહેમાનને ખવડાવવું તો છે, પણ તેની પાસે “કંઈ નથી.” હવે પોતે શું કરે? ગમે એમ કરીને ગમે ત્યાંથી રોટલી તો લાવવી જ પડશે. એટલે તે શરમને એક બાજુએ મૂકીને, પોતાના મિત્રને જગાડે છે. તેને કહે છે કે “મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ.” જ્યાં સુધી તેને જોઈતી રોટલી મળતી નથી ત્યાં સુધી તે માગતો જ રહે છે. રોટલી મળ્યા પછી તેને શાંતિ થાય છે. હવે તે ઘરે આવેલા મહેમાનની સારી રીતે સંભાળ રાખી શકે છે.
જેટલી વધારે જરૂર હોય, એટલું વધારે માંગો
૮. આપણે કેમ યહોવાહ પાસે વારંવાર મદદ માંગતા રહેવું જોઈએ?
૮ આપણે કેમ વારંવાર પ્રાર્થના કરવી જોઈએ, એ વિષે આ દાખલો સરસ સમજાવે છે. જે માણસને ઘરે મહેમાન હતા, તેણે રોટલી ન મળી ત્યાં સુધી માંગ્યા જ કરી. તેને ખબર હતી કે રોટલી નહિ હોય તો પોતે મહેમાનની સારી રીતે સંભાળ નહિ રાખી શકે. (યશાયાહ ૫૮:૫-૭) એ જ રીતે યહોવાહની દિલથી ભક્તિ કરવા આપણે બનતું બધું જ કરવું છે. યહોવાહની મદદ કે પવિત્ર આત્મા વિના એ અશક્ય છે. એટલે આપણે યહોવાહની શક્તિ માટે પ્રાર્થના કરતા જ રહીએ છીએ. (ઝખાર્યાહ ૪:૬) એના વિના આપણે કંઈ જ નથી. (માત્થી ૨૬:૪૧) ઈસુએ આપેલા દાખલામાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે જો આપણે યહોવાહની શક્તિ પર જ પૂરો આધાર રાખતા હોઈશું તો એ માગતા જ રહીશું.
૯, ૧૦. (ક) દાખલો આપી સમજાવો કે આપણે કેમ યહોવાહની શક્તિ માટે પ્રાર્થના કરતા રહેવું જોઈએ? (ખ) આપણે કેવા સવાલો વિચારવા જોઈએ? શા માટે?
૯ ચાલો આપણે આજનો કોઈ સંજોગ લઈએ. માનો કે કુટુંબમાં કોઈ અડધી રાતે બીમાર પડી ગયું. શું આપણે તરત ડૉક્ટરને જગાડીશું? ના. જો કંઈ નાની-સૂની બીમારી હોય તો ડૉક્ટરને તકલીફ નહિ આપીએ. પણ જો કોઈને હાર્ટ ઍટેક આવે તો? તો તરત જ ડૉક્ટરને બોલાવીશું. નહિ બોલાવીએ તો જીવનું જોખમ છે! એમાં સારા ડૉક્ટરની મદદ જોઈએ જ. એ જ રીતે યહોવાહના ભક્તોનો જીવ ખતરામાં છે. ‘ગાજનાર સિંહની જેમ’ શેતાન આપણને ગળી જવા લાગ શોધે છે. (૧ પીતર ૫:૮) યહોવાહ સાથેનો આપણો નાતો તૂટે નહિ, એ માટે તેમની મદદ ખૂબ જરૂરી છે. જો આપણે તેમની મદદ નહિ માંગીએ તો જીવન જોખમમાં છે. એટલે એ મળે નહિ ત્યાં સુધી એના માટે વારંવાર પ્રાર્થના કરતા જ રહીએ. (એફેસી ૩:૧૪-૧૬) એમ કરીશું તો જ આપણને ‘અંત સુધી ટકવા’ માટે મદદ મળશે.—માત્થી ૧૦:૨૨; ૨૪:૧૩.
૧૦ એટલે એ જરૂરી છે કે આપણે થોડા થોડા સમયે આપણા અંતરમાં ડોકિયું કરીએ. પોતાને પૂછીએ કે ‘મારી પ્રાર્થનાઓ કેવી છે?’ જ્યારે આપણને પાક્કી ખાતરી થઈ જાય કે ‘યહોવાહની શક્તિ વગર મને ચાલશે જ નહિ,’ ત્યારે એ મળે નહિ ત્યાં સુધી માગ્યા જ કરીશું.
