સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના દિવસની ધીરજથી રાહ જુઓ

યહોવાહના દિવસની ધીરજથી રાહ જુઓ

યહોવાહના દિવસની ધીરજથી રાહ જુઓ

‘પોતાના વિશ્વાસની સાથે ધીરજ જોડી દો.’—૨ પીતર ૧:૫, ૬.

૧, ૨. ધીરજ કોને કહેવાય? આપણે કેમ ધીરજ રાખવી જોઈએ?

 યહોવાહ ઈશ્વર આ દુનિયામાં મોટા ફેરફારો લઈ આવશે, એ મહાન દિવસ નજીક છે. (યોએલ ૧:૧૫; સફાન્યાહ ૧:૧૪) એ વખતે સાબિત થશે કે યહોવાહ જ વિશ્વના રાજા છે, વિશ્વના માલિક છે. આપણે એની કાગ ડોળે રાહ જોઈએ છીએ. ‘ધીરજનાં ફળ મીઠાં છે.’ એટલે આપણે ગમે એવી તકલીફો આવે તોપણ, ધીરજથી સહન કરીએ. (માત્થી ૫:૧૦-૧૨; ૧૦:૨૨; પ્રકટીકરણ ૨:૧૦) ઈશ્વરભક્ત પીતરે વિનંતી કરી કે પોતાના વિશ્વાસની સાથે ધીરજ જોડી દો.’ (૨ પીતર ૧:૫, ૬) ઈસુએ પણ જણાવ્યું કે “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.”—માત્થી ૨૪:૧૩.

દરેકના જીવનમાં ચડતી-પડતી તો આવે જ છે. બીમારી આવે, કોઈ ગુજરી જાય કે પછી બીજા કંઈ પ્રોબ્લમ આવે. તોપણ યહોવાહના સાથથી પહાડ જેવી તકલીફો પાર કરી શકીએ છીએ. (૧ પીતર ૫:૬-૧૧) જોકે શેતાન રાહ જોઈને જ બેઠો છે કે આપણે હારી જઈએ, યહોવાહનો સાથ છોડી દઈએ! (લુક ૨૨:૩૧, ૩૨) ચાલો અમુક અનુભવો જોઈએ. એ બતાવશે કે આપણા જેવા મામૂલી માણસ પણ ધીરજ ધરી શકે છે. યહોવાહ ફેરફારો લાવશે એની પૂરી શ્રદ્ધાથી રાહ જોઈ શકે છે.

તન-મનથી બીમાર, છતાં બળવાન

૩, ૪. બીમારી છતાં યહોવાહની ભક્તિ પૂરી શ્રદ્ધાથી થઈ શકે છે, એનો અનુભવ જણાવો.

ખરું કે યહોવાહ આપણને ચમત્કાર કરીને બીમારીમાંથી બેઠા કરતા નથી. પણ તે બીમારી સહન કરવા શક્તિ આપે છે, હિંમત આપે છે. (ગીતશાસ્ત્ર ૪૧:૧-૩) આપણે શેરોન બહેનનો અનુભવ વિચારીએ. ૧૯૯૩માં તેમણે જણાવ્યું: ‘જન્મથી જ મારા મગજને લકવો મારી ગયો હતો. (સેરેબ્રલ પાલ્સી) હું અપંગ બની ગઈ. મારા બચપનની મઝા લૂંટાઈ ગઈ. આ વ્હીલચેર જ મારી જીવનસાથી છે.’ સમય જતા શેરોને, યહોવાહ અને તેમનાં વચનો વિષે જાણ્યું. તેમને લાખો નિરાશામાં એક આશા દેખાઈ. બોલવા-ચાલવામાં તકલીફ પડે છે તોપણ, પ્રચારમાં તેમને બહુ મઝા આવે છે. તે કબૂલે છે: ‘મારું શરીર તો કમજોર બનતું જાય છે. પણ યહોવાહમાં મારી શ્રદ્ધા અતૂટ છે. તેમની સાથેનો મારો નાતો પાકો છે. એ જ મારી જીવનદોરી છે! યહોવાહ અને તેમના લોકોનો સાથ, એ તો મોટો આશીર્વાદ છે.’

