સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે

આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે

આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે

“તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે.”—પુનર્નિયમ ૩૨:૪.

૧, ૨. (ક) સદા જીવવાની આશાનું તમે કેમ જીવની જેમ જતન કરો છો? (ખ) શાના લીધે અમુક લોકોને સુંદર વચનો આપનાર ઈશ્વરમાં માનવું અઘરું લાગે છે?

 શું તમે કદી નવી દુનિયાની કલ્પના કરી છે? સુંદર ધરતી પર સુખી જીવનનું સપનું જોયું છે? તમે જાણે ધરતીનો ખોળો ખૂંદી રહ્યા છો. નવી નવી વસ્તુઓ, જીવ-જંતુઓ, દુનિયાની અજાયબીઓને જોઈ રહ્યા છો, જાણી રહ્યા છો. ઓહ, એનો તો કોઈ પાર જ નથી! તમે ધરતીને બગીચા જેવી સુંદર બનાવી રહ્યા છો. એની સારી દેખભાળ કરો છો. તમે વિચારો છો કે એ કામમાં કેવી ખુશી મળશે. અથવા તો તમે નવી દુનિયામાં નવી નવી કળામાં એક્સપર્ટ બનવાનું સપનું જુઓ છો. જેમ કે ચિત્રકળા, ઇજનેરી કળા, સંગીત, કે બીજું કોઈ ક્ષેત્ર. ભલે આજની બીઝી દુનિયામાં એ માટે સમય નથી, પણ નવી દુનિયામાં એ સપનું સાકાર કરવા સમયની કોઈ ખોટ નહિ હોય! તમે ગમે એ સપનું જોતા હોય, તમારી એ આશા, નિરાશા આપનારી નથી. તમે નવી દુનિયામાં જીવવાની આશાનું જીવની જેમ જતન કરો છો. બાઇબલ એ જીવનને “ખરેખરું જીવન” કહે છે. યહોવાહે શરૂઆતથી જ ઇન્સાનને એ જીવન આપવાનું સપનું જોયું છે. જલદી જ તે એ સપનું પૂરું કરશે. ત્યારે આપણે બધાય સદા માટે જીવી શકીશું.—૧ તીમોથી ૬:૧૯.

બાઇબલની એ આશા ખોખલી નથી. એટલે જ આપણે બીજાઓને લાખો નિરાશામાં આશાનું કિરણ આપીએ છીએ. જોકે ઘણા લોકોને નવી દુનિયાની એ આશામાં માનવું અઘરું લાગે છે. એટલે તેઓ એને ધ્યાન આપતા નથી. અમુકને લાગે છે કે એ તો એવું સપનું છે જે કદી પૂરું નહિ થાય. એવી વાતોમાં તો ભોળા લોકો આવી જાય. તેઓને તો એ ઈશ્વરમાં માનવું પણ અઘરું લાગે છે જેમણે અનંતજીવનનું વચન આપ્યું છે. શા માટે? અમુકના જીવનમાં એક પછી એક દુઃખો આવતા જ રહે છે. તેઓને લાગે છે કે જો ઈશ્વર હોય તો આવું ચાલવા જ ન દે. કાં તો ઈશ્વર નિષ્ઠુર છે, કાં તો તેનામાં દુઃખ દૂર કરવાની શક્તિ નથી. અમુકને તો લાગે છે કે ઈશ્વર છે જ નહિ. જો હોય તો દુનિયામાં અંધાધૂંધી ચાલવા જ ન દે. અથવા તેને આપણી જરાય પડી નથી. અમુકને કદાચ આવા વિચારો તરત ગળે ઊતરી જશે. કેમ કે શેતાને ચાલાકીથી લોકોના મન આંધળા કરી દીધા છે.—૨ કોરીંથી ૪:૪.

૩. કયા મુશ્કેલ સવાલનો જવાબ મેળવવા આપણે લોકોને મદદ કરી શકીએ? શા માટે આપણે જ લોકોને એ સમજવા મદદ કરી શકીએ?

