સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનું નામ રોશન કરીએ

યહોવાહનું નામ રોશન કરીએ

યહોવાહનું નામ રોશન કરીએ

“મારી સાથે યહોવાહને મોટો માનો, અને આપણે એકઠાં મળીને તેનું નામ બુલંદ માનીએ.”—ગીતશાસ્ત્ર ૩૪:૩.

૧. ઈસુએ પૃથ્વી પરના સેવાકાર્યમાં કેવો દાખલો બેસાડ્યો?

 ઈસવીસન ૩૩ નીસાન ૧૪ની રાત. ઈસુ અને તેમના જિગરી દોસ્તો યરૂશાલેમમાં એક ઘરના ઉપરના રૂમમાં ભેગા મળ્યા. યહોવાહનાં ગીતો ગાયાં. (માત્થી ૨૬:૩૦) યહોવાહની સ્તુતિ કરતા ગીતોથી આ છેલ્લી મિટિંગ પૂરી કરી. એ એકદમ યોગ્ય હતું. ઈસુએ પૃથ્વી પર પોતાના સેવાકાર્યની શરૂઆતથી લઈને અંત સુધી યહોવાહની સ્તુતિ કરી. તેમણે પૂરા જોશથી યહોવાહનું નામ બીજાઓને જણાવ્યું. (માત્થી ૪:૧૦; ૬:૯; ૨૨:૩૭, ૩૮; યોહાન ૧૨:૨૮; ૧૭:૬) આમ તેમણે દાઊદના સૂરમાં સૂર મિલાવ્યો: “મારી સાથે યહોવાહને મોટો માનો, અને આપણે એકઠાં મળીને તેનું નામ બુલંદ માનીએ.” (ગીતશાસ્ત્ર ૩૪:૩) આપણા માટે કેવો સારો દાખલો!

૨, ૩. (ક) કઈ રીતે કહી શકીએ કે ગીતશાસ્ત્ર ૩૪માં ભાખેલું પૂરું થયું? (ખ) આપણે આ અને પછીના લેખમાં શેની ચર્ચા કરીશું?

ઈસુની સાથે યોહાન પણ હતા. સ્તુતિ ગીતો સાથે ગાયા, એના થોડા કલાકો પછી તેમણે એક અલગ ઘટના જોઈ. યોહાને જોયું કે ઈસુ અને બે ગુનેગારોને સ્તંભ પર લટકાવવામાં આવ્યા. રૂમી સૈનિકોએ ગુનેગારોના પગ ભાંગી નાખ્યા, જેથી તેઓ જલદી મરી જાય. જ્યારે સૈનિકો ઈસુ પાસે આવ્યા ત્યારે, તે તો મરણ પામ્યા હતા. સૈનિકોએ ઈસુના પગ ભાંગ્યા નહિ. યોહાને સમજાવ્યું કે ગીતશાસ્ત્ર ૩૪માં ભાખેલું પૂરું થયું: “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.”—યોહાન ૧૯:૩૨-૩૬; ગીતશાસ્ત્ર ૩૪:૨૦.

ગીતશાસ્ત્ર ૩૪માં શીખવા જેવી ઘણી બાબતો છે. આપણે આ અને પછીના લેખમાં જોઈશું કે દાઊદે કેવા સંજોગોમાં આ ગીત રચ્યું. આપણને ઉત્તેજન મળે એવી બીજી અમુક બાબતો પણ જોઈશું.

શાઊલ પાસેથી દાઊદ નાસી છૂટ્યા

૪. (ક) શા માટે દાઊદને ઈસ્રાએલના નવા રાજા તરીકે પસંદ કરવામાં આવ્યા? (ખ) શાઊલને કેમ દાઊદ માટે ‘ઘણી પ્રીતિ’ થઈ?

