સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કદર બતાવતા રહો

કદર બતાવતા રહો

કદર બતાવતા રહો

‘હે ઈશ્વર, તારા વિચારો કેટલા બધા મૂલ્યવાન છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!’—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૭.

૧, ૨. શા માટે આપણે બાઇબલની કદર કરવી જોઈએ? દાઊદે યહોવાહનાં વચનોની કેવી રીતે કદર બતાવી?

 યરૂશાલેમમાં યહોવાહના મંદિરમાં સમારકામ ચાલી રહ્યું હતું. એ વખતે પ્રમુખયાજક હિલ્કીયાહને બહુ મૂલ્યવાન વસ્તુ મળી આવી. એ શું હતું? “મુસાની મારફતે અપાએલા યહોવાહના નિયમોનું પુસ્તક,” જે લગભગ એ સમયથી ૮૦૦ વર્ષ પહેલાં લખાયું હતું. ઈશ્વરનો ડર રાખનાર યોશીયાહ રાજાને એ પુસ્તક આપવામાં આવ્યું ત્યારે તેમને કેવું લાગ્યું હશે? એ પુસ્તક જોઈને તે બહુ ખુશ થઈ ગયા. તેમણે તરત જ મંત્રી શાફાનને એ પુસ્તક મોટેથી વાંચવાનું કહ્યું.—૨ કાળવૃત્તાંત ૩૪:૧૪-૧૮.

આજે અબજો લોકો પોતાની ભાષામાં આખું કે અમુક ભાગોમાં બાઇબલ વાંચી શકે છે. શું એનાથી બાઇબલનું મહત્ત્વ ઘટી જાય છે? બિલકુલ નહિ! બાઇબલમાં સર્વશક્તિમાન પરમેશ્વરના જ વિચારો છે, જે આપણા ભલા માટે લખવામાં આવ્યા છે. (૨ તીમોથી ૩:૧૬) દાઊદે પરમેશ્વરનાં વચનો માટે કદર બતાવતા લખ્યું: “હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૭.

૩. શું બતાવે છે કે દાઊદને યહોવાહ અને તેમની ગોઠવણો માટે ઊંડી કદર હતી?

દાઊદે હંમેશાં યહોવાહ, તેમનાં વચનો અને ભક્તિ કરવાની તેમની ગોઠવણ વિષે કદર બતાવી. દાઊદે જે સુંદર ગીતોની રચના કરી, એમાં તેમની લાગણીઓ જોવા મળે છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૨૭:૪માં તેમણે લખ્યું: “યહોવાહ પાસે મેં એક વરદાન માંગ્યું છે, કે યહોવાહનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારૂં નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યાં કરૂં, અને તેના પવિત્રસ્થાનમાં તેનું ધ્યાન ધરૂં.” આ બતાવે છે કે દાઊદને યહોવાહના મંદિર માટે કેટલો લગાવ હતો, તે એની કેટલી કદર કરતા હતા. ખરેખર, દાઊદનો યહોવાહ સાથે ગાઢ સંબંધ હતો અને તે તેમના વિચારો પારખી શકતા હતા. દાઊદના વિશ્વાસને મજબૂત કરવા યહોવાહે જે પણ ગોઠવણ કરી હતી, એ માટે તે ઘણા આભારી હતા. તેમણે સત્યનાં દરેક વચનોને દિલમાં ઉતાર્યાં. એનાથી તેમની શ્રદ્ધા વધી. યહોવાહે કરેલી ગોઠવણની દાઊદે ઘણી કદર કરી. આપણા માટે સરસ દાખલો બેસાડ્યો!—ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧.

સત્યનો ખજાનો મળ્યો, એની કદર કરીએ

૪. ઈસુ શાને લીધે ‘પવિત્ર આત્માથી હરખાઈને’ બોલ્યા?

