સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હઝકીએલના મુખ્ય વિચારો—૨

હઝકીએલના મુખ્ય વિચારો—૨

યહોવાહનો શબ્દ જીવંત છે

હઝકીએલના મુખ્ય વિચારો—૨

ઈસવીસન પૂર્વે ૬૦૯, ડિસેમ્બરમાં બાબેલોનના લશ્કરે યરૂશાલેમને છેલ્લી વાર ઘેરો ઘાલ્યો. ત્યાં સુધી બાબેલોનમાં ગુલામ થયેલા ઈસ્રાએલી લોકોને હઝકીએલ એક જ સંદેશો આપતા હતા: ‘યરૂશાલેમ શહેરનો નાશ થશે.’ પણ હવે તે પોતાનો સંદેશો બદલે છે. મૂર્તિપૂજક દેશો યહોવાહના લોકોનું દુઃખ જોઈને હરખાતા હતા. પણ હવે હઝકીએલ જાહેર કરે છે કે તેઓનો નાશ નજીક છે. બાબેલોનના લશ્કરે યરૂશાલેમને ઘેરી લીધું એના અઢાર મહિના પછી એનો નાશ કર્યો. એ પછી હઝકીએલ નવો સંદેશો જણાવવા લાગ્યા: ‘યરૂશાલેમમાં ફરીથી યહોવાહની ભક્તિ થશે.’

હઝકીએલ ૨૫:૧–૪૮:૩૫માં ભવિષ્યવાણી જણાવે છે કે ઈસ્રાએલની આજુબાજુના દેશોનું શું થશે અને યહોવાહના ભક્તોને કઈ રીતે આઝાદ કરવામાં આવશે. * ફક્ત હઝકીએલ ૨૯:૧૭-૨૦માં આપેલી માહિતી જ સમયના ક્રમ અને વિષય પ્રમાણે નથી. છતાંય એ ચાર કલમો એ અધ્યાયના મુખ્ય વિષય સાથે જોડાયેલી છે. હઝકીએલનું પુસ્તક બાઇબલનો એક ભાગ છે. એમાં લખેલો સંદેશો યહોવાહની વાણી છે. એ ‘જીવંત અને સમર્થ’ છે.—હેબ્રી ૪:૧૨.

એ દેશ એદન વાડી જેવો બનશે

(હઝકીએલ ૨૫:૧–૩૯:૨૯)

યહોવાહ પહેલેથી જોઈ શક્યા કે આમ્મોન, મોઆબ, અદોમ, પલિસ્તીઓ, તૂર, અને સીદોનને યરૂશાલેમના વિનાશ વિષે કેવું લાગશે. એટલે યહોવાહે તેઓ વિષે હઝકીએલને ભવિષ્યવાણી કરવાનું કહ્યું. મિસર કે ઇજિપ્તનો નાશ થશે. ‘મિસરના રાજા ફારૂન અને તેના જનસમૂહો’ લબાનોનના એરેજવૃક્ષ જેવા છે. એને “બાબેલના રાજાની તરવાર” કાપી નાખશે.—હઝકીએલ ૩૧:૨, ૩, ૧૨; ૩૨:૧૧, ૧૨.

ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો. એના છએક મહિના પછી એમાંથી નાસી આવેલા એક માણસે હઝકીએલને કહ્યું કે “નગરનો નાશ કરવામાં આવ્યો છે.” એ સાંભળીને હઝકીએલ ‘મૂંગા’ બેસી રહ્યા નહિ. (હઝકીએલ ૩૩:૨૧, ૨૨) તે જણાવવા લાગ્યા કે યરૂશાલેમ ફરીથી ઊભું થશે. યહોવાહ ‘તેમના પર એક પાળક સ્થાપશે, તે પાળક તેમનો સેવક દાઊદ હશે.’ (હઝકીએલ ૩૪:૨૩) એદન દેશનો નાશ થશે અને એની આગળ આવેલો દેશ એટલે યહુદાહ ‘એદન વાડી જેવો’ બની જશે. (હઝકીએલ ૩૬:૩૫) યહોવાહે વચન આપ્યું કે ગુલામીમાંથી પાછા ફરેલા પોતાના ભક્તોનું તે ‘ગોગથી’ રક્ષણ કરશે.—હઝકીએલ ૩૮:૨.

