પત્નીઓ, તમારા પતિને માન આપો
પત્નીઓ, તમારા પતિને માન આપો
‘પત્નીઓ, પોતાના પતિઓને આધીન રહો.’—એફેસી ૫:૨૨.
૧. પતિને તેની પત્ની માન આપશે કે નહિ એ શાના પર આધારિત છે?
ઘણા દેશોમાં લગ્ન વખતે કન્યા વરરાજાને વચન આપે છે કે પોતે તેને માન આપશે. શું તે એમ કરશે? એ એના પર આધાર રાખે છે કે તેનો પતિ તેની સાથે કેવી રીતે વર્તે છે. યહોવાહે પ્રથમ સ્ત્રી-પુરુષના લગ્ન કરાવ્યા ત્યારે, એ તેઓ માટે સોનેરી યુગની શરૂઆત હતી. યહોવાહે આદમની એક પાંસળી લઈને સ્ત્રીને બનાવી. તેને જોઈને આદમે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે.”—ઉત્પત્તિ ૨:૧૯-૨૩.
૨. લગ્ન-જીવન વિષે સ્ત્રીઓના વિચારો કઈ રીતે બદલાયા છે?
૨ પ્રથમ લગ્ન-જીવનની સોનેરી શરૂઆત થઈ હતી. પણ આજે એવું નથી. એક દાખલો લઈએ. અમેરિકામાં ૧૯૬૧ સુધી પતિઓ પત્નીને પોતાની મુઠ્ઠીમાં રાખતા. ઘણા પતિઓ મન ફાવે તેમ કુટુંબ છોડીને ચાલ્યા જતા. પત્નીઓ પોતાના હક્ક મેળવવા સરઘસો કાઢતી. ૧૯૬૮ સુધીમાં તો ઘણી પત્નીઓ પણ ઘરબાર છોડીને ચાલી જવા માંડી. આજે પુરુષની જેમ સ્ત્રીઓ ગાળાગાળી કરે છે. દારૂ-સીગારેટ પીએ છે. અરે, આદમીની જેમ જ લફરાં પણ કરે છે. શું તેઓ એનાથી વધારે સુખી છે? ના રે ના! આજે ઘણા દેશોમાં જેટલા લગ્ન કરે છે, એમાંથી પચાસેક ટકા છૂટાછેડા કે ડિવૉર્સ લે છે. સ્ત્રીઓ જે રીતે લગ્ન-જીવન સુખી કરવાનો પ્રયત્ન કરે છે, એનાથી તેઓને કંઈ ફાયદો થયો નથી!—૨ તીમોથી ૩:૧-૫.
૩. આજે લગ્ન-જીવનમાં કેમ તકલીફો છે?
૩ આજે લગ્ન-જીવનમાં કેમ તકલીફો છે? એની શરૂઆત એક સ્વર્ગદૂતથી થઈ, જેને ‘જૂનો સર્પ કે શેતાન કહેવામાં આવે છે.’ તેણે હવાને છેતરી. હવાએ યહોવાહની ભક્તિ છોડી દીધી. (પ્રકટીકરણ ૧૨:૯; ) યહોવાહના શિક્ષણનો નાશ કરવા શેતાન નીકળ્યો છે. તે આજે રેડિયો, ટીવી, ફિલ્મો, બુક ને છાપાંથી અફવા ફેલાવે છે કે લગ્ન-જીવન એટલે કેદની સજા. યહોવાહે બાઇબલમાં આપેલું માર્ગદર્શન સાવ નકામું છે. ( ૧ તીમોથી ૨:૧૩, ૧૪૨ કોરીંથી ૪:૩, ૪) પણ યહોવાહે બાઇબલમાં જણાવ્યું છે કે પત્ની તો પતિની જીવનસાથી છે. ચાલો જોઈએ કે કઈ રીતે બાઇબલની અમૃતવાણી પત્નીના જીવનમાં ખુશીઓની બહાર લાવી શકે.
લગ્ન કરનારને ચેતવણી
૪, ૫. (ક) પરણવું કે કુંવારા રહેવું એના વિષે સ્ત્રીઓએ કેમ વિચારવું જોઈએ? (ખ) લગ્નની ‘હા’ કહેતા પહેલાં કન્યાએ શું વિચારવું જોઈએ?