ઈશ્વરભક્ત પાઊલે થેસ્સાલોનીકીના મંડળને પત્ર લખ્યો. તેઓને અરજ કરી કે “બીકણોને [નિરાશ થયેલાને] ઉત્તેજન આપો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) વ્યક્તિ જ્યારે ઘેરી નિરાશામાં ડૂબી જાય છે ત્યારે તેને કેવું લાગે છે? આગળ શેરોન બહેનની વાત કરી, તેમણે કહ્યું: ‘મને લાગ્યું કે હું સાવ નકામી છું. મારા પર નિરાશાના વાદળ છવાઈ ગયાં. હું ત્રણ ત્રણ વરસ ડિપ્રેશનમાં રહી. એ વખતે મંડળના વડીલોએ સલાહ આપી. સાથે સાથે દિલાસો આપ્યો. યહોવાહે વૉચટાવર મૅગેઝિનો દ્વારા ડિપ્રેશન વિષે વધારે સમજણ આપી. પ્રેમના સાગર યહોવાહ પોતાના લોકોનું કેટલું ધ્યાન રાખે છે. આપણા પર શું વીતે છે, એનો કેટલો ખ્યાલ રાખે છે!’ (૧ પીતર ૫:૬, ૭) શેરોન બહેને આજેય યહોવાહનો સાથ છોડ્યો નથી. તેમનાં વચનો પૂરાં થવાની પૂરી શ્રદ્ધાથી રાહ જુએ છે.

૫. કડવી યાદોમાં પણ યહોવાહની ભક્તિ મદદ કરી શકે એનો દાખલો આપો.

ઘણા ભાઈ-બહેનોને જીવનના કડવા અનુભવોની યાદ સતાવે છે. એના લીધે જીવવું હરામ થઈ જાય છે. હાર્લીભાઈનો વિચાર કરો. તે બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા હતા. યુદ્ધ પછી તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. “જોજે, સંભાળજે!” બૂમો પાડતા ઊંઘમાંથી ઝબકીને જાગી જતા. પરસેવે રેબઝેબ થઈ જતા. જોકે પોતે યહોવાહને માર્ગે ચાલવા લાગ્યા પછી, ખરાબ સપનાં ધીમે ધીમે ભૂંસાતાં જાય છે.

૬. એક ભાઈ કેવી બીમારી સહે છે?

એક ભાઈની એવી બીમારી કે મૂડ ક્યારે બદલાય એની તેમને પણ ખબર પડતી નહિ (બાયપોલર ડીસોર્ડર). તેમના માટે મન પર કાબૂ રાખવો બહુ મુશ્કેલ હતો. પ્રચારમાં બહુ તકલીફ પડતી, કોઈ વાર બેલ વગાડતા પણ તેમને ડર લાગતો. પણ તે હિંમત હારે એવા ન હતા. તે જાણતા હતા કે એમાં પોતાના અને બીજાનાં જીવનનો સવાલ હતો. (૧ તીમોથી ૪:૧૬) ભાઈ કહે છે કે ‘અમુક ટાઇમ પછી મન પર કાબૂ મેળવી, પાછો બીજા બારણે જઈ ટ્રાય કરતો. આ રીતે હું હિંમત ન હાર્યો. હું યહોવાહને જ વળગી રહ્યો.’ એ ભાઈ માટે મિટિંગમાં જવું પણ બહુ અઘરું હતું. તોપણ તેમની ભક્તિનો દીવો હોલવાય ન જાય, એ માટે તે ભાઈ-બહેનો સાથે ભેગા મળવાનું ચૂકતા નહિ.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૭. અમુકને મિટિંગમાં આવવાની કે ઘણા લોકોમાં બોલવાની બીક લાગે, તોપણ તેઓ શું કરે છે?

અમુક ભાઈ-બહેનોના મનમાં કશાકનો ડર પેસી ગયો હોય છે. જેમ કે ઘણા લોકોની વચમાં બોલતા બીવે. અરે, મિટિંગમાં આવતા પણ ડરે. જરા વિચારો કે તેમને મિટિંગમાં કોમેન્ટ કે ટૉક આપવાની હોય ત્યારે કેવી હાલત થતી હશે! તોપણ તેઓ મિટિંગમાં આવે છે, પોતાનાથી બનતું બધું જ કરે છે. તેઓને જોઈને આપણી હિંમત કેટલી વધે છે!

૮. દિલો-દિમાગની તકલીફો સહેવા કોની મદદ સૌથી સારી છે?

