સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાષાઓ અનેક પણ પ્રેમનો રંગ એક

ભાષાઓ અનેક પણ પ્રેમનો રંગ એક

ભાષાઓ અનેક પણ પ્રેમનો રંગ એક

સદીઓથી લોકો જીવનમાં શાંતિ ચાહે છે. તેઓ જીવનની ચિંતાઓથી આઝાદ થવા ચાહે છે. આપણે કઈ રીતે જીવનની ચિંતાઓને સહી શકીએ? શું આપણે એનાથી કદીયે મુક્ત થઈશું?

યહોવાહના સાક્ષીઓએ ૨૦૦૬માં ડિસ્ટ્રીક્ટ સંમેલન રાખ્યા હતા, એમાં એ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. એ સંમેલનનો વિષય હતો, “જલદી જ આપણો બચાવ!” એની શરૂઆત મે મહિનાથી થઈ હતી.

અનેક દેશોમાં ૨૦૦૬ના જુલાઈ અને ઑગષ્ટ દરમિયાન સંમેલનો રાખવામાં આવ્યા હતા જેમ કે: ચૅક પ્રજાસત્તાકની રાજધાની પ્રાગ. જર્મનીના પાંચ શહેરો: ડૉર્ટમુડ, ફેંકફુર્ટ, મ્યુનિક, લાઇપસિક અને હેમ્બુર્ગ. પોલૅન્ડના હૉઝુફ અને પૉઝનાન શહેરોમાં. * એ જ રીતે સ્લોવાકિયાની રાજધાની બ્રાટિસ્લાવા. એ સંમેલનોમાં ૩,૧૩,૦૦૦થી વધારે લોકો આવ્યા હતા. એમાંના હજારો ભાઈ-બહેનો બીજા દેશોમાંથી આવ્યા હતા.

સંમેલનોમાં કેવું વાતાવરણ હતું? એના વિષે કેવી પબ્લિસીટી કરવામાં આવી? સંમેલનમાં આવનાર લોકોને પ્રોગ્રામ વિષે કેવું લાગ્યું?

તૈયારી

જેઓ સંમેલનોમાં આવ્યાં તેઓ જાણતા હતા કે ઈશ્વર તેઓને શીખવશે, એ પ્રસંગ જીવનભર યાદ રહેશે. બહારથી આવેલા ભાઈ-બહેનોના રહેવાની ગોઠવણ કરવી કંઈ રમત વાત ન હતી. દાખલા તરીકે, હૉઝુફમાં રહેતા પૉલિશ ભાઈ-બહેનોએ પૂર્વ યુરોપના લગભગ ૧૩,૦૦૦ મહેમાનો માટે રહેવાની ગોઠવણ કરી. તે આ દેશોમાંથી આવ્યા હતા, અમેરિકા, આર્મેનિયા, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિઝસ્તાન, જ્યોર્જિયા, તાજિકીસ્તાન, તુર્કમેનીસ્તાન, બેલારુસ, મોલ્દોવા, યુક્રેઇન, રશિયા, લૅટ્‍વીઆ, લિથુએનિયા.

ઘણા ભાઈ-બહેનોએ સંમેલનોમાં જવા માટે મહિનાઓ પહેલાં તૈયારી કરી. દાખલા તરીકે, રશિયાના કામચાટકા વિસ્તારમાં રહેતી એક પાયોનિયર બહેને હૉઝુફ સંમેલનમાં જવા વર્ષ પહેલાં તૈયારી શરૂ કરી. તેણે ૧૦,૫૦૦ કિ.મી. મુસાફરી કરી. પાંચ કલાક પ્લેનમાં, ત્રણ દિવસ ટ્રેઇનમાં અને છેલ્લે ૩૦ કલાક બસમાં મુસાફરી કરી.

