આપણે દુષ્ટ દૂતો સામે કઈ રીતે લડી શકીએ?
આપણે દુષ્ટ દૂતો સામે કઈ રીતે લડી શકીએ?
‘જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું, [ઈશ્વરે] તેઓને ન્યાયકરણ સુધી અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.’—યહુદા ૬.
૧, ૨. શેતાન અને તેના જેવા ખરાબ દૂતો વિષે કેવા પ્રશ્નો ઊભા થાય છે?
ઈશ્વરભક્ત પીતરે લખ્યું હતું: “સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીતર ૫:૮) ખરાબ સ્વર્ગદૂતો વિષે પાઊલે કહ્યું: “તમે ભૂતપિશાચોનો સંગ કરો, એવી મારી ઇચ્છા નથી. તમે [યહોવાહ] પ્રભુના પ્યાલા સાથે ભૂતપિશાચોનો પ્યાલો પીઇ શકતા નથી; તેમ જ તમે [યહોવાહ] પ્રભુની મેજની સાથે ભૂતપિશાચોની મેજના ભાગીદાર થઈ શકતા નથી.”—૧ કોરીંથી ૧૦:૨૦, ૨૧.
૨ શેતાન કોણ છે? આ ખરાબ સ્વર્ગદૂતો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા? ક્યારે આવ્યા? તેઓ કેટલા શક્તિશાળી છે? શું તેઓ આપણને અસર કરી શકે? કઈ રીતે? તેઓના ફાંદાઓથી આપણે કેવી રીતે બચી શકીએ?
શેતાન અને ખરાબ સ્વર્ગદૂતો ક્યાંથી આવ્યા?
૩. ઈશ્વરનો સ્વર્ગદૂત કઈ રીતે શેતાન તરીકે ઓળખાયો?
૩ આદમ અને હવાનો જન્મ થયો ત્યારે એક સ્વર્ગદૂત ઘમંડથી ફુલાઈ ગયો. યહોવાહે તેને જે કામ આપ્યું હતું, એ તેને કરવું ન હતું. તે ચાહતો હતો કે આ યુગલ યહોવાહને નહિ, પણ તેને ભગવાન માને. એદનબાગમાં તેણે આ યુગલને યહોવાહની સામે થવા ઉશ્કેર્યા. તેઓએ તેની વાત માનીને પાપ કર્યું. એ ક્ષણથી એ સ્વર્ગદૂત શેતાન તરીકે ઓળખાયો. સમય જતા તેના જેવા બીજા સ્વર્ગદૂતો પણ બગડી ગયા. કઈ રીતે?—ઉત્પત્તિ ૩:૧-૬; રૂમી ૫:૧૨; પ્રકટીકરણ ૧૨:૯.
૪. નુહના જમાનામાં જળપ્રલય આવ્યો એના પહેલાં, અમુક સ્વર્ગદૂતોએ શું કર્યું?
૪ બાઇબલ જણાવે છે કે નુહના જમાનામાં જળપ્રલય આવ્યો એના પહેલાં, અમુક સ્વર્ગદૂતો સ્ત્રીઓ પર બૂરી નજર રાખવા માંડ્યા. શેતાનની જેમ જ, આ સ્વર્ગદૂતો પણ યહોવાહની સામે થયા. બાઇબલ કહે છે કે “દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.” પછી તેઓને રાક્ષસી સંતાનો જન્મ્યા.—ઉત્પત્તિ ૬:૨-૪.
૫. યહોવાહ પાપી ઇન્સાન પર જળપ્રલય લાવ્યા ત્યારે ખરાબ સ્વર્ગદૂતોને શું થયું?
૫ યહોવાહ પાપી ઇન્સાન પર જળપ્રલય લાવ્યા ત્યારે, આ રાક્ષસ જેવા માણસો અને તેઓની માતાઓનું શું થયું? તેઓનો વિનાશ થયો. જ્યારે તેઓના પિતા, પોતાના શરીર છોડીને પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા. પણ ઈશ્વર સાથે તેઓનો નાતો કપાઈ ગયો હતો. તેઓ પાસે જે “પદવી” હતી, એ પાછી મળી નહિ. એટલે કે સ્વર્ગમાં અમર જીવન જીવવાનો આશીર્વાદ તેઓએ સદા માટે ગુમાવી દીધો. તેઓ જાણે હવે ‘અંધકારમાં’ હતા.—યહુદા ૬.
૬. આજે દુષ્ટ દૂતો કઈ રીતે ઇન્સાનને છેતરે છે?
૬ આ દુષ્ટ દૂતો પોતાની “પદવી” હલકી ગણીને શેતાનના ચેલા બન્યા. જળપ્રલય પછી તેઓમાંનું કોઈ માણસ તરીકે અવતાર લઈ શક્યું નથી. પણ તેઓ માણસોને હજી અસર કરી શકે છે. તેઓ સ્ત્રી અને પુરુષોને અનેક ગંદા જાતીય સંબંધ બાંધવા લલચાવી શકે છે, લંપટ બનાવે છે. તેઓ જંતરમંતર ને જાદુથી ઇન્સાનને છેતરે છે. (પુનર્નિયમ ૧૮:૧૦-૧૩; ૨ કાળવૃત્તાંત ૩૩:૬) આ દુષ્ટ સ્વર્ગદૂતોનું છેવટે શું થશે? શેતાન સાથે તેઓનો પણ સર્વનાશ થશે. (માત્થી ૨૫:૪૧; પ્રકટીકરણ ૨૦:૧૦) પણ હાલમાં આપણે તેઓની ખરાબ અસર સામે લડવું પડશે. તેથી આપણે જાણવું જોઈએ કે શેતાન અને તેના દૂતો કેટલા શક્તિશાળી છે. આપણે કઈ રીતે તેઓ સામે જીત મેળવી શકીએ.
શેતાન કેટલો શક્તિશાળી છે?
૭. શેતાન કેટલો શક્તિશાળી છે?
૭ માણસનું સર્જન થયું ત્યારથી શેતાન યહોવાહને બદનામ કરી રહ્યો છે. (નીતિવચનો ૨૭:૧૧) અફસોસ કે મોટા ભાગના માણસોએ શેતાનની વાત માની લીધી છે. ૧ યોહાન ૫:૧૯ કહે છે: ‘આખું જગત તે દુષ્ટની સત્તામાં છે.’ એટલે જ શેતાન ‘જગતનાં સઘળાં રાજ્ય’ ઈસુને આપવાની લાલચ આપી શક્યો. (લુક ૪:૫-૭) શેતાન વિષે પાઊલે કહ્યું: “જો અમારી સુવાર્તા ઢંકાએલી હોય, તો તે નાશ પામનારાઓને સારૂ ઢંકાએલી છે; તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ સારૂ કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે, તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય.” (૨ કોરીંથી ૪:૩, ૪) શેતાન “જૂઠો, અને જૂઠાનો બાપ છે.” પણ તે એક સારા દૂતનો, અરે, “પ્રકાશના દૂતનો વેશ લે છે.” (યોહાન ૮:૪૪; ૨ કોરીંથી ૧૧:૧૪) તેનામાં એટલી શક્તિ છે કે તે દુનિયાના નેતાઓને જ નહિ, પ્રજાઓને પણ અંધકારમાં રાખી શકે છે. તેણે ધર્મને લઈને અનેક વાર્તાઓ ઘડી નાખી છે. આમ જૂઠાણું ફેલાવીને તેણે દુનિયાના લોકોને છેતર્યા છે.
૮. શેતાનની શક્તિ વિષે બાઇબલ શું કહે છે?
૮ લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં પ્રબોધક દાનીયેલ થઈ ગયા. તેમને પણ શેતાનની શક્તિ અને અસર વિષે ખ્યાલ હતો. એક બનાવમાં યહોવાહે એક સ્વર્ગદૂતને દાનીયેલને ઉત્તેજન આપવા મોકલ્યા. પણ જતી વખતે “ઈરાનના રાજ્યના સરદારે [એટલે એક દુષ્ટ દૂતે]” તેમને ૨૧ દિવસ રોકી રાખ્યા. “મુખ્ય સરદારોમાંના એક, એટલે મીખાએલ” તેમને મદદ કરવા આવ્યા ત્યારે જ તે છટકી શક્યા. આ જ બનાવ “ગ્રીસનો સરદાર” એટલે કે દુષ્ટ દૂત વિષે પણ વાત કરે છે. (દાનીયેલ ૧૦:૧૨, ૧૩, ૨૦) પ્રકટીકરણ ૧૩:૧, ૨ એ પણ કહે છે કે શેતાન જાણે એક ‘અજગર’ છે. તેણે દુનિયાના રાજનેતાઓને, જેને બાઇબલ શ્વાપદ કહે છે, “પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર” આપ્યો છે.
૯. આપણી લડાઈ કોની સામે છે?
