સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનો ડર રાખીને સુખી થાઓ

ઈશ્વરનો ડર રાખીને સુખી થાઓ

ઈશ્વરનો ડર રાખીને સુખી થાઓ

“યહોવાહના સંતો, તેનું ભય રાખો; કેમ કે તેનું ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.”—ગીતશાસ્ત્ર ૩૪:૯.

૧, ૨. (ક) ઈશ્વરનો ડર રાખવા વિષે ચર્ચના પાદરીઓ કઈ બે બાબત શીખવે છે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

 લોકોમાં ઈશ્વરનો ડર પેદા કરવા ચર્ચના પાદરીઓ ઘણી વાર શીખવે છે કે ઈશ્વર પાપીઓને કાયમ માટે નરકમાં તડપાવે છે. પણ બાઇબલમાં આવું શિક્ષણ નથી. બાઇબલ શીખવે છે કે યહોવાહ તો પ્રેમ અને ન્યાયના ઈશ્વર છે. (ઉત્પત્તિ ૩:૧૯; પુનર્નિયમ ૩૨:૪; રૂમી ૬:૨૩; ૧ યોહાન ૪:૮) જ્યારે અમુક પાદરીઓ તો ઈશ્વરનો ડર રાખવાનો ઉલ્લેખ પણ કરતા નથી. તેઓ શીખવે છે કે મન ફાવે એમ જીવો. ઈશ્વરને તો બધું જ સ્વીકાર્ય છે. પરંતુ બાઇબલ એવું કંઈ શીખવતું નથી.—ગલાતી ૫:૧૯-૨૧.

બાઇબલ આપણને ઈશ્વરનો ડર રાખવાનું ઉત્તેજન આપે છે. (પ્રકટીકરણ ૧૪:૭) એનાથી આપણા મનમાં ઘણા સવાલો થઈ શકે. પ્રેમાળ ઈશ્વર શા માટે ચાહે છે કે આપણે તેમનો ડર રાખીએ? ઈશ્વર માટે કેવો ડર હોવો જોઈએ? એનાથી આપણને શું લાભ થાય છે? આપણે ગીતશાસ્ત્રના ૩૪મા અધ્યાયમાં આ સવાલોની ચર્ચા કરીશું.

શા માટે ઈશ્વરનો ડર રાખવો?

૩. (ક) ઈશ્વરનો ડર રાખવાની આજ્ઞા તમને કેવી લાગે છે? (ખ) યહોવાહનો ડર રાખનારા શા માટે ખુશ છે?

યહોવાહ પરમેશ્વર વિશ્વના માલિક છે. તે આપણા સર્જનહાર છે. આપણે તેમનો ડર રાખીએ એ યોગ્ય છે. (૧ પીતર ૨:૧૭) એનો અર્થ એ નથી કે તે ક્રૂર છે, આપણે તેમનાથી થર થર કાંપીએ. ઈશ્વરનો ડર રાખવો એટલે તેમને પૂરો આદર આપવો, કેમ કે તે મહાન ઈશ્વર છે. તે નારાજ થાય એવું કોઈ પણ કામ ન કરીએ. આવો ડર રાખવામાં આપણું જ ભલું છે. યહોવાહ ‘આનંદી ઈશ્વર છે.’ તે ચાહે છે કે આપણે જીવનનો આનંદ માણીએ. (૧ તીમોથી ૧:૧૧, NW) એ માટે આપણે તેમની ઇચ્છા મુજબ જીવવું જોઈએ. એનો અર્થ કે ઘણા લોકોએ જીવનમાં ફેરફાર કરવા પડશે. એમ કરે છે તેઓ સર્વ દાઊદના આ શબ્દોને પૂરા થતા જુએ છે: “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે; જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. યહોવાહના સંતો, તેનું ભય રાખો; કેમ કે તેનું ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.” (ગીતશાસ્ત્ર ૩૪:૮, ૯) યહોવાહનો ડર રાખીને ચાલે છે તેઓનો તેમની સાથે સારો સંબંધ છે. તેથી તેઓને હંમેશ માટે ફાયદો થાય એવી કોઈ વસ્તુની ખોટ પડશે નહિ.

૪. દાઊદ અને ઈસુએ શાના વિષે ખાતરી અપાવી?

