સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ઘડપણમાં પણ યુવાનો માટે આશીર્વાદ છો

તમે ઘડપણમાં પણ યુવાનો માટે આશીર્વાદ છો

તમે ઘડપણમાં પણ યુવાનો માટે આશીર્વાદ છો

‘હે ઈશ્વર, હું ઘરડો અને ધોળા વાળવાળો થાઉં ત્યારે પણ તું મને મૂકી દેતો નહિ; હું આવતી પેઢીને તારૂં બળ જણાવું, અને સર્વ આવનારાઓને તારૂં પરાક્રમ પ્રગટ કરૂં, ત્યાં સુધી મારો ત્યાગ ન કરીશ.’—ગીતશાસ્ત્ર ૭૧:૧૮.

૧, ૨. ઘડપણમાં પણ ઈશ્વરભક્તો શું કરી શકે છે? હવે આપણે શાનો વિચાર કરીશું?

 પશ્ચિમ આફ્રિકામાં એક મંડળના વડીલ મોટી ઉંમરના ભાઈને મળવા ગયા. એ દાદા સ્વર્ગમાં જનારામાંના એક હતા. વડીલે તેમને પૂછ્યું, “કેમનું ચાલે છે?” દાદાએ દોડવાની અને કૂદવાની ઍક્ટિંગ કરીને જવાબ આપ્યો, ‘હું દોડી શકું છું, કૂદી શકું છું. બસ, ઊડી શકતો નથી. પણ જે કરી શકું છું, એ ખુશીથી કરું છું. જે નથી કરી શકતો, એ નથી કરતો.’ હવે વડીલ પોતે ૮૦ વટાવી ચૂક્યા છે. પેલા દાદાની વાતો, મજાકિયો સ્વભાવ અને યહોવાહની ભક્તિ માટેની મીઠી યાદો તેમના મનમાંથી જતી નથી.

ભાઈ-બહેનોમાં યહોવાહને ગમે એવા અનમોલ ગુણો ઘડપણમાં પણ જોવા મળે છે. એનાથી બીજાના દિલ પર ઊંડી છાપ પડે છે. ઉંમર વધે તેમ ઈસુ જેવો સ્વભાવ આપોઆપ આવી જતો નથી. (સભાશિક્ષક ૪:૧૩) બાઇબલ જણાવે છે કે “માથે પળિયાં [ધોળા વાળ] એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” (નીતિવચનો ૧૬:૩૧) જો તમે ઢળતી ઉંમરે આવીને ઊભા હો, તોપણ તમારા વાણી-વર્તનથી બીજાને ઘણા આશીર્વાદો મળી શકે છે! ચાલો બાઇબલમાંથી અમુક અનુભવો જોઈએ. એમાંથી શીખીશું કે મોટી ઉંમરના ઈશ્વરભક્તો કઈ રીતે બાળકો અને યુવાનો માટે આશીર્વાદ સાબિત થયા છે.

નુહની શ્રદ્ધાના આશીર્વાદો

૩. નુહની શ્રદ્ધાથી આજે શું લાભ થયા છે?

ઈશ્વરભક્ત નુહનો વિચાર કરો. તેમની શ્રદ્ધાના આશીર્વાદ આજે આપણને પણ મળે છે. યહોવાહે નુહને વહાણ બાંધવાનું, પશુ-પંખીઓ ભેગા કરવાનું અને પ્રચાર કરવાનું કામ સોંપ્યું. એ વખતે નુહની ઉંમર લગભગ ૬૦૦ વર્ષ હતી. (ઉત્પત્તિ ૭:૬; ૨ પીતર ૨:૫) નુહે યહોવાહના કહેવા પ્રમાણે જ કર્યું. એટલે જ પ્રલયમાંથી તે પોતાના કુટુંબ સાથે બચી ગયા. સર્વ મનુષ્યો તેમના કુટુંબમાંથી જ આવે છે. ખરું કે એ ટાઇમે લોકો ઘણું લાંબું જીવતા. પરંતુ નુહની શ્રદ્ધા એટલી મોટી ઉંમરેય ડગી નહિ. એનાથી મનુષ્યો પર મોટા આશીર્વાદો આવ્યા. કેવી રીતે?

