સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલની સલાહ આજેય ઉપયોગી!

બાઇબલની સલાહ આજેય ઉપયોગી!

બાઇબલની સલાહ આજેય ઉપયોગી!

આજે બજારમાં મળી આવતા ઘણાં પુસ્તકો દાવો કરે છે કે તમે એને વાંચીને સમસ્યા જાતે હલ કરી શકશો. આવાં પુસ્તકો મોટે ભાગે એવા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે જેઓના જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. પરંતુ બાઇબલ એવાં પુસ્તકોથી અલગ છે. બાઇબલ દુઃખી લોકોને તો મદદ કરે જ છે. પણ એની સલાહ વ્યક્તિને એવું કોઈ પણ ખોટું પગલું કે કામથી દૂર રહેવા મદદ કરે છે જેનાથી તેનું જીવન અકારણ દુઃખી દુઃખી થઈ શકે.

બાઇબલ ‘ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ’ આપે છે. (નીતિવચનો ૧:૪) જો તમે બાઇબલની સલાહ જીવનમાં પાળશો તો, ‘વિવેકબુદ્ધિ તમારા પર ચોકી કરશે. બુદ્ધિ તમારું રક્ષણ કરશે; તેઓ તમને દુષ્ટ માણસોના માર્ગમાંથી ઉગારશે.’ (નીતિવચનો ૨:૧૧-૧૫) ચાલો આપણે અમુક દાખલાઓ પર વિચાર કરીએ. એનાથી જોવા મળશે કે બાઇબલની સલાહ મુજબ ચાલવાથી કઈ રીતે તમે તંદુરસ્ત રહી શકો, તમારું કુટુંબ સુખી બની શકે અને નોકરી પર તમે કઈ રીતે સારા કર્મચારી કે માલિક બની શકો.

દારૂના ગુલામ ન બનો

બાઇબલ કંઈ દારૂ પીવાની મનાઈ કરતું નથી. પણ એ લિમિટમાં લેવા ભલામણ કરે છે. બાઇબલના એક અહેવાલ મુજબ, યુવાન તિમોથીની તબિયત સારી રહેતી ન હતી. તેની તબિયત સારી થાય એ માટે ઈશ્વરભક્ત પાઊલે તેને કહ્યું: “હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા કોઠાને લીધે તથા તારા વારંવારના મંદવાડને લીધે થોડો દ્રાક્ષારસ [વાઇન] પણ પીજે.” (૧ તીમોથી ૫:૨૩) બાઇબલમાં ઈશ્વર કહેતા નથી કે ફક્ત દવા તરીકે જ દારૂ લઈ શકાય. બાઇબલ વાઇન વિષે કહે છે કે એ તો “માણસના હૃદયને આનંદ આપનાર” છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫) પરંતુ બાઇબલ “દારૂના ગુલામ” બનવા સામે ચેતવણી આપે છે. (તીતસ ૨:૩, પ્રેમસંદેશ) બાઇબલ જણાવે છે: “દારૂડિયા અને ખાઉધરા લોકો સાથે મિજબાનીમાં જોડાઈશ નહિ, કારણ કે છેવટે તો તેઓ કંગાલ થઈ જવાના છે.” (નીતિવચનો ૨૩:૨૦, ૨૧, IBSI) વ્યક્તિ આવી સરસ સલાહ માનતી નથી ત્યારે શું થાય છે? અમુક દેશોમાં એનું શું પરિણામ આવ્યું છે એનો વિચાર કરો.

વિશ્વ આરોગ્ય સંસ્થાનો ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન આલ્કોહૉલ ૨૦૦૪ જણાવે છે: ‘આલ્કોહૉલથી ઊભી થતી તકલીફો પાછળ આયર્લૅન્ડના લોકો ખૂબ ખર્ચ કરે છે. દર વર્ષે સારવાર પાછળ ૩૫ કરોડ યુએસ ડૉલર ખર્ચે છે. દારૂ પીને વાહન ચલાવવાથી થતા ઍક્સિડન્ટ પાછળ ૩૮ કરોડ ડૉલર વેડફે છે. શરાબીપણાથી થતાં ગુનાઓ પાછળ ૧૨.૬ કરોડ ડૉલર આમ જ ઊડી જાય છે. દારૂના વ્યસનને લીધે કામ પર ગેરહાજર રહેવાથી ૧૩૦ કરોડ ડોલરનું નુકસાન પણ થાય છે. આમ આયર્લૅન્ડના લોકો દર વર્ષે આશરે ત્રણ અબજ અમેરિકન ડૉલર ખર્ચે છે!’

અતિશય દારૂ પીતા લોકોને લીધે કેવી મોટી કિંમત ચૂકવવી પડે છે! એ તો સમજ્યા, પણ એનાથી દુઃખદ વાત એ છે કે એના લીધે બીજાઓએ ઘણું સહેવું પડે છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયામાં ફક્ત એક વર્ષમાં પાંચ લાખથી વધારે લોકો દારૂડિયાના હાથની મારપીટનો ભોગ બન્યા હતા. ફ્રાન્સમાં ઘરમાં થતી હિંસામાં આશરે ત્રીસેક ટકા કિસ્સામાં અતિશય દારૂ પીવાને લીધી મારપીટ થતી હોય છે. આ આંકડાઓ પર નજર કરતા, દારૂ વિષેની બાઇબલની સલાહ કેટલી યોગ્ય છે!

શરીરને બગાડતી આદતોથી દૂર રહો

વર્ષ ૧૯૪૨થી જ ચોકીબુરજ મૅગેઝિને વાચકોને એ સ્પષ્ટ કરી દીધું હતું કે તમાકુ ખાવાથી બાઇબલના સિદ્ધાંતો તૂટે છે. એટલે એનાથી દૂર જ રહેવું જોઈએ. ત્યારે તો તમાકુ ખાવી એક ફૅશન હતી. તોપણ એ વર્ષે આ મૅગેઝિનમાં બહાર પડેલા લેખે જણાવ્યું હતું કે જે કોઈ ઈશ્વરને ખુશ કરવા માંગે છે તેમણે બાઇબલની આ આજ્ઞા પાળવી જ જોઈએ: “આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ.” (૨ કોરીંથી ૭:૧) આજે આશરે ૬૫ વર્ષ પછી એનો વિચાર કરીએ તો, એ સમયે બાઇબલને આધારે આપેલી તમાકુથી દૂર રહેવાની સલાહ કેવી સાચી ને સમયસરની પુરવાર થઈ છે!

૨૦૦૬માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે ‘મોત લાવતા બીજા નંબરનો સૌથી ખતરનાક દુશ્મન’ તમાકુ છે. દર વર્ષે આશરે પચાસ લાખ લોકો તમાકુને કારણે મોતને ભેટે છે. એની સરખામણીમાં આશરે ત્રીસેક લાખ લોકો દર વર્ષે એઇડ્‌સને લીધે મરે છે. વીસમી સદીમાં થયેલા સર્વ યુદ્ધોએ આશરે દસ કરોડ લોકોનો જીવ ભરખી લીધો હતો. લગભગ એટલી જ સંખ્યામાં લોકો ધુમ્રપાનથી એ સદીમાં મોતને ભેટ્યા હતા! ખરેખર, તમાકુથી દૂર રહેવાની સલાહ આજે ધીમે ધીમે બધા લોકો સ્વીકારી રહ્યા છે.

“વ્યભિચારથી નાસો”

સેક્સ કે જાતીયતાને લગતા વિષયમાં બાઇબલ જે કહે છે એને બહુ ઓછા લોકો સ્વીકારે છે. આજે ઘણા લોકો માને છે કે બાઇબલ બધી જ જાતીય ઇચ્છાને ખોટી ઠરાવે છે. પણ એ સાચું નથી. બાઇબલ તો શીખવે છે કે સેક્સ સંબંધ ફક્ત લગ્‍ન કરેલા પતિ-પત્ની વચ્ચે જ હોવો જોઈએ. એ સિવાય નહિ. (ઉત્પત્તિ ૨:૨૪; માત્થી ૧૯:૪-૬; હેબ્રી ૧૩:૪) સેક્સ સંબંધ બાંધીને પતિ-પત્ની એકબીજાને પ્રેમ બતાવે છે. એકબીજાની જરૂરિયાત પૂરી કરે છે. (૧ કોરીંથી ૭:૧-૫) આવા પતિ-પત્નીને કોઈ બાળક જન્મે છે ત્યારે તેને ખૂબ હૂંફ ને પ્રેમ મળે છે. તેને એકબીજાની ખૂબ સંભાળ રાખતા પ્રેમાળ માબાપ મળે છે.—કોલોસી ૩:૧૮-૨૧.

