સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે “પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલશો”?

શું તમે “પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલશો”?

શું તમે “પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલશો”?

‘પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલશો તો તમારી દુર્વાસના પ્રમાણે વર્તશો નહિ.’—ગલાતી ૫:૧૬, IBSI.

૧. આપણે યહોવાહની શક્તિ વિરુદ્ધ પાપ કર્યું છે એવી ચિંતા મનમાંથી કઈ રીતે કાઢી શકીએ?

 આપણે યહોવાહની શક્તિ વિરુદ્ધ પાપ કર્યું છે એવી ચિંતા મનમાંથી કાઢી નાખવી જોઈએ. કઈ રીતે? પ્રેરિત પાઊલના કહેવા પ્રમાણે કરીને. તેમણે કહ્યું: ‘પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલશો તો તમારી દુર્વાસના પ્રમાણે વર્તશો નહિ.’ (ગલાતી ૫:૧૬, IBSI) આપણે એ પ્રમાણે કરીશું તો ખોટાં કામોમાં ફસાઈશું નહિ.—રૂમી ૮:૨-૧૦.

૨, ૩. યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવીશું તો કેવા લાભ થશે?

આપણે ‘પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલીશું’ તો યહોવાહના માર્ગમાં ચાલવાની હોંશ જાગશે. આપણે જીવનના દરેક પાસામાં યહોવાહ જેવા ગુણો કેળવીશું. એ ગુણો પ્રચારમાં, મંડળના ભાઈ-બહેનો, લગ્‍ન સાથી, બાળકો અને બીજાઓ સાથેના વહેવારમાં દેખાઈ આવશે.

આપણે ‘પવિત્ર આત્માની દોરવણી’ પ્રમાણે જીવીશું તો, પાપ કરતાં અચકાઈશું. માફી ન મળે એવું પાપ નહિ કરીએ. હવે સવાલ થાય કે પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે જીવીશું તો, આપણને બીજા કેવા લાભ થશે?

યહોવાહ અને ઈસુ સાથે નાતો બાંધીએ

૪, ૫. યહોવાહની દોરવણી પ્રમાણે ચાલીશું તો, ઈસુ વિષે આપણે કેવું વિચારીશું?

પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલવાથી યહોવાહ અને ઈસુ સાથે પાકો નાતો બાંધીશું. ઈશ્વરની શક્તિ વિષે પાઊલે કોરીંથના મંડળને કહ્યું: “હું તમને [પહેલાંના મૂર્તિપૂજકોને] સમજાવું છું કે, દેવના આત્માની પ્રેરણાથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્માની પ્રેરણા વગર કહી શકતો નથી.” (૧ કોરીંથી ૧૨:૧-૩) જો કોઈ ઈસુને શાપ આપે તો એની પાછળ શેતાનનો હાથ છે. આપણે યહોવાહના ભક્તો હોવાથી તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ. આપણને પાક્કી ખાતરી છે કે યહોવાહે ઈસુને સજીવન કર્યા છે. તેમ જ તેમને એકદમ ઊંચી પદવી આપી છે. (ફિલિપી ૨:૫-૧૧) ઈસુની કુરબાનીમાં આપણને પૂરો ભરોસો છે. યહોવાહે પોતે તેમને આપણા રાજા બનાવ્યા છે. એટલે તે આપણા પ્રભુ પણ છે.

પહેલી સદીમાં અમુક ખ્રિસ્તીઓ માનતા હતા કે ઈસુ દેહમાં પૃથ્વી પર આવ્યા નથી. (૨ યોહાન ૭-૧૧) એ માનવાથી અમુક લોકોએ ઈસુનો મસીહા તરીકે નકાર કર્યો. તેમ જ તેમના શિક્ષણનો નકાર કર્યો. (માર્ક ૧:૯-૧૧; યોહાન ૧:૧, ૧૪) આપણે યહોવાહના માર્ગદર્શનમાં ચાલીશું તો, ક્યારેય તેમની વિરુદ્ધ બોલીશું નહિ. બાઇબલમાં આપેલું શિક્ષણ દિલમાં ઊતારીશું તો, આપણે ‘સત્યમાં ચાલતા’ રહીશું. તેમની કૃપા પામીશું. (૩ યોહાન ૩, ૪) ચાલો દિલમાં ગાંઠ વાળીએ કે યહોવાહની ભક્તિ વિરુદ્ધનું શિક્ષણ આપણે સાંભળીશું કે વાંચીશું નહિ. જેથી યહોવાહ સાથેનો આપણો નાતો તૂટે નહિ.

