સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યિર્મેયાહના મુખ્ય વિચારો

યિર્મેયાહના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

યિર્મેયાહના મુખ્ય વિચારો

યિર્મેયાહે પોતાના યહુદી લોકોને અફસોસનો સંદેશો જણાવ્યો હતો. તેમણે શું કહ્યું? એ જ કે તેઓનું ભવ્ય મંદિર બાળી નાખવામાં આવશે. એ મંદિર કે જેમાં છેલ્લાં ૩૦૦ વર્ષોથી યહોવાહની ભક્તિ થતી હતી. દુશ્મનો યરૂશાલેમ શહેર અને યહુદાહ દેશને ઉજ્જડ કરી નાખશે ને લોકોને કેદ કરીને લઈ જશે. આ સંદેશો સાંભળીને ઈસ્રાએલીઓને જરૂર આંચકો લાગ્યો હશે! યિર્મેયાહના પુસ્તકમાં આના જેવા બીજા અનેક ન્યાયચુકાદા જોવા મળશે. બાઇબલમાં આ બીજા નંબરનું સૌથી મોટું પુસ્તક છે. આ પુસ્તક એ પણ જણાવે છે કે યહોવાહની ૬૭ વર્ષની સેવામાં યિર્મેયાહે શું કર્યું હતું. આ પુસ્તકની માહિતી તારીખ કે ક્રમ પ્રમાણે નહિ, પણ વિષય મુજબ લખાઈ છે.

આપણે કેમ યિર્મેયાહના પુસ્તકમાં રસ બતાવવો જોઈએ? કેમ કે એમાંની બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. એનો વિચાર કરવાથી આપણી શ્રદ્ધા વધશે. આપણને પૂરી ખાતરી થશે કે યહોવાહ જે કહે, એ સાચું પડે છે. (યશાયાહ ૫૫:૧૦, ૧૧) યિર્મેયાહે પ્રબોધક તરીકે સેવા આપી હતી. તેમનું કામ અને અનુભવ આપણા દિવસો સાથે લાગે-વળગે છે. કઈ રીતે? આજે લોકોનું વલણ એ જમાના જેવું જ છે. (૧ કોરીંથી ૧૦:૧૧) આ પુસ્તક એ પણ બતાવે છે કે યહોવાહે લોકો સાથે કેવો વહેવાર રાખ્યો હતો. એમાં યહોવાહના જે સદ્‍ગુણો જોવા મળે છે એની આપણા દિલ પર ઊંડી છાપ પડવી જોઈએ.—હેબ્રી ૪:૧૨.

“મારા લોકે બે ભૂંડાં કામ કર્યાં છે”

(યિર્મેયાહ ૧:૧–૨૦:૧૮)

યરૂશાલેમનો વિનાશ ઈ.સ. પૂર્વે ૬૦૭માં થવાનો હતો. એના ૪૦ વર્ષ પહેલાં યિર્મેયાહને પ્રબોધકનું કામ મળ્યું. એ વખતે યોશીયાહના રાજનું તેરમું વર્ષ ચાલતું હતું. તે યહુદાહ દેશનો રાજા હતો. (યિર્મેયાહ ૧:૧, ૨) મોટા ભાગના ન્યાયચુકાદા યોશીયાહના છેલ્લાં ૧૮ વર્ષના રાજ દરમિયાન આવ્યા હતા. એ સંદેશાઓએ યહુદાના લોકની બૂરાઈને ખુલ્લી પાડી અને યહોવાહ તેઓ સામે કેવા પગલાં લેશે એ પણ જણાવ્યું. યહોવાહે કહ્યું: “હું યરૂશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ; અને હું યહુદાહનાં નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસ્તીહીન થશે.” (યિર્મેયાહ ૯:૧૧) શા માટે? યહોવાહે કહ્યું: “કેમ કે મારા લોકે બે ભૂંડાં કામ કર્યાં છે.”—યિર્મેયાહ ૨:૧૩.