સવાલ-જવાબ:

૨૯:૮-૧૨—ઇજિપ્ત ક્યારે ૪૦ વર્ષ સુધી ઉજ્જડ હતું? ઈ.સ. પૂર્વે ૬૦૭માં નબૂખાદનેસ્સારના સૈનિકોએ યરૂશાલેમનો નાશ કર્યો. એમાંથી નાસી ગયેલા યહુદાહના લોકોને યિર્મેયાહે ઇજિપ્તમાં ન જવાની ચેતવણી આપી. તોપણ તેઓ ઇજિપ્ત ગયા. (યિર્મેયાહ ૨૪:૧, ૮-૧૦; ૪૨:૭-૨૨) તેઓ નબૂખાદનેસ્સારના હાથમાંથી બચી શક્યા નહિ, કેમ કે તેણે ઇજિપ્તને પણ કબજે કરી લીધું. એના પછી ચાલીસ વર્ષ ઇજિપ્ત ઉજ્જડ રહ્યું હોઈ શકે. જોકે એ વિષે ઇતિહાસકારો કોઈ પુરાવો આપતા નથી. તેમ છતાં, આપણને પૂરી ખાતરી છે કે યહોવાહે ઇજિપ્ત વિષે જે કહ્યું એમ થયું જ હશે.—યશાયાહ ૫૫:૧૧.

૨૯:૧૮—કઈ રીતે “દરેકનું માથું બોડું થઈ ગયું” અને “દરેકના ખભા છોલાઈ ગયા”? નબૂખાદનેસ્સારના સૈનિકો તૂરનું શહેર કબજે કરવા નીકળ્યા હતા. એ રમત વાત ન હતી. સેતુ કે પુલ બાંધવા સૈનિકોને દૂર દૂરથી સામગ્રી લાવવી પડી. સૈનિકો માથે ટોપા પહેરીને લડાઈનાં સાધનો ઉપાડીને જતા હોવાથી તેઓનાં માથાં બોડાં થઈ ગયાં ને ખભા છોલાઈ ગયા.—હઝકીએલ ૨૬:૭-૧૨.

આપણે શું શીખી શકીએ?

૨૯:૧૯, ૨૦. નબૂખાદનેસ્સારે તૂર દેશ પર ચડાઈ કરી એ પહેલાં ત્યાંના લોકો દેશ સાથે જોડાયેલા ટાપુ પર નાસી ગયા. સાથે સાથે તેઓ મોટા ભાગનો ખજાનો પણ લઈ ગયા. એટલે નબૂખાદનેસ્સારે તૂરનો કબજો કર્યો ત્યારે તેને બહુ લૂંટ મળી નહિ. નબૂખાદનેસ્સાર મૂર્તિપૂજક, અભિમાની ને સ્વાર્થી હતો. તોપણ યહોવાહે ‘તેના સૈન્યને શ્રમના બદલામાં’ મિસર કે ઇજિપ્ત આપ્યું. એમાંથી આપણે શું શીખીએ? એ જ કે સરકારની સેવાઓ માટે આપણે ટૅક્સ ભરવો જોઈએ. પછી ભલેને તેઓનાં વર્તન ખરાબ હોય કે ખોટાં કામોમાં પૈસાનું પાણી કરતા હોય. આપણે તો યહોવાહને પગલે ચાલવું જોઈએ.—રૂમી ૧૩:૪-૭.

૩૩:૭-૯. આપણા સમયના ચોકીદારે, એટલે કે અભિષિક્ત જનોએ અને તેમના સાથીઓએ અચકાયા વગર યહોવાહના રાજ્ય વિષે જોરશોરથી પ્રચાર કરવો જોઈએ. તેમ જ આવી રહેલી મોટી વિપત્તિ વિષે લોકોને ચેતવવા જોઈએ.—માત્થી ૨૪:૨૧.

