દાનીયેલના મુખ્ય વિચારો
યહોવાહનો શબ્દ જીવંત છે
દાનીયેલના મુખ્ય વિચારો
હોલમન ઇલસ્ટ્રેટેડ બાઇબલ ડિક્શનરી કહે છે કે ‘બાઇબલના બધા પુસ્તકોમાંથી દાનીયેલનું પુસ્તક ખૂબ રસપ્રદ છે. એમાં આપેલું જ્ઞાન સદા ટકશે.’ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર ઈ.સ. પૂર્વે ૬૧૮માં યરૂશાલેમ પર ઘેરો ઘાલે છે. ત્યારથી દાનીયેલ નજરે જોયેલા બનાવો પુસ્તકમાં લખવાનું શરૂ કરે છે. નબૂખાદનેસ્સાર યહુદાહનો કબજો કરીને અમુક “ઈસ્રાએલી છોકરાને” બાબેલોન લઈ જાય છે. (દાનીયેલ ૧:૧-૩) એમાં દાનીયેલ પણ છે. તે લગભગ સત્તરેક વર્ષના છે. પુસ્તકના અંતે જોવા મળે છે કે દાનીયેલ ઘરડા થયા તોપણ બાબેલોનમાં હોય છે. દાનીયેલ લગભગ સોએક વર્ષના થયા છે ત્યારે, યહોવાહ તેમને વચન આપે છે: “તું વિશ્રામ પામશે, ને તે મુદ્દતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે.”—દાનીયેલ ૧૨:૧૩.
પુસ્તકનો પહેલો ભાગ સમયના ક્રમમાં લખેલો છે. દાનીયેલે એ માહિતી એવી રીતે લખી છે કે જાણે કોઈ ત્રીજી વ્યક્તિએ નજરે જોયેલા બનાવો લખ્યા હોય. પુસ્તકનો છેલ્લો ભાગ દાનીયેલે પોતે નજરે જોયેલા બનાવો લખ્યા છે. આ પુસ્તક દુનિયાના રાજાઓની ચઢતી ને પડતી વિષે જણાવે છે. એમાં મસીહ વિષે ભવિષ્યવાણી છે. આપણા જમાનામાં શું શું થશે એ પણ જણાવે છે. * દાનીયેલ ઘડપણમાં પોતાના જીવનની કહાણી પણ જણાવે છે. એમાંથી આપણા જેવા ઈશ્વરભક્તોને ખૂબ ઉત્તેજન મળે છે. દાનીયેલનો સંદેશો ખરેખર જીવંત અને જોરદાર છે.—હેબ્રી ૪:૧૨.
સમયના ક્રમમાં આપેલી વિગતો શું બતાવે છે?
ઈ.સ. પૂર્વે ૬૧૭માં દાનીયેલ ને તેમના ત્રણ દોસ્તો શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબેલોનના રાજદરબારમાં લાવવામાં આવ્યા. ત્રણ વર્ષ સુધી તેઓને રાજદરબારની રીતભાત ને સંસ્કૃતિ વિષે શિક્ષણ આપવામાં આવે છે. એ સમય દરમિયાન તેઓ યહોવાહને છોડતા નથી. આઠેક વર્ષ પછી, રાજા નબૂખાદનેસ્સારને ગજબનું સપનું આવે છે. યહોવાહની મદદથી દાનીયેલ એ સપનું અને એનો અર્થ રાજાને સમજાવે છે. રાજા દાનીયેલને કહે છે કે “તમારો દેવ તે દેવોનો દેવ, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.” (દાનીયેલ ૨:૪૭) પણ થોડા સમય પછી, નબૂખાદનેસ્સાર એ બધું ભૂલી જાય છે. તે દાનીયેલના ત્રણ દોસ્તને એક મોટી મૂર્તિ આગળ નમવા કહે છે. તેઓ ના પાડે છે ત્યારે રાજા ત્રણેયને આગની બળતી ભઠ્ઠીમાં ફેંકી દે છે. યહોવાહ તેઓને બચાવે છે. ફરી નબૂખાદનેસ્સાર કબૂલે છે કે “પોતાના સેવકોને છોડાવી શકે એવો બીજો કોઈ દેવ નથી.”—દાનીયેલ ૩:૨૯.