૪. નુહના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

યહોવાહે મનુષ્યને આજ્ઞા આપી હતી કે “પૃથ્વીને ભરપૂર કરો.” પણ નિમ્રોદ યહોવાહની સામો થયો. તેણે બાબેલનો બુરજ બાંધવાનું નક્કી કર્યું. એ વખતે નુહ લગભગ ૮૦૦ વર્ષના હતા. (ઉત્પત્તિ ૯:૧; ૧૧:૧-૯) બીજા લોકો નિમ્રોદની ગેંગમાં જોડાયા, પણ નુહે તેને જરાય સાથ આપ્યો નહિ. નુહની શ્રદ્ધા કહેવી પડે! યહોવાહે લોકોની ભાષા ગૂંચવી નાખી ત્યારે, શક્ય છે કે નુહ પર એની અસર પડી નહિ હોય. આખી જિંદગી નુહે યહોવાહના કહેવા પ્રમાણે જ કર્યું. તેમણે નાના-મોટા બધાય ઈશ્વરભક્તો માટે સરસ દાખલો બેસાડ્યો.—હેબ્રી ૧૧:૭.

કુટુંબ પર પડતી સારી છાપ

૫, ૬. (ક) યહોવાહે ૭૫ વર્ષના ઈબ્રાહીમને શું કહ્યું? (ખ) ઈબ્રાહીમે શું કર્યું?

મોટી ઉંમરના ભાઈ-બહેનોની કુટુંબ પર કેવી છાપ પડી શકે? ચાલો આપણે નુહ પછી આવેલા ઈબ્રાહીમના દાખલામાંથી એ શીખીએ. તે ૭૫ વર્ષના હતા ત્યારે યહોવાહે તેમને કહ્યું: “તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા બાપનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા; અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ.”—ઉત્પત્તિ ૧૨:૧, ૨.

જો તમને ઘરબાર, સગાં-વહાલાં, દેશ બધુંય છોડીને અજાણ્યા દેશમાં જવાનું કહેવામાં આવે, તો કેવું લાગે? ઈબ્રાહીમને એવું જ કહેવામાં આવ્યું. તેમણે શું કર્યું? ‘યહોવાહના કહેવા પ્રમાણે તે નીકળી’ પડ્યા. (ઉત્પત્તિ ૧૨:૪; હેબ્રી ૧૧:૮, ૯) યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું કે તેમનાથી “મોટી કોમ” ઉત્પન્‍ન કરશે. તોપણ, ઈબ્રાહીમ અને તેમની પત્ની સારાહને ફક્ત એક જ પુત્ર થયો. એ પણ તેઓ વચનના દેશ કનાનમાં ૨૫ વર્ષો ભટક્યા પછી થયો. (ઉત્પત્તિ ૨૧:૨,) કુટુંબ મોટું થયું એ પહેલાં તો ઈબ્રાહીમ ગુજરી ગયા. તોપણ તેમની શ્રદ્ધા જરાય ઘટી નહિ. તેમણે કદીયે સુખ-સાહેબીવાળા જીવનનો વિચાર પણ ન કર્યો. તેમની શ્રદ્ધા અને ધીરજ કહેવી પડે!

૭. ઇસ્હાક પર ઈબ્રાહીમની શ્રદ્ધાની કેવી છાપ પડી? એનાથી સર્વ મનુષ્યો માટે શું શક્ય બન્યું?

ઈબ્રાહીમની શ્રદ્ધા અને ધીરજની ઇસ્હાકના દિલ પર કેવી છાપ પડી? ઇસ્હાક પોતે આખી જિંદગી, ૧૮૦ વર્ષ પરદેશી તરીકે કનાન દેશમાં રહ્યા. યહોવાહે ઈબ્રાહીમને આપેલા વચનમાં ઇસ્હાકને પૂરો ભરોસો હતો. પોતાનાં માબાપ જેવી જ શ્રદ્ધા હતી. ખુદ યહોવાહે એ વચન યાદ કરાવીને ઇસ્હાકને ખાતરી આપી. (ઉત્પત્તિ ૨૬:૨-૫) યહોવાહનું વચન હતું કે ઈબ્રાહીમના કુટુંબમાંથી જે ‘સંતાન’ આવશે, તેનાથી સર્વ મનુષ્યોને આશીર્વાદ મળશે. એ વચન પૂરું કરવામાં ઇસ્હાકની શ્રદ્ધા રંગ લાવી. વર્ષો પછી, એ ‘સંતાન’ ઈસુ ખ્રિસ્તે સર્વ મનુષ્યો માટે એ આશીર્વાદો શક્ય બનાવ્યા. પછીથી, જે કોઈ યહોવાહને ભજવા ઈસુમાં વિશ્વાસ કરે એ બધા અમર જીવન પામી શકે છે.—ગલાતી ૩:૧૬; યોહાન ૩:૧૬.

