સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બધાને બાઇબલનું સત્ય શીખવીએ

બધાને બાઇબલનું સત્ય શીખવીએ

બધાને બાઇબલનું સત્ય શીખવીએ

‘સર્વ દેશનાઓને શિષ્ય કરો; તેઓને શીખવતા જાઓ.’—માત્થી ૨૮:૧૯, ૨૦.

૧. બાઇબલ વિષે શું કહી શકીએ?

 યહોવાહ ઈશ્વરે બાઇબલ આપ્યું છે. એ તેમની વાણી છે. આખી દુનિયામાં એ સૌથી જાણીતું અને માનીતું છે. આખું બાઇબલ કે એના અમુક ભાગનું ભાષાંતર ૨,૩૦૦ કરતાં વધારે ભાષાઓમાં થયું છે. આજે ૯૦ ટકાથી વધારે લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચી શકે છે.

૨, ૩. (ક) બાઇબલ વિષે કેમ આટલી બધી ગૂંચવણ છે? (ખ) કેવા સવાલો પર ચર્ચા કરીશું?

લાખો લોકો દરરોજ બાઇબલ વાંચે છે. ઘણાએ આખું બાઇબલ વાંચ્યું છે. અરે, ઘણાએ તો અનેક વાર વાંચ્યું છે. હજારો પંથોનો દાવો છે કે તેઓ બાઇબલનું કહેવું માને છે. પણ હકીકત કંઈ જુદું જ બતાવે છે. દુનિયામાં જ્યાં જુઓ ત્યાં તેઓ એક જ પંથના હોવા છતાં, અંદરો-અંદર લડે છે. લોકો બાઇબલ વિષે જાત-જાતનું માને છે. બાઇબલ કેવી રીતે આવ્યું, શું શીખવે છે એના વિષે પણ જુદા જુદા વિચારો છે. ઘણા માને છે કે બાઇબલ ફક્ત પવિત્ર પુસ્તક છે, જેના પર હાથ મૂકીને સત્ય બોલવાના સમ ખવાય છે.

યહોવાહે બાઇબલમાં બધાના ભલા માટે નીતિ-નિયમો લખાવ્યા છે. (હેબ્રી ૪:૧૨) આપણે યહોવાહના ભક્ત છીએ અને આપણી જવાબદારી છે કે એ બીજાઓને શીખવીએ. ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા કરી કે ‘સર્વ દેશનાઓને શિષ્ય કરો; તેઓને શીખવતા જાઓ.’ આજે આપણે પણ એ કામ પૂરાં દિલથી કરીએ છીએ. (માત્થી ૨૮:૧૯, ૨૦) પ્રચારમાં આપણને ઘણા એવા લોકો મળે છે જેઓ ધર્મને નામે થતા ધતિંગ જોઈ શકે છે. તેઓ સાચા ઈશ્વરને શોધે છે. અરે, ઘણાને જાણવું છે કે જીવનના મકસદ વિષે બાઇબલ શું શીખવે છે. ઘણા લોકો પૂછે છે એવા ત્રણ સવાલો પર હવે વિચાર કરીએ: (૧) શું ઈશ્વર સાચે જ આપણી સંભાળ રાખે છે? (૨) ઈશ્વરે માણસને કેમ બનાવ્યો? (૩) મરણ પછી વ્યક્તિનું શું થાય છે? પહેલાં તો જોઈએ કે ધર્મગુરુઓ એના વિષે શું શીખવે છે. પછી જોઈશું કે બાઇબલ એના વિષે શું કહે છે.

શું ઈશ્વર સાચે જ આપણી સંભાળ રાખે છે?

૪, ૫. શા માટે લોકોને લાગે છે કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી?

ચાલો જોઈએ કે શું ઈશ્વર સાચે જ આપણી સંભાળ રાખે છે? ઘણાને લાગે છે કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી. તેઓ જ્યાં જુએ ત્યાં યુદ્ધો ચાલે છે. નફરતની આગ ભડકે બળે છે. દુઃખોનો કોઈ પાર નથી. તેઓનું કહેવું છે કે ‘ઈશ્વરને કંઈ પડી હોત તો, આવું શું કામ થવા દે છે!’