ભલે શેતાન અને આ દુનિયાની ફીલોસોફીએ લોકોના મન આંધળા કરી દીધા છે, યહોવાહના સાક્ષીઓ તરીકે આપણે તેઓને જરૂર મદદ કરી શકીએ છીએ. તેઓને સત્યના પરમ તેજે દોરી જઈ શકીએ. (૧ કોરીંથી ૧:૨૦; ૩:૧૯) આપણે જાણીએ છીએ કે શા માટે ઘણા લોકો બાઇબલનાં વચનોમાં માનતા નથી. એક તો તેઓ યહોવાહને જાણતા નથી. ઈશ્વરનું નામ કે એનો અર્થ જાણતા નથી. તેમના ગુણો જાણતા નથી. તેઓને એય ખબર નથી કે ઈશ્વરે આજ સુધીમાં પોતાનું એકોએક વચન પાળ્યું છે. પણ આપણે આ સચ્ચાઈ જાણીએ છીએ. એ કેવો આશિષ કહેવાય! તો આપણી જવાબદારી બને છે કે દુનિયાના લોકોને મદદ કરીએ, જેઓની “બુદ્ધિ અંધકારમય થયેલી” છે. આપણે વિચાર કરીએ કે તેઓને કેવી રીતોએ મદદ કરી શકાય. ખાસ તો તેઓને આ મુશ્કેલ સવાલનો જવાબ મેળવવા મદદ કરીએ: “ઈશ્વર કેમ દુષ્ટતાને દૂર કરતા નથી, તે શા માટે દુઃખ તકલીફો ચાલવા દે છે?” (એફેસી ૪:૧૮) ચાલો આપણે વિચાર કરીએ કે લોકોને આ સવાલનો સારી રીતે જવાબ આપવા શું કરી શકીએ. પછી આપણે જોઈએ કે યહોવાહે દુષ્ટતાને દૂર કરવા જે પગલાં લીધાં છે એમાં તેમના ગુણો કેવી રીતે સાફ દેખાઈ આવે છે.

સવાલનો સારી રીતે જવાબ આપીએ

૪, ૫. કોઈ પૂછે કે ઈશ્વર શા માટે દુઃખો ચાલવા દે છે તો, એનો જવાબ આપતા પહેલાં શું કરવું જોઈએ? સમજાવો.

કોઈ પૂછે કે ઈશ્વર શા માટે દુઃખો ચાલવા દે છે, તો આપણે શું જવાબ આપીશું? કદાચ આપણે વિગતવાર એદન બાગમાં શું બન્યું ત્યારથી લઈને બધું જ સમજાવવા લાગીએ. અમુક કિસ્સામાં એ સારું હોઈ શકે. પરંતુ આપણે આ બાબતમાં હજી સમજી વિચારીને બોલવાની જરૂર છે. એ માટે આપણે પહેલાં અમુક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. (નીતિવચનો ૨૫:૧૧; કોલોસી ૪:૬) ચાલો આપણે ત્રણ મુદ્દાઓ જોઈએ. વ્યક્તિને જવાબ આપતા પહેલાં આપણે એ ધ્યાનમાં રાખી શકીએ.

એક, માની લો કે વ્યક્તિ દુનિયામાં ચાલી રહેલી દુષ્ટતાથી ત્રાસી ગઈ છે. એ શું બતાવે છે? બની શકે કે એ વ્યક્તિ પોતે અથવા તેનું કોઈ સગુંવહાલું કે મિત્ર એનો ભોગ બન્યા હશે. તેથી આપણે તેમની દિલથી ચિંતા કરીએ છીએ એમ બતાવો. પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને સલાહ આપી: “રડનારાઓની સાથે રડો.” (રૂમી ૧૨:૧૫) આપણે વ્યક્તિની ચિંતા કરીએ કે તેના “સુખદુઃખમાં ભાગ” લઈએ છીએ ત્યારે એ તેના દિલને અસર કરી શકે. (૧ પીતર ૩:૮) વ્યક્તિને સમજાશે કે આપણને તેમની ચિંતા છે તો, તે આપણું ધ્યાનથી સાંભળવા તૈયાર થશે.

૬, ૭. કોઈ વ્યક્તિ દુનિયાની હાલત વિષે સવાલ પૂછે તો આપણે કેમ તેમને શાબાશી આપવી જોઈએ?

