સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પુનરુત્થાન પર તમારે કેમ પૂરી ખાતરી રાખવી જોઈએ?

પુનરુત્થાન પર તમારે કેમ પૂરી ખાતરી રાખવી જોઈએ?

પુનરુત્થાન પર તમારે કેમ પૂરી ખાતરી રાખવી જોઈએ?

“પુનરુત્થાન થશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

૧. શું મોતને કોઈ ટાળી શકે છે?

 આપણામાંનું કોઈ એવું નથી જે મોતને ટાળી શકે. શું ખરતા પાનને રોકી શકાય? નીતિવચનો ૨૭:૨૦ જણાવે છે કે ‘શેઓલ કદી તૃપ્ત થતું નથી.’ શેઓલ એ કબરને બતાવે છે, કે જેની ભૂખ કદી સંતોષાતી નથી. એ આપણા વહાલાં સગાં-મિત્રોને બસ ભરખતી જ જાય છે. તમારું કોઈ સગું-વહાલું ગુજરી ગયું હોય તો શું કોઈ દિલાસો છે? હા! ચાલો જોઈએ.

૨, ૩. (ક) આપણે કેમ કહી શકીએ કે અમુક લોકો મરણ નહિ પામે? (ખ) આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?

યહોવાહ વચન આપે છે કે તે ગુજરી ગયેલાને ફરીથી ઉઠાડશે. બાઇબલ એને પુનરુત્થાન કહે છે. આ કંઈ સપનું નથી. યહોવાહ જરૂર ગુજરી ગયેલાને ફરીથી જીવતા કરશે. એમ કરતા દુનિયાની કોઈ તાકાત તેમને અટકાવી નહિ શકે. પરંતુ હાલમાં જેઓ જીવે છે તેઓ વિષે શું? શું તેઓ ચોક્કસ મરશે જ? મોટા ભાગના એમ માને છે. પણ તેઓને હજી ખબર નથી કે અમુક લોકો મરણને કદી નહિ જુએ. એમ કઈ રીતે? ગણ્યા ગણાય નહિ એટલી ‘મોટી સભા’ આવનાર “મોટી વિપત્તિમાંથી” બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪) એ બચી જનારા લોકોને પછી કાયમ માટે જીવવાનો મોકો મળશે. એટલે તેઓ માટે મોત જરૂરી નથી. પછી ‘મરણનો નાશ થશે.’—૧ કોરીંથી ૧૫:૨૬.

પ્રેરિત પાઊલની જેમ આપણને પણ પુનરુત્થાનની પૂરી ખાતરી હોવી જોઈએ. તેમણે કહ્યું: “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) ચાલો આપણે પુનરુત્થાન વિષે આ લેખમાં ત્રણ સવાલોની ચર્ચા કરીએ. એક, આપણે કેમ આ આશામાં પૂરો ભરોસો રાખી શકીએ? બે, પુનરુત્થાનની આશામાંથી આપણે કેવો દિલાસો મેળવી શકીએ? ત્રણ, આ આશાની હમણાં આપણા જીવન પર કેવી અસર પડવી જોઈએ?

પુનરુત્થાન જરૂર થશે

૪. યહોવાહનો મકસદ પૂરો થવામાં પુનરુત્થાન કેમ બહુ મહત્ત્વનું છે?

