સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો, ઈશ્વરને મહિમા મળે એવા ધ્યેય રાખો

યુવાનો, ઈશ્વરને મહિમા મળે એવા ધ્યેય રાખો

યુવાનો, ઈશ્વરને મહિમા મળે એવા ધ્યેય રાખો

“ભક્તિમય જીવન જીવવાની કસરત કર.”—૧ તિમોથી ૪:૭, કોમન લેંગ્વેજ.

૧, ૨. (ક) શા માટે પાઊલે તીમોથીના વખાણ કર્યા? (ખ) આજે યુવાનો ‘ભક્તિમય જીવન જીવવા’ શું કરે છે?

 પહેલી સદીનાં ફિલિપી મંડળને પ્રેરિત પાઊલે પત્રમાં લખ્યું: “તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. . . . જેમ દીકરો બાપની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તાના પ્રસારને સારૂ મારી સાથે સેવા કરી.” (ફિલિપી ૨:૨૦, ૨૨) પાઊલ અહીંયા કોના વખાણ કરતા હતા? તેમની સાથે મુસાફરી કરનાર યુવાન તીમોથીના. પાઊલને તીમોથી પર ખૂબ પ્રેમ હતો, ભરોસો હતો. તીમોથીને પાઊલના એ શબ્દો સાંભળીને કેટલું ઉત્તેજન મળ્યું હશે!

આજે યહોવાહના લોકોમાં તીમોથી જેવા ઘણા યુવાનો છે. તેઓ ઈશ્વરનો ડર રાખીને ચાલે છે. તેઓ મંડળમાં હીરા-મોતી જેવા છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) ઘણા યુવાનો જુદી જુદી રીતે ઈશ્વરની સેવા કરે છે. કોઈ પાયોનિયર તો કોઈ મિશનરી. કોઈ કિંગ્ડમ હૉલ બાંધકામમાં તો કોઈ બેથેલમાં સેવા આપે છે. તેઓ બધા રાજી-ખુશીથી આ રીતોએ ભક્તિમય જીવન જીવે છે. ઈશ્વરનાં સંગઠન માટે આવા યુવાનો એક આશીર્વાદ છે. એવા ભાઈઓને પણ આપણે ભૂલતા નથી, જેઓ બીજી જવાબદારીઓ સાથે ઉત્સાહથી મંડળની જવાબદારી નિભાવે છે. તેઓની આપણે કેટલી કદર કરીએ છીએ! આ યુવાનોએ યહોવાહ ખુશ થાય એવો ધ્યેય જીવનમાં રાખ્યો છે. તેઓને એનાથી જીવનમાં ખરો આનંદ મળે છે. તેઓ ખરેખર યહોવાહની ભક્તિ કરવા બનતું બધું જ કરે છે.—૧ તીમોથી ૪:૭, ૮.

૩. આ લેખમાં આપણે કયા પ્રશ્નો પર વિચાર કરીશું?

તમારા વિષે શું? એક યુવાન તરીકે શું તમે ઈશ્વરને મહિમા મળે એવો ગોલ રાખો છો? એને પહોંચી વળવા બનતું બધું કરો છો? એવો ગોલ રાખવા તમે ક્યાંથી મદદ અને ઉત્તેજન મેળવી શકો? આજની દુનિયા પૈસો અને લેટેસ્ટ વસ્તુઓ પાછળ પાગલ છે ત્યારે, તમે એની અસરથી કેવી રીતે દૂર રહી શકો? ઈશ્વર ખુશ થાય એવો ગોલ રાખશો તો તમે કેવા આશીર્વાદોની આશા રાખી શકો? આ પ્રશ્નોના જવાબ મેળવવા ચાલો તીમોથીના જીવન પર નજર નાખીએ. જોઈએ કે તેમણે જીવનમાં કેવી કૅરિયર પસંદ કરી હતી.

તીમોથી કેવા પરિવારમાં મોટા થયા?

૪. તીમોથીએ એક ખ્રિસ્તી તરીકે કેવી પ્રગતિ કરી એ જણાવો.