૬. ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે તેઓમાં કેવા ગુણો જોવા મળે છે?

પાઊલે મૂર્તિપૂજા, કુસંપ અને યહોવાહની ભક્તિ વિરુદ્ધના શિક્ષણને “દેહના કામ” સાથે સરખાવ્યાં. જેમાં વ્યભિચાર ને લંપટપણું પણ આવી જાય છે. તેમણે સમજાવ્યું: ‘જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહની વાસનાઓ તથા ઇચ્છાઓ સુદ્ધાં વધસ્તંભે જડ્યા છે. જો આપણે ઈશ્વરના આત્માથી જીવીએ છીએ તો તેમના આત્માથી ચાલવું પણ જોઈએ.’ (ગલાતી ૫:૧૯-૨૧, ૨૪, ૨૫) ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે તેઓમાં કેવા ગુણો જોવા મળે છે? પાઊલે લખ્યું: “પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે.” (ગલાતી ૫:૨૨, ૨૩) ચાલો આપણે આ ગુણોની ચર્ચા કરીએ.

“એકબીજા પર પ્રેમ રાખીએ”

૭. પ્રેમ કોને કહેવાય?

પ્રેમ પવિત્ર આત્માનું ફળ કે એક પાસું છે. પ્રેમ સાફ દિલમાંથી આવે છે. પ્રેમ બતાવતી વ્યક્તિમાં સ્વાર્થનો છાંટો નથી. તેને બીજાની ફિકર હોય છે. તે બીજાઓ સાથે ગાઢ સંબંધ રાખે છે. બાઇબલ કહે છે કે ‘ઈશ્વર પ્રેમ છે,’ કેમ કે યહોવાહ પ્રેમના સાગર છે. યહોવાહ અને ઈસુને ઇન્સાનો માટે અપાર પ્રેમ છે. એ સાફ દેખાય આવે છે. કેવી રીતે? ઈસુએ આપણા માટે પોતાની કુરબાની આપી. (૧ યોહાન ૪:૮; યોહાન ૩:૧૬; ૧૫:૧૩; રૂમી ૫:૮) આપણે ઈસુના પગલે ચાલીએ છીએ. તેથી આપણને એકબીજા માટે પ્રેમ હોવો જોઈએ. (યોહાન ૧૩:૩૪, ૩૫) આપણે આ આજ્ઞા પ્રમાણે જીવીએ છીએ: “આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.” (૧ યોહાન ૩:૨૩) પાઊલ કહ્યું કે પ્રેમ સહનશીલ છે. દયાળુ છે. અદેખાઈ કરતો નથી. બડાઈ હાંકતો નથી. અભિમાની નથી, સ્વાર્થી નથી. પ્રેમ ખીજાતો નથી. કોઈએ ખોટું કર્યું હોય તો, પ્રેમ એ યાદ રાખતો નથી. પ્રેમ અન્યાયમાં હરખાતો નથી. સત્યમાં હરખાય છે. પ્રેમ સહન કરે છે. વિશ્વાસ રાખે છે. આશા રાખે છે. સઘળું સહન કરે છે. વધુમાં, પ્રેમ સર્વદા ટકે છે.—૧ કોરીંથી ૧૩:૪-૮.

૮. મંડળના ભાઈ-બહેનોને કેમ પ્રેમ બતાવવો જોઈએ?

આપણે ઈશ્વરની દોરવણી પ્રમાણે જીવીશું તો, પ્રેમનો ગુણ કેળવીશું. એ ઈશ્વર સાથેનો આપણો નાતો ને પાડોશી સાથેના વ્યવહારમાં જોવા મળશે. (માત્થી ૨૨:૩૭-૩૯) પ્રેરિત યોહાને લખ્યું: “જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક [એટલે ખૂની] છે; અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી.” (૧ યોહાન ૩:૧૪, ૧૫) પ્રાચીન ઇસ્રાએલના સમયમાં અજાણતા કોઈથી ખૂન થઈ જાય તો, તે આશ્રયનગરમાં નાસી જતો. ત્યાં તે સલામત રહેતો, કેમ કે તે પોતાના ભાઈ પર દ્વેષ રાખતો ન હતો. પણ જાણીજોઈને ખૂન કર્યું હોય, તેઓને બચવાનો કોઈ રસ્તો ન હતો. (પુનર્નિયમ ૧૯:૪, ૧૧-૧૩) આપણે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું તો, આપણને તેમની ભક્તિ માટે પ્રેમ જાગશે. તેમ જ, મંડળના ભાઈ-બહેનો અને બીજાઓને પ્રેમ બતાવીશું.

