સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યિર્મેયાહનો વિલાપના મુખ્ય વિચારો

યિર્મેયાહનો વિલાપના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

યિર્મેયાહનો વિલાપના મુખ્ય વિચારો

પ્રબોધક યિર્મેયાહ ચાલીશ વર્ષથી યહોવાહનો ન્યાયચુકાદો જાહેર કરતા હતા. એ શબ્દો પ્રમાણે તેમણે યરૂશાલેમનો વિનાશ થતા જોયો. એ જોઈને યિર્મેયાહને કેવું લાગ્યું? યિર્મેયાહનો વિલાપ પુસ્તકની પ્રસ્તાવનામાં ગ્રીક સેપ્ટ્યુઆજીન્ટ કહે છે: ‘યરૂશાલેમનો વિનાશ જોઈને વિલાપ, શોક કરતો યિર્મેયાહ જમીન પર બેસી ગયો ને આ શોકગીત રચ્યું.’ યિર્મેયાહે આ ગીતો ઈ.સ.પૂર્વે ૬૦૭માં રચ્યા. યિર્મેયાહે પોતાની નજરે અઢાર મહિના સુધી યરૂશાલેમ પર ઘેરાબંધી જોઈ. દુશ્મનોએ યરૂશાલેમને બાળી નાખ્યું. એ બધું તેમનાથી ભૂલાય જ કેમ! એ જોઈને થતા દુઃખ વિષે યિર્મેયાહે વિલાપના પુસ્તકમાં લખ્યું. એ વાંચીને આપણે યિર્મેયાહની લાગણી, ચિંતા, દુઃખ, વિલાપ ને શોક સારી રીતે પારખી શકીએ છીએ. એનાથી આપણાં રૂવાટાં ઊભાં થઈ જાય છે. આપણે પોતે જાણે એ અનુભવી શકીએ છીએ. (યિર્મેયાહ ૫૨:૩-૫, ૧૨-૧૪) બાઇબલના ઇતિહાસમાં બીજા કોઈ શહેરના વિનાશ વિષે આવું દુઃખદ વર્ણન થયું નથી.

યિર્મેયાહનો વિલાપ પુસ્તકમાં પાંચ ગીતો છે. એમાંના પહેલા ચાર વિલાપગીતો અને પાંચમુ યહોવાહને કરેલી પ્રાર્થનાનું ગીત છે.—યિર્મેયાહનો વિલાપ ૫:૧.

રડી રડીને મારા આંસુ સૂકાઈ ગયા છે

(યિર્મેયાહનો વિલાપ ૧:૧–૨:૨૨)

“જે નગરી વસ્તીથી ભરચક હતી, તે કેમ એકલી બેઠી છે! તે કેમ વિધવા સરખી થઈ છે! જે પ્રજાઓમાં મોટી પદવીની તથા પ્રાંતોની રાણી હતી, તે કેમ ખંડણી આપનારી થઈ છે!” આ રીતે યરૂશાલેમ વિષે યિર્મેયાહ વિલાપની શરૂઆત કરે છે. એના વિનાશનું કારણ આપતા તે કહે છે: “યહોવાહે તેના ઘણા અપરાધોને લીધે તેને દુઃખ દીધું છે.”—યિર્મેયાહનો વિલાપ ૧:૧,.

જે રીતે વિધવા ગુજરી ગયેલાં પતિ અને બાળકોનો શોક કરતી હોય એમ યરૂશાલેમ પૂછે છે કે “મને દુઃખી કરી છે, તેના જેવું બીજું કોઈ દુઃખ છે શું?” પોતાના દુશ્મન વિષે તે ઈશ્વરને પ્રાર્થના કરે છે: “તેઓની સર્વ દુષ્ટતા તારી નજર આગળ આવે; અને મારા સર્વ અપરાધોને લીધે તેં મારા જેવા હાલ કર્યા છે, તેવા હાલ તેઓના કર; કેમ કે હું ઘણા નિસાસા નાખું છું, ને મારૂં હૃદય નિર્ગત થઈ ગયું છે.”—યિર્મેયાહનો વિલાપ ૧:૧૨, ૨૨.

