સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક્રૂરતાનો અંત કદી આવશે?

ક્રૂરતાનો અંત કદી આવશે?

ક્રૂરતાનો અંત કદી આવશે?

આજે લોકો કેમ આટલા ક્રૂર છે, મારા-મારી કરે છે? સ્વાર્થને લીધે. એ સ્વાર્થના બી ઘણાં વર્ષો પહેલાં લોકોના મનમાં રોપાયાં હતાં. એટલે આજના જમાનામાં લોકોને પોતાના સિવાય બીજા કોઈની પડી નથી. તેઓ બસ મન ફાવે તેમ કરે છે. અરે, પોતાને મન ફાવે એમ કરવા અમુક લોકો જ નહિ, પણ દેશના નેતાઓ પણ ખૂનખરાબી માટે તૈયાર થઈ જાય છે!

ઘણાને મન જીવનની કોઈ કિંમત નથી. અરે, અમુકને તો ક્રૂર બનવામાં મઝા આવે છે. ઘણા ગુનેગારોએ કબૂલ્યું છે કે તેઓએ કોઈ કારણને લીધે નહિ, પણ ફક્ત મઝા માટે મારા-મારી કરી છે, ખૂનખરાબી કરી છે. ભલે મોટા ભાગના લોકો એવું કદી નહિ કરે, તોપણ તેઓને ઢીસૂમ-ઢીસૂમ ને મારપીટ, હિંસાથી ભરેલી ફિલ્મો જોવાની મઝા આવે છે. તેઓને ખુશ કરવા ફિલ્મવાળા હિંસાથી ભરેલી ફિલ્મો બનાવીને કરોડપતિ બની ગયા છે. દિન ને રાત કાપાકાપી ને મારામારીના સમાચાર અને ફિલ્મો જોઈને લોકો પથ્થર દિલના બની ગયા છે.

જો કોઈએ નાનપણથી અત્યાચાર સહ્યો હોય, તો એની છાપ તેના મનમાં જ રહી જાય છે. મોટા થયા પછી તે પણ ક્રૂરતાથી વર્તવા માંડે છે. આના વિષે મૅક્સિકોના નેશનલ ઑટોનોમસ યુનિવર્સિટીના એક પ્રોફેસર, નેઓમી ડિએઝ મારોક્વીન આમ કહે છે: ‘લોકો જનમથી ક્રૂર નથી હોતા, પણ મોટા થતા જાય તેમ શીખે છે. અરે સમાજ ફક્ત હિંસાને ચાલવા જ નથી દેતો, એને ઉશ્કેરે પણ છે.’ અફસોસની વાત છે કે જેઓ જુલમ ને ક્રૂરતાનો શિકાર બન્યા છે, તેઓ પણ મોટા થઈને અત્યાચારી બને છે.

બીજા ઘણા એવા છે જે અતિશય દારૂ કે ડ્રગ્સ લેતા હોય છે. તેઓ પછી નશામાં ક્રૂર રીતે વર્તે છે. અમુક એવા પણ છે જે સરકારોથી કંટાળીને આતંકવાદી બની જાય છે. પણ મોટા ભાગના કિસ્સામાં બિચારા નિર્દોષ લોકો જ એનો શિકાર બને છે.

તમને કદાચ થશે: ‘શું લોકો આપમેળે ક્રૂર બનતા શીખે છે? આજની હાલત કેમ આટલી બગડી ગઈ છે? કોનો વાંક છે?’

ક્રૂરતા પાછળ કોનો હાથ છે?

બાઇબલ જણાવે છે કે સર્વ ક્રૂરતા કે દુષ્ટતા પાછળ એક ખરાબ સ્વર્ગદૂત છે. એ શેતાન છે. તે ‘જગતનો દેવ’ છે. (૨ કોરીંથી ૪:૪) દુનિયામાં ક્રૂરતા ને સ્વાર્થ ફેલાવવામાં તે નંબર વન છે. ઈસુએ કહ્યું હતું કે તે “મનુષ્યઘાતક” અને “જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૪.

