સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્વ પ્રકારના લોભથી ચેતો

સર્વ પ્રકારના લોભથી ચેતો

સર્વ પ્રકારના લોભથી ચેતો

“કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.”—લુક ૧૨:૧૫.

૧, ૨. (ક) આજે મોટા ભાગે લોકોનું ધ્યાન શાના પર છે? (ખ) આપણા પર દુનિયાનો કેવો રંગ લાગી શકે છે?

 ધન-દોલત, મિલકત, સમાજમાં મોટું નામ, સારા પગારની નોકરી, કુટુંબ! આ બધાથી મોટા ભાગના લોકો જીવનમાં સુખ-શાંતિ અને સલામતી શોધે છે. ધનવાનનું ધ્યાન હોય છે કે ક્યારે વધારે પૈસાદાર બનું. અરે, ગરીબનું, ધ્યાન પણ એમાં જ હોય છે. ભગવાનને ભજવાની વાત કરીએ તો, બાકી-સાકી ભક્તિ પણ જાણે હવામાં ઓગળી જાય છે.

બાઇબલે અગાઉથી આમ જણાવ્યું હતું: ‘છેલ્લા સમયમાં ખ્રિસ્તના શિષ્ય હોવું બહુ મુશ્કેલ બનશે. તે વખતે લોકો પોતાની જાત પર અને પૈસા પર પ્રેમ રાખનાર બનશે. ઈશ્વરની ભક્તિને બદલે એશઆરામી થશે. તેઓ ધાર્મિક હોવાનો ડોળ કરશે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખશે નહિ.’ (૨ તિમોથી ૩:૧-૫, IBSI) આપણે રાત-દિવસ એવા જ વાતાવરણમાં રહીએ છીએ. દુનિયા આપણને એના રંગે રંગવા આભ-જમીન એક કરે છે. આપણે કઈ રીતે એવા ન બનીએ?—રૂમી ૧૨:૨.

૩. ઈસુએ આપેલી કઈ સલાહનો હવે વિચાર કરીશું?

આપણે દુનિયાના રંગે ના રંગાઈએ એ માટે “આપણા આગેવાન” ઈસુએ માર્ગદર્શન આપ્યું છે. (હિબ્રૂ ૧૨:૨, IBSI) ચાલો એ જોઈએ. એક વાર ઈસુ લોકોને યહોવાહ વિષે શીખવી રહ્યા હતા. અચાનક એક માણસે તેમને કહ્યું કે “ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.” ઈસુએ શું કર્યું? તેમણે પેલા માણસને અને લોકોને લોભથી ચેતતા રહેવાની સલાહ આપી. પછી એના વિષે એક દાખલો આપ્યો. આપણે પોતે પણ ઈસુની એ સલાહને ધ્યાન આપીએ. એ પાળીએ. એમાંથી મળતા આશીર્વાદોનો લાભ ઉઠાવીએ.—લુક ૧૨:૧૩-૨૧.

દિલ ત્યાં દાનત

૪. એક માણસે કરેલી વિનંતી કેમ અયોગ્ય સમયની હતી?

કલ્પના કરો કે ઈસુ લોકોને શીખવી રહ્યા છે. તે કહેતાʼતા કે ‘ઢોંગી ન બનો. મારી પાછળ હિંમતથી ચાલો. યહોવાહની મદદ માગો.’ (લુક ૧૨:૧-૧૨) આ વાતો દિલમાં ઉતારવાની જરૂર હતી. એકદમ ધ્યાનથી સાંભળવાનું હતું. અચાનક એક માણસે તેમની વાતોમાં ભંગ પાડ્યો. તેણે ઈસુને કુટુંબની મિલકતના મામલામાં વચ્ચે પડવા કહ્યું. આ બનાવ આપણને બહુ મહત્ત્વની વાત શીખવે છે.

૫. ઈસુને વિનંતી કરનાર માણસનું મન ક્યાં હતું?