૮. યાકૂબે કેવી રીતે શ્રદ્ધા બતાવી અને એને લીધે શું બન્યું?

ઇસ્હાકે પોતાના દીકરા યાકૂબમાં એવી જ શ્રદ્ધા કેળવી. એટલે જ યાકૂબ ઘડપણમાં પણ યહોવાહને વળગી રહ્યા. તે ૯૭ વર્ષના હતા ત્યારે, યહોવાહના આશીર્વાદ મેળવવા આખી રાત એક સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી. (ઉત્પત્તિ ૩૨:૨૪-૨૮) યાકૂબ ૧૪૭ વર્ષે મરણ પામ્યા. એ પહેલાં તેમણે બારેય દીકરાને બોલાવીને આશીર્વાદ આપ્યા. (ઉત્પત્તિ ૪૭:૨૮) યાકૂબે આવનાર દિવસો વિષે જે કહ્યું એ આજે ઉત્પત્તિ ૪૯:૧-૨૮માં મળી આવે છે. એ શબ્દો સાચા ઠર્યા અને હજુય સાચા ઠરે છે.

૯. ઘડપણમાં પણ દિલથી યહોવાહને ભજનારાની કુટુંબ પર કેવી છાપ પડે છે?

આપણે જોયું કે ઘડપણમાં પણ ઈશ્વરભક્તોની તેઓનાં કુટુંબ પર ઊંડી છાપ પડે છે! યહોવાહને વળગી રહેવા યુવાનોને અલગ અલગ રીતે મદદ મળે છે. જેમ કે બાઇબલનું શિક્ષણ, કોઈ અનુભવીની સલાહ અને તેઓનો સરસ દાખલો. (નીતિવચનો ૨૨:૬) કોઈ પણ બા-દાદાએ એમ ન વિચારવું જોઈએ કે ભક્તિમાં પોતે જે કંઈ કરે છે, એનાથી કુટુંબને શું ફેર પડવાનો? ચોક્કસ કુટુંબ પર એની છાપ પડે છે!

ઈશ્વરભક્તો પર પડતી સારી છાપ

૧૦. યુસફે “પોતાનાં હાડકાં સંબંધી” કઈ આજ્ઞા આપી? ઈસ્રાએલીઓ પર એની કેવી છાપ પડી?

૧૦ મોટી ઉંમરના ભાઈ-બહેનોની શ્રદ્ધાની અસર ઈશ્વરભક્તો પર પડે છે. યાકૂબના પુત્ર યુસફનો વિચાર કરીએ. યુસફ ૧૧૦ વર્ષના થયા ત્યારે, “પોતાનાં હાડકાં સંબંધી આજ્ઞા આપી.” ઈસ્રાએલીઓ ઇજિપ્ત છોડી જાય ત્યારે યુસફના હાડકાં તેઓએ સાથે લઈ જવાના હતા. (હેબ્રી ૧૧:૨૨; ઉત્પત્તિ ૫૦:૨૫) આમ જોઈએ તો એ નાની જ વાત હતી. પણ એની છાપ લાખો ઈશ્વરભક્તોનાં દિલ પર પડી. યુસફના મરણ પછી તેઓએ ઇજિપ્તની સખત ગુલામી સહેવી પડી. તોપણ યુસફે જે કહ્યું એના પરથી તેઓને પૂરી ખાતરી હતી કે આખરે ગુલામીમાંથી આઝાદી મળશે.

૧૧. ઘડપણમાં પણ મુસાની શ્રદ્ધાથી યહોશુઆ પર કેવી છાપ પડી?

