સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હઝકીએલના મુખ્ય વિચારો—૧

હઝકીએલના મુખ્ય વિચારો—૧

યહોવાહનો શબ્દ જીવંત છે

હઝકીએલના મુખ્ય વિચારો—૧

ઈસવીસન પૂર્વે ૬૧૩માં યિર્મેયાહ પ્રબોધક યહુદાહમાં હતા. તેમણે હિંમતથી જાહેર કર્યું કે બહુ જલદી યરૂશાલેમનો નાશ થશે ને યહુદાહ ઉજ્જડ થશે. બાબેલોનના નબૂખાદનેસ્સાર રાજાએ ઘણા યહુદીઓને ગુલામ કર્યા હતા. એમાં દાનીયેલ, શાદ્રાખ, મેશાખ અને અબેદનગો પણ હતા. તેઓ ખાલદીઓના રાજમહેલમાં સેવા આપતા હતા. મોટા ભાગના યહુદીઓ “ખાલદીઓના દેશમાં” કબાર નદી પાસે ગુલામ હતા. (હઝકીએલ ૧:૧-૩) યહોવાહે તેઓને પણ સંદેશો પહોંચાડ્યો. એ માટે તેમણે ૩૦ વર્ષના હઝકીએલને પ્રબોધક નીમ્યા.

હઝકીએલનું પુસ્તક લખાતા લગભગ ૨૨ વર્ષ લાગ્યા. એ ઈ.સ. પૂર્વે ૫૯૧માં લખાઈ ગયું. હઝકીએલે એમાં વિગતવાર માહિતી આપી છે. હઝકીએલની ભવિષ્યવાણી એ પણ જણાવે છે કે કયા દિવસે, મહિને અને વર્ષે એમ થશે. તેમનો સંદેશો ત્રણ ભાગમાં છે. (૧) યરૂશાલેમનો કઈ રીતે નાશ કરવામાં આવશે. (૨) યરૂશાલેમની આજુબાજુના દેશો વિરુદ્ધ ન્યાયચુકાદો. (૩) યરૂશાલેમમાં કઈ રીતે યહોવાહની સાચી ભક્તિ ફરીથી શરૂ થશે. આ લેખમાં આપણે હઝકીએલ ૧:૧–૨૪:૨૭માંથી મુખ્ય વિચારોની ચર્ચા કરીશું. આ અધ્યાયોમાં સંદર્શનો, ભવિષ્યવાણીઓ અને નાટક દ્વારા બતાવવામાં આવ્યું છે કે યરૂશાલેમ પર કેવી આફતો આવવાની છે.

‘મેં તને ચોકીદાર ઠરાવ્યો છે’

(હઝકીએલ ૧:૧–૧૯:૧૪)

હઝકીએલને યહોવાહની રાજગાદી વિષે સંદર્શન થયું. પછી તેમને ચોકીદારનું કામ સોંપવામાં આવ્યું. યહોવાહે હઝકીએલને કહ્યું: “મેં તને ઈસ્રાએલ કોમ પર ચોકીદાર ઠરાવ્યો છે; તેથી મારા મુખનાં વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ.” (હઝકીએલ ૩:૧૭) બાબેલોન કઈ રીતે યરૂશાલેમને ઘેરી લેશે, એનાથી થતી અસર વિષે હઝકીએલે નાટક કરીને બતાવ્યું. યહુદા વિષે યહોવાહે હઝકીએલને કહ્યું: “જુઓ, હું, હા, હું જ, તમારા પર તરવાર લાવીને તમારાં ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ.” (હઝકીએલ ૬:૩) યહુદાહના લોકોને યહોવાહ કહે છે: “તારૂં આવી બન્યું છે.”—હઝકીએલ ૭:૭.

