સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીભમાં કેટલી શક્તિ?

જીભમાં કેટલી શક્તિ?

જીભમાં કેટલી શક્તિ?

જિરાફની જીભ લગભગ ૪૫ સેન્ટિમીટર (૧૮ ઇંચ) લાંબી હોય છે. એ રબરની જેમ આમ-તેમ સહેલાઈથી વળી શકે છે. જીભ વડે સહેલાઈથી ઝાડના પાંદડાં પણ તોડી શકે છે. બ્લુ વ્હેલ માછલીની જીભનું વજન લગભગ હાથી જેટલું હોય છે! એને આમ-તેમ ફેરવવા વ્હેલ માછલીને કેટલું જોર કરવું પડતું હશે એનો વિચાર કરો!

તેઓની સરખામણીમાં આપણી જીભ સાવ ટચૂકડી છે. એમાં ન તો જાનવરની જીભ જેટલું વજન, ન તો શક્તિ. તોપણ આપણી જીભ તેઓ કરતાં વધારે શક્તિશાળી છે. બાઇબલ કહે છે: “મરણ તથા જીવન જીભની સત્તામાં છે.” (નીતિવચનો ૧૮:૨૧) એમાં કોઈ શંકા નથી. ઘણી વાર આપણે લોકોને ઝેર જેવા વેણ બોલતા સાંભળીએ છીએ. લોકો પોતાના ફાયદા માટે જૂઠું બોલે છે. અરે, એ જ જીભથી જૂઠી જુબાની આપે છે જેનાથી કેટલાય નિર્દોષ લોકોને મોતની સજા થઈ છે, ઘણાનું જીવન બરબાદ થઈ ગયું છે!

જીભ પર લગામ ન રાખવાથી કેટલાયની દોસ્તી છિન્‍ન-ભિન્‍ન થઈ ગઈ છે. કડવા વેણથી લાગણી દુભાય છે. અગાઉના જમાનામાં ઈશ્વરભક્ત અયૂબને તેમના દોસ્તોએ ઝેર જેવા વેણ કહ્યા. એટલે અયૂબ દુઃખમાં પોકારી ઊઠ્યા: “તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો? અને શબ્દોથી મારા ચૂરેચૂરા કરશો?” (અયૂબ ૧૯:૨) યાકૂબ નામના એક બાઇબલ લેખકે જીભ વિષે લખ્યું: “જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બડાશ મારે છે. જુઓ, કેટલો થોડો અગ્‍નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે! જીભ તો અગ્‍નિ છે.”—યાકૂબ ૩:૫, ૬.

બીજી બાજુ, જીભનો સારો ઉપયોગ કરવાથી લોકોનું ભલું થાય છે. પ્રેમભર્યા મીઠા શબ્દોએ ઘણા ડિપ્રેસ લોકોને દિલાસો, હિંમત અને તાજગી આપ્યા છે. અરે, અમુકને આપઘાત કરતા પણ રોક્યા છે. સાચી સલાહ સાંભળવાથી ઘણા ગુંડાઓ ને ડ્રગ્સના બંધાણીઓનું જીવન પણ બચ્યું છે. ઈશ્વરભક્તની જીભ જાણે “જીવનનું ઝાડ” છે. એ જીભ ‘પ્રસંગને અનુસરીને બોલે છે. એના શબ્દો રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવા છે.’—નીતિવચનો ૧૫:૪; ૨૫:૧૧.

તો જીભનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરી શકાય? ઈશ્વર યહોવાહના ગુણગાન ગાઈને. સર્વને તેમની સરકાર વિષે ખુશખબરી જણાવીને. બીજાઓને બાઇબલનું અનમોલ સત્ય શીખવીને. શા માટે એમ કરવું જોઈએ? કેમ કે ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩; માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦. (w 07 6/1)