સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘સારાથી ભૂંડા પર જીત મેળવ’

‘સારાથી ભૂંડા પર જીત મેળવ’

‘સારાથી ભૂંડા પર જીત મેળવ’

‘ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડા પર જીત મેળવ.’—રૂમી ૧૨:૨૧.

૧. આપણે કઈ રીતે બૂરાઈ પર જીત મેળવી શકીએ?

 મોટા ભાગે આજે લોકોને ઈશ્વરનો ડર નથી. આપણે યહોવાહને માર્ગે ચાલીએ તો સખત વિરોધ થઈ શકે છે. તોપણ શું આપણી ભક્તિની જીત થઈ શકે? હા! ચોક્કસ થઈ શકે! ઈશ્વરભક્ત પાઊલે રૂમીઓને લખ્યું કે ‘ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડા પર જીત મેળવ.’ (રૂમી ૧૨:૨૧) ભૂંડાઈ પર જીત મેળવવા શું કરી શકીએ? યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ. દુનિયાના કાદવના છાંટા આપણા પર પડવા ન દઈએ. આ કલમ જણાવે છે કે ‘ભૂંડા પર જીત મેળવ.’ એ જ બતાવે છે કે આપણે યહોવાહના સાથથી બૂરાઈ સામે જીત મેળવી શકીએ છીએ. જેઓ ઈશ્વરની ભક્તિમાં ધીમા પડે છે અને બૂરાઈ સામે લડતા નથી, તેઓ પર શેતાન અને તેનું દુષ્ટ જગત ફાવી જાય છે.—૧ યોહાન ૫:૧૯.

૨. આપણે શા માટે નહેમ્યાહના જીવનના અમુક બનાવોનો વિચાર કરીશું?

પાઊલના જમાનાથી પાંચસો વર્ષ પહેલાં એક ઈશ્વરભક્ત નહેમ્યાહ થઈ ગયા. તે યરૂશાલેમમાં રહેતા હતા. નહેમ્યાહે મનના મેલા લોકોનો સખત વિરોધ સહ્યો. સાથે સાથે તેમણે ભલાઈથી બૂરાઈ પર જીત મેળવી. તેમને કેવી કેવી તકલીફો સહેવી પડી? તેમને ક્યાંથી મદદ મળી? આપણે તેમની પાસેથી શું શીખી શકીએ? આ પ્રશ્નોના જવાબ મેળવવા ચાલો આપણે નહેમ્યાહના જીવનના અમુક બનાવોનો વિચાર કરીએ. *

૩. નહેમ્યાહનું જીવન કેવું હતું? સંજોગો બદલાયા છતાં તેમણે શું કર્યું?

નહેમ્યાહ ઈરાની રાજા આર્તાહશાસ્તાના દરબારમાં સેવા કરતા હતા. યહોવાહના ભક્તો ન હતા એવા લોકોમાં રહીને પણ તેમણે ‘જગતનું રૂપ ન ધર્યું.’ (રૂમી ૧૨:૨) તેમને યહુદાહની હાલતની ખબર પડી. તરત જ તે એશઆરામનું જીવન છોડીને, ઘણી મુશ્કેલ મુસાફરી કરીને યરૂશાલેમ ગયા. ત્યાં તેમણે કોટનું બાંધકામ શરૂ કર્યું. આ કામ કંઈ નાનું-સૂનું ન હતું. (રૂમી ૧૨:૧) નહેમ્યાહ પોતે યરૂશાલેમના ગવર્નર કે સૂબા હતા. તેમ છતાં તે ઈસ્રાએલીઓ સાથે “વહેલી સવારથી મોડી સાંજ સુધી” સખત મહેનત કરતા. ફક્ત બે મહિનામાં જ એ મોટું કામ પૂરું થયું! (નહેમ્યા ૪:૨૧, IBSI; ૬:૧૫) એ ગજબની સફળતા કહેવાય, કેમ કે એ કામ પૂરું ન થાય માટે દુશ્મનોએ આભ-જમીન એક કર્યા હતા. નહેમ્યાહના દુશ્મનો કોણ હતા? તેઓનો ઇરાદો શું હતો?

૪. નહેમ્યાહના દુશ્મનો શું કરવા માંગતા હતા?