સૌથી પહેલું માનવ યુગલ આદમ ને હવાએ યહોવાહ ઈશ્વરની આજ્ઞા તોડી ત્યારથી જ દુનિયા શેતાનના હાથમાં આવી ગઈ છે. તેથી, ક્રૂર સ્વભાવનું મૂળ શેતાન છે. (ઉત્પત્તિ ૩:૧-૭, ૧૬-૧૯) આદમ ને હવાએ પાપ કર્યું એના ૧,૫૦૦ વર્ષ પછી તો દુનિયાની હાલત રાતોરાત બગડતી ગઈ. ત્યારે અમુક સ્વર્ગદૂતોએ મનમાં ખરાબ વિચાર કર્યો. પૃથ્વી પર માણસનો અવતાર લઈને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યો. તેઓના એ સંબંધથી રાક્ષસ જેવા બાળકો જન્મ્યા. તેઓ કેવા હતા? ‘તેઓ ખૂની હતા.’ પાપી હતા. તેઓની નસ નસમાં હિંસા વહેતી હતી. તેઓ ગંદા ગંદા કામો કરતાં હતાં. ઈશ્વરે પૃથ્વી પર મહાપૂર લાવીને આ રાક્ષસોને ખતમ કર્યા ત્યાં સુધી તેઓ લોકો પર જુલમ કરતા રહ્યા. (ઉત્પત્તિ ૬:૪, ૫, ૧૭) ભલે આ રાક્ષસો પૂરમાં માર્યા ગયા, તેઓના પિતા જીવતા રહ્યા. એ ખરાબ દૂતો પોતાનું માનવ શરીર છોડીને પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા.—૧ પીતર ૩:૧૯, ૨૦.

વંઠી ગયેલા એ દૂતોનો ક્રૂર સ્વભાવ એક બીજા કિસ્સામાં પણ જોવા મળે છે. એ બનાવ ઈસુના દિવસોમાં બન્યો હતો. એક છોકરાને દુષ્ટ આત્મા કે દૂત વળગ્યો હતો. એ દુષ્ટ દૂતને લીધે છોકરાને ઘડી ઘડી વાઈ આવતી. છોકરાને મારી નાખવા આ દૂત તેને આગમાં કે પાણીમાં કૂદકો મારવા પ્રેરતો. (માર્ક ૯:૧૭-૨૨) એટલે એમાં કોઈ શંકા નથી કે આ ખરાબ દૂતો ‘દુષ્ટતાનાં લશ્કરો’ છે. તેઓમાં દયાનો છાંટોય નથી. તેઓ બસ તેઓના ક્રૂર સેનાપતિ શેતાનના હાથની કઠપૂતળી જ છે.—એફેસી ૬:૧૨.

આજે પણ એ દૂષ્ટ દૂતો માણસજાતને મારા-મારી કરવા ઉશ્કેરે છે. બાઇબલે વર્ષો પહેલાં કહ્યું હતું કે ‘અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે.’ માણસો સ્વાર્થી, ઘમંડી, દગાખોર, દયા અને પ્રેમ વગરના હશે. તેઓ તન-મન પર કાબૂ નહિ રાખી શકે. ક્રોધી હશે. ઈશ્વર પર નહિ, પણ મોજ-શોખના પ્રેમી હશે અને ધર્મને નામે ધતિંગ કરશે.—૨ તીમોથી ૩:૧-૫.

બાઇબલ કહે છે કે આપણું જીવન ખૂબ અઘરું હશે. કેમ? કારણ કે ૧૯૧૪માં ઈશ્વરે સ્વર્ગમાં ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવ્યા પછી તરત ઈસુએ શેતાન અને તેના બધા દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. એટલે બાઇબલ કહે છે: “પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”—પ્રકટીકરણ ૧૨:૫-૯, ૧૨.