નબૂખાદનેસ્સારને બીજું એક સપનું આવે છે. એ બહુ જ મહત્ત્વનું છે. એમાં તે મોટું ઝાડ જુએ છે. એ કાપી નાખવામાં આવે છે. એના થડ પર પટ્ટા બાંધવામાં આવે છે, જેથી એ વધે નહિ. દાનીયેલ રાજાને એનો અર્થ સમજાવે છે. એ સપનામાં એક ભવિષ્યવાણી છે. નબૂખાદનેસ્સાર પાગલ થાય છે ત્યારે એ અમુક હદે પૂરી થઈ. અમુક વર્ષો બાદ, તેમનું મગજ ફરી ઠેકાણે આવે છે. તે રાજ કરવા લાગે છે. અમુક દાયકાઓ પછી બેલ્શાસ્સાર બાબેલોનનો રાજા બને છે. તે પોતાના મિત્રો માટે મોટી મહેફિલ ગોઠવે છે. યહોવાહના મંદિરમાંથી લાવવામાં આવેલાં વાસણો તે વાપરે છે. એ તો, યહોવાહનું ઘોર અપમાન કરવા બરાબર છે. એ જ રાતે માદી દાર્યાવેશ, રાજા બેલ્શાસ્સારને મારી નાખે છે. પછી દાર્યાવેશ બાબેલોનના રાજા બને છે. (દાનીયેલ ૫:૩૦, ૩૧) દાનીયેલ ૯૦ વર્ષના હોય છે ત્યારે દાર્યાવેશના અમુક મંત્રીઓને દાનીયેલની ઇર્ષા થાય છે. તેઓ દાનીયેલને મારી નાખવા યોજના ઘડે છે. પણ યહોવાહ ‘દાનીયેલને સિંહોના પંજામાંથી બચાવે છે.’—દાનીયેલ ૬:૨૭.
સવાલ-જવાબ:
૧:૧૧-૧૫—યહુદી છોકરાઓએ શાકાહારી ખોરાક પસંદ કર્યો હોવાથી તેઓ બીજા કરતાં તંદુરસ્ત હતા? ના. દસ દિવસ કોઈ ડાયેટ કરવાથી શરીરમાં મોટો ફરક જોવા મળતો નથી. તેઓને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હોવાથી યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યો. એટલે તેઓ તંદુરસ્ત હતા.—નીતિવચનો ૧૦:૨૨.
૨:૧—નબૂખાદનેસ્સારને મોટી મૂર્તિનું સપનું ક્યારે આવ્યું? બાઇબલ કહે છે કે ‘નબૂખાદનેસ્સારની કારકિર્દીને બીજે વર્ષે.’ ઈ.સ. પૂર્વે ૬૨૪માં નબૂખાદનેસ્સાર બાબેલોનના રાજા બન્યા. ઈ.સ પૂર્વે ૬૨૩ તેમના રાજનું બીજું વર્ષ હતું. જો એ વર્ષે તેમને સપનું આવ્યું હોય તો દાનીયેલ એનો અર્થ સમજાવી ન શકત. કેમ નહિ? કેમ કે નબૂખાદનેસ્સારે હજી યહુદાહને કબજે કર્યું ન હતું. દાનીયેલ હજી બાબેલોન આવ્યા ન હતા. પણ ઈ.સ. પૂર્વે ૬૦૭માં નબૂખાદનેસ્સારે યરૂશાલેમનો નાશ કર્યો ને જગ-રાજા બન્યા. એના ‘બીજા વર્ષે’ તેમને સપનું આવ્યું.