બાઇબલમાંથી ઈશ્વરનું જ્ઞાન મેળવવા મોટા પંડિત બનવાની જરૂર નથી. એનાથી તો લોકો ઘમંડી બની જાય છે. બાઇબલની સમજણ મેળવવા યહોવાહની કૃપા હોવી જરૂરી છે. યહોવાહ કોના પર કૃપા બતાવે છે? નમ્ર અને નેક દિલ લોકો પર, જેઓ સાચા ઈશ્વરને ઓળખવા માગે છે, તેમની દિલથી ભક્તિ કરવા ચાહે છે. (યોહાન ૧૭:૩; ૧ યોહાન ૫:૨૦) ઈસુ જાણતા હતા કે માણસોમાંથી અમુક સ્વર્ગમાં જવા પસંદ થયા છે. એટલે ‘પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યા કે, ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરૂં છું. જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તેં એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે.’—લુક ૧૦:૧૭-૨૧.

૫. ઈસુના શિષ્યો માટે પરમેશ્વરના રાજ્યનું જ્ઞાન અને એની સમજણ કેમ એક મોટો આશીર્વાદ હતો?

ઈસુએ દિલથી એ પ્રાર્થના કર્યા પછી પોતાના શિષ્યોને કહ્યું: “તમે જે જુઓ છો, તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે! કેમકે હું તમને કહું છું, કે તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા, પણ તેઓ તે જોવા પામ્યા નહિ; અને તમે જે સાંભળો છો! તે તેઓ સાંભળવા ચાહતા હતા, પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ.” ઈસુએ શિષ્યોને કહ્યું કે પરમેશ્વરના રાજ્ય વિષે તેઓને જે જ્ઞાન મળ્યું અને સમજણ આપવામાં આવી, એ એક મોટો આશીર્વાદ હતો. એવો આશીર્વાદ પહેલાના ઈશ્વરભક્તોને મળ્યો ન હતો! ઈસુના સમયના ‘જ્ઞાનીઓ તથા બુદ્ધિમાનોને’ પણ આ વાતની સમજણ ન હતી.—લુક ૧૦:૨૩, ૨૪.

૬, ૭. (ક) ઈશ્વરના સત્યની કદર કરવાનાં કારણો આપો. (ખ) યહોવાહના ભક્તો અને બીજા લોકોમાં શું ફરક છે?

આજે આપણે પરમેશ્વરનું સત્ય જાણીએ છીએ. એની કદર કરવા માટે ઘણાં કારણો છે. યહોવાહ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા પોતાના લોકોને બાઇબલની વધારે ઊંડી સમજણ આપી રહ્યા છે. (માત્થી ૨૪:૪૫; દાનીયેલ ૧૨:૧૦) અંતના સમય વિષે ઈશ્વરભક્ત દાનીયેલે લખ્યું: “ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.” (દાનીયેલ ૧૨:૪) ખરેખર આજે ઈશ્વરના જ્ઞાનની “વૃદ્ધિ” થઈ રહી છે. યહોવાહ આપણને ઘણી બધી રીતોએ બાઇબલની પુષ્કળ સમજણ આપે છે.

યહોવાહના ભક્તો પાસે બાઇબલ છે, એનું જ્ઞાન છે અને સમજણ છે. પણ મહાન બાબેલોન એટલે કે માણસોએ બનાવેલા ધર્મોના લોકો એ વિષે કંઈ જાણતા નથી. એટલે તેઓમાં ગૂંચવાડો છે, ભાગલા છે. ઘણા લોકો એનાથી તંગ થઈ ગયા છે. એની જંજીર તોડીને સાચી ભક્તિ તરફ ફરી રહ્યા છે. તેઓ નમ્ર દિલના લોકો છે, જેઓ “તેનાં [મહાન બાબેલોનના] પાપના ભાગીદાર” થવા કે ‘આવનાર અનર્થોનો’ ભાગ બનવા માંગતા નથી. આવા લોકોને યહોવાહ અને તેમના ભક્તો સાચા દિલથી મંડળમાં આવકારે છે.—પ્રકટીકરણ ૧૮:૨-૪; ૨૨:૧૭.