તીમોથીનો ઉછેર લુસ્ત્રા નામના નગરમાં થયો હતો. એ રોમન પ્રાંતના ગલાતીયામાં આવેલું હતું. લુસ્ત્રામાં પાઊલે આશરે ઈસવીસન ૪૭માં પ્રચાર કર્યો હતો. ત્યારે તરુણ વયના તીમોથી તેમની પાસેથી ઈસુનું શિક્ષણ લેવા લાગ્યા હતા. જલદી જ તેમણે ખૂબ પ્રગતિ કરી અને ત્યાંના મંડળમાં સારું નામ કમાયા. બે વર્ષ પછી પાઊલ પાછા લુસ્ત્રામાં આવ્યા ત્યારે તેમણે તીમોથીની પ્રગતિ વિષે જાણ્યું. પાઊલે તરત તીમોથીને પોતાના મિશનરી સાથી તરીકે પસંદ કરી લીધા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૫-૨૦; ૧૬:૧-૩) પછી તો તીમોથીનો અનુભવ ને જ્ઞાન વધતા ગયા. તેમને વધારે મોટી જવાબદારી આપવામાં આવી. એમાં તે જુદાં જુદાં મંડળોમાં જઈને ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા, તેઓની શ્રદ્ધા મજબૂત કરતા. પાઊલે લગભગ ઈસવીસન ૬૫માં રોમની જેલમાંથી તીમોથીને પત્ર લખ્યો ત્યારે તે એફેસસ મંડળમાં એક વડીલ તરીકે સેવા આપી રહ્યા હતા.

૫. ૨ તીમોથી ૩:૧૪, ૧૫ પ્રમાણે, કઈ બે બાબતોને લીધે તીમોથી ઈશ્વરને ખુશ કરતો ગોલ રાખી શક્યા?

તીમોથીએ પોતાના જીવનમાં ઈશ્વરને પ્રસન્‍ન કરતા ગોલ રાખ્યા. પણ એમ કરવા તેમને ક્યાંથી મદદ મળી? પાઊલે તીમોથીને લખેલા બીજા પત્રમાં બે બાબતો વિષે જણાવ્યું, જેનાથી તીમોથી ઈશ્વરભક્તિનો ગોલ રાખવા દોરાયા હતા. પાઊલે લખ્યું: “જે વાતો તું શીખ્યો ને જેના વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલૂમ છે; અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે.” (૨ તીમોથી ૩:૧૪, ૧૫) ચાલો પહેલા એ જોઈએ કે તીમોથીએ આવી પસંદગી કરી એની પાછળ બીજા ભાઈ-બહેનોએ કેવો ભાગ ભજવ્યો હતો.

સારી સોબતનો લાભ લેવો

૬. તીમોથીને બાળપણથી કેવી તાલીમ મળી? એની તેમના પર કેવી અસર પડી?

તીમોથીના માતા અને પિતા જુદો જુદો ધર્મ પાળતા હતા. તેમના પિતા ગ્રીક હતા. જ્યારે માતા યુનીકે અને નાનીમા લોઈસ યહુદી હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧) યુનીકે અને લોઈસે બાળપણથી જ તીમોથીને હેબ્રી શાસ્ત્રવચનોમાંથી સત્ય શીખવ્યું હતું. યુનીકે અને લોઈસે ખ્રિસ્તી બન્યા પછી, તીમોથીને પણ ઈસુનું શિક્ષણ સ્વીકારવા મદદ કરી. આ રીતે, મા અને નાનીમાએ નાનપણથી જ તીમોથીના હૃદયમાં સત્યની વાતો ઉતારી. તીમોથી પણ એને ગ્રહણ કરીને શ્રદ્ધામાં વધતા ગયા. પાઊલે એની નોંધ કરતા લખ્યું: ‘જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી નાની લોઈસમાં તથા તારી મા યુનીકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.’—૨ તીમોથી ૧:૫.

૭. ઘણા યુવાનો આજે કેવા આશીર્વાદોનો આનંદ માણે છે? એનાથી તેઓને કેવો લાભ થાય છે?