“યહોવાહનો આનંદ તે જ તમારૂં સામર્થ્ય છે”

૯, ૧૦. આપણી પાસે આનંદી થવાના કયા કારણો છે?

યહોવાહ ચાહે છે કે તેમના ભક્તો પણ તેમની જેમ આનંદી રહે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૧) ઈસુ પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવામાં આનંદ માણે છે. (ગીતશાસ્ત્ર ૪૦:૮; હેબ્રી ૧૦:૭-૯) ‘યહોવાહનો આનંદ આપણું સામર્થ્ય છે.’—નહેમ્યાહ ૮:૧૦.

૧૦ ઈશ્વરે આપણને આનંદનો ગુણ આપ્યો છે. દુઃખ-સુખમાં પણ આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણને આનંદ થાય છે. ‘ઈશ્વરના જ્ઞાનથી’ આપણને કેટલી ખુશી મળે છે! (નીતિવચનો ૨:૧-૫) ઈશ્વર સાથેનો આપણો નાતો શેના પર આધારિત છે? ઈશ્વરના જ્ઞાન પર અને ઈસુની કુરબાની પર. (૧ યોહાન ૨:૧, ૨) સર્વ દેશમાંથી લોકો યહોવાહના ભક્તો બને છે. તેઓ આપણા ભાઈ-બહેનો છે, એ એક ખુશીની વાત છે. (સફાન્યાહ ૩:૯; હાગ્ગાય ૨:૭) આપણે માનીએ છીએ કે યહોવાહનું રાજ્ય આવશે જ. એ ખુશખબર લોકોને જણાવીએ છીએ, એ કેટલો મોટો આશીર્વાદ છે! (માત્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪) આપણને હંમેશ માટે જીવવાની આશા છે એનાથી પણ ખુશી મળે છે. (યોહાન ૧૭:૩) એ આશા હોવાથી આપણને “આનંદ” થવો જોઈએ.—પુનર્નિયમ ૧૬:૧૫.

શાંતિ અને સહનશીલતા

૧૧, ૧૨. (ક) શાંતિ શું છે? (ખ) ઈશ્વરની શાંતિ આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૧ યહોવાહના સર્વ ગુણોમાંથી એક ગુણ શાંતિ છે. એનાથી આપણને મનની શાંતિ મળે છે. આપણે ખોટી ચિંતાથી મુક્ત થઈએ છીએ. યહોવાહની શાંતિનો કોઈ પાર નથી. બાઇબલ આપણને ખાતરી આપે છે: “યહોવાહ પોતાના લોકને શાંતિનો આશીર્વાદ દેશે.” (ગીતશાસ્ત્ર ૨૯:૧૧; ૧ કોરીંથી ૧૪:૩૩) ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું.” (યોહાન ૧૪:૨૭) એનાથી શિષ્યોને કઈ રીતે મદદ મળી?

૧૨ એ શાંતિથી ઈસુના શિષ્યોનો દિલમાંથી ડર નીકળી ગયો. તેઓને મનની શાંતિ હતી. ખાસ કરીને ઈશ્વરે તેઓ પર પવિત્ર આત્મા રેડ્યો ત્યારે તેઓને શાંતિ મળી. (યોહાન ૧૪:૨૬) ઈશ્વરની દોરવણીથી ચાલવાથી અને પ્રાર્થનાનો જવાબ મળવાથી આપણે ‘ઈશ્વરની શાંતિ’ અનુભવીએ છીએ. (ફિલિપી ૪:૬, ૭) એ ઉપરાંત યહોવાહની શક્તિ આપણને મંડળના ભાઈ-બહેનો અને બીજાઓ સાથે શાંતિથી રહેવા મદદ કરે છે.—રૂમી ૧૨:૧૮; ૧ થેસ્સાલોનીકી ૫:૧૩.

૧૩, ૧૪. સહનશીલતા કોને કહેવાય? આપણે કેમ સહનશીલ બનવું જોઈએ?

