સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સૂર્યમંડળનો જન્મ કેવી રીતે થયો?

સૂર્યમંડળનો જન્મ કેવી રીતે થયો?

સૂર્યમંડળનો જન્મ કેવી રીતે થયો?

આપણું સૂર્યમંડળ ઘણી રીતે અજોડ છે. એ જાણે આપણી મંદાકિનીની બે પાંખોની લગભગ વચ્ચે આવેલું છે. ત્યાં ઓછા તારા છે. એ મોટા મોટા દૂરબીનથી જોઈએ તોપણ નાનાં નાનાં ટપકાં દેખાય છે. પણ શું એ આપણી સૂર્યમાળા માટે સારી જગ્યા છે?

આપણી મંદાકિની વચ્ચે ખીચોખીચ તારા ભર્યા છે. જો સૂર્યમાળા મંદાકિનીની વચ્ચે હોત તો અનેક તકલીફો ઊભી થાત. જેમ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એમાં અસર થાત. પૃથ્વી પર જીવન ખતરામાં આવી જાત. પૃથ્વી વાયુનાં વાદળોમાંથી પસાર થાય ત્યારે ગરમ થઈ જાત. અરે બળી પણ જાત. ઉલ્કાઓ કે ખરતા તારા અથવા ખતરનાક કિરણોવાળી ચીજો સાથે અથડાત. એવું ન થાય એટલા માટે આપણી સૂર્યમાળા એકદમ ખરી જગ્યાએ છે.

આપણી મંદાકિનીમાં બીજા તારા મોટે ભાગે સૂર્યથી નાના છે. હજારો વર્ષોથી સૂર્યનો ધગધગતો ગોળો જોઈતો પ્રકાશ અને ગરમી આપે છે. એટલે જ પૃથ્વી પર જીવન છે. જ્યારે કે બીજા તારા સૂરજ જેવા નથી. મોટે ભાગે તારાઓ એકબીજાને ગુરુત્વાકર્ષણથી ખેંચી રાખે છે. તેઓ એકબીજાની ગોળ ગોળ ફરે છે. જ્યારે કે સૂર્ય કોઈના પર નભતો નથી. જો એ ગુરુત્વાકર્ષણથી બીજા કોઈ તારા સાથે જોડાયેલો હોત તો આપણી સૂર્યમાળામાં અનેક તકલીફો ઊભી થાત.

આપણી સૂર્યમાળા બીજી એક રીતે પણ અજોડ છે. જેમ કે, મોટા મોટા ગ્રહો એની બહારના ભાગમાં આવેલા છે. તેઓ અમુક અંતરે ગોળ ગોળ ફરે છે. પણ પૃથ્વી જેવા અંદરના ગ્રહો સાથે અથડાતા નથી. * તેઓ તો પૃથ્વી જેવા ગ્રહોનું રક્ષણ કરે છે. કેવી રીતે? આના વિષે બે વૈજ્ઞાનિકો સમજાવે છે કે ‘અમુક વખતે લઘુગ્રહો ને પૂંછડિયા તારા પૃથ્વી સાથે અથડાય છે. પણ જો ગુરુ જેવા મોટા ગ્રહો ન હોત તો પૃથ્વીને નુકસાન થાત.’ (અજોડ પૃથ્વી—શા માટે આખા વિશ્વમાં જીવન નથી [અંગ્રેજી] પીટર ડી. વૉર્ડ અને ડોનાલ્ડ બ્રોન્લી) વિશ્વમાં અનેક સૂર્યમાળાની શોધ થઈ છે, જેમાં મોટા મોટા રાક્ષસી ગ્રહો છે. તેઓ સૂર્યમાળામાં જેમ-તેમ ફરે છે. સારું છે કે પૃથ્વી જેવા નાના ગ્રહો એવી સૂર્યમાળામાં નથી. નહિ તો નાના ગ્રહોનું આવી જ બન્યું હોત!

ચંદ્ર આપણો સાથી

વર્ષોથી લોકો ચંદ્ર જોઈને વાહ વાહ પોકારી ઊઠે છે. એને જોઈને સંગીતકારો સંગીત રચે છે. કવિઓ કવિતા રચે છે. બાઇબલના એક કવિએ લખ્યું કે ‘ચંદ્ર સદા રહેશે, અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવો થશે.’—ગીતશાસ્ત્ર ૮૯:૩૭.

ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે ભરતી અને ઓટ આવે છે. ભરતી અને ઓટથી અલગ અલગ મોસમો આવે છે.

ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી ધરી પર યોગ્ય અંતરે નમેલી રહે છે અને સૂર્યની આસપાસ ફરતી રહે છે. કુદરતી નામનું અંગ્રેજી મૅગેઝિન જણાવે છે કે ‘ચંદ્ર ન હોય તો સમય જતા પૃથ્વી પોતાની ધરી પર યોગ્ય અંતરે ઢળેલી નહિ રહે.’ જો એમ થાય તો પૂરતો વરસાદ નહિ પડે. અરે આપણે મોસમની મજા પણ લૂંટી ન શકીએ. પણ પૃથ્વી યોગ્ય અંતરે નમેલી હોવાથી એ વધુ પડતી ગરમ કે ઠંડી થતી નથી. એટલે જ પૃથ્વી પર જીવન છે. એક ખગોળશાસ્ત્રીએ ક્હ્યું કે ‘ચંદ્રને લીધે પૃથ્વીનું વાતાવરણ સરસ રહે છે.’ (ઝાક લાસ્કાર) બીજા રાક્ષસી ગ્રહોના ચંદ્રો નાના છે. જ્યારે કે આપણો ચંદ્ર મોટો છે જેનાથી પૃથ્વી પર જીવન ટકે છે.

બાઇબલનું પહેલું પુસ્તક ઉત્પત્તિ કહે છે રાતે ચંદ્ર આપણને પ્રકાશ પણ આપે છે.—ઉત્પત્તિ ૧:૧૬.

સૂર્યમંડળ જાતે જ આવ્યું?

આપણા સૂર્યમંડળમાં અનેક નિયમો છે. એટલે પૃથ્વી પર જીવન છે એટલું જ નહિ, પણ એની મજા માણી શકાય છે. તો સવાલ થાય કે સૂર્યમાળા પોતાની જાતે આવી કે કોઈએ બનાવી?

ઈશ્વરે હજારો વર્ષો પહેલાં બાઇબલમાં જણાવ્યું છે કે વિશ્વ આવ્યું કઈ રીતે! તેમણે એ સમજી-વિચારીને રચ્યું છે. આપણી સૂર્યમાળા એની જાતે નથી આવી. ઈશ્વરે એની એવી રચના કરી છે કે જીવન શક્ય બન્યું. તેમણે માનો કે એનો રિપોર્ટ પણ આપણા માટે બાઇબલમાં લખ્યો છે. વૈજ્ઞાનિકો સૃષ્ટિ વિષે આજે જે માને છે, એ જ લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં બાઇબલમાં લખવામાં આવ્યું હતું! એ બાઇબલના પહેલા પુસ્તક ઉત્પત્તિમાં છે. ચાલો જોઈએ એ શું કહે છે.

ઉત્પત્તિનો રિપોર્ટ

‘શરૂઆતમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.’ (ઉત્પત્તિ ૧:૧) બાઇબલના આ શબ્દો બતાવે છે કે પરમેશ્વરે આખું વિશ્વ એટલે કે અબજો આકાશગંગા, સૂર્યમંડળ, તારા અને પૃથ્વી પણ રચી છે. એક સમયે પૃથ્વી આકાર વગરની અને ખાલી હતી. ત્યારે પૃથ્વી પર કોઈ દેશો ન હતા. જમીનમાં કંઈ ઊગતું પણ ન હતું. આજે પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે જીવન ટકાવવા પાણી જોઈએ. એટલે ઉત્પત્તિ કરતી વખતે શરૂઆતમાં જ ઈશ્વરે પુષ્કળ પાણી બનાવ્યું. બાઇબલ કહે છે કે “પાણી પર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી.”—ઉત્પત્તિ ૧:૨, સંપૂર્ણ.

