યહોવાહ આપણી ભક્તિ કદી ભૂલશે નહિ
યહોવાહ આપણી ભક્તિ કદી ભૂલશે નહિ
‘ઈશ્વર તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, તેને ભૂલે એવો અન્યાયી નથી.’—હેબ્રી ૬:૧૦.
૧. કેવી રીતે યહોવાહે મોઆબી રૂથની કદર બતાવી?
યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા મહેનત કરે છે, એવા લોકોને તે ભરપૂર આશીર્વાદ આપે છે. એ બતાવે છે કે યહોવાહ તેઓની ઘણી કદર કરે છે. (હેબ્રી ૧૧:૬) દાખલા તરીકે ઈશ્વરભક્ત બોઆઝ. તે પરમેશ્વરના ગુણોને સારી રીતે જાણતા હતા. તેમણે મોઆબી સ્ત્રી રૂથ, જે પોતાની સાસુની ખૂબ પ્રેમાળ રીતે કાળજી રાખતી હતી તેને કહ્યું: ‘યહોવાહ તારા કામનું ફળ તને આપો, તેનાથી તને પૂરો બદલો મળો.’ (રૂથ ૨:૧૨) શું ઈશ્વરે રૂથને આશીર્વાદ આપ્યા? હા, એનો અહેવાલ બાઇબલમાં જોવા મળે છે. વધુમાં બોઆઝે રૂથ સાથે લગ્ન કર્યા. તેઓના કુટુંબમાં રાજા દાઊદનો જન્મ થયો, જેમના વંશમાંથી ઈસુ ખ્રિસ્ત આવ્યા. (રૂથ ૪:૧૩, ૧૭; માત્થી ૧:૫, ૬, ૧૬) બાઇબલમાં આવાં ઘણાં ઉદાહરણ છે, જે બતાવે છે કે યહોવાહ પોતાના ભક્તોની કદર કરે છે.
૨, ૩. (ક) હેબ્રી ૬:૧૦ કેમ આપણું ધ્યાન ખેંચે છે? (ખ) યહોવાહ કદર બતાવે છે, એ ઉદાહરણથી સમજાવો.
૨ યહોવાહ કંઈ બેકદર નથી. હેબ્રી ૬:૧૦ કહે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.” આ કલમ કેમ આપણું ધ્યાન ખેંચે છે? આપણે પાપી છીએ અને ઘણી ભૂલો કરી બેસીએ છીએ. તોપણ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરીએ છીએ ત્યારે તે આપણી કદર કરે છે.—રૂમી ૩:૨૩.
૩ ઘણી વાર આપણને લાગી શકે કે આપણે ઈશ્વરની ભક્તિમાં કંઈ જ કરી શકતા નથી. તેમના આશીર્વાદો મેળવવા પણ યોગ્ય નથી. જોકે યહોવાહ આપણી ઇચ્છાઓ અને સંજોગોને સમજે છે. આપણે દિલથી સેવા કરીએ છીએ એની તે કદર કરે છે. (માત્થી ૨૨:૩૭) એ સમજવા એક ઉદાહરણ લઈએ. એક મા પોતાના ટેબલ પર સસ્તો નેકલેસ જુએ છે. એને બાજુમાં મૂકવા જતા તે એક નાનું કાર્ડ જુએ છે. એ કાર્ડ વાંચીને તેને ખબર પડે છે કે એ ભેટ તો તેની નાની દીકરી તરફથી હોય છે. તેણે એ ભેટ પોતે ભેગા કરેલા પૈસાથી લીધી હતી. માની આંખોમાંથી આંસુ સરી પડે છે. તે દીકરીને બોલાવીને ખૂબ વહાલ કરે છે અને તેની કદર કરે છે.
૪, ૫. ઈસુ કદર બતાવવામાં કેવી રીતે યહોવાહ જેવા છે?