૧૧ યુસફના કહેવાથી જેઓની શ્રદ્ધા વધી હતી, તેઓમાં મુસા પણ હતા. ઇજિપ્ત છોડતી વખતે યુસફના હાડકાં સાથે લઈ જવાનો આશીર્વાદ મુસાને ૮૦ વર્ષે મળ્યો. (નિર્ગમન ૧૩:૧૯) લગભગ એ જ સમયે મુસા યહોશુઆને મળ્યા, જે તેમનાથી ઉંમરમાં નાના હતા. પછીનાં ચાલીસેક વર્ષો યહોશુઆ મુસાના સેવક બન્યા. (ગણના ૧૧:૨૮) મુસા સિનાય પર્વત પર ચડ્યા ત્યારે, યહોશુઆ પણ અમુક અંતર સુધી સાથે ગયા. મુસા યહોવાહના નિયમોની બે શિલાપાટી લઈને ઊતર્યા ત્યારે, પહેલા યહોશુઆને મળ્યા. (નિર્ગમન ૨૪:૧૨-૧૮; ૩૨:૧૫-૧૭) યહોશુઆને મુસા સાથે રહેવાથી તેમની સલાહ અને અનુભવથી કેટલું બધું શીખવા મળ્યું હશે!

૧૨. યહોશુઆની શ્રદ્ધાની ઈસ્રાએલીઓ પર કેવી અસર પડી?

૧૨ યહોશુઆએ સારો દાખલો બેસાડ્યો. ન્યાયાધીશો ૨:૭ જણાવે છે કે “યહોશુઆની આખી જિંદગી સુધી, તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા હતા, અને જેઓએ ઈસ્રાએલને સારૂ જે સર્વ મોટાં કામ યહોવાહે કર્યાં હતાં તે દીઠાં હતાં, તેઓની આખી જિંદગી સુધી લોકોએ યહોવાહની સેવા કરી.” પણ યહોશુઆ અને એ પછીના વડીલોના મરણ પછી ઈસ્રાએલી લોકો બગડી ગયા. પછીનાં ૩૦૦ વર્ષ સુધી તેઓ સાચી અને ખોટી ભક્તિ વચ્ચે ઝોલાં ખાવા લાગ્યા! આવું તો ઈશ્વરભક્ત શમૂએલના વખત સુધી ચાલ્યું.

શમૂએલ “ન્યાયીપણે વર્ત્યા”

૧૩. ‘ન્યાયીપણે વર્તવા’ શમૂએલે શું કર્યું?

૧૩ બાઇબલ જણાવતું નથી કે ઈશ્વરભક્ત શમૂએલ કેટલી ઉંમરે ગુજરી ગયા. પણ પહેલા શમૂએલનું પુસ્તક જે ૧૦૨ વર્ષના બનાવો વિષે જણાવે છે, એમાંના મોટા ભાગના શમૂએલે જોયા હતા. હેબ્રી ૧૧:૩૨, ૩૩ જણાવે છે કે ન્યાયાધીશો અને પ્રબોધકો “ન્યાયીપણે વર્ત્યા.” એ બતાવે છે કે શમૂએલે બીજા ભક્તોને ખોટું કામ કરતા રોક્યા. ખોટા રસ્તેથી પાછા વાળ્યા. (૧ શમૂએલ ૭:૨-૪) શમૂએલે એ કેવી રીતે કર્યું? એક તો તે પોતે આખી જિંદગી યહોવાહને વળગી રહ્યા. (૧ શમૂએલ ૧૨:૨-૫) તે કોઈથી ડરતા નહિ. અરે, રાજાને પણ કડક સલાહ આપતા અચકાતા નહિ. (૧ શમૂએલ ૧૫:૧૬-૨૯) શમૂએલ ‘વૃદ્ધ થયા’ તોપણ ઈસ્રાએલી લોકો માટે પ્રાર્થના કરતા રહ્યા. તેમણે કહ્યું: “પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાહની વિરૂદ્ધ હું કરૂં એમ ન થાઓ.”—૧ શમૂએલ ૧૨:૨, ૨૩.

૧૪, ૧૫. પ્રાર્થના વિષે મોટી ઉંમરના ભાઈ-બહેનો કઈ રીતે શમૂએલ જેવા બની શકે?

૧૪ ઘડપણમાં પણ ભાઈ-બહેનો પ્રાર્થના કરીને બીજા ભક્તોને મદદ કરી શકે છે. તબિયત સારી ન રહેવાથી કે બીજા કોઈ કારણે તમે કદાચ દોડાદોડી ન કરી શકો. પણ બીજાઓ માટે પ્રાર્થના કરી શકો. એવી પ્રાર્થના બહુ અનમોલ છે, એ ભૂલશો નહિ. તમે ઈસુની કુરબાનીમાં પૂરો ભરોસો રાખીને જીવ્યા છો. એટલે યહોવાહ સાથે પાકો નાતો બાંધ્યો છે. તમે ધીરજથી બધું સહન કરીને, ‘વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યા’ છો. (યાકૂબ ૧:૩; ૧ પીતર ૧:૭) એ હકીકત છે કે ‘ન્યાયી માણસની પ્રાર્થનાથી બહુ લાભ થાય છે.’—યાકૂબ ૫:૧૬.

