સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વર્ગદૂતો મનુષ્યોને કેવી અસર કરે છે?

સ્વર્ગદૂતો મનુષ્યોને કેવી અસર કરે છે?

સ્વર્ગદૂતો મનુષ્યોને કેવી અસર કરે છે?

“એ પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેને મોટો અધિકાર મળેલો હતો; . . . તેણે મોટે સાદે કહ્યું, કે પડ્યું રે, મોટું બાબેલોન પડ્યું.”—પ્રકટીકરણ ૧૮:૧, ૨.

૧, ૨. શું બતાવે છે કે યહોવાહ પોતાની ઇચ્છા પૂરી કરવા સ્વર્ગદૂતોનો ઉપયોગ કરે છે?

 પાત્મસ ટાપુ પર ઘરડા પ્રેરિત યોહાનને કેદ કરવામાં આવ્યા હતા ત્યારે, તેમને ઈશ્વર તરફથી ભવિષ્યનું એક દર્શન મળ્યું. તેમણે દર્શનમાં શું જોયું? તે જાણે ‘પ્રભુના દહાડામાં’ આવી પહોંચ્યા હતા! આ જોઈને તેમને કેવું લાગ્યું હશે! પ્રભુનો એ દહાડો ક્યારે શરૂ થયો? વર્ષ ૧૯૧૪માં. એ વર્ષે સ્વર્ગમાં ઈસુ રાજગાદીએ બેઠા. તો એ ક્યારે પૂરો થાય છે? આ દુનિયાની બૂરાઈ સાફ થઈ જાય ને ઈસુના હજાર વર્ષના રાજનો અંત આવે ત્યારે.—પ્રકટીકરણ ૧:૧૦.

યહોવાહ ઈશ્વરે આ દર્શન સીધેસીધું યોહાનને આપ્યું ન હતું. તેમણે એ માટે એક સ્વર્ગદૂતનો ઉપયોગ કર્યો હતો. પ્રકટીકરણ ૧:૧ કહે છે: “ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ જે પોતાના સેવકોને કહી દેખાડવા સારૂ દેવે તેને આપ્યું તે; તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.” હા, યહોવાહે ઈસુ દ્વારા એક સ્વર્ગદૂતને ધરતી પર મોકલ્યો હતો. તેણે યોહાનને ‘પ્રભુના દિવસ’ વિષે અદ્‍ભુત વાતો પ્રગટ કરી હતી. ત્યાર પછી યોહાને “બીજા એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેને મોટો અધિકાર મળેલો હતો.” એ દૂતને કયું કામ સોંપાયું હતું? “તેણે મોટે સાદે કહ્યું, કે પડ્યું રે, મોટું બાબેલોન પડ્યું.” (પ્રકટીકરણ ૧૮:૧, ૨) આ શક્તિશાળી સ્વર્ગદૂતને મહાન બાબેલોનની પડતી વિષે જાહેરાત કરવાનું કામ સોંપાયું હતું. એ ‘મહાન બાબેલોન’ દુનિયાના સર્વ જૂઠા ધર્મોને બતાવે છે. એનો જલદી જ વિનાશ થશે. યહોવાહ પોતાની ઇચ્છા પૂરી કરવા દૂતોનો આવા મહત્ત્વના કામમાં ઉપયોગ કરે છે. એ વિષે કોઈ જ શંકા નથી. આજે દૂતો કેવી રીતે યહોવાહનો મકસદ પૂરો કરી રહ્યા છે? સ્વર્ગદૂતોની આપણા પર કેવી અસર પડે છે? આપણે આ લેખમાં એ સવાલોની ચર્ચા કરીશું. પણ એ પહેલાં ચાલો જોઈએ કે સ્વર્ગદૂતો ક્યાંથી આવ્યા.

સ્વર્ગદૂતો ક્યાંથી આવ્યા?

૩. સ્વર્ગદૂતો વિષે લોકોમાં કેવી ગેરસમજ જોવા મળે છે?