ઈશ્વરની ભક્તિ માટે હજારો ભાઈબહેનોએ રાજીખુશીથી સ્ટેડિયમ અને આજુબાજુની જગ્યા સાફ કરી. (પુનર્નિયમ ૨૩:૧૪) લીપઝીગનો દાખલો લો. ત્યાંના ભાઈબહેનોએ સંમેલન પહેલાં સ્ટેડિયમ સરસ મજાનું સાફ કરી આપ્યું. સંમેલન પછી પણ એવું જ કરી આપવાનું વચન આપ્યું. મોટા ભાગે સ્ટેડિયમ સાફ કરાવવા માટે ઘણો ખર્ચો થાય છે. પણ ભાઈ-બહેનોએ જાતે સાફસફાઈ કરી હતી. એટલે તેઓ પાસેથી સ્ટેડિયમના મેનેજમેન્ટે સફાઈનો ખર્ચો ન લીધો.

આમંત્રણ

દુનિયાભરમાં યહોવાહના સાક્ષીઓના મંડળોએ સંમેલનમાં આવવા લોકોને આમંત્રણ આપ્યું. એમાંય જેઓ ઇન્ટરનેશનલ સંમેલનમાં જવાના હતા તેઓએ બધાને આમંત્રણ આપવા ખૂબ મહેનત કરી. તેઓ સંમેલનના આગલા દિવસની રાત સુધી બધાને આમંત્રણ આપતા રહ્યાં. એનું શું પરિણામ આવ્યું?

એક દાખલો જોઈએ. પૉલેન્ડના બૉગડન ભાઈએ એક દાદાને આમંત્રણ આપ્યું. દાદાને સંમેલનમાં આવવું હતું, પણ પૈસા ન હતા. તેમણે કહ્યું: ‘હું પેન્શન પર જીવું છું. પૈસા વગર ૧૨૦ કિ.મી.ની મુસાફરી કઈ રીતે કરવી!’ પછી એવું બન્યું કે ત્યાંના મંડળે જે બસ ભાડે રાખી હતી એમાં એક સીટ ખાલી હતી. બૉગડન ભાઈએ દાદાને કહ્યું: “બસમાં એક જગ્યા ખાલી છે. તમારે ભાડું કાઢવું નહિ પડે. તમે આવી શકો, પણ બસ સવારે ૫:૩૦ વાગે ઉપડશે.” દાદા સંમેલનમાં જવા તૈયાર થઈ ગયા. સંમેલન પછી તેમણે લખ્યું: ‘સંમેલનમાં હું જોઈ શક્યો કે મારે હજુ ઘણો સુધારો કરવાનો છે.’

પ્રાગમાં એક માણસ જે હોટલમાં રહેતો હતો ત્યાં, બ્રિટનથી ઘણા ભાઈ-બહેનો આવ્યાં હતાં. એક સાંજે એ માણસે તેઓને કહ્યું કે તે પણ એ દિવસે સંમેલનમાં ગયો હતો. તે શાના લીધે સંમેલનમાં ગયો? તે માણસે કહ્યું કે પોતે શહેરમાં જતો હતો ત્યારે દસેક વખત તેને અલગ અલગ લોકોએ આમંત્રણ આપ્યું. એનાથી તેને લાગ્યું કે હવે તો જવું જ જઈએ. સંમેલનમાં તેને ઘણું ગમ્યું. તેને વધારે શીખવાની હોંશ જાગી.—૧ તીમોથી ૨:૩, ૪.

બાઇબલ શિક્ષણનો પ્રોગ્રામ

આ પ્રોગ્રામમાં બાઇબલમાંથી શીખવવામાં આવ્યું કે મુશ્કેલીઓને કઈ રીતે સહેવી કે દૂર કરવી.

આપણે બીમારી, ઘડપણ, સગાં-મિત્રના ગુજરી ગયાથી થતું દુઃખ અને એવી અનેક તકલીફોથી પરેશાન થઈ ગયા હોઈ શકીએ. આવી તકલીફો સહેવા અને ખુશ રહેવા બાઇબલમાંથી ઉત્તેજન આપવામાં આવ્યું. (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) યુગલોને સુખી લગ્‍નજીવનનો આનંદ માણવા બાઇબલમાંથી શીખવવામાં આવ્યું. બાળકોને ઈશ્વરભક્તિમાં કઈ રીતે ઉછેરવા એ માટે માબાપને બાઇબલમાંથી શીખવવામાં આવ્યું. (સભાશિક્ષક ૪:૧૨; એફેસી ૫:૨૨, ૨૫; કોલોસી ૩:૨૧) યુવાનોને મંડળમાં અને ઘરે બાઇબલમાંથી સારું શિક્ષણ આપવામાં આવે છે. પણ તેઓને સ્કૂલમાં દોસ્તો ખોટાં કામ કરવા દબાણ કરતા હોય છે. તેથી આવા યુવાનોને શીખવવામાં આવ્યું કે કઈ રીતે દોસ્તોના દબાણનો સામનો કરવો. તેમ જ “વાસનાથી” કઈ રીતે દૂર રહેવું.—૨ તીમોથી ૨:૨૨.