દુઃખમાં ડૂબી ગયેલા યિર્મેયાહ કહે છે: “તેણે [યહોવાહે] ભારે કોપથી ઈસ્રાએલનું દરેક શિંગ કાપી નાખ્યું છે; તેણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે; અને જે ભડભડ બળતો અગ્‍નિ ચારે તરફનું ખાઈ નાખે છે, તેની પેઠે તેણે યાકૂબને બાળી નાખ્યું છે.” પોતાનું દુઃખ જણાવતા તે વિલાપ કરે છે: ‘આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે, મારી આંતરડી કકળે છે. મારૂં કાળજુ બળે છે.’ ત્યાંથી પસાર થતા લોકો નવાઈ પામીને કહે છે: “જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા, આખી પૃથ્વીનું આનંદાસ્પદ કહેતા હતા, તે શું આ છે?”—યિર્મેયાહનો વિલાપ ૨:૩, ૧૧, ૧૫.

સવાલ-જવાબ:

૧:૧૫—યહોવાહે કઈ રીતે “દ્રાક્ષાકુંડમાં યહુદાહની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે”? અહીંયા યરૂશાલેમને ‘કુંવારી’ કન્યા સાથે સરખાવવામાં આવ્યું છે. એનો નાશ કરતી વખતે બાબેલોનીઓએ એટલું લોહી વહેવડાવ્યું કે જાણે દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષોનો રસ કાઢતા હોય. યહોવાહે એના વિષે પહેલેથી જે જણાવ્યું હતું એમ જ થવા દીધું. તેથી કહી શકાય કે તેમણે જાણે ‘દ્રાક્ષાકુંડમાં યહુદાહની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.’

૨:૧—કઈ રીતે “ઈસ્રાએલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી” દેવામાં આવી? જેવી રીતે “આકાશો પૃથ્વીથી ઊંચા છે,” એ જ રીતે કોઈ વ્યક્તિ પાસે ઊંચો હોદ્દો હોઈ શકે. એ લઈ લેવામાં આવે તો તેને જાણે ‘આકાશમાંથી પૃથ્વી પર નાંખી દેવામાં આવી’ એમ કહી શકાય. “ઈસ્રાએલની શોભા” એના મહિમા અને તાકાતને બતાવતી હતી. કેમ કે યહોવાહનો આશીર્વાદ એના પર હતો. પણ એ આશીર્વાદ ગુમાવ્યો ત્યારે યરૂશાલેમની શોભાને જાણે પૃથ્વી પર ફેંકી દેવામાં આવી. એટલે યરૂશાલેમનો નાશ ને યહુદાહ ઉજ્જડ થઈ ગયું.—યશાયાહ ૫૫:૯.

૨:૧, ૬—યહોવાહનું “પાયાસન” અને તેમનો “મંડપ” શું છે? એક ઈશ્વરભક્તે ભજનમાં ગાયું: “આપણે તેના મંદિરમાં જઈએ; તેના પાયાસનની આગળ તેને ભજીએ.” (ગીતશાસ્ત્ર ૧૩૨:૭) એટલે યિર્મેયાહનો વિલાપ ૨:૧માં “પાયાસન” એ યહોવાહનું મંદિર છે. બાબેલોનના લશ્કરે ‘યહોવાહના મંદિરને’ એ જાણે કોઈ નાની ઝૂંપડી કે મંડપ હોય એમ બાળી નાખ્યું હતું.—યિર્મેયાહ ૫૨:૧૨, ૧૩.

૨:૧૭—યહોવાહે યરૂશાલેમ વિષે જે “ફરમાવ્યું” એ કઈ રીતે સાચું પડ્યું? એનો જવાબ આપણને લેવીય ૨૬:૧૭માં જોવા મળે છે: “હું તમારી વિરૂદ્ધ મારૂં મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો; જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે; અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.”

આપણે શું શીખી શકીએ?

૧:૧-૯. યરૂશાલેમ આખી રાત જાણે પોક મૂકીને રડે છે. તેના ગાલો પરથી આંસુઓની ધારા વહે છે. એ શહેરના દરવાજાઓ સૂના પડી ગયા છે. એના યાજકો નિસાસા નાખે છે. એની કુંવારીઓ શોક કરે છે. યરૂશાલેમ પોતે દુઃખી દુઃખી છે. શા માટે? કેમ કે એણે શરમાયા વગર ઘોર પાપ કર્યા છે. તેની મલિનતા એનાં વસ્ત્રોમાં છે. ખોટાં કામો કરવાથી વ્યક્તિ દુઃખી જ થાય છે. તેણે રોવું પડે છે. તે નિરાશ, ઉદાસ થઈ જાય છે. તેના દિલમાં કડવાશ ભરાય છે.