તો શું આનો અર્થ એમ થાય કે આપણી માટે કોઈ આશા જ નથી? આપણે ઉપર વાત કરી એ પ્રોફેસર ડિએઝ મારોક્વીન કહે છે: ‘ખરાબ સ્વભાવ બદલી શકાય છે.’ પણ આજે શેતાનનું રાજ ચાલે છે. તો વ્યક્તિ કઈ રીતે ખરાબ સ્વભાવ છોડીને સારું કરતા શીખી શકે? એ માટે વ્યક્તિએ એક શક્તિશાળી ને સારા શિક્ષક તરફથી નવા સંસ્કાર શીખવા પડશે. એ કોણ છે?

સુધારો કરવો શક્ય છે, પણ કઈ રીતે?

સૌથી શક્તિશાળી, સૌથી સારા શિક્ષક ઈશ્વર છે. તેમની મદદથી કોઈ પણ વ્યક્તિ ખરાબ દૂતોની પકડમાંથી બચી શકે છે. ઈશ્વરની શક્તિ એકબીજાને પ્રેમ કરવા પ્રેરે છે. સારું કરવા દોરે છે. પણ એ શક્તિ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? યહોવાહ ખુશ થાય એવાં કામો કરવાં જોઈએ. કોઈ પણ સંજોગમાં ક્રૂર કામો કરવા કે જોવા ઉશ્કેરે એવી લાગણીઓ દિલમાં પેસવા દેવી ન જોઈએ. આપણે પોતાનો પૂરો સ્વભાવ બદલવો પડશે. ઈશ્વરની મરજી મુજબ જીવવું પડશે. તેમની મરજી શું છે? એ જ કે આપણે બને તેમ ઈશ્વરની જેમ વર્તીએ. જેમ ઈશ્વર સર્વ વિષે સારું વિચારે છે, તેમ આપણે પણ વિચારવું જોઈએ.—એફેસી ૫:૧, ૨; કોલોસી ૩:૭-૧૦.

જો તમે બાઇબલમાંથી યહોવાહ ઈશ્વરના સ્વભાવ વિષે તપાસશો, તો શું જોવા મળશે? એ જ કે યહોવાહ સર્વનું ભલું ચાહે છે. તે કદીયે અન્યાય કરતા નથી. પછી ભલેને એ માણસ હોય કે જાનવર. * (પુનર્નિયમ ૨૨:૧૦; ગીતશાસ્ત્ર ૩૬:૭; નીતિવચનો ૧૨:૧૦) યહોવાહ દરેક જાતની ક્રૂરતાને ધિક્કારે છે. નિર્દય લોકોને પણ તે ધિક્કારે છે. (નીતિવચનો ૩:૩૧, ૩૨) યહોવાહ કહે છે કે જેઓ તેમને ભજવા ચાહતા હોય, તેઓએ સારો સ્વભાવ કેળવવો પડશે. સારા સ્વભાવના લોકો સર્વને પોતાથી ઊંચા ગણશે ને દિલથી એકબીજાને માન આપશે. (ફિલિપી ૨:૨-૪) આ સારા સ્વભાવમાં બીજા કેવા ગુણો જોવા મળશે? “દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા.” અને સૌથી મહત્ત્વનો ગુણ છે, પ્રેમ. એ એકતા લાવનાર ‘બંધન છે.’ (કોલોસી ૩:૧૨-૧૪) જો લોકોમાં આવા સદ્‍ગુણો હોત તો દુનિયા કેટલી સારી હોત!