પૃથ્વી સૂર્યથી યોગ્ય અંતરે છે, જેથી પાણી ઠંડીમાં થીજી ન જાય. આના વિષે વૈજ્ઞાનિક એન્ડ્રુ ઈંગરસોલ સમજાવે છે કે ‘મંગળ બહુ જ ઠંડો છે. અને શુક્ર બહુ જ ગરમ છે. પણ પૃથ્વીનું વાતાવરણ જીવન માટે એકદમ યોગ્ય છે.’ પાણી સિવાય વનસ્પતિ, શાક-ભાજી ઊગવા બીજું શું જોઈએ? પ્રકાશ! ત્યારે તો પૃથ્વી પર પ્રકાશ ન હતો. જેમ નાના બાળકને લૂગડાંમાં વીંટ્યું હોય, એમ ધુમ્મસનાં કાળાં વાદળોથી સમુદ્ર વીંટાયેલો હતો. બાઇબલ કહે છે કે ઈશ્વરે કાળાં વાદળોમાંથી સૂર્યનાં કિરણો પૃથ્વી પર ફેલાવ્યાં.—અયૂબ ૩૮:૪, ૯; ઉત્પત્તિ ૧:૩-૫.

પછી સર્જનહારે “આકાશ” બનાવ્યું. (ઉત્પત્તિ ૧:૬-૮) એમાં અનેક વાયુઓ છે, જે પૃથ્વીનું વાતાવરણ બનાવે છે.

બાઇબલ સમજાવે છે કે કઈ રીતે ઈશ્વરે આકાર વિનાની પૃથ્વી પર સપાટ જમીન બનાવી. (ઉત્પત્તિ ૧:૯,૧૦) પૃથ્વીના પડને જાણે સંકોચીને ખસેડ્યા. સમુદ્રમાંથી ઊંચા પર્વતો, ઊંડી ખીણો ને ટાપુઓ બનાવ્યા.—ગીતશાસ્ત્ર ૧૦૪:૬-૮.

સમય જતાં ઈશ્વરે સમુદ્રમાં લીલ જેવી વનસ્પતિ ઉગાડી. સૂર્યના પ્રકાશથી એ એકકોશી લીલ ઊગવા લાગી. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયૉકસાઈડ એનો ખોરાક બન્યો. લીલમાંથી ઉત્પન્‍ન થયેલો ઑક્સિજન વાતાવરણમાં ફેલાવા લાગ્યો. આમ ઉત્પત્તિના ત્રીજા સમયગાળામાં આખી પૃથ્વી ધીરે ધીરે લીલીછમ થઈ ગઈ. એનાથી ઑક્સિજન વધ્યો. એવું વાતાવરણ બન્યું કે જાનવરો ને માનવ એમાં આરામથી જીવી શકે.—ઉત્પત્તિ ૧:૧૧, ૧૨.

જમીનમાં વનસ્પતિ સારી રીતે ઊગી શકે એ માટે ઈશ્વરે શું કર્યું? જાતજાતનાં નાનાં નાનાં જીવજંતુઓ બનાવ્યાં. (યિર્મેયાહ ૫૧:૧૫) તેઓ જમીનમાંનો કચરો ખાય. એને સડાવે. જમીન ઊથલ-પાથલ કરે. અમુક જીવજંતુઓ એવા છે, જેઓ વનસ્પતિને જરૂરી નાઇટ્રોજન હવામાંથી પહોંચાડે છે. તમે મુઠ્ઠીભર માટી હાથમાં લો તો, ૬૦૦ કરોડ જેટલાં જીવજંતુઓ તમારા હાથમાં હોઈ શકે!

ઉત્પત્તિ ૧:૧૪-૧૯ જણાવે છે કે ઈશ્વરે ચોથા સમયગાળામાં સૂર્ય, ચંદ્ર ને તારાઓ બનાવ્યા. તમે કહેશો કે એ બની જ કેમ શકે? આગળ તો આપણે એની ઉત્પત્તિ વિષે જોઈ ગયા. એ ખરું છે. પૃથ્વીની આસપાસ આવેલા વાતાવરણને કારણે ચોથા સમયગાળા સુધી પૃથ્વી પરથી સૂર્ય, ચંદ્ર ને તારા દેખાતા ન હતા. ઉત્પત્તિનો રિપોર્ટ ઈશ્વરભક્ત મુસાએ લખ્યો હતો. તેમણે એ રીતે લખ્યો કે જાણે પૃથ્વી પરથી વ્યક્તિ સૂર્ય, ચંદ્ર ને તારા જોતી હોય.

આગળ ઉત્પત્તિનો રિપોર્ટ જણાવે છે કે પાંચમા સમયગાળામાં ઈશ્વરે માછલીઓ બનાવી. પછી છઠ્ઠા સમયગાળામાં જાનવર ને માનવ બનાવ્યા.—ઉત્પત્તિ ૧:૨૦-૩૧.

