સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જેવા સાથે તેવા’ ન થાવ

‘જેવા સાથે તેવા’ ન થાવ

‘જેવા સાથે તેવા’ ન થાવ

“ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.”—રૂમી ૧૨:૧૭.

૧. આજે લોકોનો સ્વભાવ કેવો થઈ ગયો છે?

 તમે નાનાં બાળકોને ઝઘડતાં જોયાં છે? બહેન હોય કે ભાઈ, એક ધક્કો મારે કે તરત બીજું સામો ધક્કો મારે. આજ કાલ મોટાઓ પણ બાળકો જેવા જ બની ગયા છે. તેઓ પણ બદલો લેવા ‘જેવા સાથે તેવા’ થાય છે. કોઈને કોઈ રીતે સામેવાળાની પીઠ પાછળ ઘા કરે છે. જો તેનું ભલું થતું હોય, તો તરત વચ્ચે ટાંગ અડાવશે. મીઠું-મરચું ભભરાવીને વાતો ફેલાવશે. કોઈ પણ હિસાબે બદલો લેવાની આગ લોકોમાં ભભૂકે છે.

૨. (ક) યહોવાહના ભક્તોએ કેમ બદલો ન લેવો જોઈએ? (ખ) હવે કયો અધ્યાય અને કયા સવાલો પર વિચાર કરીશું?

મોટે ભાગે લોકો કંઈક થાય કે તરત બદલો લેવા ઊભા થાય છે. યહોવાહના ભક્તો વિષે શું? તેઓ બદલો ન લેવાની મનમાં ગાંઠ વાળે છે. ઈશ્વરભક્ત પાઊલની આ સલાહ તેઓ પાળે છે: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.” (રૂમી ૧૨:૧૭) બદલો ન લેવો એ ભલાઈનો માર્ગ છે. પ્રેમની રાહ છે. એ જ સચ્ચાઈની રાહ છે. આપણે આ લેખમાં એક પછી એક એ ત્રણેયનો વિચાર કરીશું. એ માટે રૂમીના બારમા અધ્યાયમાંથી પાઊલની સલાહ જોઈશું. સાથે સાથે પોતાને આ સવાલો પણ પૂછીશું: બદલો ન લેવા આપણને શામાંથી મદદ મળશે? કોની સામે બદલો ન લેવો જોઈએ? વેર ન વાળીએ તો, આપણને કેવા આશીર્વાદો મળશે?

‘તેથી હું તમને વિનંતી કરું છું’

૩, ૪. (ક) રૂમી બારમા અધ્યાયની શરૂઆતમાં પાઊલે શાની વાત કરી? તેમણે “તેથી” શબ્દ શા માટે વાપર્યો? (ખ) રૂમીના મંડળ પર ઈશ્વરની દયાની કેવી અસર થઈ હોવી જોઈએ?

પાઊલ બારમા અધ્યાયમાં શાના વિષે જણાવે છે? યહોવાહની ભક્તિ, તેમના ભક્તો સાથેનો આપણો નાતો, બીજા લોકો અને સરકાર સાથેના આપણા સંબંધ વિષે જણાવે છે. પાઊલ સલાહ આપે છે કે આપણે કેમ ખરાબ રીતે ન વર્તવું જોઈએ. કેમ બદલો ન લેવો જોઈએ. તે કહે છે કે ‘તેથી, ભાઈઓ, હું તમને ઈશ્વરની દયાની ખાતર વિનંતી કરું છું.’ (રૂમી ૧૨:૧) અહીં “તેથી” શબ્દનો અર્થ થાય, “આગળ જે જણાવેલું છે એના લીધે.” પાઊલ જાણે કે આમ કહેતાʼતા: ‘મેં હમણાં જ જે સમજણ આપી, એના લીધે તમને વિનંતી કરું છું કે હવે હું જે કહું એ કરો.’ પાઊલે રૂમીઓને આગળ શાની સમજણ આપી હતી?

