સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોકોમાં સંપ લાવવા શું કરી શકાય?

લોકોમાં સંપ લાવવા શું કરી શકાય?

લોકોમાં સંપ લાવવા શું કરી શકાય?

સ્પેઇનમાં ફૂટબોલ મેચ ચાલતી હતી. એ જોવા આવેલા લોકો કૅમરૂનના ખેલાડીનું અપમાન કરતા હતા. તેણે ધમકી આપી કે એવું કરશો તો પોતે રમશે નહિ. છેવટે રેફરીએ એ મેચ બંધ કરાવી. આજે રશિયામાં આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના લોકો પર જુલમ ગુજારવામાં આવે છે. આ તો રોજનું થયું. ત્યાં ૨૦૦૪માં, ૩૯૪ જુદા જુદા બનાવો બન્યા જેમાં બીજી જાતિના કારણે લોકોને મારવામાં આવ્યા. આ રીતે જુલમ કરવામાં ૨૦૦૫માં, ૫૫ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં એશિયન ને કાળા લોકોનો સર્વે કરવામાં આવ્યો. એમાંના ત્રીસ ટકાનું કહેવું છે કે રંગ કે જાતિભેદના કારણે તેઓએ નોકરી ગુમાવી. આવું તો દુનિયામાં રોજ થાય છે.

રંગ કે જાતિભેદ અનેક રીતે બતાવવામાં આવે છે. લોકો બીજાની મજાક કે મશ્કરી કરતા રહે છે. અમુક તો તેઓને નફરત કરે છે. તેઓ સાથે કડવાશથી બોલે છે. અરે, અમુક દેશના લોકો તો બીજા રંગ-જાતિના લોકોનું નામ-નિશાન મિટાવવા પ્રયત્ન કરે છે. શા માટે લોકો બીજાને નફરત કરે છે? શું કરવાથી આપણે પોતાના દિલમાંથી ભેદભાવ કે નફરત દૂર કરી શકીએ? શું બધા કદી હળી મળીને રહેશે? એ વિષે બાઇબલ શું શીખવે છે?

નફરત ને જુલમ

બાઇબલ કહે છે: “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) અમુકના કિસ્સામાં તે કોઈના પર જુલમ ન કરે તો તેને ચેન ન પડે. બાઇબલ આગળ કહે છે કે “પૃથ્વી ઉપર જે જુલમ કરવામાં આવે છે તે સર્વ મેં જોયો; જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.”—સભાશિક્ષક ૪:૧.

બાઇબલ જણાવે છે કે લગભગ ૩,૭૦૦ વર્ષ પહેલાં પણ બીજી જાતિ પર જુલમ ગુજારવામાં આવ્યો હતો. ઇજિપ્તના રાજાએ ઇઝરાએલી માણસને એટલે યાકૂબ અને તેમના મોટા કુટુંબને પોતાના દેશમાં રહેવા આવકાર આપ્યો હતો. સમય જતાં બીજો એક રાજા આવ્યો. તે ઇઝરાએલીઓની મોટી સંખ્યા જોઈને ડરી ગયો. પછી શું થયું? બાઇબલ કહે છે: ‘જુઓ, ઇઝરાએલી લોકો આપણા કરતાં ઝાઝા તથા બળવાન છે; માટે ચાલો, આપણે તેઓ પ્રત્યે ચાલાકીથી વર્તીએ; નહિ તો તેઓ વધી જશે. એ માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુઃખ દેવા સારૂ તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂક્યા.’ (નિર્ગમન ૧:૯-૧૧) રાજાએ એવો હુકમ પણ આપ્યો હતો કે ઇઝરાએલી સ્ત્રીઓ છોકરાંને જન્મ આપે તો એને મારી નાખવા.—નિર્ગમન ૧:૧૫, ૧૬.