બાળકો, લોઈસ અને યુનીકેની જેમ તમને પણ તમારા મમ્મી-પપ્પા, દાદા-દાદી કે નાના-નાની સત્યની વાતો શીખવતા હશે. યહોવાહની સેવામાં ગોલ રાખવા તમને ઉત્તેજન આપતા હશે. એ કેવો મોટો આશીર્વાદ છે! સમીરાનો દાખલો લો. તે હજુ તરુણી હતી ત્યારે મમ્મી-પપ્પા સાથે કલાકો વાતો કરતી. એને યાદ કરતા તે કહે છે: ‘મારા મમ્મી-પપ્પાએ દરેક બાબતને યહોવાહની નજરે જોતા શીખવ્યું. તેઓ હંમેશાં પ્રચાર કામને જીવનમાં પહેલું રાખવા મને ઉત્તેજન આપતા. તેઓ કાયમ મને ઉત્તેજન આપતા કે હું ફુલટાઇમ યહોવાહની સેવા કરું.’ સમીરા પર એ ઉત્તેજનની ખૂબ સારી અસર પડી. એનાથી તે જોઈ શકી તે જીવનમાં શું મહત્ત્વનું છે. હાલમાં તે પોતાના દેશના બેથેલમાં સેવા આપી રહી છે. શું તમારા મમ્મી-પપ્પા તમને ઈશ્વર સેવામાં ગોલ રાખવા ઉત્તેજન આપે છે? તો પછી તેમની સલાહને ધ્યાનથી સાંભળો અને એ પ્રમાણે કરો. તેઓ ચાહે છે કે તમે જીવનમાં સારો માર્ગ પસંદ કરો. અને હંમેશાં ખુશ રહો.—નીતિવચનો ૧:૫.

૮. મંડળના ભાઈ-બહેનોની સોબત રાખવાથી તીમોથીને કેવા આશીર્વાદ મળ્યા?

આપણે મંડળના ભાઈ-બહેનોની સોબત રાખીએ એ પણ બહુ જરૂરી છે. તેઓને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા છે. એનાથી મંડળમાં અરસપરસ કેટલું ઉત્તેજન મળે છે! તીમોથીને તેમના મંડળના વડીલો સારી રીતે ઓળખતા હતા. એટલું જ નહિ, ત્રીસેક કિલોમીટર દૂર આવેલા ઈકોની મંડળના ભાઈ-બહેનો પણ તેમને સારી રીતે ઓળખતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧, ૨) ઉત્સાહી અને તન-મનથી ઈશ્વરભક્તિ કરતા પાઊલના તે દિલોજાન મિત્ર હતા. (ફિલિપી ૩:૧૪) પાઊલના પત્રો પરથી જોવા મળે છે કે તીમોથી કોઈ પણ સલાહને ખુશી ખુશી સ્વીકારતા, એને લાગુ પાડતા. જેઓએ ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા રાખી તેઓને પગલે ચાલવા તે કાયમ તૈયાર હતા. (૧ કોરીંથી ૪:૧૭; ૧ તીમોથી ૪:૬, ૧૨-૧૬) પાઊલે લખ્યું: “મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તું મારી પાછળ ચાલ્યો.” (૨ તીમોથી ૩:૧૦) હા, તીમોથી બરાબર પાઊલને પગલે ચાલ્યા. આજે મંડળમાં ઘણા ભાઈ-બહેનો તન-મનથી ને પૂરી ધગશથી યહોવાહની સેવા કરે છે. તેઓની સોબત રાખવાથી, તેઓને મિત્ર બનાવવાથી તમને પણ યહોવાહની સેવામાં પ્રગતિ કરવા મદદ મળશે.—૨ તીમોથી ૨:૨૦-૨૨.

‘પવિત્ર શાસ્ત્રનો’ અભ્યાસ કરવો

૯. ભક્તિમય જીવન જીવવા રાખેલા ગોલને પહોંચી વળવા મંડળની સોબત રાખવા સાથે બીજું શું જરૂરી છે?