૩૩:૧૦-૨૦. આપણે ભૂંડાઈથી દૂર રહીશું ને યહોવાહના કહેવા પ્રમાણે જીવીશું તો બચીશું. તે હંમેશાં “અદલ” ઇન્સાફ કરે છે.

૩૬:૨૦, ૨૧. ઈસ્રાએલીઓ “યહોવાહના લોક” હતા. તેઓએ તેમના કહેવા પ્રમાણે જીવવાનું હતું. એના બદલે તેઓએ યહોવાહના નામ પર બટ્ટો લગાડ્યો. તેઓ જેવા આપણે કદીએ ન બનીએ.

૩૮:૧-૨૩. યહોવાહે પોતાના લોકોને ગેરંટી આપી કે માગોગ દેશનો ગોગ તેઓ પર હુમલો કરશે ત્યારે તે તેઓને બચાવશે! ગોગ કોણ છે? શેતાન. તે આ ‘જગતનો અધિકારી’ છે. તેને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા પછી તે ગોગ નામથી ઓળખાય છે. માગોગ દેશ પૃથ્વીને બતાવે છે. શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા પછી પૃથ્વી પર નાંખી દેવામાં આવ્યા છે.—યોહાન ૧૨:૩૧; પ્રકટીકરણ ૧૨:૭-૧૨.

“હું તને બતાવું તે સર્વ પર તારૂં ચિત્ત લગાડ”

(હઝકીએલ ૪૦:૧–૪૮:૩૫)

યરૂશાલેમનો નાશ થયો એને ચૌદ વર્ષ થયાં હતાં. (હઝકીએલ ૪૦:૧) ઈસ્રાએલીઓએ ગુલામીમાં બીજાં છપ્પન વર્ષ પસાર કરવાનાં હતાં. (યિર્મેયાહ ૨૯:૧૦) હઝકીએલ લગભગ પચાસેક વર્ષના હતા. તેમને સંદર્શનમાં ઈસ્રાએલના દેશ પાસે લાવીને કહેવામાં આવ્યું: “હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, ને તારા કાનોથી સાંભળ, ને જે હું તને બતાવું તે સર્વ પર તારૂં ચિત્ત લગાડ.” (હઝકીએલ ૪૦:૨-૪) એ સંદર્શનમાં નવું મંદિર જોઈને હઝકીએલને કેટલો આનંદ થયો હશે!

હઝકીએલે જોયેલા ભવ્ય મંદિરના છ દરવાજા હતા. એમાં જમવાની ત્રીસ ઓરડીઓ, પવિત્ર ને પરમપવિત્રસ્થાનની ઓરડીઓ, લાકડાની વેદી અને દહનીયાર્પણો ચઢાવવાની વેદી હતી. મંદિરમાંથી વહેતા પાણીની નદી બની ગઈ હતી. (હઝકીએલ ૪૭:૧) હઝકીએલે સંદર્શનમાં એ પણ જોયું કે ઈસ્રાએલીઓને કુળ પ્રમાણે પૂર્વથી પશ્ચિમ દેશના ભાગ કરી આપવામાં આવ્યા હતા. યહુદાહ ને બિન્યામીનની જમીન વચ્ચે ત્યાંની સરકાર માટે પણ જમીન હતી. એમાં “યહોવાહનું પવિત્રસ્થાન” અને ‘તે નગર’ એટલે યહોવાહ-શામ્માહ આવેલું હતું.—હઝકીએલ ૪૮:૯, ૧૦, ૧૫, ૩૫.

