સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઓળખો છો સર્જનહારને?

ઓળખો છો સર્જનહારને?

ઓળખો છો સર્જનહારને?

માઇકલ ઍન્જલો ઇટાલીનો જાણીતો ચિત્રકાર અને શિલ્પી હતો. ભલે આપણે તેની અસલ કારીગરી જોઈ હોય કે નહિ, તેના વિષે સાંભળ્યું જરૂર હશે. કલાના એક ઉસ્તાદે તેને ‘અજોડ કલાકાર’ ગણ્યો. પણ શું એ બરાબર કહેવાય કે લોકો તેની કલાની તો વાહ વાહ કરે, પણ તેનો કોઈ ભાવ ન પૂછે?

હવે આપણી આસપાસ નજર કરો. જીવસૃષ્ટિ જુઓ. વનસ્પતિ જગત જુઓ. કંઈ કેટલીય જાતની વેરાયટી છે. એટલે જ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં બાયોલૉજીના એક પ્રોફેસરે આમ કહ્યું: ‘આ રીતે જીવસૃષ્ટિમાં કેટલા બધા પુરાવા મળી આવે છે. જ્યાં જુઓ ત્યાં જોરદાર રચના જોવા મળે છે.’ સુંદર રચનાની વાહ વાહ કરીએ, છતાંય કોઈ રચનાર નથી એમ માની શકાય?

ઈશ્વરભક્ત પાઊલ તેમના જમાનાના બહુ ભણેલા-ગણેલા માણસ હતા. તેમણે કહ્યું કે ‘લોકોએ સર્જનહારને છોડીને તેની સર્જેલી વસ્તુઓની ભક્તિ અને સેવા કરવા માંડી.’ (રોમ ૧:૨૫, સંપૂર્ણ) અમુક લોકો ઉત્ક્રાંતિની માન્યતામાં ખોવાઈ ગયા છે. એટલે સ્વીકારવા તૈયાર નથી કે દરેક રચના એના રચનારની કારીગરી છે. શું ઉત્ક્રાંતિની માન્યતા વિજ્ઞાનની નજરે સાચી છે? વિયેનાના કૅથલિક આર્ચ બિશપ ક્રિસ્તોફ સ્કોનબર્ન સાયન્સ પર લેખો લખે છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં તેમણે આમ કહ્યું: ‘જીવસૃષ્ટિમાં જુદી જુદી પૅટર્ન તો છે જ. એને કોઈએ બનાવી છે એ માનવાને બદલે બીજી કોઈ થીયરીમાં માનવું, એ વિજ્ઞાનની નજરે બરાબર ન કહેવાય.’

રચનારમાં માનવાથી વિજ્ઞાન નકામું બનશે?

ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિને જણાવ્યું કે ‘સાયન્સ ખુલ્લાં આકાશ જેવું છે. એની શોધખોળ માટે તો આખી જિંદગી પણ ઓછી પડે. એ “રચનારની રચના છે” એવું લેબલ લાગી જાય, તો તો થઈ રહ્યું! બીજું કંઈ શોધવા જેવું જ ના રહે!’ એ તો વિજ્ઞાનની શોધનું ગળું દબાવવા બરાબર છે. શું એમ વિચારવું વાજબી છે? ના. કેમ નહિ? ચાલો જોઈએ.

માની લો કે વિશ્વ એની જાતે જ આવી ગયું. પૃથ્વી પર જીવન ઉત્ક્રાંતિથી આવ્યું. હકીકતમાં તો એમ માનવું સાયન્સનું ગળું દબાવવા બરાબર છે. પણ જો એમ માનીએ કે બુદ્ધિશાળી સર્જનહારે બધુંય બનાવ્યું છે, તો આપણને હરેક કુદરતી ચીજો વિષે જાણવાનું મન થશે. અજબ-ગજબની ડિઝાઇનના જ્ઞાનનો ખજાનો આપણે હાથ લાગશે. જરા વિચારો: લિયોનાર્દો દ વિન્ચી “મોના લીસા” ચિત્રનો ચિત્રકાર છે. એ ઇતિહાસકારો જાણે છે. તોપણ તેની કલા-કારીગરી પર સંશોધન થતું જ રહે છે. એ જ રીતે, તમે માનો કે સૃષ્ટિનો રચનાર છે. પછી પણ તેમના સર્જનમાં તમે રિસર્ચ કરતા રહી શકો છો.