યહોવાહની ભક્તિમાં વધારે પ્રગતિ કરવા મંડળના ભાઈ-બહેનોની સોબત જરૂરી છે. પણ એટલું જ પૂરતું નથી. એ માટે તમારે તીમોથીની જેમ ‘પવિત્ર શાસ્ત્રનો’ ધ્યાનથી અભ્યાસ કરવો પડશે. ખરું કે વાંચન કે અભ્યાસ કરવો તમારા માટે કદાચ સહેલું નહીં હોય. પણ યાદ રાખજો, તીમોથીએ ‘ભક્તિમય જીવન જીવવા’ ખૂબ મહેનત કરી હતી. જાણે કે તેમણે એ માટે ‘કસરત’ કરી હતી. કોઈ પણ રમતવીર જે તે ક્ષેત્રમાં લક્ષ્ય સુધી પહોંચવા ઘણા મહિનાથી સખત મહેનત કરે છે, પોતાને તાલીમ આપે છે. એવી જ રીતે ભક્તિમય જીવન જીવવા રાખેલા ગોલને પહોંચી વળવા તમારે ઘણી મહેનત કરવી પડશે, જીવનમાં અમુક ભોગ પણ આપવા પડશે. (૧ તીમોથી ૪:૭, ૮, ૧૦) પણ તમને થશે, ‘બાઇબલની સ્ટડી મને કેવી રીતે મારા ગોલ પૂરા કરવા મદદ કરશે?’ ચાલો આપણે ત્રણ રીતો જોઈએ.

૧૦, ૧૧. બાઇબલ કેવી રીતે ઈશ્વરભક્તિમાં આગળ વધવા મદદ કરે છે? દાખલો આપો.

૧૦ એક, તમે બાઇબલની સ્ટડી કરશો તેમ, એ જીવનમાં તમને ખરી પ્રેરણા આપશે. બાઇબલ આપણને જણાવે છે કે યહોવાહ કેવા છે, તેમનો સ્વભાવ કેવો છે. તેમણે આપણા માટે કેવો મહાન પ્રેમ બતાવ્યો. તેમ જ પોતાના ભક્તોને તે કેવા હંમેશના આશીર્વાદો આપશે. (આમોસ ૩:૭; યોહાન ૩:૧૬; રૂમી ૧૫:૪) યહોવાહ વિષેનું તમારું જ્ઞાન વધતું જશે તેમ તેમના માટેનો પ્રેમ પણ વધશે. તમે તેમની ઇચ્છા પ્રમાણે જ ચાલવા પ્રેરાશો.

૧૧ ઘણા યુવાનો જણાવે છે કે સત્યને પોતાનું બનાવવા નિયમિત પર્સનલ બાઇબલ સ્ટડી બહુ જરૂરી છે. એનાથી તેઓ સત્યને પોતાના દિલમાં ઉતારી શક્યા છે. અદેલેનો દાખલો લો. તેનો ઉછેર યહોવાહના સાક્ષી કુટુંબમાં થયો. પણ તેણે કદી યહોવાહની ભક્તિમાં કોઈ ધ્યેય રાખ્યો ન હતો. તે જણાવે છે: “મારા મમ્મી-પપ્પા મને કિંગ્ડમ હૉલ લઈ જતા. પણ મિટિંગમાં ના તો હું વાંચતી, ના સાંભળતી. હું પર્સનલ સ્ટડી પણ કરતી ન હતી.” તેની મોટી બહેને બાપ્તિસ્મા લીધું પછી, અદેલે સત્યને દિલમાં ઉતારવા પગલાં લીધાં. તે જણાવે છે, “મેં આખું બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. પહેલાં તો હું એનો થોડો ભાગ વાંચતી. પછી તરત હું જે કંઈ સમજતી એ લખી લેતી. મારી પાસે હજુ પણ એ નૉટ્‌સ છે. મેં બાઇબલ એક વર્ષમાં વાંચીને પૂરું કર્યું.” પરિણામે અદેલે પોતાનું જીવન યહોવાહને સમર્પણ કરવા પ્રેરાઈ. તે શરીરે તંદુરસ્ત નથી, અપંગ છે. તોપણ તે હવે પાયોનિયર છે.