એવું કહેવામાં આવે છે કે ધાર્મિક પ્રવચન હોય ત્યારે વ્યક્તિનો અસલી રંગ બહાર આવે છે. જ્યાં તેનું દિલ છે, ત્યાં તેની દાનત પણ હશે. એક બાજુ ઈસુ લોકોને ઈશ્વરના બોલ શીખવતા હતા. બીજી બાજુ આ ભાઈ શેખચલ્લીના વિચારે ચઢી ગયા હતા. એ માણસને વારસાની મિલકત વિષે સાચે જ કંઈ મુશ્કેલી હતી કે કેમ એ આપણે નથી જાણતા. પણ એ માણસને ખબર હતી કે ઈસુ અદલ ઇન્સાફ આપી શકતાʼતા. એટલે તે તેમનો લાભ લેવા માગતો હોઈ શકે. (યશાયાહ ૧૧:૩, ૪; માત્થી ૨૨:૧૬) એક વાત ચોક્કસ છે કે એ ભાઈને મન પૈસો જ પરમેશ્વર હતો. તેનું ધ્યાન એમાં જ ચોંટેલું હતું, ઈશ્વરની ભક્તિમાં નહિ. આ વિષે આપણે પણ બીજાઓ સામે આંગળી ચીંધવાને બદલે, પોતાનો જ વિચાર કરીએ તો કેવું સારું. જેમ કે ‘મિટિંગમાં મારું મન ક્યાં ભટકે છે? શું હું ધ્યાનથી સાંભળું છું? જીવનમાં લાગુ પાડવાની રીત શોધું છું?’ એનાથી આપણે યહોવાહ સાથેનો નાતો પાકો કરી શકીશું. ભાઈ-બહેનોના સારા ફ્રેન્ડ બની શકીશું.—ગીતશાસ્ત્ર ૨૨:૨૨; માર્ક ૪:૨૪.

૬. ઈસુ પેલા માણસના મામલામાં કેમ ન ફસાયા?

પેલા માણસે ભલે ગમે તે કારણે વિનંતી કરી હોય, ઈસુ તેના મામલામાં ન ફસાયા. ઈસુએ એ માણસને કહ્યું કે ‘મને તમારા પર ન્યાયાધીશ કે મિલકત વહેંચી આપનાર કોણે ઠરાવ્યો?’ (લુક ૧૨:૧૪) ઈસુએ એ જમાનાના રિવાજ તરફ ધ્યાન દોર્યું. ઈશ્વરે આપેલા નિયમો પ્રમાણે, શહેરના ન્યાયાધીશો આવી બાબતોનો ઇન્સાફ કરતા હતા. (પુનર્નિયમ ૧૬:૧૮-૨૦; ૨૧:૧૫-૧૭; રૂથ ૪:૧, ૨) ઈસુને માથે ઘણી મોટી જવાબદારી હતી. તેમણે લોકોને યહોવાહ વિષે, તેમના રાજ્ય વિષે ઘણું શીખવવાનું હતું. (યોહાન ૧૮:૩૭) ઈસુનો દાખલો કેવો સરસ છે! આપણે પણ જીવનની નાની-મોટી ચિંતામાં ડૂબી જઈએ નહિ. ‘સર્વ દેશના લોકોને શિષ્ય બનાવવાના’ કામમાં સમય અને શક્તિ વાપરીએ.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯.

લોભથી ચેતો

૭. પેલા માણસની વિનંતીનો ઈસુએ કેવો જવાબ આપ્યો?

ભલે પેલો માણસ ઈસુને ઘરના મામલામાં ઢસડે છે, પણ ઈસુ જાણતાʼતા કે તેના દિલમાં ચોર છે. એટલે જ તેમણે ઘસીને ના ન પાડી. લોકો તરફ ફરીને સીધા જ મુદ્દા પર આવતા ઈસુએ કહ્યું: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.”—લુક ૧૨:૧૫.

૮. લોભી વ્યક્તિ કેવી હોય છે?

‘લોભે લક્ષણ જાય.’ લોભી વ્યક્તિને જરાયે સંતોષ નહિ. કોઈ ચીજ પોતાની હોય કે ન હોય, પોતાને એની જરૂર હોય કે ન હોય, બસ મને, મને, મને! બીજાનો તો વિચાર જ કોણ કરે. લોભી વ્યક્તિને કોઈ પણ કિંમતે જે જોઈએ એ જોઈએ જ. જાણે કે એ જ તેનો ભગવાન. તમને યાદ હશે, ઈશ્વરભક્ત પાઊલે લોભીને મૂર્તિપૂજક સાથે સરખાવ્યો. એવા લોકોને યહોવાહના રાજ્યના આશીર્વાદો નહિ મળે.—એફેસી ૫:૫; કોલોસી ૩:૫.