યહુદાહની પાસે રહેતા સાન્બાલ્લાટ, ટોબીયાહ અને ગેશેમ કટ્ટર દુશ્મનો હતા. તેઓ ઘણા પહોંચેલા અને જાણીતા હતા. ઈશ્વરના લોકોના દુશ્મન હતા. એટલે, ‘ઈસ્રાએલીઓનું ભલું કરવા નહેમ્યાહ ત્યાં આવ્યો છે એ સાંભળીને, તેઓને ઘણું ખોટું લાગ્યું.’ તેઓ ગુસ્સે ભરાયા. (નહેમ્યાહ ૨:૧૦, ૧૯) દુશ્મનોએ નહેમ્યાહનું કામ બંધ કરાવવા ઘણા ધમપછાડા કર્યા. શું નહેમ્યાહ તેઓની ‘ભૂંડાઈથી હારી ગયા’?

તે રોષે ભરાયો, તેને ક્રોધ ચઢ્યો

૫, ૬. (ક) બાંધકામ વખતે નહેમ્યાહના દુશ્મનોએ શું કર્યું? (ખ) શા માટે નહેમ્યાહ દુશ્મનોથી ગભરાયા નહીં?

નહેમ્યાહે હિંમત રાખી. લોકોને વિનંતી કરી કે “ચાલો, આપણે યરૂશાલેમનો કોટ બાંધીએ.” લોકોએ કહ્યું ‘ચાલો બાંધીએ.’ નહેમ્યાહ જણાવે છે કે ‘તેઓએ એ કામ ઉમંગથી શરૂ કર્યું. પણ દુશ્મનોએ અમારી મશ્કરી કરી. અમને કહ્યું કે તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?’ તેમનાં મહેણાં-ટોણાં અને ખોટા આરોપથી નહેમ્યાહ ડરી ગયા નહિ. તેમણે સામે જવાબ આપ્યો: ‘ઈશ્વર અમને જીત અપાવશે; માટે અમે તેમના સેવકો બાંધકામ કરીશું.’ (નહેમ્યાહ ૨:૧૭-૨૦) યહોવાહનું એ ‘કામ’ પૂરું કરવા નહેમ્યાહે મનમાં ગાંઠ વાળી.

સાન્બાલ્લાટ ‘ઘણો રોષે ભરાયો, તેને ક્રોધ ચઢ્યો.’ તે વધારે બૂમ-બરાડા કરવા લાગ્યો. તેણે મજાક-મશ્કરી કરીને કહ્યું: ‘આ કમજોર યહુદીઓ શું કરે છે? ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર બનાવશે કે?’ ટોબીયાહે પણ ટોણો માર્યો કે ‘અરે, તેઓના પથ્થરના કોટ પર એક શિયાળ ચઢે તોપણ તૂટી પડે!’ (નહેમ્યાહ ૪:૧-૩) એ વખતે નહેમ્યાહે શું કર્યું?

૭. નહેમ્યાહે દુશ્મનોના આરોપો સામે શું કર્યું?

નહેમ્યાહે મજાક-મશ્કરી પર જરાય ધ્યાન ન આપ્યું. તેમણે ઈશ્વરની આજ્ઞા પાળી અને સામે વેર ન વાળ્યું. (લેવીય ૧૯:૧૮) નહેમ્યાહે એ બધું યહોવાહના હાથમાં છોડીને પ્રાર્થના કરી: ‘હે અમારા ઈશ્વર, સાંભળ; અમારી મજાક કરવામાં આવે છે; તેઓ અમારી નિંદા કરે છે તેનો તેમને તું બદલો આપ.’ (નહેમ્યાહ ૪:૪) નહેમ્યાહને યહોવાહમાં પૂરો ભરોસો હતો. યહોવાહે કહ્યું છે કે “વેર વાળવું તથા બદલો લેવો એ મારૂં કામ છે.” (પુનર્નિયમ ૩૨:૩૫) નહેમ્યાહ અને બીજા ઈશ્વરભક્તોએ ‘કોટ બાંધવાનું’ ચાલુ રાખ્યું. તેઓએ એ કામ પડતું મૂક્યું નહિ. તેઓએ ‘શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી બાંધી દીધો; કેમ કે લોકોને કામ કરવાનું મન હતું.’ (નહેમ્યાહ ૪:૬) લાખ કોશિશ છતાં દુશ્મનો આ કામ અટકાવી શક્યા નહીં! આપણે નહેમ્યાહ જેવા કેવી રીતે બની શકીએ?

૮. (ક) દુશ્મનો વિરોધ કરે ત્યારે આપણે કેવી રીતે નહેમ્યાહ જેવા બની શકીએ? (ખ) બદલો ન લેવાથી કેવો ફાયદો થાય છે, એવો કોઈ અનુભવ જણાવો.