યિર્મેયાહના સંદેશામાં દિલાસો પણ છે, કેમ કે અમુક યહુદીઓએ પછી પસ્તાવો કર્યો હોવાથી યહોવાહ તેઓને પાછા વતનમાં વસાવવાના હતા. (યિર્મેયાહ ૩:૧૪-૧૮; ૧૨:૧૪, ૧૫; ૧૬:૧૪-૨૧) તોપણ લોકોએ યિર્મેયાહનો સંદેશો સ્વીકાર્યો નહિ. ‘યહોવાહના મંદિરમાં મુખ્ય અધિકારીઓએ’ યિર્મેયાહને માર માર્યા અને તેમને આખી રાત ગુનેગાર તરીકે બંધનમાં રાખ્યા.—યિર્મેયાહ ૨૦:૧-૩.

સવાલ-જવાબ:

૧:૧૧, ૧૨—“બદામડીનો ફણગો” અને યહોવાહ પોતાના વચન વિષે જાગૃત રહે છે, એ બે વચ્ચે શું સંબંધ છે? વસંતઋતુમાં બધાં ઝાડમાંથી બદામનું ઝાડ પહેલું ખીલી જતું. એ જ રીતે યહોવાહ જાણે લોકોને ચેતવવા નિત્ય વહેલી સવારે ‘ઊઠીને તેમના પ્રબોધકોને’ મોકલતા. તેમનું વચન પૂરું થયું ત્યાં સુધી તે “જાગૃત” રહ્યા.—યિર્મેયાહ ૭:૨૫.

૨:૧૦, ૧૧—ઈસ્રાએલીઓ શા માટે મૂર્તિપૂજકો કરતાં પણ વધારે પાપી હતા? ઈસ્રાએલની પશ્ચિમ બાજુ કિત્તીમ ને પૂર્વમાં કેદાર આવ્યું હતું. આ મૂર્તિપૂજક દેશોમાં લોકો બીજી જગ્યાએથી મૂર્તિઓ લાવીને પોતાના ધર્મમાં ભેળસેળ કરતા. પણ તેઓએ કદી એવું ન વિચાર્યું કે ચાલો અમારી મૂર્તિઓ કાઢી નાખીએ ને સાવ નવા દેવ-દેવીઓને ભજીએ. પણ ઈસ્રાએલીઓએ તો એમ જ કર્યું. સર્વશક્તિમાન યહોવાહને ભજવાને બદલે તેઓએ તેમને સાવ છોડી દીધા. તેઓ મૂર્તિઓને ભજવા લાગ્યા.

૩:૧૧-૨૨; ૧૧:૧૦-૧૨, ૧૭—સમરૂનનું શહેર ઈ.સ. પૂર્વે ૭૪૦માં ઉજ્જડ થઈ ગયું હતું. યિર્મેયાહે યહોવાહનો ન્યાયચુકાદો આપ્યો ત્યારે તેમણે કેમ આ ૧૦ કુળના રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો? કેમ કે ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ ફક્ત યહુદાહ પર જ નહિ, પણ આખી ઈસ્રાએલી પ્રજા પર હતો. (હઝકીએલ ૯:૯, ૧૦) એટલું જ નહિ, ૧૦ કુળનું રાજ્ય પડ્યું ત્યારે પણ એની ફરી સ્થાપના થવાની આશા યરૂશાલેમમાં રજૂ કરવામાં આવતી હતી. એટલે યહોવાહના સંદેશાઓ સર્વ ઈસ્રાએલીઓ માટે હતા.

૪:૩, ૪—આ આજ્ઞાનો અર્થ શું થાય છે? જેમ બી વાવતા પહેલાં જમીનને ખોદીને સાફ કરવી પડે, તેમ બેવફા યહુદીઓએ તેઓના દિલને સાફ કરવાનું હતું. તેઓએ પોતાના દિલની “સુન્‍નત” કરવાની હતી. એટલે કે એમાંથી ખરાબ ને ગંદા વિચારો ને લાગણીઓ કાઢવાની જરૂર હતી. (યિર્મેયાહ ૯:૨૫, ૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૧) તેઓએ આખું જીવન બદલવાનું હતું. ખરાબ કરવાને બદલે યહોવાહનો આશીર્વાદ મળે એવાં કામો કરવાનાં હતાં.