૯. લોભ કઈ જુદી જુદી જાતના હોય છે? દાખલા આપીને સમજાવો.

ઈસુએ ‘સર્વ પ્રકારના લોભથી’ ચેતવા કહ્યું. પહેલાના જમાનામાં યહોવાહે ઈસ્રાએલી લોકોને દસ આજ્ઞા આપી હતી. એમાં કહ્યું હતું કે “તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની સ્ત્રી, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.” (નિર્ગમન ૨૦:૧૭) બાઇબલ એવા દાખલા જણાવે છે, જેમાં લોભને લીધે વ્યક્તિ પાપમાં પડી હોય. શેતાન સૌથી પહેલો હતો જેણે એવી લાલચ કરી. યહોવાહને જ મળવી જોઈએ, એવી ભક્તિનો તેણે મોહ રાખ્યો. માન, અધિકારની લાલચ રાખી. (પ્રકટીકરણ ૪:૧૧) હવાનો વિચાર કરો. તેને બધું પોતે જ નક્કી કરવાનો હક્ક જોઈતોʼતો. લોભમાં ને લોભમાં પોતે તો છેતરાઈ, પણ બધાને પાપ ને મોતના ખાડામાં ધકેલી દીધા. (ઉત્પત્તિ ૩:૪-૭) અમુક દૂતોએ પોતાનો અધિકાર, “પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું.” તેઓએ સંતોષ ન રાખીને યહોવાહની આજ્ઞા તોડી. તેઓ ખરાબ દૂતો, શેતાનના ચેલા બન્યા. (યહુદા ૬; ઉત્પત્તિ ૬:૨) બલઆમ, આખાન, ગેહઝી અને યહુદાહનો પણ વિચાર કરો. ‘સંતોષી નર સદા સુખી હોય, પણ મળેલા આશીર્વાદોથી તેઓએ સંતોષ ન માન્યો.’ તેઓ માલ-મિલકતની માયાજાળમાં ફસાયા. પોતાની જવાબદારીનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો. આખરે પોતે જ ખોદેલા ખાડામાં પડ્યા.

૧૦. ઈસુની સલાહ પ્રમાણે આપણે કઈ રીતે ‘સાવધાન રહીએ’?

૧૦ ઈસુએ લોભી ન બનવાની ચેતવણી આપતા પહેલાં, આપણને દરેકને ‘સાવધાન રહેવા’ જણાવ્યું. બીજાની સામે આંગળી ચીંધવી બહુ સહેલું છે. પણ આપણામાંના બહુ ઓછા આવું કહેશે: ‘સૉરી ભાઈ, મારી ભૂલ થઈ. મેં મારો જ લાભ જોયો હતો.’ ઈશ્વરભક્ત પાઊલે ચોખ્ખું જણાવ્યું કે “દ્રવ્યનો લોભ [પૈસાનો પ્રેમ] સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.” (૧ તીમોથી ૬:૯, ૧૦) ઈશ્વરભક્ત યાકૂબ પણ સમજાવે છે કે ખોટી ઇચ્છા “પાપને જન્મ આપે છે.” (યાકૂબ ૧:૧૫) ચાલો આપણે ઈસુની સલાહ પાળીને ‘સાવધાન રહીએ.’ એ જોવા નહિ કે કોણ લોભિયું છે ને કોણ નથી. પણ એ જોવા કે ‘મારી દાનત કેવી છે.’ એમ કરીને આપણે ‘સર્વ પ્રકારના લોભથી દૂર રહેવા’ ચેતીને ચાલીશું.

ધનદોલત ને જલસો, એ જ જીવન?

૧૧, ૧૨. (ક) લોભથી ચેતવા આપણને ઈસુએ શું કહ્યું? (ખ) આપણે ઈસુની ચેતવણી કેમ માનવી જોઈએ?

૧૧ ઈસુએ એમ પણ કહ્યું કે “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) આજકાલ લોકો કહેશે કે ‘પૈસાદારના સૌ સગાં. પૈસા હોય, કાર હોય, બંગલો હોય તો લોકોમાં વટ પડી જાય.’ આપણે ઈસુએ જણાવેલી સલાહ પર વિચાર કરવાની જરૂર છે. શું ધનદોલત, માલ-મિલકત સાચે જ સુખ લાવશે? એનાથી ચીજ-વસ્તુઓ તો મળશે પણ મનની શાંતિ મળશે?