૧:૧૮. જે કોઈ યહોવાહનો નિયમ તોડે તેને તે હંમેશાં ન્યાયી રીતે સજા કરે છે.

૨:૨૦. ઈસ્રાએલીઓને ચેતવવામાં આવ્યા હતા કે તેઓ યહોવાહનું નહિ સાંભળે તો તેઓ પર શાપ આવી પડશે. એમાં તેઓ પોતાના ‘દીકરા તથા દીકરીઓનું માંસ ખાશે.’ (પુનર્નિયમ ૨૮:૧૫, ૪૫, ૫૩) ઈશ્વરની આજ્ઞા ન પાળવી એ મૂર્ખાઈભર્યું છે!

‘મારો બચાવ કરવા તું તારા કાન બંધ કરીશ નહિ’

(યિર્મેયાહનો વિલાપ ૩:૧–૫:૨૨)

યિર્મેયાહનો વિલાપના ત્રીજા અધ્યાયમાં ઈસ્રાએલ દેશને એક “પુરુષ” કહેવામાં આવ્યો છે. તે દુઃખ-તકલીફો અનુભવે છે છતાં ભજન ગાય છે: “જેઓ તેની વાટ જુએ છે, ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલો છે.” તે ઈશ્વરને પ્રાર્થનામાં વિનંતી કરે છે: “તેં મારો ઘાંટો સાંભળ્યો; હું હાંફીને બૂમ પાડું, ત્યારે તું તારો કાન બંધ ન કર.” દુશ્મનોને એટલે બાબેલોનને સજા કરવાની તે વિનંતી કરે છે: “હે યહોવાહ, તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપ.”—યિર્મેયાહનો વિલાપ ૩:૧, ૨૫, ૫૬, ૬૪.

બાબેલોનના લશ્કરે અઢાર મહિના યરૂશાલેમ ફરતે ઘેરો ઘાલ્યો હોવાથી એ શહેરની હાલત ભયંકર હતી. એટલે યિર્મેયાહ યહોવાહની આગળ દિલ ઠાલવીને પ્રાર્થનામાં કહે છે: ‘જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકની દીકરીનો અન્યાય મોટો છે. જેઓ તરવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનારા કરતાં સુખી છે; કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.’—યિર્મેયાહનો વિલાપ ૪:૬,.

પાંચમું ગીત યરૂશાલેમના રહેવાસીઓની લાગણી બતાવે છે. તેઓ કહે છે: “હે યહોવાહ, જે અમારા પર આવી પડ્યું છે, તેનું સ્મરણ કર; ધ્યાન દઈને અમારૂં અપમાન જો.” તેઓ પોતાના દુઃખ-તકલીફો યાદ કરીને યહોવાહને પ્રાર્થના કરે છે: “હે યહોવાહ, અમને તારી ભણી ફેરવ, એટલે અમે ફરીશું; પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપ.”—યિર્મેયાહનો વિલાપ ૫:૧, ૧૯, ૨૧.

સવાલ-જવાબ:

૩:૧૬—“તેણે મારા દાંતોને કાંકરીથી ભાંગ્યા છે.” એનો શું અર્થ થાય? એના વિષે એક પુસ્તક કહે છે: “યહુદીઓને ગુલામ તરીકે બાબેલોન લઈ જવાતા હતા ત્યારે તેઓએ જમીનમાં ખાડો ખોદીને એમાં રોટલી પકાવવી પડતી. એના લીધે લોટમાં કાંકરીઓ ભળી જતી.” આવી રોટલી ખાવાથી તેઓના દાંત ક્યારેક તૂટી પણ જતા.