પાઊલે રૂમીના શરૂઆતના ૧૧ અધ્યાયોમાં એક મોટા આશીર્વાદની વાત કરી. ઈશ્વરના રાજ્યમાં ઈસુ સાથે રાજ કરવાનો બધાને એ આશીર્વાદ હતો, ભલે તે યહુદી હોય કે ના હોય. પણ યહુદી પ્રજાએ એને મામૂલી ગણ્યો. (રૂમી ૧૧:૧૩-૩૬) ફક્ત ‘ઈશ્વરની દયાને લીધે જ’ એ આશીર્વાદ શક્ય હતો. જે ઈશ્વરભક્તોને એ આશીર્વાદ મળ્યો તેઓને કેવું લાગ્યું હશે? પાઊલે જે કહ્યું એ કરવાની તમન્‍ના તેઓનાં દિલમાં જાગી ઊઠી હશે: ‘ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.’ (રૂમી ૧૨:૧) પણ એ ઈશ્વરભક્તોએ કઈ રીતે યહોવાહને પોતાનું “અર્પણ” આપ્યું હોઈ શકે?

૫. (ક) વ્યક્તિ કઈ રીતે યહોવાહને પોતાનું “અર્પણ” આપી શકે? (ખ) યહોવાહના ભક્તોએ કોના પગલે ચાલવું જોઈએ?

પાઊલે સમજાવ્યું કે તેઓ કઈ રીતે પોતાનું અર્પણ આપી શકે: ‘આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારું મન પૂરેપૂરું બદલો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.’ (રૂમી ૧૨:૨) ઈશ્વરભક્તોએ દુનિયાના પગલે નહિ, પણ ઈસુને પગલે ચાલવાનું હતું. તેમના જેવું મન કેળવવાનું હતું. (૧ કોરીંથી ૨:૧૬; ફિલિપી ૨:૫) યહોવાહની દિલથી ભક્તિ કરવા આપણે બધાએ ઈસુ જેવું મન રાખવું જોઈએ. એ જ રીતે જીવવું જોઈએ.

૬. કોઈના પર વેર નહિ વાળવા વિષે રૂમી ૧૨:૧, ૨ શું કહે છે?

રૂમી ૧૨:૧, ૨ આપણને કેવી મદદ કરે છે? રૂમી મંડળ પર યહોવાહની દયાનો, કૃપાનો હાથ હતો. સ્વર્ગમાં જનારા ત્યાંના ભાઈ-બહેનો એની દિલથી કદર કરતાʼતા. યહોવાહ આપણને પણ ઘણા આશીર્વાદો આપે છે. તેથી, આપણા દિલમાં તેમની ભક્તિ જાગે છે. ચાલો આપણે તન-મન-ધનથી બનતું બધું જ કરીએ. દુનિયાના જેવા નહિ, પણ ઈસુ જેવા બનીએ. તેમના જેવું મન કેળવીએ. આપણે દરેક સાથે સારી રીતે વર્તીએ, ભલે તે યહોવાહના ભક્ત હોય કે ન હોય. (ગલાતી ૫:૨૫) જો આપણો સ્વભાવ ઈસુ જેવો હશે તો ચોક્કસ આપણે કોઈ સામે વેર નહિ વાળીએ.—૧ પીતર ૨:૨૧-૨૩.

“તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય”

૭. રૂમીના બારમા અધ્યાયમાં કેવા પ્રેમની વાત થઈ છે?

