સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની નજરે ‘ધનવાન’ બનો!

યહોવાહની નજરે ‘ધનવાન’ બનો!

યહોવાહની નજરે ‘ધનવાન’ બનો!

‘જે માણસ આ પૃથ્વી પર ધનવાન બને છે પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી તે મૂર્ખ છે.’—લૂક ૧૨:૨૧, IBSI.

૧, ૨. (ક) આજે લોકો શાની પાછળ બધું જ કુરબાન કરવા તૈયાર છે? (ખ) આપણને બધાને કઈ તકલીફ પડે છે? એમાં કયું જોખમ રહેલું છે?

 ઘણા દેશોમાં લોકો ખજાનાની શોધમાં નીકળે છે! ૧૯મી સદીમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, અને દક્ષિણ આફ્રિકામાં સોનાની શોધમાં દૂર દૂરથી લોકો દોડ્યા હતા. એ માટે લોકો ઘરબાર છોડવા તૈયાર હતા. અજાણ્યા દેશમાં ગમે એ દુઃખ-તકલીફો સહેવા તૈયાર હતા. ઘણા લોકો ધનવાન થવા ગમે એ જોખમ લેવા, ગમે એવી કુરબાની આપવા તૈયાર હતા.

આજે મોટા ભાગે લોકો ખજાનાની શોધમાં નથી. પણ બધાને રોટી, કપડાં ને મકાન તો જોઈએ જ. આજની દુનિયામાં એ કંઈ રમત વાત નથી. ચિંતામાં ને ચિંતામાં માથે ધોળા આવી જાય છે! લોકો એટલા ટેન્શનમાં ડૂબી ગયા છે કે ઈશ્વરને ભૂલી જાય છે. (રૂમી ૧૪:૧૭) ઈસુ એ સારી રીતે જાણતા હતા. તેમણે એના પરથી એક દાખલો આપ્યો, જે લુક ૧૨:૧૬-૨૧માં મળી આવે છે.

૩. લુક ૧૨:૧૬-૨૧માં ઈસુએ કયો દાખલો આપ્યો?

ગયા લેખમાં જોયું કે લોભી ના બનીએ. ઈસુએ એ જ પ્રસંગે એક ધનવાન માણસનો દાખલો આપ્યો. એ માણસ પાસે વખારો ભરી ભરીને અનાજ હતું. ઘણી માલ-મિલકત હતી. પણ તેને સંતોષ ન હતો. તેને તો વધારે મોટી વખારો બાંધવી હતી. તેને લાગ્યું કે પછી જીવનમાં સુખ, સુખ ને સુખ જ હશે! અફસોસ કે ઈશ્વર તેને જણાવે છે કે તેનું જીવન એ જ રાત્રે ખતમ થવાનું હતું. તેણે ભેગી કરેલી મિલકત કોઈ બીજું વાપરશે! આખરે ઈસુએ આમ કહ્યું: ‘જે માણસ આ પૃથ્વી પર ધનવાન બને છે પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી તે મૂર્ખ છે.’ (લૂક ૧૨:૨૧, IBSI) એ પરથી આપણે શું શીખી શકીએ? આપણા જીવનની નાવ કઈ તરફ જઈ રહી છે?

ધનવાન માણસની મુશ્કેલી

૪. ઈસુએ કેવા માણસનો દાખલો આપ્યો?

એ દાખલો અમુક દેશોમાં જાણીતો છે. ઈસુએ જણાવ્યું કે “એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઊપજ થઈ.” ઈસુએ એમ કહ્યું ન હતું કે એ ભાઈ કાળાં-ધોળાં કરીને કમાયો હતો. તે કંઈ ખરાબ માણસ ન હતો. ઈસુએ જણાવ્યું એના પરથી લાગે છે કે તે મહેનતુ હતો. તેણે આવતા દિવસોનો વિચાર કર્યો હતો. તેણે કુટુંબનો પણ વિચાર કર્યો હોય શકે. તે કુટુંબની સારી સંભાળ રાખનાર હતો.

૫. ઈસુએ જે માણસનો દાખલો આપ્યો એને કઈ મૂંઝવણ હતી?