આજે સ્કૂલમાં, કામ પર અને ઘરમાં પણ આપણો વિરોધ થઈ શકે છે. કોઈ આપણા પર ખોટા આરોપ મૂકે કે મહેણાં-ટોણાં મારે ત્યારે આપણે શું કરી શકીએ? આપણે બાઇબલનો આ સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ: ‘ચૂપ રહેવાનો વખત હોય છે.’ (સભાશિક્ષક ૩:૧,) નહેમ્યાહની જેમ આપણે પણ ચૂપ રહીએ. કડવા શબ્દોથી બદલો ન વાળીએ. (રૂમી ૧૨:૧૭) આપણે યહોવાહને પ્રાર્થના કરીએ. તેમનામાં ભરોસો રાખીએ, કેમ કે તે કહે છે: “હું બદલો લઈશ.” (રૂમી ૧૨:૧૯; ૧ પીતર ૨:૧૯, ૨૦) આજે ઈશ્વરે આપણને તેમના વિષે લોકોને શીખવવાનું કામ સોંપ્યું છે, એમાં ધીમા ન પડીએ. વિરોધીઓની વાતોમાં આવીને એ કામ છોડી ન દઈએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આપણે પ્રચાર કરતા રહીએ. વિરોધ આવે તોપણ હારી ના જઈએ. આ રીતે આપણે નહેમ્યાહ જેવી જ શ્રદ્ધા બતાવીએ.

“અમે તેઓને મારી નાખીશું”

૯. દુશ્મનોએ કેવી રીતે સખત વિરોધ કર્યો? નહેમ્યાહે શું કર્યું?

યહુદીઓ જાણે યરૂશાલેમમાં ફસાઈ ગયા હતા. તેઓ ઉત્તરે સમરૂનીઓ, પૂર્વમાં આમ્મોનીઓ, દક્ષિણમાં આરબો અને પશ્ચિમમાં આશ્દોદીઓથી ઘેરાયેલા હતા. આ દુશ્મનોએ સાંભળ્યું કે ‘યરૂશાલેમના કોટની મરામતનું કામ’ બંધ થયું નથી. તેઓએ “યરૂશાલેમ વિરૂદ્ધ લડવા” તરવારો ઉપાડી. દુશ્મનોએ ધમકી આપી કે “અમે તેઓને મારી નાખીશું, અને કામ અટકાવીશું.” નહેમ્યાહ કહે છે, ‘અમે ઈશ્વરને પ્રાર્થના કરી.’ નહેમ્યાહે બાંધકામ કરનારાઓને “તરવારો, ભાલા તથા ધનુષ્યો” સાથે રાખીને શહેરનું રક્ષણ કરવા કહ્યું. માણસની નજરે જોતા દુશ્મનો ઘણા હતા ને શક્તિશાળી હતા. યહુદીઓ થોડા જ હતા અને ટકી શકે એમ ન હતા. પણ નહેમ્યાહે હિંમત બંધાવી: ‘બીશો નહીં, કેમ કે યહોવાહ મહાન છે, શક્તિશાળી છે એ યાદ રાખો.’—નહેમ્યાહ ૪:૭-૯, ૧૧, ૧૩, ૧૪.

૧૦. (ક) નહેમ્યાહના દુશ્મનો કેમ પાછા હટી ગયા? (ખ) નહેમ્યાહે કેવાં પગલાં લીધાં?

૧૦ હવે અચાનક બાજી પલટાઈ. દુશ્મનો પાછા હટી ગયા. નહેમ્યાહ જણાવે છે કે ‘યહોવાહે તેઓની મસલત રદ કરી છે,’ એટલે કે યોજના ઊંધી વાળી છે. તેમ છતાં નહેમ્યાહને લાગ્યું કે હજુ પણ દુશ્મનોનું જોખમ માથે હતું. તેમણે સમજદારીથી કામ કરવાની રીતમાં આ ફેરફાર કર્યો. “તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો.” નહેમ્યાહે એક માણસને ચોકીદાર પણ બનાવ્યો. જો દુશ્મનો હુમલો કરે તો તેણે ‘રણશિંગડું વગાડીને’ કામદારોને ચેતવણી આપવાની હતી. નહેમ્યાહે લોકોને ભરોસો અપાવ્યો કે ‘આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે.’ (નહેમ્યાહ ૪:૧૫-૨૦) લોકોને ઘણી હિંમત મળી. તેઓએ કોઈ પણ જોખમ સામે તૈયાર થઈને કામ ચાલુ રાખ્યું. આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ?