આજે કરોડો લોકો માને છે કે સ્વર્ગદૂતો છે. પણ ઘણા તેમના વિષે બીજું કંઈ વધારે જાણતા નથી. જેમ કે, તેઓ કોણ છે? ક્યાંથી આવ્યા? દૂતો વિષે લોકોમાં ઘણી ગેરસમજ છે. દાખલા તરીકે, અમુક ધાર્મિક લોકો માને છે કે તેમના સ્વજનો મરણ પામે છે ત્યારે, ઈશ્વર તેઓને સ્વર્ગમાં બોલાવી લે છે. ત્યાં તેઓ ફરિસ્તો કે દૂત બની જાય છે. શું બાઇબલ એમ શીખવે છે? ચાલો બાઇબલમાંથી જ જોઈએ કે દૂતો ક્યાંથી આવ્યા? તેઓ હમણાં ક્યાં છે? તેઓને કેવું કામ સોંપવામાં આવ્યું છે?

૪. સ્વર્ગદૂતો ક્યાંથી આવ્યા એ વિષે બાઇબલ શું જણાવે છે?

બાઇબલ એક મુખ્ય સ્વર્ગદૂત વિષે જણાવે છે. તે બીજા બધા દૂતોથી શક્તિશાળી અને સૌથી વધારે સત્તા ધરાવે છે. તેમનું નામ મીખાએલ. બાઇબલ તેમને પ્રમુખ દૂત કહે છે. (યહુદા ૯) એ બીજું કોઈ નહિ, પણ ઈસુ ખ્રિસ્ત છે. (૧ થેસ્સાલોનીકી ૪:૧૬) લાખો કરોડો વર્ષ પહેલાં, યહોવાહે સૌથી પહેલાં મીખાએલને ઉત્પન્‍ન કર્યા હતા. આમ, મીખાએલ યહોવાહનું સૌથી પહેલું સર્જન છે. (પ્રકટીકરણ ૩:૧૪) પછી એ દીકરા સાથે મળીને યહોવાહે બીજા દૂતોને ઉત્પન્‍ન કર્યા ને પછી વિશ્વનું સર્જન કર્યું. (કોલોસી ૧:૧૫-૧૭) આ સ્વર્ગદૂતોનો ઉલ્લેખ કરતા યહોવાહે હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા અયૂબને પૂછ્યું: “જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય, તો કહી દે. જ્યારે પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા હતા, અને સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો?” (અયૂબ ૩૮:૪, ૬, ૭) આ સાફ બતાવે છે કે સ્વર્ગદૂતો ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરે મનુષ્યને ઉત્પન્‍ન કર્યો એના ઘણા સમય પહેલાં દૂતોને બનાવ્યા હતા.

૫. દૂતોને કેવા વર્ગમાં વહેંચી દેવામાં આવ્યા છે?

‘ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે.’ (૧ કોરીંથી ૧૪:૩૩) એટલે યહોવાહે તેમના આ દૂતોને ત્રણ મુખ્ય વર્ગમાં વહેંચી દીધા છે અને એ મુજબ કામ પણ સોંપ્યું છે: (૧) સરાફ. આ દૂતો ઈશ્વરના રાજ્યાસન આગળ તેમની સેવામાં ઊભા રહે છે. તેઓ ઈશ્વરની પવિત્રતા જાહેર કરે છે, અને તેમના ભક્તોને સત્યને વળગી રહેવા મદદ કરે છે. (૨) કરૂબ. આ દૂતો વિશ્વના માલિક યહોવાહનું નામ મોટું મનાવે છે. અને (૩) બીજા દૂતો જેઓ યહોવાહની ઇચ્છા પૂરી કરી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦; યશાયાહ ૬:૧-૩; હઝકીએલ ૧૦:૩-૫; દાનીયેલ ૭:૧૦) આ અગણિત સ્વર્ગદૂતો અનેક રીતે માણસજાતને અસર કરે છે. ચાલો જોઈએ.—પ્રકટીકરણ ૫:૧૧.

સ્વર્ગદૂતો કેવો ભાગ ભજવે છે?