કદર કરનારા યહોવાહ તરફ ફરી રહ્યા છે

૮, ૯. હાગ્ગાય ૨:૭ના શબ્દો આજે કઈ રીતે પૂરા થઈ રહ્યા છે?

યહોવાહે અગાઉથી જણાવ્યું હતું કે આખી ધરતી પર તેમની ભક્તિ ફેલાશે. તેમણે પોતાના મંદિર વિષે ભાખ્યું: “હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ.” (હાગ્ગાય ૨:૭) આ ભવિષ્યવાણી અમુક રીતે હાગ્ગાયના સમયમાં પૂરી થઈ. એ સમયે બચી ગયેલા યહોવાહના લોકોએ યરૂશાલેમમાં ફરીથી મંદિર બાંધીને ત્યાં સાચી ભક્તિની શરૂઆત કરી. હાગ્ગાયની ભવિષ્યવાણી આજે પણ યહોવાહની ભક્તિને લઈને મોટા પાયે પૂરી થઈ રહી છે.

આજે લાખો લોકો દિલથી યહોવાહની ભક્તિ કરવા જાણે તેમના મંદિરમાં ભેગા થયા છે. દર વર્ષે બે લાખથી વધારે લોકો યહોવાહની ભક્તિ કરવા તેમના ભણી ફરી રહ્યા છે. બાઇબલ તેઓનું વર્ણન “સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ” તરીકે કરે છે. (યોહાન ૪:૨૩, ૨૪) દાખલા તરીકે, ૨૦૦૬ સેવા વર્ષનો અહેવાલ જણાવે છે કે દુનિયા ફરતે ૨,૪૮,૩૨૭ લોકોએ બાપ્તિસ્મા લીધું હતું. રોજ આશરે ૬૮૦ લોકો યહોવાહના ભક્ત બને છે! તેઓને ઈશ્વરના સત્ય માટે બહુ જ પ્રેમ છે. યહોવાહના રાજ્યનો પ્રચાર કરવાની તેઓમાં ખૂબ ધગશ છે. એ જ બતાવે છે કે યહોવાહે ખરેખર તેઓને પોતાની તરફ ખેંચ્યા છે.—યોહાન ૬:૪૪, ૬૫.

૧૦, ૧૧. લોકો બાઇબલ સત્યની કેવી કદર કરે છે એનો અનુભવ જણાવો.

૧૦ આવા નેક દિલના ઘણા લોકો શા માટે સત્ય તરફ ફરે છે? તેઓ “સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો ભેદ” સમજ્યા છે. (માલાખી ૩:૧૮) વોન અને વર્જિન્યાનો દાખલો લો. આ પતિ-પત્ની પહેલાં પ્રોટેસ્ટંટ ચર્ચમાં જતા હતા. તેઓને ધર્મને લગતા ઘણા સવાલો હતા, પણ મનને શાંતિ મળે એવા જવાબો મળ્યા ન હતા. તેઓને યુદ્ધથી ખૂબ જ નફરત હતી. તેઓ જોતા કે પાદરી સૈનિકો અને હથિયારો પર આશીર્વાદ આપે છે ત્યારે, તેઓ સાવ મૂંઝાઈ જતા. વર્જિન્યા ઘણાં વર્ષો સન્ડે સ્કૂલમાં ભણાવતી હતી. તેમ છતાં વર્ષો વીતતા ગયાં તેમ, તેઓએ જોયું કે ચર્ચમાં તેઓની કોઈ સંભાળ લેતું ન હતું. તેઓએ કહ્યું: ‘કોઈને અમારી પડી ન હતી. કોઈ અમને મળવા આવતું ન હતું. ઈશ્વરની ભક્તિ કરવા ચર્ચમાં જઈએ કે નહિ એની કોઈને પડી ન હતી. ચર્ચના પાદરીઓને તો બસ અમારા રૂપિયામાં જ રસ હતો. આ બધું જોઈને અમે બહુ નિરાશ થઈ ગયા હતા.’ સમાજમાં પુરુષ-પુરષ અને સ્ત્રી-સ્ત્રીની સાથે જાતીય સંબંધો રાખતા, તોપણ પાદરીઓએ આંખ આડા કાન કર્યા. એનાથી વોન અને વર્જિન્યાને સખત નફરત થઈ.