આપણે કેમ પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરી શકીએ?
૧૧. ઈસુએ પિતા-પુત્રના દાખલા પરથી પ્રાર્થના વિષે શું શીખવ્યું?
૧૧ ઈસુએ ઉપર આપેલા દાખલામાંથી આપણે પ્રાર્થના કરનાર વિષે શીખી ગયા. હવે આપણે ઈસુએ આપેલો બીજો દાખલો લઈએ. એમાં પ્રાર્થના સાંભળનાર, ઈશ્વર યહોવાહ વિષે શીખીશું. ઈસુ પૂછે છે કે “તમારામાંના કોઈ બાપની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઈંડું માગે તો શું તે તેને વીછુ આપશે? માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?”—લુક ૧૧:૧૧-૧૩.
૧૨. બાળકની વિનંતી સાંભળતા પિતાનો દાખલો ઈસુએ આપ્યો. એ કેવી રીતે બતાવે છે કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળવા તૈયાર છે?
૧૨ ઈસુએ આ દાખલામાં જણાવ્યું કે પિતા બાળકની વિનંતી સાંભળીને શું કરે છે. એના પરથી ઈસુ બતાવે છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે યહોવાહ શું કરશે. (લુક ૧૦:૨૨) હવે ચાલો આપણે બંને દાખલા સરખાવીએ. પહેલા દાખલામાં વ્યક્તિ મદદ કરવા રાજી ન હતી. જ્યારે કે બીજા દાખલામાંના પિતાની જેમ, યહોવાહને આપણા પર બહુ જ પ્રેમ છે. એટલે તે આપણને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. (ગીતશાસ્ત્ર ૫૦:૧૫) પછી ઈસુ સમજાવે છે કે યહોવાહ કેટલી હદે આપણને મદદ કરવા તૈયાર છે. તે જણાવે છે કે આદમથી વારસામાં મળેલા પાપને લીધે જન્મથી ‘ભૂંડો’ કે પાપી માણસ પણ પોતાના બાળકને જોઈતી ચીજો પૂરી પાડતો હોય છે. તો પછી, વિશ્વના માલિક યહોવાહ, દિલદાર ઈશ્વર પોતાના લોકો માટે શું નહિ કરે!—યાકૂબ ૧:૧૭.
૧૩. આપણે કેવી શ્રદ્ધાથી યહોવાહને પ્રાર્થના કરી શકીએ?
૧૩ આપણે એમાંથી શું શીખી શકીએ? એ જ કે આપણે જ્યારે યહોવાહ પાસે તેમની શક્તિની મદદ માંગીએ, ત્યારે તે ઉદાર હાથે આપે છે. (૧ યોહાન ૫:૧૪) આપણે વારંવાર માગીએ તોપણ, કદીયે યહોવાહ એવું નહિ કહેશે કે ‘મને હેરાન ન કર. હમણાં બારણું બંધ છે.’ (લુક ૧૧:૭) એને બદલે ઈસુએ તો જણાવ્યું કે “માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારૂ ઉઘાડવામાં આવશે.” (લુક ૧૧:૯, ૧૦) યહોવાહ ચોક્કસ ‘આપણી વિનંતીનો જવાબ આપશે.’—ગીતશાસ્ત્ર ૨૦:૯; ૧૪૫:૧૮.
૧૪. (ક) જ્યારે આપણા પર દુઃખો આવી પડે, ત્યારે કેવી શંકા મનને કોરી ખાઈ શકે? (ખ) આપણા પર દુઃખો આવે ત્યારે કેમ પૂરી શ્રદ્ધાથી યહોવાહ પાસે દોડી જવું જોઈએ?