દાઊદ યુવાન હતા ત્યારે શાઊલ ઈસ્રાએલનો રાજા હતો. શાઊલે યહોવાહની આજ્ઞા પાળી નહિ. એટલે યહોવાહે તેનો સાથ છોડી દીધો. ઈશ્વરભક્ત શમૂએલે તેને કહ્યું: “યહોવાહે આજ ઈસ્રાએલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો જે પડોશી તારા કરતાં સારો છે તેને તે આપ્યું છે.” (૧ શમૂએલ ૧૫:૨૮) પછી યહોવાહે શમૂએલને કહ્યું કે ‘યિશાઈના નાના દીકરા દાઊદને ઈસ્રાએલના નવા રાજા તરીકે પસંદ કર.’ યહોવાહનો સાથ ન હોવાથી શાઊલનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. દાઊદ બહુ જ સરસ વીણા વગાડતા હતા. એટલે શાઊલના મનને શાંતિ મળે માટે દાઊદને ગિબઆહ બોલાવ્યા. તેમની વીણા સાંભળીને શાઊલના મનને શાંતિ મળતી. શાઊલને ‘તેમના પર ઘણી પ્રીતિ થઈ.’—૧ શમૂએલ ૧૬:૧૧, ૧૩, ૨૧, ૨૩.

૫. શાઊલનું વલણ કેમ બદલાઈ ગયું? આખરે દાઊદે શું કરવું પડ્યું?

સમય જતાં યહોવાહે સાબિત કર્યું કે પોતે દાઊદની સાથે છે. તેમણે દાઊદને રાક્ષસ જેવા પલિસ્તી ગોલ્યાથ પર જીત અપાવી. તેમને લડાઈઓમાં પણ જીત અપાવી. સર્વ ઈસ્રાએલીઓ દાઊદને વધારે માન આપવા લાગ્યા. તેમના પર યહોવાહના આશીર્વાદ જોઈને શાઊલ સળગી ઊઠ્યો. દાઊદને સખત નફરત કરવા લાગ્યો. બે વાર શાઊલે વીણા વગાડતા દાઊદને ભાલાથી વીંધી નાખવાની કોશિશ કરી. બંને વાર દાઊદ માંડ માંડ બચ્યા. ત્રીજી વાર પણ એમ થયું ત્યારે, દાઊદ જીવ બચાવીને નાસી છૂટ્યા. તોપણ શાઊલ હાથ ધોઈને પાછળ પડી ગયો. એટલે દાઊદે ઈસ્રાએલની બહાર આશરો લેવાનું નક્કી કર્યુ.—૧ શમૂએલ ૧૮:૧૧; ૧૯:૯, ૧૦.

૬. શા માટે શાઊલે નોબમાં રહેતા લોકોને મોતને ઘાટ ઉતાર્યા?

દાઊદ ઈસ્રાએલની બૉર્ડર તરફ જતા રસ્તામાં નોબ શહેરમાં રોકાઈ ગયા. ત્યાં યહોવાહનો મુલાકાત મંડપ પણ હતો. દાઊદને મદદ કરવા તેમની સાથે અમુક યુવાનો પણ હતા. દાઊદે મહાયાજક પાસે પોતાના અને સાથીઓ માટે ખાવા-પીવાનું માંગ્યું. યાજકે તેઓને ખાવાનું આપ્યું અને ગોલ્યાથને મારીને જે તલવાર લીધેલી એ પણ દાઊદને આપી. જ્યારે શાઊલે આ સાંભળ્યું ત્યારે તે ગુસ્સાથી તપી ગયો. તેણે નોબ શહેરમાં રહેતા બધા લોકો અને ૮૫ યાજકોને મોતને ઘાટ ઉતારી દીધા.—૧ શમૂએલ ૨૧:૧, ૨; ૨૨:૧૨, ૧૩, ૧૮, ૧૯; માત્થી ૧૨:૩, ૪.

ફરીથી મરતા મરતા બચ્યા

૭. ગાથ કેમ દાઊદ માટે સલામત જગ્યા ન હતી?

દાઊદ નોબથી નાસીને ૪૦ કિલોમીટર દૂર પશ્ચિમે પલિસ્તીના ગાથ નગરમાં ગયા. તે તો ગોલ્યાથનું નગર હતું, જેનો રાજા આખીશ હતો. દાઊદને લાગ્યું હશે કે ‘શાઊલ અહીંયા સુધી પોતાને શોધતો શોધતો નહિ આવે.’ પણ આખીશ રાજાના ચાકરોએ દાઊદને ઓળખી કાઢ્યા. દાઊદે ચાકરોને અંદરો-અંદર પોતાના વિષે વાતો કરતા સાંભળ્યા. ત્યારે “ગાથના રાજા આખીશથી તે ઘણો બીધો.”—૧ શમૂએલ ૨૧:૧૦-૧૨.