સર્વમાં કુટુંબ જેવો પ્રેમ

યહોવાહના લોકો હંમેશા ભેગા મળીને બાઇબલમાંથી શીખે છે. (૨ તીમોથી ૩:૧૬) તો પછી, આ સંમેલનોમાં નવું શું હતું? એ ઇન્ટરનેશલ સંમેલનો હતા. એના પ્રોગ્રામો ઘણી ભાષામાં હતા. તેમ જ યહોવાહના સાક્ષીના ગવર્નિગ બૉડીના અનેક ભાઈઓ રોજ ટૉક આપતા. બીજા દેશોમાં શું ચાલે છે એ રિપૉર્ટ આપતા. તેઓના ટૉક અને રિપૉર્ટ અનેક ભાષામાં ભાષાંતર કરવામાં આવતા.

જુદા જુદા દેશના ભાઈ-બહેનો બીજા દેશના ભાઈ-બહેનોને મળવા આતુર હતા. એક ભાઈએ કહ્યું: “બધાની ભાષા અલગ હતી. તોપણ વાત કરવી અઘરી ન હતી. જુદી જુદી બોલીઓ સાંભળવાની ખૂબ મઝા આવતી. ઘણા ભાઈ-બહેનો જુદા દેશ અને સંસ્કૃતિના હતા. તોપણ તેઓની માન્યતા એક જ હતી.” મ્યુનિક સંમેલનમાં એક જણે કહ્યું: “ભાષાઓ અનેક પણ પ્રેમનો રંગ એક!” સંમેલનમાં આવેલા દરેક જણે એક કુટુંબના હોય એવું અનુભવ્યું.—ઝખાર્યાહ ૮:૨૩.

દરેકે શાબાશી આપી

સંમેલન દરમિયાન પૉલેન્ડની મોસમથી ભાઈ-બહેનોની ધીરજની કસોટી થઈ. કઈ રીતે? ત્યાં મોટા ભાગે વરસાદ પડતો રહ્યો. ચૌદ સેન્ટિગ્રેટ (૫૭ ડિગ્રી ફેરનહિટ) જેટલી બહુ જ ઠંડી હતી. અમેરિકાના એક ભાઈએ કહ્યું: “આ સંમેલન દરમિયાન વેધર બહુ જ ખરાબ હતું. આટલી ઠંડી બીજા સંમેલનમાં કદી નહોતી પડી. હું બહુ સમજી પણ ન શક્યો. તોપણ, અહીંના ભાઈબહેનોએ બહારથી આવેલા ભાઈબહેનો માટે જે પ્રેમ બતાવ્યો, જે મહેમાનગીરી કરી એ હું કદી નહિ ભૂલું! સંમેલનનું વાતાવરણ તો બહુ સરસ હતું.”

પૉલિશ ભાઈબહેનોએ વરસાદ સહન કર્યો. ઠંડી સહન કરી. છેવટે તેઓને પોતાની ભાષામાં ઈનસાઈટ ઑન ધ સ્ક્રીપ્ચર અને લીવ વીથ જેહોવાહ્સ ડે ઈન માઈન્ડ પુસ્તકો મળ્યાં. એનાથી સંમેલનમાં આનંદ છવાઈ ગયો હતો.