સવાલ-જવાબ:

૪૦:૩–૪૭:૧૨—હઝકીએલે સંદર્શનમાં જોયેલું મંદિર શાને દર્શાવે છે? હઝકીએલે સંદર્શનમાં જોયેલું મંદિર જબરજસ્ત હતું. એટલું મોટું મંદિર કદી બાંધવામાં આવ્યું ન હતું. એ મંદિર આપણા સમયમાં યહોવાહની શુદ્ધ ભક્તિને દર્શાવતું હતું. (હઝકીએલ ૪૦:૨; મીખાહ ૪:૧; હેબ્રી ૮:૨; ૯:૨૩, ૨૪) દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” યહોવાહના યાજકોને શુદ્ધ કરવામાં આવે ત્યારે મંદિરનું સંદર્શન અમુક હદે પૂરું થાય છે. (૨ તીમોથી ૩:૧; હઝકીએલ ૪૪:૧૦-૧૬; માલાખી ૩:૧-૩) ઈશ્વરના રાજમાં સ્વર્ગ જેવી પૃથ્વી થશે ત્યારે એ સંદર્શન પ્રમાણે સો ટકા બનશે. મંદિરના સંદર્શનથી બાબેલોનમાં ગુલામ થયેલા યહુદીઓને ઉત્તેજન ને પુરાવો મળ્યો કે તેઓ પાછા પોતાના વતનમાં જશે. તેઓ ફરીથી યહોવાહની ભક્તિ કરશે. તેમ જ દરેક યહુદી કુટુંબને દેશનો વારસો મળશે.

૪૦:૩–૪૩:૧૭—મંદિરને માપવામાં આવ્યું એ કેમ મહત્ત્વનું હતું? મંદિરને માપવું બતાવતું હતું કે યહોવાહની ઇચ્છા પ્રમાણે જ લોકો ભક્તિ કરશે.

૪૩:૨-૪, ૭, ૯—તેઓના ‘રાજાઓનાં કયાં મુડદાં’ મંદિરમાંથી બહાર કાઢવાનાં હતાં? એ મુડદાં રાજાઓ નહિ પણ જૂઠા દેવ-દેવીઓની મૂર્તિઓ હતી. યરૂશાલેમના રાજાઓ અને તેઓની પ્રજાએ યહોવાહના મંદિરમાં મૂર્તિઓ મૂકીને એને ભ્રષ્ટ કર્યું હતું. આમ તેઓ એ મૂર્તિઓને પોતાના રાજા માનતા.

૪૩:૧૩-૨૦—હઝકીએલે સંદર્શનમાં જોયેલી વેદી શું દર્શાવે છે? એ વેદી યહોવાહની ઇચ્છા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની કુરબાની દર્શાવે છે. એ ગોઠવણના લીધે અભિષિક્તોને ન્યાયી ગણવામાં આવે છે. અને ‘મોટી સભાને’ યહોવાહની નજરે શુદ્ધ ગણવામાં આવે છે. (પ્રકટીકરણ ૭:૯-૧૪; રૂમી ૫:૧, ૨) કદાચ એ કારણથી સુલેમાનના મંદિરમાં યાજકોના નાહવા-ધોવા માટેનો “ભરતરનો સમુદ્ર” હઝકીએલના સંદર્શનમાં જોવા મળ્યો ન હતો. એ સમુદ્ર ઢાળેલો મોટો જળકુંડ હતો.—૧ રાજાઓ ૭:૨૩-૨૬.

૪૪:૧૦-૧૬—અહીં યાજક વર્ગ કોને દર્શાવે છે? આ યાજક વર્ગ આજે બધા અભિષિક્તોને દર્શાવે છે. ૧૯૧૮માં યહોવાહ “રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની પેઠે” પોતાની ભક્તિને શુદ્ધ કરવા આવ્યા હતા. (માલાખી ૩:૧-૫) જે ભક્તો શુદ્ધ હતા અથવા પસ્તાવો કરીને શુદ્ધ થયા તેઓએ યહોવાહની ભક્તિ કરવાનું ચાલુ રાખ્યું. પછી તેઓએ “જગતથી પોતાને નિષ્કલંક” રાખવા માટે સખત મહેનત કરતા રહેવાની જરૂર હતી જેથી “મોટી સભા” માટે સારો દાખલો બેસાડી શકે.—યાકૂબ ૧:૨૭; પ્રકટીકરણ ૭:૯, ૧૦.