એમાંયે ગુરુઓ બળતામાં ઘી રેડે છે. આફતો આવે ત્યારે ગુરુઓ શું કહે છે? એક કાર ઍક્સિડન્ટમાં ફૂલ જેવાં બે બાળકો ગુજરી ગયાં. ધર્મગુરુએ તેઓની મમ્મીને કહ્યું કે ‘જેવી ઉપરવાળાની મરજી. ઈશ્વરને તેમની વધારે જરૂર હશે.’ આવું કહીને ગુરુઓ ઈશ્વરને માથે દોષનો ટોપલો ચઢાવે છે. પણ બાઇબલ જણાવે છે કે ‘કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારૂં પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી.’ (યાકૂબ ૧:૧૩) યહોવાહ કોઈનું પણ બૂરું ચાહતા નથી. બાઇબલ કહે છે કે “ઈશ્વર તો કદી ખોટું કરે જ નહીં.”—યોબ ૩૪:૧૦, સંપૂર્ણ.

૬. શા માટે દુનિયા જુલમ ને તકલીફોથી ભરેલી છે?

તો પછી કેમ આટલી દુષ્ટતા? કેમ આટલી તકલીફો? બાઇબલ એના અમુક કારણો આપે છે. મનુષ્યોએ સામે ચાલીને ઈશ્વરનો સાથ છોડી દીધો. પોતાને મન ફાવે એવો માર્ગ શોધી કાઢ્યો. તેઓએ જાણે-અજાણે ઈશ્વરના દુશ્મન, શેતાનનો હાથ પકડ્યો. બાઇબલ જણાવે છે કે “આખું જગત તે દુષ્ટની [શેતાનની] સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) શેતાન તો દુષ્ટ, કપટી અને જુલમી છે. તેનું રાજ એના જેવું જ છે. એટલે જ દુનિયા આવી છે. આજે જ્યાં જુઓ ત્યાં, બસ તકલીફો, તકલીફો ને તકલીફો છે!

૭. તકલીફો કેમ આવે છે?

જીવનમાં આવતી દુઃખ-તકલીફોનું બીજું એક કારણ આપણને આદમથી મળેલો પાપનો વારસો છે. મનુષ્ય સત્તાના ભૂખ્યા હોવાથી લડે-ઝઘડે છે. એટલે યુદ્ધો, જુલમ ને તકલીફો વધે છે. બાઇબલ એ હકીકત વિષે કહે છે કે ‘એક માણસ બીજા માણસનું નુકસાન કરવા સત્તા ચલાવે છે.’ (સભાશિક્ષક ૮:૯) તકલીફો પાછળનું હજુ બીજું એક કારણ બાઇબલ જણાવે છે. એ છે સમય અને સંજોગ. (સભાશિક્ષક ૯:૧૧) ‘કાગનું બેસવું ને ડાળનું ભાંગવું,’ એની જેમ આપણા પર અણધારી આફતો આવી પડે છે.

૮, ૯. કઈ રીતે દેખાઈ આવે છે કે યહોવાહ આપણાં દુઃખ જોઈને દુઃખી થાય છે?

ઈશ્વર આપણા પર દુઃખો લાવતા નથી, એ જાણીને આપણને કેટલી શાંતિ થાય છે! ઈશ્વર તો આપણી સંભાળ રાખે છે. એમ હોય તો, દુનિયાની હાલત કેમ આવી છે? એનાં કારણો છે. બાઇબલ જણાવે છે કે બે મહત્ત્વના સવાલ ઊભા થયા હતા. એક તો એ કે દુનિયા પર રાજ કરવાનો હક્ક કોનો છે? બીજું કે મનુષ્યો ઈશ્વરની ભક્તિ સ્વાર્થને લીધે કરે છે કે પ્રેમને લીધે કરે છે? યહોવાહ વિશ્વના માલિક છે. આપણને બધા સવાલના જવાબ આપવાની તેમની ફરજ નથી. તોપણ તે એના જવાબ આપે છે, કેમ કે તે આપણને જીવની જેમ ચાહે છે.

નુહના જમાનામાં લોકોને દુઃખી જોઈને ‘યહોવાહને ખેદ થયો.’ તેમનું દિલ દુઃખી થયું. (ઉત્પત્તિ ૬:૫, ૬) યહોવાહ કદી બદલાતા નથી. (માલાખી ૩:૬) આજે પણ તેમનાથી અન્યાય જોવાતો નથી. લોકોને દુઃખી જોઈને તેમનું કાળજું કપાઈ જાય છે. બાઇબલ શીખવે છે કે યહોવાહ જલદી જ દુઃખ-તકલીફોનો અંત લાવશે. શેતાનના રાજમાં પડેલા ઊંડા ઘા, યહોવાહ રુઝાવશે. અરે, એનું નામ-નિશાન મિટાવી દેશે. એ જ બતાવે છે કે યહોવાહને આપણા પર કેટલો પ્રેમ છે!

૧૦. યહોવાહ આપણી સંભાળ રાખે છે એટલે તે શું કરશે?