આપણે કોઈના પર વેર વાળતા નથી, કેમ કે એમાં જ ભલાઈ છે. એટલું જ નહિ, પણ એ પ્રેમનો માર્ગ છે. ચાલો જોઈએ કે પાઊલે એના વિષે રૂમીઓના પત્રમાં શું કહ્યું. આપણા પર યહોવાહ અને ઈસુએ બતાવેલા પ્રેમની તેમણે ઘણી વાર વાત કરી. એ વખતે પાઊલે “પ્રેમ” માટે ગ્રીક શબ્દ અગાપે વાપર્યો. (રૂમી ૫:૫, ૮; ૮:૩૫, ૩૯) પછી પાઊલે રૂમીના બારમા અધ્યાયમાં આપણે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ, એની વાત કરી. એ વખતે પણ તેમણે અગાપે શબ્દ વાપર્યો. પાઊલે જણાવ્યું કે યહોવાહે પોતાના ભક્તોને જુદાં જુદાં દાનો આપ્યાં છે. પછી તે કહે છે કે ભલે ગમે એ દાન આપણામાં હોય, પણ આ ગુણ આપણે બધાએ કેળવવો જોઈએ: “તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.” (રૂમી ૧૨:૪-૯) પ્રેમ એ આપણી ઓળખ છે. (માર્ક ૧૨:૨૮-૩૧) પાઊલ ખાસ જણાવે છે કે આપણો પ્રેમ દિલમાંથી ફૂટતો હોવો જોઈએ.

૮. આપણે કેવી રીતે ઢોંગ વગરનો પ્રેમ રાખી શકીએ?

પાઊલ એ પણ જણાવે છે કે દિલથી પ્રેમ રાખનાર વ્યક્તિ ‘જે ભૂંડું છે તેને ધિક્કારશે; જે સારૂં છે તેને વળગી રહેશે.’ (રૂમી ૧૨:૯) ‘ધિક્કારવું’ અને ‘વળગી રહેવું’ એમાં ઊંડી લાગણી રહેલી છે. ‘ધિક્કારવાનો’ અર્થ થાય ‘સખત નફરત કરવી.’ ખોટું કરવાથી ઊભા થતા સંજોગોને જ નહિ, પણ જે ખોટું છે દુષ્ટ છે એને ધિક્કારીએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) જે ગ્રીક ક્રિયાપદનું ભાષાંતર ‘વળગી રહેવું’ થયું છે, એનો અર્થ થાય ‘ગુંદરની જેમ ચીટકી રહેવું.’ યહોવાહના ભક્તોનો પ્રેમ પણ હંમેશાં બીજાનું ભલું કરે છે. એ પ્રેમ તેઓની રગેરગમાં વહે છે, જે છૂટો ન પાડી શકાય.

૯. પાઊલે વારંવાર કઈ સલાહ આપી?

આપણામાં એવો પ્રેમ હશે તો બધા સાથે કેવી રીતે વર્તીશું? પાઊલે વારંવાર આવી સલાહ આપી: “તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો, અને શાપ આપતા નહિ.” “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.” “ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો.” “ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.” (રૂમી ૧૨:૧૪, ૧૭-૧૯, ૨૧) બેશક, જેઓ યહોવાહના ભક્તો ન હોય, અરે વિરોધ કરતા હોય તોપણ આપણે તેઓ પર પ્રેમ રાખવો જોઈએ.

“સતાવનારાઓને આશીર્વાદ આપો”

૧૦. દુશ્મનોને આપણે કઈ રીતે આશીર્વાદ આપી શકીએ?

૧૦ આપણે કઈ રીતે ‘સતાવનારને આશીર્વાદ આપી’ શકીએ? (રૂમી ૧૨:૧૪) ઈસુએ આમ કહ્યું હતું: ‘તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો.’ (માત્થી ૫:૪૪; લુક ૬:૨૭, ૨૮) આપણને સતાવે છે તેઓ માટે પ્રાર્થના કરીએ. સત્ય વિષે જેઓનાં મન આંધળાં હોય એ ખોલવા યહોવાહ પાસે દુઆ માંગીએ. (૨ કોરીંથી ૪:૪) એ સાવ સહેલું નથી. તોપણ, આપણે જેમ જેમ ઈસુ જેવું મન કેળવીશું, તેમ તેમ દુશ્મનોને પણ ગળે લગાડતા શીખીશું. (લુક ૨૩:૩૪) એમ કરવાથી શું બની શકે?