૪ ઈશ્વરે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું. તેઓનો સંસાર રચ્યો, ત્યારે સુખ જ સુખ હતું. પણ આજે શેતાનની દુનિયા છે. બાઇબલ ચેતવણી આપે છે કે આજે જેઓનો લગ્ન-સંસાર સુખી હોય, તેઓને પણ “દુઃખ” તો આવવાનું જ. બાઇબલ જણાવે છે કે વિધવા ફરીથી ઘર વસાવે તો એમાં કંઈ ખોટું નથી. પણ ‘જો તે એકલી રહે, તો તે વધારે સુખી થશે.’ ઈસુએ પણ જેઓ રહી શકે તેઓને કુંવારા રહેવા ઉત્તેજન આપ્યું હતું. જેઓ પરણવા ચાહે છે તેઓએ ‘કેવળ પ્રભુમાં જ’ પરણવું. એટલે કે ફક્ત યહોવાહના ભક્ત સાથે જ લગ્ન કરવા.—૧ કોરીંથી ૭:૨૮, ૩૬-૪૦; માત્થી ૧૯:૧૦-૧૨.
૫ સ્ત્રીએ ખાસ સાવચેતી રાખવી જોઈએ કે પોતે કોને પરણે છે. બાઇબલ ચેતવે છે કે “જે સ્ત્રીને પતિ છે, તે પોતાના પતિના જીવતાં સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે, પણ જો તેનો પતિ મરી જાય, તો તે પતિના નિયમથી મુક્ત થાય છે.” જો પતિ ગુજરી જાય અથવા પતિ વ્યભિચાર કરે અને પત્ની ડિવૉર્સ લે તો જ, તે ‘પતિના નિયમથી મુક્ત થઈ શકે છે.’ (રૂમી ૭:૨, ૩) જો કોઈને જોતા જ ઇશ્ક થઈ જાય, તો પલ-બે-પલ દિલ નાચી ઊઠે. પણ એનાથી ગૅરંટી નથી મળતી કે તેની સાથે શાદી કરીને સુખી થવાશે. કન્યાએ લગ્નની ‘હા’ કહેતા પહેલાં, આ વિચાર કરવો જોઈએ, ‘શું હું આખી જિંદગી આ માણસ કહે એમ જ રાજી-ખુશીથી કરીશ?’
૬. મોટે ભાગે કન્યા કયો નિર્ણય પોતે લે છે? એ નિર્ણય કેમ મુશ્કેલ છે?
૬ ઘણા દેશોમાં લગ્ન વિષે કન્યા પોતે નિર્ણય લે છે. સમજી-વિચારીને યોગ્ય નિર્ણય લેવો, એ કંઈ રમત વાત નથી. આવા સમયે દિલમાં મોહબ્બત જાગે છે. પ્રેમની તરસ લાગે છે. એક લેખકે કહ્યું: ‘ભલે એ લગ્ન હોય કે કોઈ પર્વત ચડવાની હોંશ જાગી હોય. મનગમતું કંઈક કરવાની તમન્ના જાગે ત્યારે, વગર વિચાર્યે આપણે ઘણું કરી બેસીએ છીએ. જે સાંભળવું હોય એ જ સાંભળીએ છીએ.’ પર્વત ચડવા વગર વિચાર્યે, ઉતાવળે લીધેલા નિર્ણયની કિંમત મોત પણ હોઈ શકે. એ જ રીતે, ઉતાવળે નિર્ણય લઈને કરેલી ‘શાદી વ્યક્તિની બરબાદી’ પણ લાવી શકે.
૭. જીવન-સાથી પસંદ કરતા પહેલાં કઈ સલાહ દિલમાં ઉતારવી જોઈએ?
૭ કન્યાએ સારી રીતે વિચાર કરવો જોઈએ કે કોઈના જીવન-સાથી બનવાથી કઈ રીતે પોતાનું જીવન બદલાશે. વર્ષો પહેલાં ભારતની એક કન્યાએ કહ્યું: ‘મમ્મી-પપ્પા અમારાથી મોટાં છે. અનુભવી છે. સમજુ છે. સહેલાઈથી છેતરાતાં નથી. મારે જો પસંદગી કરવાની હોત, તો હું સહેલાઈથી છેતરાઈ જાત.’ જીવન-સાથી પસંદ કરવામાં યહોવાહના માર્ગે ચાલતાં માબાપ અને મંડળના અનુભવી ભાઈ-બહેનોની મદદ અનમોલ સાબિત થઈ શકે. એક ભાઈ યુવાન ભાઈ-બહેનોને હંમેશાં આ ઉત્તેજન આપતા: જેને જીવન-સાથી બનાવવા માગો છો તે પોતાનાં માબાપ સાથે કેવી રીતે વર્તે છે, એ જુઓ. જેઓ તમારા સાસુ-સસરા બનવાના છે, તેઓને ઓળખો.