૧૧. પ્રચારની મનાઈ હોય એવા દેશોમાં ભાઈ-બહેનો કેવી રીતે ટકી રહે છે? આપણે કેવી રીતે સારાથી ભૂંડા પર જીત મેળવી શકીએ?

૧૧ ઘણી વાર આપણે પણ સખત વિરોધ સહન કરીએ છીએ. અમુક દેશોમાં દુશ્મનો એટલા શક્તિશાળી હોય છે કે માણસની નજરે જોતા ભાઈ-બહેનો તેઓ સામે ટકી ના શકે. પણ ભાઈ-બહેનોને પૂરો ભરોસો છે કે ‘ઈશ્વર તેઓ માટે લડશે.’ યહોવાહના ભક્તોએ વારંવાર અનુભવ્યું છે કે યહોવાહ તેઓની પ્રાર્થના સાંભળે છે. તે શક્તિશાળી દુશ્મનોની યોજના ઊંધી વાળે છે. યરૂશાલેમમાં ભક્તોએ ચતુરાઈથી કામમાં ફેરફાર કર્યો તેમ આપણે પણ આજે કરીએ છીએ. પ્રચારની મનાઈ છે એવા દેશોમાં, ભાઈ-બહેનોએ અલગ અલગ રીતો શોધી કાઢી છે. વિરોધ આવે ત્યારે પ્રચારની રીતમાં ફેરફાર કરીને કામ ચાલુ રાખે છે. ખરું કે આજે આપણે કોઈ હથિયાર લઈને લડવા જતા નથી. (૨ કોરીંથી ૧૦:૪) જો મારપીટ કરવાની ધમકી મળે તોપણ, આપણે પ્રચાર બંધ કરતા નથી. (૧ પીતર ૪:૧૬) આપણે હિંમત રાખીને ‘સારાથી ભૂંડા પર જીત મેળવીએ છીએ.’

‘આવ આપણે ભેગા મળીએ’

૧૨, ૧૩. (ક) દુશ્મનો કેવું કાવતરું રચે છે? (ખ) નહેમ્યાહે કેમ તેઓના સંદેશાને કંઈ ધ્યાન આપ્યું નહિ?

૧૨ નહેમ્યાહના દુશ્મનોને લાગ્યું કે ધાક-ધમકી કંઈ કામ આવતી નથી. આમ સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી, એટલે તેઓએ બીજી રીત અપનાવી. તેઓએ ત્રણ કાવતરાં ઘડ્યાં.

૧૩ પહેલા તો દુશ્મનોએ નહેમ્યાહને છેતરવાનો પ્રયત્ન કર્યો. તેઓએ કહ્યું: ‘આવ, આપણે ઓનોના મેદાનના એક ગામમાં મળીએ.’ ઓનો યરૂશાલેમ અને સમરૂનની વચ્ચે આવેલું હતું. દુશ્મનો નહેમ્યાહને અડધે રસ્તે સમજૂતી કરવા બોલાવતા હતા. નહેમ્યાહે કદાચ વિચાર્યું હોત કે ‘લડવા કરતાં સમજૂતી કરી લેવી સારી.’ પણ તેમણે એમ ન વિચાર્યું. નહેમ્યાહ એનું કારણ આપે છે: ‘તેઓ તો મને નુકસાન કરવાનું કાવતરું કરતાં હતાં.’ નહેમ્યાહ તેઓના કાવતરાંમાં ફસાયા નહિ. ચાર-ચાર વખત તેમણે વિરોધીઓને કહ્યું: ‘મારાથી અવાય એમ નથી. હું કામ પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે એ બંધ પાડું?’ નહેમ્યાહ સાથે અંદર-અંદર સમજૂતી કરી લેવાનો દુશ્મનોનો ઇરાદો પાર પડ્યો નહિ. નહેમ્યાહે બાંધકામ તરફ જ ધ્યાન આપ્યું.—નહેમ્યાહ ૬:૧-૪.

૧૪. ખોટા આરોપ મૂકવામાં આવ્યા ત્યારે નહેમ્યાહે શું કર્યું?

