સાચ તરે ને જૂઠ ડૂબે
સાચ તરે ને જૂઠ ડૂબે
મેનફ્રેડ અઢાર વર્ષનો હતો ત્યારે, એક કંપનીમાં ઑફિસનું કામ શીખતો હતો. * તેની કંપની તેને અને અમુક બીજાને અઠવાડિયામાં બે દિવસ ટ્રેનિંગ માટે કૉલેજમાં મોકલતી. એક દિવસ તેઓને કૉલેજથી વહેલી રજા મળી. કંપનીના નિયમ પ્રમાણે તેઓએ પાછા કામે જવાનું હતું. મેનફ્રેડ કામ પર ગયો, જ્યારે કે બીજા રખડવા ગયા. કામ પર અચાનક તેઓના મૅનેજર આવી પહોંચ્યા. તેમણે મેનફ્રેડને પૂછ્યું: “કેમ, આજે કૉલેજ નથી? અને બીજા ક્યાં?” હવે મેનફ્રેડ શું કહેશે?
મેનફ્રેડની જેવો દરેકને અનુભવ થયો હોઈ શકે. આવા સંજોગોમાં તેણે શું કરવું જોઈએ? સાચું બોલવું જોઈએ? તેના સાથીદારોને બચાવવા કોઈ બહાનું કાઢવું જોઈએ? જો તે સાચું બોલે તો બીજાની પોલ ખૂલી જશે. તે તેઓનો દુશ્મન બનશે. આવા સંજોગમાં જરા ખોટું બોલે તો શું બગડવાનું છે? તમે શું કરત? મેનફ્રેડે શું કર્યું એ આપણે પછી જોઈશું. એ પહેલાં ચાલો જોઈએ કે આવા સંજોગોમાં આપણે સાચું બોલવું કે ખોટું. એ નક્કી કરવા શું મદદ કરી શકે?
સાચ ને જૂઠની કટ્ટર દુશ્મની
ઈશ્વરે પ્રથમ ઇન્સાનને બનાવ્યો ત્યારે, તેને જૂઠું બોલતા આવડતું ન હતું. તેનામાં કોઈ કપટ ન હતું. કેમ નહિ? તેને બનાવનાર યહોવાહ, વિશ્વના સર્જનહાર ‘સત્યના ઈશ્વર છે.’ તેમના બોલમાંથી સત્ય જ નીતરે છે. તે કદી જૂઠું બોલી શકતા નથી. તે જૂઠ અને જૂઠાબોલાને ધિક્કારે છે.—ગીતશાસ્ત્ર ૩૧:૫; યોહાન ૧૭:૧૭; તીતસ ૧:૨.
તો જૂઠનો જન્મ થયો કઈ રીતે? એનો સાચો જવાબ ઈસુએ આપ્યો. તે ધરતી પર હતા ત્યારે ધર્મગુરુઓએ તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ઈસુએ તેઓને કહ્યું: ‘તમે તમારા બાપ શેતાનના છો. તમે તમારા બાપની ઇચ્છા પ્રમાણે કરવા ચાહો છો. તે પ્રથમથી ખૂની હતો. તેનામાં સત્ય નથી. તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે. તે જૂઠો અને જૂઠાનો બાપ છે.’ (યોહાન ૮:૪૪) ઈસુનો કહેવાનો મતલબ શું હતો? તે એ સમયની વાત કરતા હતા, જ્યારે યહોવાહે એદન બાગમાં પ્રથમ પુરુષ ને સ્ત્રીને બનાવ્યા. શેતાને જૂઠું બોલીને તેઓને લલચાવ્યા. યહોવાહની આજ્ઞા તોડાવી. એટલે તેઓ ઈશ્વરની નજરમાં પાપી બન્યા. ઘરડા થઈને મરણ પામ્યા.—ઉત્પત્તિ ૩:૧-૫; રૂમી ૫:૧૨.
ઈસુએ હકીકત જણાવી કે જૂઠાણાંની શરૂઆત શેતાને કરી. “તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.” શેતાન સત્યનો કટ્ટર દુશ્મન છે. તે આજે “આખા જગતને ભમાવે છે.” આજે જૂઠાણાંને કારણે આખી દુનિયા દુઃખી છે. મોટે ભાગે શેતાન એના માટે જવાબદાર છે.—પ્રકટીકરણ ૧૨:૯.