૨:૩૨, ૩૯—રૂપાનું રાજ્ય કઈ રીતે સોનાના રાજ્યથી ઊતરતું હતું? અને પિત્તળનું રાજ્ય કઈ રીતે રૂપાના રાજ્યથી ઊતરતું હતું? મૂર્તિનું માથું સોનાનું છે. એ બાબેલોનને બતાવે છે. માથાંની નીચે રૂપાનો ભાગ હતો. એ માદાય-ઈરાનના રાજ્યને બતાવે છે. બાબેલોનનું રાજ્ય ચડિયાતું છે, કેમ કે એણે જ યહુદાહને કબજે કર્યું હતું. માદાય-ઈરાન પછી પિત્તળનો ભાગ ગ્રીસ છે. પિત્તળ રૂપાથી ઊતરતું છે. કઈ રીતે? ગ્રીસ માદાય-ઈરાનના રાજ્યથી ખૂબ મોટું હતું. પણ માદાય-ઈરાનની સરખામણીમાં એ ઊતરતું હતું. કારણ કે ફક્ત માદાય-ઈરાનીઓએ જ ઈસ્રાએલીઓને ગુલામીમાંથી આઝાદ કર્યા હતા.
૪:૮, ૯—શું દાનીયેલ જાદુગર હતા? જરાય નહિ. ‘મુખ્ય જાદુગર’ ટાઇટલ એ જ બતાવે છે કે દાનીયેલ “અધિકારી તથા બાબેલના સર્વ જ્ઞાનીઓના અધિપતિ” હતા.—દાનીયેલ ૨:૪૮.
૪:૧૦, ૧૧, ૨૦-૨૨—નબૂખાદનેસ્સારના સપનામાં મોટું ઝાડ કોને રજૂ કરે છે? શરૂઆતમાં એ ઝાડ નબૂખાદનેસ્સારના જગ-રાજ્યને દર્શાવતું હતું. પણ એ ઝાડ કે રાજ્ય “પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું.” તેથી એ બીજા એક મહાન રાજ્યને પણ દર્શાવતું હતું. રાજાએ સપનામાં જોયેલાં ઝાડને દાનીયેલ ૪:૧૭, ‘પરાત્પર દેવના’ રાજ સાથે સરખાવે છે. એટલે કે યહોવાહના રાજને દર્શાવે છે. એ આખા વિશ્વમાં રાજ કરે છે. એ ઝાડ ફક્ત નબૂખાદનેસ્સારનું રાજ જ નહિ, પણ યહોવાહના રાજને દર્શાવે છે.
૪:૧૬, ૨૩, ૨૫, ૩૨, ૩૩—“સાત કાળ” કેટલા લાંબા હતા? નબૂખાદનેસ્સારના વાણી-વર્તનમાં જે ફેરફારો થયા, એ સાત દિવસમાં નહિ પણ ‘સાત કાળમાં’ થયા હતા. દરેક કાળ એક વર્ષનો હતો. વર્ષમાં ૩૬૦ દિવસ. ‘સાત કાળના’ ૨,૫૨૦ દિવસ. બીજી એક ભવિષ્યવાણી પ્રમાણે એ ‘સાત કાળના’ ૨,૫૨૦ વર્ષ થાય. (હઝકીએલ ૪:૬, ૭) એ સાત કાળની શરૂઆત ઈ.સ. પૂર્વે ૬૦૭માં થઈ, જ્યારે યરૂશાલેમનો નાશ થયો. ૧૯૧૪માં ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રાજા બન્યા ત્યારે એ કાળ પૂરા થયા.—લુક ૨૧:૨૪.
૬:૬-૧૦—યહોવાહને પ્રાર્થના કરવા માટે કોઈ ખાસ રીતે ઊભા રહેવાની કે બેસવાની જરૂર નથી. તો પછી, દાનીયેલે કેમ ૩૦ દિવસ છૂપી રીતે પ્રાર્થના ન કરી? બધાને ખબર હતી કે દાનીયેલ દિવસના ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરે છે. એટલા માટે તેમના દુશ્મનોએ યોજના ઘડી કે કોઈએ પણ પોતાના ઈશ્વરને ૩૦ દિવસ સુધી પ્રાર્થના ન કરવી. જો દાનીયેલે એ સમયે પોતાનું રૂટિન બદલ્યું હોત તો, લોકોને લાગ્યું હોત કે
તેમના સિદ્ધાંતો મહત્ત્વના ન હતા. અથવા તે માણસોથી ડરી ગયા.આપણે શું શીખી શકીએ?