બીજું, વ્યક્તિ દુનિયાની હાલત વિષે કોઈ સવાલ પૂછે તો, આપણે એ માટે તેને શાબાશી આપી શકીએ. અમુકને લાગતું હશે કે તેઓને ઈશ્વરમાં શ્રદ્ધા નથી એ જ કારણના લીધે તેઓના મનમાં આવા સવાલો ભમ્યા કરે છે. તેઓ વિચારે છે કે આવા સવાલો મનમાં આવવા જ ન જોઈએ, એ તો પાપ કહેવાય. પાદરી કે ધર્મગુરુએ પણ તેઓને એવું જ કહ્યું હોઈ શકે. પણ એ સાચું નથી. બાઇબલના જમાનામાં ઈશ્વરભક્તોએ આવા જ સવાલ પૂછ્યા હતા. દાખલા તરીકે, ગીતકાર દાઊદ ઈશ્વરને પૂછે છે: “હે યહોવાહ, તું કેમ આઘો રહે છે? સંકટના સમયમાં તું કેમ સંતાઈ જાય છે?” (ગીતશાસ્ત્ર ૧૦:૧) ઈશ્વરભક્ત હબાક્કૂકે પૂછ્યું: “હે યહોવાહ, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તું સાંભળશે નહિ? હું જોરજુલમ વિષે તારી આગળ બૂમ પાડું છું તો પણ તું બચાવ કરતો જ નથી. શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે, ને ભ્રષ્ટાચાર બતાવે છે? કેમકે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે; કજિયા થાય છે, ને ટંટા ઊઠે છે.”—હબાક્કૂક ૧:૨, ૩.

આ ઈશ્વરભક્તોને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. તેઓએ જે સવાલો પૂછ્યા એ માટે શું ઈશ્વરે ઠપકો આપ્યો? ના! યહોવાહે તો તેઓના સવાલો પોતાના વચન બાઇબલમાં લખાવી લીધા. આજેય ઘણા લોકો દુનિયામાં ચાલતી દુષ્ટતાથી હેરાન-પરેશાન છે. તેઓને પણ સવાલ થશે કે આવું કેમ? એ બતાવે છે કે તેઓને ઈશ્વર વિષે વધારે જાણવું છે. તેઓ જે જવાબ શોધે છે એ ફક્ત બાઇબલ જ આપે છે. યાદ કરો, ઈસુએ એવા લોકોના વખાણ કર્યા જેઓ ઈશ્વર વિષે વધારે જાણવા ચાહે છે. અથવા ‘પોતાની આત્મિક જરૂરિયાત જાણે છે.’ (માથ્થી ૫:૩, પ્રેમસંદેશ) ઈસુએ વચન આપ્યું હતું કે આવા લોકો જરૂર સાચું સુખ પામશે. એ માટે લોકોને મદદ કરવી આપણા માટે કેવો મોટો લહાવો છે!

૮. દુનિયાની દુઃખ તકલીફો વિષે લોકોને કેવું ખોટું શિક્ષણ શીખવવામાં આવ્યું છે? આપણે તેઓને કેવી રીતે મદદ કરી શકીએ?

ત્રીજું, આપણે વ્યક્તિને એ સમજવા મદદ કરવી જોઈએ કે દુનિયામાં ચાલતી દુઃખ-તકલીફો માટે ઈશ્વર જવાબદાર નથી. ઘણા લોકોને શીખવવામાં આવે છે કે ઈશ્વર આ દુનિયા પર રાજ કરે છે; આપણું જીવન કેવું હશે એ ઈશ્વરે બહુ પહેલેથી લખી નાખ્યું છે; તે કોઈ કારણ વિના માણસ પર દુઃખ લાવે છે. પણ આ બધું ખોટું શિક્ષણ છે. એનાથી તેઓ ઈશ્વરનું અપમાન કરે છે. તેમ જ દુનિયામાં ચાલતા દુઃખ-તકલીફો માટે ઈશ્વરને જવાબદાર ગણે છે. તેથી લોકોને ઈશ્વર વિષે સચ્ચાઈ શીખવવા આપણે બાઇબલ વાપરવું જોઈએ. (૨ તીમોથી ૩:૧૬) આ દુષ્ટ દુનિયા પર યહોવાહ નહિ, પણ શેતાન રાજ કરે છે. (૧ યોહાન ૫:૧૯) યહોવાહે કંઈ આપણું નસીબ પહેલેથી લખી રાખ્યું નથી. તેમણે તો આપણ દરેકને મરજી આપી છે. જીવનમાં ખરું-ખોટું, સારું-નરસું પસંદ કરવાનું તેમણે આપણા પર છોડ્યું છે. (પુનર્નિયમ ૩૦:૧૯) સૌથી મહત્ત્વનું તો યહોવાહ કોઈનું ખરાબ ઇચ્છતા નથી. તે દુષ્ટતાને ધિક્કારે છે. અન્યાય થયો હોય તેઓની કાળજી રાખે છે.—અયૂબ ૩૪:૧૦; નીતિવચનો ૬:૧૬-૧૯; ૧ પીતર ૫:૭.

