‘સચ સચ બોલ’
‘સચ સચ બોલ’
“જૂઠ! મને એ સાંભળીને જ ગુસ્સો ચડે.” એક સોળ વર્ષની છોકરીએ અકળાઈને કહ્યું. મોટે ભાગે દરેક એવું જ કહેશે. કોઈ વાત-વાતમાં જૂઠું બોલે કે લખાણમાં હકીકત ન જણાવે તો, એ કોને ગમે? પણ હવે ‘શું આપણે હંમેશાં બધાને હકીકત જણાવીએ છીએ?’
જર્મનીમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાંના મોટા ભાગનાએ કહ્યું કે “કોઈની ઇજ્જત સાચવવા જરાક જૂઠું બોલવું પડે તો એમાં શું ખોટું? ખાસ કરીને જો જરા ખોટું બોલવાથી લોકોમાં સંપ વધતો હોય તો, એમાં કશો જ વાંધો નથી.” બીજી એક લેખિકાએ કહ્યું: “આપણે બધા હંમેશાં સાચું જ બોલીએ તો સારું થાય. પણ જિંદગીમાં કંઈ ખટ્ટી-મીઠ્ઠી ન હોય તો મજા શું?”
લોકો કેમ આવું વિચારે છે? કદાચ તેઓ માનતા હોય કે બીજાએ હંમેશાં સચ્ચાઈથી વર્તવું જોઈએ. પણ તેઓ પોતે જરા-તરા જૂઠું બોલે તો કંઈ વાંધો નથી. તો પછી આપણે સાચું બોલીએ કે જૂઠું બોલીએ, એનાથી કંઈ ફરક પડે છે?
જૂઠું બોલવાથી શું થાય?
વિચાર કરો કે કોઈ જૂઠું બોલે તો શું થશે! જેમ કે કોઈ પોતાના લગ્ન-સાથી કે કુટુંબ સાથે જૂઠું બોલે તો, શું તેઓ તેના પર ભરોસો રાખશે? જો કોઈ બીજાના વિષે ખોટી વાતો ફેલાવે તો તેનું નામ બગડશે. જો કામદારો સાચું-ખોટું કરીને પોતાના શેઠને બનાવી જાય તો તેને નુકસાની આવશે, જે કોઈ પણ રીતે તે વસૂલ કરશે. આપણે ટૅક્સ ભરવો ન પડે એ માટે ખોટી માહિતી આપીએ તો, સરકાર પાસે પૈસા ખૂટી જશે. સરકાર લોકોને પાણી, હૉસ્પિટલ અને સ્કૂલ જેવી જરૂરી સગવડો પૂરી નહિ પાડી શકે. સંશોધન કરતા અમુક રિસર્ચ સેન્ટર અને કંપનીના કામદારો જૂઠો રિપોર્ટ આપે છે. એના લીધે તેઓ સારી સારી પોસ્ટ ગુમાવે છે. તેઓના લીધે એ રિસર્ચ સેન્ટર કે કંપનીનું નામ બદનામ થાય છે. ઘણા લુચ્ચા લોકો ભોળિયાઓને છેતરે છે અને તેઓને રાતો-રાત કરોડપતિ થવાના સપનાં બતાવે છે. એની લાલચમાં તેઓ પોતે કરેલી બચત ધુતારાઓની સ્કીમ કે ધંધામાં આપી દે છે. તેઓ પલભરમાં બરબાદ થઈ જાય છે. યહોવાહ ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે તેમને ‘જૂઠી જીભ’ અને ‘જૂઠા સાક્ષીથી’ સખત નફરત છે!—નીતિવચનો ૬:૧૬-૧૯.
આપણે જો જૂઠું બોલીએ તો પોતાનું અને સમાજનું નામ બદનામ થશે. આપણે બધા એ જાણીએ છીએ. તો પછી સવાલ થાય કે લોકો કેમ ખોટું બોલે છે? બીજો એ પણ સવાલ થાય કે જો અજાણતા ખોટી માહિતી આપીએ તો શું એ જૂઠું બોલ્યા કહેવાય? આ અને એના જેવા બીજા સવાલોની હવે પછીના લેખમાં ચર્ચા કરીશું. (w 07 2/1)
[Picture on page 3]
જૂઠ પતિ-પત્નીનો ભરોસો કોરી ખાશે