દાઊદના દિવસોમાં આ કલમોનો શું અર્થ હતો એ જોઈએ. તેમણે પોતાના સાથીઓને “સંતો” કહીને માન આપ્યું. તેઓ ઈશ્વરની પવિત્ર પ્રજાના ભાગ હતા. તેઓએ જીવ જોખમમાં નાખીને પણ દાઊદને સાથ આપ્યો. દાઊદ અને તેમના સાથીઓ શાઊલ રાજાથી નાસતા ફરતા હતા. તોપણ દાઊદને યહોવાહમાં પૂરો ભરોસો હતો. તે જાણતા હતા કે યહોવાહ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી પાડશે. દાઊદે લખ્યું: “સિંહનાં બચ્ચાંને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૦) ઈસુએ પણ પોતાના શિષ્યોને આ વાતની ખાતરી અપાવી.—માત્થી ૬:૩૩.

૫. (ક) ઈસુનું સાંભળતા હતા એમાંના ઘણા લોકો કેવા હતા? (ખ) ઈસુએ ડર રાખવા વિષે શું સલાહ આપી?

ઈસુનું સાંભળતા હતા એમાં ઘણા યહુદીઓ ગરીબ હતા. ઈસુને “તેઓ પર દયા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા હતા.” (માત્થી ૯:૩૬) આવા દુઃખી લોકોને ઈસુને પગલે ચાલવામાં હિંમત ક્યાંથી મળી શકે? એ માટે તેઓએ માણસોનો નહિ, પણ યહોવાહનો ડર કેળવવાની જરૂર હતી. ઈસુએ કહ્યું: “શરીરને મારી નાખે, અને તે પછી બીજું કંઈ કરી ન શકે, તેઓથી બીહો મા. પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને ચેતવણી આપીશ; મારી નાખ્યા પછી નરકમાં [ગેહેન્‍નામાં] નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીહો; હા, હું તમને કહું છું, કે તેનાથી બીહો. શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તો પણ દેવની દૃષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી. પરંતુ તમારા માથાના નિમાળા પણ સઘળા ગણાએલા છે. બીહો મા, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.”—લુક ૧૨:૪-૭.

૬. (ક) ઈસુના કયા શબ્દોથી સાચા ખ્રિસ્તીઓને હિંમત મળી? (ખ) ઈશ્વરનો ડર રાખવામાં ઈસુ શા માટે સૌથી સારો દાખલો છે?

યહોવાહનો ભય રાખે છે તેઓ પર ઈશ્વરની ભક્તિ છોડી દેવા માટે દબાણ આવે તો, તેઓ ઈસુની આ સલાહ યાદ કરી શકે: “માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને દેવના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર દેવના દૂતોની આગળ કરવામાં આવશે.” (લુક ૧૨:૮, ૯) આ શબ્દોથી યહોવાહના ભક્તોને હિંમત મળી છે. ખાસ કરીને યહોવાહની ભક્તિ કરવાની મનાઈ હોય એવા દેશોમાં. ત્યાં પણ યહોવાહના ભક્તો સાવચેતી રાખીને મિટિંગ-પ્રચારમાં જાય છે. આમ યહોવાહની ભક્તિ કરતા રહે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) ‘ઈશ્વરનો ડર’ રાખવામાં ઈસુએ સારો દાખલો બેસાડ્યો છે. (હેબ્રી ૫:૭) ઈસુ વિષે પહેલેથી ભાખવામાં આવ્યું હતું: ‘યહોવાહના ભયનો આત્મા તેમના પર રહેશે. તે યહોવાહના ભયમાં હરખાશે.’ (યશાયાહ ૧૧:૨, ૩) ઈશ્વરનો ડર રાખવાથી થતા લાભ વિષે ઈસુ જેવું બીજું કોઈ શીખવી ન શકે.

૭. (ક) દાઊદે કેવું આમંત્રણ આપ્યું? આપણે કઈ રીતે એ આમંત્રણ સ્વીકારી શકીએ? (ખ) કઈ રીતે માબાપ દાઊદને પગલે ચાલી શકે?