૯. યહોવાહ ઈશ્વર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે એ સમજાવવા ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ કયું સાહિત્ય બહાર પાડ્યું છે?

આપણે આ અમુક વિચારો વ્યક્તિને સમજવા મદદ કરીશું તો, તે એ શીખવા વધારે તૈયાર હશે કે ‘શા માટે ઈશ્વર દુઃખ તકલીફો ચાલવા દે છે.’ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ આપણને મદદ કરવા ઘણું સાહિત્ય બહાર પાડ્યું છે. (માત્થી ૨૪:૪૫-૪૭) દાખલા તરીકે, “પરમેશ્વરની આજ્ઞા પાળો” ૨૦૦૫/૦૬ ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે! પત્રિકા બહાર પાડવામાં આવી હતી. એની માહિતીથી જાણકાર થાઓ. પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક હમણાં ૧૫૭ ભાષાઓમાં પ્રાપ્ય છે. એમાં પણ એ મહત્ત્વના સવાલનો જવાબ આપતું એક આખું પ્રકરણ છે. આ પુસ્તક અને પત્રિકાનો પૂરો ઉપયોગ કરો. એમાં બાઇબલમાંથી સાફ સમજાવ્યું છે કે શેતાને વિશ્વ પર રાજ કરવાના યહોવાહના હક્ક સામે કેવી રીતે સવાલ ઉઠાવ્યો અને યહોવાહે એને કઈ રીતે થાળે પાડ્યો. આપણે યાદ રાખીએ કે આ વિષયની ચર્ચા કરીએ ત્યારે આપણે વ્યક્તિને સૌથી મહત્ત્વનું જ્ઞાન લેવા મદદ કરીએ છીએ. તેને યહોવાહ અને તેમના સુંદર ગુણો વિષે શીખવા મદદ કરીએ છીએ.

યહોવાહના ગુણો પર ધ્યાન દોરો

૧૦. ઈશ્વર સર્વશક્તિમાન હોવા છતાં દુઃખ-તકલીફોને ચાલવા દે છે એ સમજવું કેમ લોકોને અઘરું લાગે છે? શું જાણવાથી તેઓને મદદ મળી શકે?

૧૦ આપણે લોકોને સમજવા મદદ કરીએ કે યહોવાહ કેમ શેતાનને દુનિયા પર રાજ કરવા દે છે. કેમ માણસને માણસ પર રાજ કરવા દે છે. સાથે સાથે આપણે તેઓનું ધ્યાન યહોવાહના ગુણો તરફ પણ દોરીએ. ઘણા લોકો જાણે છે કે પરમેશ્વર શક્તિશાળી છે. તેઓએ ઘણી વાર બીજાઓ પાસેથી પણ સાંભળ્યું હશે કે ઈશ્વર સર્વશક્તિમાન છે. તેથી તેઓને એ પચાવવું અઘરું લાગે છે કે ઈશ્વર શક્તિમાન હોય તો કેમ અન્યાય અને દુઃખ-તકલીફોને દૂર કરતા નથી. પણ તેઓ યહોવાહના બીજા ગુણો જાણતા ન હોવાથી આવું વિચારે છે. જેમ કે, પવિત્રતા, ન્યાય, ડહાપણ અને પ્રેમ. યહોવાહ આ ગુણોને પણ સારી રીતે બતાવે છે. બાઇબલ કહે છે: “તેનું કામ સંપૂર્ણ છે.” (પુનર્નિયમ ૩૨:૪) ઈશ્વર કેમ દુઃખ તકલીફોને દૂર કરતા નથી એ સવાલનો જવાબ આપીએ ત્યારે, આપણે યહોવાહના આવા બીજા ગુણો પર ભાર મૂકી શકીએ. કઈ રીતે? ચાલો આપણે અમુક દાખલાઓ જોઈએ.

૧૧, ૧૨. (ક) આદમ અને હવાને પાપની માફી આપવી કેમ શક્ય ન હતું? (ખ) શા માટે યહોવાહ હંમેશ માટે પાપ સહન નહિ કરે?

