સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૨

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૨

યહોવાહનો શબ્દ જીવંત છે

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૨

ઈશ્વરભક્ત યશાયાહને સોંપેલું કામ તે પૂરા દિલથી કરી રહ્યા છે. તેમણે ઉત્તર ઈસ્રાએલનાં દસ કુળના રાજ્ય વિષે જે ભવિષ્યવાણી કહી હતી, એ પૂરી થઈ. હવે તે જણાવે છે કે આવતા દિવસોમાં યરૂશાલેમનું શું થશે.

યરૂશાલેમ શહેરનો નાશ થશે. લોકો બાબેલોનની ગુલામીમાં જશે. પણ યરૂશાલેમ કાયમ એવું જ રહેશે નહિ. અમુક સમય પછી, યરૂશાલેમમાં યહોવાહની ભક્તિ ફરીથી શરૂ થશે. યશાયાહ ૩૬:૧–૬૬:૨૪નો મૂળ સંદેશો એ જ છે. * એ સંદેશાથી આપણે પણ આશીર્વાદ પામી શકીએ. કેવી રીતે? એ આપણા સમયમાં જલદી જ મોટા પાયે પૂરો થશે. યશાયાહના પુસ્તકના આ ભાગમાં મસીહ વિષે પણ લખવામાં આવ્યું છે.

“એવા દિવસો આવે છે”

(યશાયાહ ૩૬:૧–૩૯:૮)

હિઝકીયાહના રાજના ચૌદમા વર્ષે (ઈસવીસન પૂર્વે ૭૩૨માં) આશ્શૂરી લોકોએ યહુદાહ પર હુમલો કર્યો. યહોવાહે યરૂશાલેમનો બચાવ કરવાનું વચન આપ્યું. તેમના એક જ સ્વર્ગદૂતે ૧,૮૫,૦૦૦ આશ્શૂરી સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા!

એ પછી હિઝકીયાહ બીમાર પડ્યા. યહોવાહે તેમની વિનંતી સાંભળીને તેમને સાજા કર્યા. તેમને ૧૫ વર્ષનું જીવનદાન આપ્યું. એ સાંભળીને બાબેલોનના રાજાએ હિઝકીયાહને ભેટો આપવા માણસો મોકલ્યા. હિઝકીયાહે ખુશ થઈને વગર વિચાર્યે પોતાનો બધો ખજાનો તેઓને બતાવી દીધો. યશાયાહ દ્વારા યહોવાહે હિઝકીયાહને આમ કહ્યું: “એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તથા તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ બાબેલમાં લઈ જવામાં આવશે.” (યશાયાહ ૩૯:૫, ૬) સોએક વર્ષ પછી, આ શબ્દો પ્રમાણે જ બન્યું!

સવાલ-જવાબ:

૩૮:૮—શાના પરથી છાંયડો પાછો હઠ્યો હતો? ઈ.સ. પૂર્વે આઠમી સદીમાં ઇજિપ્ત અને બાબેલોનમાં સમય-દર્શક યંત્ર વપરાતા. અહીં હિઝકીયાહના પિતા આહાઝના સમયદર્શક યંત્રની વાત થતી હોઈ શકે. અથવા ‘સમય-દર્શક યંત્ર’ ભાષાંતર થયેલા હેબ્રી શબ્દનો અર્થ પગથિયાં પણ થાય. એટલે મહેલના કોઈ દાદરના પગથિયાંની પણ વાત થતી હોઈ શકે. એની નજીકના થાંભલાનો પડછાયો કે છાંયડો પગથિયાં પર પડતો હોય, જે સમયની ગણતરી માટે વપરાતો હોઈ શકે.

આપણે શું શીખી શકીએ?

૩૬:૨, ૩, ૨૨. શેબ્ના પાસેથી રાજમહેલના કારભારીની મોટી જવાબદારી લઈ લેવામાં આવી. તેને રાજાનો સેક્રેટરી બનાવ્યો, ત્યારે એ કામ પણ તેણે કર્યું. (યશાયાહ ૨૨:૧૫, ૧૯) યહોવાહના સંગઠનમાં જો કોઈક કારણથી આપણી પાસેથી જવાબદારી લઈ લેવામાં આવે, તો શું કરીશું? તન-મનથી યહોવાહની ભક્તિ કરતા રહીએ.