ઈસુએ તેને ધનવાન કહ્યો કેમ કે તેની પાસે ધનદોલત, માલ-મિલકત તો હતા જ. તેના ખેતરમાં જાણે સોનું પાક્યું હતું. ધાર્યા કરતાં વધારે પાક થયો હતો. તેને ન તો એની જરૂર હતી, ન તો ભરવાની જગ્યા હતી. એ માણસ મૂંઝવણમાં હતો કે શું કરવું.

૬. આજે યહોવાહના ઘણા ભક્તોએ કેવા મુશ્કેલ નિર્ણય લેવા પડે છે?

આજે યહોવાહના ઘણા ભક્તોએ એવા જ મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. તેઓ પણ પોતાના નોકરી-ધંધામાં મહેનતનો પૈસો કમાય છે. (કોલોસી ૩:૨૨, ૨૩) મોટે ભાગે તેઓ જે કંઈ કરે એમાં સારી સફળતા મળે છે. જ્યારે પ્રમોશન મળે કે ધંધો વધારવાની તક મળે ત્યારે શું કરવું? વધારે પૈસા કમાવા આંખો મીંચીને કૂદી પડવું? યહોવાહની ભક્તિ કરતા યુવાનો પણ બહુ સારા માર્ક કે ટકા લાવે છે. તેઓને ઇનામો મળે છે. અરે, મોટી મોટી કૉલેજોમાં ભણવા સ્કૉલરશિપ પણ મળે છે! તેઓ શું કરશે? વગર વિચાર્યે એવી ઑફર સ્વીકારી લેશે?

૭. ધનવાન માણસે પોતાની મૂંઝવણનો કેવો ઉપાય શોધ્યો?

ચાલો પાછા ઈસુના દાખલાનો વિચાર કરીએ. અનાજ ભરવાની કોઈ જગ્યા ન રહી ત્યારે ધનવાન માણસે શું કર્યું? તેણે નક્કી કર્યું કે વખારો તોડીને મોટી બાંધે. એમાં વધારે અનાજ અને માલ-મિલકત રાખે. તે મનમાં ને મનમાં રાજી થતો કહેવા લાગ્યો: ‘ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; હવે આરામ કર. ખાઈ પીને, મજા કર.’—લુક ૧૨:૧૯.

કેમ તે “મૂર્ખ” ગણાયો?

૮. ધનવાન માણસે કઈ મહત્ત્વની વાતનો વિચાર પણ કર્યો ન હતો?

ધનવાન માણસે જે વિચાર્યું હતું, એ ઉપર ઉપરથી જ સુખનો અહેસાસ કરાવતું હતું. હકીકતમાં મનની ખરી શાંતિ આપે, એ ઈશ્વર-ભક્તિ માટે તો તેણે વિચાર્યું જ ન હતું. ઈસુએ જણાવ્યું કે તે માણસને બસ ખાઈ, પીને જલસા કરવા હતા. તેને થયું કે ઘણી માલમિલકત મળી, હવે ઘણું જીવાશે. અફસોસ કે એવું ન બન્યું! ઈસુએ પહેલાં જ કહ્યું હતું કે “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) એ માણસે મહેનત કરી કરીને જે મેળવ્યું, એ અચાનક નકામું બની ગયું. ઈશ્વરે તેને કહ્યું: ‘ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં ભેગી કરી છે તે કોની થશે?’—લુક ૧૨:૨૦.

૯. ઈસુના દાખલાનો માણસ કેમ મૂર્ખ કહેવાયો?

અહીં ઈસુના દાખલાનો મુખ્ય મુદ્દો આવે છે. ઈશ્વરે પેલા ધનવાન માણસને “મૂર્ખ” ગણ્યો. એનો અર્થ એવો ન હતો કે તે માણસને અક્કલ ન હતી. પણ તે ધનવાન ‘સાવ ભૂલી ગયો હતો કે ઈશ્વરે તેને જીવન આપ્યું છે.’ એટલે ઈશ્વર “મૂર્ખ” શબ્દ વાપરીને જણાવવા માગતા હતા કે એ ધનવાન માણસે જે ધાર્યું હતું, એનો કોઈ ફાયદો ન હતો. (એક્ષેજીટીકલ ડીક્ષનરી ઑફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ) આ દાખલાથી બીજો એક દાખલો યાદ આવે છે. અમુક વર્ષો પછી ઈસુએ આસિયામાં લાઓદીકીઆ મંડળના ભાઈ-બહેનોને કહ્યું હતું: ‘તું કહે છે, કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી; પણ તું જાણતો નથી, કે તું કંગાળ, બેહાલ, ગરીબ, આંધળો તથા નગ્‍ન છે.’—પ્રકટીકરણ ૩:૧૭.