૧૧ એ સમય દરમિયાન વોન-વર્જિન્યાની પૌત્રી અને પછી તેઓની દીકરી યહોવાહના સાક્ષી બન્યા. પહેલાં તો વોન અને વર્જિન્યાને એ બિલકુલ ગમ્યું નહિ. પણ પછીથી તેઓએ પોતાનું મન બદલ્યું અને બાઇબલ સ્ટડી સ્વીકારી. વોન કહે છે, ‘અમે ૭૦ વર્ષોમાં જાણતા ન હતા એ બધું ફક્ત ત્રણ મહિનામાં શીખ્યા! અમે ક્યારેય સાંભળ્યું ન હતું કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. તેમના રાજ્ય વિષે અને સુંદર પૃથ્વી પર સુખ-શાંતિના જીવન વિષે તો અમે કંઈ જ જાણતા ન હતા.’ જલદી જ તેઓ મિટિંગો અને પ્રચારમાં જવા લાગ્યા. વર્જિન્યા કહે છે: ‘અમારે બધા લોકોને સત્ય જણાવવું છે.’ તેઓએ ૨૦૦૫માં બાપ્તિસ્મા લીધું. તેઓ બંનેની ઉંમર ૮૦ કરતાં વધારે હતી. તેઓ કહે છે: ‘હવે અમને સાચા ધર્મ અને પરિવારનો ખરો પ્રેમ મળ્યો છે.’

ઈશ્વરે ‘સર્વ સારાં કામ કરવા તૈયાર’ કર્યા, એની કદર કરીએ

૧૨. યહોવાહ પોતાના ભક્તોને શું પૂરું પાડે છે? આપણે એનો લાભ લેવા શું કરવું જોઈએ?

૧૨ યહોવાહ પોતાના ભક્તોને હંમેશાં મદદ કરે છે, જેથી તેઓ તેમની ઇચ્છા મુજબ ચાલી શકે. ઈશ્વરભક્ત નુહનો વિચાર કરો. યહોવાહે નુહને વહાણ બાંધવા સાદી અને સ્પષ્ટ માહિતી આપી હતી. આ એવું કામ હતું, જે પહેલાં કદી થયું ન હતું. એમાં કોઈ ભૂલ ના રહી જાય એનું પણ ધ્યાન રાખવાનું હતું. નુહે પણ એ કામમાં કોઈ કચાસ ન છોડી. “નુહે એમ જ કર્યું; દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.” (ઉત્પત્તિ ૬:૧૪-૨૨) આજે પણ યહોવાહ પોતાની ઇચ્છા મુજબ ચાલવા પોતાના ભક્તોને પૂરેપૂરી મદદ કરે છે. તેઓને તૈયાર કરે છે. આપણું ખાસ કામ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવાનો છે. નેક દિલના લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરવાની છે. એ માટે યહોવાહ બાઇબલ અને પોતાના સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે. આપણે એ પ્રમાણે જ કરીએ. યહોવાહના કહેવા પ્રમાણે ચાલીશું તો નુહની જેમ આપણે પણ સફળ થઈશું.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.

૧૩. યહોવાહ આપણને કેવી રીતે શીખવે છે?