ઈસુને પગલે ચાલે છે અને તેમનું શિક્ષણ જીવનમાં લાગુ પાળે છે તેઓ જાણે દાઊદના આ આમંત્રણને સ્વીકારે છે: “આવો, દીકરાઓ, મારૂં સાંભળો; હું તમને યહોવાહનું ભય રાખતાં શીખવીશ.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૧) દાઊદે પોતાના સાથીઓને “દીકરાઓ” કહ્યાં એ સ્વાભાવિક છે. તેઓ દાઊદને આગેવાન માનતા હતા. દાઊદે તેઓને ઈશ્વરનો ડર રાખવામાં મદદ કરી જેથી તેઓ સંપીને રહે અને ઈશ્વરનો આશીર્વાદ પામે. દાઊદે માબાપો માટે કેવો સારો દાખલો બેસાડ્યો! યહોવાહે માબાપને અધિકાર આપ્યો છે કે તેઓ બાળકોને ‘પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરે.’ (એફેસી ૬:૪) માબાપે બાળકો સાથે દરરોજ ઈશ્વર વિષે વાત કરવી જોઈએ. તેઓમાં ઈશ્વરનું જ્ઞાન ઉતારવું જોઈએ. નિયમિત બાઇબલ સ્ટડી કરવી જોઈએ. એમ કરીને તેઓ બાળકોને યહોવાહનો ભય રાખવા અને સુખી જીવન જીવવા મદદ કરે છે.—પુનર્નિયમ ૬:૬, ૭.

જીવનમાં ઈશ્વરનો ડર કેવી રીતે રાખી શકીએ?

૮, ૯. (ક) ઈશ્વરનો ડર રાખીને ચાલવું કેમ સૌથી સારું છે? (ખ) ભૂંડું ન બોલવાનો શું અર્થ થાય?

લેખની શરૂઆતમાં જોયું તેમ યહોવાહનો ડર રાખવાથી કંઈ ખુશી છીનવાઈ જતી નથી. દાઊદે પૂછ્યું: “કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે, તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?” (ગીતશાસ્ત્ર ૩૪:૧૨) આ બતાવે છે કે આપણે લાંબું અને સુખી જીવન જીવવું હોય તો યહોવાહનો ડર રાખીને ચાલીએ એ બહુ જરૂરી છે. જોકે એમ કહેવું સહેલું છે કે, ‘હું ઈશ્વરનો ડર રાખું છું.’ પણ એમ કરવું અઘરું છે. તેથી દાઊદ આગળ જણાવે છે કે આપણે કઈ રીતે જીવનમાં ઈશ્વરનો ડર રાખીને ચાલી શકીએ.

“ભૂંડું બોલવાથી તારી જીભને, અને કપટથી તારા હોઠને સંભાળ.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૩) પ્રેરિત પીતરે એકબીજા સાથે પ્રેમભાવથી વર્તવાનું ઉત્તેજન આપ્યા પછી, ગીતશાસ્ત્ર ૩૪:૧૩ની આ સલાહ ભાઈબહેનોને આપી હતી. (૧ પીતર ૩:૮-૧૨) ભૂંડું ન બોલવાનો અર્થ બીજાઓની કૂથલી કે નિંદા ન કરીએ. એનાથી નુકસાન જ થાય છે. હંમેશાં બીજાઓને ઉત્તેજન મળે એવી વાત કરીએ. આપણે હિંમતથી સાચું જ બોલવું જોઈએ.—એફેસી ૪:૨૫, ૨૯, ૩૧; યાકૂબ ૫:૧૬.

૧૦. (ક) ભૂંડાથી દૂર રહેવાનો શું અર્થ થાય છે? (ખ) ભલું કરવામાં કયાં કામોનો સમાવેશ થાય છે?

૧૦ “ભૂંડાથી દૂર થા, અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૪) ઈશ્વર ધિક્કારે છે એવાં કામોથી આપણે દૂર રહીએ છીએ. જેમ કે, અનૈતિક જીવન, પોર્નોગ્રાફી, ચોરી, મેલીવિદ્યા, હિંસા, દારૂડિયાપણું અને નશીલા ડ્રગ્સ. આવાં કામો બતાવતા હોય એવા મનોરંજનથી પણ આપણે દૂર રહીએ છીએ. (એફેસી ૫:૧૦-૧૨) એના બદલે આપણે પોતાનો સમય સારાં કામોમાં વાપરીએ છીએ. એમાંય સૌથી સારું અને અગત્યનું કામ ઈશ્વરના રાજ્યનો નિયમિત પ્રચાર કરવો છે. આપણે શિષ્ય બનાવવાના આ કામમાં ભાગ લઈને બીજાઓને પોતાનો જીવ બચાવવા મદદ કરીએ છીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) ભલું કરવામાં બીજાં કયાં કામોનો સમાવેશ થાય છે? મિટિંગની તૈયારી કરવી અને એમાં જવું. દુનિયાભરના પ્રચાર કામ માટે દાન આપવું. કિંગ્ડમ હૉલની સંભાળ રાખવી. જરૂર હોય એવા ભાઈ-બહેનોની મદદ કરવી.