૪ યહોવાહ જાણે છે કે આપણે કેટલું કરી શકીએ છીએ. તે આપણી ઇચ્છાઓને પણ પારખી શકે છે. યહોવાહની ભક્તિમાં આપણાથી બનતું જેટલું પણ કરીએ છીએ એની તે ઘણી કદર કરે છે. કદર બતાવવામાં ઈસુ તેમના પિતા જેવા જ હતા. ચાલો આપણે બાઇબલમાંથી વિધવાનો દાખલો જોઈએ: ‘ઈસુએ ઊંચે જોયું તો શ્રીમંતોને ધર્મભંડારમાં દાન નાખતા દીઠા. એક દરિદ્રી વિધવાને તેમાં બે દમડી નાખતી તેણે દીઠી. ત્યારે તેણે કહ્યું, કે હું તમને સાચું કહું છું, કે આ દરિદ્રી વિધવાએ એ સઘળાઓ કરતાં વધારે નાખ્યું છે; કેમ કે એ સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું બધું જ આપી દીધું.’—લુક ૨૧:૧-૪.
૫ ઈસુ એ સ્ત્રીના સંજોગો જાણતા હતા કે તે વિધવા અને ગરીબ છે. તેમણે એ નાની ભેટને ઘણી મૂલ્યવાન ગણી અને એની કદર કરી. સંજોગો પ્રમાણે આપણે જે કરીએ એની ઈસુ કદર કરે છે. એ રીતે તે યહોવાહને પગલે ચાલે છે. (યોહાન ૧૪:૯) આપણા સંજોગો પ્રમાણે જે કંઈ કરીએ, એનાથી યહોવાહની કૃપા પામી શકીએ છીએ.
ઈશ્વરનો ડર રાખનારને તે આશિષ આપે છે
૬, ૭. શા માટે યહોવાહે એબેદ-મેલેખ માટે કદર બતાવી? કેવી રીતે?
૬ યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવે છે, તેઓની તે કદર કરે છે. આવા અનુભવો બાઇબલમાં વારંવાર જોવા મળે છે. ચાલો જોઈએ કે ઈશ્વરનો ડર રાખનાર એબેદ-મેલેખને તેમણે કેવા આશીર્વાદ આપ્યા. તે ઈશ્વરભક્ત યિર્મેયાહના સમયમાં જીવતો હતો. યહુદાના ખરાબ રાજા સિદકીયાહના ઘરમાં તે ચાકર હતો. એબેદ-મેલેખને જાણ થઈ કે સરદારોએ યિર્મેયાહ પર ખોટો આરોપ મૂક્યો હતો. તેમને ભૂખે મરવા ટાંકામાં ઉતારી દીધા હતા. (યિર્મેયાહ ૩૮:૧-૭) યિર્મેયાહ જે સંદેશો આપતા હતા એના લીધે લોકો તેમની નફરત કરતા હતા. એબેદ-મેલેખ એ જાણતો હતો છતાં, પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ રાજાને આજીજી કરી. તે હિંમતથી બોલ્યો: “હે, રાજા, મારા મુરબ્બી, આ માણસોએ યિર્મેયાહ પ્રબોધકને જે કર્યું છે તે બહુ ખોટું કામ છે, તેઓએ તેને ટાંકામાં નાખ્યો છે; તે ત્યાં ને ત્યાં ભૂખે મરવાનો છે.” એ પછી રાજાના આદેશથી તેણે ૩૦ માણસને લઈ જઈને યિર્મેયાહને બચાવ્યા.—યિર્મેયાહ ૩૮:૮-૧૩.
૭ યહોવાહ જોઈ શકતા હતા કે એબેદ-મેલેખને શ્રદ્ધા હોવાથી તે હિંમત રાખી શક્યો. યહોવાહે કદર કરીને યિર્મેયાહ દ્વારા તેને કહ્યું: ‘મારાં વચનો પ્રમાણે આ નગરનું હિત નહિ થાય. તે દિવસે હું તારો છુટકારો કરીશ; અને જે માણસોથી તું બીએ છે તેઓના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. હું તને બચાવીશ, કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે.’ (યિર્મેયાહ ૩૯:૧૬-૧૮) યહોવાહે એબેદ-મેલેખનો અને યિર્મેયાહનો બચાવ કર્યો. કોનાથી? યહુદાના દુષ્ટ સરદારોથી. પછીથી બાબેલોનના લોકોથી જેમણે યરૂશાલેમનો વિનાશ કર્યો હતો. ગીતશાસ્ત્ર ૯૭:૧૦ કહે છે: “હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો; તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.”
