દુષ્ટતા ક્યાં જઈને અટકશે?
દુષ્ટતા ક્યાં જઈને અટકશે?
એક માસૂમ બાળક મેદાનમાં રમી રહ્યું હતું. તેને કંઈક દેખાયું. એ ઉપાડીને જોવા લાગ્યું. એ સુરંગ હતી! એ તરત ફૂટી ને બાળક આંધળું થઈ ગયું. એક હાથ પણ ગુમાવ્યો. એક મા તાજા જન્મેલાં બાળકને રસ્તા પરની કચરાપેટીમાં છોડી દે છે. એક કામદારે નોકરી ગુમાવી. એનો બદલો લેવા તે બંદૂક લઈને કામના સ્થળે ગયો. જે નજરે ચઢ્યા તેઓને વિંધી નાખ્યા. પછી પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો. એક આબરુદાર વ્યક્તિએ ફૂલ જેવાં બાળકોનું જાતીય શોષણ કર્યું.
આવા સમાચાર રોજ સાંભળવા મળે છે. એ તો ઠીક, હવે તો હુલ્લડ, કોમી રમખાણો, જાતિ સંહાર અને ત્રાસવાદના સમાચાર પણ રોજ સાંભળવા મળે છે. એ કેવા દુઃખની વાત છે! ૧૯૯૫માં એક છાપાના તંત્રીએ લખ્યું: ‘આ વીસમી સદીમાં લોકોએ જાતિ-ધર્મ, રંગભેદ કે નાતજાતને કારણે આવેશમાં આવી જઈને હિસાબ વગરના લોકોને મોતના મોંમાં ધકેલી દીધા છે. આવું પહેલાં કદી થયું નથી. અમુક વાર એવું લાગ્યું છે કે જાણે આ સદીમાં રાક્ષસ શેતાન દુનિયા પર રાજ કરે છે.’
એ જ સમયે લોકો પૃથ્વીને બગાડી રહ્યા છે. બધી જ રીતે ધરતીને લૂટી રહ્યા છે. જંગલોના જંગલો કાપી રહ્યા છે. અમુક પશુ-પક્ષીઓ નામશેષ થવાને આરે છે. શું ઇન્સાન દરેક પ્રકારની બૂરાઈને કદી દૂર કરી શકશે, જેથી દુનિયામાં બૂરાઈનો અંશ પણ ન રહે? કે પછી એ ભરતી ને ઓટને નાથવા જેવું છે? દુષ્ટતા ને બૂરાઈ પર ઘણું લખનાર એક પ્રોફેસર કહે છે: ‘દુનિયા સુધરે એવી મને બહુ જ તમન્ના હતી. પણ દુનિયા સુધરવાના કોઈ અણસાર દેખાતા નથી.’ કદાચ તમને પણ એવું જ લાગતું હોઈ શકે.
દુનિયાની હાલત એવા વહાણ જેવી છે જે ભારે દરિયાઈ તોફાનમાં પૂરા વેગથી નાશ તરફ ધસી રહ્યું છે. ખરું કે કોઈને એ દિશામાં જવું નથી! પરંતુ ઈન્સાનની લાખ કોશિશ છતાં એ માર્ગમાંથી પાછા ફરવું અશક્ય બની ગયું છે. હા, આજે દુનિયા દિવસે દિવસે નાશ તરફ જઈ રહી છે. એને કોઈ માણસ અટકાવી શકે એમ નથી.
દુનિયાની આવી હાલત કેમ છે? અમુક અંશે એ માટે માણસ પોતે જવાબદાર છે. માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક જણ મન ફાવે એમ કરે છે. (રૂમી ૩:૨૩) ખરું કે ઇન્સાન એક-બીજાનું બૂરું કરી શકે છે. તોપણ તે પોતાના વિચારોથી જ આટલી હદે બૂરાઈ કરી શકે એમ નથી. એની પાછળ કોઈનો હાથ હોવો જ જોઈએ, જે ઇન્સાનને ભૂંડું કરવા દોરે છે. તમને શું લાગે છે? એ કોણ હોઈ શકે? તેના પંજાથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ? હવે પછીનો લેખ એનો જવાબ આપે છે. (w 07 6/1)