ઈ.સ. પૂર્વે ૬૧૨માં યરૂશાલેમમાં શું શું કાળુંધોળું થાય છે એ યહોવાહ હઝકીએલને સંદર્શનમાં બતાવે છે. યહોવાહના મંદિરમાં ખરાબ કામો કરનારાઓને તેમણે જોયા! યહોવાહે તેઓને હાંકી કાઢવા પોતાના સ્વર્ગદૂતોને એટલે ‘છ માણસોને’ મોકલ્યા. જેઓના “કપાળ પર ચિહ્‍ન” મૂકવામાં આવ્યા છે તેઓ જ બચી જાય છે. (હઝકીએલ ૯:૨-૬) યરૂશાલેમના નાશ વિષે યહોવાહનો અગ્‍નિ જેવો સંદેશો એ શહેરમાં જાહેર કરવામાં આવ્યો. (હઝકીએલ ૧૦:૨) યહોવાહે વચન આપ્યું કે તે ‘દુષ્ટોને તેમની કરણીનો બદલો આપશે.’ ગુલામીના કારણે વિખેરાઈ ગયેલા ઈસ્રાએલીઓને તે પાછા ભેગા કરશે.—હઝકીએલ ૧૧:૧૭-૨૧.

યહોવાહ હઝકીએલને સંદર્શનમાં પાછા ખાલદીઓના દેશમાં એટલે બાબેલોનમાં લાવે છે. એ સંદર્શનમાં તેમણે જોયું કે સિદકીયાહ રાજા અને એના લોકો યરૂશાલેમમાંથી કઈ રીતે નાસી છૂટશે. જૂઠા પ્રબોધકો ને પ્રબોધિકાઓને દોષિત ઠરાવવામાં આવે છે. મૂર્તિપૂજકોને પણ ધિક્કારવામાં આવે છે. યહુદાહને નકામા દ્રાક્ષદારૂ સાથે સરખાવવામાં આવે છે. યહુદાહે ઇજિપ્તની મદદ લીધી એનું શું પરિણામ આવશે? યહોવાહ ગરૂડ ને દ્રાક્ષના વેલાના ઉખાણાંથી એ જણાવે છે. એ ઉખાણું આ વચન સાથે પૂરું થાય છે: ‘યહોવાહ કહે છે કે હું સૌથી ઊંચી કુમળી કૂંપળોમાંથી એક કાપી લઈને તેને ઊંચા તથા પ્રસિદ્ધ પર્વત પર રોપીશ.’ (હઝકીએલ ૧૭:૨૨) એટલે યહુદાહમાં રાજ કરવા કોઈ નહિ હોય.—હઝકીએલ ૧૯:૧૪.

સવાલ-જવાબ:

૧:૪-૨૮—અહીં રથ શું દર્શાવે છે? એ રથ, વફાદાર સ્વર્ગદૂતોથી બનેલા યહોવાહના સ્વર્ગીય સંગઠનને દર્શાવે છે. તેઓ રાજી-ખુશીથી યહોવાહના કહેવા પ્રમાણે કરે છે. યહોવાહ પોતે એ રથ ચલાવે છે. તે કેટલા મહાન! યહોવાહના શાંત સ્વભાવને સુંદર મેઘધનુષ્ય સાથે સરખાવવામાં આવે છે.

૧:૫-૧૧—ચાર પ્રાણીઓ કોણ છે? હઝકીએલને થયેલું બીજું સંદર્શન રથ વિષે હતું. એમાં તે ચાર પ્રાણીઓને જુએ છે. તેઓ સ્વર્ગદૂતોમાંના કરૂબો છે. (હઝકીએલ ૧૦:૧-૧૧; ૧૧:૨૨) એક “કરૂબનું મુખ” બળદ સાથે સરખાવવામાં આવ્યું. (હઝકીએલ ૧૦:૧૪) કેમ બળદ સાથે? કેમ કે બળદમાં પુષ્કળ શક્તિ અને તાકાત હોય છે. એ જ રીતે કરૂબોમાં પણ પુષ્કળ શક્તિ હોય છે.

૨:૬—હઝકીએલને શા માટે વારંવાર મનુષ્યપુત્ર કહેવામાં આવ્યા? યહોવાહે હઝકીએલને મનુષ્યપુત્ર કહીને યાદ અપાવ્યું કે તે ફક્ત ઇન્સાન છે. ઈશ્વર તેને સંદેશો આપે છે. હઝકીએલ તો તેમના તરફથી ફક્ત સંદેશો આપનાર હતા. માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકમાં ઈસુને પણ લગભગ ૮૦ વાર મનુષ્યપુત્ર કે માણસનો પુત્ર કહેવામાં આવ્યા. એ બતાવે છે કે ઈસુએ માણસનો વેશ કે અવતાર લીધો ન હતો. પણ તે ઇન્સાન તરીકે જન્મ્યા હતા.

૨:૯–૩:૩—શા માટે વિલાપ ને રૂદનથી ભરેલું ઓળિયું હઝકીએલને મધ જેવું મીઠું લાગ્યું? હઝકીએલને પ્રબોધક તરીકેનું કામ સોંપવામાં આવ્યું હતું. એ કામ કરવા તે તન-મનથી તૈયાર હતા. એ માટે તેમને ઓળિયું મધ જેવું મીઠું લાગ્યું.

૪:૧-૧૭—શું હઝકીએલે સાચે જ નાટક કરીને બતાવ્યું કે યરૂશાલેમ પર શું વીતશે? યહોવાહે હઝકીએલને જેના પર રોટલી શેકવાનું કહ્યું એ તેમને પસંદ ન હતું. એના બદલામાં બીજું કંઈક વાપરવાની તેમણે યહોવાહને વિનંતી કરી. એટલે યહોવાહે યરૂશાલેમ પર આવનાર વિનાશ વિષે તેમને નાટક કરી બતાવવાનું કહ્યું. ઈસ્રાએલના દસ-કુળના રાજ્યએ ૩૯૦ વર્ષ ખોટાં કામો કર્યાં હતાં. એ દર્શાવવા હઝકીએલ પોતાના ડાબા પડખે સૂતા. ઈસ્રાએલના દસ-કુળોએ જે ખોટાં કામો કર્યાં, એ સમય ક્યારે શરૂ થયો ને ક્યારે પૂરો થયો? ઈ.સ.પૂર્વે ૯૯૭માં શરૂ થયો ને ઈ.સ.પૂર્વે ૬૦૭માં પૂરો થયો. એટલે ઈસ્રાએલ કુળની શરૂઆતથી લઈને યરૂશાલેમના વિનાશ સુધી. પછી યહુદાહે ૪૦ વર્ષ કરેલાં પાપો દર્શાવવા હઝકીએલ જમણે પડખે સૂતા. એ સમય ક્યારે શરૂ થયો ને પૂરો થયો? યહોવાહે યિર્મેયાહને ઈ.સ.પૂર્વે ૬૪૭માં પ્રબોધક તરીકે નીમ્યા ત્યારથી લઈને ઈ.સ.પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો ત્યાં સુધી. હઝકીએલ એ ૪૩૦ દિવસો દરમિયાન થોડાક ખોરાક-પાણી પર જ નભ્યા. એ બતાવતું હતું કે બાબેલોન યરૂશાલેમને ઘેરી લેશે ત્યારે દુકાળ પડશે.

૫:૧-૩—હઝકીએલને થોડા વાળ લઈને પવનમાં ઉડાવી દેવાનું ને થોડા વાળ ઝભ્ભાની ચાળમાં બાંધી દેવાનું કહેવામાં આવ્યું. એનો શું અર્થ થાય? એ બતાવતું હતું કે બાબેલોનમાં ૭૦ વર્ષની ગુલામી પછી બાકી રહેલા થોડા યહુદીઓ પોતાના વતન યહુદાહમાં પાછા જશે. અને યહોવાહની ભક્તિ ફરીથી શરૂ કરશે.—હઝકીએલ ૧૧:૧૭-૨૦.

૧૭:૧-૨૪—મોટાં બે ગરૂડ કોણ છે? કઈ રીતે લબાનોનની કુમળી ડાળીને તોડી નાખવામાં આવી? અને યહોવાહે રોપેલી ‘કુમળી કૂંપળ’ કોણ છે? બાબેલોન અને ઇજિપ્તના રાજાને બે ગરૂડ સાથે સરખાવવામાં આવે છે. પ્રથમ ગરૂડ દાઊદ રાજાના વંશમાંથી આવતા રાજાને કુમળી ડાળીને જેમ તોડી નાખે છે. કઈ રીતે? તે યહોયાકીન રાજાને હટાવીને તેમને ઠેકાણે સિદકીયાહને રાજા બનાવે છે. સિદકીયાહે વફાદાર રહેવાના સોગન લીધા હતા, છતાં તે બીજો ગરૂડ એટલે ઇજિપ્તના રાજાની મદદ માંગે છે. પણ તે સફળ થયો નહિ. તેને બાબેલોનમાં ગુલામ તરીકે લઈ જવાય છે. ત્યાં તેનું મોત થાય છે. યહોવાહ એરેજવૃક્ષની ‘કુમળી ડાળી કાપી લે’ છે. એ જ રીતે યહોવાહ મસીહી રાજા એટલે ‘કુમળી કૂંપળ’ કાપી નાખે છે. ‘કુમળી કૂંપળ’ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. યહોવાહ જાણે તેમને સ્વર્ગના સિયોન પર્વત પર રોપે છે. ત્યાં તે એક ‘ભવ્ય એરેજવૃક્ષની’ જેમ બનશે. ત્યાંથી તે સર્વ પર આશીર્વાદો વરસાવશે.—પ્રકટીકરણ ૧૪:૧.