૧૩ આપણે સારી રીતે પ્રચાર કરવા બાઇબલને ‘સ્પષ્ટતાથી સમજાવતા’ શીખવું જોઈએ. બાઇબલ ‘બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.’ (૨ તીમોથી ૨:૧૫; ૩:૧૬, ૧૭) પ્રથમ સદીની જેમ, આજે પણ યહોવાહ મંડળ દ્વારા તેમના લોકોને શીખવે છે. આજે દુનિયાભરમાં ૯૯,૭૭૦ મંડળો છે. એમાં દર અઠવાડિયે દેવશાહી સેવા શાળા અને સેવા સભા રાખવામાં આવે છે. એમાં આપણને પ્રચાર કામ કેવી રીતે કરવું, એ માટે મદદ મળે છે. આપણે નિયમિત મિટિંગોમાં જઈએ, એમાંથી શીખેલી બાબતો જીવનમાં લાગુ પાડીએ એ કેટલું જરૂરી છે. એમ કરીને આપણે મિટિંગો માટે કદર બતાવીએ છીએ.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૧૪. યહોવાહે સોંપેલા કામને આશીર્વાદ ગણીને, તેમના ભક્તો કેવી રીતે કદર બતાવે છે?

૧૪ દુનિયા ફરતે લાખો ઈશ્વરભક્તો એવી મદદની કદર બતાવે છે. કેવી રીતે? તન-મનથી પ્રચાર કરીને. દાખલા તરીકે, ૨૦૦૬ સેવા વર્ષમાં ૬૭,૪૧,૪૪૪ પ્રકાશકોએ અનેક રીતે પ્રચાર કરવામાં ૧,૩૩,૩૯,૬૬,૧૯૯ કલાક ગાળ્યા હતા. એમાં ૬૨,૮૬,૬૧૮ બાઇબલ સ્ટડીઓ પણ ચલાવી હતી. પહેલી સદીના ભાઈ-બહેનોએ પ્રચાર કામમાં થયેલા વધારા વિષે જાણ્યું ત્યારે, તેઓને ખૂબ ઉત્તેજન મળ્યું. આજે થઈ રહેલા વધારા વિષે જાણીને આપણને પણ ખૂબ ઉત્તેજન મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫; ૨:૫-૧૧, ૪૧, ૪૭; ૪:૪; ૬:૭.

૧૫. યહોવાહની તન-મનથી ભક્તિ કરતા હોઈએ તો, શું યાદ રાખવું જોઈએ?

૧૫ દર વર્ષે લાખો લોકો પૂરા ઉમંગથી યહોવાહની ભક્તિ કરે છે. તેઓ યહોવાહના ભક્તો હોવાને મોટો આશીર્વાદ ગણે છે. એટલું જ નહિ પણ પ્રચાર કામની કદર કરે છે. (યશાયાહ ૪૩:૧૦) ખરું કે આપણામાંના અમુક ઘડપણ કે બીમારીને કારણે લાચાર બની જઈએ છીએ. યહોવાહની ભક્તિમાં જે કંઈ કરીએ એ વિધવાની બે દમડી જેટલું લાગી શકે. પણ આપણે હંમેશા યાદ રાખીએ કે તન-મનથી ઈશ્વરની ભક્તિ કરવા બનતું બધું કરીએ છીએ ત્યારે એની યહોવાહ અને ઈસુ બહુ કદર કરે છે.—લુક ૨૧:૧-૪; ગલાતી ૬:૪.

૧૬. લોકોને બાઇબલમાંથી શીખવવા છેલ્લાં થોડાંક વર્ષોમાં કયાં પુસ્તકો બહાર પાડવામાં આવ્યાં?

૧૬ યહોવાહ પોતાના સંગઠન દ્વારા આપણને પ્રચારકામ માટે તૈયાર કરે છે. બાઇબલ સ્ટડી ચલાવવા સરસ પુસ્તકો બહાર પાડીને પણ મદદ કરે છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં બહાર પડેલાં અમુક પુસ્તકોનો વિચાર કરો: સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે, તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે અને હમણાં બહાર પડેલું પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક. આની દિલથી કદર કરનારા પ્રચારમાં એ પુસ્તકોનો સારો ઉપયોગ કરે છે.

બાઇબલ શીખવે છે પુસ્તકનો સારો ઉપયોગ કરો

૧૭, ૧૮. (ક) પ્રચાર કામમાં બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી કયા વિષય પર ચર્ચા કરવાનું તમને ગમે છે? (ખ) બાઇબલ શીખવે છે પુસ્તક વિષે એક સરકીટ ઓવરસિયરે શું કહ્યું?