૮. (ક) ગાથમાં દાઊદને માથે જે વીતી એના વિષે ગીતશાસ્ત્ર ૫૬ શું જણાવે છે? (ખ) દાઊદ કઈ રીતે મોતના મોંમાંથી પાછા આવ્યા?

એ પછી પલિસ્તીઓએ દાઊદને પકડ્યા. એ વખતે દાઊદે યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીને મદદનો પોકાર કર્યો: ‘હે ઈશ્વર, મારાં આંસુઓ તારી કુપ્પીમાં રાખ.’ (ગીતશાસ્ત્ર ૫૬:૮ અને અધ્યાયની ઉપરનું લખાણ) દાઊદને પૂરો ભરોસો હતો કે યહોવાહ તેમને નહિ ભૂલે. તેમને સાથ આપશે, સંભાળ રાખશે અને રક્ષણ કરશે. પલિસ્તી રાજાને છેતરવા દાઊદે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. આ જોઈને રાજાએ ચાકરોને ખખડાવ્યા કે આ ‘ગાંડા’ માણસને મારી પાસે કેમ લાવ્યા. દાઊદને ગાથ શહેરની બહાર કાઢી મૂકવામાં આવ્યા. દાઊદ જાણે મોતના મોંમાથી પાછા આવ્યા. યહોવાહે દાઊદનો સાથ છોડ્યો નહીં!—૧ શમૂએલ ૨૧:૧૩-૧૫.

૯, ૧૦. દાઊદે શા માટે ૩૪મું ગીત રચ્યું? એ કોને ધ્યાનમાં રાખીને રચ્યું હોય શકે?

બાઇબલ જણાવતું નથી કે દાઊદ ગાથ શહેરમાં ગયા ત્યારે તેમના સાથીઓ પણ ગયા કે નહિ. કે પછી તેઓ નજીકના ઈસ્રાએલી ગામોમાં રહીને ચોકી કરતા હોય શકે. આખરે તેઓ ભેગા મળ્યા ને દાઊદે તેઓને જણાવ્યું કે યહોવાહે કેવી રીતે તેમને મોતના મોંમાંથી બચાવ્યા. ગીતશાસ્ત્ર ૩૪ની ઉપરનું લખાણ બતાવે છે તેમ, એ સમયે દાઊદે એ ગીત લખ્યું. એની પહેલી સાત કડીઓ શું કહે છે? એ જ કે પોતાને મોતના પંજામાંથી છોડાવવા માટે દાઊદે યહોવાહની સ્તુતિ કરી. પોતાના સાથીઓને પણ યહોવાહનું નામ રોશન કરવા કહે છે, કેમ કે તે પોતાના લોકોને છોડાવે છે.—ગીતશાસ્ત્ર ૩૪:૩, ૪,.

૧૦ દાઊદ અને તેમના સાથીઓ અદુલ્લામની ગુફામાં છુપાયા હતા. ગાથથી લગભગ ૧૫ કિલોમીટર દૂર પૂર્વમાં એ આવેલું હતું. શાઊલના રાજથી કંટાળી ગયા હોવાથી, ઘણા ઈસ્રાએલીઓએ દાઊદને સાથ આપ્યો. (૧ શમૂએલ ૨૨:૧, ૨) કદાચ એ જોઈને જ ગીતશાસ્ત્ર ૩૪:૮-૨૨ની કડીઓ દાઊદે રચી. એના વિચારો આપણા માટે પણ મહત્ત્વના છે. એની ચર્ચા કરવાથી આપણને પણ લાભ થશે.

દાઊદના જીવનમાં પહેલું શું હતું?

૧૧, ૧૨. યહોવાહની ભક્તિ કરતા રહેવા માટે કયાં કારણો છે?