સંમેલનમાં આવેલા ભાઈ-બહેનો માટે એ યાદગાર અનુભવ હતો. ઝેકોસ્લોવેકિયાની ક્રિસ્ટીન બહેન બસમાં વૉલન્ટિયર સેવા આપતી હતી. તે યાદ કરતા કહે છે: “સંમેલનના છેલ્લા દિવસે બધા છૂટા પડતા હતા ત્યારે એક બહેન મને બાજુમાં લઈ ગઈ અને ભેટી પડી. તેણે કહ્યું, ‘તમે અમારી બહુ સારી સંભાળ રાખી! તમે લોકો અમારી સીટ પર લંચ અને પાણી આપી જતા. તમે જે પ્રેમ બતાવ્યો એ અમને જીવનભર યાદ રહેશે.’” સંમેલનમાં લંચ અને પાણી પૂરું પાડવાની ગોઠવણ વિષે એક ભાઈએ કહ્યું: “અમે દરરોજ ૬,૫૦૦ લોકોને લંચ પૂરું પાડતા. અમે કદી આટલા બધા લોકોને લંચ આપ્યું ન હતું. નાના-મોટા બધાએ જ આ કામમાં ભાગ લીધો. એ જોઈને બધાની આંખો ભરાઈ આવી.”

એક બહેને સંમેલન માટે હૉઝુફથી યુક્રેઈન મુસાફરી કરી. તેમણે કહ્યું: “યુક્રેઈનના ભાઈબહેનોએ અમને જે પ્રેમ બતાવ્યો, અમારી જે રીતે સંભાળ રાખી અને ખુલ્લા હાથે અમને મદદ કરી એ માટે શબ્દથી ઉપકાર માનવો પણ ઓછો પડે.” ફિનલૅન્ડની આઠ વર્ષની એનીકાએ પૉલેન્ડની બ્રાંચ ઑફિસને લખ્યું: “હું ધારતી હતી એ કરતાં પણ સંમેલન વધારે જોરદાર હતું. યહોવાહના સંગઠનનો ભાગ હોવું એ મોટો આશીર્વાદ છે. દુનિયાના બધા જ ભાઈ-બહેનો મારા દોસ્ત છે.”—ગીતશાસ્ત્ર ૧૩૩:૧.

લોકોએ શું કહ્યું?

જર્મનીમાં બહારથી આવેલા ભાઈ-બહેનો માટે સંમેલન પહેલાં અનેક ટૂર રાખવામાં આવી હતી. બેવેરિયાના ગામોમાં કિંગ્ડમ હૉલ આવે ત્યારે બસ ઊભી રહેતી. ત્યાંના ભાઈ-બહેનો તેઓને પ્રેમથી આવકાર આપતા. એક ગ્રુપની ટૂરગાઈડ યહોવાહમાં માનતી ન હતી. તેણે એક ભાઈને કહ્યું, ‘તમે લોકો બીજા ટૂરિસ્ટ કરતાં એકદમ અલગ છો. તમારા લોકોનો શોભતો પહેરવેશ છે. તમારા ગ્રુપમાં લીડરનું બધા માને છે. કોઈ કોઈનું ખરાબ બોલતું નથી. તમે એક બીજાને પહેલી વાર મળ્યા હો તોપણ જાણે વર્ષોથી ઓળખતા હો એવું લાગે છે.’

પ્રાગ સંમેલનમાં માહિતી વિભાગમાં કામ કરતા એક ભાઈએ કહ્યું: “રવિવારે સવારે એક પોલીસ અધિકારી સ્ટેડિયમમાં આવ્યા. તેમણે કહ્યું કે ‘અહીં તો એકદમ શાંતિ છે. અહીં અમારી જરૂર નથી.’ પછી તેમણે જણાવ્યું કે સ્ટેડિયમની આજુબાજુ રહેતા લોકોએ તેમને પૂછ્યું હતું કે અંદર શાનો પ્રોગ્રામ ચાલે છે. યહોવાહના સાક્ષીઓનો પ્રોગ્રામ છે એ જાણીને તેઓએ મોં ચઢાવ્યું. ત્યારે ઑફિસર તેઓને કહ્યું, ‘જો બધા જ લોકો યહોવાહના સાક્ષીઓ જેવા હોય તો દુનિયામાં પોલીસની જરૂર જ ન પડે.’”