૪૫:૧; ૪૭:૧૩–૪૮:૨૯—હઝકીએલના સંદર્શનનો ‘દેશ’ અને એની વહેંચણી શું દર્શાવે છે? દેશ યહોવાહના લોકોની ભક્તિને દર્શાવે છે. તેમના લોકો ભલેને ગમે ત્યાં હોય, તેઓ જ્યાં સુધી યહોવાહની ભક્તિને વળગી રહે ત્યાં સુધી જાણે એ દેશમાં છે. તેઓ યહોવાહની ભક્તિને વળગી રહેશે તો જ તેઓને નવી દુનિયામાં હિસ્સો મળશે.—યશાયાહ ૬૫:૧૭, ૨૧.

૪૫:૭, ૧૬—યાજકો અને સરદારોને લોકો જે અર્પણો આપતા હતા એ શાને બતાવે છે? એ યહોવાહની ભક્તિમાં આપણા સાથને બતાવે છે. પ્રેમથી ને સંપથી યહોવાહની ભક્તિમાં જે ટેકો આપીએ એને બતાવે છે.

૪૭:૧-૫—હઝકીએલે સંદર્શનમાં જોયેલી નદીનું પાણી શું દર્શાવે છે? પાણી યહોવાહે પોતાની ભક્તિ માટે કરેલી ગોઠવણોને દર્શાવે છે. એમાં બાઇબલમાંથી મળી આવતું યહોવાહનું જ્ઞાન અને ઈસુ ખ્રિસ્તે આપેલી કુરબાનીનો સમાવેશ થાય છે. (યિર્મેયાહ ૨:૧૩; યોહાન ૪:૭-૨૬; એફેસી ૫:૨૫-૨૭) ધીમે ધીમે નદી ઊંડી થતી જાય છે. એ બતાવે છે કે ઘણી નવી વ્યક્તિઓ યહોવાહને ભજવા લાગશે. (યશાયાહ ૬૦:૨૨) ઈસુના હજાર વર્ષના રાજ્યમાં એ નદીમાંથી હજી વધારે જીવનનું પાણી વહેશે. એ સમયે ઉઘાડવામાં આવતાં નવાં ‘પુસ્તકોની’ આપણને વધારે સમજણ આપવામાં આવશે.—પ્રકટીકરણ ૨૦:૧૨; ૨૨:૧, ૨.

૪૭:૧૨—ફળ આપતાં વૃક્ષો શું દર્શાવે છે? હઝકીએલે સંદર્શનમાં જોયેલાં વૃક્ષો દર્શાવે છે કે યહોવાહની ગોઠવણ પ્રમાણે ઇન્સાન ફરી સદા માટે જીવી શકશે.

૪૮:૧૫-૧૯, ૩૦-૩૫—હઝકીએલે સંદર્શનમાં જોયેલું નગર શું દર્શાવે છે? “યહોવાહ-શામ્માહ” એ “સામાન્ય ઉપયોગને સારૂ” જમીન હતી. એવું લાગે છે કે એ નગર પૃથ્વી પરની યહોવાહની સંસ્થાને દર્શાવે છે. તેઓથી “નવી પૃથ્વી” પર રહેનારા ન્યાયી લોકોને લાભ થશે. (૨ પીતર ૩:૧૩) એ નગરની ચારે બાજુ દરવાજા હતા. એમાંથી સહેલાઈથી આવ-જાવ થઈ શકે. તેથી એ સરદારો કે વડીલોએ એવો સ્વભાવ કેળવવો જોઈએ કે ભાઈ-બહેનો સહેલાઈથી તેઓ પાસે મદદ માટે આવી શકે.

આપણે શું શીખી શકીએ?