૪:૩, ૧૦—યિર્મેયાહ ‘તેમના લોકોની દીકરીઓને’ “રાનમાંની શાહમૃગી” સાથે કેમ સરખાવે છે? અયૂબ ૩૯:૧૬ કહે છે કે ‘શાહમૃગી પોતાનાં બચ્ચાં વિષે નમેરી કે બેપરવા થઈ જાય છે કે જાણે તેઓ તેનાં હોય જ નહિ.’ દાખલા તરીકે, ઈંડાંમાંથી બચ્ચાં નીકળે પછી માદા તેઓને છોડીને બીજી શાહમૃગીઓ પાસે જતી રહે છે. શાહમૃગ બચ્ચાંની સંભાળ રાખે છે. તેઓ પર કોઈ જોખમ આવી પડે ત્યારે તેઓ શું કરે? નર અને માદા પોતાનાં બચ્ચાંને છોડીને ભાગી જાય છે. બાબેલોનના લશ્કરે યરૂશાલેમને ઘેરો નાખ્યો ત્યારે એ શહેરમાં કારમો દુકાળ ફાટી નીકળ્યો હતો. ત્યારે એ શહેરમાં શાહમૃગની જેમ માતાઓ પોતાનાં બાળકો પ્રત્યે બેદરકાર, રહેમ વગરની બની ગઈ. જ્યારે કે શિયાળ ગમે એવા સંજોગોમાં પોતાનાં બચ્ચાંની જીવની જેમ સંભાળ રાખે છે.

૫:૭—બાપ-દાદાઓના પાપની સજા શું યહોવાહ તેઓના સંતાનોને આપે છે? જરાય નહિ. યહોવાહ કોઈને પણ તેઓના બાપ-દાદાઓના પાપને લીધે સજા કરતા નથી. બાઇબલ કહે છે કે ‘આપણે દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.’ (રૂમી ૧૪:૧૨) પણ ભૂલીએ નહિ કે બાપ-દાદાઓએ કરેલી ભૂલનું પરિણામ તેઓના સંતાનોએ ભોગવવું પડી શકે. દાખલા તરીકે, ઈસ્રાએલીઓ ખરાં દિલથી યહોવાહને ભજતા હતા તોપણ તેઓને પોતાના મૂર્તિપૂજક બાપ-દાદાઓને લીધે યહોવાહને માર્ગે ચાલવામાં ઘણી તકલીફો પડી હતી.—નિર્ગમન ૨૦:૫.

આપણે શું શીખી શકીએ?

૩:૮, ૪૩, ૪૪. યરૂશાલેમ પર વિનાશ આવ્યો ત્યારે જો કોઈ રહેવાસી યહોવાહને મદદ માટે પ્રાર્થના કરતું તોય તે સાંભળતા નહિ. કેમ નહિ? કેમ કે તેઓએ યહોવાહનું સાંભળ્યું ન હતું. બીજું કે તેઓ બેવફા બન્યા એનો પસ્તાવો પણ ન કર્યો. આપણને જો પોતાની પ્રાર્થનાનો જવાબ જોઈતો હોય તો, યહોવાહનું સાંભળવું જ જોઈએ.—નીતિવચનો ૨૮:૯.

૩:૨૦. યહોવાહ “આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.” તેમના જેવું બીજું કોઈ મહાન નથી. તોપણ તે ‘આકાશમાં તથા પૃથ્વીમાં જે છે એ જોવા પોતાને દીન કરે છે.’ (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; ૧૧૩:૬) યિર્મેયાહ સારી રીતે જાણતા હતા કે યહોવાહ પોતાના લોકોને ઉત્તેજન આપવા નીચા નમશે. એ જાણીને આપણને કેટલી ખુશી થાય છે કે આપણા ઈશ્વરની શક્તિ ને બુદ્ધિનો કોઈ પાર નથી. તોય પોતાના ભક્તો સાથે તે નમ્ર રીતે વર્તે છે!

૩:૨૧-૨૬, ૨૮-૩૩. સખત દુઃખ તકલીફોમાં પણ યહોવાહને વફાદાર રહેવા આપણે શું કરી શકીએ? યિર્મેયાહ એનો જવાબ આપે છે. આપણે કદી ના ભૂલીએ કે યહોવાહ પ્રેમાળ અને દયાળુ ઈશ્વર છે. તેમણે અનેક વાર આપણા પર અપાર કૃપા બતાવી છે. એટલે જ આપણે જીવીએ છીએ. તેથી આપણે ઈશ્વર પર શ્રદ્ધા ન ગુમાવવી જોઈએ. આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે ફરિયાદ કરવાને બદલે ધીરજ રાખવી જોઈએ. યહોવાહ આપણને જરૂર મદદ કરશે, કંઈક છુટકારો કાઢશે. બાઇબલ કહે છે કે ‘આપણું મુખ ધૂળમાં’ નાખવું જોઈએ. એટલે કે નમ્ર બનીને કસોટીમાં ટકી રહેવું. એમાં આપણું જ ભલું થશે.