૪:૧૦; ૧૫:૧૮—યહોવાહે કયા અર્થમાં બળવો કરતા લોકોને છેતર્યા? યિર્મેયાહના દિવસોમાં બીજા પ્રબોધકો “જૂઠું” બોલતા હતા. (યિર્મેયાહ ૫:૩૧; ૨૦:૬; ૨૩:૧૬, ૧૭, ૨૫-૨૮, ૩૨) યહોવાહે તેઓને એ ખોટાં સંદેશાં જાહેર કરવાથી રોક્યા નહિ.

૧૬:૧૬—આનો શું અર્થ થાય કે યહોવાહ ‘ઘણા માછીઓને અને ઘણા શિકારીઓને તેડાવશે’? આનો અર્થ એ થઈ શકે કે બળવો કરતા યહુદીઓને શોધીને સજા ફટકારવા યહોવાહ દુશ્મનોને મોકલે છે. યિર્મેયાહ ૧૬:૧૫ મુજબ એનો અર્થ એ પણ થઈ શકે કે યહોવાહ પસ્તાવો કરતા ઈસ્રાએલીઓને શોધી કાઢે છે.

૨૦:૭—યહોવાહે કઈ રીતે ‘તેમના બળથી’ યિર્મેયાહને છેતર્યા? યહોવાહનો ન્યાયચુકાદો ફેલાવવામાં યિર્મેયાહને ઘણી સતાવણી, વિરોધ ને નફરત સહેવા પડ્યા. તેમને લાગ્યું કે પોતે એ વધારે સહી શકશે નહિ. તેમનામાં હવે હિંમત ન હતી. પણ યહોવાહ તેમની શક્તિ દ્વારા યિર્મેયાહની ખોટી લાગણીઓ સામે લડ્યા. કામ પૂરું કરવા તેમણે યિર્મેયાહને શક્તિ આપી. આમ યિર્મેયાહને જે અશક્ય લાગતું હતું એ કરવા શક્તિ આપીને યહોવાહે તેમને છેતર્યા.

આપણે શું શીખી શકીએ?

૧:૮. યહોવાહ અમુક વાર તેમના ભક્તોને સતાવણીમાંથી બચાવે છે. કઈ રીતે? કદાચ સારા ન્યાયાધીશો કે નેતાઓને આપણા કેસ સાંભળવા ગોઠવે છે. અથવા તેમના ભક્તોને સહન કરવાની શક્તિ આપે છે.—૧ કોરીંથી ૧૦:૧૩.

૨:૧૩, ૧૮. બેવફા ઈસ્રાએલીઓએ બે ખરાબ બાબતો કરી હતી. એક તો તેઓએ આશીર્વાદ ને માર્ગદર્શન આપનારા રખેવાળ યહોવાહને છોડી દીધા હતા. બીજું કે તેઓએ મિસર ને આશ્શૂરના લશ્કરો સાથે કરાર કર્યો, જાણે કે એ લશ્કરો જ તેઓને સહારો આપી શકે. આપણા જમાનામાં જો આપણે યહોવાહની કૃપાને હલકી ગણીને માનવી ફિલસૂફી અને નેતાઓમાં ભરોસો મૂકીએ, તો જાણે આપણે પણ ઈસ્રાએલીઓની જેમ ‘જીવતા પાણીના ઝરાને તજીને’ “ભાંગેલાં ટાંકાં” બનાવીએ છીએ.

૬:૧૬. યહોવાહે તેમના લોકોને ખૂબ ચેતવણી આપી કે તેઓ ખોટો માર્ગ છોડી દે. પોતાની તપાસ કરે, વિચાર કરે ને તેઓના બાપદાદાની જેમ સાચા “માર્ગ” પર ફરી ચાલવા લાગે. આપણે પણ અમુક વખત વિચાર કરવો જોઈએ કે આપણે ખરેખર યહોવાહના માર્ગ પર ચાલીએ છીએ કે કેમ.