શેતાને જૂઠાણાંને જન્મ આપ્યો. આજે પણ જૂઠ દુનિયા પર રાજ કરે છે. એમાંથી કોઈ છટકી શકતું નથી. તોપણ, વ્યક્તિ પોતાના વાણી-વર્તનથી બતાવી આપી શકે કે પોતે સત્યના કે જૂઠના પંથે ચાલશે. બાઇબલનાં શિક્ષણ પ્રમાણે જીવતા લોકો ઈશ્વરને માર્ગે ચાલે છે. પણ જેઓ ચાલતા નથી તેઓ જાણે-અજાણે શેતાનની મુઠ્ઠીમાં રહે છે, કેમ કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.”—૧ યોહાન ૫:૧૯; માત્થી ૭:૧૩, ૧૪.
જૂઠું બોલવું કેમ સહેલું છે?
“આખું જગત” શેતાનની મુઠ્ઠીમાં હોવાથી, જૂઠું બોલવું સહેલું છે. પણ શેતાન “જૂઠાનો બાપ” બન્યો કઈ રીતે? શરૂઆતમાં યહોવાહે સ્વર્ગદૂતો બનાવ્યા હતા. આખું વિશ્વ બનાવ્યું. પછી પુરુષ ને સ્ત્રીને બનાવ્યા. સર્વના માલિક ફક્ત યહોવાહ જ હતા. પણ સ્વર્ગદૂતોમાંનો એક તેમના કરતાં ચડિયાતો બનવા માગતો હતો. તેની પાસે ન તો એવી લાયકાત હતી કે ન એવો કોઈ હક્ક હતો. યહોવાહનો હક્ક છીનવી લેવા એ સ્વાર્થી દૂતે કાવતરું રચ્યું. તે જૂઠું બોલ્યો. આમ, તે શેતાન અને “જૂઠાનો બાપ” બન્યો.—૧ તીમોથી ૩:૬.
આજના વિષે શું? આજે પણ લોકો સ્વાર્થને કારણે કે પોતાનાં સપનાં સાકાર કરવા, શું જૂઠું બોલતા નથી? વેપાર-ધંધો, રાજકારણ, માણસોએ બનાવેલા ધર્મો, એ બધા ભ્રષ્ટતા અને છેતરપિંડીથી ખદબદે છે. એવું કેમ છે? એમાં ફક્ત સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ જ ભર્યો છે! કોઈને અમીર બનવું છે, કોઈને બળજબરીથી સત્તા પચાવી પાડવી છે. ઈસ્રાએલના રાજા સુલેમાને આ ચેતવણી આપી: ‘જે માણસ ધનવાન થવાને ઉતાવળ કરે છે,’ તે નિર્દોષ રહેશે નહિ. (નીતિવચનો ૨૮:૨૦) ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘ધનનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.’ (૧ તીમોથી ૬:૧૦) સત્તાનો લોભ રાખનારાને પણ આ સલાહ એટલી જ લાગુ પડે છે.
ઘણા જૂઠું બોલે છે, કેમ કે તેઓને માણસનો ડર હોય છે. પોતાના માન-પાન ગુમાવવાનો ડર હોય છે. તેઓને થાય છે કે પોતાનો અસલી રંગ ખબર પડશે તો, લોકો શું કહેશે? માન-પાન કોને ન ગમે? તોપણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એની પાછળ ગાંડા ન થઈએ. નહિતર એ માટે આપણે પોતાની નાની-મોટી ભૂલો સંતાડવા લાગીશું. એટલે જ સુલેમાને લખ્યું: ‘માણસની બીક ફાંદો છે; પણ જે કોઈ યહોવાહ પર ભરોસો રાખે છે તે સલામત રહેશે.’—નીતિવચનો ૨૯:૨૫.
ઈશ્વરની જેમ જ જૂઠાણાંને ધિક્કારીએ
શરૂઆતમાં આપણે મેનફ્રેડ વિષે જોઈ ગયા. તેણે મૅનેજરને શું જવાબ આપ્યો? મેનફ્રેડે જેવું હતું એવું જ કહ્યું, “ટીચરે અમને વહેલી રજા આપી એટલે હું કામે આવ્યો. બીજાઓ માટે હું જવાબ આપી શકું એમ નથી. તમે જ તેઓને પૂછજો.”