૬. એદન વાડીમાં યહોવાહે કરૂબોને કયું કામ સોંપ્યું હતું?

બાઇબલમાં દૂતો વિષેનો સૌથી પહેલો ઉલ્લેખ ઉત્પત્તિ ૩:૨૪માં છે. ત્યાં આમ વંચાય છે: “તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારૂ તેણે [યહોવાહે] કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્‍નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી.” આ કરૂબો ત્યાં ચોકી કરતા હતા. આદમ અને હવા પોતાના સુંદર ઘરમાં પાછા ન ફરે એનું તેઓ ધ્યાન રાખતા હતા. આમ, માનવ ઇતિહાસની શરૂઆતથી જ દૂતો ધરતી પર યહોવાહે સોંપેલું કામ નિભાવી રહ્યા છે. ત્યારથી લઈને આજ સુધી દૂતોની ધરતી પર કેવી કામગીરી રહી છે?

૭. બાઇબલની મૂળ ભાષામાં ‘સ્વર્ગદૂતનો’ શું અર્થ થાય છે? એ અર્થ પ્રમાણે દૂતો કયું કામ કરી રહ્યા છે?

બાઇબલમાં આશરે ચારસો વાર સ્વર્ગદૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “સ્વર્ગદૂત” માટેના મૂળ હેબ્રી અને ગ્રીક શબ્દનો અનુવાદ “સંદેશવાહક” થાય છે. આમ, ઈશ્વર અને માનવજાત વચ્ચે વાતચીતના માધ્યમ તરીકે પણ દૂતો કામ કરે છે. આ લેખના પહેલા બે ફકરામાં જોયું તેમ, યહોવાહે પ્રેરિત યોહાનને પોતાનો સંદેશો પહોંચાડવા દૂતનો ઉપયોગ કર્યો.

૮, ૯. (ક) સ્વર્ગદૂતની મુલાકાતથી માનોઆહ અને તેની પત્ની પર કેવી અસર પડી? (ખ) માનોઆહે સ્વર્ગદૂત સાથે જે વાત કરી એનાથી માબાપો શું શીખી શકે?

ધરતી પર ઈશ્વરભક્તોને ઉત્તેજન ને મદદ આપવા પણ સ્વર્ગદૂતોનો ઉપયોગ થઈ રહ્યો છે. દાખલા તરીકે, ઇઝરાયલના ન્યાયાધીશોના સમયમાં, માનોઆહ અને તેની વાંઝણી પત્ની બાળક માટે ઝૂરી રહ્યા હતા. એટલે યહોવાહે માનોઆહની વાંઝણી પત્ની પાસે દૂત મોકલીને જણાવ્યું કે તેને બાળક થશે. અહેવાલ જણાવે છે: ‘જો તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે. અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે; કેમ કે તે છોકરો ગર્ભાધાનથી ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે.’—ન્યાયાધીશો ૧૩:૧-૫.

માનોઆહની પત્નીને પછી દીકરો જન્મ્યો. તેનું નામ શામશૂન. તે ઇતિહાસમાં ખૂબ જ જાણીતો બન્યો. (ન્યાયાધીશો ૧૩:૨૪) હવે દીકરાનો ઉછેર કેવી રીતે કરવો એ વિષે માનોઆહ કે તેની પત્નીને કંઈ ખબર ન હતી. એટલે દીકરાના જન્મ પહેલાં જ માનોઆહે એ સ્વર્ગદૂતને પાછો મોકલવા ઈશ્વરને અરજ કરી. કેમ? તેને બાળકના ઉછેર વિષે વધારે માર્ગદર્શન જોઈતું હતું. માનોઆહે પૂછ્યું: “તે છોકરો કેવો નીવડશે, ને તે શું શું કામ કરશે?” યહોવાહના દૂતે માનોઆહની પત્નીને જે માર્ગદર્શન આપ્યું હતું એ જ ફરીથી તેને જણાવ્યું. (ન્યાયાધીશો ૧૩:૬-૧૪) એનાથી માનોઆહને કેટલું ઉત્તેજન મળ્યું હશે એનો જરા વિચાર કરો! ખરું કે આજે દૂતો એ રીતે આપણને મળવા આવતા નથી. પરંતુ બાળકોને સારી રીતે ઉછેરવા માટે માબાપો માનોઆહની જેમ યહોવાહનું માર્ગદર્શન શોધી શકે.—એફેસી ૬:૪.