૧૭ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાં ૧૯ પ્રકરણ અને વધારાની માહિતી છે. આ પુસ્તક સાદી અને સહેલાઈથી સમજી શકાય એવી ભાષામાં છે. એ પ્રચારકામ માટે એક મોટો આશીર્વાદ છે. દાખલા તરીકે, બારમું પ્રકરણ આ વિષય પર ચર્ચા કરે છે, “ઈશ્વરને માર્ગે ચાલો.” એ સમજાવે છે કે બાઇબલ સ્ટડી કરનાર ઈશ્વરના મિત્ર બની શકે. જ્યારે કે આજે ઘણા લોકો માને છે કે એ તો શક્ય જ નથી. (યાકૂબ ૨:૨૩) બાઇબલમાંથી શીખવતા આ પુસ્તક વિષે લોકોને કેવું લાગે છે?

૧૮ ઑસ્ટ્રેલિયામાં એક સરકીટ ઓવરસિયરે બાઇબલ શીખવે છે પુસ્તક વિષે આમ કહ્યું: ‘આ પુસ્તક એટલું સરસ છે કે એને જોતા જ લોકો વાત કરવા લાગે છે. આ પુસ્તક વાપરવું એટલું સહેલું છે કે એને લીધે ઘણા ભાઈ-બહેનોને પ્રચાર કરવામાં હિંમત મળી છે. તેઓને બહુ મઝા આવે છે. ઘણા તો એ પુસ્તકને સોના જેવું કીમતી માને છે!’

૧૯-૨૧. બાઇબલ શીખવે છે પુસ્તકથી થયા હોય એવા સરસ અનુભવો જણાવો.

૧૯ ગાયાના દેશમાં એક પાયોનિયર ભાઈ પ્રચાર કરતા કરતા એક સ્ત્રીની દુકાને ગયા. ભાઈને જોતા જ તે બોલી ઊઠી: “ઈશ્વરે જ તમને મોકલ્યા છે.” આ સ્ત્રી લગ્‍ન કર્યા વગર એક માણસ સાથે રહેતી હતી. તેઓનાં બે બાળકો હતાં. પણ એ માણસ તે સ્ત્રી અને બંને બાળકોને મૂકીને જતો રહ્યો. પાયોનિયર ભાઈએ બાઇબલ શીખવે છે પુસ્તકનું પહેલું પ્રકરણ ખોલ્યું. “અન્યાય જોઈને ઈશ્વરને કેવું લાગે છે?” મથાળા નીચે અગિયારમો ફકરો મોટેથી વાંચી સંભળાવ્યો. ભાઈ કહે છે, “એનાથી પેલી સ્ત્રીનું હૈયું ભરાઈ આવ્યું. તે દુકાનની પાછળ જઈને પોક મૂકીને રડી.” આ સ્ત્રી ત્યાંની એક બહેન સાથે બાઇબલ સ્ટડી કરવા તૈયાર થઈ. હવે તે સારી પ્રગતિ કરે છે.

૨૦ સ્પેઇનમાં રહેતા જૉસનો વિચાર કરો. એક ઍક્સિડન્ટમાં તેમની પત્નીનું મોત થયું. તે ગમમાં ડૂબી ગયા. ડ્રગ્સનો સહારો લીધો. સાઇકોલૉજિસ્ટની પણ મદદ લીધી. જૉસને એક સવાલ પરેશાન કરતો હતો, ‘શા માટે ઈશ્વરે મારી પત્નીને છીનવી લીધી?’ એનો જવાબ સાઇકોલૉજિસ્ટ પણ આપી શક્યા નહિ. એક દિવસ જૉસ કંપનીમાં સાથે કામ કરતા ફ્રાન્સીસને મળ્યા. ફ્રાન્સીસ તેમની સાથે બાઇબલ શીખવે છે પુસ્તકના અગિયારમા પ્રકરણની ચર્ચા કરવા લાગ્યા. એનો વિષય છે, “ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?” એમાં બાઇબલને આધારે આપેલી સમજણ તથા શિક્ષક અને વિદ્યાર્થીના દાખલો જૉસને ગમી ગયા. તેમણે બાઇબલ સ્ટડી શરૂ કરી. સરકીટ સંમેલનમાં પણ ગયા. હવે તે ત્યાંના યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલની મિટિંગોમાં જાય છે.