૩૭:૧, ૧૪, ૧૫; ૩૮:૧, ૨. કોઈ પણ દુઃખમાં તરત યહોવાહને પ્રાર્થના કરીએ. તે મદદ કરશે એવી શ્રદ્ધા રાખીએ.

૩૭:૧૫-૨૦; ૩૮:૨, ૩. આશ્શૂરીઓ યરૂશાલેમ પર તૂટી પડવા તૈયાર બેઠા હતા. ત્યારે હિઝકીયાહના મનમાં એક જ ચિંતા હતી કે યરૂશાલેમની હાર થશે તો, યહોવાહના નામનું શું? કોણ આશ્શૂરીઓ સામે લડવા જશે? હિઝકીયાહ બીમાર પડ્યો ત્યારે તેને એ ચિંતા કોરી ખાતી હતી કે પોતાનો કોઈ વારસ નથી. યહોવાહે દાઊદને આપેલા વચનનું શું થશે, જેમાંથી મસીહ આવવાના હતા? હિઝકીયાહની જેમ આપણને પણ એ જ ફિકર હોવી જોઈએ કે યહોવાહનું નામ બદનામ ન થાય. પણ એનો સદાયે જયજયકાર થાય. તેમનું ધારેલું બધું જ થાય. એના પછી જ આપણે પોતાની ચિંતા કરીએ.

૩૮:૯-૨૦. હિઝકીયાહનું આ ગીત શીખવે છે કે યહોવાહના નામનો જયજયકાર થાય, એના જેવું જીવનમાં બીજું કંઈ જ નથી.

‘યરૂશાલેમ ફરી બંધાશે’

(યશાયાહ ૪૦:૧–૫૯:૨૧)

યશાયાહે ભવિષ્યવાણી કરી કે યરૂશાલેમનો નાશ થશે. લોકો બાબેલોનના ગુલામ બનશે. પણ પછી તરત જ યશાયાહ ખુશખબર જણાવે છે. (યશાયાહ ૪૦:૧, ૨) યશાયાહ ૪૪:૨૮ જણાવે છે કે “તું [યરૂશાલેમ] ફરી બંધાઈશ.” બાબેલોનના દેવ-દેવીઓને માલ-સામાનની જેમ જાણે ગધેડા પર ‘લાદવામાં આવશે’ અને ઉઠાવી લઈ જવાશે. (યશાયાહ ૪૬:૧) બાબેલોનનો નાશ થશે. બસો જેટલાં વર્ષો પછી એમ જ થયું.

યહોવાહ પોતાના ભક્તોને ‘વિદેશીઓ માટે પ્રકાશ’ જેવા બનાવશે. (યશાયાહ ૪૯:૬) “આકાશ” એટલે કે રાજ કરનારા બાબેલોનીઓ. તેઓ ‘ધુમાડાની જેમ જતાં રહેશે.’ એના લોકો ‘મચ્છરની જેમ મરશે.’ પણ ‘સિયોનની બંદીવાન દીકરી, પોતાની ગરદન પરનાં બંધન છોડી નાખશે.’ (યશાયાહ ૫૧:૬; ૫૨:૨) યહોવાહ પાસે આવનાર અને તેમનું કહેલું કરનારને તે જણાવે છે: “દાઊદ પર કરેલી કૃપા જેમ નિશ્ચલ [કાયમ] છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ.” (યશાયાહ ૫૫:૩) યહોવાહના નીતિ-નિયમો પ્રમાણે જ જીવનારા લોકો ‘તેમનામાં આનંદ પામશે.’ (યશાયાહ ૫૮:૧૪) જ્યારે કે લોકોનાં પાપ ‘તેઓની ને તેઓના ઈશ્વરની વચ્ચે ભાગલા કરશે.’—યશાયાહ ૫૯:૨.

સવાલ-જવાબ:

૪૦:૨૭, ૨૮—ઈસ્રાએલ શા માટે કહે છે કે “મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે, ને મારો ન્યાય મારા દેવના લક્ષમાં નથી?” યહુદીઓ બાબેલોનમાં ગુલામ હતા. તેઓમાંના અમુકને લાગ્યું હશે કે તેઓનાં દુઃખો, તેઓને થતો અન્યાય યહોવાહ જોતા નથી. પણ તેઓને યાદ કરાવવામાં આવ્યું કે યહોવાહ એવા નથી કે થાકી જાય, હારી જાય. જે પૃથ્વી પર બાબેલોન હતું, એ બનાવનાર યહોવાહ છે, તો એ તેમની નજરથી કઈ રીતે સંતાઈ શકે?