ઈસુએ હંમેશાં યહોવાહનું માન્યું
૮, ૯. (ક) યહોવાહના કહેવા પ્રમાણે જ કરવા વિષે ઈસુને કેવું લાગ્યું? (ખ) આધીન રહેવાના કયા ફાયદા છે?
૮ ખરું કે કોઈના કહેવા પ્રમાણે જીવવું હંમેશાં સહેલું નથી હોતું. તોપણ ઈસુ રાજી-ખુશીથી યહોવાહના કહેવા પ્રમાણે જીવ્યા. તેમને લોકોએ ખૂબ દુઃખી કર્યા. રિબાવી રિબાવીને થાંભલા પર મારી નાખ્યા. તોપણ તે રાજી-ખુશીથી યહોવાહને આધીન રહ્યા. (લુક ૨૨:૪૧-૪૪; હેબ્રી ૫:૭, ૮; ૧૨:૩) સ્ત્રીઓ ઈસુ પાસેથી ઘણું શીખી શકે છે. પોતાના પતિના કહેવા પ્રમાણે રહેતી પત્નીઓ, યહોવાહની નજરમાં અમૂલ્ય છે. બાઇબલ કહે છે: “પત્ની પોતાના પતિને આધીન છે, પતિ ખ્રિસ્તને આધીન છે અને ખ્રિસ્ત ઈશ્વરને આધીન છે.” (૧ કરિંથી ૧૧:૩, IBSI) એનો અર્થ એવો નથી કે પરણેલી સ્ત્રીઓએ જ પુરુષના કહેવામાં રહેવું જોઈએ.
૯ બાઇબલ કહે છે કુંવારી સ્ત્રીઓએ પણ મંડળના જવાબદાર ભાઈઓ, સેવકાઈ ચાકર અને વડીલોનું કહેવું માનવું જોઈએ. (૧ તીમોથી ૨:૧૨, ૧૩; હેબ્રી ૧૩:૧૭) યહોવાહના કહેવા પ્રમાણે સ્ત્રીઓ જીવે છે, એ જોઈને સ્વર્ગદૂતોને પણ આનંદ થાય છે. (૧ કોરીંથી ૧૧:૮-૧૦) ઘણાં વર્ષોથી પરણેલી સ્ત્રીઓ પોતાના દાખલા પરથી યુવાન સ્ત્રીઓને શીખવી શકે. જેથી, યુવાન પત્નીઓ પણ પતિના કહેવામાં રહે.—તીતસ ૨:૩-૫.
૧૦. ઈસુએ આધીન રહેવા વિષે કેવો દાખલો બેસાડ્યો?
૧૦ ઈસુ જાણતા કે જ્યાં સુધી કોઈ નિયમ યહોવાહની ભક્તિથી વિરુદ્ધ ન હોય તો, એને પાળવો જોઈએ. ઈસુએ એક વખતે પીતરને પૈસા આપીને કહ્યું કે ‘આપણી માટે કર કે ટૅક્સ ભરી આવ.’ એનાં વર્ષો પછી પીતરે લખ્યું: “માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો.” (૧ પીતર ૨:૧૩; માત્થી ૧૭:૨૪-૨૭) યહોવાહને આધીન રહેવા વિષે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો: “તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો; અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યો.”—ફિલિપી ૨:૫-૮.
૧૧. પીતરે પત્નીઓને કેમ એવું ઉત્તેજન આપ્યું કે પતિ યહોવાહના ભક્ત ન હોય તોપણ તેમને આધીન રહેવું જોઈએ?