યહોવાહ જરૂર ગુજરી ગયેલાને પાછા ઉઠાડશે એમ માનવાને આપણી પાસે ઘણાં કારણો છે. ખાસ તો યહોવાહનો મકસદ પૂરો થાય એ માટે પુનરુત્થાન બહુ મહત્ત્વનું છે. યાદ કરો, શેતાન ઇન્સાનને પાપ કરવા દોરી ગયો, પરિણામે ઇન્સાનને માથે મોત ત્રાટક્યું. એટલે જ ઈસુએ શેતાન માટે કહ્યું: “તે આરંભથી જ ખૂની હતો.” (યોહાન ૮:૪૪, પ્રેમસંદેશ) પણ યહોવાહે કંઈ શેતાનને આમ જ મનમાની કરવા દીધી નહિ. તેમણે વચન આપ્યું કે તેમનું સ્વર્ગીય સંગઠન, કે જેને તે પોતાની “સ્ત્રી” કે પત્ની તરીકે ઓળખાવે છે એમાંથી એક “સંતાન” આવશે. તે આ ‘જૂના સર્પ’ શેતાનનું માથું છૂંદશે. એટલે કે તેનું હંમેશ માટે નામ-નિશાન મિટાવી દેશે. (ઉત્પત્તિ ૩:૧-૬, ૧૫; પ્રકટીકરણ ૧૨:૯, ૧૦; ૨૦:૧૦) હા, એ સંતાન શેતાનનો વિનાશ કરશે. યહોવાહે એ પણ જણાવ્યું કે એ મસીહી સંતાન બીજું શું કરશે. બાઇબલ કહે છે: “શેતાનનાં કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો.” (૧ યોહાન ૩:૮) આદમને પાપ કરવા દોરી જઈને શેતાન આપણા બધા પર મરણ લાવ્યો છે. એ તેના સર્વ કામોમાં મોટું કામ છે. પણ હવે ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહ એ કામનું, એટલે કે મોતના શાપનું નામ-નિશાન મિટાવી દેશે. યહોવાહનો એ મકસદ પૂરો કરવા, ઈસુનું બલિદાન અને પુનરુત્થાન બહુ મહત્ત્વના છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૨-૨૪; રૂમી ૬:૨૩.

૫. પુનરુત્થાનથી કેવી રીતે યહોવાહનું નામ મોટું મનાશે?

યહોવાહ પોતાનું પવિત્ર નામ મોટું મનાવીને જ રહેશે. શેતાને ઈશ્વરનું નામ બદનામ કર્યું છે અને તેમના વિષે પાર વગરની જૂઠી વાતો ફેલાવી છે. તેણે આદમ અને હવાને જૂઠું કહ્યું કે ઈશ્વરે મના કરેલું ફળ તેઓ ખાશે તો ‘નહિ જ મરશે.’ (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૪) ત્યારથી લઈને શેતાને બીજી જૂઠી વાતો પણ ફેલાવી છે. જેમ કે, આત્મા અમર છે. મરણ પછી એ શરીરનું ખોળિયું છોડી દઈને બીજે ક્યાંક જાય છે. પરંતુ ગુજરી ગયેલાઓને જીવતા કરીને યહોવાહ એ બધાં જૂઠાણાંને ખુલ્લાં પાડશે. પછી કાયમ માટે સાબિત કરી દેશે કે તે એકલા જ જીવનદાતા છે, હા, તે જ કાયમ માટેનું જીવન આપી શકે છે.

૬, ૭. લોકોને સજીવન કરવા વિષે યહોવાહને કેવું લાગે છે? આપણે તેમની લાગણીઓને કઈ રીતે જાણીએ છીએ?

મૂએલાઓને જીવતા કરવા યહોવાહ ખૂબ આતુર છે. બાઇબલ સાફ જણાવે છે કે યહોવાહ એ વિષે કેવું અનુભવે છે. ઈશ્વરભક્ત અયૂબનો વિચાર કરો. તેમણે કહ્યું: “મરી ગયેલો માણસ ફરીથી સજીવન થાય? તેથી મારી દશા બદલાય ત્યાં સુધી, અને મારી સર્વ વિપત્તિનો અંત આવે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ. પછી તમે મને હાંક મારશો, એટલે હું પ્રત્યુત્તર આપીશ; તમને ય તમારી આ કૃતિને જોવાની ઝંખના થશે.” (યોબ [અયૂબ] ૧૪:૧૪, ૧૫, કોમન લેંગ્વેજ) આનો શું અર્થ થાય?