૧૧. (ક) દાઊદે શાંતિ શોધવાની વાતને કેવી રીતે લાગુ પાડી? (ખ) મંડળમાં ‘શાંતિની શોધ’ કરવા આપણે શું કરી શકીએ?

૧૧ દાઊદે શાંતિ રાખવાની બાબતે સારો દાખલો બેસાડ્યો. તેમને બે વાર શાઊલને મારી નાખવાની તક મળી હતી. પણ તેમણે શાઊલનો જીવ લીધો નહિ. એના બદલે, તેમણે શાઊલ સાથે સારો સંબંધ બાંધવાની આશાએ આદરથી વાત કરી. (૧ શમૂએલ ૨૪:૮-૧૧; ૨૬:૧૭-૨૦) આજે મંડળની શાંતિ ખતરામાં મૂકાય એવા સંજોગો ઊભા થાય તો શું કરવું જોઈએ? ‘શાંતિની શોધ કરીને એની પાછળ લાગુ રહેવું જોઈએ.’ આપણને લાગે કે કોઈ ભાઈ-બહેન સાથેના આપણા સંબંધમાં તિરાડ પડી રહી છે. એ વખતે આપણે ઈસુની આ સલાહ પાળીએ: ‘પહેલાં તારા ભાઈ સાથે સુલેહ કર.’ પછી આપણે યહોવાહની ભક્તિ કરવાની બીજી રીતોમાં લાગુ રહીએ.—માત્થી ૫:૨૩, ૨૪; એફેસી ૪:૨૬.

ઈશ્વરનો ડર રાખવાથી મળતા પુષ્કળ આશીર્વાદો

૧૨, ૧૩. (ક) ઈશ્વરનો ડર રાખનારને આજે કયા લાભ થાય છે? (ખ) ઈશ્વરભક્તોને થોડા જ સમયમાં કેવો મોટો આશીર્વાદ મળશે?

૧૨ “ન્યાયીઓ પર યહોવાહની કૃપાદૃષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૫) દાઊદ સાથે યહોવાહે જે રીતે વ્યવહાર કર્યો એનાથી જોવા મળે છે કે આ શબ્દો કેટલા સાચા છે. આજે પણ યહોવાહ આપણું ધ્યાન રાખે છે એ જાણીને કેટલી ખુશી અને મનની શાંતિ મળે છે. આપણને પૂરો ભરોસો છે કે તે આપણી દરેક જરૂરિયાત પૂરી કરશે. આપણે ટેન્શનમાં હોઈએ ત્યારે પણ તે મદદ કરે છે. આપણે જાણીએ છીએ કે ભાખ્યા પ્રમાણે ગોગનો માગોગ એટલે કે શેતાન, યહોવાહના ભક્તો પર હુમલો કરશે. આપણે ‘યહોવાહના ભયંકર દિવસનો’ પણ સામનો કરવો પડશે. (યોએલ ૨:૧૧, ૩૧; હઝકીએલ ૩૮:૧૪-૧૮, ૨૧-૨૩) એ સમયે આપણે ભલે ગમે તેવા સંજોગમાંથી પસાર થવું પડે, પણ દાઊદના આ શબ્દો જરૂર સાચા પડશે: “ન્યાયીઓએ પોકાર કર્યો, અને યહોવાહે સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા.”ગીતશાસ્ત્ર ૩૪:૧૭.

૧૩ એ સમયે યહોવાહનું નામ મોટું મનાશે, એ જોઈને કેટલી ખુશી મળશે! આપણું દિલ યહોવાહ માટે આદરભાવથી ઊભરાઈ ઊઠશે. જ્યારે કે આપણા વિરોધીઓનું તે નામનિશાન મિટાવી દેશે. “જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને વાસ્તે યહોવાહનું મુખ તેઓની વિરૂદ્ધ છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૬) એ મોટી આપત્તિમાંથી બચીને ઈશ્વરની નવી દુનિયામાં જવું કેવો મોટો આશીર્વાદ હશે!

યહોવાહનાં વચનો ધીરજ ધરવામાં મદદ કરે છે

૧૪. મુશ્કેલીઓમાં ધીરજ રાખવા કઈ કલમો આપણને મદદ કરશે?