૧૪ દુશ્મનો હવે બીજું કાવતરું ઘડે છે. તેઓ અફવા ફેલાવે છે કે રાજા આર્તાહશાસ્તા વિરુદ્ધ ‘કાવતરું કરવાનો નહેમ્યાહનો ઇરાદો’ છે. ફરીથી તેઓ કહે છે: ‘આવ, આપણે ભેગા મળીને વાત કરીએ.’ નહેમ્યાહ તેઓની ચાલ જાણી ગયા અને ચોખ્ખી ના પાડી. એનું કારણ તે સમજાવે છે: “અમે છેક નાહિમ્મત થઈને તે કામ છોડી દઈએ, કે પછી તે થાય જ નહિ, એ હેતુથી તેઓ અમને બિવડાવતા હતા.” જોકે આ વખતે નહેમ્યાહે દુશ્મનોની પોલ ખુલ્લી પાડીને કહ્યું: “જેમ તું કહે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી, એ તો તારા પોતાના મનની કલ્પના જ છે.” નહેમ્યાહ યહોવાહને મદદ માટે પોકારી ઊઠે છે, ‘હે ઈશ્વર, મને બળવાન કર.’ તેમને પૂરો ભરોસો હતો કે યહોવાહ ચોક્કસ મદદ કરશે. દુશ્મનો જોતા રહી જશે અને બાંધકામ પૂરું થશે.—નહેમ્યાહ ૬:૫-૯.

૧૫. ઈશ્વરભક્ત હોવાનો દાવો કરનારે કેવી સલાહ આપી? નહેમ્યાહે કેમ તેની સલાહ માની નહિ?

૧૫ નહેમ્યાહના દુશ્મનો ત્રીજી ચાલમાં દગો રમે છે. તેઓ ઈસ્રાએલી શમાયાહ દ્વારા નહેમ્યાહ પાસે યહોવાહનો નિયમ તોડાવવા માગે છે. શમાયાહે નહેમ્યાહને કહ્યું: “આપણે દેવના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ; કેમ કે તેઓ તને મારી નાખવા સારૂ આવશે.” નહેમ્યાહ યાજક ન હતા, એટલે મંદિરમાં સંતાઈ જાય તો યહોવાહની આજ્ઞા તોડીને પાપમાં પડે. શું તેમણે જીવ બચાવવા યહોવાહનો નિયમ તોડ્યો? નહેમ્યાહે હિંમતથી જવાબ આપ્યો: “પોતાનો જીવ બચાવવા સારૂ કોણ મંદિરમાં ભરાઈ જાય? હું અંદર નહિ જાઉં.” નહેમ્યાહે હિંમત બતાવી અને દુશ્મનોની જાળમાં ફસાયા નહીં. તે જાણતા હતા કે ભલે શમાયાહ ઈસ્રાએલી હતો, પણ ‘ઈશ્વરે તેનો મોકલ્યો ન હતો.’ સાચો ઈશ્વરભક્ત કોઈ દિવસ ઈશ્વરનો નિયમ તોડવાની સલાહ ન આપે. ફરીથી નહેમ્યાહની જીત થઈ અને દુશ્મનોની હાર! એટલે જ નહેમ્યાહ જણાવી શક્યા: “અલૂલ માસની પચીસમી તારીખે, બાવન દિવસમાં, કોટ પૂરો થયો.”—નહેમ્યાહ ૬:૧૦-૧૫; ગણના ૧:૫૧; ૧૮:૭.

૧૬. (ક) નહેમ્યાહની જેમ કોનાથી ચેતીને ચાલવું જોઈએ? શા માટે? (ખ) ઘરમાં, સ્કૂલમાં કે નોકરી-ધંધા પર કેવી રીતે બતાવશો કે યહોવાહની ભક્તિ જ તમારા માટે બધું છે?

