મારી આખરી ખ્વાહિશ
મારી આખરી ખ્વાહિશ
ઑક્લાહોમા, અમેરિકાના ટલ્સા શહેરમાં એક ભૂલકી રહે. નામ એનું અદ્રીયાના. બાઇબલના અમુક ભજનો રચનાર દાઊદના જેવી જ તેને નાનપણથી એક ખ્વાહિશ હતી. એના વિષે દાઊદે લખ્યું: “યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાહનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારૂં નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યાં કરૂં, અને તેના પવિત્રસ્થાનમાં તેનું ધ્યાન ધરૂં.”—ગીતશાસ્ત્ર ૨૭:૪.
આ ફૂલ જેવી છોકરી હજી તો છ મહિનાની પણ થઈ ન હતી ત્યાં ગંભીર બીમારીમાં પટકાઈ. એવી બીમારી જેનો કોઈ ઇલાજ નહિ. તેને કૅન્સર હતું. તેની નર્વસ સિસ્ટમમાં (ચેતાતંત્ર) ગાંઠ ઊગી હતી જે ધીમે ધીમે વધી રહી હતી. એના લીધે તેના બંને પગે લકવો મારી ગયો. ડૉક્ટરોએ તેની સારવારમાં ઘણાં ઑપરેશન કર્યા, એક વર્ષ સુધી તો કીમોથેરપિની સારવાર કરાવી.
અદ્રીયાના અને તેની મમ્મી યહોવાહના સાક્ષી છે. પણ અદ્રીયાનાના પિતા યહોવાહને નથી ભજતા. તે કોઈ પણ રીતે ફૂલ જેવી દીકરીને ખુશ રાખવા માગતા હતા. એટલે તે જીવલેણ બીમારીથી પીડાતા બાળકોની કોઈ એક ખ્વાહિશ પૂરી કરતી સંસ્થા પાસે ગયા. સંસ્થાના અધિકારીઓને અરજ કરી કે દીકરીને દુનિયાના જાણીતા ફનવર્લ્ડમાં લઈ જાય. એ અરજ પૂરી કરતા પહેલાં અધિકારીઓએ અદ્રીયાનાનો ઇન્ટરવ્યૂ લીધો. તેઓ અદ્રીયાનાને મળવા ગયા અને તેની ખ્વાહિશ પૂરી કરવાનું કહ્યું. પહેલા તો તેણે સંસ્થાના અધિકારીઓનો આભાર માન્યો. પછી કહ્યું કે તેને ફનવર્લ્ડમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. તેને તો પોતાની નાનપણની ખ્વાહિશ પૂરી કરવી છે. તેને યહોવાહના સાક્ષીઓનું બેથેલ, એટલે ન્યૂ યૉર્કમાં આવેલા હેડ ક્વાર્ટરની મુલાકાત લેવી છે. જ્યારે અદ્રીયાનાને ખબર પડી કે ફનવર્લ્ડમાં જવાનો વિચાર તો પપ્પાનો છે, ત્યારે તેણે યહોવાહ ઈશ્વરને પ્રાર્થના કરી, કે તેને બેથેલમાં જવાની તક આપે. સંસ્થાને પહેલા તો લાગ્યું કે બેથેલ જેવી ધાર્મિક સંસ્થામાં જઈને અદ્રીયાના શું કરશે? તેને એમાં જરાય રસ નહિ પડે. બાળકને તો વધારે મોજમજામાં રસ હોય. પણ જ્યારે અદ્રીયાનાના પિતાએ કોઈ વાંધો ન ઉઠાવ્યો ત્યારે, અદ્રીયાનાની ખ્વાહિશ પૂરી કરવા સંસ્થા તૈયાર થઈ ગઈ.
અદ્રીયાના, તેની માતા, મોટી બહેન અને બહેનપણી સાથે પહેલી વાર ન્યૂ યૉર્કમાં બેથેલની મુલાકાત કરવા ગઈ. તેણે કહ્યું: “યહોવાહે મારી પ્રાર્થના સાંભળી છે. મને ખબર હતી કે તે જરૂર બેથેલમાં મારું સ્વાગત કરશે. મેં જોયું કે કેવી રીતે બુક્સ, મૅગેઝિન અને બાઇબલ બને છે. મને તો ફનવર્લ્ડ કરતાં આ બધું જોવાની વધારે મજા આવી.”
અદ્રીયાનાએ જાણે યહોવાહના ‘મંદિરના સૌંદર્યનું અવલોકન કર્યું.’ આજે યહોવાહના ભક્તોની પ્રવૃત્તિ કેવી જોરશોરથી આગળ વધી રહી છે એ જોઈને તેનું હૈયું ઉપકારથી ભરાઈ ગયું. તમે પણ બેથેલની મુલાકાત કરી શકો છો. ન્યૂ યૉર્કમાં આવેલા યહોવાહના સાક્ષીઓના હેડ ક્વાર્ટર કે પછી બીજા દેશોમાં આવેલી તેઓની કોઈ પણ બ્રાન્ચ ઑફિસની તમે મુલાકાત લઈ શકો છો. (w 07 4/15)