મેનફ્રેડ પોતાના સાથીદારો માટે કોઈ બહાનું કાઢી શક્યો હોત. તેઓનો જિગરજાન દોસ્ત બની શક્યો હોત. પણ મેનફ્રેડે એમ ન કર્યું, કેમ કે પોતે યહોવાહનો એક સાક્ષી છે. ઈશ્વરની નજરમાં ગુનેગાર ન ઠરે માટે તે સાચું બોલ્યો. એનાથી પેલા મૅનેજરને તેના પર
પાક્કો ભરોસો બેસી ગયો. તેથી તેને વધારે ટ્રેનિંગ લેવા દાગીના બનાવતા ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો. મોટે ભાગે શિખાઉને ત્યાં કામ કરવા મળતું નથી. એના પંદરેક વર્ષ પછી મેનફ્રેડને મોટી જવાબદારી સોંપવામાં આવી. તેના મૅનેજરે શાબાશી આપવા ફોન કરીને મેનફ્રેડને યાદ કરાવ્યું કે ‘પંદરેક વર્ષ પહેલાં જે બન્યું હતું એ તને યાદ છે?’યહોવાહને સચ્ચાઈ અતિ પ્યારી છે. તેમના ભક્તોને પણ એ એટલી જ પ્યારી છે. જેઓ યહોવાહના ભક્ત બનવા ચાહે છે, તેઓએ પણ પોતાના દિલમાંથી “જૂઠ” કાઢીને ફક્ત “સાચું” બોલવું જોઈએ. સુલેમાન રાજાએ લખ્યું: “વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ.” પણ તમે શાને જૂઠું કહેશો?—એફેસી ૪:૨૫; નીતિવચનો ૧૪:૫.
જૂઠાણું શાને કહેવાય?
એક ડિક્શનરી કહે છે: ‘કોઈને છેતરવા જાણીજોઈને આપેલી ખોટી માહિતી જૂઠાણું કહેવાય.’ શા માટે એમ? એનું કારણ કે કોઈને છેતરવા માટે જાણીજોઈને ખોટી માહિતી આપવામાં આવી. જ્યારે કે અજાણતા ખોટી માહિતી અપાઈ ગઈ હોય, તો એ જૂઠ ન કહેવાય.
એટલે જો કોઈ તમને કંઈ પૂછે તો પહેલા વિચારો કે શું તેને બધું જાણવાની જરૂર છે? ચાલો મેનફ્રેડનો પાછો વિચાર કરીએ. ‘આજે કૉલેજ નથી ગયો,’ એવો સવાલ જો બીજી કોઈ કંપનીનો મૅનેજર મેનફ્રેડને પૂછે, તો શું તે તેને બધું જ જણાવશે? ના, મેનફ્રેડ બીજી કંપનીના મૅનેજરને બધું જણાવવા બંધાયેલો નથી. તોપણ તે કંઈ ખોટી માહિતી આપે તો, તે જૂઠું બોલ્યો કહેવાય.
ચાલો આપણે જોઈએ કે એક વાર ઈસુએ આવા સંજોગમાં શું કર્યું? અમુક યહુદીઓ એક ઉત્સવ માટે યરૂશાલેમ જતા હતા. તેઓએ ઈસુને કહ્યું: ‘તારે અહીંથી યહુદીયાના ઉત્સવમાં જવું જોઈએ.’ ઈસુએ તેઓને શું કહ્યું? ‘તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું હમણાં આ પર્વમાં જતો નથી.’ પણ પછીથી ઈસુ પોતે એ પર્વ માટે યરૂશાલેમ ગયા. ઈસુએ પહેલાં કેમ ના પાડી? એનું કારણ કે તેઓએ બધું જાણવાની જરૂર ન હતી. જો ઈસુએ બધું જણાવ્યું હોત તો કદાચ તેમનું અને તેમના શિષ્યોનું જીવન જોખમમાં આવ્યું હોત. એટલે ઈસુએ તેઓને બધું જ જણાવ્યું નહિ. ઈસુ કદીયે જૂઠું બોલ્યા ન હતા. ઈશ્વરભક્ત પીતરે પણ આમ લખ્યું: ‘ઈસુએ કંઈ પાપ કર્યું નહિ અને તેના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ.’—યોહાન ૭:૧-૧૩; ૧ પીતર ૨:૨૨.