૧૬ નહેમ્યાહની જેમ આપણો પણ વિરોધ થઈ શકે છે. કોઈ દોસ્ત બનીને તો કોઈ ભાઈ બનીને દગો કરી શકે. કોઈ ખોટા ખોટા આરોપ મૂકીને વિરોધ કરી શકે. અમુક કહી શકે કે ‘થોડું હું જતું કરું, થોડું તુંય કર. હું ક્યાં આ બધું છોડી દેવાનું કહું છું! એમાં તારો જ ફાયદો છે.’ આવી મીઠી મીઠી વાતોથી આપણે ચેતીએ. આપણા જીવનમાં ઈશ્વરનું કામ સૌથી પહેલા હશે તો આવી ચાલમાં નહીં ફસાઈએ. (માત્થી ૬:૩૩; લુક ૯:૫૭-૬૨) નહેમ્યાહ પર રાજા વિરુદ્ધ થવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવી જ રીતે વિરોધીઓ આપણી સામે ખોટા આરોપ પણ મૂકે છે. આજે અમુક દેશોમાં ભાઈ-બહેનો ‘દેશ માટે ખતરો છે’ એવું કહેવામાં આવે છે. આવા અમુક આરોપ સામે આપણને કોર્ટમાં જીત મળી છે. ભલે દરેક સંજોગોમાં એવું થતું નથી. પરંતુ, આપણે પૂરા ભરોસાથી યહોવાહને પ્રાર્થના કરીએ કે એમની રીતે સંજોગોનો ઉકેલ લાવે. (ફિલિપી ૧:૭) યહુદી શમાયાહે નહેમ્યાહને ઈશ્વરનો નિયમ તોડીને પોતાનો જીવ બચાવવા કહ્યું. એવી જ રીતે યહોવાહને છોડી ગયેલી કે તેમની ભક્તિનો ઢોંગ કરનાર વ્યક્તિ આપણી પાસે યહોવાહનો નિયમ તોડાવવા પ્રયત્ન કરશે. આપણે કાયમ એવા લોકોથી દૂર જ રહીએ. આપણે જાણીએ છીએ કે આપણું જીવન યહોવાહના નિયમો પાળવાથી છે, તોડવાથી નહીં! (૧ યોહાન ૪:૧) યહોવાહના સાથથી આપણે ગમે તેવા દુશ્મનો પર જીત મેળવી શકીએ છીએ.

વિરોધ છતાં યહોવાહ વિષે જણાવવું

૧૭, ૧૮. (ક) શેતાન અને તેના સાથીઓનો ધ્યેય શું છે? (ખ) તમારો નિર્ણય શું છે? શા માટે?

૧૭ સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો વિષે બાઇબલ જણાવે છે: ‘તેઓએ પોતાની સાક્ષીના વચનથી શેતાનને જીત્યો છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૧) શેતાન બધી બૂરાઈનું મૂળ છે. તેના પર જીત મેળવવી અને પ્રચાર કરવો, એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જ સ્વર્ગમાં જવાની રાહ જોતા ભાઈ-બહેનો અને ‘મોટી સભા’ પર શેતાન રાત-દિવસ હુમલો કરે છે.—પ્રકટીકરણ ૭:૯; ૧૨:૧૭.

૧૮ આપણે જોયું એમ, વિરોધ ઘણી રીતે થઈ શકે છે. કડવા શબ્દોથી, મારઝૂડ કરવાની ધમકીઓથી કે પછી બીજી કોઈ રીતથી. શેતાન અને તેના સાથીઓનો ધ્યેય એક જ છે: પ્રચાર કામ બંધ કરો. પણ એની ચોક્કસ હાર થવાની છે. નહેમ્યાહની જેમ ઈશ્વરના લોકો ‘સારાથી ભૂંડા પર જીત મેળવે’ છે. જ્યાં સુધી યહોવાહ કહે ત્યાં સુધી આપણે પણ પ્રચાર કરતા રહીશું.—માર્ક ૧૩:૧૦; રૂમી ૮:૩૧; ફિલિપી ૧:૨૭, ૨૮. (w 07 7/1)

[Footnote]

ચાલો યાદ કરીએ

• પહેલાના જમાનામાં યહોવાહના ભક્તોનો કેવો વિરોધ થયો? આજે કેવો વિરોધ થાય છે?

• નહેમ્યાહના દુશ્મનોનો ઇરાદો શું હતો? આજે વિરોધીઓ શું ચાહે છે?

• આપણે કેવી રીતે સારાથી ભૂંડા પર જીત મેળવીએ છીએ?

[Study Questions]

[Box/Picture on page 30]

નહેમ્યાહના પુસ્તકમાંથી શું શીખીએ છીએ?

યહોવાહના ભક્તોની

• મશ્કરી થાય છે

• ધમકી અપાય છે

• દગાબાજી થાય છે

કોણ આપણને છેતરે છે?

• દગાખોર દોસ્ત

• ખોટા આરોપ મૂકનારા

• દગાખોર ભાઈઓ

યહોવાહના ભક્તો દુશ્મનો પર જીત મેળવવા

• ઈશ્વરે સોંપેલા કામને વળગી રહે છે

[Picture on page 31]

યહોવાહના ભક્તો ડર્યા વગર પ્રચાર કરે છે