અયૂબ જાણતા હતા કે મર્યા પછી તેમણે અમુક સમય મોતની નીંદરમાં કાઢવો પડશે. એને તેમણે “પ્રતીક્ષા” કરવાના સમય તરીકે જોયો. એટલે કે તેમને ફરીથી ઉઠાડવામાં આવે ત્યાં સુધી તેમણે રાહ જોવાની હતી. અયૂબને ચોક્કસ ખાતરી હતી કે તેમની દશા જરૂર બદલાશે. તેમને જરૂર સજીવન કરવામાં આવશે. કેમ કે તે યહોવાહની લાગણી પારખી શકતા હતા. હા, યહોવાહ તેમના ભક્તોને ફરીથી જોવાની “ઝંખના” રાખે છે. તેઓને સજીવન કરવાની યહોવાહની દિલની તમન્‍ના છે. તે બીજા લોકોને પણ ધરતી પર સદા જીવવાની તક આપશે. (લુક ૨૩:૪૩; યોહાન ૫:૨૮, ૨૯) યહોવાહની આ ઇચ્છાને પૂરી થતા કોઈ અટકાવી શકશે નહિ.

૮. ગુજરી ગયેલા ચોક્કસ સજીવન થશે એની યહોવાહે કઈ રીતે ‘ખાતરી આપી?’

ઈસુના પુનરુત્થાનથી આપણને ખાતરી થાય છે કે ભાવિમાં ચોક્કસ મૂએલાઓને પાછા જીવતા કરવામાં આવશે. એથેન્સના લોકોને પ્રવચનમાં પાઊલે કહ્યું હતું: “તેણે [ઈશ્વરે] એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે; જે વિષે તેણે તેને મૂએલાંમાંથી પાછો ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧) પુનરુત્થાન વિષે સાંભળીને અમુક લોકોએ પાઊલની ઠઠ્ઠા-મશ્કરી કરી. પણ બધા એવા ન હતા. અમુકે પાઊલનું કહ્યું માન્યું ને ઈસુના શિષ્યો બન્યા. કદાચ તેઓ જોઈ શક્યા કે પુનરુત્થાન કંઈ ખાલી આશા જ નથી, પણ ગૅરંટી છે. એટલે જ તેઓએ પાઊલનું સાંભળ્યું. યહોવાહે ઈસુને મરણમાંથી સજીવન કરીને એક મોટો ચમત્કાર કર્યો હતો. તેમણે પોતાના દીકરાને પાછું જીવન આપ્યું. એ પણ શક્તિશાળી સ્વર્ગદૂતનું જીવન. (૧ પીતર ૩:૧૮) ધરતી પર આવ્યા પહેલાં ઈસુ પાસે સ્વર્ગમાં ઘણી જવાબદારી હતી. સજીવન થયા પછી તેમને એનાથી પણ મોટી જવાબદારી, અધિકાર આપવામાં આવ્યા. તે હવે અમર બન્યા. યહોવાહ પછી બીજા નંબરે સૌથી શક્તિમાન બન્યા! ઈસુ હવે આ જવાબદારી પૂરી રીતે નિભાવી રહ્યા છે. કઈ રીતે? મૂએલાઓને પાછા ઉઠાડીને. હા, ઈસુ દ્વારા યહોવાહ અમુક પસંદ કરેલાને સ્વર્ગમાં જીવતા કરી રહ્યા છે. ટૂંકમાં જ તે અસંખ્ય ગુજરી ગયેલાઓને પણ ધરતી પર સજીવન કરશે. એટલે જ ઈસુએ પોતે કહ્યું: “પુનરુત્થાન તથા જીવન હું છું.” (યોહાન ૫:૨૫; ૧૧:૨૫) પોતાના દીકરા ઈસુને સજીવન કરીને યહોવાહે ગૅરંટી આપી છે કે તે ગુજરી ગયેલા બધા ઈશ્વરભક્તોને ફરીથી જીવતા કરશે.

૯. શું બતાવે છે કે યહોવાહ ભાવિમાં મૂએલાઓને જરૂર જીવતા કરશે?