૧૦, ૧૧. (ક) અરામનું લશ્કર ચઢી આવ્યું ત્યારે એલીશા અને તેમના ચાકર પર એની કેવી અસર પડી? (ખ) એ બનાવ પર વિચાર કરવાથી આપણને શું લાભ થઈ શકે?

૧૦ પ્રબોધક એલીશાના જમાનામાં પણ સ્વર્ગદૂતો ઈશ્વરભક્તોની મદદે આવતા હતા. એલીશાનો જ દાખલો લો. તે ઇઝરાયલના દોથાન શહેરમાં રહેતા હતા. એક દિવસ વહેલી સવારે એલીશાનો ચાકર ઊઠ્યો ત્યારે તેણે શું જોયું? તેણે બહાર જોયું તો દુશ્મનોએ શહેરને ઘેરી લીધું હતું. યુદ્ધરથો, ઘોડાઓ અને સૈનિકોથી શહેર ચોમેરથી ઘેરાયેલું હતું. અરામના રાજાએ એલીશાને પકડી લાવવા શક્તિશાળી ફોજને મોકલી હતી. એલીશાનો ચાકર તો એ જોઈને જ થરથર કાંપવા લાગ્યો. તે બરાડી ઊઠ્યો: “હાય હાય, મારા શેઠ! આપણે શું કરીશું?” તેને લાગ્યું કે ‘હવે તો બચવાનો કોઈ જ રસ્તો નથી.’ પણ એલીશાએ તેને કહ્યું: “બીતો નહિ; કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.” તે શું કહેવા માંગતા હતા?—૨ રાજાઓ ૬:૧૧-૧૬.

૧૧ એલીશાને ખબર હતી કે સ્વર્ગદૂતોનું લશ્કર પોતાને મદદ કરવા હાજર છે. પણ તેમનો ચાકર એ જોઈ શકતો ન હતો. એટલે “એલીશાએ પ્રાર્થના કરી, કે હે યહોવાહ, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. ત્યારે યહોવાહે તે જુવાનની આંખો ઉઘાડી. અને તેણે જોયું, તો જુઓ, એલીશાની આસપાસ અગ્‍નિઘોડાઓથી તથા અગ્‍નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો.” (૨ રાજાઓ ૬:૧૭) હવે ચાકર જોઈ શક્યો કે તેઓની મદદે સ્વર્ગદૂતોની આખું લશ્કર છે. જોકે આજે આપણે નરી આંખે એ દૂતોને જોઈ શકતા નથી. પણ ઈશ્વરની મદદથી પૂરો અહેસાસ કરી શકીએ છીએ કે દૂતો આજે પણ આપણને મદદ કરવા તૈયાર છે. તેઓ યહોવાહ અને ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભક્તોનું રક્ષણ કરે છે, તેઓને મદદ આપે છે.

ઈસુ ખ્રિસ્તના જમાનામાં સ્વર્ગદૂતો મદદે

૧૨. મરિયમે ગાબ્રીએલ દૂત પાસેથી કેવી મદદ અનુભવી?

૧૨ ઈસુની યહુદી મા મરિયમે પણ સ્વર્ગદૂતની મદદ અનુભવી હતી. તે કુંવારી હતી ત્યારે ઈશ્વરે ગાબ્રીએલ નામના સ્વર્ગદૂતને આ સંદેશો આપવા મરિયમ પાસે મોકલ્યા: “તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે.” આ સંદેશો આપતા પહેલાં એ દૂતે મરિયમને કહ્યું: “હે મરિયમ, બી મા; કેમ કે તું દેવથી કૃપા પામી છે.” (લુક ૧:૨૬, ૨૭, ૩૦, ૩૧) આ શબ્દોથી મરિયમને કેટલું ઉત્તેજન મળ્યું હશે! ઈશ્વરની કૃપા પોતાના પર છે એ સાંભળીને તેનું મન કેવું હરખાઈ ઊઠ્યું હશે!