‘ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે’
૮, ૯. ઈસુએ બતાવ્યા પ્રમાણે, યહોવાહ કેવી પ્રાર્થનાની કદર કરે છે?
૮ આપણે પૂરા દિલથી યહોવાહને પ્રાર્થના કરીએ છીએ એની પણ તે કદર કરે છે. એનો પુરાવો બાઇબલમાં જોવા મળે છે. રાજા સુલેમાને લખ્યું: “પ્રામાણિકની પ્રાર્થનાથી તેને [ઈશ્વરને] આનંદ થાય છે.” (નીતિવચનો ૧૫:૮) ઈસુના દિવસોમાં ઘણા ધર્મગુરુઓ લોકોના દેખતા પ્રાર્થના કરતા હતા. તેઓની પ્રાર્થના દિલથી નહિ પણ દેખાડો કરવા માટે હતી. ઈસુએ તેઓ વિષે કહ્યું: “તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.” પછી શિષ્યોને સલાહ આપી: “જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારૂં બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે.”—માત્થી ૬:૫, ૬.
૯ ઈસુ લોકોની સામે પ્રાર્થના કરવાની ના પાડતા ન હતા. તેમણે પોતે અમુક વાર એવી રીતે પ્રાર્થના કરી હતી. (લુક ૯:૧૬) આપણે બીજા લોકોના વખાણ મેળવવા નહિ, પણ ખરા દિલથી પ્રાર્થના કરીએ એની યહોવાહ કદર કરે છે. ઈશ્વર પર આપણને કેટલો ગહેરો પ્રેમ અને ભરોસો છે, એ આપણી પ્રાર્થનામાં જોવા મળે છે. એટલે જ ઈસુ પણ ઘણી વાર પ્રાર્થના કરવા માટે એકાંત જગ્યા શોધતા હતા. એક વાર તેમણે ‘અજવાળું થયા પહેલાં વહેલી સવારે’ પ્રાર્થના કરી. બીજી વખતે ‘તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા.’ ૧૨ પ્રેરિતોની પસંદગી કરતા પહેલાં પણ, તેમણે આખી રાત પ્રાર્થના કરી હતી.—માર્ક ૧:૩૫; માત્થી ૧૪:૨૩; લુક ૬:૧૨, ૧૩.
૧૦. જો આપણે ખરા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરીએ તો શાની ખાતરી રાખી શકીએ?
૧૦ ઈસુની પ્રાર્થનાઓ યહોવાહે કેટલા ધ્યાનથી સાંભળી હશે. અમુક વાર તો ઈસુએ ‘આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે ઈશ્વરનો ડર રાખ્યો.’ (હેબ્રી ૫:૭; લુક ૨૨:૪૧-૪૪) આપણે પણ આવી જ લાગણીથી અને ખરા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરીએ. ખાતરી રાખીએ કે યહોવાહ એને સાંભળે છે અને એની કદર કરે છે. “જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવાહ છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮.
૧૧. આપણે એકલા હોઈએ ત્યારે પણ જે કરીએ છીએ એનાથી યહોવાહને કેવું લાગે છે?
૧૧ આપણે પોતે પ્રાર્થના કરીએ, એની યહોવાહ બહુ કદર કરે છે. કોઈ આપણને જોતું હોય કે નહિ, તોપણ આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, એની પણ તે કદર કરે છે. આપણે જે કંઈ કરીએ એ યહોવાહ જાણે છે. (૧ પીતર ૩:૧૨) એટલે યહોવાહની આજ્ઞાઓ પાળીને બતાવી શકીએ, કે આપણે ‘પૂરા દિલથી’ યહોવાહની ભક્તિ કરીએ છીએ. (૧ કાળવૃત્તાંત ૨૮:૯) જો એમ કરીશું તો યહોવાહનું દિલ ખુશીઓથી ભરાઈ જશે.—નીતિવચનો ૨૭:૧૧; ૧ યોહાન ૩:૨૨.
૧૨, ૧૩. આપણે કેવી રીતે મન અને હૃદયનું રક્ષણ કરી શકીએ? કેવી રીતે નાથાનાએલ જેવા બની શકીએ?