નફરતનું મૂળ

જો કોઈ દેશમાં એક જાતિ, ધર્મ કે સંસ્કારના લોકો બીજાને નફરત કરે તો ધર્મગુરુઓ ચૂં કે ચાં કરતા નથી. પણ અમુક લોકોએ એની સામે અવાજ ઉઠાવ્યો છે. જ્યારે કે મોટા ભાગના ધર્મોએ જુલમગારને સાથ આપ્યો છે. અમેરિકામાં પણ એમ થયું હતું. તેઓ કાળા લોકો પર ગુલામી કરતા. એ માટે ક્યારેક કાયદાનો પણ સહારો લેતા. કોઈ વાર તો ગેરકાનૂની તેઓને મોતને ઘાટ ઉતારી દેતા. એ સિવાય એવો કાયદો પણ ઘડ્યો હતો કે જેનાથી તેઓ બીજા ધર્મ કે જાતિના લોકો સાથે લગ્‍ન કરી શકતા ન હતા. આવું તો લગભગ ૧૯૬૭ સુધી ચાલ્યું. એવું જ દક્ષિણ આફ્રિકામાં પણ હતું. ત્યાંના ગણ્યા-ગાંઠ્યા ગોરા લોકોએ પોતાનો હોદ્દો જાળવી રાખવા નિયમો બનાવ્યા હતા. એક નિયમ એવો હતો કે કોઈ પણ બીજી જાતિની વ્યક્તિ સાથે લગ્‍ન ન કરી શકે. આવા જુલમને કોણ ટેકો આપતું હતું? એવા લોક જે ખૂબ ધાર્મિક હતા, તોપણ તેઓ ભેદભાવ રાખતા હતા. કેમ એવું?

બાઇબલ જણાવે છે કે અમુક જાતિ બીજા પર કેમ જુલમ ગુજારે છે: ‘જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી; કેમ કે ઈશ્વર પ્રેમ છે. જો કોઈ કહે, કે હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ તે પોતાના ભાઈને ધિક્કારે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો ઈશ્વર જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી.’ (૧ યોહાન ૪:૮, ૨૦) આ કલમ બતાવે છે કે અમુક જાતિ, ધર્મ કે સંસ્કારના લોકો બીજાને કેમ નફરત કરે છે. ધાર્મિક લોકો પણ બીજાને નફરત કરતા હોય છે. કેમ કે તેઓ ખરા ઈશ્વરને ઓળખતા નથી. તેઓને ઈશ્વરની ભક્તિ માટે પ્રેમ પણ નથી.

ઈશ્વરને ઓળખવાથી સંપ આવે છે

ઈશ્વરને ઓળખવાથી સંપ આવે છે! કઈ રીતે? ઈશ્વર વિષે પવિત્ર બાઇબલ એવું શું શીખવે છે જે નફરતની આગ બુઝાવે છે? બાઇબલ શીખવે છે કે યહોવાહ પરમેશ્વર સર્વ ઇન્સાનના પિતા છે. ‘આપણને તો એક જ ઈશ્વર એટલે બાપ છે, જેનાથી સર્વ છે.’ (૧ કોરીંથી ૮:૬) બીજી એક કલમ કહે છે: “તેમણે એક માણસ એટલે આદમથી જગતના સર્વ લોકોને ઉત્પન્‍ન કર્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, IBSI) સાદા શબ્દમાં કહીએ તો આપણે સર્વ એક પરિવાર છીએ.

ખુદ ઈશ્વરે સર્વને જીવન આપ્યું છે. એ માટે આપણે ખુશ થવું જોઈએ. પણ આપણા પ્રથમ માબાપથી વારસામાં જે મળ્યું છે એનાથી આપણે ખુશ રહી શકતા નથી. બાઇબલ કહે છે: “એક માણસથી [આદમથી] જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ.” આમ “સઘળાએ પાપ કર્યું છે.” એટલે કોઈ પણ સોએ-સો ટકા ઈશ્વરના કહેવા પ્રમાણે જીવી શકતું નથી. (રૂમી ૩:૨૩; ૫:૧૨) તોપણ, યહોવાહને સર્વ લોકો પ્યારાં છે. જેમ પાંચ આંગળીઓ સરખી નથી એમ દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિ એક સરખી નથી. તેમણે કોઈ એક જાતિ, કે સમાજના લોકોને બીજાથી ચઢિયાતા બનાવ્યા નથી. આજે ઘણા માને છે કે તેઓ બીજી જાતિ કરતાં ચઢિયાતા છે. પણ બાઇબલ એવું શીખવતું નથી. ઈશ્વર આપણને શીખવે છે કે સર્વને પ્રેમ કરવો જોઈએ. સંપીને રહેવું જોઈએ.