૧:૩-૮. આકરા સંજોગોમાં દાનીયેલ ને તેમના ત્રણ મિત્રો યહોવાહને વળગી રહ્યા. એ શું બતાવે છે? એ જ કે તેઓનાં માબાપે તેઓને સારા સંસ્કાર ને સારું શિક્ષણ આપ્યું હશે. આજે માબાપોએ પણ પોતાના જીવનમાં યહોવાહની ભક્તિ પ્રથમ મૂકવી જોઈએ. બાળકોને પણ એમ કરતા શીખવવું જોઈએ. એનાથી સ્કૂલમાં કે ક્યાંય પણ ખોટું કામ કરવાનું દબાણ આવે તો, તેઓ ખરો નિર્ણય લઈ શકશે.
૧:૧૦-૧૨. દાનીયેલને ખબર હતી કે ‘મુખ્ય ખોજો’ રાજાથી ડરતો હતો. એટલે દાનીયેલે તેને બહુ અરજ કરી નહિ. પણ પાછળથી એક ‘કારભારીને’ પોતાની અરજો જણાવી. દાનીયેલને લાગ્યું કે તે કદાચ સાંભળશે. આપણા પર તકલીફો આવે ત્યારે સંજોગો પારખવા જોઈએ. પછી સમજી-વિચારીને પગલાં લેવાં જોઈએ.
૨:૨૯, ૩૦. બાઇબલ શિક્ષણથી આપણે અનેક ગુણો અને આવડતો કેળવીએ છીએ. જ્ઞાન મેળવીએ છીએ. એનાથી લોકો કદાચ આપણા વખાણ પણ કરે. એ સમયે દાનીયેલની જેમ આપણે પણ યહોવાહને જશ આપવો જોઈએ.
૩:૧૬-૧૮. ત્રણ હિબ્રૂ છોકરાઓએ ખોરાક જેવી નાની બાબતમાં પણ યહોવાહના નિયમો તોડ્યા નહિ. તેઓની મોટી કસોટી થઈ ત્યારે પણ તેઓની શ્રદ્ધા તૂટી નહિ. આપણે પણ ‘સર્વ વાતે’ વફાદાર રહેવું જોઈએ.—૧ તીમોથી ૩:૧૧.
૪:૨૪-૨૭. દાનીયેલે નબૂખાદનેસ્સારને કહ્યું કે તેના રાજનું શું થશે. તેમ જ ‘લાંબો કાળ ટકાવી’ રાખવા તેમણે શું કરવું એ પણ જણાવ્યું. એ સંદેશો જણાવવા દાનીયેલને ખૂબ જ હિંમત ને શ્રદ્ધાની જરૂર હતી. આપણને પણ એવા ગુણોની જરૂર છે. કેમ કે આપણે યહોવાહના રાજ્યનો સંદેશો જ નહિ, તેમનો ન્યાયચુકાદો પણ જણાવીએ છીએ.
૫:૩૦, ૩૧. ‘બાબેલોનના રાજાને જે મહેણાં માર્યાં’ હતા, એ બધા સાચા પડ્યા. (યશાયાહ ૧૪:૩, ૪, ૧૨-૧૫) શેતાન પણ બાબેલોનના રાજા જેવો ઘમંડી છે. બાબેલોનના રાજાની જેમ શેતાનનો પણ અંત આવશે.—દાનીયેલ ૪:૩૦; ૫:૨-૪, ૨૩.
દાનીયેલના સંદર્શનો શું બતાવે છે?
ઈ.સ. પૂર્વે ૫૫૩માં દાનીયેલ લગભગ ૭૦ વર્ષના હોય છે ત્યારે, તેમને પહેલું સંદર્શન થાય છે. એમાં તે ચાર મોટાં જાનવરો જુએ છે. એ જાનવરો તેમના જમાનાથી લઈને આપણા દિવસના જગ-રાજાઓને દર્શાવે છે. એક સંદર્શનમાં તે જુએ છે કે સ્વર્ગમાં શું થઈ રહ્યું છે. આ સંદર્શનમાં ‘મનુષ્યપુત્રના જેવા એક પુરુષને સનાતન સત્તા’ આપવામાં આવે છે. (દાનીયેલ ૭:૧૩, ૧૪) એના બે વર્ષ પછી દાનીયેલને બીજું સંદર્શન થાય છે. એમાં માદાય-ઈરાન, ગ્રીસ અને એક “વિકરાળ ચહેરાનો” રાજા છે.—દાનીયેલ ૮:૨૩.