દિલો-દિમાગની તકલીફો સહેનારને વધારે આરામ કરવાથી પણ મદદ મળી શકે. કદાચ સારા ડૉક્ટરની સલાહની જરૂર પડે. જોકે યહોવાહની મદદ અને સાથ જેવું બીજું કંઈ જ નથી. ગીતશાસ્ત્ર ૫૫:૨૨ કહે છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” આપણે પણ પૂરી શ્રદ્ધાથી ‘યહોવાહ પર ભરોસો રાખીએ.’—નીતિવચનો ૩:૫, ૬.

ગુજરી ગયેલાની જુદાઈ સહેવી

૯-૧૧. (ક) આપણું સગું-વહાલું ગુજરી જાય ત્યારે શાનાથી દિલાસો મળી શકે? (ખ) આન્‍નાનું ઉદાહરણ આપણને કેવી રીતે મદદ કરી શકે?

મોત જ્યારે કોઈને છીનવી જાય, ત્યારે કુટુંબમાં અને ફ્રેન્ડ-સર્કલમાં શોકનાં વાદળ છવાઈ જાય છે. ઈબ્રાહીમની પ્યારી પત્ની સારાહ ગુજરી ગઈ ત્યારે, તેમણે શોક કર્યો. તે રડ્યા. (ઉત્પત્તિ ૨૩:૨) અરે ઈસુ જેવા ઈસુ પણ ‘રડી પડ્યા,’ જ્યારે તેમનો જિગરી દોસ્ત લાજરસ ગુજરી ગયો. (યોહાન ૧૧:૩૫) જ્યારે આપણું વહાલું કોઈ ગુજરી જાય ત્યારે આપણે પણ દુઃખી થવાના જ. આપણે જાણીએ છીએ કે યહોવાહ તેમને જલદી જ પાછા ઉઠાડશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એટલે આપણે ‘જેઓને આશા નથી એવાની જેમ શોક કરતા નથી.’—૧ થેસ્સાલોનીકી ૪:૧૩.

૧૦ એક ઉદાહરણ લઈએ. કોઈ દોસ્તાર દૂર દેશ જાય ત્યારે આપણને જુદાઈ સહેવી મુશ્કેલ લાગે છે. પણ તે પાછા ફરશે એ જાણીને દિલાસો મળે છે. હવે વિચારો કે યહોવાહની ભક્તિ કરનાર કોઈ ગુજરી જાય છે. એ વખતે પણ આપણને દિલાસો મળે છે કે જલદી જ યહોવાહ તેમને પાછા જીવતા કરશે.—સભાશિક્ષક ૭:૧.

૧૧ આપણે ‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ. આમ ગુજરી ગયેલાનું દુઃખ સહી શકીએ છીએ. (૨ કોરીંથી ૧:૩, ૪) પહેલી સદીમાં યહોવાહની ભક્તિ કરતા આન્‍નાનો વિચાર કરો. તેમના લગ્‍નને હજુ તો માંડ સાત વર્ષ થયાʼતાં. ભરજુવાનીમાં તે વિધવા થયા. તોપણ, તેમણે યહોવાહનો સાથ ન છોડ્યો. ૮૪ વર્ષની ઉંમરેય તે યહોવાહની ભક્તિ કરતાʼતા! (લુક ૨:૩૬-૩૮) એવી ભક્તિથી તેમના શોકમાં દિલાસો મળ્યો. તેમને સાવ એકલું નહિ લાગ્યું. આજે આપણને પણ એવા સંજોગોમાં મિટિંગ, પ્રચાર વગેરે બહુ જ મદદ કરશે.

અનેક મુશ્કેલીઓ સહેવી

૧૨. અમુક ભાઈ-બહેને પરિવારમાં પણ કેવી મુશ્કેલીઓ સહેવી પડે છે?

૧૨ અમુક ભાઈ-બહેનને પરિવારમાં કંઈ કેટલીયે તકલીફો સહેવી પડે છે. જો પતિ કે પત્ની લફરાં કરે તો પરિવાર કેવો બરબાદ થઈ જાય. બિચારી નિર્દોષ વ્યક્તિનો મરો થાય. રડી રડીને તે અડધી થઈ જાય. ઊંઘ હરામ થઈ જાય. નાનું-નાનું કામ કરવાની પણ જાણે તાકાત જતી રહે. ઘરમાં કંઈને કંઈ ગરબડ થયા કરે, તોડફોડ થયા કરે. સરખું ખાય-પી ન શકે. વજન ઘટી જાય અને ક્યાંય ચેન ન પડે. એવે સમયે મિટિંગ, પ્રચારમાં પણ મન ન લાગે. એમાંય બાળકો પર કેવી વીતતી હશે!