૧૩ સહનશીલતા અને શાંતિ એકબીજાને મળતા આવે છે. આપણને કોઈ ઉશ્કેરે કે આપણું બૂરું કરે તો એ સહેવા સહનશીલતા મદદ કરશે. બૂરું કરનાર સુધરશે એવી આપણે આશા રાખીશું, એને સહનશીલતા કહેવાય. ઈશ્વર પણ સહનશીલ છે. (રૂમી ૯:૨૨-૨૪) ઈસુ પણ સહનશીલ છે. ઈસુએ જે રીતે સહનશીલતા બતાવી એનાથી આપણને લાભ થઈ શકે. પાઊલે લખ્યું: “અનંતજીવનને સારૂ જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી, કે તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.”—૧ તીમોથી ૧:૧૬.

૧૪ બીજાઓ આપણું બૂરું બોલે કે બૂરું કર્યું હોય ત્યારે સહનશીલતા આપણને એ સહેવા મદદ કરે છે. ઈશ્વરભક્તોને પાઊલે વિનંતી કરી: “સઘળાંની સાથે સહનશીલ થાઓ.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) આપણે જાણીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે કોઈક ભૂલ કરી હોય તો, એવું ચાહીએ છીએ કે સામેની વ્યક્તિ આપણી સાથે ધીરજથી વર્તે. તેથી ચાલો આપણે પણ દિલમાં ગાંઠ વાળીએ કે આપણે ‘આનંદથી સહનશીલ’ બનીશું.—કોલોસી ૧:૯-૧૨.

માયા અને ભલાઈ બતાવીએ

૧૫. માયાળુ કોને કહેવાય? દયા બતાવી હોય એવા દાખલા આપો?

૧૫ માયાળુ કે દયાળુ વ્યક્તિ હંમેશા બીજાને મદદ કરે છે. બીજાના સુખ-દુઃખમાં ભાગ લે છે. યહોવાહ અને ઈસુ પણ દયાળુ છે. (ગીતશાસ્ત્ર ૧૧૬:૫; માત્થી ૯:૩૬) આપણે ઈશ્વરના ભક્ત છીએ. ઈસુને પગલે ચાલીએ છીએ. તેથી આપણે પણ માયાળુ બનવું જોઈએ. (મીખાહ ૬:૮; કોલોસી ૩:૧૨) યહોવાહને ભજતા નથી તેઓએ પણ “અસાધારણ માયા” કે હદ ઉપરાંત દયા બતાવી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩; ૨૮:૨) આપણે પણ ઈશ્વરના ‘પવિત્ર આત્માની દોરવણીથી’ જરૂર દયાળુ બની શકીએ છીએ.

૧૬. કેવા સંજોગોમાં પણ આપણે દયા બતાવવી જોઈએ?

૧૬ ધારો કે કોઈ આપણું બૂરું કરે. ગાળ દે અથવા આપણને કડવાં વેણ કહે. તોય શું એવી વ્યક્તિને દયા બતાવવી જોઈએ? ચોક્કસ! પાઊલે કહ્યું: ‘ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો. તમે એકબીજા પ્રત્યે માયા અને કરુણા બતાવો, અને જેમ ઈશ્વરે ખ્રિસ્તમાં તમને માફી બક્ષી તેમ તમે પણ એકબીજાને માફ કરો.’ (એફેસી ૪:૨૬, ૨૭, ૩૨) દુઃખ-તકલીફો સહી રહ્યા છે તેઓને તો ખાસ દયા બતાવવી જોઈએ. પણ ધારો કે કોઈ ‘ભલાઈ, ન્યાયીપણા ને સત્યના’ માર્ગમાંથી ભટકી જવાના જોખમમાં હોય. એવા સમયે વડીલે આમ ન વિચારવું જોઈએ: ‘હું તેને બાઇબલમાંથી સલાહ આપીશ તો તેને ખોટું લાગશે. એટલે હું તેની સાથે મીઠું મીઠું બોલીશ.’ આમ કરવાથી વડીલ એ વ્યક્તિને દયા બતાવતા નથી. દયાનો માર્ગ એ કે વ્યક્તિને જરૂર પડ્યે મદદ કે સલાહ આપે.—એફેસી ૫:૯.

૧૭, ૧૮. ભલાઈ શું છે? આપણે કેમ સદાચારી બનતાં શીખવું જોઈએ?