૧૨, ૧૩. (ક) બાઇબલ સ્ટડી કરવાથી યુવાન વ્યક્તિને જીવનમાં કેવા ફેરફાર કરવા મદદ મળશે? કેવી રીતે? (ખ) બાઇબલ કેવાં સલાહ-સૂચનો આપે છે? દાખલા આપી સમજાવો.

૧૨ બીજું, બાઇબલ તમારા વાણી-વર્તનમાં જરૂરી ફેરફારો કરવા મદદ કરશે. પાઊલે તીમોથીને કહ્યું કે ‘એમાંનું દરેક શાસ્ત્ર સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે. આમ, ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને સર્વ સારાં કાર્યો કરવાને શક્તિમાન થાય છે.’ (૨ તિમોથી ૩:૧૬, ૧૭, કોમન લેંગ્વેજ) એટલે જો તમે કોઈ પણ બાબતને બાઇબલની નજરે જોશો, એને લગતી સલાહ પર વિચાર કરશો અને એને જીવનમાં લાગુ પાડશો તો, ઈશ્વરની મદદથી તમારા વાણી-વર્તનમાં ઘણો સુધારો કરી શકશો. પછી તમે નમ્ર અને મહેનતુ બનશો, કોઈ પણ બાબતમાં મંડ્યા રહેશો. મંડળના ભાઈ-બહેનોને ખરો પ્રેમ બતાવી શકશો. (૧ તીમોથી ૪:૧૫) તીમોથીએ જીવનમાં આવા જ ગુણો કેળવ્યા હતા. એના લીધે તે મંડળમાં અને પાઊલ માટે બહુ ઉપયોગી સાબિત થયા.—ફિલિપી ૨:૨૦-૨૨.

૧૩ ત્રીજું, બાઇબલ રોજ-બ-રોજના જીવનમાં ઉપયોગી સલાહ-સૂચનો આપે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; ૧૯:૭; ૨ તીમોથી ૨:૭; ૩:૧૫) એ તમને સારા મિત્રો ને સારું મનોરંજન પસંદ કરવા મદદ કરશે. સાથે સાથે જીવનમાં મુશ્કેલ નિર્ણયો લેવા પણ મદદ કરશે. (ઉત્પત્તિ ૩૪:૧, ૨; ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭; ૧ કોરીંથી ૭:૩૬) એમાંય આજે સારા નિર્ણયો લેવા બહુ જરૂરી છે. એ તમને યહોવાહની સેવામાં આગળ વધવા મદદ કરશે.

“વિશ્વાસની સારી લડાઈ લડ”

૧૪. ઈશ્વરને માન આપતા ગોલ રાખવા કેમ રમત વાત નથી?

૧૪ ઈશ્વરને મોટા મનાવે એવા ગોલ જીવનમાં પહેલા રાખવા બહુ સારી વાત છે. પણ એને પહોંચી વળવું કંઈ સહેલું નથી. દાખલા તરીકે, જીવનમાં કેવી કૅરિયર પસંદ કરશો એ તમારે નક્કી કરવાનું છે. તમારાં સગાં-વહાલાં, મિત્રો, તમારા ટીચર વગેરે તમને આગળ વધારે ભણવા ખૂબ દબાણ કરી શકે. તેઓને લાગે છે કે જીવનમાં સફળ થવું હોય તો, ઉચ્ચ શિક્ષણ તો લેવું જ જોઈએ. એનાથી તમે સારો એવો પૈસો કમાઈ શકશો ને જીવનમાં સુખી થશો. (રૂમી ૧૨:૨) યહોવાહને ખુશ કરતી કૅરિયર પસંદ કરવા તમારે તીમોથીની જેમ ‘વિશ્વાસની સારી લડાઈ લડવી’ પડશે. તો જ તમે ‘અનંતજીવન મેળવી શકશો’ જેનું યહોવાહે વચન આપ્યું છે.—૧ તીમોથી ૬:૧૨; ૨ તીમોથી ૩:૧૨.

૧૫. તીમોથીએ કેવા વિરોધનો સામનો કર્યો હોઈ શકે?