૧૨ પોર્નોગ્રાફી અને હિંસા જેવી કોઈ પણ બાબતો આપણે જોતા નથી, જેનાથી મન ભ્રષ્ટ થાય. આપણે આવું પાપ બીજાઓથી છુપાવી શકીએ. પણ આપણે જાણીએ છીએ કે “[યહોવાહની] આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેની સાથે આપણને કામ છે, તેની દૃષ્ટિમાં સઘળાં નાગાં તથા ઉઘાડાં છે.” (હેબ્રી ૪:૧૩; લુક ૮:૧૭) યહોવાહને ન ગમે એવાં કામો ન કરીએ. તેમને ગમે એ જ કરવા મહેનત કરીશું તો આપણું મન સાફ રહેશે. આપણને યહોવાહના આશીર્વાદ મળશે, એ જાણીને દિલને ઘણી ખુશી થાય છે. યહોવાહ પણ એવા લોકોની કદર કરે છે જેઓ ‘તેમને આધીન જીવન જીવે છે, ન્યાયથી વર્તે છે અને સત્ય બોલે છે.’—ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨, IBSI.
૧૩ દુષ્ટતાથી ભરેલા જગતમાં આપણે કેવી રીતે મન અને હૃદયનું રક્ષણ કરી શકીએ? (નીતિવચનો ૪:૨૩; એફેસી ૨:૨) એક તો યહોવાહે આપણી શ્રદ્ધા વધારવા બાઇબલ, પુસ્તકો અને મિટિંગોની ગોઠવણ કરી છે. એનો પૂરો લાભ લઈએ. હંમેશાં સારાં કામો કરીએ અને ખરાબ કામોને ધિક્કારીએ. મનમાં ખોટી ઇચ્છા જાગે કે તરત જ પગલાં લઈએ, જેથી પાપમાં ના પડીએ. (યાકૂબ ૧:૧૪, ૧૫) ઈસુએ નાથાનાએલ માટે કહ્યું, “એનામાં કંઈ પણ કપટ નથી!” (યોહાન ૧:૪૭) વિચારો કે જો ઈસુ તમારા માટે એવું જ કહે તો તમને કેટલી ખુશી થશે. નાથાનાએલ બારથોલમી નામથી પણ ઓળખાતા. તેમને પછીથી ઈસુના ૧૨ પ્રેરિતોમાંના એક બનવાનો આશીર્વાદ મળ્યો.—માર્ક ૩:૧૬-૧૯.
“દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક”
૧૪. મરિયમે જે કર્યું એના વિષે લોકોને કેવું લાગ્યું? ઈસુને કેવું લાગ્યું?
૧૪ ઈસુનો સ્વભાવ યહોવાહ જેવો જ છે. યહોવાહને દિલથી ભજનારા લોકોની ઈસુ પણ હંમેશાં કદર કરે છે. (કોલોસી ૧:૧૫) દાખલા તરીકે, ઈસુએ પોતાનું જીવન આપી દીધું એના પાંચ દિવસ પહેલાં, તે શિષ્યો સાથે સીમોન બેથાનીના ઘરે મહેમાન હતા. સાંજના સમયે લાજરસ અને મારથાની બહેન મરિયમ ત્યાં આવી. તેણે ‘ઘણું મૂલ્યવાન (આશરે એક વર્ષના પગાર જેટલું) જટામાંસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે અને માથે ચોળ્યું.’ (યોહાન ૧૨:૩) કોઈકે કહ્યું ‘એ બગાડ શા માટે?’ પણ ઈસુએ આ વલણને ખૂબ જ ઉદાર ગણ્યું. તેમણે એ અત્તરને જાણે પોતાની દફનવિધિની તૈયારીમાં ચોળ્યું હોય એ રીતે ખૂબ મહત્ત્વનું ગણ્યું. એટલે મરિયમને ઠપકો આપવાને બદલે, ઈસુએ તેને માન આપ્યું. તેમણે કહ્યું: ‘હું તમને કહું છું, કે આખા જગતમાં જ્યાં કહીં આ સુવાર્તા પ્રસિદ્ધ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’—માત્થી ૨૬:૬-૧૩.