ઈશ્વરને બધાં વહાલાં છે

અમુક માને છે કે ઈશ્વર ભેદભાવ રાખે છે. એટલે જ તેમણે ઇઝરાએલી પ્રજાને માનીતી ગણી. નિયમો આપ્યા, શિક્ષણ આપ્યું. એ માટે કે તેઓને આજુબાજુના દેશોનો રંગ ન લાગે. (નિર્ગમન ૩૪:૧૨) પણ ઈશ્વર ભેદભાવ રાખતા નથી. ઇઝરાએલીઓના બાપદાદા ઈબ્રાહીમ, યહોવાહ ઈશ્વરના પાક્કા ભક્ત હતા. એ કારણે યહોવાહે ઇઝરાએલી પ્રજાને માનીતી પ્રજા ગણી. ખુદ યહોવાહ તેઓના માલિક હતા. તે પોતાની પ્રજા માટે જાતે રાજા પસંદ કરતા. કાયદા-કાનૂન આપતા. ઇઝરાએલી પ્રજા એ પ્રમાણે જીવતી તો તેઓને ફાયદો થતો. એનાથી આજુ-બાજુના દેશો જોઈ શકતા કે ઈશ્વરના ને મનુષ્યના રાજ વચ્ચે કેટલો ફરક છે. ઈશ્વરે ઇઝરાએલીઓને એ પણ શીખવ્યું કે તેમની સાથે ફરીથી નાતો બાંધવા કુરબાનીની જરૂર છે. આમ, ઇઝરાએલીઓ સાથે યહોવાહ જે રીતે વર્ત્યા એનાથી સર્વ ઇન્સાનને લાભ થયો. યહોવાહે ઈબ્રાહીમને આપેલાં વચનમાંથી એ જોઈ શકીએ છીએ: “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારૂં કહ્યું માન્યું છે.”—ઉત્પત્તિ ૨૨:૧૮.

યહોવાહે યહુદી કે ઇઝરાએલીઓને શિક્ષણ આપ્યું. એ પણ જણાવ્યું હતું કે તેઓના વંશમાંથી મસીહ કે ઈસુ ખ્રિસ્ત આવશે, જેથી સર્વ લોકોને લાભ થાય. યહોવાહે યહુદીઓને જે હેબ્રી શાસ્ત્રવચનો આપ્યાં, એમાં તેમણે જણાવ્યું છે કે સર્વ મનુષ્યો પર તે આશીર્વાદો વરસાવશે. ત્યારે તેઓમાં ખરો સંપ હશે: ‘ઘણી પ્રજાઓ કહેશે, કે ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર તથા યાકૂબના દેવને મંદિરે જઈએ; તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેના પંથમાં ચાલીશું. અને તેઓ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ. પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.’—મીખાહ ૪:૨-૪.

ખરું કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહુદીઓને યહોવાહ વિષે પ્રચાર કર્યો હતો. પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.” (માત્થી ૨૪:૧૪) યહોવાહના રાજ્ય વિષે સર્વ દેશમાં પ્રચાર કરવામાં આવશે. કોઈ રહી નહિ જાય. તેમની નજરમાં સર્વ લોકો એક સરખા છે. “હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

યહોવાહે પ્રાચીન ઇઝરાએલીઓને નિયમો આપ્યા હતા. એમાં એ પણ જોવા મળે છે કે યહોવાહ બીજી જાતિઓની પણ કાળજી રાખે છે. ઇઝરાએલીઓએ પરદેશીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ તેમણે જણાવ્યું હતું: ‘તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી; કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા; હું યહોવાહ તમારો ઈશ્વર છું.’ (લેવીય ૧૯:૩૪) યહોવાહે ઇઝરાએલીઓને અનેક નિયમો આપીને શીખવ્યું કે પરદેશીઓ સાથે પ્રેમથી વર્તવું. એક દાખલો લઈએ: બોઆઝ યહુદી અને અમીર હતા. તેમના ખેતરમાં રૂથ નામે એક ગરીબ, પરદેશી સ્ત્રીસળો વીણતી હતી. બોઆઝે યહોવાહના નિયમો પ્રમાણે રૂથને સળો વીણતા રોકી નહિ.—રૂથ ૨:૧, ૧૦, ૧૬.

ઈસુએ દયા અને પ્રેમ વિષે શીખવ્યું

યહોવાહને ઓળખવા ઈસુએ લોકોને જે મદદ કરી એવું ભાગ્યે જ કોઈ કરી શકે. પરદેશીઓને કઈ રીતે પ્રેમ બતાવવો એ પણ ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું. એક દાખલો લો. ઈસુના જમાનામાં યહુદીઓ સમરૂની લોકોને નફરત કરતા. તેઓ સાથે વાત પણ ન કરતા. એક વખતે ઈસુએ સમરૂની સ્ત્રી સાથે વાત કરી. એનાથી તે સ્ત્રી નવાઈ પામી. ઈસુએ તેને શીખવ્યું કે અમર જીવન પામવા શું કરવું જોઈએ.—યોહાન ૪:૭-૧૪.