૧૧ શું આદમ અને હવાને યહોવાહ માફ કરી શક્યા ન હોત? તેઓના કિસ્સામાં માફી શક્ય જ ન હતી. શા માટે? કારણ કે, જ્યારે યહોવાહે આદમ અને હવાને બનાવ્યા, ત્યારે તેઓમાં કોઈ પ્રકારની ખોટ ન હતી. તેમ છતાં તેઓએ જાણી જોઈને યહોવાહનો વિશ્વના માલિક તરીકે નકાર કર્યો. અને શેતાનનું કહ્યું માન્યું. એટલું જ નહિ, યહોવાહની આજ્ઞા તોડ્યા પછી પણ તેઓએ કોઈ પસ્તાવો બતાવ્યો નહિ. તેથી જ્યારે લોકો પૂછે કે યહોવાહે આદમ ને હવાને કેમ માફ ન કર્યા ત્યારે તેઓ ખરેખર વિચારતા હોય છે કે યહોવાહે પોતાનાં ન્યાયી ધોરણો સાથે તડજોડ કરવાની હતી. અને તેઓએ જે પાપ કર્યું એને સહન કરવાની જરૂર હતી. પરંતુ યહોવાહે કેમ તેઓને માફ ન કર્યા એનો જવાબ તેમના એક ગુણમાં મળે છે. એ છે યહોવાહની પવિત્રતા.—નિર્ગમન ૨૮:૩૬; ૩૯:૩૦.

૧૨ બાઇબલ અનેક વાર જણાવે છે કે યહોવાહ પવિત્ર છે. પણ દુઃખની વાત છે કે આ દુષ્ટ જગતમાં બહુ થોડા લોકો એ ગુણને સમજે છે. યહોવાહ ઈશ્વર શુદ્ધ છે. તેમનામાં કોઈ ખોટ નથી. (યશાયાહ ૬:૩; ૫૯:૨) પાપની વાત આવે છે ત્યારે તેમણે એવી ગોઠવણ કરી છે જેથી આપણે પાપ કરીએ તો એની માફી મળે અને એ હંમેશ માટે ધોવાઈ જાય. પણ તે પાપને કાયમ માટે સહન કરશે નહિ. જો યહોવાહ પાપને કાયમ માટે ચલાવી લેવાના હોત તો, આપણને ભાવિની કોઈ આશા ન હોત. (નીતિવચનો ૧૪:૧૨) યહોવાહ પોતે નક્કી કરેલા સમયે ધરતી પર સર્વ માણસજાતને પવિત્ર કરી નાખશે. આ કંઈ સપનું નથી. એ ચોક્કસ થશે. કેમ કે એ પવિત્ર ઈશ્વરની ઇચ્છા છે.

૧૩, ૧૪. શા માટે યહોવાહે એદન બાગમાં બળવાખોરોને મોતને ઘાટ ઉતાર્યા નહિ?

૧૩ શું યહોવાહ એદન બાગમાં જ આદમ અને હવાને મોતની સજા કરીને નવી શરૂઆત કરી શક્યા ન હોત? એમ કરવા યહોવાહ શક્તિમાન હતા. બહુ જલદી જ તે પૃથ્વી પરથી દુષ્ટોનું નામનિશાન મિટાવી દેશે. ત્યારે તે બતાવશે કે પોતે કેટલા શક્તિમાન છે. અમુક લોકોને લાગે છે કે ‘દુનિયામાં ફક્ત ત્રણ પાપી હતા ત્યારે યહોવાહે કેમ તેઓને મોતને ઘાટ ન ઉતાર્યા? એમ કર્યું હોત તો, પાપ ફેલાયું ન હોત. અને દુનિયામાં આટલા દુઃખ-તકલીફો ન હોત.’ પણ શા માટે યહોવાહે એમ ન કર્યું? પુનર્નિયમ ૩૨:૪ કહે છે: “તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે.” યહોવાહ ન્યાયી છે અને આ ગુણને મહત્ત્વનો સમજે છે. હકીકતમાં “યહોવાહ ન્યાયને ચાહે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) એટલે જ તેમણે એદન બાગમાં બળવાખોરોને મોતને ઘાટ ઉતાર્યા નહિ. શા માટે?