૧૧. (ક) સ્તેફનનો દાખલો આપણને શું શીખવે છે? (ખ) પાઊલનો દાખલો બતાવે છે તેમ, અમુક વિરોધીઓનું શું થઈ શકે?

૧૧ ઈશ્વરભક્ત સ્તેફનનો વિચાર કરો. કલ્પના કરો કે ૩૩ની સાલના પેન્તેકોસ્ત પછીનો સમય છે. વિરોધીઓ સ્તેફનને પકડે છે. ઢસડીને યરૂશાલેમની બહાર લઈ જાય છે. પથ્થરથી એવો મારે છે કે તે મરી જાય છે. મરતા પહેલાં સ્તેફન યહોવાહને પોકારી ઊઠે છે: “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂક.” (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૮–૮:૧) સ્તેફનના ખૂન માટે જવાબદાર લોકોમાં શાઊલ પણ હતા. તેમણે સ્તેફનને મરતા જોયો. સ્તેફને તેમને માટે પણ પ્રાર્થના કરી હતી. અમુક સમય પછી સ્વર્ગમાંથી ઈસુએ શાઊલને દર્શન દીધું. બસ, પહેલાંના કટ્ટર દુશ્મન શાઊલ બદલાઈ ગયા. તે ઈશ્વરભક્ત પાઊલ બન્યા, પછી રોમના ભાઈ-બહેનોને પત્ર લખ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૨-૧૮) સ્તેફને પ્રાર્થના કરી હતી એમ જ, યહોવાહે શાઊલનો ગુનો માફ કર્યો. (૧ તીમોથી ૧:૧૨-૧૬) એટલે જ પાઊલે ભલામણ કરી કે “સતાવનારાઓને આશીર્વાદ આપો.” પોતાના અનુભવથી તે જાણતાʼતા કે વિરોધ કરનાર પણ ઈશ્વરભક્ત બની શકે છે. આજે પણ યહોવાહના ભક્તોના સારા સ્વભાવને લીધે, અમુક વિરોધીઓ બદલાયા છે.

‘બધા સાથે હળીમળીને ચાલો’

૧૨. રૂમી ૧૨:૯ અને ૧૭માંની સલાહ કઈ રીતે એકબીજીને મળતી આવે છે?

૧૨ ઈશ્વરના ભક્તોએ બધા સાથે સારી રીતે વર્તવું જોઈએ. પાઊલે કહ્યું હતું કે “જે ભૂંડું છે તેને ધિક્કારો.” બૂરાઈને સખત નફરત કરો. જો આપણે બૂરાઈને નફરત કરતા હોઈશું તો ‘જેવા સાથે તેવા’ નહિ થઈએ. પછી ભલેને કોઈ વ્યક્તિ યહોવાહને ભજે કે ના ભજે, ભલે એ ગમે એટલી ખરાબ હોય. એ ‘ઢોંગ વગરનો પ્રેમ’ કહેવાય. એટલે જ પછી પાઊલે કહ્યું કે “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.” (રૂમી ૧૨:૯, ૧૭) આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૩. ‘બધા માણસોની નજરમાં’ આપણું કેવું વર્તન દેખાઈ આવવું જોઈએ?

૧૩ પાઊલે કોરીંથના ભાઈ-બહેનોને પણ પત્ર લખ્યો. ઈશ્વરભક્તોએ કેવી કેવી તકલીફો સહી, એ તેમણે જણાવ્યું: ‘અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે જાણે તમાશાના જેવા થયા છીએ. અપમાન થયેલા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ; બદનામ થયેલા છતાં આજીજી કરીએ છીએ.’ (૧ કોરીંથી ૪:૯-૧૩) આજે બધાની નજર આપણા પર છે. ભલે અન્યાય થાય, અપમાન થાય, આપણે સહન કરી લઈએ. એ જોઈને કદાચ લોકો યહોવાહ વિષે સાંભળવા તૈયાર થાય પણ ખરા.—૧ પીતર ૨:૧૨.

