સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજની દુનિયામાં દયાનો છાંટોય નથી

આજની દુનિયામાં દયાનો છાંટોય નથી

આજની દુનિયામાં દયાનો છાંટોય નથી

ચોસઠ વર્ષની મારિયા એકલી રહેતી હતી. એક દિવસ કોઈએ તેના ઘરમાં ઘૂસીને તેને ખૂબ મારી. તારથી તેનું ગળું દબાવીને મારી નાખી. અમુક દિવસ પછી પોલીસને એની ખબર પડી.

સમાજમાં બરાબરની ધમાલ મચી છે. લોકોના ટોળેટોળાં ત્રણ પોલીસવાળાની મારપીટ કરે છે. કેમ? ટોળું આરોપ મૂકે છે કે એ પોલીસોએ બે બાળકોનું અપહરણ કર્યું છે. લાલ-પીળા થઈને લોકો બે પોલીસ પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી નાખે છે. ત્રીજો માંડ માંડ ત્યાંથી ભાગી નીકળે છે.

ચાર માણસો કોઈ જગ્યાએ રજા ગાળવા ગયા હતા. અમુક દિવસો પછી, કોઈએ પોલીસને ફોન કરીને બાતમી આપી. પોલીસે એક બગીચામાં જઈને એ ચાર માણસોની લાશ ખોદી કાઢી. ચારેયની આંખો પર પટ્ટી બાંધેલી હતી. તેઓના હાથ પણ બાંધેલા હતા. પોસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું કે તેઓને જીવતા દાટી દેવામાં આવ્યા હતા.

આ બનાવો કંઈ કોઈ મારફાટ ભરેલી વાર્તામાંથી લીધેલા નથી. એ કોઈ હિંસાથી ભરેલી ફિલ્મના પણ દૃશ્યો નથી. આ બધા સાચા બનાવો છે, જે અમુક સમય પહેલાં દક્ષિણ અમેરિકાના એક દેશના ન્યૂઝપેપરની હેડલાઇન હતા. પણ એવા ઘોર અપરાધ ફક્ત ત્યાં જ નથી થતા. એ આખી દુનિયામાં થતા રહે છે.

બૉમ્બ ફૂટતા રહે છે. આંતકવાદીઓ હુમલા કરતા રહે છે. ખૂન, મારા-મારી, બળાત્કાર. આવા ક્રૂર ગુના રોજ સમાજમાં થતા જ રહે છે. દરરોજ ન્યૂઝપેપર કે ટીવી ચેનલો આવા સમાચાર બતાવતા હોય છે. દિન ને રાત એ જોઈને લોકો પર હવે એની કંઈ અસર થતી નથી.

તમે ચોક્કસ વિચાર્યું હશે: ‘દુનિયા કેમ આટલી બગડી ગઈ છે? કેમ કોઈ એકબીજાને પ્રેમ બતાવતું નથી? લોકોને કેમ જીવનની કોઈ કિંમત નથી? આવી દુનિયામાં રહેવાનું કોને ગમે?’

હવે આ ક્રૂર બનાવોને એક બાજુ મૂકો અને ૬૯ વર્ષના હેરીભાઈનો વિચાર કરો. તે કૅનેડામાં રહે છે. તેમને કૅન્સર છે. તેમની પત્નીને મલ્ટિપલ સ્કલરોસિસ (જ્ઞાનતંત્રનો રોગ) છે. તેમના પડોશીઓ ને મિત્રો દરરોજ બંનેને મદદ કરવા આવે છે. હેરીભાઈ કહે છે, ‘અમે અમારી જાતે કંઈ કરી શકતા નથી. જો તેઓ ન હોત, તો અમે બંને સાવ નિઃસહાય બની જાત.’ કૅનેડામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાં જોવા મળ્યું કે ૫૦ ટકાથી વધારે લોકો અજનબીઓની સંભાળ લે છે. એટલે કે ઓળખતા પણ ન હોય એવા મોટી ઉંમરના લોકોની તેઓ સંભાળ રાખે છે. કદાચ તમે પણ અમુકને ઓળખતા હશો જે દરરોજ તમારા માટે કંઈ ને કંઈ કામ કે સેવાચાકરી કરે છે. એ બતાવે છે કે માણસ ક્રૂર બનવાને બદલે એકબીજાને પ્રેમ ને દયા બતાવી શકે છે.

તો પ્રશ્ન એ થાય કે દુનિયામાં કેમ આટલી બધી ક્રૂરતા છે? શા માટે અત્યાચાર છે? જેઓનો સ્વભાવ જંગલી જાનવર જેવો છે, શું તેઓ કદી બદલાઈ શકે? શું દુનિયાની ખરાબ હાલત કદી સુધરશે? જો શક્ય હોય તો, એ ક્યારે અને કેવી રીતે થશે? (w 07 4/15)

[Picture Credit Line on page 3]

રેલ ગાડી: CORDON PRESS