૧૪ શેતાને યહોવાહ સામે જઈને ખરેખર તો તેમના રાજ કરવાના હક્ક સામે સવાલ ઊભો કર્યો હતો. યહોવાહ ન્યાયી છે. એટલે શેતાને ઊભા કરેલા સવાલનો જવાબ ન્યાયથી જ આપશે. જો યહોવાહે બળવાખોરોને ત્યાં જ મોતની સજા કરી હોત તો, શેતાને ઊભા કરેલા સવાલનો જવાબ મળ્યો ન હોત. તેઓને ત્યાં જ મોતની સજા કરીને યહોવાહ એ સાબિત કરી શક્યા હોત કે પોતે સર્વશક્તિમાન છે. પણ સવાલ એ ન હતો કે યહોવાહ શક્તિમાન છે કે નહિ. વધુમાં, યહોવાહે આદમ અને હવાને જણાવ્યું હતું કે તેમનો મકસદ શું છે. તેઓએ પોતાનો પરિવાર વધારવાનો હતો. તેઓના સંતાનો પછી આખી ધરતી પર વસે, એને સ્વર્ગ જેવી સુંદર બનાવે અને સર્વ પશુ-પંખીઓની સંભાળ રાખે. (ઉત્પત્તિ ૧:૨૮) જો યહોવાહે આદમ અને હવાને તરત જ મોતની સજા કરી હોત તો, માણસ માટેનો તેમનો એ મકસદ પૂરો ન થાત. યહોવાહ ન્યાયી હોવાથી તેમણે એવું થવા ન દીધું કેમ કે તેમનો દરેક મકસદ પૂરો થઈને જ રહે છે.—યશાયાહ ૫૫:૧૦, ૧૧.

૧૫, ૧૬. એદન બાગમાં ઊભો થયેલો સવાલ હલ કરવા લોકો પોતાના વિચારો જણાવે તો, આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ?

૧૫ શું યહોવાહ સિવાય બીજું કોઈ એ બળવાને સારી રીતે હાથ ધરી શક્યું હોત? અમુક લોકો કદાચ પોતાના વિચારો જણાવશે કે એદનમાં બળવો થયો ત્યારે જો તેઓ યહોવાહની જગ્યાએ હોત તો શું કર્યું હોત. પણ શું એનાથી તેઓ એમ નથી કહેતા કે તેઓ ઈશ્વરથી પણ વધારે સારું જાણે છે? કદાચ તેઓને ઇરાદો ખોટો નહિ હોય. પણ એ તો હકીકત છે કે તેઓ પાસે યહોવાહ જેવી સમજણ કે બુદ્ધિ નથી. યહોવાહની મહાન બુદ્ધિ વિષે પ્રેરિત પાઊલે રોમના ખ્રિસ્તીઓને સમજાવ્યું. તેઓને ઈશ્વરના મકસદમાં રહેલું “રહસ્ય” જણાવ્યું. જેમ કે, યહોવાહ કઈ રીતે તેમના મસીહી રાજ્ય દ્વારા સર્વ ઈશ્વરભક્તોને પાપથી મુક્તિ અપાવશે અને કઈ રીતે તેમનું પવિત્ર નામ દોષમુક્ત થશે. યહોવાહના ડહાપણ વિષે પાઊલને કેવું લાગ્યું? તે પોતે એ પત્રના અંતમાં લખે છે: “તે એકલા જ્ઞાની દેવને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમેન.”—રૂમી ૧૧:૨૫; ૧૬:૨૫-૨૭.

૧૬ પાઊલ સમજ્યા હતા કે યહોવાહ આખા વિશ્વમાં “એકલા જ્ઞાની” છે. તે તો ડહાપણનો ભંડાર છે. માણસની એની સામે કોઈ વિસાત નથી. પાપી માણસ કોઈ પણ મુશ્કેલીનો યહોવાહ જેવો સારો માર્ગ કાઢી જ ન શકે. એમાંય તેમના રાજ કરવાના હક્ક સામે શેતાને જે મુશ્કેલ સવાલ ઊભો કર્યો એને હલ કરવા માણસની બુદ્ધિ ક્યાંય ટૂંકી પડે! હા, ઈશ્વર એકલા જ સંપૂર્ણ “જ્ઞાની” છે. એ સમજવા આપણે બીજાઓને મદદ કરીએ. (અયૂબ ૯:૪) કેટલું સારું કે આપણે યહોવાહનું જ્ઞાન લેતા રહીએ, તેમના ડહાપણને સમજતા રહીએ. એમ કરીશું તો તેમનામાં પૂરી શ્રદ્ધા મૂકી શકીશું કે તે જ કોઈ પણ બાબતને સારી રીતે હાથ ધરી શકે છે.—નીતિવચનો ૩:૫, ૬.