૧૦ જીવનમાં આફતો, દુઃખ-તકલીફો આવે ત્યારે, ધર્મગુરુઓ કહે કે એ તો ઉપરવાળાની મરજી છે. એમ કહીને તેઓ દોષનો ટોપલો ખુદાને માથે ચડાવે છે. ભગવાનને માથે ચડાવે છે. યહોવાહ તો જલદી જ આપણાં દુઃખો મિટાવી દેશે, કેમ કે ‘તે આપણી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

ઈશ્વરે માણસને કેમ બનાવ્યો?

૧૧. જીવનના મકસદ વિષે મોટા ભાગના ધર્મો શું કહે છે?

૧૧ હવે બીજા સવાલનો વિચાર કરીએ. ઈશ્વરે માણસને કેમ બનાવ્યો? મોટા ભાગના ધર્મો શીખવે છે કે આ ધરતી પર માનવનું જીવન ફક્ત પલ-બે-પલનું છે. પછી માનવ બીજે ક્યાંક જાય છે. અરે, અમુક ધર્મગુરુઓ તો એમ પણ શીખવે છે કે ઈશ્વર પ્રલય લાવશે. ધરતીનો નાશ કરશે. એટલા માટે લોકો કહે છે કે ‘કલ ક્યા હોગા કિસકો પતા? અભી જિંદગી કા લે લો મઝા!’ પણ બાઇબલ આ વિષય પર શું શીખવે છે?

૧૨-૧૪. બાઇબલ શીખવે છે તેમ, યહોવાહે પૃથ્વી કેમ બનાવી? જીવનનો મકસદ શું છે?

૧૨ બાઇબલ શીખવે છે કે યહોવાહે ‘પૃથ્વીને ઉજ્જડ રહેવા સારૂં ઉત્પન્‍ન કરી નથી. વસ્તીને સારૂં તેને બનાવી છે.’ (યશાયાહ ૪૫:૧૮) “કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે નાખ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) આ કલમો બતાવે છે કે યહોવાહે ધરતી કેમ બનાવી ને જીવનનો મકસદ શું છે.

૧૩ ઉત્પત્તિના પહેલા બે અધ્યાયો બતાવે છે કે યહોવાહે સમજી-વિચારીને મનુષ્ય માટે પૃથ્વી બનાવી. એ અતિ સુંદર હતી. (ઉત્પત્તિ ૧:૩૧) પછી, યહોવાહે આદમ અને હવાને બનાવ્યા. તેમને મનગમતાં ફળ અને શાકભાજી આપ્યાં. પુષ્કળ આપ્યાં. યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યો કે “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો.” તેઓનાં બાળકો પર ઘડપણ કે મોતનો પડછાયો પણ પડવાનો ન હતો. બસ ખાય-પીએ, પૃથ્વી ને પશુ-પંખીની દેખભાળ રાખે. આખી જિંદગી કાયમ સુખ જ સુખ!—ઉત્પત્તિ ૧:૨૬-૨૮.

૧૪ આજે પણ યહોવાહનો એ જ મકસદ છે. તે ચોક્કસ ધરતીને સ્વર્ગ જેવી બનાવશે. મનુષ્યોનું જીવન એવું સુખી બનાવશે, જેનો કોઈ પાર જ નહિ હોય, જેનો કદીયે અંત નહિ આવે. એવા જીવન વિષે બાઇબલ કહે છે કે “ન્યાયીઓ દેશનો [ધરતીનો] વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) એ યહોવાહનું વચન છે. એમ જ બનશે. મનુષ્યો ચોક્કસ નવી દુનિયામાં સુખેથી જીવશે. તેઓ અમર જીવન પામશે. બાઇબલ એ જ શીખવે છે.

મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

૧૫. મરણ વિષે મોટા ભાગના ધર્મો શું શીખવે છે?

૧૫ હવે ચાલો ત્રીજો સવાલ વિચારીએ. મરણ પછી વ્યક્તિનું શું થાય છે. મોટા ભાગના ધર્મો શીખવે છે કે દેહ મરે છે પણ આત્મા અમર છે. અમુક તો એવું શીખવે છે કે ઈશ્વર દુષ્ટ લોકોને નરકમાં રિબાવે છે. પણ સત્ય શું છે? બાઇબલ શું શીખવે છે?

૧૬, ૧૭. મરણ વિષે બાઇબલ શું કહે છે?

૧૬ મરણ વિષે બાઇબલ આમ કહે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઇ બદલો મળવાનો નથી.” ગુજરી ગયેલા નથી સાંભળતા, નથી જોતા, નથી બોલતા કે નથી વિચારતા. તેઓ કંઈ જ કરી શકતા નથી! એટલું જ નહિ, ‘તેઓનો પ્રેમ, નફરત અને ઇર્ષા’ તેઓની સાથે મરણ પામ્યા છે.—સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦.