૧૪ ઈસુએ આપેલા દાખલામાં પિતા બાળકની બહુ સંભાળ રાખે છે. તો પછી યહોવાહ આપણાં માબાપ કરતાં પણ કેટલી વધારે સંભાળ રાખનાર છે! એટલે આપણે કદીયે એમ ન વિચારીએ કે ‘મારા પર દુઃખ-તકલીફો આવે છે, કેમ કે યહોવાહ મારાથી નારાજ છે.’ આપણો જાની દુશ્મન, શેતાન એવું જ ચાહે છે કે આપણે એમ માનીને દુઃખની ચક્કીમાં પિસાયા કરીએ. બસ પોતાનો જ વાંક કાઢ્યા કરીએ. (અયૂબ ૪:૧, ૭, ૮; યોહાન ૮:૪૪) પરંતુ બાઇબલ ક્યાંય એવું શીખવતું નથી. પણ એ તો જણાવે છે કે યહોવાહ “દુષ્ટતાથી” કોઈની કસોટી કરતા નથી. (યાકૂબ ૧:૧૩) પોતાનાં બાળકોને જીવની જેમ ચાહનાર પિતા તેઓને નુકસાન થાય એવી કોઈ ચીજ-વસ્તુ નહિ આપે. એ જ રીતે યહોવાહ કસોટીઓ કે તકલીફો લાવતા નથી, જેનાથી આપણે દુઃખી થઈએ. યહોવાહ તો ‘તેમની પાસે માગનારને સારાં વાનાં કે દાન આપે છે.’ (માત્થી ૭:૧૧; લુક ૧૧:૧૩) આપણે યહોવાહની ભલાઈ, તેમનો પ્રેમ જેટલો વધારે અનુભવીશું, એટલી જ શ્રદ્ધાથી તેમની પાસે પ્રાર્થનામાં દોડી જઈશું. પછી આપણે પણ આ કવિની જેમ ગાઈશું કે ‘ઈશ્વરે ચોક્કસ મારૂં સાંભળ્યું છે; તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે.’—ગીતશાસ્ત્ર ૧૦:૧૭; ૬૬:૧૯.
યહોવાહની શક્તિ કઈ રીતે મદદ કરે છે?
૧૫. (ક) યહોવાહની શક્તિ વિષે ઈસુએ કેવું વચન આપ્યું? (ખ) યહોવાહ આપણને મદદ કરવા કઈ એક રીતે પોતાની શક્તિ આપે છે?
૧૫ ઈસુએ પોતાના મરણના થોડા સમય પહેલાં ઉપર આપેલા દાખલાઓ વિષે ફરીથી વાત કરી. યહોવાહની શક્તિ કે પવિત્ર આત્મા વિષે ઈસુએ શિષ્યોને જણાવ્યું: “હું બાપને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક [સહાયક] તમારી પાસે સદા રહેવા માટે આપશે.” (યોહાન ૧૪:૧૬) આ રીતે ઈસુએ વચન આપ્યું કે યહોવાહની શક્તિ તેઓને હંમેશાં મદદ કરશે. ફક્ત તેઓના સમય પૂરતી જ નહિ, આપણા સમયમાં પણ મદદ કરશે. કઈ એક રીતે આજે આપણે એનો અનુભવ કરી શકીએ? યહોવાહની શક્તિ આપણને કસોટી સહન કરવા મદદ કરે છે. ચાલો આપણે ઈશ્વરભક્ત પાઊલનો દાખલો લઈએ. તેમણે કેટલી બધી કસોટીઓ સહન કરી હતી. તેમણે કોરીંથના ભાઈ-બહેનોને જણાવ્યું કે કઈ રીતે યહોવાહે તેમને મદદ કરી હતી. આપણે પાઊલે લખેલા એ પત્રનો ટૂંકમાં વિચાર કરીએ.
૧૬. કઈ રીતે આપણી હાલત પણ પાઊલના જેવી હોય શકે?
૧૬ પહેલા તો પાઊલે ભાઈ-બહેનોને જણાવ્યું કે પોતાને “દેહમાં કાંટો” છે, એટલે કે તે કોઈક કસોટી સહન કરી રહ્યા છે. પછી તેમણે કહ્યું કે “તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિષે મેં ત્રણ વાર પ્રભુની [યહોવાહની] પ્રાર્થના કરી.” (૨ કોરીંથી ૧૨:૭, ૮) પાઊલે યહોવાહને કાલાવાલા કર્યા તોપણ તેમનું દુઃખ દૂર ન થયું. કદાચ તમે પણ કોઈક રીતે રાત-દિવસ દુઃખી થતા હોઈ શકો. પાઊલની જેમ પૂરી શ્રદ્ધાથી વારંવાર યહોવાહને આજીજી કરી હોય કે ‘હે યહોવાહ, આ દુઃખ દૂર કર.’ તોપણ એ દુઃખ તમારો પીછો છોડતું ન હોય. શું એનો અર્થ એ થાય કે યહોવાહ તમારી પ્રાર્થનાનો કંઈ જવાબ નથી આપતા કે મદદ નથી કરતા? એવું કદી નહિ બને! (ગીતશાસ્ત્ર ૧૦:૧, ૧૭) કેમ નહિ? ચાલો જોઈએ કે પાઊલ શું કહે છે.