બાઇબલ તો આપણને વિજ્ઞાન અને ઈશ્વર વિષે સવાલો પૂછવા જણાવે છે. દાઊદ રાજાએ અજબ-ગજબના માનવ શરીરનો વિચાર કર્યો. પછી તેમણે લખ્યું કે ‘તમે મારું અદ્‍ભુત સર્જન કર્યું છે. એ વિષે વિચાર કરતા હું નવાઈ પામું છું. તમારી કારીગરી અતિસુંદર છે એ હું બહુ સારી રીતે જાણું છું.’ (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪, IBSI) અરે, સર્જનહાર પોતે પોતાના ભક્ત અયૂબને પૂછે છે: ‘શું તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે?’ (અયૂબ ૩૮:૧૮, ઇઝી ટુ રીડ વર્શન) આ બતાવે છે કે ઈશ્વર પોતે તેમના સર્જનની સ્ટડી કરવા કહે છે. આપણે એમાં ચાહીએ એટલી શોધ-ખોળ કરી શકીએ છીએ. બીજા એક ઈશ્વરભક્ત, યશાયાહે પણ ઉત્પન્‍ન કરનાર વિષે આપણું જ્ઞાન વધારવા તેમના હાથની કરામતનો દાખલો આપ્યો: ‘તમારી નજર ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્‍ન કર્યા છે?’ યશાયાહ ૪૦:૨૬ જણાવે છે કે વિશ્વનું સર્જન તો ઈશ્વરે જ કર્યું છે. તેમની પાસે અપાર શક્તિ છે. એ શક્તિ વિશ્વના કણેકણમાં જોવા મળે છે. પદાર્થમાંથી મળતી શક્તિ કે ઊર્જા વિષે વૈજ્ઞાનિકોએ જે શોધ કરી છે એનો વિચાર કરીએ તો એ પુરાવો મળી રહે છે.

એવું બની શકે કે ઉત્પત્તિને લગતા સવાલોના જવાબ તરત ના પણ મળે. કદાચ આસપાસની દુનિયાથી જ આપણે બધું સમજી ન શકીએ. આપણી સમજશક્તિ લિમિટેડ છે. ઈશ્વરભક્ત અયૂબને એની ખબર હતી. એટલે બધા સર્જન માટે તેમણે ઈશ્વરનો જયજયકાર કર્યો. તે એવું પણ જાણતા હતા કે ઈશ્વરે પૃથ્વીને અદ્ધર લટકાવી છે. પાણીથી ભરેલાં વાદળ પૃથ્વી પર પસારેલાં છે. તોપણ અયૂબ જાણતા હતા કે એ કરામત તો ‘ઈશ્વરના માર્ગોનો માત્ર ઇશારો જ છે.’ (અયૂબ ૨૬:૭-૯, ૧૪) અયૂબ એ વિષે વધારે ને વધારે જાણવા માંગતા હતા. અરે, ઈશ્વરભક્ત દાઊદે તો પોતાની મર્યાદા જણાવતા લખ્યું: “આ હકીકત અતિ ભવ્ય અને અદ્‍ભુત છે; હું તેને સમજી શકતો નથી.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૬, IBSI.

આ બતાવે છે કે સર્જનહાર છે, એવું માનવું સાયન્સની પ્રગતિને આડે આવતું નથી. સૃષ્ટિ વિષે શીખતા રહેવાનો કોઈ પાર નથી. એનો અંત કદી આવવાનો નથી. પહેલાંના જમાનામાં એક બહુ જ્ઞાની રાજા થઈ ગયા. તોપણ તેમણે લખ્યું: ‘તેણે તેઓનાં હૃદયમાં હંમેશ માટે જીવવાની ઇચ્છા મૂકી છે, તેમ છતાં અથથી તે ઇતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકતો નથી.’—સભાશિક્ષક ૩:૧૧.

ઈશ્વર એક ‘જાદુઈ મંત્ર’

અમુકનું માનવું છે કે ઈશ્વર જાણે ફક્ત ‘ખૂટતી કડી’ છે. જ્યારે વિજ્ઞાન કશાકની સમજણ ન આપી શકે, ત્યારે ઈશ્વર પર ઢોળી દેવાનું. માણસની અક્કલ કામ ન કરે ત્યારે, “ઈશ્વર” શબ્દનો જાદુઈ મંત્ર વાપરવાનો. પણ શામાં માણસની અક્કલ કામ કરતી નથી? શું એ નાની-નાની મામૂલી ચીજ છે? ના રે ના! એ તો ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં પડેલાં મોટાં મોટાં ગાબડાં છે! ઉત્ક્રાંતિનો સિદ્ધાંત પૂરી નથી શક્યો એવી ખોટ વિજ્ઞાનના જુદા જુદા પાસાઓમાં રહી ગઈ છે. આમ જોઈએ તો જેઓ ઉત્ક્રાંતિવાદ પાછળ આંધળી દોટ મૂકે છે, તેઓ ડાર્વિનના સિદ્ધાંતને પોતાનો ‘જાદુઈ મંત્ર’ બનાવે છે.

બાઇબલ જે ઈશ્વરની વાત કરે છે એ તો સૃષ્ટિના સર્જનની ઝીણી ઝીણી વિગતો આપણને આપે છે. એક કવિએ યહોવાહ ભગવાનના હાથની કરામતનો સાર કહ્યો: “જીવનનો ઝરો તારી પાસે છે; તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.” (ગીતશાસ્ત્ર ૩૬:૯) યહોવાહ જ ‘આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્‍ન કરનાર છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪; ૧૪:૧૫; ૧૭:૨૪) એટલે જ તો પહેલી સદીના એક ઈશ્વરભક્તે લખ્યું કે ઈશ્વર ‘સર્વનો સરજનહાર છે.’—એફેસી ૩:૯.