૧૦. “ઘણી માલમિલકત” કેમ ‘ઘણાં વરસો’ જીવવાની ગૅરંટી આપતી નથી?

૧૦ શું આપણે પણ એ ધનવાન માણસ જેવા છીએ? તે માણસે “ઘણી માલમિલકત” માટે સખત મહેનત કરી. પણ ‘ઘણાં વરસો’ જીવવા માટે કશું ન કર્યું. અમર જીવન આપનાર, યહોવાહની ભક્તિનો વિચાર પણ ન કર્યો. (યોહાન ૩:૧૬; ૧૭:૩) બાઇબલ ચેતવણી આપે છે કે ‘કોપને દિવસે ધનદોલત કંઈ કામ આવતી નથી’ અને ‘પોતાની મિલકત પર ભરોસો રાખનાર’ પાનખરના પાનની જેમ ખરી પડશે. (નીતિવચનો ૧૧:૪, ૨૮) એટલે જ ઈસુએ છેલ્લે જણાવ્યું: ‘જે માણસ આ પૃથ્વી પર ધનવાન બને છે પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી તે મૂર્ખ છે.’—લૂક ૧૨:૨૧, IBSI.

૧૧. શા માટે માલ-મિલકત પર ભરોસો રાખવો નકામો છે?

૧૧ ઈસુના દાખલામાંનો ધનવાન માણસ મૂર્ખ સાબિત થયો. જો કોઈ માલ-મિલકત પર આશા રાખે, તો તે ધનવાન માણસ જેવો જ મૂર્ખ છે. અમીર હોવું કે માલ-મિલકત હોવી એ ખોટું નથી. પણ ‘ઈશ્વરની નજરમાં ધનવાન’ ન હોવું, એ ખોટું છે. ઈશ્વરભક્ત યાકૂબે પણ ચેતવણી આપી હતી: ‘હવે ચાલો, તમે કહો છો, કે આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું, અને વેપાર કરીને કમાણી કરીશું; તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. ઊલટું તમારે તો એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું, અને આમ કે તેમ કરીશું.’ (યાકૂબ ૪:૧૩-૧૫) ભલે આપણી પાસે ગમે એટલી માલમિલકત હોય, પણ ‘ઈશ્વરની નજરમાં ધનવાન’ ન હોઈએ તો બધુંય નકામું છે. ઈશ્વરની નજરમાં ધનવાન હોવાનો અર્થ શું થાય?

‘ઈશ્વરની નજરે ધનવાન’ એટલે શું?

૧૨. ઈશ્વરની નજરે ધનવાન થવાનો અર્થ શું થાય?

૧૨ ઈસુએ શીખવ્યું કે ધનવાન બનવા ફાંફાં ન મારીએ. માલ-મિલકત, ધનદોલત પાછળ ન પડીએ. એમાં કંઈ સાચું સુખ, સંતોષ રહેલા નથી. એને બદલે આપણે પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરીએ. અરે આપણી પાસે ધનદોલત અને માલમિલકત હોય, તો યહોવાહની ભક્તિમાં વાપરીએ. એમ કરવાથી વધારે ને વધારે લોકો તેમના વિષે જાણશે. યહોવાહની ભક્તિમાં વધારે ટાઇમ કાઢવાથી તેમની સાથેનો આપણો નાતો પાકો થશે. તેમની કૃપા, આશીર્વાદો મળશે. બાઇબલ જણાવે છે કે ‘યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને એમાં કોઈ ખોટ નથી.’—નીતિવચનો ૧૦:૨૨.

૧૩. યહોવાહનો આશીર્વાદ કેવી રીતે “ધનવાન કરે છે?”