૧૧ દુનિયાના અધિકારીઓ ક્રૂર રીતે વર્તે તોપણ, તેઓને આધીન રહેવા પીતરે ઉત્તેજન આપ્યું. તેમણે લખ્યું કે ‘એ માટે તમને તેડવામાં આવ્યા છે; કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમને નમૂનો આપ્યો છે.’ (૧ પીતર ૨:૨૧) પીતરે એ પણ જણાવ્યું કે ઈસુને ઘણાં દુઃખો પડ્યાં છતાંય તે યહોવાહને આધીન રહ્યા. પછી પીતરે એવી પત્નીઓને ઉત્તેજન આપ્યું, જેઓના પતિ યહોવાહના ભક્ત ન હતા: “એ જ પ્રમાણે, સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.”—૧ પીતર ૩:૧, ૨.
૧૨. યહોવાહને ઈસુ આધીન રહ્યા એનું કેવું સારું પરિણામ આવ્યું?
૧૨ ધર્મને કારણે કોઈ મજાક કરે, કડવાં વેણ કહે અને આપણે કંઈ ન કરીએ તો લોકો કહેશે કે ‘આનામાં કંઈ દમ નથી.’ પણ ઈસુ એવું માનતા ન હતા. ઈસુ વિષે પીતરે લખ્યું: “તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ.” (૧ પીતર ૨:૨૩) ઈસુને રિબાવીને મારી નાખવામાં આવ્યા એ લોકોએ જોયું. તેઓમાંથી અમુક લોકોએ અમુક હદે ઈસુમાં શ્રદ્ધા મૂકી. એમાં એક જમાદાર હતો અને થાંભલા પર લટકતો ચોર પણ હતો. (માત્થી ૨૭:૩૮-૪૪, ૫૪; માર્ક ૧૫:૩૯; લુક ૨૩:૩૯-૪૩) પીતર કહેવા માગતા હતા કે ઈસુ જેવો સ્વભાવ પત્નીનો હશે તો, કદાચ તેઓના પતિ પણ યહોવાહના ભક્ત બનશે. અનુભવો પણ એમ જ બતાવે છે.
પતિનું દિલ જીતી લેતી પત્નીઓ
૧૩, ૧૪. યહોવાહને ન ભજનારા પતિને પણ આધીન રહેવાથી પત્નીઓને કેવા આશીર્વાદ મળ્યા છે?
૧૩ યહોવાહને ભજતી પત્નીઓ ઈસુ જેવો સ્વભાવ કેળવે છે. એનાથી તેઓના પતિ પણ હવે યહોવાહને ભજે છે. યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં એક પતિ પોતાની પત્ની વિષે કહે છે: “હું મૂરખ હતો. મારી પત્ની સાથે કેટલો કઠોર બનતો. તોય તે પ્રેમથી વર્તતી. કદી મારું અપમાન કરતી નહિ. પોતાની માન્યતા મારા પર ઠોકી બેસાડતી નહિ. પ્રેમથી મારી બધી જ સંભાળ રાખતી. સંમેલનમાં જતાં પહેલાં મારા માટે રસોઈ કરી જતી. દોડધામ કરીને બધું જ કામ પતાવીને જતી. તેનો સ્વભાવ જોઈને હું બાઇબલ તરફ વળ્યો. એટલે જ આજે હું યહોવાહનો ભક્ત છું!” પત્નીના સ્વભાવે એ પતિનું દિલ જીતી લીધું.
૧૪ પીતરે કહ્યું હતું તેમ પત્ની બોલ્યા વગર પોતાના વર્તનથી પતિનું દિલ જીતી શકે છે. બીજો એક અનુભવ લઈએ. ઍગ્નેશ નામની એક પત્ની બાઇબલમાંથી સત્ય શીખતી હતી. તે મિટિંગમાં જવા ચાહતી હતી. એક દિવસ જેવી તે બહાર નીકળતી હતી કે તેના પતિ તાડૂકી ઊઠ્યા, “ઍગ્નેશ, જો એ દરવાજાથી બહાર ગઈ તો પાછી આવતી જ નહિ.” ઍગ્નેશ એ દરવાજાથી નહિ, પણ બીજે દરવાજેથી નીકળીને મિટિંગમાં ગઈ. બીજી વખત મિટિંગમાં જતી એગ્નેશને તેના પતિએ ધમકી આપી: “તું ગઈ તો હું ઘર છોડી જતો રહીશ.” એવું જ થયું. તેના પતિ ત્રણ દિવસ સુધી ઘરે ન આવ્યા. પણ જ્યારે આવ્યા ત્યારે ઍગ્નેશે પ્રેમથી પૂછ્યું, “તમને ભૂખ લાગી હશે, કંઈ ખાવાનું લઈ આવું?” ઍગ્નેશ યહોવાહની ભક્તિમાં એકની બે ન થઈ. છેવટે તેના પતિએ બાઇબલ સ્ટડી કરી. યહોવાહના ભક્ત બન્યા. સમય જતાં, વડીલ બન્યા ને મંડળમાં ઘણી જવાબદારી ઉપાડી.