૧૫ તમારા કુટુંબીજનો યહોવાહને ભજતા ન હોય તો, તેઓને તમે જે કૅરિયર પસંદ કરો છો એ ગમશે નહિ. ત્યારે તમારા વિશ્વાસની આકરી કસોટી થઈ શકે. તીમોથીને પણ આવા જ વિરોધનો સામનો કરવો પડ્યો હશે. તીમોથી કોઈ સામાન્ય કુટુંબમાંથી આવતા ન હતા. એક પુસ્તક જણાવે છે કે ‘ભણેલા-ગણેલા અને પૈસાદાર લોકોમાં તીમોથીના કુટુંબની પણ ગણના થતી હતી.’ એટલે તેમના પિતાની પણ એવી ઇચ્છા હોઈ શકે કે તીમોથી વધારે ભણે-ગણે અને તેમનો બિઝનેસ સંભાળે. * પણ તીમોથીએ તો પાઊલ સાથે મિશનરી બનવાનું પસંદ કર્યું. એ કામ કંઈ સહેલું ન હતું. એમાં ઘણી મુશ્કેલી હતી. પૈસે-ટકે તો કોઈ જ સલામતી ન હતી. જરા વિચારો, તીમોથીના આવા નિર્ણય વિષે તેમના પિતાને ખબર પડી ત્યારે તેમને કેવું લાગ્યું હશે!

૧૬. એક યુવાને પિતા તરફથી કેવો વિરોધ સહ્યો?

૧૬ પહેલી સદીની જેમ આજે પણ યહોવાહના યુવાન ભક્તોનો કુટુંબ વિરોધ કરે છે. મેથ્યુનો વિચાર કરો. તે હાલમાં યહોવાહનાં સાક્ષીઓની બ્રાન્ચ ઑફિસમાં સેવા આપે છે. તે પહેલાંના દિવસો યાદ કરતા કહે છે: “હું પાયોનિયર બન્યો ત્યારે મારા પપ્પાને એ જરાય ગમ્યું ન હતું. પાયોનિયરીંગ કરી શકું એ માટે હું પાર્ટટાઇમ ક્લીનર તરીકે જોબ કરતો હતો. એટલે પપ્પાને લાગ્યું કે મેં મારું ભણતર ‘બગાડ્યું’ છે. તે મને ટોંટ મારતા. ઘણી વાર કહેતા કે મેં ફુલટાઇમ જોબ લીધી હોત તો હું કેટલું બધું કમાતો હોત.” મેથ્યુ એ વિરોધને કેવી રીતે સહી શક્યો? “હું રોજ બાઇબલ વાંચતો રહ્યો. એમાં કોઈ બાંધછોડ નહિ. યહોવાહને પ્રાર્થના કરતો રહ્યો. ઘણી વાર મારો ગુસ્સો કન્ટ્રોલ બહાર જઈ રહ્યો હોય ત્યારે પ્રાર્થના કરવાથી મને ઘણી મદદ મળતી.” મેથ્યુએ મનમાં જે ગાંઠ વાળી હતી એનાં સારાં ફળો મળ્યાં. સમય જતાં, પપ્પા સાથેના તેના સંબંધો સુધરવા લાગ્યા. યહોવાહ સાથે પણ તે સારો નાતો બાંધી શક્યો. તે કહે છે: “મેં પોતે જોયું છે કે યહોવાહે કેવી રીતે મારી બધી જરૂરિયાતો પૂરી પાડી, મને ઉત્તેજન આપ્યું ને ખોટાં નિર્ણયો લેવાથી મને બચાવ્યો. જો મેં યહોવાહની સેવામાં આવા કોઈ ગોલ રાખ્યા ન હોત તો આ બધા આશીર્વાદો અનુભવી શક્યો ન હોત.”