૧૩ યહોવાહ આશીર્વાદ આપે ત્યારે એમાં કોઈ કચાશ નથી રાખતા. (યાકૂબ ૧:૧૭) દાખલા તરીકે, યહોવાહે ઈસ્રાએલી પ્રજાને ‘દૂધમધની રેલછેલવાળો દેશ’ આપ્યો. ખરું કે ઇજિપ્તનું પણ એ જ રીતે વર્ણન થયું હતું. તોયે યહોવાહે આપેલા દેશની વાત જ અલગ હતી. મુસાએ લોકોને જણાવ્યું કે ‘તે દેશની યહોવાહ તારા ઈશ્વર કાળજી રાખે છે.’ યહોવાહ ખુદ તે દેશની સંભાળ લેવાના હોય તો પછી ચિંતા જ શાની! ઈસ્રાએલી લોકોએ યહોવાહનું કહેવું માન્યું ત્યાં સુધી તેઓ પર આશીર્વાદ જ આશીર્વાદ હતો. આજુબાજુના દેશોને પણ અદેખાઈ આવે એવું તેઓનું જીવન હતું. યહોવાહના આશીર્વાદથી તેઓ “ધનવાન” હતા!—ગણના ૧૬:૧૩; પુનર્નિયમ ૪:૫-૮; ૧૧:૮-૧૫.

૧૪. યહોવાહની નજરે જેઓ ધનવાન છે, તેઓને કેવા આશીર્વાદો મળે છે?

૧૪ જેઓ પૈસેટકે ધનવાન છે, તેઓને મોટે ભાગે “જીવનનો અહંકાર” હોય છે. જેમ કે, લોકો પોતાના વિષે કેવું વિચારશે, લોકોમાં પોતાનો વટ પડશે કે નહિ. તેઓને એવી બધી ચિંતા વધારે હોય છે. એ તેઓના વાણી-વર્તનમાં દેખાઈ આવે છે. (૧ યોહાન ૨:૧૬) જ્યારે કે યહોવાહની નજરમાં ધનવાન હોઈએ તો વિચારીશું કે તેમને શું ગમે, શું ન ગમે. કઈ રીતે યહોવાહની કૃપા પામીએ, તેમની સાથે સારો નાતો બાંધીએ. જ્યારે યહોવાહની કૃપાનો હાથ આપણે માથે હોય તો પછી ધન-દોલત શું કામની! (યશાયાહ ૪૦:૧૧) ચાલો જોઈએ કે કઈ રીતે યહોવાહની નજરે ધનવાન બની શકીએ.

ઈશ્વરની નજરે ધનવાન બનીએ

૧૫. ઈશ્વરની નજરમાં ધનવાન થવા શું કરવું જોઈએ?

૧૫ ધનવાન માણસે પોતાનો જ વિચાર કર્યો. માલદાર બનવા બહુ મહેનત કરી, પણ “મૂર્ખ” બન્યો. આપણે કઈ રીતે તેના જેવા ન બનીએ? ઈસુએ આજ્ઞા આપી હતી કે “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” (માત્થી ૨૮:૧૯) એ આજ્ઞા પાળીને તન-મન-ધનથી યહોવાહની ભક્તિ કરીએ. એના પછી જ બીજું બધું! આપણી શક્તિ, આવડત અને ટાઇમ સ્વાર્થી કામો પાછળ નહિ પણ પ્રચારમાં વાપરીએ. એ રીતે ઈશ્વરની નજરે ‘ધનવાન’ બનીએ. એમ કરવાથી આપણે સુખી બનીશું. ચાલો એના અનુભવો જોઈએ.—નીતિવચનો ૧૯:૧૭.

૧૬, ૧૭. કેવું જીવન ઈશ્વરની નજરમાં ધનવાન બનાવે છે? અનુભવો જણાવો.