૧૫ પ્રચાર અને મંડળ માટે પણ તમારી પ્રાર્થના બહુ જ જરૂરી છે. અમુક ભાઈ-બહેનો યહોવાહની ભક્તિને લીધે જેલમાં છે. અમુક તો કુદરતી આફતો, યુદ્ધો કે લડાઈના ભોગ બન્યા છે. આપણા પોતાના મંડળમાં કોઈની સતાવણી થતી હોઈ શકે કે અમુક લાલચો સામે લડી રહ્યા હોઈ શકે. (માત્થી ૧૦:૩૫, ૩૬) વડીલોને પ્રચારમાં અને મંડળમાં યહોવાહની શક્તિ ને મદદની જરૂર છે. તેઓને માટે પણ પ્રાર્થના કરો. (એફેસી ૬:૧૮, ૧૯; કોલોસી ૪:૨, ૩) એપાફ્રાસની જેમ બધા માટે પ્રાર્થના કરો!—કોલોસી ૪:૧૨.

આવનાર પેઢીને ઘડો

૧૬, ૧૭. ગીતશાસ્ત્ર ૭૧:૧૮ શું જણાવે છે? એ કઈ રીતે સાચું પડે છે?

૧૬ “નાની ટોળી” એટલે થોડા ભાઈ-બહેનોને સ્વર્ગમાં અમર જીવનની આશા છે. “બીજાં ઘેટાં” એટલે મોટા ભાગના ભક્તોને પૃથ્વી પર અમર જીવનની આશા છે. સ્વર્ગમાં જનારા પાસેથી પૃથ્વી પર રહેનારાને સરસ ટ્રેનિંગ મળે છે. (લુક ૧૨:૩૨; યોહાન ૧૦:૧૬) એના વિષે ગીતશાસ્ત્ર ૭૧:૧૮માં પહેલેથી કહેવામાં આવ્યું હતું: ‘હે ઈશ્વર, હું ઘરડો અને ધોળા વાળવાળો થાઉં ત્યારે પણ તું મને મૂકી દેતો નહિ; હું આવતી પેઢીને તારૂં બળ જણાવું, અને સર્વ આવનારાઓને તારૂં પરાક્રમ પ્રગટ કરૂં, ત્યાં સુધી મારો ત્યાગ ન કરીશ.’ સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો ધરતી પર રહેનારાને ખુશીથી ટ્રેનિંગ આપે છે. જેથી, તેઓ ઈસુ સાથે રાજ કરવા સ્વર્ગમાં જાય પછી પણ પૃથ્વી પર યહોવાહનો જયજયકાર થતો રહે.

૧૭ ટ્રેનિંગ પામેલા પૃથ્વી પરની આશાવાળા ભાઈ-બહેનો પણ “આવતી પેઢીને” શીખવે છે. (ગીતશાસ્ત્ર ૭૧:૧૮) યહોવાહે એ ખાસ કામ મોટી ઉંમરના ભક્તોને સોંપ્યું છે. તેઓએ સત્યમાં નવા નવા લોકોને મદદ કરવાની છે. (યોએલ ૧:૨, ૩) તેઓ એને એક મોટો આશીર્વાદ ગણે છે. એટલે જ તેઓ યહોવાહની ભક્તિ કરવા ચાહનારને પૂરી હોંશથી મદદ કરે છે.—પ્રકટીકરણ ૭:૯, ૧૦.

૧૮, ૧૯. (ક) મોટી ઉંમરના ઘણા ભક્તો કેવી માહિતી આપી શકે? (ખ) તેઓને શાની ખાતરી હોવી જોઈએ?