જાતીય લંપટતા વિષે બાઇબલ આજ્ઞા કરે છે: “વ્યભિચારથી નાસો.” (૧ કોરીંથી ૬:૧૮) એનું એક કારણ શું છે? એ જ કલમ આગળ કહે છે: “માણસ જે કંઈ બીજાં પાપ કરે તે તેના શરીરની બહાર છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે.” સેક્સને લઈને બાઇબલ જે સલાહ આપે છે એ ન પાળવાથી કેવું પરિણામ આવે છે?

જરા વિચાર કરો કે અમેરિકામાં શું થઈ રહ્યું છે. એ દેશમાં તેરથી ઓગણીસ વર્ષની છોકરીઓ ગર્ભવતી બની રહી છે. એ આંકડો બીજા કોઈ પણ દેશથી વધારે છે. દર વર્ષે આશરે ૮,૫૦,૦૦૦ તરુણ વયની છોકરીઓ પ્રેગનન્ટ બને છે! એમાંય ઘણા ગર્ભપાત કરી લે છે. બાકીના બાળકો કુંવારી માને કૂખે જન્મ લે છે. ખરું કે એમાંની ઘણી યુવાન માતાઓ પોતાનાં બાળકોને પ્રેમ અને શિસ્તમાં ઉછેરવા બનતું બધું જ કરી રહી છે. અને એમાંથી અમુક સફળ પણ થઈ છે. પરંતુ કઠોર હકીકત તો એ છે કે આ તરુણ વયની માતાઓને પેટે જન્મ લેતાં છોકરાંઓ ગુના આચરીને છેવટે જેલ ભેગા થઈ જાય છે. આ માતાઓની દીકરીઓ વિષે શું? તેઓ પણ મોટે ભાગે માતાને પગલે ચાલીને તરુણ વયે જ કુંવારી મા બની જાય છે. એક સંશોધક, રોબર્ટ લેરમેન છેલ્લા અમુક દાયકાથી આ વિષે હકીકતની તપાસ કરી રહ્યા હતા. તેમણે લખ્યું: “લગ્‍ન કર્યા વિના, નાની ઉંમરે જ મા કે બાપ બની જતા લોકોની સંખ્યા વધી રહી છે. ઘણાને એકલા હાથે કુટુંબ ઉછેરવું પડે છે. આનાથી સમાજમાં બીજી ઘણી મુશ્કેલીઓ વધી રહી છે. જેમ કે, જે બાળકો ભણવાનું છોડી દે છે એની સંખ્યા વધતી જાય છે. શરાબ અને ડ્રગ્સના બંધાણીઓ વધતા જાય છે. નાની ઉંમરે જ છોકરીઓ ગર્ભવતી બની જાય છે. ઘણી તો નાની ઉંમરે જ મા બની જાય છે. તરુણ વયે જ છોકરા-છોકરીઓ ગુનાખોરીની દુનિયામાં પગ મૂકી દે છે.”

એક કરતાં વધારે લોકો સાથે સેક્સ સંબંધ બાંધનારા પોતાના શરીરને જ મોટું નુકસાન પહોંચાડે છે. તેઓએ તન-મનથી ઘણું સહેવું પડે છે. દાખલા તરીકે, પીડીઆટ્રીક્સ નામનું મૅગેઝિનનો રિપોર્ટ કહે છે: “આંકડા બતાવે છે કે તરુણ વયથી જ સેક્સ સંબંધ બાંધનારા છોકરા-છોકરીઓમાં ડિપ્રેસન અને આત્મહત્યાનું જોખમ વધારે હોય છે.” આરોગ્યના બીજાં જોખમો વિષે, અમેરિકન સોશિયલ હેલ્થ એસોસિયેશન જણાવે છે: “અમેરિકાના કુલ લોકોમાંથી અડધાથી વધારે જીવનમાં કોઈ ને કોઈ સમયે જાતીયતાની લગતી કોઈ બીમારીથી પીડાશે.” એનાથી થતા દુઃખ દર્દનો જરા વિચાર કરો! જો સેક્સને લગતી બાઇબલની સલાહ લોકોએ પાળી હોત તો, આવી નોબત કદી ન આવત!

પારિવારિક બંધનને મજબૂત કરો

બાઇબલ ફક્ત શરીરને બગાડતી આદતોથી દૂર રહેવાની જ ચેતવણી આપતું નથી. એ બીજા ઘણા વિષયમાં સારી અને ઉપયોગી સલાહ આપે છે. જેમ કે, કુટુંબ તરીકે હળીમળીને રહેવા અને સુખ-શાંતિ જાળવી રાખવાની સલાહ.