૪૦:૧૪, ૧૬, ૨૨, ૨૬. મંદિરના દરવાજાની આસપાસ દીવાલ પર ખજૂરીઓ કોતરેલી હતી. એ બતાવે છે કે ફક્ત ન્યાયી લોકો જ એમાં જઈ શકે છે. (ગીતશાસ્ત્ર ૯૨:૧૨) એમાંથી શીખવા મળે છે કે આપણે તન-મનથી યહોવાહના માર્ગે ચાલીશું તો જ, તે આપણી ભક્તિ સ્વીકારશે.

૪૪:૨૩. આજે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” યાજકોની જેમ સેવા આપે છે. તેઓ આપણને ખરા સમયે યહોવાહનું જ્ઞાન પૂરું પાડતા રહે છે. એનાથી આપણે પારખી શકીએ છીએ કે યહોવાહની નજરે શું સારું-ખોટું અને શુદ્ધ-અશુદ્ધ છે.—માત્થી ૨૪:૪૫.

૪૭:૯, ૧૧. હઝકીએલે સંદર્શનમાં જોયેલું પાણી યહોવાહના જ્ઞાનને બતાવે છે. એ લેવાથી લોકો યહોવાહ સાથે સારો નાતો બાંધી શકે છે. (યોહાન ૧૭:૩) પણ જેઓ એ પાણી પીવા તૈયાર નથી તેઓને જાણે નિમક કે “મીઠું” આપવામાં આવશે. એટલે કે યહોવાહ તેઓનો નાશ કરશે. આપણો નાશ ન થાય એ માટે ‘સત્યનાં વચનને’ વળગી રહેવા બનતું બધું જ કરવું જોઈએ!—૨ તીમોથી ૨:૧૫.

‘હું મારા મહાન નામને પવિત્ર મનાવીશ’

યહોવાહે દાઊદ રાજાની વંશાવળીમાંથી આવતા છેલ્લા રાજાને હટાવ્યા. એ રાજગાદીનો ‘હકદાર આવે ત્યાં સુધી’ યહોવાહે ઘણાં વર્ષો વીતવા દીધાં. તોપણ યહોવાહ દાઊદને આપેલું વચન ભૂલ્યા ન હતા. (હઝકીએલ ૨૧:૨૭; ૨ શમૂએલ ૭:૧૧-૧૬) હઝકીએલની ભવિષ્યવાણી કહે છે કે “મારો સેવક દાઊદ,” જે “પાળક” ને “રાજા” બનશે. (હઝકીએલ ૩૪:૨૩, ૨૪; ૩૭:૨૨, ૨૪, ૨૫) ઈસુ એ રાજગાદીના હકદાર રાજા છે. (પ્રકટીકરણ ૧૧:૧૫) યહોવાહ મસીહી રાજ્યથી ‘પોતાનું મહાન નામ પવિત્ર મનાવશે.’—હઝકીએલ ૩૬:૨૩.

યહોવાહનું નામ બદનામ કરે છે તેઓનો જલદી જ અંત આવશે. પણ તન-મનથી યહોવાહની ભક્તિ કરે છે ને બીજાઓને તેમના વિષે જણાવે છે, તેઓને અમર જીવન મળશે. તો ચાલો આપણે દરેક જીવનનું પાણી પીતા રહીએ. યહોવાહની ભક્તિ આપણા જીવનમાં પ્રથમ મૂકીએ. (w 07 8/1)

[Footnote]

^ હઝકીએલ ૧:૧–૨૪:૨૭ના મુખ્ય વિચારો—૧ જાણવા જુલાઈ ૧, ૨૦૦૭નું ચોકીબરજ જુઓ.

[Picture on page 9]

હઝકીએલે સંદર્શનમાં જોયેલું અજોડ મંદિર

[Picture on page 10]

હઝકીએલે સંદર્શનમાં જોયેલી નદીનું પાણી શાને બતાવે છે?

[Credit Line]

Pictorial Archive (Near Eastern History) Est.