અમુકને સજીવન કરવામાં આવ્યા એને ઘણા લોકોએ નરી આંખોએ જોયું હતું. એ ઘટનાને બાઇબલમાં પણ લખી લેવામાં આવી. બાઇબલ વિગતવાર જણાવે છે કે આઠ ગુજરી ગયેલા લોકોને ધરતી પર પાછા જીવતા કરવામાં આવ્યા હતા. આ ચમત્કારો કંઈ છૂપી રીતે નહિ, પણ જાહેરમાં કરવામાં આવ્યા. લાજરસનો વિચાર કરો. તેને મર્યે ચાર દિવસ થયા હતા. તોય ઈસુએ તેને શોક પાળતા ટોળા સામે સજીવન કર્યા. એ ટોળામાં લાજરસના કુટુંબીજનો, મિત્રો અને પાડોશીઓ હતા. એ બનાવથી સાબિત થયું કે યહોવાહે જ ઈસુને મોકલ્યા હતા. ઈસુના દુશ્મનો, જેમ કે ધર્મગુરુઓ પણ એ બનાવનો નકાર કરી ન શક્યા. એટલે તેઓએ ઈસુની સાથે લાજરસને પણ મારી નાખવાનું કાવતરું કર્યું! (યોહાન ૧૧:૧૭-૪૪, ૫૩; ૧૨:૯-૧૧) ખરેખર, આપણે પુનરુત્થાનમાં પૂરી ખાતરી રાખી શકીએ. એટલે જ મૂએલાઓને સજીવન કર્યા હોય એવા બનાવો યહોવાહે બાઇબલમાં લખાવી લીધા છે, જેથી આપણને દિલાસો મળે ને શ્રદ્ધા મજબૂત થાય.

પુનરુત્થાનની આશામાંથી દિલાસો મેળવવો

૧૦. આપણે બાઇબલમાંથી કેવી રીતે દિલાસો મેળવી શકીએ?

૧૦ કોઈ સગું કે મિત્ર ગુજરી જાય ત્યારે આપણને દિલાસાની કેટલી જરૂર પડે છે. બાઇબલ આપણને ખરો દિલાસો પૂરો પાડે છે. એમાં મૂએલામાંથી સજીવન થયા હોય એવા ઘણા કિસ્સા છે. એ અહેવાલ આપણે વાંચીએ. એના પર વિચાર કરીએ. કલ્પના કરીએ કે એ બનાવ આપણી સામે બની રહ્યો છે. એનાથી આપણી આશા ઓર મજબૂત થશે કે યહોવાહ ગુજરી ગયેલાને જરૂર પાછા ઉઠાડશે. (રૂમી ૧૫:૪) બાઇબલના એ બનાવો કંઈ ઘડી કાઢેલી વાર્તાઓ નથી. એમ ખરેખર બન્યું હતું. ચાલો એક દાખલો જોઈએ. બાઇબલનો એ પહેલો અહેવાલ છે જેમાં કોઈ સજીવન થયું હોય.

૧૧, ૧૨. (ક) સારફાથની વિધવા પર કેવું દુઃખ આવી પડ્યું? તેણે એ હાલતમાં શું કર્યું? (ખ) વિધવા માટે યહોવાહે એલીયાહ દ્વારા કેવો ચમત્કાર કર્યો એ જણાવો.

૧૧ જરા કલ્પના કરો. અમુક અઠવાડિયાં માટે ઈશ્વરભક્ત એલીયાહ સારફાથ નગરની એક વિધવાના ઘરે મહેમાન બન્યા છે. એલીયાહ એ ઘરના ઉપરના માળે બાંધેલા રૂમમાં રહે છે. એ પ્રદેશમાં લાંબા સમયથી વરસાદ પડ્યો નથી ને ભારે દુકાળ પડ્યો છે. એ બહુ કપરો સમય છે. ઘણા લોકો મોતનો કોળિયો બની રહ્યાં છે. પણ યહોવાહે એલીયાહ દ્વારા ચમત્કાર કરીને એ ઈશ્વરભક્ત વિધવા અને તેના દીકરાને ભૂખે મરવા દીધા નથી. એ વિધવા પાસે તો બે જણા એક ટંક ખાઈ શકે એટલો જ લોટ ને તેલ છે. પણ યહોવાહની શક્તિથી એલીયાહે ચમત્કાર કર્યો કે વિધવા લોટ અને તેલ વાપરે તોપણ એ ખૂટે નહિ. આમ, દુકાળમાંયે તેઓ ભૂખે મર્યા નહિ. પણ અચાનક વિધવાને માથે દુઃખનો પહાડ તૂટી પડે છે. તેનો એકનો એક દીકરો અચાનક બીમાર પડે છે ને ગુજરી જાય છે. વિધવાને માથે આભ તૂટી પડે છે! એક તો પતિનો સહારો નહિ, ને ઉપરથી એકનો એક દીકરો ગુમાવ્યો. તે એટલી તો દુઃખી થઈ જાય છે કે એલીયાહ અને તેના ઈશ્વર યહોવાહને બદદુઆ આપે છે! હવે ઈશ્વરભક્ત શું કરશે?