૧૩. સ્વર્ગદૂતોએ કેવી રીતે ઈસુને મદદ કરી?

૧૩ ઈસુએ પણ સ્વર્ગદૂતોની મદદ અનુભવી હતી. વેરાન પ્રદેશમાં ઈસુએ શેતાનની ત્રણ લાલચોનો નકાર કર્યો એ પછી શું બન્યું? અહેવાલ જણાવે છે કે એ પરીક્ષણ પછી “શેતાન તેને મૂકીને જાય છે; અને જુઓ, દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી.” (માત્થી ૪:૧-૧૧) ઈસુ મરણ પામ્યા એની આગલી રાતે પણ એવો જ બનાવ બન્યો. ઈસુ તન-મનથી ભારે દુઃખ સહી રહ્યા હતા. તેમણે ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરતા કહ્યું: “હે બાપ, જો તારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કર: તો પણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઇચ્છા પ્રમાણે થાઓ. આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાયો.” (લુક ૨૨:૪૨, ૪૩) આજે સ્વર્ગદૂતો આપણને કેવી રીતે મદદ કરી રહ્યા છે?

આજે સ્વર્ગદૂતો આપણી મદદે

૧૪. હાલના સમયમાં યહોવાહના સાક્ષીઓએ કેવી સતાવણી સહેવી પડી છે? એનું શું પરિણામ આવ્યું છે?

૧૪ આજે યહોવાહના સાક્ષીઓના પ્રચાર કામનો વિચાર કરીએ તો, એમાં સ્વર્ગદૂતોનો હાથ જોવા મળે છે. દાખલા તરીકે, જર્મનીમાં જુલમી નાઝી સત્તાના હાથ નીચે અને પશ્ચિમ યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને પછી (૧૯૩૯-૧૯૪૫) યહોવાહના ભક્તોએ બેહદ અત્યાચારો સહ્યા હતા. ઇટાલી, સ્પેઇન અને પોર્ટુગલમાં સત્તા પર કૅથલિકોનો ભારે દબદબો હતો ત્યારે પણ યહોવાહના ભક્તોએ ઘણો સમય સતાવણી સહેવી પડી હતી. દાયકાઓ સુધી તેઓએ સોવિયત યુનિયન અને એની હાથ નીચેના બીજા દેશોમાં ઘણી સતાવણી સહી હતી. આફ્રિકાના અમુક દેશોમાં પણ સાક્ષીઓએ બેહદ સતાવણી સહી છે. * હાલની જ વાત કરીએ તો, યહોવાહના સાક્ષીઓએ જ્યોર્જિયા દેશમાં હિંસક અત્યાચાર સહ્યો છે. યહોવાહના સાક્ષીઓની સર્વ પ્રવૃત્તિઓ અટકાવી દેવા શેતાન બધા જ હથિયાર અજમાવી ચૂક્યો છે. તોપણ એક સંગઠન તરીકે યહોવાહના સાક્ષીઓને ઊની આંચ પણ આવી નથી. તેઓની સંખ્યા ઘટવાને બદલે દિવસે દિવસે વધતી જ જાય છે. આ બધું સ્વર્ગદૂતોના રક્ષણને લીધે જ શક્ય બન્યું છે.—ગીતશાસ્ત્ર ૩૪:૭; દાનીયેલ ૩:૨૮; ૬:૨૨.

૧૫, ૧૬. યહોવાહના સાક્ષીઓના દુનિયાભરમાં ચાલતા પ્રચાર કામમાં સ્વર્ગદૂતો કેવી મદદ કરી રહ્યા છે?

