સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સમાં આપણી જીત

યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સમાં આપણી જીત

યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સમાં આપણી જીત

છેલ્લાં અમુક વર્ષોથી રશિયામાં યહોવાહના સાક્ષીઓ અને રશિયન ફેડરેશન વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. જાન્યુઆરી ૧૧, ૨૦૦૭ના રોજ, સ્ટ્રાસબુર્ગ, ફ્રાંસમાં આવેલી યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સના ન્યાયાધીશોએ મહત્ત્વનો ચુકાદો આપ્યો. તેઓએ રશિયાના યહોવાહના સાક્ષીઓના પક્ષમાં ચુકાદો આપ્યો. આ ચુકાદાથી ત્યાંના યહોવાહના સાક્ષીઓ પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળી શકે છે. સાથે સાથે રશિયાની કોર્ટે હવેથી કોઈ પણ પક્ષપાત વગર તેઓનો કેસ સાંભળવો પડશે. ચાલો જોઈએ કે આ બનાવમાં શું થયું હતું.

રશિયાના ચેલયાબિન્ક્સ શહેરમાં યહોવાહના સાક્ષીઓનું એક મંડળ છે. એમાં મોટા ભાગના સભ્યો બધિર છે. ધાર્મિક સભા ચલાવવા માટે તેઓએ એક કૉલેજનો હૉલ ભાડે લીધો હતો. પરંતુ રવિવાર, એપ્રિલ ૧૬, ૨૦૦૦માં, એ વિસ્તારના હ્યુમન રાઇટ્‌સના મહિલા કમિશનર, બે સિનિયર પોલીસ ઑફિસર અને એક સામાન્ય ઑફિસરે તેઓની સભાને અધવચ્ચે અટકાવી દીધી. ખાસ કરીને કમિશનરના ભેદભાવભર્યાં વર્તનને લીધે એ મંડળ પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા. કમિશનરના કહેવા પ્રમાણે કાયદાની રજા વગર તેઓ એ સભા ચલાવતા હતા. પરિણામે કૉલેજવાળાએ મે ૧, ૨૦૦૦માં સાક્ષીઓ સાથે કરેલો હૉલનો કોન્ટ્રેક્ટ રદ કર્યો.

યહોવાહના સાક્ષીઓએ એ શહેરના વકીલને રોકીને કેસ કર્યો પણ એનું કંઈ પરિણામ આવ્યું નહિ. રશિયાનું બંધારણ અને ત્યાંના નિયમો પ્રમાણે નાગરિકોનો હક્ક છે કે તેઓ પોત-પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળી શકે. એટલું જ નહિ, પણ તેઓનું રક્ષણ કરવા કરાર પણ બાંધવામાં આવ્યો હતો. તેથી સાક્ષીઓએ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ રજૂ કર્યો. પછી તેઓએ એનાથી પણ મોટી કોર્ટમાં અપીલ કરી. આ કેસ પહેલાં, જુલાઈ ૩૦, ૧૯૯૯માં એ દેશની સુપ્રિમ કોર્ટે બીજા એક કેસમાં આ ચુકાદો આપ્યો હતો: ‘રશિયાના કાયદા પ્રમાણે નાગરિકો સ્વતંત્ર રીતે ધર્મ પાળી શકે. એમ કરવાથી સરકારો તેઓને રોકી ન શકે. ધાર્મિક સભા ચલાવવા કે ભક્તિ માટે કોઈ પણ મકાન વાપરવા કોઈ અધિકારી કે સરકાર પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી.’ આ કાયદો હોવા છતાં ત્યાંની ડિસ્ટ્રીક્ટ અને મોટી કોર્ટે સાક્ષીઓનો કેસ રદ કરી દીધો.

ડિસેમ્બર ૧૭, ૨૦૦૧માં આ કેસ યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. એ કેસની સુનાવણી સપ્ટેમ્બર ૯, ૨૦૦૪માં થઈ. એ કોર્ટના આખરી ચુકાદામાંથી અમુક મહત્ત્વની વિગતો નીચે જણાવવામાં આવી છે:

‘એપ્રિલ ૧૬, ૨૦૦૦માં સરકારી અધિકારીઓએ જાણી-જોઈને અધવચ્ચે સાક્ષીઓની સભા રોકી. એમ કરીને અધિકારીઓએ વ્યક્તિની સ્વતંત્રતા અને કોઈ પણ ધર્મ પાળવાના હક્કને એક બાજુએ મૂકી દીધો.’

‘સાક્ષીઓએ કાયદા મુજબ ધાર્મિક સભાઓ ચલાવવા માટે એ હૉલને ભાડે લીધો હતો. એ ધાર્મિક સભા રોકવાનું કોઈ કાનૂની કારણ ન હતું.’

‘રશિયાની સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે કોઈ પણ ધાર્મિક સભા ચલાવવા માટે સરકાર પાસેથી કોઈ પરવાનગી લેવાની જરૂર નથી.’

‘એપ્રિલ ૧૬, ૨૦૦૦માં જ્યારે કમિશનર અને તેના સાથીદારોએ ધાર્મિક સભા રોકી, ત્યારે તેઓએ સાક્ષીઓના હક્ક પર હુમલો કર્યો હતો. તેઓએ દેશના કોઈ પણ ધર્મ પાળવાના નિયમને (કલમ ૯) અવગણ્યો હતો.’

‘આ કોર્ટ પાસે સાબિતી છે કે એ દેશની અદાલતોએ તેઓની ફરજ બરાબર નિભાવી નથી. તેઓએ વ્યક્તિઓનો કેસ પક્ષપાત વગર સાંભળ્યો નથી. તેથી એ કોર્ટે લોકોનો કેસ પક્ષપાત વગર સાંભળવાનો નિયમ (કલમ ૬) તોડ્યો છે.’

આ જીત માટે યહોવાહના સાક્ષીઓ ઈશ્વર યહોવાહનો આભાર માને છે. (ગીતશાસ્ત્ર ૯૮:૧) યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સના આ ચુકાદાની કેવી અસર પડશે? ધર્મ અને જાહેર નીતિ-નિયમો વિષેની સંસ્થાના પ્રમુખ જોસેફ કે. ગ્રીબોસ્કી કહે છે: ‘કોઈ પણ ધર્મ પાળવાના હક્ક માટે આ ચુકાદો ખૂબ મહત્ત્વનો છે. એ આખા યુરોપને અસર કરશે. યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સ હેઠળ જે દેશો છે, એ સર્વને તો અસર કરશે જ.’ (w 07 6/1)