૧૫. યહોવાહને ભજતી પત્નીનો ખરો “શણગાર” કયો છે?
૧૫ એ પત્નીઓની સુંદરતા કે શણગાર ‘ગૂંથેલી વેણી, સોનાનાં ઘરેણાં ને જાતજાતનાં વસ્ત્ર’ ન હતાં. પણ પીતરની સલાહ પ્રમાણે, એ તો ‘અંતઃકરણમાં રહેલા મનુષ્યત્વ, એટલે દીન તથા નમ્ર’ સ્વભાવનો શણગાર હતો. ‘એ ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે’ અને સદા ટકી રહે છે. યહોવાહને ભજતી બહેનો કઠોર વાણી-વર્તનને બદલે, નમ્ર સ્વભાવ કેળવીને પોતાના પતિને પ્રેમથી માન આપે છે.—૧ પીતર ૩:૩, ૪.
આ પત્નીઓ પાસેથી શીખીએ
૧૬. યહોવાહને ભજનારી પત્નીઓ માટે સારાહે કેવો દાખલો બેસાડ્યો?
૧૬ ઈશ્વરભક્ત પીતરે લખ્યું કે ‘પહેલાના સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતપોતાના પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી.’ (૧ પીતર ૩:૫) તેઓ જાણતી હતી કે યહોવાહની સલાહ પાળવાથી કુટુંબમાં પ્રેમ, સંપ ને શાંતિ વધશે. યહોવાહની કૃપા પામશે. અમર જીવનનું ઇનામ મળશે. પીતરે સારાહ વિષે લખ્યું, જે ઈબ્રાહીમની સુંદર પત્ની હતી. “સારાહ ઈબ્રાહીમને સ્વામી કહીને તેને આધીન રહેતી.” ઈબ્રાહીમ યહોવાહના પાકા ભક્ત હતા. યહોવાહે તેમને દૂર દેશમાં જવાનું કહ્યું. ઈબ્રાહીમને રાજી-ખુશીથી સાથ આપવા, સારાહે સુખ-સગવડ છોડી. અરે, પોતાનું જીવન પણ ખતરામાં મૂક્યું. (ઉત્પત્તિ ૧૨:૧, ૧૦-૧૩) પીતરે સારાહની હિંમતના વખાણ કરતા કહ્યું: “જો તમે રૂડું કરો છો, અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો.”—૧ પીતર ૩:૬.
૧૭. પત્નીઓ માટે અબીગાઇલનો દાખલો કેમ પીતરના મનમાં આવ્યો હોઈ શકે?
૧૭ અબીગાઇલને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી. તે હિંમતવાળી હતી. કદાચ પીતરે આ શબ્દો અબીગાઇલ વિષે પણ લખ્યા હોઈ શકે. તે “ઘણી બુદ્ધિમાન” હતી. જ્યારે કે તેનો પતિ નાબાલ “અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો.” દાઊદ અને તેના માણસોને મદદ કરવાની નાબાલે ઘસીને ના પાડી. દાઊદ તેના કુટુંબનું નામનિશાન મીટાવવા નીકળી પડ્યો. અબીગાઇલ વચ્ચે પડી. તે પુષ્કળ ખાવા-પીવાનું ગધેડાં પર બાંધીને, દાઊદ અને તેના માણસોને મળવા સામે ગઈ. દાઊદના પગે પડી. તેને ઠંડો પાડ્યો, જેથી તે ઉતાવળે પગલાં ન લે. દાઊદનું દિલ પીગળી ગયું. તેણે કહ્યું: ‘ઈસ્રાએલનો ઈશ્વર યહોવાહ જેણે તને આજ મને મળવા મોકલી તેને ધન્ય હો; વળી તારી ચતુરાઈને ધન્ય હો.’—૧ શમૂએલ ૨૫:૨-૩૩.
૧૮. કોઈ પારકો પુરુષ લલચાવે તો, પત્નીએ કોના જેવું બનવું જોઈએ? શા માટે?
