સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું વચન તમને ખરા માર્ગે દોરે

ઈશ્વરનું વચન તમને ખરા માર્ગે દોરે

ઈશ્વરનું વચન તમને ખરા માર્ગે દોરે

“મારા પગોને સારુ તારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારુ અજવાળારૂપ છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

૧, ૨. શા માટે મોટા ભાગના લોકો જીવનમાં સુખ-શાંતિની મંજિલ પામી શક્યા નથી?

 માની લો કે તમે કોઈ મિત્રના ઘરે જઈ રહ્યા છો. કયા રોડથી આવવું, ક્યાં વળી જવું વગેરે માહિતી તમારા મિત્રએ આપી છે. તમે હવે તેના ઘરની નજીક પહોંચી ગયા છો. તોપણ ખાતરી કરવા કોઈને રસ્તો પૂછો છો. કે પછી તમે ભૂલા પડી ગયા હોવાથી પાછા જઈને ફરીથી રસ્તો શોધો છો. ગમે એ હોય, પણ જો તમે એ વિસ્તારથી, સરનામાંથી સારી રીતે જાણકાર કોઈ વ્યક્તિને પૂછશો, તો સહેલાઈથી મિત્રનું ઘર શોધી શકશો! પછી તમે સીધા મિત્રના ઘરે પહોંચી જશો.

હજારો વર્ષોથી ઇન્સાન એક રાહ શોધી રહ્યો છે. એ છે જીવનની રાહ. સુખ-શાંતિની રાહ. જીવનની એ ખરી મંજિલે પહોંચવા તેણે ઘણી કોશિશ કરી છે. તેણે એમાં જીવનદાતા યહોવાહ ઈશ્વરની કોઈ મદદ લીધી નથી. એનું શું પરિણામ આવ્યું છે? ઈશ્વર વગર માણસ જીવનની ભૂલભૂલામણીમાં એવો તો અટવાઈ ગયો છે કે ન પૂછો વાત. માણસ માત્ર ભૂલને પાત્ર. તે ઈશ્વરની મદદ વગર સુખ-શાંતિ પામી જ ન શકે. માણસ કેમ એ મંજિલે પહોંચી શક્યો નથી? આશરે ૨,૫૦૦ વર્ષ અગાઉ પયગંબર યિર્મેયાહે લખ્યું હતું, “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) જે કોઈ યોગ્ય મદદ વગર પોતાની મેળે જ જીવનની મંજિલ શોધે છે એ છેવટે નાસીપાસ થાય છે. સાચે જ માણસને ખરી રાહ બતાવનાર કોઈની જરૂર છે.

૩. શા માટે યહોવાહ એકલા જ આપણને સૌથી સારું માર્ગદર્શન આપી શકે છે? તેમણે કેવું વચન આપ્યું છે?

યહોવાહ ઈશ્વર સિવાય બીજું કોઈ ઇન્સાનને જીવનની મંજિલ બતાવી શકતું નથી. શા માટે? એક તો તે આપણા સર્જનહાર છે. તે આપણી રગેરગ જાણે છે, આપણી કમજોરી, નબળાઈ, બધું જ જાણે છે. ખાસ તો માણસજાત ક્યારે અને કેવી રીતે ખરી રાહમાંથી ભટકી ગઈ અને ભૂલાવામાં પડી એ બધું જ તે જાણે છે. યહોવાહને એ પણ ખબર છે કે ઇન્સાન પાછો ખરી રાહ પર ચાલવા લાગે એ માટે શાની જરૂર છે. તે હંમેશાં જાણતા હોય છે કે આપણા માટે સૌથી સારું શું છે. (યશાયાહ ૪૮:૧૭) આપણે ગીતશાસ્ત્ર ૩૨:૮માં તેમણે આપેલા આ વચન પર પૂરો ભરોસો મૂકી શકીએ: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” એમાં કોઈ શંકા નથી કે યહોવાહ જ સૌથી સારું માર્ગદર્શન આપી શકે છે. તે કઈ રીતે આપણને જીવનની રાહ પર દોરે છે?

૪, ૫. યહોવાહનાં વચનો કઈ રીતે આપણને જીવનની રાહ પર દોરે છે?