આપણે શું શીખી શકીએ?

૨:૬-૮; ૩:૮, ૯, ૧૮-૨૧. દુષ્ટ લોકોથી આપણે બીવું કે ગભરાવું ન જોઈએ. તેમ જ તેઓને ઈશ્વરનો સંદેશો જણાવતા અચકાવું ન જોઈએ. આપણા પર મુશ્કેલી કે સતાવણી આવે ત્યારે આપણી શ્રદ્ધામાં અડગ રહેવું જોઈએ. એનો અર્થ એ નથી કે આપણે પથ્થર દિલના કે ક્રૂર બનીએ. ઈસુની સતાવણી થઈ તોપણ તેમને લોકો પર દયા આવી. તેમણે પ્રચાર કર્યો. આપણે પણ દરેક રીતે ઈસુ જેવા બનવું જોઈએ.—માત્થી ૯:૩૬.

૩:૧૫. હઝકીએલને પ્રબોધકનું કામ સોંપવામાં આવ્યું. એ પછી તેમણે તેલ-આબીબમાં “સાત દિવસ સુધી” બેસીને સંદેશા પર વિચાર કર્યો. આપણે પણ યહોવાહના વચનને સારી રીતે સમજવા પ્રાર્થના, સ્ટડી અને મનન કરવું જોઈએ.

૪:૧–૫:૪. બે ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે એ જણાવવા હઝકીએલે નાટક કરીને બતાવ્યું. એ માટે તેમને નમ્રતા અને હિંમતની જરૂર હતી. આપણે પણ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ છીએ. તેમની જેમ આપણે પણ નમ્ર અને હિંમતવાન બનવાની જરૂર છે.

૭:૪, ૯; ૮:૧૮; ૯:૫, ૧૦. ઈશ્વર જેઓને શિક્ષા કરે છે, તેઓ પર આપણને દયા આવવી ન જોઈએ.

૭:૧૯. યહોવાહ આ દુનિયાનો ન્યાય કરશે ત્યારે કોઈ પૈસા કામ આવશે નહિ. કેમ કે યહોવાહની નજરે એની કોઈ કિંમત નહિ હોય.

૮:૫-૧૮. યહોવાહની ભક્તિ છોડીને તેમના દુશ્મન બને છે તેઓનો ઈશ્વર સાથે નાતો તૂટી જાય છે. “અધર્મી [ધર્મત્યાગી] માણસ પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે.” (નીતિવચનો ૧૧:૯) આપણે એવી વ્યક્તિએ લખેલાં પુસ્તકો વાંચવા ન જોઈએ. તેનું સાંભળવું પણ ન જોઈએ.

૯:૩-૬. આપણે દરેકે યહોવાહને વચન આપવું જોઈએ કે તેમની જ ભક્તિ કરીશું. બાપ્તિસ્મા લઈને ઈસુ જેવા ગુણો કેળવવા જોઈએ. એમ કરવાથી બતાવીશું કે જાણે આપણા કપાળ પર ચિહ્‍ન કરવામાં આવ્યું છે. એનાથી આપણે ‘મોટી વિપત્તિ’ કે દુષ્ટ જગતના અંતમાંથી બચીશું. (માત્થી ૨૪:૨૧) આજે લહિયાનો ખડિયો લટકાવ્યો છે એ માણસ કોને દર્શાવે છે? અભિષિક્ત ખ્રિસ્તીઓને. તેઓ પ્રચારમાં આગેવાની લે છે. એમ કરવાથી જાણે તેઓ લોકોના ચહેરા પર ચિહ્‍ન કરે છે. આપણે તન-મનથી પ્રચાર કરતા રહીશું તો જ, આપણા કપાળ પર એ ચિહ્‍ન રહેશે.