બીજી જાતિઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ? એ સમજાવવા ઈસુએ એક સમરૂની માણસનો દાખલો આપ્યો. સમરૂની માણસ ચાલતો ચાલતો ક્યાંક જતો હતો. રસ્તામાં તેણે એક યહુદીને અધમૂઓ જોયો. લુટારાઓ યહુદીને લૂંટીને એવી હાલતમાં છોડી ગયા હતા. સમરૂનીએ શું કર્યું. તેણે એમ ન વિચાર્યું કે ‘એ તો યહુદી છે. યહુદીઓ તો અમને નફરત કરે છે. હું તેને શું કામ મદદ કરું?’ ઈસુએ કહ્યું કે એ સમરૂની જુદી માટીનો હતો. તેને બધા જ માટે પ્રેમ હતો. રસ્તા પર પડેલા યહુદીને તેણે જોયો એ પહેલાં ઘણા મુસાફરો ત્યાંથી પસાર થયા હતા. પણ કોઈએ તે યહુદીને મદદ ન કરી. તેને જોઈને સમરૂનીને “કરૂણા” આવી. તેની સારવાર કરી. એ માટે બીજા પૈસા આપ્યા. ઈસુએ આ દાખલો આપીને કહ્યું કે ઈશ્વરની કૃપા પામવા સમરૂની જેવા બનવું જોઈએ.—લુક ૧૦:૩૦-૩૭.

ઈશ્વરભક્ત પાઊલે શીખવ્યું કે ઈશ્વરની કૃપા પામવા વ્યક્તિએ પોતાના સ્વભાવમાં સુધારો કરવો જોઈએ. અને ઈશ્વર બધા સાથે વર્તે છે એમ વર્તવું જોઈએ. તેમણે લખ્યું: ‘તમે જૂના સ્વભાવને તેની કરણીઓ સુદ્ધાં ઉતારી મૂક્યો છે, અને જે નવો સ્વભાવ તેના ઉત્પન્‍ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવો કરાતો જાય છે, તે તમે પહેર્યો છે. તેમાં નથી ગ્રીક કે યહુદી, નથી સુનતી કે બેસુનત, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; ઈશ્વરના પસંદ કરેલાને ઘટે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.’—કોલોસી ૩:૯-૧૪.

ઈશ્વરને ઓળખવાથી શું લોકો સુધરી શકે?

યહોવાહ ઈશ્વરને ઓળખવાથી શું બધા લોકો એકબીજા સાથે પ્રેમથી વર્તશે? એક દાખલો લઈએ. એશિયાની એક સ્ત્રી કૅનેડા રહેવા ગઈ. તે પરદેશી હોવાથી લોકો તેની સાથે ભેદભાવ રાખતા હતા. તે બહુ જ નારાજ થઈ ગઈ. એક વાર તેને યહોવાહના સાક્ષીઓ મળ્યા. તેઓ પાસેથી તે બાઇબલમાંથી શીખવા લાગી. અમુક સમય પછી તેણે પત્ર લખ્યો: ‘તમે ગોરા લોકો બહુ જ સારા છો. બીજા ગોરા લોકો જેવા નથી. હું વિચારતી કે તમે કેમ બીજાથી જુદા છો? મેં બહુ જ વિચાર્યું. પછી ખ્યાલ આવ્યો કે તમે સાચા ઈશ્વરની ભક્તિ કરો છો. બાઇબલ પ્રમાણે જીવો છો. બાઇબલ સાચું શીખવતું હોવું જોઈએ. તમારા સત્સંગમાં મેં કાળા, એશિયન, ચીના-જાપાની જોયા. બધાના દિલમાં એકબીજા માટે પ્રેમ દેખાતો હતો.’

બાઇબલ શીખવે છે કે એવો સમય આવશે જ્યારે “પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૯) એવું આજે પણ થઈ રહ્યું છે. ‘સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસો’ તન-મનથી યહોવાહને ભજી રહ્યાં છે. (પ્રકટીકરણ ૭:૯) નફરતની આગ બુઝાય અને બધાના દિલ યહોવાહના પ્રેમથી રંગાય એની તેઓ કાગને ડોળે રાહ જુએ છે. ત્યારે યહોવાહે ઈબ્રાહીમને આપેલું વચન સાચું પડશે: “પૃથ્વી પરનાં સર્વ કુળો આશીર્વાદિત થશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૫. (w 07 7/1)

[Picture on page 4, 5]

પરદેશીઓ સાથે પ્રેમથી રહેવાનું યહોવાહે ઈસ્રાએલીઓને શીખવ્યું

[Picture on page 5]

સમરૂની માણસ પાસેથી આપણે શું શીખી શકીએ?

[Pictures on page 6]

ઈશ્વર કોઈને એમ નથી શીખવતા કે તેઓ બીજાથી ચઢિયાતા છે