૩:૨૭. યુવાનીમાં આપણી શ્રદ્ધાને લીધે અનેક કસોટીઓ આવશે. એમાં વફાદાર રહીશું તો ઘણા આપણી મજાક-મશ્કરી કરે પણ ખરા. પણ ‘યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવી એ સારું છે.’ શા માટે? યુવાનીમાં દુઃખ-તકલીફો સહન કરીશું તો પાછળથી જીવનમાં આવતા દુઃખ-તકલીફો સહેવા આપણે તૈયાર હોઈશું.

૩:૩૯-૪૨. ખોટાં કામોને લીધે આપણા પર દુઃખ-તકલીફો આવે ત્યારે ‘બડબડ કરવું’ ન જોઈએ. ખોટાં કામોને લીધે જે પરિણામ આવે એની ફરિયાદ કરવાને બદલે આપણે એ તપાસ કરવી જોઈએ કે શું કરવાથી ફરી યહોવાહ સાથે નાતો બાંધી શકાય. પસ્તાવો કરીને સુધારો કરીશું તો આપણું જ ભલું થશે.

યહોવાહમાં ભરોસો રાખો

યિર્મેયાહનો વિલાપનું પુસ્તક જણાવે છે કે બાબેલોનીઓએ યરૂશાલેમ શહેરને બાળી નાખ્યું ને યહુદાહને ઉજ્જડ કરી નાખ્યું. એના વિષે યહોવાહને કેવું લાગ્યું. આ ગીતોમાં જોવા મળે છે કે યહુદીઓ યહોવાહના માર્ગમાં ન ચાલ્યા, એ યહોવાહની નજરમાં પાપ હતું. યહુદીઓએ પણ એ કબૂલ્યું. આમ, તેઓની ભૂલને લીધે જ યહોવાહ એ શહેરનો નાશ લાવ્યા. આ ગીતો એ પણ બતાવે છે કે ખોટાં માર્ગેથી પાછા ફરવું જ જોઈએ. યહોવાહના માર્ગે ચાલવું જોઈએ. તો જ તે મદદ કરશે. ખરું કે આ ગીતો યરૂશાલેમના વિનાશથી એ સમયના બધા જ લોકોને થતા દુઃખ ને શોકના વિચારો જણાવતું નથી. પણ ફક્ત યિર્મેયાહ અને બીજા અમુક વફાદાર ભક્તોની લાગણી એમાં જોવા મળે છે.

યહોવાહને યરૂશાલેમની હાલત વિષે કેવું લાગ્યું? એ આ પુસ્તકમાં જોવા મળે છે. એમાંથી આપણને બે મહત્ત્વના પાઠ શીખવા મળે છે. યહુદીઓએ યહોવાહનું કહ્યું માન્યું ન હોવાથી યરૂશાલેમનો વિનાશ થયો અને યહુદાહ ઉજ્જડ થઈ ગયું. એ બતાવે છે કે આપણે તેઓની જેમ ન કરવું જોઈએ. યહોવાહ બધું ચલાવી લેશે નહિ. (૧ કોરીંથી ૧૦:૧૧) આપણે યિર્મેયાહના દાખલામાંથી શીખવું જોઈએ. (રૂમી ૧૫:૪) યરૂશાલેમના બચાવની કોઈ આશા ન હતી. એનું યિર્મેયાહને ખૂબ જ દુઃખ થયું. તોપણ યહોવાહ પરથી તેમની શ્રદ્ધા તૂટી નહીં. આપણા માટે કેટલું જરૂરી છે કે યહોવાહ અને તેમણે આપેલા બાઇબલમાં પૂરી શ્રદ્ધા મૂકીએ. કોઈ પણ હાલતમાં યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ.—હેબ્રી ૪:૧૨. (w 07 6/1)

[Picture on page 9]

પ્રબોધક યિર્મેયાહે જે ન્યાયચુકાદો જાહેર કર્યો એને પૂરો થતા પણ જોયો

[Picture on page 10]

કોરિયાના આ સાક્ષીઓની શ્રદ્ધાની આકરી કસોટી થઈ. પણ તેઓ એકના બે ન થયા