૭:૧-૧૫. યહુદીઓ મંદિરમાં ભરોસો રાખતા હતા. તેઓ માનતા કે એ તેઓનું રક્ષણ કરશે. પણ એ તેઓની ભૂલ હતી. આપણી શ્રદ્ધા કોઈ ચીજ-વસ્તુ પર નહિ, પણ ખુદ યહોવાહમાં જ હોવી જોઈએ.—૨ કોરીંથી ૫:૭.

૧૫:૧૬, ૧૭. યિર્મેયાહની જેમ, આપણે પણ નિરાશા સામે લડી શકીએ. કઈ રીતે? દિલથી બાઇબલ વાંચીએ ને એની સ્ટડી કરીએ. પ્રચાર કામમાં યહોવાહનું નામ રોશન કરવા પ્રયત્ન કરીએ અને ખરાબ સોબતથી દૂર રહીએ.

૧૭:૧, ૨. યહુદાહના લોકો યહોવાહને અર્પણો ચડાવતા, પણ યહોવાહને એ જરાય ન ગમ્યા. કેમ? કારણ કે લોકો ખૂબ પાપી હતા. જો આપણા સંસ્કાર સારા નહિ હોય, તો યહોવાહ આપણી ભક્તિ સ્વીકારશે નહિ.

૧૭:૫-૮. જ્યાં સુધી માણસો ને સંસ્થાઓ યહોવાહના નિયમો ને સિદ્ધાંતો નહિ તોડે, ત્યાં સુધી આપણે તેઓ પર અમુક ભરોસો રાખી શકીએ. પણ ખરી સુખ-શાંતિ અને તારણ માટે આપણે બસ યહોવાહ પર જ ભરોસો રાખવો જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૪૬:૩.

૨૦:૮-૧૧. આપણે પૂરી તમન્‍નાથી યહોવાહના રાજ્યનો પ્રચાર કરવો જોઈએ. વિરોધ, સતાવણી કે બેફિકર લોકોથી હિંમત હારવી ન જોઈએ.—યાકૂબ ૫:૧૦, ૧૧.

“તમે તમારી ગરદનો પર બાબેલના રાજાની ઝૂંસરી મૂકશો”

(યિર્મેયાહ ૨૧:૧–૫૧:૬૪)

યિર્મેયાહે યહુદાહના છેલ્લા ચાર રાજાઓ સામે યહોવાહના ન્યાયચુકાદા આપ્યા હતા. જૂઠાં પ્રબોધકો, ખરાબ સરદારો અને ભ્રષ્ટ યાજકોને પણ યહોવાહનો ન્યાયચુકાદો મળ્યો. યહોવાહ તેમના સાચાં ભક્તોને સારાં અંજીર તરીકે જુએ છે. તે કહે છે: “હું તેમનું હિત કરવા સારૂ તેમના પર મારી નજર રાખીશ.” (યિર્મેયાહ ૨૪:૫, ૬) ૨૫માં અધ્યાયમાં ત્રણ ભવિષ્યવાણી છે, જે યહોવાહના ન્યાયચુકાદા વિષે ટૂંકમાં જણાવે છે. બાકીના અધ્યાયો એના વિષે વધારે જણાવે છે.