૧૩, ૧૪. (ક) સુલેમાનની પ્રાર્થનાએ કઈ રીતે તમારી હોંશ વધારી છે? (ખ) શા માટે યહોવાહની શક્તિ અને મદદ માટે પ્રાર્થના કરવી જોઈએ?

૧૩ એવી કસોટીઓમાં યહોવાહ આપણને છોડી દેતા નથી. (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) એ આપણને રાજા સુલેમાને કરેલી પ્રાર્થના પરથી જાણવા મળે છે. જ્યારે મંદિરનું બાંધકામ પૂરું થયું ત્યારે એનું અર્પણ કરતા સુલેમાને વિનંતી કરી: ‘જો કોઈ માણસ કે તારા બધા ઈસ્રાએલ લોક પોતપોતાના હૃદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે વિનંતી કરે, ને પોતાના હાથ આ મંદિર ભણી ફેલાવે: તો તું તારા રહેઠાણ સ્વર્ગમાં તે સાંભળી ક્ષમા આપીને તે પ્રમાણે કરજે; અને દરેક માણસનું હૃદય તું જાણે છે માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજે; (કેમ કે તું, કેવળ તું જ, સર્વ મનુષ્યપુત્રોનાં હૃદયો જાણે છે;) કે જે દેશ તેં અમારા બાપદાદાઓને આપ્યો છે તેમાં તેઓ જીવે તે સઘળા દિવસોમાં તેઓ તારી બીક રાખે.’—૧ રાજાઓ ૮:૩૮-૪૦.

૧૪ આપણે યહોવાહની મદદ માગીએ, તેમની શક્તિ માગીએ. (માત્થી ૭:૭-૧૧) તેમની મદદથી જ આપણે આનંદ અને શાંતિ જેવા ગુણો કેળવી શકીશું. (ગલાતી ૫:૨૨, ૨૩) યહોવાહ આપણી પ્રાર્થના સાંભળીને જવાબ આપે એ કેવો મોટો આશીર્વાદ છે! પછી દુઃખને બદલે ખુશી અને બેચેનીને બદલે સુખચેન મળે છે.

૧૫. ચિંતામાં પણ આપણને કઈ કલમો મદદ કરી શકે છે?

૧૫ જીવનમાં નાના-મોટા ટેન્શન તો આવ્યા જ કરે. એને લીધે ચિંતા તો થાય જ. પણ ઈસુના આ શબ્દો અમુક હદે આપણી ચિંતા ઓછી કરશે: ‘તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીઈશું; અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું. તમે પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધું પણ તમને અપાશે.’ (માત્થી ૬:૨૫, ૩૩, ૩૪) ઈશ્વરભક્ત પીતરે અરજ કરી કે ‘સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખીએ, કેમ કે તે આપણી સંભાળ રાખે છે.’ (૧ પીતર ૫:૬, ૭) ખરું કે કંઈક ઉપાય શોધવા પ્રયત્ન તો કરવો જ જોઈએ. પણ એ તકલીફનું પોટલું માથે લઈને ફરવાથી શું ફાયદો. કંઈ જ નહિ. પણ એનો ઇલાજ બાઇબલમાં જણાવેલો છે: ‘તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને સહાય કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૫.

૧૬, ૧૭. (ક) કેમ આપણને ચિંતા તો રહેવાની જ? (ખ) આપણે ફિલિપી ૪:૬, ૭ પાળીએ તો શાનો અનુભવ કરીશું?

૧૬ પાઊલે પણ લખ્યું: ‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર માનીને તમારી અરજો ઈશ્વરને જણાવો. ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૬, ૭) આદમે આપણને વારસામાં ખોટ આપી છે. એ જ્યાં સુધી આપણામાં છે, ત્યાં સુધી ચિંતા તો રહેવાની જ. (રૂમી ૫:૧૨) પહેલાના જમાનાના ઈસ્હાક અને રિબકાહ ઈશ્વરભક્તો હતા. પણ તેમના દીકરા એસાવની હિત્તી પત્નીઓ તેઓના “જીવને સંતાપરૂપ હતી.” (ઉત્પત્તિ ૨૬:૩૪, ૩૫) તીમોથી અને ત્રોફિમસને બીમારી હેરાન કરતીʼતી, જેની ચિંતા તેઓને કોરી ખાતી હતી. (૧ તીમોથી ૫:૨૩; ૨ તીમોથી ૪:૨૦) ઈશ્વરભક્ત પાઊલને મંડળના ભાઈ-બહેનોની બહુ જ ચિંતા રહેતી. (૨ કોરીંથી ૧૧:૨૮) તોપણ, દિલોજાનથી ભક્તિ કરનારા માટે “પ્રાર્થનાના સાંભળનાર” યહોવાહનો હાથ ટૂંકો નથી.—ગીતશાસ્ત્ર ૬૫:૨.