ગીતશાસ્ત્રના એક લેખકે પ્રાર્થનામાં યહોવાહને કહ્યું હતું: “મારા પગોને સારુ તારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારુ અજવાળારૂપ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) દીવા જેવા યહોવાહનાં વચનો કે માર્ગદર્શન આપણને ક્યાંથી મળી શકે? બાઇબલમાંથી. એ આપણને જીવનની રાહમાં આવતી મુશ્કેલીઓ કે અડચણોને પાર કરવા મદદ કરે છે. આપણે બાઇબલ વાંચીએ અને એ મુજબ જીવનમાં ચાલીએ ત્યારે આપણે પોતે યશાયાહના આ શબ્દો જેવું અનુભવીએ છીએ: “જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.”—યશાયાહ ૩૦:૨૧.

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫ને ધ્યાન આપો. એ જણાવે છે કે બાઇબલ આપણને જીવનની રાહ પર મુખ્ય બે રીતોએ દોરે છે. એક તો, એ આપણા પગોને સારુ દીવારૂપ છે. રોજ આપણા જીવનમાં કંઈને કંઈ મુશ્કેલી તો આવતી જ રહે છે. કે પછી કોઈ ને કોઈ નિર્ણય લેવા પડે છે. એવા વખતે જીવનમાં સારા નિર્ણયો લેવા અને હાનિ કે દુષ્ટ દુનિયાના ફાંદાથી બચવા બાઇબલના સિદ્ધાંતો આપણને મદદ કરે છે. બીજું, યહોવાહનાં વચનો આપણા માર્ગમાં અજવાળું પાથરે છે. એટલે કે આપણને ભાવિ માટે એવા નિર્ણયો લેવા મદદ કરે છે જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય. તેમ જ નવી દુનિયામાં કાયમ જીવવાની આશાને પણ એ વચનો દૃઢ કરે છે. જીવનની રાહ પર આ વચનો જાણે અજવાળું પાથરે છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવા નિર્ણયો લેવા, કયા માર્ગ પર ચાલવું. એના સારાં કે ખરાબ પરિણામો પણ આપણે જોઈ શકીએ છીએ. (રૂમી ૧૪:૨૧; ૧ તીમોથી ૬:૯; પ્રકટીકરણ ૨૨:૧૨) ચાલો જરા જોઈએ કે બાઇબલમાં યહોવાહનાં વચનો કઈ રીતે આપણાં પગોને સારુ દીવારૂપ છે અને કઈ રીતે આપણા માર્ગમાં અજવાળું પાથરે છે.

‘મારા પગોને સારુ દીવારૂપ’

૬. કેવા સંજોગોમાં ઈશ્વરનાં વચનો આપણા પગોને સારુ દીવારૂપ બની શકે?

આપણે રોજ કોઈ ને કોઈ નિર્ણય લઈએ છીએ. કોઈ નાના તો કોઈ મોટા. કોઈ વાર આપણી કસોટી કરતા નિર્ણયો લેવા પડે. જેમ કે, આપણે સારા સંસ્કાર પકડી રાખીશું કે નહિ. પ્રમાણિક રહીશું કે નહિ. દેશભક્તિને પ્રથમ મૂકીશું કે ઈશ્વરભક્તિને. આવી કસોટીમાં પાર ઊતરવા આપણી ‘પોતાની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવા કેળવાયેલી’ હોવી જોઈએ. (હેબ્રી ૫:૧૪) એમ આપણે કઈ રીતે કરી શકીએ? બાઇબલનું ખરું જ્ઞાન લઈને. એના સિદ્ધાંતોની ખરી સમજ મેળવીને. એમ કરીને આપણે યહોવાહ ખુશ થાય એવા નિર્ણયો લેવા પોતાના અંતઃકરણને કેળવીએ છીએ.—નીતિવચનો ૩:૨૧.

૭. કેવા સંજોગો ઊભા થઈ શકે જેમાં યહોવાહને ભજતા ન હોય એવાં લોકો તમારી સાથે વધારે હળવા-મળવા માંગે છે?

હવે આ દાખલાનો વિચાર કરો. શું તમે યહોવાહના હૃદયને આનંદ પમાડવા બનતું બધું કરી રહ્યા છો? (નીતિવચનો ૨૭:૧૧) જો એમ હોય તો, તમને શાબાશી આપીએ છીએ. પણ હવે આ સંજોગનો વિચાર કરો. માની લો કે નોકરી પર તમારા સાથી કામદાર તમને પિકનિક પર કે કોઈ જગ્યાએ તેઓ સાથે ફરવા જવા આમંત્રણ આપે છે. તેમને નોકરી પર તમારો સાથ ખૂબ ગમે છે. હવે તે તમારી સાથે કામ સિવાય વધારે હળવા-મળવા, વધારે સમય પસાર કરવા ચાહે છે. તમને પણ થશે કે ‘આ લોકો તો બહુ સારા છે.’ તેઓના સંસ્કાર પણ સારા છે. હવે તમે શું કરશો? શું એ આમંત્રણ સ્વીકારવામાં કોઈ જોખમ છે? આ વિષે સારો નિર્ણય લેવા બાઇબલ તમને કેવી રીતે મદદ કરી શકે?