ઈ.સ. પૂર્વે ૫૩૯માં બાબેલોનના રાજનો અંત આવે છે. હવે માદી દાર્યાવેશ ખાલદીઓનો રાજા બને છે. ઈસ્રાએલીઓ વતન પાછા જઈને યહોવાહની ભક્તિ કરે એ માટે દાનીયેલ પ્રાર્થના કરે છે. એટલામાં જ યહોવાહ ગાબ્રીએલ દૂતને તેમની પાસે મોકલે છે. એ દૂત દાનીયેલને “બુદ્ધિ તથા સમજશક્તિ” આપે છે, જેથી તે સમજી શકે દાનીયેલ ૯:૨૦-૨૫) ઈ.સ. પૂર્વે ૫૩૬/૫૩૫માં અમુક યહુદીઓ પાછા વતન આવી પહોંચે છે. પણ યહોવાહનું મંદિર ફરી બાંધતી વખતે દુશ્મનો તકલીફો ઊભી કરે છે. એનાથી દાનીયેલ ચિંતાતુર થઈને યહોવાહને પ્રાર્થના કરે છે. યહોવાહ તરત જ એક ઊંચી પદવીવાળા દૂતને મોકલે છે. એ દૂત દાનીયેલને ઉત્તેજન અને હિંમત આપે છે. પછી એ દૂત તેમને જણાવે છે કે ભાવિમાં ઉત્તર અને દક્ષિણના રાજાઓ વચ્ચે કેવા ઝગડા થશે. એ ઝગડા મહાન સિકંદરના રાજ્યના ચાર ભાગલા પડ્યા ત્યારથી શરૂ થાય છે. અને “મહાન સરદાર મીખાએલ” ઊભા થશે ત્યારે એનો અંત આવશે.—દાનીયેલ ૧૨:૧.
કે મસીહ ક્યારે આવશે. (સવાલ-જવાબ:
૮:૯—“રળિયામણો દેશ” શું છે? એ એંગ્લો-અમેરિકન જગત સત્તા દરમિયાન પૃથ્વી પર અભિષિક્તોની હાલત દર્શાવે છે.
૮:૨૫—‘સરદારોના સરદાર’ કોણ છે? મૂળ હિબ્રૂ ભાષામાં સાર શબ્દનો અર્થ ‘સરદાર’ કે ‘શિર’ થાય. તેથી ‘સરદારોના સરદાર’ ફક્ત યહોવાહને જ લાગુ પડે છે. તે જ સર્વ દૂતો અને ‘મુખ્ય સરદાર એટલે મીખાએલના’ પણ માલિક છે.—દાનીયેલ ૧૦:૧૩.
૯:૨૧—દાનીયેલે કેમ કહ્યું કે ગાબ્રીએલ દૂત ‘માણસ’ છે? દાનીયેલને પહેલાં દર્શન મળ્યું હતું તેમ આ વખતે પણ ગાબ્રીએલ તેમને માણસના રૂપમાં દેખાયા.—દાનીયેલ ૮:૧૫-૧૭.
૯:૨૭—કયો કરાર સિત્તેર અઠવાડિયાના અંત સુધી, એટલે ૩૬ની સાલ સુધી ચાલુ રહ્યો? ઈસુએ ૩૩ની સાલમાં કુરબાની આપી ત્યારે એ નિયમ કરારનો અંત આવ્યો. પણ યહોવાહે ઈબ્રાહીમ દ્વારા ઈસ્રાએલીઓ માટે કરેલો કરાર ૩૬ની સાલ સુધી ચાલુ રાખ્યો. આમ તેમણે ઈબ્રાહીમના યહુદી વંશને ખાસ કૃપા બતાવી. યહોવાહે ઈબ્રાહીમ સાથે કરેલો કરાર ‘દેવના ઈસ્રાએલને’ હજી લાગુ પડે છે.—ગલાતી ૩:૭-૯, ૧૪-૧૮, ૨૯; ૬:૧૬.
આપણે શું શીખી શકીએ?