૧૨ એલીયાહ તે વિધવાને કોઈ ઠપકો આપતા નથી. પણ કહે છે: “તારો દીકરો મને આપ.” એલીયાહ મૂએલાં બાળકને પોતાના ઓરડામાં લઈ જાય છે. બાળકને પાછું જીવતું કરવા વારંવાર યહોવાહને પ્રાર્થના કરે છે. આખરે યહોવાહ તેને જીવતો કરે છે. જરા વિચાર કરો કે એ બાળકને શ્વાસ લેતા જોઈને એલીયાહને કેટલી ખુશી થઈ હશે! બાળક આંખો ખોલે છે. એલીયાહ તેને મા પાસે લાવીને કહે છે: “જો, તારો છોકરો જીવતો છે.” માની આંખો ખુશીથી છલકાઈ ઊઠે છે. તે કહે છે: “હવે હું જાણું છું કે તું ઈશ્વરભક્ત છે, ને તારા મુખમાં યહોવાહનું જે વચન છે તે સત્ય છે.” (૧ રાજાઓ ૧૭:૮-૨૪) યહોવાહ અને ઈશ્વરભક્ત માટે વિધવાની શ્રદ્ધા વધારે મજબૂત થાય છે.

૧૩. એલીયાહે વિધવાના મૂએલા દીકરાને જીવતો કર્યો એ અહેવાલ પર વિચાર કરવાથી આપણને કેમ દિલાસો મળે છે?

૧૩ આવા કોઈ અહેવાલ પર વિચાર કરવાથી તમને ખરેખર દિલાસો મળશે. આવા અહેવાલો બતાવે છે કે યહોવાહ આપણા દુશ્મન મરણને સદા માટે મિટાવી દેવા શક્તિમાન છે! જરા વિચાર કરો કે એ વિધવા હજારો લોકોને સજીવન થયેલા જોશે ત્યારે તેને કેટલી ખુશી મળશે! જલદી જ યહોવાહ દુનિયા ફરતે મોટા પાયે લોકોને ઈસુ દ્વારા સજીવન કરશે. એ જોઈને સ્વર્ગદૂતોમાં પણ આનંદ આનંદ વ્યાપી જશે. (યોહાન ૫:૨૮, ૨૯) શું તમારી કોઈ વહાલી વ્યક્તિ ગુજરી ગઈ છે? યહોવાહમાં શ્રદ્ધા રાખો. તે તમારા સ્વજનને જરૂર પાછા ઉઠાડશે!

પુનરુત્થાનની આશા તમારા જીવનને કેવી અસર કરે છે?

૧૪. સજીવન થવાની આશા કઈ રીતે આપણા જીવનને અસર કરે છે?

૧૪ ગુજરી ગયેલા પાછા જીવતા થશે એ આશાની તમારા જીવન પર કેવી અસર પડે છે? આપણે બધા સમયથી સમય મુશ્કેલી, સતાવણી કે કસોટી સહીએ છીએ. જો પુનરુત્થાનની આશામાં પૂરી શ્રદ્ધા હશે તો ગમે એવી મુસીબત સહેવા શક્તિ મળશે. શેતાન જાણે છે કે આપણને કોઈને મરવું ગમતું નથી. એટલે તે આપણને મોતના ડરમાં રાખે છે. તે ચાહે છે કે આપણે જીવવા માટે ગમે તે કરીશું. એટલે તે આપણને યહોવાહનાં ધોરણો તોડવા લલચાવે છે. બદલામાં જીવ બચાવવા તે ફોકટ આશા આપે છે. પણ ભૂલશો નહિ, કે શેતાને યહોવાહને શું કહ્યું હતું: “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂબ ૨:૪) આમ કહીને શેતાને આપણા દરેક સામે આંગળી ચિંધી છે, આપણા દરેકની નિંદા કરી છે. તમારો જીવ જોખમમાં મૂકાય તો શું તમે યહોવાહને ભજવાનું છોડી દેશો? તમારો શું જવાબ છે? સજીવન થવાની આશા પર વિચાર કરો. પછી તમે આપણા ઈશ્વર યહોવાહની જ ઇચ્છા પ્રમાણે કરવાનો પાક્કો નિર્ણય લઈ શકશો.