૧૬ એક ભાઈ કૉમ્પ્યુટર ટેક્નિશિયન હતા. તે સારા પગારની જૉબ કરતા હતા. પણ લગભગ બધો જ ટાઇમ કામમાં ને કામમાં ચાલ્યો જતો. યહોવાહની ભક્તિ માટે જાણે ટાઇમ જ રહેતો નહોતો. તેમણે કૉમ્પ્યુટર ટેક્નિશિયનની નોકરી છોડી દીધી, કેમ કે તે પૈસાના પ્રેમી ન હતા. તે આઇસ્ક્રીમ બનાવીને વેચવા લાગ્યા. એ રીતે તેમને યહોવાહની ભક્તિમાં અને પોતાની જવાબદારીઓ ઉપાડવા વધારે સમય મળ્યો. પહેલાં સાથે કામ કરનારા તેની મજાક-મશ્કરી કરવા લાગ્યા. તોપણ એ ભાઈનું કહેવું છે કે ‘હું કૉમ્પ્યુટર ટેક્નિશિયનની જૉબ કરતોʼતો, એના કરતાં મારી પાસે વધારે પૈસા છે. એ જૉબમાં હતું એવું કોઈ ટેન્શન નથી. હું વધારે ખુશ છું. યહોવાહ સાથેનો મારો નાતો વધારે પાકો છે.’ પછી એ ભાઈ ફૂલ-ટાઇમ પ્રચાર કરી યહોવાહ વિષે લોકોને જણાવવા લાગ્યા. હવે તે પોતાના દેશમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં છે. યહોવાહના આશીર્વાદથી તે કેટલા ‘ધનવાન’ બન્યા!

૧૭ એક બહેનનો વિચાર કરો. તેમના કુટુંબનું માનવું છે કે સારું ભણવું જોઈએ. એ બહેન ફ્રાંસ, મેક્સિકો અને સ્વિટ્‌ઝરલૅન્ડની યુનિવર્સિટીમાં ભણ્યાં. તેમની આવતી કાલ સોનેરી હતી. તે કહે છે કે ‘મેં કદી હાર માની નથી. સફળતા મારા પગ ચૂમતી. તોપણ, મારું જીવન ખાલી ખાલી હતું.’ પછી તેમને યહોવાહ વિષે જાણવા મળ્યું. હવે તે કહે છે કે ‘હું યહોવાહ વિષે શીખતી ગઈ એમ, તેમને ભજવાની મારી તમન્‍ના વધતી ગઈ. હું વિચારતી કે “યહોવાહે મને જે આપ્યું છે, એના બદલે હું તેમને શું આપી શકું?” મેં ફૂલ-ટાઇમ પ્રચાર કરવાનું નક્કી કર્યું!’ તેમણે જૉબ પર રાજીનામું આપ્યું. બાપ્તિસ્મા લીધું. હવે છેલ્લાં ૨૦ વર્ષથી તે ફૂલ-ટાઇમ લોકોને યહોવાહ વિષે શીખવે છે. તે ખુશીથી કહે છે: ‘અમુક લોકોનું કહેવું છે કે મારું ભણતર નકામું ગયું. પણ તેઓ જ કહે છે કે પહેલાં કરતાં હું ખુશ છું. મારા સંસ્કાર બહુ સારા છે. હું દરરોજ યહોવાહને વિનંતી કરું છું કે તેમની કૃપાનો હાથ મારા પર રહે.’

૧૮. પાઊલની જેમ આપણે કેવી રીતે યહોવાહની નજરમાં ધનવાન બની શકીએ?

૧૮ ઈશ્વરભક્ત પાઊલ પહેલાં શાઊલ નામે ઓળખાતા. તેમની સામે નામ કમાવાની ઘણી તકો હતી. તોપણ, વર્ષો પછી તેમણે લખ્યું: ‘ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના અમૂલ્ય જ્ઞાનને લીધે, હું એ બધાંને કચરો જ ગણું છું.’ (ફિલિપી ૩:૭, ૮) પાઊલને મન ઈસુ પાસેથી મળેલું યહોવાહનું જ્ઞાન જ ખજાનો હતું. એની આગળ દુનિયાની બધી ચીજ નકામી! તેમની જેમ જ આપણે પણ યહોવાહની ભક્તિ કરીએ. દુનિયામાં નામ કમાવાથી, પૈસાદાર બનવાથી શું વળવાનું? બાઇબલ જણાવે છે કે “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.”—નીતિવચનો ૨૨:૪. (w 07 8/1)

કઈ રીતે સમજાવીશું?

• ઈસુના દાખલામાંના માણસને કઈ મૂંઝવણ હતી?

• એ માણસને કેમ મૂર્ખ કહેવામાં આવ્યો?

• ઈશ્વરની નજરમાં ધનવાન થવાનો અર્થ શું થાય?

• આપણે ઈશ્વરની નજરે કેવી રીતે ધનવાન થઈ શકીએ?

[Study Questions]