૯:૧-૨૩; ૧૦:૧૧. દાનીયેલ કેમ “અતિ પ્રિય માણસ” કહેવાયા? કેમ કે તે નમ્ર અને ઈશ્વરભક્ત હતા. બાઇબલમાંથી શીખવાનું ને પ્રાર્થના કરવાનું તે કદી ચૂકતા નહિ. એટલે તે મોત સુધી યહોવાહને વળગી રહ્યા. ચાલો આપણે પણ દાનીયેલનો દાખલો અનુસરીએ.
૯:૧૭-૧૯. યહોવાહના નવા યુગમાં ‘ન્યાયીપણું વસશે.’ દુઃખ-તકલીફોનો અંત આવશે. એ દિવસો જોવા માટે પ્રાર્થના કરવી એ જ સૌથી મહત્ત્વનું નથી. પણ આ બાબતો માટે પ્રાર્થના કરવી જોઈએ: યહોવાહનું નામ નિર્દોષ, નિષ્કલંક ને મહાન થાય. તેમ જ સર્વ લોકો એ સ્વીકારે કે તે જ વિશ્વના માલિક છે.—૨ પીતર ૩:૧૩.
૧૦:૯-૧૧, ૧૮, ૧૯. દૂતની જેમ આપણે પણ એકબીજાને મદદ કરવી જોઈએ ને ઉત્તેજન આપવું જોઈએ.
૧૨:૩. છેલ્લાં દિવસોમાં ‘સૂજ્ઞાનીઓ’ એટલે કે અભિષિક્તો ‘જ્યોતિઓની જેમ’ ચમકે છે. તેઓ ‘ઘણાઓને નેકીના માર્ગમાં વાળી’ લાવ્યા છે. જેમ કે ‘બીજાં ઘેટાંમાંથી’ આવેલી “મોટી સભા.” (ફિલિપી ૨:૧૫; પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) ખ્રિસ્તના હજાર વર્ષના રાજ દરમિયાન અભિષિક્તો તારાઓની જેમ ચમકશે. તેઓ ખ્રિસ્તની કુરબાનીથી આવતા આશીર્વાદો ઈસુ સાથે મળીને ઈશ્વરભક્તો પર વરસાવશે. આપણે ‘બીજાં ઘેટાંનો’ ભાગ હોવાથી તન-મન-ધનથી અભિષિક્તોને સાથ આપવો જોઈએ.
યહોવાહ તેમના ભક્તોને “આશીર્વાદ આપશે”
દાનીયેલનું પુસ્તક આપણને યહોવાહ વિષે શું શીખવે છે? એ જ કે યહોવાહ તેમના વચનો પૂરી રીતે નિભાવે છે. તેમણે આપેલી ઘણી ભવિષ્યવાણી પૂરી થઈ છે, ને અમુક હજી પૂરી થવાની બાકી છે. એ પણ ચોક્કસ પૂરી થશે!—યશાયાહ ૫૫:૧૧.
દાનીયેલનું પુસ્તક બીજું શું શીખવે છે? એ જ કે યહોવાહ પોતાના ભક્તો માટે “સહાયકારી તથા ઢાલ છે.” દાખલા તરીકે, ચાર હેબ્રૂ યુવાનોનો વિચાર કરો. તેઓએ બાબેલોનીઓ સાથે હળીમળી જવાની ના પાડી ત્યારે, યહોવાહે તેઓને “વિદ્યામાં તથા જ્ઞાનમાં કૌશલ્ય અને ચાતુર્ય આપ્યાં.” (દાનીયેલ ૧:૧૭) પછી યહોવાહે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને સળગતી ભઠ્ઠીમાંથી બચાવ્યા. દાનીયેલને પણ સિંહોના પંજામાંથી બચાવ્યા. યહોવાહનો ડર રાખે છે “તેઓને તે આશીર્વાદ આપશે.”—ગીતશાસ્ત્ર ૧૧૫:૯, ૧૩. (w 07 9/1)
[Footnote]
^ દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકમાં દાનીયેલના પુસ્તકની દરેક કલમની સમજણ મળશે. યહોવાહના સાક્ષીઓએ એ બહાર પાડ્યું છે.
[Picture on page 20]
દાનીયેલ કેમ “અતિ પ્રિય માણસ” કહેવાયા?