૧૨:૨૬-૨૮. જેઓ હઝકીએલના સંદેશાની મશ્કરી ઉડાવતા હતા તેઓને પણ હઝકીએલે આ સંદેશો આપવાનો હતો: “મારૂં [યહોવાહનું] કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહિ.” યહોવાહ આ દુનિયાનો અંત લાવે એ પહેલાં આપણે પણ બધા લોકોને યહોવાહમાં શ્રદ્ધા રાખવા મદદ કરીએ.

૧૪:૧૨-૨૩. આ દુનિયાના અંતમાંથી બચવાની આપણી પોતાની જવાબદારી છે. આપણા માટે બીજા કોઈ એ જવાબદારી ઉપાડી નહિ શકે.—રૂમી ૧૪:૧૨.

૧૮:૧-૨૯. આપણે જે વાવીશું એ જ લણીશું.

“હું ઊલટાવી, ઊલટાવી, ઊલટાવી નાખીશ”

(હઝકીએલ ૨૦:૧–૨૪:૨૭)

ઈ.સ. પૂર્વે ૬૧૧માં ઈસ્રાએલીઓને ગુલામીમાં સાત વર્ષ થયા હતા. ત્યારે ઈસ્રાએલના કેટલાક આગેવાનો કે વડીલો “યહોવાહની સલાહ પૂછવા” હઝકીએલ પાસે ગયા. ઈસ્રાએલીઓએ યહોવાહ વિરુદ્ધ બળવો કર્યો હતો એનો વડીલોએ લાંબો અહેવાલ સાંભળ્યો. એમાં યહોવાહે ચેતવણી આપી કે હું ‘તરવાર મ્યાનમાંથી તાણીશ.’ (હઝકીએલ ૨૦:૧; ૨૧:૩) યહોવાહે ઈસ્રાએલનાં સરદાર એટલે સિદકીયાહ રાજાને કહ્યું: “પાઘડી કાઢી નાખ ને મુગટ ઉતાર; આ સ્થિતિ એવી ને એવી રહેવાની નથી; અધમને ઊંચ સ્થિતિએ ચઢાવ, ને ઊંચને અધમ સ્થિતિમાં લાવ. હું ઊલટાવી, ઊલટાવી, ઊલટાવી નાખીશ; જે હકદાર છે તે આવશે ત્યાં સુધી એ સ્થિતિ પણ રહેવાની નથી; અને હું તે તેને આપીશ.”—હઝકીએલ ૨૧:૨૬, ૨૭.

યરૂશાલેમે પોતાના પાપોનો જવાબ દેવાનો હતો. ઓહલાહ એટલે ઈસ્રાએલ અને ઓહલીબાહ એટલે યહુદાના પાપો ખુલ્લાં પાડવામાં આવ્યાં. ઓહલાહને તો ક્યારનુંય આશ્શૂરીઓના હાથમાં સોંપવામાં આવ્યું હતું, જેના પર તે આશિક હતું. (હઝકીએલ ૨૩:૯) ઓહલીબાહનો એટલે યહુદાનો બહુ જલદી નાશ થવાનો હતો. બાબેલોનના લશ્કરે યરૂશાલેમમાં ૧૮ મહિના ઘેરો નાખ્યો. એની શરૂઆત ઈ.સ. પૂર્વે ૬૦૯માં થઈ. શહેરનો વિનાશ થયો ત્યારે યહુદીઓને ભારે આઘાત લાગ્યો. યરૂશાલેમના વિનાશથી ‘બચી ગયેલામાંથી’ કોઈ આવીને હઝકીએલને અહેવાલ ન આપે ત્યાં સુધી તેણે બાબેલોનમાં ગુલામ થએલા ઈસ્રાએલીઓને ઈશ્વરનો સંદેશો કહેવાનો ન હતો.—હઝકીએલ ૨૪:૨૬, ૨૭.

સવાલ-જવાબ:

૨૧:૩.—અહીં “તરવાર” શું છે? યહોવાહે યરૂશાલેમ અને યહુદાહ પર ન્યાયચુકાદો લાવવા માટે “તરવારનો” ઉપયોગ કર્યો. એ તરવાર બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર અને તેનું સૈન્ય હતું. એ તરવાર યહોવાહના શક્તિશાળી સ્વર્ગદૂતો પણ હોઈ શકે.