૮. દુનિયાના લોકોની સોબત વિષે બાઇબલના કયા સિદ્ધાંતો આપણને મદદ કરે છે?

ચાલો આ વિષયમાં બાઇબલમાંથી અમુક સિદ્ધાંતો તપાસીએ. કદાચ તમને ૧ કોરીંથી ૧૫:૩૩નો સિદ્ધાંત યાદ આવતો હશે: “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” શું આ સિદ્ધાંતને વળગી રહેવાનો અર્થ એમ થાય કે યહોવાહને ભજતા નથી એવા લોકોની જરાય સોબત ન રાખવી જોઈએ? ના. બાઇબલ ક્યાંય એવી મના કરતું નથી. ખુદ પ્રેરિત પાઊલ “સર્વેની સાથે” માયાળુપણે વર્ત્યા. તેઓને પ્રેમ બતાવ્યો. એમાં યહોવાહને ન ભજતા લોકો પણ આવી જતા હતા. (૧ કોરીંથી ૯:૨૨) ખ્રિસ્તી ધર્મની આ જ તો એક આગવી ઓળખ છે. બાઇબલ આપણને આજ્ઞા કરે છે કે આપણે સર્વ લોકોમાં રસ લઈએ, કાળજી બતાવીએ. એમાં યહોવાહને ભજતા નથી એવા લોકો પણ આવી જાય છે. (રૂમી ૧૦:૧૩-૧૫) બાઇબલ કહે છે કે ‘આપણે બધાંઓનું સારું કરીએ.’ પણ જો આપણે એવા લોકોથી દૂર રહીએ જેઓને આપણી જરૂર છે તો, આપણે એ સલાહ પાળતા નથી.—ગલાતી ૬:૧૦.

૯. કામ પર બીજાઓ સાથે કેવો સંબંધ રાખવો એ વિષે બાઇબલની કઈ સલાહ આપણને મદદ કરી શકે?

આ બતાવે છે કે આપણે સાથે કામ કરનારને સાવ તરછોડી દેવા ન જોઈએ. તેઓ સાથે કામ સિવાય પણ બોલવાનું બંધ કરી દેવું ન જોઈએ. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે તેઓના જિગરજાન દોસ્ત બની જઈએ. બીજાઓ સાથે મળતાવડા બનવું અને તેઓના દિલોજાન મિત્ર બનવું એમાં ફરક છે. પ્રેરિત પાઊલે આ વિષે ખ્રિસ્તીઓને ચેતવતા લખ્યું: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.” (૨ કોરીંથી ૬:૧૪) અહીંયા ‘અઘટિત સંબંધ ન રાખવાનો’ શું અર્થ થાય? અમુક બાઇબલ અનુવાદો આમ કહે છે: “તેઓની સોબત ન રાખો.” “તેમના જેવા બની કાર્ય કરવાનો પ્રયત્ન ન કરો.” સાથે કામ કરનાર જોડેનો સંબંધ ક્યારે “અઘટિત” કે અયોગ્ય બને છે? આ વિષે બાઇબલ આપણને સારું માર્ગદર્શન આપે છે.

૧૦. (ક) ઈસુએ મિત્રોને પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખ્યું? (ખ) કેવા લોકોની સોબત રાખવી એ વિષે નિર્ણય લેવા કેવા સવાલો આપણને મદદ કરી શકે?