૪૩:૧૮-૨૧—વતન પાછા આવતા ગુલામોને ‘પુરાતનની વાતો યાદ ન કરવાનું’ કેમ કહેવામાં આવ્યું? એનો અર્થ એમ ન હતો કે તેઓ યહોવાહે અગાઉ કરેલા બચાવની વાતો ભૂલી જાય. પણ યહોવાહ ચાહતા હતા કે હવે પોતે તેઓનો જે રીતે બચાવ કરવાના હતા, એ ‘નવાં કામ’ તેઓ ભૂલે નહિ. જેમ કે, પછીથી કેવી રીતે યહોવાહ તેઓને યરૂશાલેમ લઈ ગયા, કદાચ રણ જેવા સીધેસીધા માર્ગેથી. “મોટી વિપત્તિમાંથી” બચી જનાર “મોટી સભા” પણ પોતે અનુભવેલા એવા ચમત્કારને લીધે યહોવાહનો જયજયકાર કરશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪.

૪૯:૬—મસીહ કે ઈસુ ખ્રિસ્તે મોટા ભાગે યહુદીઓમાં સંદેશો ફેલાવ્યો. તોપણ, તે કેવી રીતે ‘વિદેશીઓ માટે પ્રકાશ’ બન્યા? એનું કારણ ઈસુના મરણ પછી જે બન્યું એ છે. બાઇબલમાં યશાયાહ ૪૯:૬ના શબ્દો ઈસુના શિષ્યોને લાગુ પાડવામાં આવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૬, ૪૭) સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો આજે ‘વિદેશીઓ માટે પ્રકાશ’ છે. પૃથ્વી પર રહેવાની આશાવાળા ભાઈ-બહેનો તેઓને દિલથી સાથ આપે છે. તેઓ ભેગા મળીને “પૃથ્વીના છેડા સુધી” લોકોમાં સાચી ભક્તિનો પ્રકાશ ફેલાવે છે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.

૫૩:૧૦—કઈ રીતે પોતાના સંતાનને કચરવાની યહોવાહની મરજી હતી? યહોવાહ પ્રેમના સાગર, દયાળુ દિલના છે. પોતાના દીકરાને રિબાતો જોઈને તેમના કાળજે કેવા ઘા લાગ્યા હશે? તોપણ, જે રીતે ઈસુએ પોતાની મરજીથી યહોવાહની આજ્ઞા પાળી, ને તેમના મોતથી જે આશીર્વાદો આવશે, એ જોઈને યહોવાહને પાર વગરની ખુશી મળી.—નીતિવચનો ૨૭:૧૧; યશાયાહ ૬૩:૯.

૫૩:૧૧—એ કેવું જ્ઞાન છે, જેનાથી મસીહ ‘ઘણાને ન્યાયી ઠરાવશે’? ઈસુ પૃથ્વી પર માણસ તરીકે જીવ્યા, ઘણો અન્યાય સહીને કુરબાની આપી, એનું આ જ્ઞાન છે. (હેબ્રી ૪:૧૫) તેમણે સ્વર્ગનું જીવન અને પૃથ્વી પરનું જીવન પામનારા સર્વ માટે કુરબાની આપી, જેથી આપણે યહોવાહ આગળ ન્યાયી ઠરીએ.—રૂમી ૫:૧૯; યાકૂબ ૨:૨૩, ૨૫.

૫૬:૬—“પરદેશીઓ” કોણ છે? કઈ રીતે તેઓ ‘યહોવાહના કરારને વળગી રહે છે’? “પરદેશીઓ” ઈસુનાં “બીજાં ઘેટાં” છે. (યોહાન ૧૦:૧૬) તેઓ યહોવાહના નવા કરારને આ રીતે વળગી રહે છે: તેઓ એ કરારના નિયમો પાળે છે. એ કરાર દ્વારા થયેલી ગોઠવણોમાં પૂરો સાથ આપે છે. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોની જેમ જ યહોવાહનું શિક્ષણ લે છે અને તેઓને સાથ આપીને લોકોને સત્યનો માર્ગ બતાવે છે.

આપણે શું શીખી શકીએ?

૪૦:૧૦-૧૪, ૨૬, ૨૮. યહોવાહ બળવાન અને કોમળ છે. શક્તિશાળી અને બુદ્ધિશાળી છે. તેમની સમજણ પારખવી આપણા ગજા બહારની વાત છે.