૧૧ “હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧) દાઊદને અહીં-તહીં ભટકવું પડ્યું. એ વખતે માથે કંઈ કેટલીયે ચિંતા હશે. તોપણ દાઊદે એના રોદણાં રડ્યા કર્યા નહિ. તેમણે આરામથી જીવવાના સપના જોયાં નહિ. પણ યહોવાહની ભક્તિમાં ધ્યાન લગાડ્યું. દાઊદે આપણા માટે કેવો સારો દાખલો બેસાડ્યો! સ્કૂલમાં, કામ પર, પ્રચારમાં કે ભાઈ-બહેનો સાથે હોઈએ ત્યારે પણ, આપણી પહેલી ઇચ્છા યહોવાહનું નામ મોટું મનાવવાની હોવી જોઈએ. એમ કરવા માટે ઘણાં કારણો છે. દાખલા તરીકે, સૃષ્ટિ પર નજર કરો! યહોવાહના હાથની કેવી કરામત! એમાંથી જેટલું શીખીએ, એટલું ઓછું. હવે યહોવાહના સંગઠનનો વિચાર કરો. એમાં યહોવાહે મામૂલી, પાપી ઇન્સાન દ્વારા પણ કેવાં મોટાં મોટાં કામો કર્યાં છે! યહોવાહનાં કામો જોતાં, દુનિયાના ‘મહાન લોકોનાં’ કામો તો કંઈ જ નથી. દાઊદે સાચું જ લખ્યું કે ‘હે પ્રભુ, તારા જેવો કોઈ નથી; અને તારાં કામો જેવાં કોઈનાં નથી.’—ગીતશાસ્ત્ર ૮૬:૮.

૧૨ દાઊદની જેમ આપણે પણ યહોવાહનાં મહાન કામો માટે તેમનો જયજયકાર કરીએ છીએ. આપણે ખુશ છીએ કે પરમેશ્વરનું રાજ દાઊદના વારસ ઈસુ ખ્રિસ્તના હાથમાં છે. (પ્રકટીકરણ ૧૧:૧૫) એનો અર્થ કે આ દુનિયાનો અંત બહુ નજીક છે. ૬ અબજથી પણ વધારે લોકોનાં જીવનનો સવાલ છે. બને એટલા લોકોને જણાવીએ કે પરમેશ્વરનું રાજ્ય જલદી જ આપણા બધા માટે શું કરશે. તેઓ પણ આપણી સાથે યહોવાહને ભજે એ માટે મદદ કરીએ. મોડું થાય એ પહેલાં, આપણે દરેક તકે “રાજ્યની સુવાર્તા” જણાવીએ. એ જ જીવનમાં પહેલું રાખીએ.—માત્થી ૨૪:૧૪.

૧૩. (ક) દાઊદે કોનો જયજયકાર કર્યો? એની લોકો પર કેવી અસર પડી? (ખ) આજે નમ્ર લોકો શા માટે મંડળમાં ખેંચાઈ આવે છે?

૧૩ “મારો આત્મા યહોવાહને લીધે વડાઈ કરશે; દીન લોકો તે સાંભળીને આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૪:૨) આ કડીમાં દાઊદ પોતાની સફળતા પર ઘમંડ કરતા ન હતા. દાખલા તરીકે, તેમણે ગાથના રાજાને છેતર્યો એ વિષે બડાઈ કરી નહિ. તે જાણતા હતા કે ગાથમાં યહોવાહે તેમનો જીવ બચાવ્યો હતો. (નીતિવચનો ૨૧:૧) દાઊદે પોતાની નહિ પણ યહોવાહની વાહ વાહ કરી. એના લીધે નેક દિલ લોકો યહોવાહ તરફ ખેંચાયા. ઈસુએ પણ હંમેશાં યહોવાહના નામને રોશન કર્યું. તેથી જેઓને ભક્તિની ભૂખ હતી એવા નમ્ર લોકો યહોવાહ તરફ ખેંચાઈ આવ્યા. આજે પણ સર્વ પ્રજાના નેક દિલ લોકો મંડળમાં આવે છે. એ મંડળને ઈસુ ખ્રિસ્ત સંભાળે છે. (કોલોસી ૧:૧૮) બાઇબલનો સંદેશો બીજાઓને જણાવીને આપણે પણ યહોવાહનું નામ રોશન કરીએ છીએ. યહોવાહની પવિત્ર શક્તિની મદદથી નમ્ર લોકો એ સંદેશો સમજે છે, તેમની દિલથી ભક્તિ કરવા લાગે છે.—યોહાન ૬:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪.

મિટિંગો આપણી શ્રદ્ધા વધારે છે

૧૪. (ક) શું દાઊદે એકલા એકલા જ યહોવાહની સ્તુતિ કરી? (ખ) ભક્તિ કરવા ભેગા મળવાનો ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?