૧૪. કઈ હદ સુધી બધા સાથે હળીમળીને ચાલવું જોઈએ?

૧૪ પાઊલે ઈશ્વરભક્તોને જણાવ્યું કે “જો બની શકે, તો ગમે તેમ કરીને [તમારાથી બનતું બધું કરીને] સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.” (રૂમી ૧૨:૧૮) “જો બની શકે તો” અને ‘આપણાથી બનતું બધું કરીને’ એ શબ્દો બતાવે છે કે હંમેશાં એ શક્ય તો નથી. જેમ કે, આપણે ઇન્સાનને રાજી રાખવા ઈશ્વરની આજ્ઞા તોડતા નથી. ફક્ત યહોવાહનું કહેવું જ માનીએ છીએ. (માત્થી ૧૦:૩૪-૩૬; હેબ્રી ૧૨:૧૪) તેથી યહોવાહનો નિયમ તૂટતો ના હોય ત્યાં સુધી, આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. એમ કરીને આપણે ‘સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલીએ.’

‘વેર ન વાળો’

૧૫. વેર ન વાળવા વિષે રૂમી ૧૨:૧૯ કેવી સલાહ આપે છે?

૧૫ આપણે કદીયે સામે વેર ન વાળીએ, કેમ કે એ જ સચ્ચાઈની રાહ છે. પાઊલે કહ્યું હતું કે ‘ઓ વહાલાઓ, તમે સામું વેર ન વાળો, પણ એ ઈશ્વર પર છોડી દો; કેમ કે લખેલું છે, કે યહોવાહ કહે છે, કે વેર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.’ (રૂમી ૧૨:૧૯) વેર વાળનાર અભિમાની છે, ઘમંડી છે. તે ઈશ્વરનું કામ પોતાને માથે લઈ લે છે. (માત્થી ૭:૧) બીજું કે તેની શ્રદ્ધામાં ખોટ છે, કેમ કે તે ઈશ્વરની રાહ જોતો નથી. પણ ઈશ્વરભક્તોને યહોવાહમાં પૂરો ભરોસો છે. તે ચોક્કસ ‘પોતાના પસંદ કરેલાને ન્યાય આપશે,’ કેમ કે યહોવાહ કહે છે કે “હું બદલો લઈશ.” (લુક ૧૮:૭, ૮; ૨ થેસ્સાલોનીકી ૧:૬-૮) યહોવાહ પોતે દુષ્ટ માણસોનો બદલો લેશે.—યિર્મેયાહ ૩૦:૨૩, ૨૪; રૂમી ૧:૧૮.

૧૬, ૧૭. (ક) ‘કોઈના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરવા,’ એનો શું અર્થ થાય? (ખ) ભલું કરવાથી કોઈ વ્યક્તિનું દિલ પીગળી ગયું હોય, એવો કોઈ અનુભવ જણાવો.

૧૬ વેર રાખવાથી વેર વધે છે. દુશ્મન પથ્થર-દિલ બની જાય છે. પણ જો પ્રેમથી વર્તીએ તો પથ્થર જેવું દિલ પણ પીગળી જઈ શકે. એમ કઈ રીતે કરી શકીએ? પાઊલે જણાવ્યું: ‘જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.’ (રૂમી ૧૨:૨૦; નીતિવચનો ૨૫:૨૧, ૨૨) એનો અર્થ શું થાય?