૧૫, ૧૬. ઈસુએ મનુષ્ય તરીકે જીવીને ઈશ્વરની સેવા કરી એનાથી આપણને શું લાભ થાય છે?
૧૫ ઈસુ પણ આપણી કદર કરે છે એનાથી કેટલી ખુશી થાય છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહોવાહે તેમને બીજા એક ખાસ કામ માટે પણ તૈયાર કર્યા. એ કામ કયું હતું? એક તો પ્રમુખયાજક અને રાજા તરીકે અભિષિક્તોના મંડળની સેવા કરે. બીજું આખી દુનિયા પર રાજ કરે.—કોલોસી ૧:૧૩; હેબ્રી ૭:૨૬; પ્રકટીકરણ ૧૧:૧૫.
૧૬ પૃથ્વી પર આવ્યા એ પહેલેથી જ ઈસુને મનુષ્યો માટે બહુ પ્રેમ અને લગાવ હતો. (નીતિવચનો ૮:૩૧) એમાંય પૃથ્વી પર માણસ તરીકે જીવીને ઈસુ આપણી તકલીફો વધારે સારી રીતે સમજી શક્યા. યહોવાહની સેવામાં આપણને પડતી મુશ્કેલીઓ તે પોતે અનુભવી શક્યા. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું, ‘સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું ઈસુ માટે જરૂરી હતું, જેથી તે દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય. પરીક્ષણ થવાથી ઈસુએ દુઃખો સહન કર્યાં. એટલે હવે તે જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને શક્તિમાન છે.’ ઈસુ આપણી ‘નિર્બળતા પર દયા’ બતાવી શકે છે. ‘સર્વ વાતે આપણી જેમ તેમનું પરીક્ષણ થયું હોવા છતાં તેમણે કદી પાપ કર્યું નહિ.’—હેબ્રી ૨:૧૭, ૧૮; ૪:૧૫, ૧૬.
૧૭, ૧૮. (ક) એશિયા માઈનોરનાં સાત મંડળોને લખેલા પત્રોમાં ઈસુ કેવી કદર બતાવે છે? (ખ) અભિષિક્ત ખ્રિસ્તીઓને શાના માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા?
૧૭ ઈસુ સજીવન થયા પછી પોતાના શિષ્યોની મુશ્કેલીઓને વધારે સારી રીતે સમજી શક્યા. એ આપણને તેમણે એશિયા માઈનોરને લખેલા સાત પત્રોમાં જોવા મળે છે. એ પત્રો તેમણે ઈશ્વરભક્ત યોહાન દ્વારા લખાવ્યા હતા. ઈસુએ સ્મર્ના મંડળના પત્રમાં લખ્યું: “હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું.” અહીંયા જાણે ઈસુ કહેતા હતા કે ‘હું સારી રીતે તમારી મુશ્કેલીઓ સમજુ છું. હું જાણું છું કે તમે કેવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો.’ ઈસુએ મરણનું દુઃખ સહન કર્યું હતું. તેમણે પૂરા ભરોસાથી સ્મર્ના મંડળને લખ્યું: “મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.”—પ્રકટીકરણ ૨:૮-૧૦.
૧૮ સાત મંડળોને લખેલા પત્રોમાં ઈસુનો પ્રેમ અને લાગણી સાફ દેખાઈ આવે છે. એ બતાવે છે કે ઈસુ તેમના શિષ્યોની મુશ્કેલીઓને સારી રીતે જાણતા હતા. શિષ્યો મુશ્કેલીઓમાં પણ યહોવાહને વળગી રહ્યા, એની ઈસુએ ઘણી કદર કરી. (પ્રકટીકરણ ૨:૧–૩:૨૨) ઈસુ સ્વર્ગમાં જનારા અભિષિક્ત ખ્રિસ્તીઓ સાથે વાત કરતા હતા. તેઓ પણ ઈસુ સાથે રાજ કરવાના હતા, એટલે તેઓને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. જેથી ઈસુની જેમ તેઓ પણ પૃથ્વી પર રહેનારાની કદર કરી શકે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૨૨:૧-૫.
૧૯, ૨૦. ‘મોટો સમુદાય’ કેવી રીતે યહોવાહ અને ઈસુ માટે કદર બતાવે છે?