યાજકો અને જૂઠાં પ્રબોધકોએ યિર્મેયાહને મારી નાખવાની યોજના કરી હતી. યિર્મેયાહનો સંદેશો હતો કે તેઓએ બાબેલના રાજાની સેવા કરવી પડશે. રાજા સિદકીયાહને તે કહે છે: “તમે તમારી ગરદનો પર બાબેલના રાજાની ઝૂંસરી મૂકશો.” (યિર્મેયાહ ૨૭:૧૨) પણ “જેણે ઈસ્રાએલને વિખેરી નાખ્યો તે [ઈસ્રાએલને] ભેગો કરશે.” (યિર્મેયાહ ૩૧:૧૦) રેખાબીઓની પાક્કી શ્રદ્ધાને લીધે તેઓને એ વચન આપવામાં આવે છે. “યિર્મેયાહને ચોકીમાં” રાખવામાં આવે છે. (યિર્મેયાહ ૩૭:૨૧) યરૂશાલેમનો નાશ થાય છે ને મોટા ભાગના લોકોને ગુલામ તરીકે લઈ જવામાં આવે છે. યિર્મેયાહ અને તેમનો મંત્રી બારૂખ, ને અમુક બીજા લોકો યરૂશાલેમમાં રહી જાય છે. યિર્મેયાહે લોકોને ચેતવ્યા કે ગભરાઈને મિસર દેશમાં ભાગી ન જશો, તોપણ એ લોકો ડરી જઈને મિસર ચાલ્યા જાય છે. ૪૬થી ૫૧મા અધ્યાયો બતાવે છે કે યિર્મેયાહ પ્રજાઓને શું કહે છે.

સવાલ-જવાબ:

૨૨:૩૦—શું આ આજ્ઞાનો અર્થ એ થાય કે દાઊદના વંશમાંથી આવેલા ઈસુ ખ્રિસ્ત રાજ નહિ કરી શકે? (માત્થી ૧:૧, ૧૧) ના, જરાય નહિ. આ આજ્ઞા યહોયાકીન માટે હતી. તેના વંશમાંથી કોઈ ‘દાઊદના રાજ્યાસન પર બેસશે નહિ.’ ઈસુ તો યહુદાહમાંથી નહિ, પણ સ્વર્ગમાંથી રાજ કરવાના હતા.

૩૧:૩૩—ઈશ્વરનો નિયમ કઈ રીતે હૃદય પર લખેલો છે? જ્યારે વ્યક્તિ યહોવાહને ખૂબ ચાહે અને તેની તમન્‍ના હોય કે તે યહોવાહની મરજી મુજબ જીવશે, ત્યારે કહી શકાય કે ઈશ્વરનો નિયમ તેના હૃદય પર લખેલો છે.

૩૨:૧૦-૧૫—એક કરારની બે નકલો બનાવવાનું શું કારણ છે? એક કરાર તપાસ કરવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. બીજો સીલ કરીને સાચવી રાખવામાં આવ્યો હતો. પછી ભાવિમાં જરૂર પડે તો એ બંને કરારની એકબીજા સાથે સરખામણી કરી શકાય કે પહેલાંમાં કંઈ બદલ્યું છે કે કેમ. આપણે કોઈ સગાં-વહાલાં કે ભાઈ-બહેન સાથે વેપાર-ધંધો કરીએ કે પૈસાની લેવડદેવડ કરીએ તો સારું કે કાયદા મુજબ કરાર કરીએ. યિર્મેયાહે આ બાબતમાં સારો દાખલો બેસાડ્યો.

૩૩:૨૩, ૨૪—આ “બે ગોત્ર” એટલે કુટુંબો કોણ છે? એક તો રાજા દાઊદના વંશ છે. બીજો હારૂનથી આવેલા યાજકના વંશ છે. જ્યારે યરૂશાલેમ અને યહોવાહના મંદિરનો નાશ થયો ત્યારે એવું લાગે છે કે યહોવાહે આ બે કુટુંબોનો નકાર કર્યો. હવેથી પૃથ્વી પર તેમનું રાજ્ય નહિ હોય ને દેશમાં તેમની ભક્તિ ફરી સ્થપાશે નહિ.

૪૬:૨૨—મિસરનો અવાજ કેમ સાપ સાથે સરખાવવામાં આવ્યો હતો? એક કારણ એ હોઈ શકે કે જેમ સાપ સિસકારો કરીને ભાગે, તેમ મિસર દુશ્મનો સામે ભાગી નીકળ્યું. કે પછી નાશ અનુભવવાથી મિસરનો અવાજ સાવ ધીમો પડી ગયો. આ સરખામણી એ પણ બતાવે છે કે મિસરના રાજાઓ કેટલા મૂર્ખ હતા. કેમ કે તેઓ સાપને પવિત્ર ગણતા. રાજા માથા પર સાપ જેવો મુગટ પહેરતો. તેઓ માનતા કે સાપની દેવી, ઉટચીટ તરફથી રક્ષણ મળશે. પણ એ બધું નકામું હતું.