૧૦ ઈસુનો દાખલો લો. ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારથી ઈસુ માણસજાતને ખૂબ ચાહે છે. (નીતિવચનો ૮:૩૧) ધરતી પર હતા ત્યારે ઈસુ તેમના શિષ્યોને ગાઢ મિત્રની જેમ ચાહતા હતા. (યોહાન ૧૩:૧) ગેરમાર્ગે દોરાયેલા એક માણસ ઉપર પણ ઈસુને “હેત આવ્યું.” (માર્ક ૧૦:૧૭-૨૨) પરંતુ કંઈ બધા જ ઈસુના ખાસ મિત્રો ન હતા. ઈસુ એ વાતનું ખાસ ધ્યાન રાખતા કે ઈશ્વરને માર્ગે ચાલતા હોય એ જ તેમના મિત્રો હોય. ઈશ્વરની ઇચ્છા મુજબ ન ચાલનારા લોકો સાથે ઈસુ વધારે હળતા-મળતા ન હતા. એક પ્રસંગે ઈસુએ કહ્યું: “જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.” (યોહાન ૧૫:૧૪) ખરું કે તમે કોઈ સાથી કર્મચારી સાથે હળશો-મળશો. પરંતુ આના પર જરૂર વિચાર કરજો: ‘શું આ વ્યક્તિ ઈસુની આજ્ઞા મુજબ ચાલવા તૈયાર છે? શું તે યહોવાહ વિષે શીખવા માંગે છે? ઈસુના શિષ્ય તરીકે હું જે સંસ્કાર પાળું છે, શું તેના પણ એવા જ સંસ્કાર છે?’ (માત્થી ૪:૧૦) હવેથી નોકરી પર તમને જેઓની સોબત ગમે છે તેઓ સાથે વાત કરતી વખતે આ સવાલો ધ્યાનમાં રાખજો. બાઇબલના ધોરણો મુજબ ચાલવા તેઓને જણાવતા રહેજો. પછી તમને આપોઆપ એના જવાબ મળી જશે.

૧૧. દાખલા આપીને સમજાવો કે કેવા સંજોગોમાં ઈશ્વરનાં વચનો આપણા પગોને સારુ દીવારૂપ છે.

૧૧ જીવનમાં એવા તો બીજા ઘણા સંજોગો છે જેમાં ઈશ્વરનાં વચનો આપણા પગોને સારુ દીવા જેવા છે. દાખલા તરીકે, તમે બેરોજગાર છો. નોકરીની શોધમાં છો. એવામાં નોકરીની ઑફર આવે છે. પણ એ ઘણો સમય માંગી લે છે. જો તમે એ નોકરી સ્વીકારશો તો અમુક મિટિંગોમાં જઈ નહિ શકો. તેમ જ એનાથી પ્રચાર અને સેવાના બીજાં પાસાંઓમાં પણ અસર પડશે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫) કદાચ આપણે આનંદપ્રમોદ માટે એવા પ્રોગ્રામ જોવા લલચાઈએ જે બાઇબલના સિદ્ધાંતો તોડતું હોય. (એફેસી ૪:૧૭-૧૯) અથવા, કોઈને મંડળના બીજા કોઈ ભાઈ કે બહેનના વાણી-વર્તનથી ઠોકર લાગે. મનદુઃખ થાય. (કોલોસી ૩:૧૩) આવા કોઈ પણ સંજોગોમાં આપણે બાઇબલની સલાહ શોધીશું તો, એ જરૂર આપણા માટે દીવારૂપ બનશે. હા, આપણે બાઇબલના સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડીશું તો ગમે એવી મુશ્કેલીમાં માર્ગ કાઢી શકીશું. બાઇબલ તો “સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.”—૨ તિમોથી ૩:૧૬, કોમન લેંગ્વેજ.

“મારા માર્ગને સારુ અજવાળારૂપ”

૧૨. ઈશ્વરનાં વચનો કઈ રીતે આપણા માર્ગમાં અજવાળું પાથરે છે?

૧૨ ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫ પણ જણાવે છે કે યહોવાહનાં વચનો આપણા માર્ગમાં અજવાળું પાથરે છે. જીવનમાં ખરી રાહ બતાવે છે. જ્યારે ભવિષ્યની વાત આવે છે ત્યારે આપણે અંધકારમાં નથી. કેમ કે બાઇબલ સાફ જણાવે છે કે આજે કેમ દુનિયાની હાલત ખરાબ છે, નજીકના ભવિષ્યમાં શું થવાનું છે. ખરેખર, આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ દુષ્ટ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) આગળ ભાવિમાં શું થવાનું છે એ જાણ્યા પછી એની આપણા હાલના જીવન પર ઊંડી અસર પડવી જોઈએ. પ્રેરિત પીતરે લખ્યું: ‘તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? ઈશ્વરનો એ દિવસ આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.’—૨ પીતર ૩:૧૧, ૧૨.

૧૩. આપણા સમય વિષે સાવધ રહેવાથી એની આપણા વિચારો ને રહેણી-કરણી પર કેવી અસર પડવી જોઈએ?