૧૯ અભિષિક્તો માટે ઈસુને જે પ્રેમ છે એ વિશ્વાસુ “બીજાં ઘેટાં” માટે પણ છે. એમાંના લાખો લોકો ‘સર્વ દેશોમાંથી આવેલો એક મોટો સમુદાય’ છે, જે “મોટી વિપત્તિમાંથી” બચી જશે. (યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૭:૯, ૧૪) તેઓ ઈસુને પગલે ચાલે છે. ઈસુએ જે બલિદાન આપ્યું એનાથી તેઓને હંમેશ માટે જીવવાની આશા મળી છે. એની તેઓ ખૂબ કદર કરે છે. કેવી રીતે? ‘રાતદહાડો ઈશ્વરની સેવા કરીને.’—પ્રકટીકરણ ૭:૧૫-૧૭.
૨૦ ૨૦૦૬નો રિપોર્ટ બતાવે છે કે આખી દુનિયામાં આ વિશ્વાસુ ભક્તો યહોવાહની ‘રાતદહાડો સેવા કરે છે.’ એ વર્ષમાં તેઓએ બાકી રહેલા અભિષિક્ત ખ્રિસ્તીઓ સાથે ૧,૩૩,૩૯,૬૬,૧૯૯ કલાકો પ્રચાર કર્યો. આ કલાકોને વર્ષમાં ગણીએ તો ૧,૫૦,૦૦૦ કરતાં વધારે વર્ષો થાય!
કદર બતાવતા રહો!
૨૧, ૨૨. (ક) આપણે કેમ કદર બતાવવાનું ભૂલવું ન જોઈએ? (ખ) હવે પછીના લેખમાં શું શીખીશું?
૨૧ યહોવાહ અને ઈસુ પાપી માણસોની કદર કરે છે, આ વાત આપણા દિલને કેવી અસર કરે છે! દુઃખની વાત છે કે મોટા ભાગના લોકો જીવનની ચિંતામાં અને મોજશોખમાં ડૂબી ગયા છે. તેથી ઈશ્વરને ભૂલી ગયા છે. ‘છેલ્લા સમયના’ લોકો વિષે પાઊલે લખ્યું: ‘માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આભાર નહિ માનનારા’ થશે. (૨ તીમોથી ૩:૧-૫) આવા લોકો અને સાચા ખ્રિસ્તીઓ વચ્ચે કેવો મોટો તફાવત છે! સાચા ખ્રિસ્તીઓ દિલથી ઈશ્વરને પ્રાર્થના કરે છે. રાજી-ખુશીથી તેમની આજ્ઞાઓ પાળે છે. તન-મનથી તેમની સેવા કરે છે. ઈશ્વરે તેઓ માટે જે કંઈ કર્યું છે એની બહુ જ કદર કરે છે.—ગીતશાસ્ત્ર ૬૨:૮; માર્ક ૧૨:૩૦; ૧ યોહાન ૫:૩.
૨૨ હવે પછીના લેખમાં જોઈશું કે યહોવાહે આપણા માટે કેવી પ્રેમાળ ગોઠવણ કરી છે. એમાં આપણે વિશ્વાસને મજબૂત કરવા યહોવાહે જે પણ ગોઠવણ કરી છે એ વિષે વધારે શીખીશું. આપણે આ “ઉત્તમ દાન” પર ધ્યાન આપીશું તો આપણી કદર વધતી જશે.—યાકૂબ ૧:૧૭. (w 07 2/1)
કેવો જવાબ આપશો?
• કેવી રીતે યહોવાહ કદર કરનાર ઈશ્વર છે?
• એકલા હોઈએ ત્યારે પણ યહોવાહના દિલને કેવી રીતે ખુશ કરી શકીએ?
• ઈસુએ કેવી રીતે કદર બતાવી?
• મનુષ્ય તરીકે જીવીને ઈસુ કેવી રીતે વધારે પ્રેમાળ અને કદર કરનાર રાજા બન્યા?
[Study Questions]
[Picture on page 22]
દીકરીએ આપેલી ભેટની મા કદર બતાવે છે, તેમ દિલથી કરેલી સેવાની યહોવાહ કદર કરે છે