૧૪ “મારી સાથે યહોવાહને મોટો માનો, અને આપણે એકઠાં મળીને તેનું નામ બુલંદ માનીએ.” (ગીતશાસ્ત્ર ૩૪:૩) દાઊદે એકલા એકલા જ યહોવાહની સ્તુતિ કરી નહિ. તેમણે પોતાના સાથીઓને પણ યહોવાહની સ્તુતિ કરવાનું ઉત્તેજન આપ્યું. ઈસુ ખ્રિસ્તને પણ યહોવાહનું નામ મોટું મનાવવામાં ખુશી મળતી. તેમણે સભાસ્થાનોમાં અને યરૂશાલેમના મંદિરમાં પર્વ ઊજવ્યાં. પોતાના શિષ્યો સાથે મળીને પણ યહોવાહની ભક્તિ કરી. એટલે જ ઈસુ મહાન દાઊદ કહેવાય છે. (લુક ૨:૪૯; ૪:૧૬-૧૯; ૧૦:૨૧; યોહાન ૧૮:૨૦) આપણે પણ ‘દહાડો પાસે આવે છે તેમ’ ભાઈ-બહેનો સાથે ભેગા મળીને યહોવાહની ભક્તિ કરીએ! એમ કરીને ઈસુને પગલે ચાલીએ.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૧૫. (ક) દાઊદના અનુભવથી તેમના સાથીઓ પર કેવી અસર પડી? (ખ) મિટિંગમાં જવાથી કેવો લાભ થાય છે?

૧૫ “મેં યહોવાહની શોધ કરી, અને તેણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો.” (ગીતશાસ્ત્ર ૩૪:૪) દાઊદ માટે આ અનુભવ બહુ મહત્ત્વનો હતો. તેમણે આગળ કહ્યું: “આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાહે તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.” (ગીતશાસ્ત્ર ૩૪:૬) આપણે મિટિંગમાં ભેગા મળીએ ત્યારે, ભાઈ-બહેનો અનુભવો જણાવે છે. યહોવાહે મુશ્કેલ સંજોગો સહન કરવા કેવી મદદ કરી એ જણાવે છે. એનાથી આપણી શ્રદ્ધા વધે છે. દાઊદનું સાંભળીને યહોવાહમાં તેના સાથીઓનો ભરોસો વધ્યો. દાઊદના સાથીઓએ ‘યહોવાહ તરફ જોયું અને પ્રકાશ પામ્યા. તેઓના મુખ કદી ઝાંખા પડ્યા નહિ.’ (ગીતશાસ્ત્ર ૩૪:૫) ભલે તેઓ રાજા શાઊલથી નાસતા ફરતા હતા, પણ નિરાશ ન થયા. તેઓને પૂરો ભરોસો હતો કે દાઊદની સાથે યહોવાહ છે. તેઓના ચહેરા પર એ ચમક હતી. આજે પણ યહોવાહની ભક્તિમાં નવા હોય કે જૂના, સર્વ મદદ માટે યહોવાહનો સહારો લે છે. તેઓએ જીવનમાં યહોવાહના સાથનો અનુભવ કર્યો છે. એની વાત કરતા તેઓના ચહેરા ચમકી ઊઠે છે. તેઓએ યહોવાહનો સાથ કદી ન છોડવાનું નક્કી કર્યું છે.

દૂતોની મદદ

૧૬. યહોવાહ કેવી રીતે દૂતો દ્વારા આપણો બચાવ કરે છે?

૧૬ “યહોવાહના ભક્તોની [યહોવાહનો ડર રાખનારાની] આસપાસ તેનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૭) યહોવાહે દાઊદને ઈસ્રાએલના રાજા તરીકે પસંદ કર્યા હતા. પણ દાઊદે એવું ક્યારેય ન વિચાર્યું કે યહોવાહ ફક્ત તેમને જ છોડાવે છે. તે જાણતા હતા કે યહોવાહ દૂતો દ્વારા પોતાના સર્વ ભક્તોને મદદ કરે છે. ભલે તે ભક્ત પાસે કોઈ જવાબદારી હોય કે ન હોય. આજે પણ યહોવાહના ભક્તો તેમના રક્ષણનો અનુભવ કરે છે. દાખલા તરીકે, નાઝી જર્મની, અંગોલા, મલાવી, મોઝામ્બિક અને બીજા દેશોમાં સરકારે યહોવાહના લોકોનું નામ-નિશાન મિટાવી દેવાની કોશિશ કરી. પણ તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું. એ દેશોમાં આજે પણ યહોવાહના લોકો ભેગા મળીને ભક્તિ કરે છે. તેઓની સંખ્યા રાત-દિવસ વધતી જાય છે. શા માટે? કેમ કે યહોવાહ દૂતો દ્વારા પોતાના લોકોનું રક્ષણ કરે છે. તેઓને માર્ગદર્શન આપે છે.—હેબ્રી ૧:૧૪.