૯ પાઊલને આ ખરાબ દૂતો વિષે ખબર હતી, એટલે તેમણે લખ્યું: ‘આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.’ (એફેસી ૬:૧૨) આજે પણ દુનિયાની ઊથલપાથલ પાછળ શેતાન ને તેના દૂતો છે. ભલે આપણે તેઓને જોઈ શકતા નથી, પણ તેઓ રાજનેતાઓ અને લોકોને બેહદ કત્લેઆમ કરવા, આતંકવાદ ફેલાવવા ઉશ્કેરે છે. તો આપણે કઈ રીતે આ દુષ્ટ દૂતોની અસર સામે લડી શકીએ? ચાલો જોઈએ.
દુષ્ટ દૂતોની અસર સામે કોઈ રક્ષણ છે?
૧૦, ૧૧. આપણે કઈ રીતે શેતાન અને તેના દુષ્ટ દૂતોની અસરથી બચી શકીએ?
૧૦ આપણે પોતાના જ બળથી કે બુદ્ધિથી શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે લડી શકતા નથી. એટલે પાઊલે કહ્યું: “પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.” હા, આપણે ઈશ્વર તરફ ફરવું જોઈએ. તે આપણું રક્ષણ કરશે. પાઊલે એમ પણ કહ્યું કે “શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવનાં સર્વ હથિયારો સજો. એ માટે તમે દેવનાં સર્વ હથિયારો સજી લો, કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.”—એફેસી ૬:૧૦, ૧૧, ૧૩.
૧૧ પાઊલે બે વખત ખ્રિસ્તીઓને કહ્યું કે યહોવાહના “સર્વ હથિયારો સજી લો.” ‘સર્વનો’ અર્થ થાય કે શેતાન સામે લડવા તન-મનથી મહેનત કરવી પડશે. આપણે બેફિકર રહીને દુષ્ટ દૂતો સામે લડી શકતા નથી. તો આ હથિયારો શું છે? એ શાને બતાવે છે? એને સજી લેવાથી આપણે કઈ રીતે દુષ્ટ દૂતોની અસરથી બચી શકીએ?
કઈ રીતે દુશ્મનો સામે ‘ઊભા રહી’ શકીએ?
૧૨. આપણે કઈ રીતે સત્યથી કમર બાંધી શકીએ?
૧૨ પાઊલ કહે છે: “સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખ્તર પહેરીને” ઊભા રહો. (એફેસી ૬:૧૪) આ કલમ બે હથિયાર વિષે જણાવે છે. એક છે કમર પરનો પટ્ટો. બીજું છે છાતી માટે બખ્તર. જૂના જમાનામાં સૈનિકો કમર પર પટ્ટો બાંધતા. એમાં તલવાર પણ લટકાવતા, એટલે પટ્ટો ઢીલો પહેરી શકાય નહિ. એ પહોળો પટ્ટો તેઓની કેડ, ગુપ્ત અંગો અને પેટને રક્ષણ આપતો. એ મુજબ, બાઇબલનું સત્ય જાણે એ પટ્ટા જેવું છે. એ આપણી નજીક જ રહેવું જોઈએ. આપણે ઢીલા પડી જઈશું તો એનું માર્ગદર્શન પાળી નહિ શકીએ. એટલે શું તમે દરરોજ બાઇબલ વાંચો છો? આખા કુટુંબ સાથે એમ કરો છો? તેઓ સાથે રોજના વચનની ચર્ચા કરો છો? શું તમે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી બહાર પડતું નવું નવું સાહિત્ય વાંચો છો? (માત્થી ૨૪:૪૫) તેઓ આપણને વીડિયો અને ડીવીડી દ્વારા પણ ઘણું બાઇબલ શિક્ષણ આપે છે. જો આપણે આ બધું શિક્ષણ લેતા રહીએ, તો પાઊલની સલાહ ખરેખર પાળીએ છીએ. જો મક્કમતાથી સત્યને દિલમાં જાળવી રાખીશું તો શું પરિણામ આવશે? આપણે સારા ફેંસલા લઈ શકીશું અને ખોટા માર્ગે જવાથી બચી જઈશું.
૧૩. આપણે કઈ રીતે પોતાના હૃદયનું રક્ષણ કરી શકીએ?