૧૭ બાઇબલ સીધીસાદી ભાષામાં કહે છે કે ગુજરી ગયેલા બીજે ક્યાંય જીવતા નથી. આત્મા જેવું કંઈ નથી. પુનર્જન્મ કે અવતાર જેવું કંઈ નથી. એક દાખલો લઈએ. આપણું જીવન દીવાની જ્યોત જેવું છે. દીવો હોલવાઈ જાય ત્યારે, એની જ્યોત બીજે ક્યાંક જઈને બળતી નથી. એવી જ રીતે, મરણ વખતે જીવન દીપ બસ બુઝાઈ જાય છે.

૧૮. બાઇબલ સ્ટડી જ્યારે શીખે છે કે ગુજરી ગયેલા કંઈ જ કરી શકતા નથી, ત્યારે તેને કેવું લાગશે?

૧૮ એ સત્ય જૂઠી માન્યતાની જંજીરમાંથી આઝાદ કરે છે. ગુજરી ગયેલા નથી જોઈ શકતા, સાંભળી શકતા, બોલી શકતા. તેઓ કંઈ જ કરી શકતા નથી. બાઇબલ સ્ટડી જ્યારે એ શીખે છે, ત્યારે તે સમજી શકશે કે ગુજરી ગયેલી કોઈ પણ વ્યક્તિ કોઈને હેરાન કરી શકતી નથી. એ શીખીને તેના મનને કેટલી શાંતિ મળશે કે તેમના ગુજરી ગયેલા કોઈ સગાં-વહાલાં નરકમાં રિબાતા નથી! ગુજરી જનાર બસ જાણે મોતની નીંદરમાં ઊંઘી ગયા છે. યહોવાહ તેઓને ઉઠાડશે. જીવતા કરશે. તેઓને ભૂલી જશે નહિ!—યોહાન ૫:૨૮, ૨૯.

આ નવું પુસ્તક પ્રચારમાં વાપરીએ!

૧૯, ૨૦. યહોવાહે આપણને કઈ જવાબદારી સોંપી છે? કયું પુસ્તક આપણને મદદ કરશે?

૧૯ લોકો ઘણા સવાલો પૂછે છે, જેમાંના ફક્ત ત્રણ જ સવાલોનો આપણે વિચાર કર્યો. બાઇબલ એના સીધીસાદી રીતે જવાબ આપે છે. યહોવાહે એવા લોકોને જણાવવાનું કામ આપણને સોંપ્યું છે. એ કેવો મોટો આશીર્વાદ કહેવાય! પણ હજુ ઘણા સવાલો છે, જેના જવાબ લોકો શોધે છે. આપણે યહોવાહના ભક્તો હોવાથી, એ આપણી જવાબદારી છે કે લોકોને એ માટે મદદ કરીએ.

૨૦ ખરું કે યહોવાહનું જ્ઞાન દરેકના દિલમાં ઉતારવું સહેલું નથી, જેથી તેઓ એ પ્રમાણે જીવે. પણ યહોવાહ આપણને મદદ કરે છે. કેવી રીતે? તેમણે પોતાના ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર’ દ્વારા આપણને એક પુસ્તક આપ્યું છે. (માત્થી ૨૪:૪૫-૪૭) એ ૨૨૪ પાનનું પુસ્તક છે. એનો વિષય છે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? લોકોને શીખવવા માટે એ આપણને બહુ જ મદદ કરશે.

૨૧, ૨૨. પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તક કઈ કઈ રીતે વાપરી શકાય?

૨૧ “પરમેશ્વરની આજ્ઞા પાળો” ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં (૨૦૦૫) આ પુસ્તક બહાર પડ્યું હતું. આ પુસ્તકની રજૂઆત સરસ રીતે કરવામાં આવી છે. એનાથી આપણે આસાનીથી બાઇબલ સ્ટડી શરૂ કરી શકીએ. શરૂઆતના પાન પર અનેક ચિત્રો છે, કલમો છે. એનાથી વાતચીત શરૂ કરવી સહેલી બનશે. પાન ૭ પરના બૉક્સની મદદથી, બાઇબલ કેવી રીતે વાપરવું, એ વ્યક્તિને શીખવી શકીએ.