૧૭ યહોવાહ દુનિયામાં મોટા મોટા ફેરફારો લાવશે, એની આપણે ધીરજથી રાહ જોઈએ છીએ. ત્યાં સુધી ‘શાંતિના ઈશ્વર’ યહોવાહ આપણને દિલાસો આપશે. પૂરો સાથ આપશે. (ફિલિપી ૪:૯) યહોવાહ ‘દયાળુ ને કૃપાળુ’ છે. “ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર” છે. ‘આપણે ધૂળનાં છીએ એવું તે યાદ રાખે છે.’ (નિર્ગમન ૩૪:૬; ગીતશાસ્ત્ર ૮૬:૫; ૧૦૩:૧૩, ૧૪) એટલે બેફિકર રહીને ‘આપણી અરજો ઈશ્વરને જણાવતા’ રહીએ. પછી ‘ઈશ્વરની શાંતિ’ જે સર્વ સમજશક્તિની બહાર છે, એ આપણને મદદ કરશે.

૧૮. અયૂબ ૪૨:૫ પ્રમાણે આપણે કેવી રીતે ઈશ્વરને ‘જોઈ’ શકીએ?

૧૮ આપણી પ્રાર્થનાનો જવાબ મળે ત્યારે, આપણે યહોવાહને એકદમ નજીક મહેસૂસ કરીએ છીએ. ઈશ્વરભક્ત અયૂબે ઘણી કસોટી સહી. તેમનું કહેવું હતું કે “મેં મારા કાનથી તારા [યહોવાહ] વિષે સાંભળ્યું હતું; પણ હવે હું તને પ્રત્યક્ષ [નજરે] જોઉં છું.” (અયૂબ ૪૨:૫) ‘પ્રત્યક્ષ કે નજરે જોવાનો’ શું અર્થ થાય? આપણા જીવનમાં કંઈ કેટલાય બનાવો બને છે. એમાં યહોવાહે જે રીતે મદદ કરી છે, સાથ આપ્યો છે એનો વિચાર કરીએ. એ વખતે આપણે જાણે કે યહોવાહને પહેલાં કદીયે જોયા ન હોય એ રીતે ‘જોઈ’ શકીએ છીએ. એનાથી મનને કેટલી શાંતિ મળે છે!

૧૯. જો ‘આપણી સર્વ ચિંતા યહોવાહ પર નાખીશું,’ તો કેવી મદદ મળશે?

૧૯ જો ‘આપણી સર્વ ચિંતા યહોવાહ પર નાખીશું,’ તો કસોટીમાં પણ મનની શાંતિ મળશે. એનાથી આપણા દિલ અને મનનું રક્ષણ થશે. કોઈ પણ મુશ્કેલી કે ચિંતાથી આપણું મન ગભરાઈ નહિ જાય.

૨૦, ૨૧. (ક) સ્તેફનના દાખલાથી સાબિતી આપો કે આકરી કસોટીમાં પણ મનની શાંતિ મળી શકે છે. (ખ) સતાવણીમાં પણ મન શાંત હોય એના અનુભવો જણાવો.

૨૦ ઈશ્વરભક્ત સ્તેફનનો વિચાર કરો. તેમની શ્રદ્ધાની આકરી કસોટી થઈ. તોયે ધર્મગુરુઓ સામે તે છેલ્લી વાર ઈશ્વરનાં વચનો બોલ્યાં. ત્યારે ‘ધર્મગુરુઓને તેમનું મોં દેવદૂતના જેવું દેખાયું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧૫) સ્તેફન પર યહોવાહની શાંતિ છવાયેલી હતી. તેમણે ધર્મગુરુઓને ખુલ્લા પાડ્યા. ઈસુના મોત માટે તેઓને જવાબદાર ગણાવ્યા. એટલે તેઓનાં “મન વીંધાઈ ગયાં અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા.” સ્તેફન ‘પવિત્ર આત્માથી ભરપૂર થઈને, આકાશ તરફ એકી નજરે જોઈ રહ્યા. તેમણે ઈશ્વરનો મહિમા તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા.’ એનાથી સ્તેફનને વધારે હિંમત મળી. તેમણે પ્રાણ છોડ્યા પણ યહોવાહને ન છોડ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૨-૬૦) ખરું કે આજે આપણને સ્વર્ગની ઝલક જોવા મળતી નથી, પણ યહોવાહની શાંતિ ચોક્કસ મળે છે.