૧૩ રૂમી સૈનિકો છાતી પર બખ્તર પહેરતાં. એ તેઓના હૃદય અને બીજા અંગોનું રક્ષણ કરતું. એ જ પ્રમાણે, ઈશ્વરનું ન્યાયીપણું કે ઊંચા ધોરણો એ બખ્તર જેવાં છે. જો એને ચાહીએ ને પાળીએ તો આપણા હૃદયને રક્ષણ મળશે. આપણે કદીયે ઈશ્વરનાં વચનોને હલકા નહિ ગણીએ. જો તમે “ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો” તો તમે તમારા ‘પગને સર્વ ભૂંડા માર્ગથી’ દૂર રાખશો.—આમોસ ૫:૧૫; ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૧.
૧૪. ‘શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરવાનો’ અર્થ શું થાય?
૧૪ હવે પાઊલે ‘શાંતિની સુવાર્તાની તૈયારીરૂપે જોડાં પહેરવાનું’ કહ્યું. એનો અર્થ શું થાય? (એફેસી ૬:૧૫) જૂના જમાનામાં રૂમી સૈનિકો સારા અને ટકાઉ જોડાં કે સૅન્ડલ પહેરતા. એટલે જ તેઓ રોમન સામ્રાજ્યની એક બાજુથી બીજી બાજુ અનેક કિલોમીટર સુધી કૂચ કરી શકતા. આજે એ કલમનો અર્થ થાય કે આપણે યહોવાહના કોઈ પણ કામ માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ તકે ઈશ્વરની સરકાર વિષે ખુશખબરી ફેલાવવી જોઈએ. (રૂમી ૧૦:૧૩-૧૫) જો આપણે આ કામમાં ડૂબેલા રહીશું તો શેતાનની “કુયુક્તિઓથી” એટલે તેની ચાલબાજીથી બચીશું.—એફેસી ૬:૧૧.
૧૫. (ક) વિશ્વાસની ઢાલ રાખવી કેમ ખૂબ જરૂરી છે? (ખ) આપણી શ્રદ્ધાને તોડી નાખતા ‘બળતા ભાલાઓમાં’ શું આવી જાય છે?
૧૫ પાઊલ પછી કહે છે: “સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો.” (એફેસી ૬:૧૬) પાઊલે કહ્યું કે ‘સર્વ ઉપરાંત’ વિશ્વાસને ઢાલ તરીકે સાથે રાખો. આ બતાવે છે કે વિશ્વાસની ઢાલ ખૂબ જરૂરી છે. એટલે આપણા વિશ્વાસ કે શ્રદ્ધામાં કોઈ ખોટ ન હોવી જોઈએ. એક મોટી ઢાલની જેમ, આપણી શ્રદ્ધા શેતાનના ‘બળતા ભાલાઓ’ એટલે કે એની ચાલબાજીને રોકે છે. પણ કેવી ચાલબાજી? એ દુશ્મનો અને યહોવાહના વિરોધકો તરફથી નિંદા, જૂઠાણું ને શંકાઓ હોઈ શકે, જે આપણી શ્રદ્ધાને કમજોર કરી નાખે છે. એ ‘ભાલાઓમાં’ બીજું શું આવી જાય છે? નવી નવી ચીજ-વસ્તુ મેળવવાની દોડ, પૈસાદાર બનવાની દોડ. ભપકો મારતા લોકો જેવા બનવાનાં સપનાં. તેઓ બંગલો, લેટેસ્ટ કાર વગેરે પાછળ પાણીની જેમ પૈસા ખર્ચે છે. મોંઘાં મોંઘાં ઘરેણાં અને લેટેસ્ટ ડિઝાઇનવાળાં કપડાંનો દેખાડો કરે છે. ભલે લોકો ગમે તેમ જીવે, આપણી શ્રદ્ધાને મજબૂત રાખવી જોઈએ. જો આપણી શ્રદ્ધા મજબૂત હશે તો એવા ‘બળતા ભાલાઓને’ રોકીશું. પણ એવી શ્રદ્ધા કઈ રીતે બાંધી શકાય? કઈ રીતે જાળવી રાખી શકાય?—૧ પીતર ૩:૩-૫; ૧ યોહાન ૨:૧૫-૧૭.
૧૬. આપણી શ્રદ્ધા કઈ રીતે મજબૂત કરી શકીએ?
૧૬ જો આપણે દરરોજ બાઇબલ તપાસીએ, દિલથી પ્રાર્થના કરીએ, તો ઈશ્વર સાથે પાક્કો નાતો બાંધી શકીશું. પ્રાર્થના કર્યા પછી, આપણે કંઈક કરવાની પણ જરૂર છે. દાખલા તરીકે, શું તમે દર અઠવાડિયે ચોકીબુરજ સારી રીતે તૈયાર કરો છો? મિટિંગમાં જવાબ આપવા માટે તૈયારી કરો છો? જો બાઇબલ અને એને સમજાવતું સાહિત્ય તપાસીશું, તો આપણી શ્રદ્ધા મજબૂત થશે.—હેબ્રી ૧૦:૩૮, ૩૯; ૧૧:૬.