૪૦:૧૭, ૨૩; ૪૧:૨૯; ૪૪:૯; ૫૯:૪. રાજા, નેતા કે મૂર્તિઓનો સહારો લેનાર ‘શૂન્ય’ છે, નકામો છે. એના પર ભરોસો રાખનાર બરબાદ થશે.

૪૨:૧૮, ૧૯; ૪૩:૮. આપણે જો બાઇબલ તરફ આંખો બંધ કરી દઈશું, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” જે શિક્ષણ આપે છે, એ સાંભળીને કાન બંધ કરી દઈશું, તો યહોવાહની ભક્તિમાં આંધળા-બહેરા બની જઈશું.—માત્થી ૨૪:૪૫.

૪૩:૨૫. યહોવાહ પોતાના નામની ખાતર આપણાં પાપ માફ કરી દે છે. તેથી સૌથી પહેલા તો યહોવાહના નામ પર લાગેલા આરોપ નિર્દોષ સાબિત થવા જોઈએ. પછી પાપ ને મોતમાંથી આપણો છુટકારો.

૪૪:૮. આપણને યહોવાહનો પૂરો સાથ છે, જે ખડકની જેમ કદીયે ખસશે નહિ. યહોવાહ વિષે લોકોને જણાવતા આપણે કદીયે ગભરાવું ન જોઈએ!—૨ શમૂએલ ૨૨:૩૧, ૩૨.

૪૪:૧૮-૨૦. મૂર્તિપૂજા સડાની જેમ દિલમાં પેસી શકે. આપણા દિલમાં ફક્ત યહોવાહની જ ભક્તિ હોવી જોઈએ.

૪૬:૧૦, ૧૧. યહોવાહ જ ઈશ્વર છે, એ કેવી રીતે સાબિત થાય છે? એ રીતે કે ‘તેમનો સંકલ્પ દૃઢ રહે છે,’ એટલે કે યહોવાહ જે ધારે છે એ પૂરું કરે છે.

૪૮:૧૭, ૧૮; ૫૭:૧૯-૨૧. આપણે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખીએ. તેમની સાથે પાકો નાતો બાંધીએ. તેમની આજ્ઞાઓ પાળીએ. એમ કરીશું તો આપણી શાંતિ નદીના પાણી જેવી અને સારાં કામો સમુદ્રનાં મોજાં જેવાં થશે. પણ જેઓ યહોવાહનું કહેવું માનતા નથી, તેઓ “તોફાની સમુદ્રના” જેવા છે. તેઓને શાંતિ હોતી નથી.

૫૨:૫, ૬. બાબેલોનના લોકોને લાગ્યું કે યહોવાહમાં કંઈ તાકાત નથી. તેઓએ માન્યું જ નહિ કે ઈસ્રાએલી લોકોએ યહોવાહની આજ્ઞા પાળી ન હોવાથી ગુલામીમાં આવી પડ્યા હતા. જ્યારે કોઈ પર આફત આવી પડે, ત્યારે તરત ખોટું અનુમાન કરી ન લેવું જોઈએ.

૫૨:૭-૯; ૫૫:૧૨, ૧૩. ખુશીથી લોકોને યહોવાહના માર્ગે લાવવા આપણી પાસે ઓછામાં ઓછાં ત્રણ કારણો છે. એક, એ માર્ગ શોધનારા માટે આપણો સંદેશો અમૃત જેવો છે. બીજું, યહોવાહ સાથે આપણો નાતો પાકો થાય છે, જાણે કે તેમને ‘નજરે’ જોઈએ છીએ. ત્રીજું, આપણે યહોવાહની ભક્તિથી આશીર્વાદો પામીએ છીએ.

૫૨:૧૧, ૧૨. ‘યહોવાહનાં પાત્રો ઊંચકવા,’ એટલે તેમની ભક્તિ કરવા આપણું જીવન બધી રીતે શુદ્ધ હોવું જોઈએ.

૫૮:૧-૧૪. ભક્તિ કરવાનો ઢોંગ નકામો છે. વાણી-વર્તનથી બતાવીએ કે આપણે દિલથી ભક્તિ કરીએ છીએ. એકબીજા માટે સાચો પ્યાર છે.—યોહાન ૧૩:૩૫; ૨ પીતર ૩:૧૧.