૧૭ ભલાઈ એ સદ્‍ગુણ છે. સદાચારી વ્યક્તિ સારું-ખરાબ પારખીને હંમેશાં બીજાનું ભલું કરવા ચાહે છે. એમ કરવામાં ઈશ્વર સૌથી મહાન છે. (ગીતશાસ્ત્ર ૨૫:૮; ઝખાર્યાહ ૯:૧૭) ઈસુ પણ તેમના જેવા જ છે. તોપણ એક વાર તેમને “ઉત્તમ ઉપદેશક” કહેવામાં આવ્યા. ત્યારે તેમણે કહ્યું કે ઈશ્વર સિવાય કોઈ ઉત્તમ નથી.—માર્ક ૧૦:૧૭, ૧૮.

૧૮ આપણે દરેક ભલું કરવા ચાહીએ છીએ. પણ વારસામાં મળેલા પાપને કારણે હંમેશાં એમ કરી શકતા નથી. (રૂમી ૫:૧૨) તોય યહોવાહને પ્રાર્થના કરીશું કે મને સદાચારી બનતાં શીખવો તો, તે જરૂર શીખવશે. પાઊલે રોમના મંડળને કહ્યું: ‘મારા ભાઈઓ, મને ખાતરી છે કે તમે સર્વ પ્રકારની ભલાઈ અને જ્ઞાનથી ભરપૂર છો.’ (રોમન ૧૫:૧૪, IBSI) વડીલો પણ ‘બીજાનું ભલું ઇચ્છનાર હોવા જોઈએ.’ (તિતસ ૧:૭, ૮, કોમન લેંગ્વેજ) આપણે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું તો, બીજાનું ભલું કરીશું. યહોવાહ એ કદી ભૂલશે નહિ. હંમેશાં તે એનું “સ્મરણ” કરશે.—નહેમ્યાહ ૫:૧૯; ૧૩:૩૧.

‘ઢોંગ વગરનો વિશ્વાસ’

૧૯. હેબ્રી ૧૧:૧ પ્રમાણે વિશ્વાસ શું છે?

૧૯ પવિત્ર આત્માનું બીજું એક ફળ વિશ્વાસ કે શ્રદ્ધા છે. “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) આપણને વિશ્વાસ હશે તો, યહોવાહે જે વચનો આપ્યાં છે એ પૂરા થશે જ એવી ખાતરી આપણને હશે. ભલે આપણે ઘણી બાબતો વિષે બહુ કંઈ જાણતા નથી કે જોઈ શકતા નથી, તોય એવો પુરાવો છે કે એની પાછળ યહોવાહનો હાથ છે. દાખલા તરીકે, સૃષ્ટિ. એ જોઈને આપણને પુરાવો મળે છે કે સૃષ્ટિના સર્જનહાર ચોક્કસ છે. આપણે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું તો, એવો જ વિશ્વાસ બતાવીશું.

૨૦. સહેલાઈથી વળગી રહે એવું “પાપ” શું છે? દેહનાં કામોથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ?

૨૦ આપણો વિશ્વાસ નબળો હશે તો, સહેલાઈથી ‘પાપ આપણને વળગી રહેશે.’ (હેબ્રી ૧૨:૧) ધન-દોલતની મોહ-માયા, વાસના અને ખોટું શિક્ષણ આપણો વિશ્વાસ નબળો ન કરે માટે આપણને ઈશ્વરની શક્તિની ખાસ જરૂર છે. (કોલોસી ૨:૮; ૧ તીમોથી ૬:૯, ૧૦; ૨ તીમોથી ૪:૩-૫) બાઇબલના જમાનામાં, પહેલી સદીમાં અને આજે પણ યહોવાહની શક્તિ દ્વારા અનેક ઈશ્વરભક્તોની શ્રદ્ધા મજબૂત રહી છે. (હેબ્રી ૧૧:૨-૪૦) આપણો ‘વિશ્વાસ ઢોંગ વગરનો’ હશે તો, એનાથી બીજાઓનો વિશ્વાસ પણ મજબૂત થશે.—૧ તીમોથી ૧:૫; હેબ્રી ૧૩:૭.

નમ્રતા અને સંયમ બતાવો

૨૧, ૨૨. નમ્રતા કોને કહેવાય? આપણે એ કઈ રીતે બતાવવી જોઈએ?

૨૧ નમ્ર સ્વભાવની વ્યક્તિ વાત-વાતમાં ગુસ્સે થતી નથી. ઠંડા મિજાજની હોય છે. યહોવાહ પણ ઠંડા મિજાજના છે. એનો શું પુરાવો છે? કેમ કે, યહોવાહના દીકરા ઈસુ પણ ઠંડા સ્વભાવના હતા. આપણે જાણીએ છીએ કે ઈસુનો સ્વભાવ પણ યહોવાહ જેવો જ હતો. (માત્થી ૧૧:૨૮-૩૦; યોહાન ૧:૧૮; ૫:૧૯) આપણે દરેકે કેવો સ્વભાવ કેળવવો જોઈએ?