૨૪:૬-૧૪.—કઢાઈમાં લાગેલો કાટ શું દર્શાવે છે? બાબેલોનના લશ્કરે યરૂશાલેમને ઘેરી લીધું એ હાલતને કઢાઈ સાથે સરખાવવામાં આવી. કાટ શું દર્શાવે છે? ઈસ્રાએલીઓએ જે બીજા ધર્મના દેવોની ભક્તિ ને ખૂન-ખરાબી કરી એ ઈશ્વરની નજરમાં અશુદ્ધતા, લંપટપણું હતું. તેઓની એ અશુદ્ધતા એટલી બધી હતી કે કટાયેલી ખાલી કઢાઈને ધગધગતા અંગારાથી સળગાવીએ તોય કાટ છૂટો ન પડે.

આપણે શું શીખી શકીએ?

૨૦:૧, ૪૯. હઝકીએલે ઈસ્રાએલના કેટલાક વડીલોને જે કહ્યું એ તેઓ માનવા તૈયાર ન હતા. ઈશ્વરની ચેતવણી પ્રત્યે આપણે તેઓ જેવા ન થવું જોઈએ.

૨૧:૧૮-૨૨. નબૂખાદનેસ્સારે શકુન જોયા. તોપણ યહોવાહે ખાતરી રાખી કે સૌથી પહેલાં તે યરૂશાલેમને કબજે કરે. એ બતાવે છે કે શેતાન અને તેના દુષ્ટ દૂતો યહોવાહનો ન્યાય અને તેમનો હેતુ પૂરો કરવાથી અટકાવી ન શકે.

૨૨:૬-૧૬. પાપને, નિંદા કરનારને, સત્તાનો દુરુપયોગ કરનારને અને લાંચ લેનારને યહોવાહ ધિક્કારે છે. આપણે આવાં પાપોમાં કદી ન ફસાવું જોઈએ.

૨૩:૫-૪૯. ઈસ્રાએલ અને યહુદાહે મદદ માટે બીજા દેશો સાથે દોસ્તી કરી. બીજા ધર્મના દેવ-દેવીઓને ભજ્યા. આપણે દુન્યવી લોકો સાથે દોસ્તી ન બાંધવી જોઈએ, નહિ તો આપણી શ્રદ્ધા તૂટી શકે.—યાકૂબ ૪:૪.

ઈશ્વરનો શક્તિશાળી સંદેશો

આપણે હઝકીએલના ૨૪ અધ્યાયમાંથી શું શીખ્યા? એમાં રહેલા સિદ્ધાંતો બતાવે છે કે શું કરવાથી ઈશ્વરની કૃપા ગુમાવી શકીએ. તેમની કૃપા ને દયા પામવા શું કરવું જોઈએ. તેમ જ આપણે શા માટે દુષ્ટોને હિંમતથી સંદેશો આપવો જોઈએ. યરૂશાલેમના વિનાશ વિષેની ભવિષ્યવાણી શું શીખવે છે? યહોવાહ એવા ઈશ્વર છે કે જે બનવાનું છે એ પહેલેથી જણાવે છે.—યશાયાહ ૪૨:૯.

હઝકીએલ ૧૭:૨૨-૨૪; ૨૧:૨૬, ૨૭માં આપેલી ભવિષ્યવાણી બતાવે છે કે ૧૯૧૪માં યહોવાહે સ્વર્ગમાં ઈસુને રાજા બનાવ્યા. બહુ જલદી જ આખી ધરતી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થશે. (માત્થી ૬:૯, ૧૦) આપણે એમાં પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ. તેમનું રાજ્ય પૃથ્વી પર પુષ્કળ આશીર્વાદો વરસાવશે. ‘ઈશ્વરનો શબ્દ જીવંત અને સમર્થ’ છે!—હેબ્રી ૪:૧૨. (w 07 7/1)

[Picture on page 12]

રથ શું દર્શાવે છે?

[Picture on page 14]

આપણે તન-મનથી પ્રચાર કરતા રહીશું તો જ, આપણા કપાળ પર એ ચિહ્‍ન રહેશે