૧૮ સ્વર્ગમાં જનાર હોય કે પૃથ્વી પર રહેનાર હોય, મોટી ઉંમરના ભાઈ-બહેનોએ સંગઠનમાં બનેલા બનાવોમાં ભાગ લીધો છે. અમુકે “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” જોયું હતું. ૧૯૧૮માં જેલમાં પૂરવામાં આવેલા ભાઈઓને અમુક સારી રીતે ઓળખે છે. અમુકે વોચટાવરના રેડિયો સ્ટેશન (WBBR) પર પ્રોગ્રામ આપ્યા હતા. ઘણા એ પણ જણાવશે કે યહોવાહની ભક્તિ માટે અદાલતોમાં કેવા કેસ લડવા પડ્યા હતા. જુલમી સત્તા નીચે કેવો જુલમ સહેવો પડ્યો હતો. સત્યની સમજણ ધીમે ધીમે કેવી રીતે વધી રહી છે. બાઇબલ આપણને જણાવે છે કે આવા વહાલા ભાઈ-બહેનોના અનુભવોનો ફાયદો ઉઠાવીએ.—પુનર્નિયમ ૩૨:૭.

૧૯ મોટી ઉંમરના ભાઈ-બહેનોને અરજ કરવામાં આવે છે કે તેઓ યુવાનો માટે સરસ દાખલો બેસાડે. (તીતસ ૨:૨-૪) કદાચ તમને ખ્યાલ નહિ હોય કે તમારી ધીરજ, પ્રાર્થના અને સલાહની બીજા પર કેવી છાપ પડી છે. નુહ, ઈબ્રાહીમ, યુસફ, મુસા અને બીજા ભક્તોએ ધાર્યું પણ નહિ હોય કે તેઓની શ્રદ્ધાની કેવી છાપ પડશે. તેઓની શ્રદ્ધાથી આશીર્વાદ આવ્યા છે! એવી જ રીતે તમારી શ્રદ્ધા પણ બહુ અનમોલ છે.

૨૦. છેલ્લે સુધી પોતાની આશા ઝળહળતી રાખનારને કયા આશીર્વાદ મળશે?

૨૦ કદાચ તમે “મોટી વિપત્તિ” પાર કરીને નવી દુનિયામાં જાવ કે પછી તમને એમાં સજીવન કરવામાં આવે. એ “ખરેખરૂં જીવન” હશે! (માત્થી ૨૪:૨૧; ૧ તીમોથી ૬:૧૯) જરા વિચારો તો ખરા, ઈસુના હજાર વર્ષના રાજમાં યહોવાહ કેવા ચમત્કાર કરશે! દિવસે દિવસે શરીર કરમાતું જવાને બદલે ખીલી ઊઠશે. શરીર જોશીલું, આંખો ચકોર, કાન તેજીલા અને સુંદર દેખાવ! યહોવાહ ઘડપણની એકેએક નિશાની મિટાવી દેશે. બા-દાદા યુવાન થશે! (અયૂબ ૩૩:૨૫; યશાયાહ ૩૫:૫, ૬) યહોવાહની નવી દુનિયામાં અમર જીવન પામનાર કાયમ યુવાન રહેશે. (યશાયાહ ૬૫:૨૨) ચાલો આપણે નાના-મોટા બધાય યહોવાહની દિલથી ભક્તિ કરતા રહીએ. આપણી આશા છેલ્લે સુધી ઝળહળતી રાખીએ. યહોવાહ પોતાનાં વચન ચોક્કસ પાળશે. તે આપણા પર ધાર્યા કરતાંય વધારે આશીર્વાદો વરસાવશે!—ગીતશાસ્ત્ર ૩૭:૪; ૧૪૫:૧૬. (w 07 6/1)

આપણે શું શીખ્યા?

• ઘડપણમાં પણ નુહની શ્રદ્ધાથી આપણને કેવા આશીર્વાદ મળ્યા છે?

• જૂના જમાનાના ભક્તોની શ્રદ્ધાની તેઓનાં છોકરાં પર કેવી છાપ પડી?

• યુસફ, મુસા, યહોશુઆ અને શમૂએલે ઘડપણમાં કેવી રીતે બીજાની શ્રદ્ધા વધારી?

• મોટી ઉંમરના ભક્તો કઈ રીતે બીજાને મદદ કરી શકે?

[Study Questions]

[Picture on page 27]

ઇસ્હાક પર ઈબ્રાહીમની શ્રદ્ધાની ઊંડી છાપ પડી

[Picture on page 29]

બીજાઓ માટેની તમારી પ્રાર્થના અનમોલ છે

[Picture on page 30]

મોટી ઉંમરના ભક્તો પાસેથી યુવાનો ઘણું શીખી શકે