૫૯:૧૫-૧૯. દુનિયામાં જે ચાલે છે, એ યહોવાહ જુએ છે, પોતાના સમયે ફેરફારો લાવે છે.

તે “શોભાયમાન તાજ” થશે

(યશાયાહ ૬૦:૧–૬૬:૨૪)

પહેલાના જમાનામાં અને આપણા સમયમાં પણ, યહોવાહની ભક્તિ બધે જ થશે એ વિષે યશાયાહ ૬૦:૧ જણાવે છે: “ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે.” સિયોન ચોક્કસ “યહોવાહના હાથમાં શોભાયમાન તાજ” બનશે.—યશાયાહ ૬૨:૩.

યશાયાહે યહોવાહને એવા ઈસ્રાએલીઓ માટે પ્રાર્થના કરી, જેઓ બાબેલોનમાં ગુલામ બનશે ત્યારે પસ્તાવો કરશે. (યશાયાહ ૬૩:૧૫–૬૪:૧૨) યશાયાહે સાચા અને ખોટા ભક્તો વચ્ચેનો ફરક બતાવ્યો. તે જણાવે છે કે યહોવાહ પોતાના ભક્તો પર ચોક્કસ આશીર્વાદ વરસાવશે.—યશાયાહ ૬૫:૧–૬૬:૨૪.

સવાલ-જવાબ:

૬૧:૮, ૯—“સર્વકાળનો કરાર” શું છે? “સંતાન” કોણ છે? આ નવો કરાર છે, જે યહોવાહે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો સાથે કર્યો છે. તેઓનો સંદેશો સાંભળનારને “સંતાન” કે “બીજાં ઘેટાં” કહેવામાં આવે છે.—યોહાન ૧૦:૧૬.

૬૩:૫—કઈ રીતે યહોવાહનો કોપ તેમને ટેકો આપે છે? યહોવાહનો કોપ ખરા કારણથી હોય છે. તે જેમ-તેમ કોપ બતાવતા નથી. આ રીતે જરૂર હોય તેઓને સજા કરવા તેમનો કોપ ટેકો આપે છે.

આપણે શું શીખી શકીએ?

૬૪:૬. આપણે પોતાનો ઉદ્ધાર કરી શકતા નથી. આપણાં પાપોને માટે કુરબાની આપવાની વાત આવે ત્યારે, આપણાં સારાં કાર્યો કંઈ જ નથી. એ એવાં મેલાં કપડાં જેવાં છે, જે કદી ઊજળાં થઈ શકવાનાં નથી.—રૂમી ૩:૨૩, ૨૪.

૬૫:૧૩, ૧૪. યહોવાહ પોતાના ભક્તો પર પુષ્કળ આશીર્વાદો વરસાવે છે અને તેમની ભક્તિની ભૂખ મિટાવે છે.

૬૬:૩-૫. યહોવાહને ઢોંગથી સખત નફરત છે.

‘તમે આનંદ કરો’

બાબેલોનમાં ગુલામ હતા એવા યહુદીઓને આ વચનોથી કેટલો દિલાસો મળ્યો હશે! યહોવાહે કહ્યું કે “હું જે ઉત્પન્‍ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ; કેમ કે હું યરૂશાલેમને આનંદમય તથા તેના લોકને હર્ષમય ઉત્પન્‍ન કરું છું.”—યશાયાહ ૬૫:૧૮.

આપણે પણ એવા સમયમાં જીવીએ છીએ, જ્યારે પૃથ્વીને અંધારું અને લોકોને ઘોર અંધકાર ઢાંકે છે. (યશાયાહ ૬૦:૨) આ “સંકટના વખતો” છે. (૨ તીમોથી ૩:૧) એટલે જ યશાયાહના પુસ્તકમાં ઉદ્ધાર વિષેના સંદેશાથી આપણા દિલમાં આશાનો સૂરજ ઊગે છે!—હેબ્રી ૪:૧૨. (w 07 1/15)

[Footnote]

^ યશાયાહ ૧:૧–૩૫:૧૦ના વિષે ચોકીબુરજ ડિસેમ્બર ૧, ૨૦૦૬માં “યહોવાહનો શબ્દ જીવંત છે—યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧” જુઓ.

[Picture on page 8]

આશ્શૂરી લોકોથી બચવા હિઝકીયાહે શા માટે પ્રાર્થના કરી?

[Picture on page 11]

“જે વધામણી લાવે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!”