૧૩ આપણે કેવું વિચારીએ છીએ, કેવું જીવન જીવીએ છીએ એનાથી ઈશ્વરમાં આપણી અટલ શ્રદ્ધા દેખાઈ આવવી જોઈએ. આપણે ભૂલીએ નહિ કે “જગત તથા તેની લાલસા જતાં રહે છે.” (૧ યોહાન ૨:૧૭) બાઇબલની સલાહ સાંભળવાથી આપણે જીવનમાં સારા નિર્ણયો લઈ શકીશું. ઈશ્વર ખુશ થાય એવા ધ્યેયો રાખી શકીશું. દાખલા તરીકે, ઈસુએ કહ્યું હતું: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૩૩) આજે ઈસુના આ શબ્દોમાં પૂરી શ્રદ્ધા મૂકીને ઘણા યુવાનો ફુલટાઇમ યહોવાહનો સંદેશો પ્રચાર કરી રહ્યા છે. એ માટે આપણે તેઓને શાબાશી આપીએ છીએ. ઘણા તો જ્યાં બહુ જ જરૂર છે એવા દેશોમાં રહેવા જઈને પ્રચાર કરી રહ્યા છે. અમુક આખા કુટુંબ તરીકે બીજા દેશોમાં સેવા કરવા રહેવા ગયા છે.

૧૪. એક કુટુંબે યહોવાહની સેવામાં વધારે કરવા કેવું પગલું ભર્યું?

૧૪ અમેરિકાના એક કુટુંબનો વિચાર કરો. એમાં માતા-પિતા, એક દીકરો અને એક દીકરી. તેઓ ડોમિનિકન પ્રજાસત્તાકમાં રહેવા ગયા, જેથી ત્યાં વધારે પ્રચાર કરી શકે. તેઓ ૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા એક નાના શહેરમાં રહીને ત્યાંના એક મંડળમાં સેવા આપવા લાગ્યા. એ મંડળમાં આશરે ૧૩૦ પ્રકાશકો. તોપણ એપ્રિલ ૧૨, ૨૦૦૬માં ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરવા રાખેલા મેમોરિયલમાં આશરે ૧,૩૦૦ લોકો આવ્યા હતા! એ વિસ્તાર ‘કાપણીને સારુ એટલો તો પાકી ચૂક્યો છે’ કે આ કુટુંબ ત્યાં ગયું એના પાંચ જ મહિનામાં તેઓ ૩૦ બાઇબલ સ્ટડી ચલાવતા હતા! (યોહાન ૪:૩૫) કુટુંબના પિતા કહે છે: “આ મંડળમાં ત્રીસેક ભાઈ-બહેનો એવા છે જે અમારી જેમ બીજા દેશોમાંથી મંડળને મદદ કરવા આવ્યા છે. એમાંથી વીસેક અમેરિકાથી અને બાકીના બહામા, કૅનેડા, ઇટાલી, ન્યૂ ઝીલૅન્ડ અને સ્પેઇનથી આવ્યા છે. તેઓ બધા પૂરા જોશથી પ્રચાર કરે છે. આ મંડળના ભાઈઓ પર એની જોરદાર અસર પડી છે. તેઓ હવે સેવામાં ઓર જોશીલા અને ઉત્સાહી બન્યા છે.”

૧૫. યહોવાહના રાજ્યને જીવનમાં પ્રથમ મૂકવાથી તમને કેવા આશીર્વાદો મળ્યા છે?

૧૫ ખરું કે જ્યાં ખૂબ જરૂર છે એવા દેશોમાં વધારે સેવા આપવા ઘણા નહિ જઈ શકે. પરંતુ જેઓ જઈ શકે છે, કે પછી પોતાના સંજોગોમાં ફેરફાર કરીને બીજા દેશમાં સેવા માટે જાય છે, તેઓ આ રીતે પ્રચારમાં વધારે કરીને ઘણા આશીર્વાદો લણશે. ભલે તમે ગમે ત્યાં સેવા આપો, તન-મનથી આપો. એનાથી તમને યહોવાહની ભક્તિમાં અપાર ખુશી મળશે. તમે જીવનમાં યહોવાહના રાજ્યને પ્રથમ મૂકશો તો, યહોવાહ વચન આપે છે કે તે ‘સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી આપશે.’—માલાખી ૩:૧૦.

યહોવાહના માર્ગદર્શનનો લાભ ઉઠાવો

૧૬. બાઇબલ કઈ રીતે જીવનમાં ખરા માર્ગ પર દોરે છે?