ઈશ્વર તરફથી ઇન્સાનને પૃથ્વીની ભેટ

ઉત્પત્તિના પુસ્તકમાં જોઈ ગયા કે ઈશ્વરે પૃથ્વી એવી રીતે રચી, જેથી આપણે જિંદગીની મજા લૂંટી શકીએ. સવારે ઊઠીએ, ઠંડી ઠંડી હવા આવે, આહાહા, કેટલી મજા આવે! બાગ-બગીચા કે પાર્કમાં ફરતા હોઈએ, કેવા રંગબેરંગી ફૂલો, શું એની ખુશબૂ! ફળ-ઝાડની વાડીમાં જઈએ, પાકાં પાકાં ફળો જોઈને મોંમાં પાણી આવી જાય. આવી જિંદગીની મજા લૂંટવા આ ચાર વસ્તુઓ જોઈએ જ. (૧) પુષ્કળ પાણી. (૨) સૂર્યનો પૂરતો પ્રકાશ ને ગરમી. (૩) વાતાવરણમાં યોગ્ય વાયુઓ. (૪) સારી જમીન.

આપણી સૂર્યમાળામાં પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર જીવન નથી. આ બતાવે છે કે પૃથ્વી પોતાની મેળે નથી આવી. પણ ઈશ્વરે એ સમજી-વિચારીને રચી છે. બાઇબલ એ પણ જણાવે છે કે ઇન્સાન સદાના માટે મજા લૂંટી શકે એવી રીતે તેમણે એ રચી છે. એના વિષે આગળ વાંચો. (w 07 2/15)

[Footnote]

^ આપણી સૂર્યમાળાની અંદરના ભાગમાં બુધ, શુક્ર, પૃથ્વી ને મંગળ છે. તેઓની સપાટી ને ઘનતા પૃથ્વી જેવી હોવાથી ભૌમિક ગ્રહો કહેવાય છે. જ્યારે કે બહારના ભાગમાં આવેલા ગુરુ, શનિ, યુરેનસ અને વરુણ મોટે ભાગે વાયુના બનેલા છે.

[Box on page 6]

‘પૃથ્વી ને જીવન કેવી રીતે આવ્યું? એ મારે ઓછું ભણેલા લોકોને સમજાવવું હોય તો હું શું કરીશ? હું ઉત્પત્તિનો પહેલો અધ્યાય વાપરીશ. એ સામાન્ય લોકો માટે લખવામાં આવ્યો હતો, એટલે એમાં સરસ સમજણ આપી છે.’—વોલેસ પ્રાટ, વૈજ્ઞાનિક (જિઑલૉજિસ્ટ).

[Box/Picture on page 7]

વિશ્વની સ્ટડી કરવાની સૌથી સારી જગ્યા

આપણી મંદાકિનીમાં સૂર્ય બીજે ક્યાંક હોત તો આપણે તારાઓને સારી રીતે ન જોઈ શકત. અજોડ ગ્રહ અંગ્રેજી પુસ્તક કહે છે કે ‘આપણું સૂર્યમંડળ સરસ જગ્યાએ આવેલું છે. એ ધૂંધળાં વાતાવરણથી દૂર છે. આજુબાજુ પુષ્કળ પ્રકાશ પણ નથી. એટલે આપણે નજીકના તારા અને દૂરનું વિશ્વ જોઈ શકીએ છીએ.’

સૂર્યગ્રહણ વખતે શું થાય છે? ચંદ્ર પૃથ્વીથી યોગ્ય અંતરે હોવાથી, સૂર્યને ઢાંકતો હોય એવું લાગે છે. એ વખતે તારાની સ્ટડી કરનારા સૂર્ય વિષે વધારે જાણી શકે છે. એનાથી તેઓ સમજી શક્યા છે કે તારાઓ શું કામ ચમકે છે.

[Picture on page 5]

ચંદ્ર પૂરતો મોટો હોવાથી પૃથ્વીને ધરી પર યોગ્ય અંતરે નમેલી રાખે છે

[Pictures on page 7]

પૃથ્વી પર જીવન માટે આ જરૂરી છે: પુષ્કળ પાણી, પૂરતો પ્રકાશ ને ગરમી, યોગ્ય વાતાવરણ અને સારી જમીન

[Credit Lines]

પૃથ્વીનો ગોળો: Based on NASA Photo; wheat: Pictorial Archive (Near Eastern History) Est.