૧૨ કદાચ લોકો કહેશે કે ‘આજે પૈસા વગર શું મળે યાર? પૈસા હોય તો મન ચાહે એ વસાવો, મન ફાવે એમ હરો-ફરો. બિન્દાસ્ત જિંદગી!’ એટલે લોકો રાત-દિવસ એક કરી પૈસા કમાવા માંગે છે. બસ, પૈસા, પૈસા ને પૈસા, બીજું કંઈ નહિ! એવા વિચારોની માયાજાળમાં તેઓ ઈસુની સલાહ ભૂલી જાય છે.

૧૩. જીવન અને મિલકતની કઈ હકીકત ભૂલવી ન જોઈએ?

૧૩ ઈસુ એની વાત કરતા ન હતા કે ધન સારું છે કે ખરાબ. ઈસુ એમ જ કહેતા હતા કે ‘મિલકત’ પર જીવન ટકતું નથી. આપણને ખબર છે કે જીવવા માટે શાની જરૂર છે: થોડું ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું અને ઊંઘવા માટે થોડી જગ્યા. ધનવાન પાસે ઘણું હોય છે અને ગરીબને એ માટે ફાંફાં મારવા પડે છે. ધનવાન હોય કે ગરીબ, આખરે મોત વખતે બંને સરખા જ છે. (સભાશિક્ષક ૯:૫, ૬) એ બતાવે છે કે આપણે સાથે કંઈ લાવ્યા નથી, કંઈ લઈ જવાના નથી. જીવનમાં સાચું સુખ ધનદોલતથી નથી! ઈસુએ જે કહ્યું એ હજુ એની વધારે સમજણ આપે છે.

૧૪. બાઇબલમાંથી કેવા જીવન વિષે શીખી શકીએ છીએ?

૧૪ ઈસુએ કહ્યું કે “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” ઈસુ અહીં કેવા જીવનની વાત કરતા હતા? ઈસુ આ સચ્ચાઈ જણાવતા હતા: કોઈ ધનવાન હોય, દોલતમાં આળોટતો હોય. અથવા કોઈ ગરીબ હોય ને માંડ માંડ ગાડું ગબડાવતો હોય. એ બેમાંથી કોઈ પણ જાણતો નથી કે કાલે જીવશે કે મરશે! ઈસુએ પોતાના જાણીતા પ્રવચનમાં પૂછ્યું હતું કે ‘ચિંતા કર્યા કરવાથી તમારામાંનો કોણ થોડુંક વધારે જીવી શકે છે?’ (માથ્થી ૬:૨૭, પ્રેમસંદેશ) બાઇબલ જણાવે છે કે ફક્ત યહોવાહ “જીવનનો ઝરો” છે. તે જ પોતાના ભક્તોને સ્વર્ગમાં કે પૃથ્વી પર “ખરેખરૂં જીવન” આપી શકે છે. એ “અનંતજીવન” કે અમર જીવન હશે.—ગીતશાસ્ત્ર ૩૬:૯; ૧ તીમોથી ૬:૧૨, ૧૯.

૧૫. ઘણા કેમ પોતાનો ભરોસો ધનદોલતમાં મૂકે છે?

૧૫ ઈસુએ જણાવ્યું કે જો આપણે મોહમાયામાં ફસાઈએ, તો જીવનની હકીકત ભૂલી બેસી શકીએ. રાજા હોય કે રંક, બધાય મરવાના તો ખરા જ. ઈશ્વરભક્ત મુસાએ પણ કહ્યું કે “અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૦; અયૂબ ૧૪:૧, ૨; ૧ પીતર ૧:૨૪) એટલે જ જેઓ યહોવાહને જાણતા નથી, તેમને માનતા નથી, તેઓ કહેશે: “ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.” (૧ કોરીંથી ૧૫:૩૨) બીજા અમુક વળી કહેશે કે ‘જીવનનો શો ભરોસો? બે પૈસા પાસે હશે તો કોઈ સામું જોશે.’ થોડું બૅંક-બૅલેન્સ હોય, મિલકત હોય તો તેઓને થાય કે ‘હાશ, હવે વાંધો નહિ આવે.’ ઘણા એ બધું ભેગું કરવા હાય હાય કરે છે, કાળી મજૂરી કરે છે.—ગીતશાસ્ત્ર ૪૯:૬, ૧૧, ૧૨.