૧૬ આપણે જોઈ ગયા કે યહોવાહ બાઇબલ દ્વારા બે રીતે આપણને જીવનમાં દોરે છે. એ આપણા પગોને સારુ દીવારૂપ છે. જીવનમાં ખરી રાહ પર ચાલવા મદદ કરે છે. ખરો નિર્ણય લેવા આપણને સારું માર્ગદર્શન આપે છે. અને બાઇબલ આપણા માર્ગમાં અજવાળું પાથરે છે, ભાવિમાં શું રહેલું છે એ જોવા મદદ કરે છે. એ પછી આપણને પીતરની આ સલાહ મુજબ ચાલવા મદદ કરે છે: “એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.”—૧ પીતર ૧:૧૩.

૧૭. યહોવાહનું માર્ગદર્શન મેળવવા બાઇબલ અભ્યાસ આપણને કેવી રીતે મદદ કરે છે?

૧૭ એમાં કોઈ શંકા નથી કે યહોવાહ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. પણ સવાલ એ ઊભો થાય છે કે શું તમે એને સ્વીકારશો? યહોવાહ જીવનમાં જે માર્ગદર્શન આપે છે એને સારી રીતે સમજવા મનમાં ગાંઠ વાળો કે તમે રોજ બાઇબલ વાંચશો. જે કંઈ વાંચશો એના પર વિચાર કરશો. યહોવાહની ઇચ્છા શું છે એ પારખશો. પછી વિચાર કરજો કે કઈ રીતોએ એ માહિતી તમે જીવનમાં લાગુ પાડી શકો. (૧ તીમોથી ૪:૧૫) આમ તમે કોઈ નિર્ણય લેતા પહેલાં ‘બુદ્ધિનો’ સારો ઉપયોગ કરો છો.—રૂમી ૧૨:૧.

૧૮. બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી કેવા આશીર્વાદો મળશે?

૧૮ આપણે યહોવાહનું માર્ગદર્શન સ્વીકારીએ છીએ ત્યારે એ ઘણી રીતે જીવનમાં મદદ કરે છે. જેમ કે, બાઇબલના સિદ્ધાંતો આપણને જીવનની રાહ પર કઈ રીતે ચાલવું એ શીખવે છે. તેમ જ જીવનમાં શું કરવું, કયો માર્ગ પસંદ કરવો વગેરેમાં નિર્ણય લેવામાં મદદ કરે છે. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાહનાં વચનો “અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૭) રોજ-બ-રોજના જીવનમાં બાઇબલનું માર્ગદર્શન સ્વીકારીએ ત્યારે, આપણે ઘણા આશીર્વાદો મેળવીએ છીએ. જેમ કે, આપણું મન ચોખ્ખું હશે, યહોવાહ આપણા પર ખુશ હશે. એના જેવો સંતોષ આપણને બીજા કશાથી નહિ મળે. (૧ તીમોથી ૧:૧૮, ૧૯) જીવનમાં ડગલે ને પગલે ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારીને ચાલીશું તો, યહોવાહ છેવટે આપણને અનંતજીવનનું મોટું ઇનામ આપશે.—યોહાન ૧૭:૩. (w 07 5/1)

શું તમને યાદ છે?

• યહોવાહ આપણને જીવનમાં ખરી રાહ બતાવે એ કેમ બહુ જરૂરી છે?

• કઈ રીતે ઈશ્વરનાં વચનો આપણાં પગોને સારુ દીવારૂપ બની શકે?

• આપણા માર્ગમાં યહોવાહનાં વચનો કઈ રીતે અજવાળું પાથરી શકે?

• બાઇબલ અભ્યાસ કઈ રીતે આપણને યહોવાહનું માર્ગદર્શન મેળવવા મદદ કરે છે?

[Study Questions]

[Picture on page 19]

યહોવાહને ભજતી નથી એવી વ્યક્તિ સાથેની સોબત ક્યારેક આપણને મુશ્કેલીમાં મૂકી શકે

[Picture on page 20]

યહોવાહની ઇચ્છા મુજબ ચાલતા હતા ફક્ત તેઓ જ ઈસુના ખાસ મિત્રો હતા

[Picture on page 21]

શું આપણી રહેણી-કરણી બતાવી આપે છે કે આપણે યહોવાહના રાજ્યને જીવનમાં પ્રથમ મૂકીએ છીએ?