૨૨ આ પુસ્તક એકદમ સાદી ભાષામાં લખવામાં આવ્યું છે. એ બાઇબલ સ્ટડીના દિલ સુધી પહોંચી શકે, એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. દરેક પ્રકરણની શરૂઆતમાં અમુક સવાલો છે, જેના પર વ્યક્તિ વિચાર કરી શકે. દરેક પ્રકરણની અંતે આ બૉક્સ છે: “બાઇબલ આમ શીખવે છે”. એમાં શરૂઆતના સવાલોના જવાબ બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. આ પુસ્તકમાં સુંદર ચિત્રો પણ છે. દરેક ચિત્રો સાથે એક મહત્ત્વનો સંદેશ લખવામાં આવ્યો છે. પુસ્તકમાં એવા સરસ દાખલા પણ આપ્યા છે, જે વ્યક્તિને બાઇબલના વિચારો સહેલાઈથી સમજવા મદદ કરશે. પુસ્તકના પાન ૧૯૪-૨૨૩ પર ૧૪ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. કોઈને વધારે માહિતી જોઈતી હોય તો, એમાંથી તેઓ મેળવી શકે.

૨૩. બાઇબલ શીખવે છે પુસ્તક વાપરવા કેવાં સૂચનો આપણને મદદ કરશે?

૨૩ આ પુસ્તક હરેક વ્યક્તિ સમજી શકે એવું છે, ભલે તેઓ ગમે એમાં માનતા હોય, ભણેલા હોય કે અભણ હોય. જો કોઈ બાઇબલ વિષે કંઈ ન જાણતા હોય, તો એક પ્રકરણની વાત કરવા કદાચ બેથી ત્રણ વાર ભેગા મળવું પડે. ‘ઉતાવળે આંબા ન પાકે,’ એટલે સત્ય વ્યક્તિના દિલ સુધી પહોંચે, એ માટે સમય લાગી શકે. પુસ્તકના દાખલાઓ સમજવા તેમને અઘરું લાગે તો, તમે સમજાવો. અથવા બીજા કોઈ યોગ્ય દાખલા આપો. એ માટે આપણે પુસ્તકમાંથી સારી તૈયારી કરવી પડશે. યહોવાહને પ્રાર્થના કરીએ, જેથી “સત્યનાં વચન સ્પષ્ટતાથી” સમજાવી શકીએ.—૨ તીમોથી ૨:૧૫.

યહોવાહના આશીર્વાદ ભૂલી ન જઈએ!

૨૪, ૨૫. યહોવાહે આપણને કેવા આશીર્વાદો આપ્યા છે?

૨૪ યહોવાહે આપણને અનેક આશીર્વાદો આપ્યા છે. તેમણે આપણને પોતાના વિષે, પોતાના મકસદ વિષે સત્ય શીખવ્યું. આપણે એ આશીર્વાદ કદી ન ભૂલીએ! યહોવાહે એ અનમોલ સત્ય અભિમાની લોકોને નહિ, પણ નમ્ર સ્વભાવના લોકોને જણાવ્યું છે. ઈસુએ કહ્યું, ‘ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરૂં છું, કેમ કે જ્ઞાનીઓથી તેં એ વાતો ગુપ્ત રાખી, ને બાળકો જેવાની આગળ પ્રગટ કરી છે.’ (માત્થી ૧૧:૨૫) આપણે વિશ્વના માલિકની ભક્તિ કરીએ છીએ. એ આશીર્વાદ કંઈ જેવો-તેવો નથી!

૨૫ યહોવાહે પોતાના વિષેનું અનમોલ સત્ય લોકોને જણાવવાની જવાબદારી આપણને સોંપી છે. ધર્મગુરુઓ યહોવાહ વિષે સત્ય શીખવતા નથી. તેઓની વાતમાં આવીને લોકો દુઃખો માટે ઈશ્વરનો, યહોવાહનો વાંક કાઢે છે. શું ખરી હકીકત લોકોને જણાવવાની હોંશ તમારામાં જાગે છે? શું તમે યહોવાહનું સત્ય ગલીએ ગલીએ ફેલાવશો? તો પછી, યહોવાહે આપેલી જવાબદારી હોંશે-હોંશે પૂરી કરીએ. સત્યના તરસ્યા લોકોની પ્યાસ બુઝાવવા બાઇબલનું અમૃત જેવું જ્ઞાન આપીએ! (w 07 1/15)

આપણે કેવી રીતે શીખવીશું?

• ઈશ્વર આપણી સંભાળ રાખે છે, એમ શા માટે કહીએ છીએ?

• જીવનનો મકસદ શું છે?

• મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

• બાઇબલ શીખવે છે પુસ્તક વાપરવાની કઈ રીતો તમને ગમે છે?

[Study Questions]

[Picture on page 13]

નમ્ર લોકો સ્વર્ગ જેવી ધરતી પર કાયમ જીવશે