સોનેરી આવતી કાલ

૧૬. કોના પર આશા રાખવાથી સુખી થવાય?

૧૬ ખરું કે સુખ-સાહેબી હોય, જેમાં ખાવા-પીવા, પહેરવા-ઓળવાની કોઈ કમી જ ન હોય તો બેફિકર જીવાય. પૈસાની કોઈ ખોટ ન હોય તો બીમારીમાં સૌથી સારી સારવાર લઈ શકાય. થોડાં વર્ષો વધારે જીવી શકાય. પણ શું એને જ જીવન કહેવાય? સુખી જીવન એ નથી કે આપણે લાંબું જીવીએ. એ પણ નથી કે આપણી પાસે કેટલી માલ-મિલકત છે. એવી ચીજોમાં ભરોસો મૂકવામાં કયું જોખમ રહેલું છે? ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘આ સમયના ધનવાનોને તું કહે, કે તેઓ અહંકાર ન કરે, અને ધન પર નહિ, પણ જે પરમેશ્વર આપણા માટે ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે.’—૧ તીમોથી ૬:૧૭.

૧૭, ૧૮. (ક) ધનદોલત વિષે કેવું વલણ રાખવું જોઈએ, એના દાખલા આપો. (ખ) હવે પછીના લેખમાં આપણે શાના વિષે વધારે શીખીશું?

૧૭ પૈસાનો શું ભરોસો? આજે છે ને કાલે નથી. ઈશ્વરભક્ત અયૂબ બહુ પૈસાવાળા હતા. તેમના કુટુંબ પર એક પછી એક આફત આવી પડી. એવે વખતે ન તો પૈસો કામ આવ્યો, ન તો મિલકત કામ આવી. પલ-બે-પલમાં એ બધુંય જાણે હવામાં ઓગળી ગયું! અયૂબને દુઃખ-તકલીફમાં શાનાથી મદદ મળી? ફક્ત યહોવાહના સાથથી તે ટકી શક્યા. (અયૂબ ૧:૧, ૩, ૨૦-૨૨) ઈશ્વરભક્ત ઈબ્રાહીમનો વિચાર કરો. તેમની પાસે પણ પુષ્કળ માલ-મિલકત હતી. તે એશઆરામથી જીવતાʼતા. યહોવાહે તેમને મુશ્કેલ કામ સોંપ્યું ત્યારે, તેમણે તરત ઉપાડી લીધું. એશઆરામનું જીવન પડતું મૂક્યું. એને લીધે તેમને યહોવાહના આશીર્વાદ મળ્યા અને તે ‘ઘણી દેશજાતિઓના પિતા’ બન્યા. (ઉત્પત્તિ ૧૨:૧, ૪; ૧૭:૪-૬) ચાલો આપણે પણ એ ઈશ્વરભક્તો જેવા બનીએ. નાના-મોટા સૌ વિચારીએ કે ‘હું જીવનમાં શું કરું છું? મારી આશા કોના પર છે?’—એફેસી ૫:૧૦; ફિલિપી ૧:૧૦.

૧૮ ઈસુએ જીવન અને લોભ વિષે જે કહ્યું એમાં કેટલું ઊંડું સત્ય રહેલું છે! ઈસુ હજુ કંઈક વધારે શીખવવા માંગતા હતા. એટલે તેમણે શિખામણ આપતી એક વાર્તા કહી, જે એક ધનવાન માણસ વિષે હતી. એમાંથી આજે આપણે શું શીખી શકીએ? ચાલો હવે પછીના લેખમાં જોઈએ. (w 07 8/1)

કેવી રીતે સમજાવશો?

• એક માણસે કરેલી વિનંતી ઈસુએ માની નહિ, એના પરથી આપણે શું શીખી શકીએ?

• આપણે કેમ લોભથી દૂર રહેવું જોઈએ? કઈ રીતે એમ કરી શકીએ?

• ધન-દોલત, માલ-મિલકતથી કેમ સાચું સુખ નથી મળતું?

• જીવનમાં સુખ-શાંતિ શાનાથી મળે છે?

[Study Questions]