૧૫ યહોવાહના સાક્ષીઓ તેઓને સોંપાયેલું કામ ગંભીરતાથી લે છે. એ કામ છે, ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાવવી. જ્યાં પણ રસ ધરાવતા લોકો મળે તેઓને બાઇબલનું સત્ય શીખવીને શિષ્યો બનાવવા. (માત્થી ૨૮:૧૯, ૨૦) જોકે તેઓને સારી રીતે ખબર છે કે આ કામ તેઓ સ્વર્ગદૂતોની મદદ વગર કરી શકતા નથી. એટલે જ પ્રકટીકરણ ૧૪:૬, ૭ના આ શબ્દોમાંથી તેઓને સતત ઉત્તેજન મળતું રહે છે: “મેં [પ્રેરિત યોહાને] બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી; તે મોટે સાદે કહે છે, કે દેવથી બીહો ને તેને મહિમા આપો; કેમ કે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે; અને જેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યાં, તેની આરાધના કરો.”

૧૬ આ શબ્દોથી જોવા મળે છે કે દુનિયાભરમાં ચાલી રહેલા યહોવાહના સાક્ષીઓના પ્રચાર કામને સ્વર્ગદૂતોનો ટેકો છે. તેઓ એ કામમાં માર્ગદર્શન આપી રહ્યા છે. યહોવાહ આ દૂતોનો ઉપયોગ કરીને સત્યના તરસ્યા લોકોને પોતાના ભક્તો તરફ દોરી રહ્યા છે. આ દૂતો યહોવાહના સાક્ષીઓને પણ નેકદિલ લોકો તરફ વાળે છે. એટલે જ આજે એવા ઘણા અનુભવો સાંભળવા મળે છે કે સાવ હતાશ થઈ ગયેલી અને સત્યની તરસી વ્યક્તિએ, ઈશ્વરને પોકાર કર્યો હોય ને ખરા સમયે જ યહોવાહના સાક્ષીઓ તેઓને મળ્યા હોય. આ કંઈ ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ એવો કોઈ સંયોગ નથી. આવા ઘણા અનુભવોમાં દૂતોનો હાથ જોવા મળે છે.

હવે જલદી જ દૂતો ઈશ્વરભક્તોની સહાયે આવશે

૧૭. ફક્ત એક સ્વર્ગદૂત આગળ આશ્શૂરીઓના લશ્કરનું શું થયું?

૧૭ આપણે જોઈ ગયા કે દૂતો ઈશ્વરના સંદેશવાહક છે, યહોવાહના ભક્તોને ઘણી રીતે મદદ અને ઉત્તેજન આપી રહ્યા છે. તેઓ બીજી એક રીતે પણ ઈશ્વરનું કામ કરી રહ્યા છે. એ શું છે? ઈશ્વરના ન્યાયચુકાદા મુજબ દુષ્ટોને સજા ફટકારે છે. ભૂતકાળમાં તેઓએ ઘણી વાર આમ કર્યું હતું. દાખલા તરીકે, ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં આશ્શૂરીઓના વિશાળ લશ્કરે યરૂશાલેમને ઘેરી લીધું હતું. યરૂશાલેમનો વિનાશ જાણે નક્કી જ હતો. યહોવાહે પોતાના શહેરને બચાવવા શું કર્યું? તેમણે કહ્યું: “હું મારી પોતાની ખાતર, તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.” પછી બાઇબલ અહેવાલ જણાવે છે કે આગળ શું થયું: “તે રાત્રે એમ થયું, કે યહોવાહના દૂતે આવીને આશ્શૂરીઓની છાવણીમાંના એક લાખ પંચાશી હજાર માણસોને મારી નાખ્યા; લોકો મોટી સવારે ઊઠ્યા ત્યારે, જુઓ, તે સઘળા મરણ પામ્યા હતા, ને તેમની લાશો ત્યાં પડી રહી હતી.” (૨ રાજાઓ ૧૯:૩૪, ૩૫) ફક્ત એક સ્વર્ગદૂત આગળ આશ્શૂરીઓનું વિશાળ લશ્કર કેવું કમજોર પુરવાર થયું!