૧૭. આપણે કઈ રીતે ‘તારણનો ટોપ પહેરી’ શકીએ?
૧૭ સર્વ હથિયારો વિષે પાઊલ છેવટે કહે છે: “તારણનો ટોપ પહેરો, તથા આત્માની તરવાર, જે દેવનું વચન છે, તે લો.” (એફેસી ૬:૧૭) સૈનિકોનો ટોપ કે હેલ્મેટ તેમનું માથું, તેમના મગજનું રક્ષણ કરતો. ભાવિ માટેની આપણી સુંદર આશા પણ એ હેલ્મેટ જેવી છે. એ આપણા વિચારોની સંભાળ રાખે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૮) તેથી, આપણે દુન્યવી અરમાનો ને અમીર બનવાના સપનાં જોવા ન જોઈએ. એના બદલે, ઈસુની જેમ આપણે ઈશ્વરે આપેલી આશાને નજર સામે રાખવી જોઈએ.—હેબ્રી ૧૨:૨.
૧૮. શા માટે આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ?
૧૮ શેતાન અને તેના ચેલાઓની અસરથી રક્ષણ મેળવવાનું છેલ્લું હથિયાર કયું છે? યહોવાહની વાણી, બાઇબલ. જો એ દિલમાં ઉતારીશું તો આપણે શેતાનના જૂઠાણાંને હકીકત માની લઈશું નહિ. દુનિયામાં ફેલાતા દુષ્ટ વિચારો સાંભળીશું નહિ. યહોવાહના વિરોધકો તરફથી નિંદા સાંભળીશું નહિ. પણ એ માટે આપણે દરરોજ, હા દરરોજ બાઇબલ વાંચીએ ને એનો વિચાર કરીએ એ ખૂબ મહત્ત્વનું છે.
“હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો”
૧૯, ૨૦. (ક) નજીકમાં શેતાન ને તેના દુષ્ટ સાથીઓનું શું થશે? (ખ) આપણી શ્રદ્ધાને મજબૂત રાખવા શું મદદ કરી શકે?
૧૯ હવે નજીકમાં જ શેતાન ને તેના સર્વ સાથીઓનો સર્વનાશ થશે. આ દુષ્ટ દુનિયાનો પણ નાશ થશે. શેતાન પોતે “જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” “એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો” છે. (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) તેથી એ કેટલું જરૂરી છે કે આપણે શેતાન ને તેના દુષ્ટ સાથીઓ સામે લડતા જ રહીએ!
૨૦ કેટલું સારું કે એમ કરવા માટે ઈશ્વરે આપણને સર્વ હથિયારો આપ્યાં છે! એ આપણને એનાથી સજ્જ થવાનું પણ યાદ અપાવે છે. આ હથિયારોની ચર્ચા પૂરી કરતા પાઊલે કહ્યું: “આત્મામાં સર્વ પ્રકારે તથા હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સઘળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.” (એફેસી ૬:૧૮) પ્રાર્થના આપણને સાવધ રહેવા મદદ કરે છે. એ શ્રદ્ધાને મજબૂત રાખવા પણ મદદ કરે છે. તો ચાલો આપણે પાઊલની સલાહ દિલમાં ઉતારીએ. પ્રાર્થના કરતા રહીએ અને શેતાન તથા તેના દુષ્ટ ચેલાઓની અસરથી બચીએ. (w 07 3/15)
તમે શું શીખ્યા?
• શેતાન અને દુષ્ટ દૂતો ક્યાંથી આવ્યા?
• શેતાન કેટલો શક્તિશાળી છે?
• શેતાન અને દુષ્ટ દૂતોની અસરથી આપણે કઈ રીતે બચી શકીએ?
• ઈશ્વરે આપેલાં હથિયારોથી આપણે કઈ રીતે સજ્જ થઈ શકીએ?
[Study Questions]
[Pictures on page 17]
“દેવના દીકરાઓ માણસોની દીકરીઓને” બૂરી નજરે જોવા લાગ્યા
[Picture on page 19]
ઈશ્વરે આપણને શેતાન સામે લડવા કયાં છ હથિયારો આપ્યાં છે?
[Pictures on page 20]
આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી આપણે કઈ રીતે શેતાન ને તેના દુષ્ટ દૂતોની અસરથી બચી શકીએ?