૨૧ ચાલો એવા અમુકનો દાખલો લઈએ, જેઓએ બીજા વિશ્વયુદ્ધમાં નાઝીનો જુલમ સહન કર્યો. એક ભાઈએ કોર્ટમાં પોતાને થયેલા અનુભવ વિષે લખ્યું: ‘મને મોતની સજા થઈ એ મેં સાંભળી. પછી હું પ્રભુ ઈસુના અમુક શબ્દો અને “મરણ સુધી વિશ્વાસુ રહે,” એવું બોલ્યો. બસ, બધું પતી ગયું. પણ મારું મન એવું શાંત હતું કે માની ન શકાય!’ બીજા એક યુવાન ભાઈને મોતની સજા થઈ હતી. તેમણે પોતાનાં માબાપને લખ્યું: ‘હવે મધરાત વીતી ચૂકી છે. મારો નિર્ણય બદલવાની મને છૂટ છે. પણ હું આપણા પ્રભુ ઈસુને છોડી દઈને કેવી રીતે જીવી શકું? એના કરતાં મોત સારું! તમને એટલું જ જણાવવા માંગું છું કે મારું મન શાંત છે, ખુશ છે.’ આવા કઠિન સમયે પણ યહોવાહે પોતાના ભક્તોને પૂરો સાથ આપ્યો.

ધીરજથી સહીએ!

૨૨, ૨૩. આપણે આવનાર ફેરફારોની ધીરજથી રાહ જોઈએ એમ શાની ગૅરંટી મળે છે?

૨૨ આપણે વાત કરી એવી કસોટીઓ આપણે બધાએ સહેવી ન પણ પડે. તોયે ઈશ્વરભક્ત અયૂબે સાચું જ કહ્યું હતું: ‘મનુષ્યનું જીવન ટૂંકું અને સંકટથી ભરપૂર છે.’ (અયૂબ ૧૪:૧) તમે કદાચ માબાપ તરીકે બાળકોને યહોવાહનું શિક્ષણ આપવા રાત-દિવસ મહેનત કરતા હશો. કુમળી વયે તેઓએ સ્કૂલમાં કેટલી બધી કસોટીઓ સહેવી પડે છે. પણ જ્યારે તેઓ સ્કૂલમાં યહોવાહ વિષે વાત કરે, તેમના જ સિદ્ધાંતો પાળે, ત્યારે તમારી છાતી કેવી ગજ ગજ ફૂલી જાય છે! વિચારો કે નોકરી-ધંધા પર તમને કોઈ તકલીફ નડે. કોઈ લાલચમાં ફસાવવા ચાહે. આ બધી મુશ્કેલીઓ સહી શકાય છે, કેમ કે ‘યહોવાહ રોજ આપણો બોજો ઊંચકી લે છે.’—ગીતશાસ્ત્ર ૬૮:૧૯.

૨૩ આપણે તો મામૂલી માણસ છીએ. તોપણ યહોવાહની નજર આપણને કોઈને ચૂકતી નથી. આપણો પ્રેમ અને આપણી ભક્તિ, એ બધું તે યાદ રાખે છે. (હેબ્રી ૬:૧૦) તેમની મદદથી આપણે ગમે એવી મુસીબતો સહી શકીએ છીએ. તો ચાલો આપણા જીવનમાં યહોવાહની મરજી પૂરી કરીએ. એને માટે પ્રાર્થના કરીએ. પછી ધીરજથી એ સમયની રાહ જોઈએ, જ્યારે યહોવાહ જાણે કે આશીર્વાદો વરસાવશે. (w07 7/15)

[અભ્યાસ પ્રશ્નો]

યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીને ગુજરી ગયેલાની જુદાઈ સહી શકીએ

કેવી રીતે સમજાવશો?

• શા માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે?

• બીમારી અને ગુજરી ગયેલાનું દુઃખ આપણે કેવી રીતે સહી શકીએ?

• કસોટીમાં આપણને પ્રાર્થના કેવી રીતે મદદ કરશે?

• યહોવાહ દુનિયામાં ફેરફારો લાવે, એની ધીરજથી રાહ જોવી કેમ શક્ય છે?