૧૪ આજે આપણે ભ્રષ્ટ અને નફરતથી ભરેલી દુનિયામાં જીવી રહ્યા છીએ. તેથી નવી દુનિયા આવે ત્યાં સુધી આપણે ધીરજ ધરીને યહોવાહની આજ્ઞાઓ પાળતા રહીએ એ બહુ જરૂરી છે. ઈશ્વરનો ભય રાખવાથી તેમની આજ્ઞાઓ પાળવામાં મદદ મળે છે. આ દુઃખ-તકલીફોથી ભરેલી દુનિયામાં યહોવાહના અમુક ભક્તોએ બહુ મુશ્કેલીઓ વેઠવી પડે છે. એનાથી તેઓ દુઃખી અને નિરાશ થઈ જાય છે. પણ આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ પર ભરોસો રાખીશું તો, તે આપણને ટકી રહેવા મદદ કરશે. દાઊદના આ શબ્દોથી આપણને દિલાસો મળે છે: “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) દાઊદ ઉત્તેજન આપતા આગળ કહે છે: “ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે; પણ યહોવાહ તે સર્વમાંથી તેને છોડાવે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૯) ભલે આપણા પર ગમે એવી મુશ્કેલી તૂટી પડે, યહોવાહ એમાંથી જરૂર છોડાવશે.

૧૫, ૧૬. (ક) ગીત ૩૪ની રચના કર્યા પછી દાઊદને શું ખબર મળે છે? (ખ) ધીરજથી મુશ્કેલીઓ સહેવામાં આપણને શું મદદ કરશે?

૧૫ દાઊદે ગીત ૩૪ રચ્યું એ પછી થોડા જ સમયમાં તેમને જાણવા મળ્યું કે નોબના લોકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શાઊલ નોબના લોકો અને મોટા ભાગના યાજકોને મોતને ઘાટ ઉતારી દે છે. દાઊદ યાદ કરે છે કે તે નોબમાં ગયા હોવાથી શાઊલનો ગુસ્સો ભડકી ઊઠ્યો છે. જરા વિચારો, એનાથી દાઊદને કેટલું દુઃખ થયું હશે! (૧ શમૂએલ ૨૨:૧૩, ૧૮-૨૧) એ દુઃખ સહન કરવા દાઊદ યહોવાહ તરફ ફર્યા. યહોવાહ ભાવિમાં ‘ન્યાયીઓને’ સજીવન કરશે એ આશાથી પણ દાઊદને ઘણો દિલાસો મળ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

૧૬ સજીવન થવાની આશા આજે આપણને પણ ખૂબ ઉત્તેજન અને દિલાસો આપે છે. આપણે જાણીએ છીએ કે દુશ્મનો હંમેશ માટે આપણું નુકસાન કરી શકતા નથી. (માત્થી ૧૦:૨૮) દાઊદને પણ આ વાતની ખાતરી હતી એ આપણને તેમના આ શબ્દોમાં જોવા મળે છે: “તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.” (ગીતશાસ્ત્ર ૩૪:૨૦) આ શબ્દો ઈસુ માટે એકદમ સાચા પડ્યા. ઈસુને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા પણ તેમનું એકેય હાડકું “ભાંગવામાં” આવ્યું નહિ. (યોહાન ૧૯:૩૬) ગીતશાસ્ત્ર ૩૪:૨૦ આજે કઈ રીતે લાગુ પડે છે? એ ખાતરી આપે છે કે અભિષિક્ત ભાઈ-બહેનો અને તેઓના સાથી “બીજાં ઘેટાં” પર ભલે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે, પણ કોઈ તેઓને હંમેશ માટે નુકસાન કરી શકશે નહિ. હા, તેઓનું એકેય હાડકું ભાંગવામાં નહિ આવે, એટલે કે યહોવાહ પોતે તેઓને યાદ રાખશે.—યોહાન ૧૦:૧૬.

૧૭. ઈશ્વરભક્તોનો વિરોધ કરતા રહે છે તેઓનો કેવો અંજામ થશે?