ઈશ્વરને ખુશ કરતો ગોલ આંખો સામે રાખો

૧૭. જેઓ ફુલટાઇમ યહોવાહની સેવા કરવા ચાહે છે તેઓને બીજાઓ કેવી રીતે અજાણતા નિરાશ કરી શકે? (માત્થી ૧૬:૨૨)

૧૭ કોઈ વાર મંડળના ભાઈ-બહેનો પણ અજાણતા તમને ઉત્તેજન આપવાને બદલે નિરાશ કરી શકે. કોઈ તમને પૂછશે, ‘પાયોનિયર બનવાની શી જરૂર છે? પહેલાં પૈસેટકે તો પગભર થા.’ તેઓ આવું ઉત્તેજન પણ આપી શકે, ‘તું તારે સારી નોકરી કર ને ભવિષ્ય બનાવ. સાથે પ્રચાર પણ કર. નાહક શું કામ હેરાન થાય છે?’ આ બધી કદાચ સારી સલાહ લાગી શકે. પણ તેઓનું કહ્યું માનીને શું તમે હર સમયે ઈશ્વરને ખુશ કરી શકશો? તેમની ઇચ્છા પ્રમાણે કરી શકશો?

૧૮, ૧૯. (ક) તમે કેવી રીતે ઈશ્વરને ખુશ કરતા ગોલ પર ધ્યાન રાખી શકો? (ખ) એક યુવાન તરીકે ઈશ્વરનું રાજ્ય જીવનમાં પહેલું રાખવા તમે કેવા ભોગ આપી રહ્યા છો?

૧૮ તીમોથીના જમાનામાં પણ અમુક ખ્રિસ્તીઓ આવું જ વિચારતા હતા. (૧ તીમોથી ૬:૧૭) તેથી, તીમોથીનું ધ્યાન ઈશ્વરભક્તિમાં જ રહે, યહોવાહની સેવામાં તે આગળ વધે એ માટે પાઊલે ઉત્તેજન આપતા કહ્યું: “યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગુંથાતો નથી, કે જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે.” (૨ તીમોથી ૨:૪) સૈનિક પોતાની ફરજ બજાવતો હોય ત્યારે તે ઘરના કામકાજમાં પોતાનું ધ્યાન નહીં લગાડે. તે હંમેશાં પોતાના ઉપરી અમલદારનો હુકમ પાળવા તૈયાર રહે છે. તો જ તે પોતાનું અને બીજા લોકોનું જીવન બચાવી શકશે. આપણે પણ ઈસુના સૈનિકો છીએ. આપણી ફરજ લોકોના જીવન બચાવવાની છે. એટલે એ કામમાં જ ધ્યાન લગાવવું જોઈએ. જો પૈસા બનાવવા જેવી બીજી બિનજરૂરી બાબતોમાં પણ ધ્યાન પરોવીશું તો, જીવન બચાવનાર પ્રચારકામની જવાબદારી પૂરી રીતે નિભાવી નહિ શકીએ.—માત્થી ૬:૨૪; ૧ તીમોથી ૪:૧૬; ૨ તીમોથી ૪:૨,.

૧૯ આ દુનિયામાં એશઆરામથી જીવવાનો ગોલ રાખશો નહિ. પણ એવા ગોલ રાખો જેનાથી યહોવાહ ખુશ થાય. પછી ભલે એ માટે ઘણા ભોગ આપવા પડે. ‘ખ્રિસ્ત ઈસુના સાચા સૈનિકની પેઠે તું જીવનમાં કષ્ટો વેઠ.’ (૨ તિમોથી ૨:૩, સંપૂર્ણ) પાઊલની સાથે રહીને તીમોથી ગમે તેવા મુશ્કેલ સંજોગોમાં પણ સંતોષથી રહેવાને શીખ્યા. (ફિલિપી ૪:૧૧, ૧૨; ૧ તીમોથી ૬:૬-૮) તમે પણ એમ કરી શકો છો. શું તમે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવા કોઈ પણ ભોગ આપવા તૈયાર છો?

આશીર્વાદો—હમણાં અને પછી

૨૦, ૨૧. (ક) ઈશ્વરને મહિમા મળે એવા ગોલ જીવનમાં રાખવાથી કેવા આશીર્વાદો મળે છે? (ખ) તમે શું કરવાનો નિર્ણય લીધો છે?