૨૨ આપણે દરેકે ‘સર્વ માણસોની સાથે નમ્ર’ રહેવું જોઈએ. ગુસ્સે થવું જોઈએ નહિ. (તીતસ ૩:૨) પ્રચારમાં પણ આપણે ઠંડા મિજાજના રહેવું જોઈએ. મંડળમાં કોઈને સલાહ-સૂચનો કે ઠપકો આપવાની જરૂર હોય તો વડીલે કે સેવકાઈ ચાકરે “નમ્ર ભાવે” અને ગુસ્સા વગર એ આપવી જોઈએ. (ગલાતી ૬:૧) આપણે સર્વ ‘દીનતા ને નમ્રતા’ બતાવીશું તો, મંડળમાં શાંતિ અને પ્રેમ વધશે. (એફેસી ૪:૧-૩) ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું તો, નમ્ર ને ઠંડા ભાવે વર્તીશું.

૨૩, ૨૪. સંયમી કોને કહેવાય? એ આપણને કઈ રીતે મદદ કરે છે?

૨૩ આપણે સંયમી હોઈશું તો સમજી-વિચારીને બોલીશું ને વર્તીશું. દાખલા તરીકે યરૂશાલેમને ઉજ્જડ કરનાર બાબેલોનીઓ સાથેના વ્યવહારમાં પણ યહોવાહે “શાંત” મગજ રાખ્યું હતું. (યશાયાહ ૪૨:૧૪) ઈસુએ પણ મુશ્કેલીઓ સહી ત્યારે સંયમ રાખ્યો હતો. આમ તેમણે આપણા માટે દાખલો બેસાડ્યો. પ્રેરિત પીતરે ભાઈ-બહેનોને સલાહ આપી કે ‘જ્ઞાનની સાથે સંયમી’ રહેવું જોઈએ.—૧ પીતર ૨:૨૧-૨૩; ૨ પીતર ૧:૫-૮.

૨૪ વડીલોએ પણ મન પર કાબૂ રાખવો જોઈએ. (તીતસ ૧:૭, ૮) ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલે છે તેઓ દરેકે પોતાના તન-મન પર કાબૂ રાખવો જોઈએ. તો આપણે વ્યભિચાર કરવાથી, ખરાબ ભાષા બોલવાથી કે યહોવાહને પસંદ ન હોય એવા કામો કરવાથી અચકાઈશું. તેમના માર્ગમાં ચાલીશું તો, બીજાઓ એ આપણા વાણી-વર્તનમાં જોઈ શકશે.

ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીએ

૨૫, ૨૬. ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું તો આપણી આજ ને કાલ કેવી હશે?

૨૫ આપણે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું તો, જોરશોરથી પ્રચાર કરીશું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪-૨૬) બધાને આપણી સંગત ગમશે. ખાસ કરીને મંડળના ભાઈ-બહેનોને. આપણે પણ યહોવાહના માર્ગમાં ચાલીશું તો એકબીજાને ઉત્તેજન આપતા રહીશું. (ફિલિપી ૨:૧-૪) આપણે બધાય એવું જ કરવા ચાહીએ છીએ, ખરું ને?

૨૬ આજે આખું જગત શેતાનની મુઠ્ઠીમાં છે. તેથી ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલવું આસાન નથી. (૧ યોહાન ૫:૧૯) તોપણ લાખો ને લાખો ભક્તો ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલે છે. આપણે પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખીશું તો, આજે ને કાલે પણ સુખી જીવનનો આનંદ માણીશું. તેમ જ કાયમ તેમના માર્ગમાં પણ ચાલી શકીશું.—ગીતશાસ્ત્ર ૧૨૮:૧; નીતિવચનો ૩:૫, ૬. (w 07 7/15)

તમે શું કહેશો?

• યહોવાહની દોરવણી પ્રમાણે ચાલીશું તો તેમની અને ઈસુ સાથેનો આપણો સંબંધ કેવો થશે?

• પવિત્ર આત્માના ફળો કયાં છે?

• આપણે કઈ રીતોએ ઈશ્વર જેવા ગુણો બતાવી શકીએ?

• ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું તો આપણી આજ ને કાલ કેવી હશે?

[Study Questions]