૧૭ બાઇબલ લખાયું એ જમાનામાં અશુદ્ધ અથવા કાચી ધાતુ ગાળવા ફક્ત નીચે જ નહિ, ઉપર પણ અંગારા મૂકવામાં આવતા. એનાથી ગરમી વધે અને ધાતુ પીગળે. એમાંની અશુદ્ધ ચીજો છૂટી પડીને નીકળી જાય. એના પરથી અલંકારની ભાષામાં આમ કહેવાયું કે ‘કોઈના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરવા.’ દુશ્મન પર પ્રેમ રાખીને તેનું ભલું કરવાથી કદાચ તેના મનની કડવાશ ‘પીગળી’ જાય. તેના દિલમાં પણ પ્રેમનું ઝરણું ફૂટી નીકળી શકે. (૨ રાજાઓ ૬:૧૪-૨૩) મંડળના અમુક ભાઈ-બહેનો પણ યહોવાહના સાક્ષીઓના સારા કાર્યો જોઈને જ સત્યમાં આવ્યા છે.

આપણે કેમ બદલો ન લેવો જોઈએ?

૧૮. આપણે કેમ બદલો ન લેવો જોઈએ?

૧૮ રૂમીના બારમા અધ્યાયની આપણે ટૂંકમાં ચર્ચા કરી. આપણે શીખ્યા કે કેમ ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરવું’ જોઈએ. પહેલું કારણ, એ જ ભલાઈનો માર્ગ છે. યહોવાહે આપણા પર કેટલી કૃપા વરસાવી છે! આપણને તેમનો સાથ છોડવો જ નથી, એટલે તેમની આજ્ઞાઓ રાજી-ખુશીથી પાળીશું. યહોવાહ કહે છે કે આપણે દુશ્મનોને પણ ચાહીએ. બીજું, બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળીએ, એ પ્રેમનો માર્ગ છે. ભલે કોઈ આપણું જાની દુશ્મન હોય તોપણ, બધા સાથે હળી-મળીને રહીએ. આપણી આશા છે કે તે પણ એક દિવસ યહોવાહનો ભક્ત બને. ત્રીજું, વેરનો બદલો વેરથી ન વાળીને, આપણે સચ્ચાઈનો માર્ગ પકડી રાખીએ છીએ. યહોવાહ કહે છે કે ‘વેર વાળવું મારૂં કામ છે.’ એટલે જો આપણે વેર વાળીએ તો અભિમાની બની, ઈશ્વરની આગળ દોડી જઈએ છીએ. બાઇબલ ચેતવણી આપે છે: “અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” (નીતિવચનો ૧૧:૨) દુષ્ટ લોકોનો બદલો લેવાનું કામ ઈશ્વર પર છોડી દઈએ.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાના વિષે શીખીશું?

૧૯ આપણા વાણી-વર્તન કેવા હોવા જોઈએ? પાઊલે છેલ્લે ટૂંકમાં જણાવ્યું: ‘ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડા પર જીત મેળવ.’ (રૂમી ૧૨:૨૧) આજે આપણને કેવી બૂરાઈ કે તકલીફો નડે છે? કેવી રીતે એના પર જીત મેળવી શકાય? એના જવાબો આપણે હવે પછીના લેખમાં મેળવીશું. (w 07 7/1)

આપણે કઈ રીતે સમજાવીશું?

• રૂમીના બારમા અધ્યાયમાં કઈ સલાહ વારંવાર જોવા મળે છે?

• કોઈની સામે વેર ન લેવા આપણને શામાંથી મદદ મળશે?

• “ભૂંડાઈને બદલે ભૂંડું” ન કરવાથી આપણને અને બીજાને કેવા આશીર્વાદો મળશે?

[Study Questions]

[Box on page 24]

આ બધા સાથેના આપણા સંબંધ વિષે રૂમીનો બારમો અધ્યાય શું શીખવે છે?

• યહોવાહ

• યહોવાહના ભક્તો

• બીજા લોકો

[Picture on page 25]

પાઊલે રૂમી મંડળને લખેલો પત્ર આપણને જરૂરી સલાહ આપે છે