૧૮, ૧૯. હવે થોડા જ સમયમાં સ્વર્ગદૂતો શું કરશે? એની મનુષ્યો પર કેવી અસર પડશે?

૧૮ આ દુનિયાનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલે જલદી જ યહોવાહ તેમના દૂતો દ્વારા સર્વ દુષ્ટતાનો અંત લાવશે. થોડા જ સમયમાં ઈસુ “પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્‍નિની જ્વાળામાં” આવશે. તેઓ શું કરશે? ‘જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.’ (૨ થેસ્સાલોનીકી ૧:૭, ૮) એની માણસજાત પર કેવી ભારે અસર પડશે! જેઓ દુનિયાભરમાં જાહેર થઈ રહેલા ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળતા નથી, કે એનો વિરોધ કરી રહ્યા છે તેઓનો વિનાશ થશે. પણ જે નમ્રજનો યહોવાહને શોધે છે, તેમના સચ્ચાઈના માર્ગ પર ચાલે છે તેઓને ‘યહોવાહના કોપને દિવસે જાણે સંતાઈ રહેવા મળશે.’ એટલે કે યહોવાહ તેઓને બચાવશે.—સફાન્યાહ ૨:૩.

૧૯ યહોવાહ પોતાના શક્તિશાળી દૂતો દ્વારા ધરતી પર તેમના ભક્તોને મદદ કરે છે, હિંમત બંધાવે છે. એ માટે આપણે તેમનો કેટલો ઉપકાર માનીએ છીએ. ઈશ્વરનો મકસદ પૂરો કરવા આ સ્વર્ગદૂતો જે કરી રહ્યા છે એનાથી આપણને કેટલું ઉત્તેજન મળે છે! જોકે અમુક દૂતો યહોવાહ સામે બળવો પોકારીને શેતાન બાજુ થઈ ગયા છે. હવે પછીનો લેખ શેતાન અને તેના ખરાબ દૂતો વિષે જણાવશે. આપણે જોઈશું કે આ દુનિયા પર તેઓની કેટલી મજબૂત પકડ છે અને તેઓની અસર નીચે ન આવીએ એ માટે યહોવાહના ભક્તો તરીકે આપણે કયાં પગલાં લઈ શકીએ. (w 07 3/15)

[Footnote]

^ આવી અનેક સતાવણીઓ વિષે વધારે માહિતી માટે આ વર્ષોની યરબુક ઑફ જહોવાહ્સ વીટનેસીસ જુઓ: ૧૯૮૩ (અંગોલા), ૧૯૭૨ (ચેકોસ્લોવેકિયા), ૨૦૦૦ (ચેક રિપબ્લિક), ૧૯૯૨ (ઇથિયોપિયા), ૧૯૭૪ અને ૧૯૯૯ (જર્મની), ૧૯૮૨ (ઇટાલી), ૧૯૯૯ (મલાવી), ૨૦૦૪ (મૉલ્ડોવા), ૧૯૯૬ (મોઝંબિક), ૧૯૯૪ (પોલૅન્ડ), ૧૯૮૩ (પોર્ટુગલ), ૧૯૭૮ (સ્પેઇન), ૨૦૦૨ (યુક્રેઇન), અને ૨૦૦૬ (ઝાંબિયા).

શું તમને યાદ છે?

• સ્વર્ગદૂતો ક્યાંથી આવ્યા?

• બાઇબલના જમાનામાં યહોવાહે કેવા કામ માટે સ્વર્ગદૂતોનો ઉપયોગ કર્યો?

• આજે સ્વર્ગદૂતોના કામ વિષે પ્રકટીકરણ ૧૪:૬, ૭ શું જણાવે છે?

• હવે થોડા જ સમયમાં સ્વર્ગદૂતો આ ધરતી પર શું કરશે?

[Study Questions]

[Picture on page 14]

માનોઆહ અને તેની પત્નીને સ્વર્ગદૂતે ખૂબ ઉત્તેજન આપ્યું

[Picture on page 15]

‘જેઓ આપણી સાથે છે તેઓ તેમના કરતાં વધારે છે’