કદાચ તમને થશે કે જેમ કૂતરાની પૂંછડી વાંકી જ રહે છે તેમ, અમુક લોકો કદી નહિ સુધરે. પણ ભૂલજો મા, વ્યક્તિ સ્વભાવ બદલી શકે છે. માર્ટિનના દાખલા પર નજર નાખો. * તે ગુસ્સે થઈને પોતાની પત્ની સાથે બૂમાબૂમ કરતો. તેને ખૂબ મારપીટ કરતો, પછી ભલેને બાળકો જોતા હોય. એક વાર તો તે પત્ની પર એટલો ગુસ્સે થયો કે તેના પર તૂટી જ પડ્યો. મમ્મીને બચાવવા, બાળકોએ બાજુવાળાના ઘરે જઈને મદદ માંગી. અમુક વર્ષો પછી, એ પરિવાર યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગ્યો. માર્ટિનને ભાન થયું કે તેનો સ્વભાવ કેવો હોવો જોઈએ ને એકબીજા સાથે કેવો વર્તાવ કરવો જોઈએ. શું તે પોતાનો સ્વભાવ બદલી શક્યો? તેની પત્ની કહે છે: ‘મારા પતિ પહેલાં ગુસ્સે થતા ત્યારે સાવ જ બદલાઈ જતા. આના લીધે વર્ષોથી અમે અમારું જીવન લથડિયા ખાતા ગાડાની જેમ ચલાવતા. પણ હવે મારા વહાલા માર્ટિન સાવ બદલાઈ ગયા છે. યહોવાહ ઈશ્વરના લાખ લાખ શુક્ર. હવે તો તે ખૂબ પ્રેમાળ પિતા અને પતિ છે.’

આ ફક્ત એક જ દાખલો છે. જગતભરમાં લાખો લોકો યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ વિષે શીખ્યા છે. તેઓ પણ ક્રૂર સ્વભાવ છોડીને સારા કામ કરવા લાગ્યા છે. કોઈ શંકા નથી કે કોઈ પણ વ્યક્તિ પોતાનો સ્વભાવ સાવ બદલી શકે છે.

ક્રૂરતાનો અંત નજીક છે

સ્વર્ગમાં ઈશ્વરે એક સરકાર સ્થાપી છે. તેમણે દયાના સાગર ઈસુને એ સરકાર ચલાવવાની જવાબદારી સોંપી છે. ઈસુએ રાજ શરૂ કર્યું ત્યારે તેમણે સ્વર્ગમાંથી શેતાન ને બીજા દુષ્ટ દૂતોને કાઢી મૂક્યા. ઈસુ હવે જલદી જ પૃથ્વી પર શાંતિ લાવશે. ક્રૂર લોકોનું નામ-નિશાન મિટાવી દેશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; યશાયાહ ૧૧:૨-૫) દુનિયાની સર્વ મુશ્કેલીઓ દૂર કરવાનો આ જ એક ઉપાય છે. ઈસુ આ પગલાં લેશે. પણ હમણાં કોઈ તમારા પર જુલમ કરતા હોય તો તમારે શું કરવું જોઈએ?

જો તમે પણ ક્રૂર બનશો તો તમે જાણે આગમાં ઘી હોમો છો. બાઇબલ કહે છે કે આપણે યહોવાહ પર ભરોસો રાખવો જોઈએ. તે પોતાના સમયમાં ‘દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપશે.’ (યિર્મેયાહ ૧૭:૧૦) (“જુલમ સામે તમે શું કરી શકો?” બૉક્સ જુઓ.) જો કોઈ તમારા પર જુલમ કરે તો ચોક્કસ તમને ખૂબ દુઃખ થશે. (સભાશિક્ષક ૯:૧૧) પણ ઈશ્વર બધું ઠીક કરી શકે છે. તમે ભલે કોઈ ગુનેગારને હાથે મરો, તોપણ ઈશ્વર તમને ફરી જીવતા કરશે. જેઓએ જુલમ સહી સહીને દમ તોડ્યો છે, ગુનેગારોને હાથે માર્યા ગયા છે એ લોકો પણ જીવતા થશે. ઈશ્વર પોતે એવું વચન આપે છે.—યોહાન ૫:૨૮, ૨૯.