૧૫. આપણા પર મુશ્કેલી આવે કે જીવન જોખમમાં હોય ત્યારે માત્થી ૧૦:૨૮ના ઈસુના શબ્દોથી કઈ રીતે દિલાસો મળે છે?

૧૫ ઈસુએ કહ્યું: ‘જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શકતા નથી તેઓથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.’ (માથ્થી ૧૦:૨૮, પ્રેમસંદેશ) આપણે શેતાન કે ધરતી પર કઠપૂતળી જેવા તેના માણસોથી ડરવાની બિલકુલ જરૂર નથી. ખરું કે અમુક આપણને નુકસાન કરશે, અરે, મારી પણ નાખે. પણ તેઓ જે કંઈ કરે એ થોડો સમય પૂરતું જ છે. યહોવાહ પાસે અપાર શક્તિ છે એ આપણે ન ભૂલીએ. તે પોતાના ભક્તોને થયેલું ગમે એટલું નુકસાન સુધારી લેશે. મોતના મોંમાં ગયા હશે તોપણ તેઓને જીવતા કરશે. આપણે યહોવાહ એકલાનો જ ડર રાખીને ચાલવું જોઈએ. તે એકલા જ આપણા માનને યોગ્ય છે. જીવન અને મરણ યહોવાહના હાથમાં છે. તે ચાહે એને ફરી જીવતા કરશે. પણ દુષ્ટોનું સદા માટે નામ-નિશાન મિટાવી દેશે. યહોવાહ જરાય ચાહતા નથી કે દુષ્ટો જેવી આપણી હાલત થાય. (૨ પીતર ૩:૯) કેટલું સારું કે આપણી પાસે પુનરુત્થાનની આશા છે! એટલે જ યહોવાહના ભક્તો તરીકે આપણને કશાનો ડર નથી. યહોવાહની છત્રછાયામાં પૂરી સલામતીની ખાતરી રાખી શકીએ છીએ. ઈશ્વરને વળગી રહીશું ત્યાં સુધી આપણને કાયમના જીવનની ગૅરંટી છે. શેતાન કે તેના ચેલાઓ આપણને એ જીવન મેળવતા જરાય અટકાવી નહિ શકે.—ગીતશાસ્ત્ર ૧૧૮:૬; હેબ્રી ૧૩:૬.

૧૬. સજીવન થવાની આશાને લીધે આપણા જીવનમાં શું મહત્ત્વનું હોવું જોઈએ?

૧૬ આપણને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હશે તો, એની અસર આપણા જીવન પર ચોક્કસ પડશે. આપણે સમજીએ છીએ કે ‘આપણે જીવીએ કે મરીએ, યહોવાહના જ છીએ.’ (રૂમી ૧૪:૭, ૮) જીવનમાં શું મહત્ત્વનું છે એ નક્કી કરતી વખતે આપણે પાઊલની સલાહ લાગુ પાડીએ છીએ: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) આ દુઃખથી ભરેલી દુનિયામાં ઘણા લોકો કોઈ પણ રીતે જીવનને માણી લેવા ચાહે છે. પોતાની દરેક ખ્વાહીશને, દિલમાં ઊઠતી કોઈ પણ તમન્‍નાને રાતોરાત પૂરી કરવા ચાહે છે. તેઓને લાગે છે કે ‘જિંદગીનો શું ભરોસો? આજે છે ને કાલે નથી.’ તેઓ કોઈ પણ કિંમતે જીવનમાં મોજમજા કરી લેવા માગે છે. તેઓ ઈશ્વરને ભજતા હોય તોપણ એ ‘ઈશ્વરની ઇચ્છા’ પ્રમાણે જરાય નથી.

૧૭, ૧૮. (ક) માણસના ટૂંકા જીવન વિષે બાઇબલ શું કહે છે? પણ ઈશ્વર આપણા માટે શું કરવા માગે છે? (ખ) શા માટે આપણે દરરોજ યહોવાહના ગુણગાન ગાવા જોઈએ?

૧૭ ખરું કે જીવન ટૂંકું છે. ‘જિંદગી ઝડપથી પૂરી થાય છે અને ઊડી જાય છે.’ અમુકનું જીવન ૭૦ કે ૮૦ વર્ષનું હોય. (ગીતશાસ્ત્ર ૯૦:૧૦, કોમન લેંગ્વેજ) માણસની જિંદગીના દિવસો ઘાસના જેવા છે. પસાર થઈ રહેલા પડછાયા જેવા છે. જેમ પલભરમાં શ્વાસ બહાર કાઢીએ એમ જીવન પણ પૂરું થઈ જાય છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૫; ૧૪૪:૩, ૪) પણ એ ઈશ્વરનો મકસદ ન હતો કે આપણે થોડા દાયકા જીવીએ. જ્ઞાન લઈએ. જીવનનો અનુભવ લઈએ. પછી ઘરડા કે બીમાર થઈને ગુજરી જઈએ. યહોવાહે તો માણસને સદા માટે જીવવાની ઇચ્છા સાથે બનાવ્યો છે. બાઇબલ જણાવે છે કે, ઈશ્વરે ‘આપણા હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.’ (સભાશિક્ષક ૩:૧૧) જો ઈશ્વરે આપણામાં આવી ઇચ્છા મૂકી હોય તો એને કેમ પૂરી થવા દેતા નથી? શું તે ક્રૂર છે, પથ્થરદિલ છે? બિલકુલ નહિ! કેમ કે ‘ઈશ્વર પ્રેમ છે.’ (૧ યોહાન ૪:૮) જેઓ મોતનો કોળિયો બની ગયા છે તેઓને ફરી જીવતા કરીને ઈશ્વર સદાનું જીવન આપશે. એ રીતે તેમની ઇચ્છા પૂરી કરીને રહેશે.

૧૮ પુનરુત્થાનની આશા હોવાથી આપણે કેટલા સલામત છીએ! આપણી પાસે અનંત ભાવિ છે. તો પછી, આપણે હાલમાં દુનિયાના લોકોની જેમ જીવનની મોજ માણવા, કંઈક કરી બતાવવા આપણી બધી શક્તિ વેડફી નહિ નાખીએ. આ દુનિયા બસ હવે વિનાશને આરે આવીને ઊભી છે. આપણે એમાં “તલ્લીન” થઈ જવાની મૂર્ખામી ક્યારેય ન કરીએ. (૧ કોરીંથી ૭:૨૯-૩૧; ૧ યોહાન ૨:૧૭) દુનિયાના લોકો પાસે કોઈ ખરી આશા નથી. પણ આપણી પાસે છે. યહોવાહે આપણને એ કેવી સુંદર ભેટ આપી છે. હા, આપણને ખબર છે કે યહોવાહને વળગી રહીશું તો, આપણે કાયમ માટે, હા અનંતકાળ સુધી જીવનનો આનંદ માણીશું. યહોવાહનો જયજયકાર કરી શકીશું. તો પછી ચાલો આપણે પુનરુત્થાનની આશા આપનાર યહોવાહ પરમેશ્વરના દરરોજ ગુણગાન ગાઈએ! (w 07 5/15)

તમને યાદ છે?

• પુનરુત્થાન વિષે આપણને કેવું લાગવું જોઈએ?

• શું બતાવે છે કે યહોવાહ ગુજરી ગયેલાઓને જરૂર પાછા જીવતા કરશે?

• આપણે સજીવન થવાની આશામાંથી કઈ રીતે દિલાસો મેળવી શકીએ?

• સજીવન થવાની આશાની આપણા જીવન પર કેવી અસર પડવી જોઈએ?

[Study Questions]