યહોવાહના સૌથી મહત્ત્વના ગુણની કદર કરો

૧૭. દુનિયાની દુઃખ-તકલીફોથી ત્રાસી ગયા છે તેઓ યહોવાહે બતાવેલા પ્રેમ વિષે જાણીને કઈ રીતે દિલાસો મેળવી શકે?

૧૭ “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) એ શબ્દો જણાવે છે કે પ્રેમ યહોવાહનો મુખ્ય ગુણ છે. એના લીધે જ તો લોકો ઈશ્વર તરફ ફરે છે. જે લોકો દુષ્ટ દુનિયાથી તોબા પોકારી ઊઠ્યા છે તેઓને તો ખાસ આ ગુણથી ઘણો દિલાસો મળે છે. આપણને પાપ અને મોતની જંજીરમાંથી છોડાવવા યહોવાહે જે પગલાં લીધાં એમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે. પ્રેમથી દોરાઈને જ યહોવાહે આપણને, આદમ અને હવાના પાપી સંતાનોને આશાનું કિરણ આપ્યું. (ઉત્પત્તિ ૩:૧૫) એના લીધે આપણે તેમને ગમે ત્યારે પોકાર કરી શકીએ, તેમની કૃપા પામી શકીએ, નાતો બાંધી શકીએ છીએ. પ્રેમથી દોરાઈને જ ઈશ્વરે પોતાના એકના એક દીકરાને કુરબાન કરી દીધો જેથી માણસજાતને પાપોની માફી મળે. તેઓ સંપૂર્ણ, પવિત્ર બને અને કાયમનું જીવન પામે. (યોહાન ૩:૧૬) પ્રેમથી દોરાઈને યહોવાહ માણસો સાથે ધીરજ રાખે છે. આપણે શેતાનની ચાલમાં ન આવીએ અને યહોવાહને વિશ્વના રાજા તરીકે પસંદ કરીએ એ માટે તે પુષ્કળ તક આપે છે.—૨ પીતર ૩:૯.

૧૮. આપણે કઈ હકીકત જાણીએ છીએ જેનાથી દુનિયાના લોકો અજાણ છે? હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ આતંકવાદી હુમલામાં માર્યા ગએલા લોકોને યાદ કરવા એકઠા થયેલા લોકોને એક પાદરીએ કહ્યું: “આપણે જાણતા નથી કે શા માટે ઈશ્વર આટલા દુઃખ-તકલીફો ચાલવા દે છે.” એ કેટલી દુઃખની વાત કહેવાય! પણ આપણે એ જાણીએ છીએ એ કેટલી ખુશીની વાત છે. (પુનર્નિયમ ૨૯:૨૯) યહોવાહ જ્ઞાની, ન્યાયી અને પ્રેમાળ છે. તેથી આપણે જાણીએ છીએ કે જલદી જ તે બધી તકલીફોનો કાઢી નાખશે. હકીકતમાં, તેમણે એનું વચન પણ આપ્યું છે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) પણ સદીઓથી જેઓ મરણ પામ્યા છે એ લોકો માટે શું કોઈ આશા છે? યહોવાહે એદન બાગમાં બાબતો જે રીતે હાથ ધરી એમાં શું તે મરણ પામેલા લોકોને ભૂલી ગયા છે? ના. યહોવાહ તેઓને ભૂલ્યા નથી. પ્રેમથી દોરાઈને તેમણે મૂએલાઓ માટે પુનરુત્થાનની સરસ ગોઠવણ કરી છે. એની ચર્ચા આપણે હવે પછીના લેખમાં કરીશું. (w 07 5/15)

તમે કેવો જવાબ આપશો?

• ઈશ્વર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે એવો સવાલ પૂછનારને આપણે શું કહી શકીએ?

• યહોવાહે એદન બાગમાં બાબતો હાથ ધરી એમાં તેમની પવિત્રતા અને ન્યાય કઈ રીતે દેખાઈ આવે છે?

• યહોવાહના પ્રેમને સમજવા શા માટે આપણે લોકોને મદદ કરવી જોઈએ?

[Study Questions]

[Picture on page 13]

દુનિયાની દુઃખ-તકલીફોથી ત્રાસી ગયા છે તેઓને મદદ કરીએ

[Pictures on page 15]

ઈશ્વરભક્ત દાઊદ અને હબાક્કૂકે ઈશ્વરને સવાલો પૂછ્યા