બાઇબલ કહે છે: “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.” (એફેસી ૫:૨૮) પતિઓને બાઇબલ અરજ કરે છે કે પોતાની પત્ની પ્રત્યે બેદરકાર ન બને. તેની ઉપેક્ષા ન કરે. પણ તેની કદર કરે. બાઇબલ પતિઓને કહે છે: “સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો.” (૧ પીતર ૩:૭) પતિ-પત્ની વચ્ચે કોઈ વાતે બોલાચાલી થાય તો? એ વિષે બાઇબલ પતિઓને સલાહ આપે છે: “તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.” (કોલોસી ૩:૧૯) જો પતિ આ સલાહ પાળે તો, પત્ની પણ તેને ખૂબ ચાહશે, તેનો આદર કરશે, ખરું ને?

પત્નીઓને પણ બાઇબલ આ માર્ગદર્શન આપે છે: “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે; . . . અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.” (એફેસી ૫:૨૨, ૨૩, ૩૩) ભલે પત્ની પતિ સાથે કે પતિ વિષે બીજાઓ સાથે વાત કરતી હોય, જો તે આ સલાહ દિલથી પાળે, તો કેવું સારું! એનાથી પતિ પણ તેને ખૂબ પ્રેમ કરશે, તેનો આદર કરશે.

બાળકોના ઉછેર વિષે પણ બાઇબલ સરસ સલાહ આપે છે. બાઇબલ માતા-પિતાને સલાહ આપે છે કે તેઓ ‘જ્યારે ઘરમાં બેઠા હોય, ને જ્યારે રસ્તે ચાલતા હોય, ને જ્યારે સૂઈ જાય ને જ્યારે ઊઠે’ ત્યારે બાળકો સાથે વાત કરે. તેઓ માટે સમય કાઢે. (પુનર્નિયમ ૬:૭) ખાસ કરીને પિતાઓને બાઇબલ જણાવે છે કે તેઓ પોતાના બાળકોમાં સારા સંસ્કાર સિંચે. તેઓને જરૂરી શિસ્ત આપે. “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) બાળકોને પણ આ સલાહ આપવામાં આવી છે: “તમારાં માબાપની આજ્ઞાઓ માનો” અને ‘તમારા પિતાનું તથા તમારી માતાનું સન્માન કરો.’ *એફેસી ૬:૧, ૨.

શું તમને લાગે છે કે બાઇબલની આ સલાહ પાળવાથી કુટુંબોને લાભ થશે? તમે કદાચ કહેશો, ‘હા, સલાહ તો સારી લાગે છે, પણ શું એ ખરેખર કામ કરશે?’ અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે તમારી નજીકના યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં જાઓ. ત્યાં તમે એવા કુટુંબોને મળશો જેઓ બાઇબલની આ બધી સલાહને પાળવા ખૂબ મહેનત કરે છે. તેઓ સાથે વાત કરો. તેઓ એકબીજા સાથે કઈ રીતે વર્તે છે, વાત કરે છે એ જુઓ. તમે પોતાની આંખોથી જોઈ શકશો કે બાઇબલના સિદ્ધાંતો જીવનમાં લાગુ પાળવાથી આ કુટુંબોને કેવા આશીર્વાદો મળ્યા છે, તેઓનું કુટુંબ કેટલું સુખી છે!