૧૭. દૂતો આપણને કેવી રીતે મદદ કરે છે?

૧૭ વધુમાં મંડળમાં જો કોઈ બીજાને ઠોકર ખવડાવનાર હોય તો, દૂતો બાબતો પર વડીલોનું ધ્યાન દોરે છે. જેથી એ વ્યક્તિને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે. (માત્થી ૧૩:૪૧; ૧૮:૬, ૧૦) કોઈ વાર આપણી જાણ બહાર પણ દૂતો મદદ કરે છે. તેઓ આપણી ભક્તિમાં આડે આવતી મુશ્કેલીઓને દૂર કરે છે. દૂતો એવી બાબતોથી પણ રક્ષણ કરે છે જેનાથી યહોવાહ સાથેનો આપણો સંબંધ તૂટી શકે. સૌથી મહત્ત્વનું તો, દુનિયાના ખૂણે ખૂણે “સનાતન સુવાર્તા” ફેલાવવાના કાર્યમાં મદદ કરે છે. મુશ્કેલ જગ્યાઓએ પણ પ્રચાર કામમાં સહાય કરે છે. (પ્રકટીકરણ ૧૪:૬) યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલાં સાહિત્યમાં જોવા મળે છે કે દૂતો કેવી રીતે પ્રચાર કાર્યમાં મદદ કરે છે. * આ અનુભવો એટલા જોરદાર છે કે એ આમ જ બન્યા હશે એમ માની ન શકાય.

૧૮. (ક) દૂતોની મદદ મેળવવા આપણે શું કરવું જોઈએ? (ખ) પછીના લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

૧૮ આપણે હંમેશાં દૂતોનું રક્ષણ અને માર્ગદર્શન ચાહતા હોઈએ તો, શું કરવું જોઈએ? મુશ્કેલીઓમાં પણ યહોવાહનું નામ રોશન કરવું જોઈએ. પણ યાદ રાખીએ કે યહોવાહનો ડર રાખનારાનું જ દૂતો રક્ષણ કરે છે. એનો શું અર્થ થાય? ઈશ્વરનો ડર રાખવો એટલે શું? આપણે કેવી રીતે ઈશ્વરનો ડર રાખવાનું શીખી શકીએ? પ્રેમાળ ઈશ્વર શા માટે ચાહે છે કે આપણે તેમનો ડર રાખીએ? પછીના લેખમાં આ સવાલોની ચર્ચા કરીશું. (w 07 3/1)

[Footnote]

^ જેહોવાઝ વીટનેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગ્ડમ પુસ્તકના પાન ૫૫૦ જુઓ. યહોવાહના સાક્ષીઓની ૨૦૦૫ યરબુક, પાન ૫૩-૪; માર્ચ ૧, ૨૦૦૦ ચોકીબુરજ પાન ૫-૬; જાન્યુઆરી ૧, ૧૯૯૧ વૉચટાવર પાન ૨૭; અને ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૧ વૉચટાવર પાન ૨૬ જુઓ.

આપણે શું કહીશું?

• દાઊદે યુવાનીમાં કેવી મુશ્કેલીઓ સહી?

• દાઊદની જેમ આપણા જીવનમાં શું પહેલું હોવું જોઈએ?

• આપણને મિટિંગો વિષે કેવું લાગે છે?

• યહોવાહ આપણને દૂતો દ્વારા કેવી રીતે મદદ કરે છે?

[Study Questions]

[Map on page 25]

(For fully formatted text, see publication)

રામાહ

ગાથ

સિકલાગ

ગિબઆહ

નોબ

યરૂશાલેમ

અદુલ્લામ

બેથલેહેમ

કઈલાહ

હેબ્રોન

ઝીફ

હોરેશ

કાર્મેલ

માઓન

એન-ગેદી

ખારો સમુદ્ર

[Credit Line]

નકશો: Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[Picture on page 25]

દાઊદ નાસતા ફર્યા ત્યારે પણ યહોવાહનું નામ રોશન કર્યું