યહોવાહે “આકાશના નિયમો” કે કુદરતી નિયમો રચ્યા છે. વિજ્ઞાનીઓ તો હજુ એમાંથી શીખે છે, શોધ-ખોળ કરે છે. (અયૂબ ૩૮:૩૩) યહોવાહે રચેલી હરકોઈ ચીજ પરફેક્ટ છે. એમાં કોઈ ખામી નથી. પૃથ્વીને જીવન માટે જ સર્જી છે. એમાં જીવસૃષ્ટિ અને વનસ્પતિઓની કંઈ કેટલીયે વેરાયટી છે!

કુદરત પાસેથી શીખીએ કે રચનાર છે

સાયન્સની જુદી જુદી માન્યતા કેટલી સાચી છે, એની વાત કરતા એક લેખક જોન હોર્ગન લખે છે: ‘જ્યારે ચોક્કસ પુરાવા ન મળે, ત્યારે આપણે સમજશક્તિ વાપરતા શરમાવું ન જોઈએ.’

જીવન આપોઆપ આવી ગયું છે, એ વાત ગળે ઉતારવી શું સહેલી છે? ઉત્ક્રાંતિની માન્યતા જગજાહેર છે. તોપણ વૈજ્ઞાનિકો જેવા ઘણા લોકોને પાકી ખાતરી છે કે ઈશ્વરે દુનિયા બનાવી છે. સાયન્સના એક પ્રોફેસરે કહ્યું કે મોટે ભાગે લોકોને ‘ગળા સુધીની ખાતરી છે કે જીવનની રચના થઈ છે. એમ માનનારા સમજુ છે.’ મોટા ભાગના લોકો ઈશ્વરભક્ત પાઊલના સૂરમાં સૂર પુરાવે છે: ‘દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુનો સર્જનહાર તો ઈશ્વર છે.’ (હેબ્રી ૩:૪) આપણે કદીયે શંકા કરતા નથી કે દરેક ઘરની રચના થઈ અને એ બંધાયું. તો પછી, એવું કેવી રીતે બને કે અજોડ જીવનની શરૂઆત કરતો કોષ આપમેળે આવી જાય?

જેઓ રચનાર અને સર્જનહારમાં માનતા નથી, તેઓ વિષે બાઇબલ કહે છે: ‘મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, કે ઈશ્વર યહોવાહ છે જ નહિ.’ (ગીતશાસ્ત્ર ૧૪:૧) જેઓ શંકા કરે છે, તેઓને કવિ અહીં ઠપકો આપે છે. ખુલ્લાં મને નિર્ણય લેવાને બદલે વ્યક્તિ પોતાનો જ કક્કો ખરો કરવા માંગતી હોઈ શકે. જ્યારે કે સમજુ વ્યક્તિ એક જ વાત પોકારી ઊઠે છે: સર્વનું સર્જન કરનાર યહોવાહ છે.—યશાયાહ ૪૫:૧૮.

સમજુ વ્યક્તિઓ પારખે છે કે ઈશ્વરે બધું રચ્યું છે. એના એટલા બધા પુરાવા છે કે વાત જ ના પૂછો.

રચનારને ઓળખો

ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કેમ કર્યું? આપણને કેમ બનાવ્યા? આવા સવાલોના જવાબ મેળવવા બહુ જરૂરી છે. આજે સાયન્સે ઘણી પ્રગતિ કરી છે છતાં એના જવાબ મળતા નથી. બાઇબલ એના જવાબ આપે છે. એ શીખવે છે કે યહોવાહ ભગવાને બધુંય ઉત્પન્‍ન કર્યું છે. એટલું જ નહિ પણ યહોવાહે જે કંઈ બનાવ્યું છે એની પાછળ કંઈક કારણ છે. બાઇબલ જણાવે છે કે યહોવાહે પૃથ્વી કેમ બનાવી, મનુષ્યને કેમ બનાવ્યો અને આપણી આવતી કાલ કેવી હશે.

તમને થશે કે યહોવાહ કોણ છે? કેવા ઈશ્વર છે? યહોવાહના સાક્ષીઓ સાથે તમે એ મહાન સર્જનહાર વિષે ઘણું બધું શીખી શકો. ઈશ્વરે કરેલી સુંદર રચના વિષે બાઇબલની મદદથી જાણો, શીખો.—ગીતશાસ્ત્ર ૮૬:૧૨; પ્રકટીકરણ ૪:૧૧. (w 07 8/15)

[Picture on page 4]

માઇકલ ઍન્જલો

[Pictures on page 5]

રચનારમાં માનવાથી વિજ્ઞાન નકામું બનતું નથી

[Picture on page 6]

પ્રાણીઓમાં પણ જાતજાતની વેરાયટી હોય છે

[Pictures on page 7]

રચનાર વિના રચના કેવી?