કદાચ તમને ડર હોય શકે કે તમે કોઈ રીતે જુલમનો શિકાર બનશો તો શું થશે. પણ હિંમત ન હારો. યહોવાહ સાથે પાક્કો નાતો બાંધો. તેમનાં વચનો પર ભરોસો રાખો. એનાથી તમે દિલાસો ને હિંમત મેળવી શકશો. સારાબહેનનો વિચાર કરો. તેમણે પોતાના પતિની મદદ વગર એકલે હાથે બે દીકરાને મોટા કર્યા ને તેઓને સારું ભણતર આપ્યું. તે ઘરડાં થયાં ને પૈસા, દવા-દારૂની જરૂર પડી, ત્યારે તેમના બે દીકરા તેમને છોડીને ચાલ્યા ગયા. કેવો દગો! અમુક સમય બાદ, સારાબહેન યહોવાહ વિષે શીખવા લાગ્યા. તે હવે કહે છે: ‘મને બહુ દુઃખ લાગે છે, તોપણ કેટલું સારું કે યહોવાહે મને છોડી દીધી નથી. મંડળના ભાઈ-બહેનો મને ખૂબ સથવારો આપે છે. તેઓ હંમેશાં મારી સંભાળ રાખે છે. મને પૂરી ખાતરી છે કે નજીકમાં યહોવાહ ફક્ત મારી તકલીફો જ નહિ, પણ તેમના સર્વ ભક્તોની તકલીફો દૂર કરી નાખશે.’

સારાબહેન જે ભાઈ-બહેનોની વાત કરે છે એ કોણ છે? તેઓ યહોવાહના સાક્ષીઓ છે. દુનિયાને ચારેય ખૂણે તેઓ જોવા મળશે. તેઓ ખૂબ પ્રેમાળ લોકો છે. તેઓને ખાતરી છે કે નજીકમાં જુલમ ને ગુનાખોરીનો અંત આવશે. (૧ પીતર ૨:૧૭) ત્યારે શેતાન ને તેના જેવા દુષ્ટ ને ક્રૂર લોકોનો પણ ખાતમો થશે. એક લેખકે કહ્યું હતું કે ‘આ જમાનો ક્રૂરતાથી ભરેલો છે.’ પણ એ નજીકમાં બદલાઈ જશે. કેમ નહિ કે તમે યહોવાહના સાક્ષીઓને મળો ને આ સુંદર ભાવિ વિષે વધુ જાણો. (w 07 4/15)

[Footnotes]

^ ઈશ્વરના સદ્‍ગુણો વિષે વધુ જાણવું હોય તો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું આ પુસ્તક જુઓ: ડ્રો ક્લોઝ ટુ જેહોવાહ.

^ અમુક નામો બદલવામાં આવ્યા છે.

[Box on page 6]

જુલમ સામે તમે શું કરી શકો?

કોઈ તમારા પર જુલમ કરે તો તમારે શું કરવું જોઈએ? બાઇબલ એના વિષે સારી સલાહ આપે છે. વિચાર કરો કે તમે કઈ રીતે આ બાઇબલ કલમો લાગુ પાડી શકો:

“હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો, તે તને ઉગારશે.”—નીતિવચનો ૨૦:૨૨.

“જો ગરીબો પર થતા જુલમને તથા દેશમાં ઇન્સાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો એ વાતથી અચરત ન થા; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે.”—સભાશિક્ષક ૫:૮.

“જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.”—માત્થી ૫:૫.

“માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.

“ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો, જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારુ માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.”—રૂમી ૧૨:૧૭-૧૯.

“ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. . . . તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ; પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો.”—૧ પીતર ૨:૨૧-૨૩.

[Pictures on page 7]

યહોવાહે ઘણા ક્રૂર લોકોને તેઓનો સ્વભાવ બદલીને સારા બનતા શીખવ્યું છે