૧૮ હવે શૂલ્લામીનો વિચાર કરો. તે એક યુવાન ભરવાડને દિલોજાનથી ચાહતી હતી, જેની સાથે તેનું લગ્ન નક્કી થયું હતું. શૂલ્લામીના દિલમાં બીજા કોઈ માટે જગા ન હતી. એક રાજાએ શૂલ્લામીનો પ્રેમ જીતવા પોતાની ધનદોલતનો ભરપૂર દેખાડો કર્યો. તોયે તે શૂલ્લામીનો પ્રેમ પામ્યો નહિ. શૂલ્લામીએ પોતાના પ્રેમીને કહ્યું કે “મને તારા હૃદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રીતિ મોત સમાન બળવાન છે; . . . ઘણાં પાણી પ્યારને હોલવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ.” (ગીતોનું ગીત ૮:૬, ૭) જેઓ લગ્નની હા પાડે, તેઓ પણ પોતાના પતિને એવો જ પ્રેમ કરે અને દિલથી માન આપે.
ઈશ્વરની સલાહ
૧૯, ૨૦. (ક) પત્નીએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ? (ખ) પત્નીઓ માટે કોનો સરસ દાખલો છે?
૧૯ આ લેખની મુખ્ય કલમનો વિચાર કરો: ‘પત્નીઓ, પોતાના પતિઓને આધીન રહો.’ (એફેસી ૫:૨૨) એ કેમ જરૂરી છે? એના પછીની કલમ કહે છે કે “જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.” એટલે “પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.”—એફેસી ૫:૨૩, ૨૪, ૩૩.
૨૦ એ આજ્ઞા પાળવા પત્નીઓએ શું કરવું જોઈએ? તેઓએ સ્વર્ગમાં જનાર ભાઈ-બહેનો પાસેથી શીખવું જોઈએ, તેઓને પગલે ચાલવું જોઈએ. ઈશ્વરભક્ત પાઊલ પણ તેઓમાંના એક હતા. ૨ કોરીંથી ૧૧:૨૩-૨૮ વાંચો. એમાંથી શીખવા મળે છે કે ઈસુના પગલે ચાલવા, પાઊલને કેટલું બધું સહેવું પડ્યું. પાઊલની જેમ પત્નીઓ અને મંડળના સર્વ ભાઈ-બહેનોએ છેલ્લા દમ સુધી ઈસુને વળગી રહેવું જોઈએ.
૨૧. પત્ની પોતાના પતિને આધીન રહે, એનાં બીજાં કયાં કારણો છે?
૨૧ આજકાલ ઘણી પત્નીઓને કોઈના કહેવામાં રહેવું જેલ જેવું લાગે છે. સમજુ સ્ત્રીઓ એનાથી થતા ફાયદાનો વિચાર કરશે. દાખલા તરીકે કોઈ પતિ યહોવાહમાં માનતા ન હોય. પણ પત્ની યહોવાહની સલાહ માનીને પતિને આધીન રહે છે, તેને બધી રીતે માન આપે છે. એમ કરવાથી એક દિવસ પતિ બદલાય પણ ખરા. એમ પત્નીને પોતાના ‘પતિને બચાવી’ લેવાનું ઇનામ પણ મળે. (૧ કોરીંથી ૭:૧૩, ૧૬) સાથે સાથે પત્નીને એ જાણીને મનની કેટલી શાંતિ મળે છે કે યહોવાહની કૃપાનો હાથ તેના પર છે. આ રીતે પત્ની ઈસુના પગલે ચાલે છે, એનો યહોવાહ મોટો બદલો આપશે! (w 07 2/15)
આપણે શું શીખ્યા?
• પોતાના પતિને માન આપવાનું પત્નીને કેમ મુશ્કેલ લાગી શકે?
• કેમ બહુ સમજી-વિચારીને લગ્નની હા કે ના પાડવી જોઈએ?
• ઈસુએ પત્નીઓ માટે કઈ રીતે દાખલો બેસાડ્યો? ઈસુના પગલે ચાલવાથી કેવા આશીર્વાદો મળી શકે?
[Study Questions]
[Picture on page 15]
કેમ બહુ સમજી-વિચારીને લગ્નની હા કે ના પાડવી જોઈએ?
[Picture on page 17]
અબીગાઇલ જેવી પત્નીઓ પાસેથી શું શીખી શકાય?