૧૭. યહોવાહે પાઊલની પ્રાર્થનાનો કેવો જવાબ આપ્યો?
૧૭ ઈશ્વરભક્ત પાઊલને યહોવાહે આ જવાબ આપ્યો: “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમ કે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” એટલે પાઊલે કહ્યું, “ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ સારૂ ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.” (૨ કોરીંથી ૧૨:૯; ગીતશાસ્ત્ર ૧૪૭:૫) મૂળ ભાષામાં ‘ઉપર આવી રહે’ શબ્દોમાં કશા પર તંબૂ ઓઢાડ્યો હોય એવો અર્થ આવે છે. પાઊલ એમ કહેવા માગતા હતા કે ઈસુ દ્વારા યહોવાહની શક્તિ જાણે કે તંબૂની જેમ પાઊલને રક્ષણ આપતી હતી. આજે પણ યહોવાહ આપણી પ્રાર્થનાનો એવો જ જવાબ આપે છે. તે પોતાના દિલોજાન ભક્તોને જાણે પોતાના રક્ષણના તંબૂમાં આશરો આપે છે.
૧૮. આપણે કોની સહાયથી કસોટીઓ સહન કરી શકીએ છીએ?
૧૮ ભલે તંબૂ વરસાદ કે વાવાઝોડું રોકશે નહિ, પણ એમાં આશરો તો ચોક્કસ આપશે. એવી જ રીતે, ‘ખ્રિસ્તના પરાક્રમ’ વડે જે આશરો મળે છે, એનાથી દુઃખ-તકલીફો આવતા બંધ થઈ જતા નથી. પણ એનાથી આપણને જોઈતું રક્ષણ મળે છે, જેથી આપણે શેતાન અને તેની દુનિયાનાં જોખમોથી બચી જઈએ. (પ્રકટીકરણ ૭:૯, ૧૫, ૧૬) એટલે જો એવું લાગે કે કોઈ દુઃખ-તકલીફો તમારાથી ‘દૂર જતા’ નથી, તો નિરાશ ન થાઓ. તમારા આંસુ જોઈને યહોવાહનું દિલ પણ રડી ઊઠે છે. તે ‘તમારા પોકારનો અવાજ સાંભળે’ છે, તે ચોક્કસ તમને મદદ કરશે. (યશાયાહ ૩૦:૧૯; ૨ કોરીંથી ૧:૩, ૪) પાઊલે લખ્યું કે ‘ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.’—૧ કોરીંથી ૧૦:૧૩; ફિલિપી ૪:૬, ૭.
૧૯. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ અને શા માટે?
૧૯ શેતાનની દુનિયાના આ “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે,” એમાં નવાઈ નથી. (૨ તીમોથી ૩:૧) તોપણ યહોવાહના ભક્તો આવાં દુઃખોનો સાગર તરી જઈ શકે છે. કેવી રીતે? યહોવાહની શક્તિ અને મદદથી, જે તેઓને રક્ષણ આપે છે. યહોવાહ પોતાની શક્તિની ભીખ માગનારને મદદ કરવામાં કદી પાછા પડતા નથી. પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરનારને તે જરૂર મદદ કરે છે. એટલે જ ચાલો આપણે દરરોજ યહોવાહની મદદ માટે વિનંતી કરીએ.—ગીતશાસ્ત્ર ૩૪:૬; ૧ યોહાન ૫:૧૪, ૧૫. (w 06 12/15)
આપણે શું શીખ્યા?
• યહોવાહની શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ?
• આપણી પ્રાર્થના સાંભળીને યહોવાહ ચોક્કસ મદદ કરશે એવી શ્રદ્ધા કેમ રાખી શકીએ?
• કસોટીમાં યહોવાહની શક્તિ આપણને કેવી રીતે મદદ કરશે?
[Study Questions]
[Picture on page 13]
ઈસુએ વારંવાર માગનાર માણસનો દાખલો આપ્યો. એમાંથી આપણે શું શીખી શકીએ?
[Picture on page 14]
શું તમે વારંવાર યહોવાહની શક્તિ માગો છો?
[Picture on page 15]
બાળકની સંભાળ રાખનાર પિતાનો દાખલો આપણને યહોવાહ વિષે શું શીખવે છે?