૨૧ પોલૅન્ડના રોમન નામના માણસનો દાખલો જોઈએ. તે ૪૦ વર્ષના છે અને તેમનો પોતાનો વેપાર ચાલે છે. તેમને બાઇબલ માટે બહુ જ માન. પણ તે વેપારમાં ડૂબેલા હોવાથી બાઇબલ સ્ટડી કરી શકતા ન હતા. તોપણ તે સમય કાઢીને ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ગયા અને બાઇબલ શીખવે છે પુસ્તક મેળવ્યું. એ પછી તો તે ઘણા બદલાઈ ગયા. તે કહે છે: ‘આ પુસ્તક બાઇબલનું શિક્ષણ એટલું સરસ રીતે રજૂ કરે છે કે એ ગળે ઉતારવું સહેલું થાય છે.’ રોમન હવે નિયમિત બાઇબલ સ્ટડી કરે છે. તે સારી પ્રગતિ કરી રહ્યા છે.

કદર કરતા રહો

૨૨, ૨૩. આપણને ઈશ્વરે જે આશા આપી છે એની કેવી રીતે કદર બતાવતા રહીએ?

૨૨ “જલદી જ આપણો બચાવ” ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં સમજાવ્યું હતું તેમ આપણે ‘સનાતન ઉદ્ધારની’ રાહ જોઈએ છીએ. એટલે કે યહોવાહ આ દુષ્ટ જગતમાંથી જલદી જ આપણો બચાવ કરશે. યહોવાહે એ વચન આપ્યું છે. ઈસુ ખ્રિસ્તની કુરબાનીથી એ શક્ય બનાવ્યું છે. એની કદર બતાવવા આપણે શું કરવું જોઈએ? ‘આપણા હૃદયને શુદ્ધ કરતા રહીએ, જેથી આપણે જીવતા ઈશ્વરને ભજી શકીએ.’—હેબ્રી ૯:૧૨, ૧૪.

૨૩ આજે દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે. લોકોને બસ પોતાની જ પડી છે. આવા માહોલમાં પણ ૬૦ લાખથી વધારે લોકો કોઈ સ્વાર્થ વગર ઈશ્વરના રાજનો પ્રચાર કરી રહ્યા છે. સાચા દિલથી ઈશ્વરને ભજે છે. શું એ ચમત્કાર નથી? આ બતાવે છે કે યહોવાહની ભક્તિ કરવાનો જે લહાવો મળ્યો છે એની તેઓ ખૂબ કદર કરે છે. તેઓ જાણે છે કે ‘પ્રભુની સેવા માટે પોતે જે કંઈ કરે છે એ નકામું નથી.’ તો ચાલો આપણે કદર કરતા રહીએ.—૧ કોરીંથી ૧૫:૫૮, પ્રેમસંદેશ; ગીતશાસ્ત્ર ૧૧૦:૩. (w 07 2/1)

કેવો જવાબ આપશો?

• યહોવાહ અને તેમની ભક્તિ કરવાની ગોઠવણો માટે કદર બતાવવા વિષે દાઊદ શું શીખવે છે?

હાગ્ગાય ૨:૭ના શબ્દો આજે કઈ રીતે પૂરા થઈ રહ્યા છે?

• યહોવાહની ભક્તિ કરવા તે આપણને કેવી રીતે મદદ કરે છે?

• યહોવાહના આશીર્વાદોની કદર કરવા આપણે શું કરી શકીએ?

[Study Questions]

[Pictures on page 29]

યહોવાહ આપણને તેમની ઇચ્છા પૂરી કરવા તૈયાર કરે છે