૨૦ તીમોથી આશરે ૧૫ વર્ષ સુધી પાઊલની સાથે રહ્યા. તેમણે ઉત્તર ભૂમધ્ય વિસ્તારમાં પાઊલ સાથે રાજ્યની ખુશખબર ફેલાવી તેમ, ત્યાં ઘણાં નવા મંડળો પણ બનતા જોયા. એનાથી તેમને જીવનમાં જે સંતોષ ને ખુશી મળ્યા એ બીજા કશાથી મળ્યા ન હોત. જો તેમણે ‘સામાન્ય’ જીવન જીવવાનું પસંદ કર્યું હોત તો, આ આશીર્વાદો કદી માણી શક્યા ન હોત. ઈશ્વરની સેવામાં આવા ગોલ રાખશો તો, તમને પણ અનમોલ આશીર્વાદો મળશે. યહોવાહ સાથે તમારો અતૂટ નાતો બંધાશે. તમે સાથી ભાઈ-બહેનોનો પ્રેમ ને આદર પામશો. ધન-દોલત પાછળ પડવાથી તો જીવનમાં હતાશા ને દુઃખ મળશે. પણ તમે યહોવાહની ભક્તિમાં આગળ વધશો, કોઈ સ્વાર્થ વગર બીજાની સેવા કરશો તો, તમને ખરી ખુશી મળશે. અને સૌથી મહત્ત્વનું તો, તમે “ખરેખરૂં જીવન” પામશો. સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન!—૧ તીમોથી ૬:૯, ૧૦, ૧૭-૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

૨૧ જો તમે તીમોથી જેવા ગોલ ન રાખ્યા હોય તો, અમે તમને આજથી જ એના પર વિચાર કરવા ઉત્તેજન આપીએ છીએ. ઈશ્વરને ખુશ કરતા ગોલ રાખો. એને પહોંચી વળવા તન-મનથી મહેનત કરો. આવા ગોલને પૂરા કરવા તમને મદદ કરી શકતા હોય એવા મંડળના ભાઈ-બહેનોને મિત્રો બનાવો. તેઓની સલાહ લો. નિયમિત બાઇબલની પર્સનલ સ્ટડી કરો. એને જીવનમાં પ્રથમ રાખો. પૈસા પાછળ પાગલ આ દુનિયાની અસરમાં ન આવવા મનમાં ગાંઠ વાળો. અને હંમેશાં યાદ રાખજો કે ઈશ્વરને મહિમા મળે એવો ગોલ જીવનમાં રાખશો તો તે હમણાં અને ભવિષ્યમાં પણ તમને ભરપૂર આશીર્વાદો આપશે. હા, ‘આપણા ઉપભોગને સારુ ઉદારતાથી સર્વ આપનાર’ યહોવાહ પોતે તમને એ વચન આપે છે.—૧ તીમોથી ૬:૧૭. (w 07 5/1)

[Footnote]

^ ગ્રીક સમાજમાં ભણતર ઘણું મહત્ત્વ હતું. તીમોથીના જમાનામાં થઈ ગયેલા પ્યુટેર્ચે લખ્યું: ‘જીવનમાં સારું ભણતર લીધું હશે તો બીજું બધું જ મળશે. એનાથી તમે સારા ગુણો કેળવી શકશો. બીજાઓનું પણ ભલું કરી શકશો. હું તો કહું છું કે, સારું ભણ્યા હશો તો સમાજમાં તમારો માન-મોભો વધશે. તમે સુખી થશો. સારા ભણતર સિવાય બીજું બધું નકામું છે. એની પાછળ સમય બગાડવો ન જોઈએ.’—મોરાલીયા, ૧, “બાળકોનું શિક્ષણ.” (અંગ્રેજી)

શું તમને યાદ છે?

• ઈશ્વરને મહિમા મળે એવા ગોલને પહોંચી વળવા યુવાનોને ક્યાંથી મદદ મળી શકે?

• શા માટે ધ્યાનથી બાઇબલ સ્ટડી કરવી બહુ મહત્ત્વનું છે?

• પૈસા પાછળ પાગલ દુનિયાની અસરમાં ન આવવા યુવાનો શું કરી શકે?

• ઈશ્વરને મહિમા આપતા ગોલ રાખવાથી કેવા આશીર્વાદો મળે છે?

[Study Questions]

[Pictures on page 29]

તીમોથીને કેવા સારા લોકોની મદદ મળી?