ઈશ્વરભક્ત પીતરનો પણ દાખલો લઈએ. ઈસુને ગિરફતાર કરવામાં આવ્યા, એ રાત્રે પીતરે ત્રણવાર કહ્યું કે “હું ઈસુને જાણતો નથી.” શું એ જૂઠું ન હતું? હા, એ જૂઠ હતું. સમાજના ડરને લીધે પીતર જૂઠું બોલ્યા. પણ તરત જ તેમને ભાન થયું. તેમણે માત્થી ૨૬:૬૯-૭૫; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮-૨૦; ૫:૨૭-૩૨; યાકૂબ ૩:૨.
દિલથી પસ્તાવો કર્યો ને ‘બહુ રડ્યા.’ એટલે ઈશ્વરે તેમને માફ કર્યા. પીતર એ કદી ન ભૂલ્યા. એના અમુક દિવસો પછી તેમણે યરૂશાલેમમાં હિંમતથી ઈસુ વિષે પ્રવચન આપ્યું. ધર્મગુરુઓએ તેમને ધમકાવીને ઈસુનો પ્રચાર કરવાની મના કરી. પણ પીતર તેઓથી જરાય ડર્યા નહિ. આમાંથી આપણને ઘણી હિંમત મળે છે. જો આપણે કોઈ ભૂલ કરી બેસીએ તો તરત જ પીતરની જેમ દિલથી પસ્તાવો કરવો જોઈએ.—સતની દુનિયા આવશે
નીતિવચનો ૧૨:૧૯ કહે છે: ‘સત્યનો હોઠ સદા ટકશે; પણ જૂઠી જીભ તો પલવાર જ ટકે છે.’ એ બતાવે છે કે સત્યની જ જીત થશે. લોકો એકબીજા સાથે સાચું બોલે ત્યારે બધામાં પ્રેમ, સંપ ને શાંતિ ખીલે છે. સાચું બોલવાથી ઘણા જ આશીર્વાદો આવે છે. જેમ કે યહોવાહ આગળ શરમાવું નહિ પડે. સમાજમાં શાખ વધે છે. કુટુંબમાં, લગ્નસાથી ને મિત્રો સાથે પ્રેમ વધે છે. અરે, વેપાર ધંધામાં પણ સચ્ચાઈથી ફાયદો થાય છે.
પણ જૂઠાણું કાયમ ટકશે નહિ. વ્યક્તિ જૂઠું બોલીને કોઈને છેતરી શકે, પણ કેટલી વાર? યહોવાહ કાયમ જૂઠાણાં ચલાવી લેશે નહિ. જેઓ જૂઠ બોલે છે, તેઓ પાસેથી યહોવાહ જરૂર હિસાબ લેશે. યહોવાહ જલદી જ ‘જૂઠાનો બાપ’ એટલે શેતાનનો નાશ કરશે. પછી દુનિયામાં જૂઠાણાંનું નામનિશાન નહિ રહે. દરેક પ્રકારનું જૂઠાણું ને જૂઠું બોલનારાનો નાશ કરવામાં આવશે.—પ્રકટીકરણ ૨૧:૮.
જ્યારે “સત્યનો હોઠ સદા ટકશે,” ત્યારે આખી દુનિયામાં લોકો કેવા હળી-મળીને રહેતા હશે! (w 07 2/1)
[Footnote]
^ ખરું નામ નથી.
[Blurb on page 5]
સ્વાર્થને કારણે કે પોતાનાં સપનાં સાકાર કરવા લોકો જૂઠું બોલે છે
[Blurb on page 6]
કોઈને છેતરવા જાણીજોઈને આપેલી ખોટી માહિતી જૂઠાણું કહેવાય
[Picture on page 6]
ઈશ્વરભક્ત પીતર પાસેથી આપણે શું શીખીએ છીએ?
[Picture on page 7]
સાચું જ બોલવાથી પ્રેમ વધે છે, પાક્કો નાતો બંધાય છે