નોકરી પર મહેનતુ બનીએ અને ઇમાનદાર રહીએ

આજે નોકરી મેળવવી, અને એમાંય એ ટકાવી રાખવી સહેલું નથી. એ વિષે બાઇબલ કેવી સલાહ આપે છે? બાઇબલ સાફ જણાવે છે કે નોકરી કરનાર તેના કામમાં મહેનતુ હશે, સારું કામ શીખ્યો હશે તો મોટે ભાગે માલિક તેની જરૂર કદર કરશે. તેને સારો બદલો પણ આપશે. બુદ્ધિમાન રાજા સુલેમાન કહે છે: “પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો તારે જાણવું કે તે તો રાજાઓની હજુરમાં ઊભો રહેશે.” (નીતિવચનો ૨૨:૨૯) જ્યારે બીજી બાજુ, “આંખોને ધુમાડો હેરાન કરે છે” તેમ “આળસુ” માણસ પોતાના માલિકને કંટાળો આપે છે. (નીતિવચનો ૧૦:૨૬) બાઇબલ આપણને બધાને ઉત્તેજન આપે છે કે આપણે નોકરી પર પ્રમાણિક અને મહેનતુ બનીએ. “જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ જેથી પોતાના માટે પ્રમાણિક રીતે કમાય.” (એફેસી ૪:૨૮) આપણા માલિક કે મૅનેજર જોતા ન હોય ત્યારે પણ આ સલાહ એટલી જ લાગુ પડે છે. “તમે માણસોને ખુશ કરનારાઓની પેઠે નહિ, અને દેખરેખ હોય ત્યાં સુધી નહિ, પણ ખરા ભાવથી, અને પ્રભુથી ડરીને, પૃથ્વી પરના તમારા ધણીઓની સર્વ વાતે આજ્ઞાઓ પાળો.” (કોલોસી ૩:૨૨) જો તમે માલિક હોવ તો, નોકરીએ બાઇબલની આ સલાહ પાળનારાની તમે કદર નહિ કરો?

માલિકોને પણ બાઇબલ આ સરસ સલાહ આપે છે: “મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ.” (૧ તીમોથી ૫:૧૮) ઈસ્રાએલીઓને ઈશ્વરે આપેલા નિયમોમાં માલિકોને સ્પષ્ટ આજ્ઞા હતી કે તેઓ પોતાને ત્યાં કામ કરનારને વાજબી પગાર આપે. અને પગાર આપવામાં મોડું પણ ન કરે. મુસાએ લખ્યું: “તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂટ; મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા ન દે.” (લેવીય ૧૯:૧૩) જો માલિક બાઇબલની આ સલાહ માનીને પોતાને ત્યાં કામ કરનારને યોગ્ય અને સમયસર પગાર આપે તો, તેઓને ત્યાં કામ કરવાનું કોને ન ગમે? બધાને ગમશે, ખરું ને?

સૌથી સારી સલાહ ક્યાંથી આવે છે?

દુનિયાના સૌથી જૂના ગ્રંથોમાંનું એક બાઇબલ કેવી સુંદર સલાહ આપે છે! એની સલાહ આજે પણ એટલી જ ઉપયોગી છે. હજારો વર્ષોથી બાઇબલની સલાહ જરાય બદલાઈ નથી. જ્યારે કે આજકાલના પુસ્તકોમાં આપસમાં કોઈ મેળ નથી, બધા જુદી જુદી સલાહ આપે છે. બાઇબલ કેમ એ બધાથી અલગ છે? કેમ કે એમાં માણસોના વિચારો નથી. પણ એ તો ‘ઈશ્વરનું વચન’ છે.—૧ થેસ્સાલોનીકી ૨:૧૩.

અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે તમે સમય કાઢીને બાઇબલ વાંચો, એની સલાહનો લાભ લો. જો તમે એમ કરશો તો, બાઇબલ આપનાર ઈશ્વર યહોવાહને પણ સારી રીતે ઓળખી શકશો. તેમની સાથે સારો નાતો બાંધી શકશો. યહોવાહ જે સલાહ ને માર્ગદર્શન આપે છે એને જીવનમાં લાગુ પાડો. પછી તમે પોતે અનુભવશો કે એ સલાહ કઈ રીતે તમને ખોટાં કામોથી અને હાનિથી બચાવે છે અને તમારું જીવન સુધારે છે. એમ કરીને ‘તમે ઈશ્વરની પાસે જશો, અને તે પણ તમારી પાસે આવશે.’ (યાકૂબ ૪:૮) આ રીતે બીજું કોઈ પુસ્તક તમને મદદ નહિ કરી શકે. (w 07 4/1)

[Footnote]

^ તમારા કુટુંબને મદદ કરતા બાઇબલ સિદ્ધાંતો વિષે વિગતવાર જોવા માટે કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક જરૂર વાંચજો. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[Picture on page 4]

શરાબ વિષે બાઇબલની સલાહ આજેય બહુ ઉપયોગી છે

[Picture on page 5]

તમાકુથી દૂર રહેવાની બાઇબલ સલાહ સાથે શું તમે સહમત થાવ છો?

[Picture on page 7]

બાઇબલની સલાહ પાળવાથી કુટુંબ સુખી થાય છે

[Picture Credit Line on page 5]

પૃથ્વીનો ગોળો: Based on NASA photo