આપણે શું શીખી શકીએ?

૨૧:૮, ૯; ૩૮:૧૯. યરૂશાલેમના લોકોએ પસ્તાવો કર્યો ન હોવાથી મોતની સજાને પાત્ર હતા. તોપણ છેલ્લી ઘડીએ યહોવાહ તેઓને પસ્તાવો કરવાનો મોકો આપે છે. તેઓને જીવન બચાવવા પસંદગી આપે છે. હા, યહોવાહની “દયા ઘણી છે.”—૨ શમૂએલ ૨૪:૧૪; ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૬.

૩૧:૩૪. યહોવાહ આપણને માફ કરે ત્યારે તે પૂરી રીતે માફ કરે છે એ જાણીને કેટલો દિલાસો મળે છે. પાપોને તે હંમેશાં પોતાની સામે રાખતા નથી. તે કદી ભાવિમાં આપણને એની સજા કરશે નહિ.

૩૮:૭-૧૩; ૩૯:૧૫-૧૮. યહોવાહ કદી દિલથી આપેલી સેવા ભૂલશે નહિ. એ સેવામાં ‘સંતોની સેવા’ પણ આવી જાય છે.—હેબ્રી ૬:૧૦.

૪૫:૪, ૫. યહુદાહના છેલ્લાં દિવસોની જેમ આપણે પણ આ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવીએ છીએ. તેથી આપણે પૈસા, મોટી મોટી પદવી, માલમિલકત ને ‘મહત્તા’ કે મહાન બાબતો શોધવી ન જોઈએ.—૨ તીમોથી ૩:૧; ૧ યોહાન ૨:૧૭.

યરૂશાલેમ બળે છે

(યિર્મેયાહ ૫૨:૧-૩૪)

ઈ.સ. પૂર્વે ૬૦૭નું વર્ષ હતું. સિદકીયાહ છેલ્લા ૧૧ વર્ષથી રાજ કરી રહ્યો હતો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે છેલ્લાં ૧૮ મહિનાથી યરૂશાલેમને ચોમેરથી ઘેરી લીધું હતું. નબૂખાદનેસ્સારના રાજના ઓગણીસમા વર્ષે તેના અંગરક્ષકોનો સરદાર, નબૂઝારઅદાન યરૂશાલેમ નજીક ‘આવ્યો.’ તે એ વર્ષના પાંચમા મહિનાના સાતમા દિવસે આવ્યો હતો. (૨ રાજાઓ ૨૫:૮) કદાચ શહેરની દીવાલથી થોડે દૂર પોતાની છાવણીમાં રહીને તેણે શહેરની તપાસ કરી અને યોજના રચી. ત્રણ દિવસ પછી, એટલે કે પાંચમા મહિનાના દસમે દિવસે તે યરૂશાલેમની અંદર “આવ્યો” ને શહેરને ‘આગ લગાડીને એને બાળી નાખ્યું.’—યિર્મેયાહ ૫૨:૧૨, ૧૩.

યરૂશાલેમના નાશ વિષે યિર્મેયાહ અનેક વિગતો જણાવે છે. એમાંથી શોકના અનેક ગીતો રચવામાં આવ્યાં હતાં. એ ગીતો બાઇબલ પુસ્તક, યિર્મેયાહનો વિલાપમાં જોવા મળશે.(w07 3/15)

[Picture on page 8]

યિર્મેયાહના સંદેશામાં યરૂશાલેમ સામે યહોવાહનો ન્યાયચુકાદો પણ હતો

[Picture on page 9]

યહોવાહે કઈ રીતે યિર્મેયાહ સામે પોતાનું બળ વાપર્યું?

[Picture on page 10]

‘યહુદાહમાંના જેઓ બંદીવાસમાં છે, તેઓને આ સારાં અંજીરના જેવા હું ગણીશ.’—યિર્મેયાહ ૨૪:૫