ઘણાને આશીર્વાદો મળ્યા છે!

ઈશ્વરે બાઇબલમાં આપેલો સંદેશો બધી જ ભાષા ને સમાજના લોકોને મદદ કરે છે. જેઓ એના કહેવા પ્રમાણે જીવે છે તેઓમાં શાંતિ અને પ્રેમ આવે છે. (રૂમી ૧૪:૧૯; એફેસી ૪:૨૨-૨૪; ફિલિપી ૪:૭) “જલદી જ આપણો બચાવ!” સંમેલનમાં જોવા મળ્યું કે યહોવાહના સાક્ષીઓનો અનેક આફતોમાંથી બચાવ થયો છે. તેઓના દિલમાં નાત-જાતના લોકો માટે નફરત નથી. તેઓ એવા સમયની રાહ જુએ છે જ્યારે દુનિયામાં કોઈ જાતની મુશ્કેલીઓ હશે જ નહિ.

આ સંમેલનોમાં જુદા જુદા દેશ, સમાજ ને સંસ્કૃતિના લોકો આવ્યા હતા. તોપણ બધાને એકબીજા માટે પ્રેમ ઊભરાતો હતો. સંમેલનને અંતે બધા તાળીઓ પાડતા હતા, એકબીજાને ભેટતા હતા અને છેલ્લીવાર એકબીજાના ફોટા પાડતા હતા. (૧ કોરીંથી ૧:૧૦; ૧ પીતર ૨:૧૭) સંમેલનમાં આવેલા બધા જ જાણે છે કે બહુ જલદી બધી મુશ્કેલીઓનો અંત આવશે. તેઓ પોતપોતાના ઘરે અને મંડળમાં પાછા ગયા તેમ દિલમાં નક્કી કર્યું કે બાઇબલના કહેવા પ્રમાણે જ જીવશે.—ફિલિપી ૨:૧૫, ૧૬. (w 07 7/1)

[Footnote]

^ એ સિવાય પોલૅન્ડના બીજા છ સંમેલનોમાં અને સ્લોવાકિયામાં એક સંમેલનમાં અમુક ટૉક ટેલિફોનથી લોકોએ સાંભળી હતી.

[Box/Picture on page 10]

પચીસ ભાષાઓમાં સંપ

નવ ઈન્ટરનેશનલ સંમેલનનો પ્રોગ્રામ પોતપોતાના દેશની ભાષામાં હતો. જર્મનીમાં બીજી ૧૮ ભાષામાં પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમ કે ડૉર્ટમુડમાં અરબી, પોર્ટુગીઝ, ફારસી, રશિયન અને સ્પૅનિશમાં ટૉક આપવામાં આવી. ફેંકફુર્ટમાં અંગ્રેજી, ફ્રેન્ચ, સર્બિયન/ક્રોએશિયન. મ્યુનિકમાં ઇટાલિયન, ગ્રીક, જર્મન સાઇન લેંગ્વેજ. લાઇપસિકમાં ચીની, તુર્કી, પૉલિશ. હેમ્બુર્ગમાં ડૅનિશ, ડચ, તામિલ, સ્વીડિશ. પ્રાગમાં બધી જ ટૉક અંગ્રેજી, રશિયન અને સ્લોવાકમાં હતી. બ્રાટિસ્લાવામાં અંગ્રેજી, સ્લોવાક અને હંગેરીમાં. હાઝુફમાં પૉલિશ, પૉલિશ સાઇન લેંગ્વેજ, યુક્રેનીઅન અને રશિયન. પૉઝનાનમાં પૉલિશ અને ફિન્‍નિશ.

કુલ પચ્ચીસ ભાષામાં સંમેલન! ખરું કે ભાઈ-બહેનો જુદી જુદી ભાષા બોલતા હતા, પણ તેઓમાં સાચો પ્રેમ હતો.

[Picture on page 9]

સંમેલન માટે ક્રોએશિયાથી ફેંકફુર્ટ આવેલા ભાઈ-બહેનોને પોતાની ભાષામાં ‘ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન’ બાઇબલ મળ્યું હોવાથી તેઓ રાજી રાજી થઈ ગયા