૧૭ પણ દુષ્ટોની હાલત કંઈ સારી નહિ હોય. તેઓએ જે ખરાબ વાવ્યું છે એ જલદી જ લણશે. “દુષ્ટોનો સંહાર પોતાની ભૂંડાઈથી થશે; અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.” (ગીતશાસ્ત્ર ૩૪:૨૧) જેઓ ઈશ્વરભક્તોનો વિરોધ કરતા રહે છે તેઓનો બહુ ખરાબ અંજામ થશે. ઈસુ ન્યાય કરશે ત્યારે તેઓ “શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે.”—૨ થેસ્સાલોનીકી ૧:૯.

૧૮. કયા અર્થમાં આજે ‘મોટા ટોળાનો’ ઉદ્ધાર થયો છે? તેઓને ભાવિમાં કઈ આશિષ મળશે?

૧૮ દાઊદ ગીતની છેલ્લી કડીમાં પૂરો ભરોસો અપાવે છે: “યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેના પર ભરોસો રાખનારામાંથી એકે દોષિત ઠરશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૪:૨૨) દાઊદ રાજાએ પોતાના ૪૦ વર્ષના રાજને અંતે કહ્યું: ‘યહોવાહે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો છે.’ (૧ રાજાઓ ૧:૨૯) આજે જેઓ ઈશ્વરનો ડર રાખે છે તેઓ પણ જલદી જ દાઊદની જેમ પોતાના વીતેલા દિવસોને યાદ કરીને ખુશ થશે. તેઓ યાદ કરશે કે, યહોવાહે તેઓને પાપ અને સર્વ મુશ્કેલીઓમાંથી છોડાવ્યા છે. આજે મોટા ભાગના અભિષિક્ત ભાઈ-બહેનોને સ્વર્ગમાં જવાનું ઇનામ મળી ગયું છે. તેમ જ સર્વ પ્રજામાંથી નીકળી આવેલી “મોટી સભા” એટલે કે મોટું ટોળું ઈસુના આ બચેલા અભિષિક્ત સાથે મળીને ઈશ્વરની ભક્તિ કરે છે. તેથી મોટા ટોળાને પણ યહોવાહની નજરે શુદ્ધ થવાનો આશીર્વાદ મળ્યો છે. તેઓને પૂરો ભરોસો છે કે ઈસુએ બલિદાન આપ્યું એનાથી પોતાનું જીવન બચી જશે. ખ્રિસ્તના આવનાર હજાર વર્ષના રાજ દરમિયાન તેઓને એ બલિદાનના ઘણા ફાયદા થશે. ધીરે ધીરે તેઓ સંપૂર્ણ થઈ જશે. પછી તેઓમાં કોઈ પાપ નહિ રહે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪, ૧૭; ૨૧:૩-૫.

૧૯. મોટા ટોળાએ શું કરવાનો પાક્કો નિર્ણય લીધો છે?

૧૯ ઈશ્વરભક્તોના એ મોટા ટોળાને શા માટે આ બધા આશીર્વાદો મળશે? કેમ કે તેઓએ પાક્કો નિર્ણય લીધો છે કે જીવનમાં સદા યહોવાહનો ડર રાખીને ચાલશે. પૂરા આદરથી તેમની જ ભક્તિ કરશે અને તેમની આજ્ઞાઓ પાળશે. ખરેખર, યહોવાહનો ડર રાખવાથી આજે આપણું જીવન ખુશીઓથી ભરેલું છે. ઈશ્વરનો ડર આપણને ‘ખરેખરું જીવન ધારણ કરવા,’ એટલે કે ઈશ્વરની નવી દુનિયામાં સદા સુખ-શાંતિનું જીવન પામવા પણ મદદ કરે છે.—૧ તીમોથી ૬:૧૨, ૧૮, ૧૯; પ્રકટીકરણ ૧૫:૩, ૪. (w 07 3/1)

તમને શું યાદ છે?

• આપણે શા માટે ઈશ્વરનો ડર રાખવો જોઈએ? એનો શું અર્થ થાય?

• ઈશ્વરનો ડર રાખીએ છીએ એની જીવનમાં કેવી અસર પડવી જોઈએ?

• ઈશ્વરનો ડર રાખવાથી કેવા લાભ થાય છે?

• ધીરજ રાખવા ઈશ્વરનાં કયાં વચનો મદદ કરે છે?

[Study Questions]

[Picture on page 28]

ઈશ્વરનો ડર રાખનારા તેઓના કામ પર પ્રતિબંધ હોય ત્યારે સમજદારીથી કામ કરે છે

[Picture on page 30]

લોકોને રાજ્યનો સંદેશો જણાવવો એ ભલાઈનું સૌથી મોટું કામ છે