સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઃખ સહેવાથી આવતા આશીર્વાદો

દુઃખ સહેવાથી આવતા આશીર્વાદો

દુઃખ સહેવાથી આવતા આશીર્વાદો

“જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે.”—યાકૂબ ૫:૧૧.

૧, ૨. યહોવાહે માણસને દુઃખી થવા બનાવ્યો નથી. એનો શું પુરાવો છે?

 હાથે કરીને કોઈ દુઃખી થવા ચાહતું નથી. યહોવાહ ઈશ્વર પણ ચાહતા નથી કે આપણે દુઃખી થઈએ. એ આપણને બાઇબલમાંથી જોવા મળે છે. ઈશ્વરે પ્રથમ પુરુષ અને સ્ત્રીને ઉત્પન્‍ન કર્યાં ત્યારે શું બન્યું એનો વિચાર કરો. ‘યહોવાહે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો. અને માણસ સજીવ થયો.’ (ઉત્પત્તિ ૨:૭) યહોવાહે આદમને એવી રીતે બનાવ્યો હતો કે તે ન બીમાર થાય. ન ઘરડો થાય. ન મરે. તેનામાં કોઈ ખોટ ન હતી.

આદમની દુનિયા કેવી હતી? ‘યહોવાહે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી. એમાં પોતે બનાવેલા માણસને રાખ્યો. અને યહોવાહે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં છે એ ઉગાવ્યાં હતાં.’ (ઉત્પત્તિ ૨:૮, ૯) આદમનું ઘર સુંદર હતું. તેને કોઈ જાતની દુઃખ-તકલીફો ન હતી.

૩. આદમ અને હવાને કેવો આશીર્વાદ હતો?

ઉત્પત્તિ ૨:૧૮, કહે છે: ‘યહોવાહે કહ્યું, કે માણસ એકલો રહે તે સારું નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારી બનાવીશ.’ પછી યહોવાહે આદમની પત્ની બનાવી. તેનામાં પણ કોઈ ખોટ ન હતી. તેઓએ ખાઈ-પીને રાજ કરવાનું હતું. (ઉત્પત્તિ ૨:૨૧-૨૩) બાઇબલ આગળ જણાવે છે: ‘ઈશ્વરે તેઓને આશીર્વાદ દીધો અને કહ્યું, કે “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.”’ (ઉત્પત્તિ ૧:૨૮) તેઓને આખી પૃથ્વીને એદન વાડી જેવી બનાવવાનું કામ સોંપ્યું. તેઓનાં બાળકો પર દુઃખનો પડછાયો પણ ન પડત. કેવો આશીર્વાદ!—ઉત્પત્તિ ૧:૩૧.

દુઃખનો જન્મ

૪. આજે આપણી હાલત કેવી છે?

સૃષ્ટિની શરૂઆતથી જ કંઈક મોટી ગડબડ થઈ. એટલે ઇન્સાન દુઃખની ચક્કીમાં પિસાય છે. આપણે આદમ ને હવાનાં બાળકો હોવાથી બીમાર થઈએ છીએ. ઘરડાં થઈએ છીએ ને છેવટે મરણ પામીએ છીએ. કોઈને ખરું સુખ નથી. આપણી હાલત વિષે રૂમી ૮:૨૨ કહે છે: ‘આખી સૃષ્ટિ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી પીડાય છે.’

૫. પ્રથમ માબાપે આપણને વારસામાં શું આપ્યું?

સદીઓથી ઇન્સાન પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. એમાં યહોવાહનો હાથ નથી. (૨ શમૂએલ ૨૨:૩૧) પણ ઇન્સાનનો વાંક છે. “તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે; સત્કાર્ય કરનાર કોઇ નથી.” (ગીતશાસ્ત્ર ૧૪:૧) યહોવાહે આદમ અને હવાને બનાવ્યા ત્યારે સોનેરી યુગ હતો. પણ તેઓ યહોવાહના કહેવા પ્રમાણે ચાલ્યા નહિ. તેઓએ યહોવાહ સાથે નાતો કાપી નાખ્યો. તેથી તેઓમાં બીમારી ફેલાઈ. ઘડપણ દરવાજો ખખડાવવા લાગ્યું. આખરે, તેઓ મરણ પામ્યા. તેઓ આખી માનવજાતને એ જ વારસો આપતા ગયા.—ઉત્પત્તિ ૩:૧૭-૧૯; રૂમી ૫:૧૨.

૬. શેતાન કઈ રીતે દુઃખ લાવ્યો?

માનવજાત પર દુઃખ લાવનાર કંઈ એકલા આદમ ને હવા જ ન હતાં. એક સ્વર્ગદૂત જે શેતાન બન્યો હતો તેનો પણ હાથ હતો. તે પોતાની ઇચ્છા મુજબ કરવા આઝાદ હતો. પણ તે જાણીજોઈને યહોવાહનો દુશ્મન બન્યો, કેમ કે તેને ભગવાન બનવું હતું. યહોવાહને જ ભક્તિ મેળવવાનો જે હક્ક હતો, એ છીનવી લેવા શેતાને આદમ અને હવાને ખોટા માર્ગે દોર્યા. તેણે તેઓને કહ્યું કે ‘તમે પણ ઈશ્વરના જેવાં ભલું ભૂંડું જાણનારાં થશો.’—ઉત્પત્તિ ૩:૫.

યહોવાહ જ વિશ્વના રાજા

૭. શેતાનના રાજથી શું પુરાવો મળ્યો?

હજારો વર્ષથી શેતાન જગત પર રાજ કરે છે. એનું શું પરિણામ આવ્યું? દુષ્ટતા, છેતરપિંડી, બેઈમાની, જુલમી રાજ્યો, ચારે બાજુ દુઃખ ને દુઃખ ફેલાયું છે. (યોહાન ૧૨:૩૧) સદીઓથી ઇન્સાન શેતાનના ઇશારે ચાલે છે. તેના રાજમાં ઈમાનદારીનો છાંટો પણ નથી. (યિર્મેયાહ ૧૦:૨૩) માણસની બધી જ સરકારો નિષ્ફળ ગઈ છે. પણ યહોવાહની સરકાર એવી નથી! ફક્ત તે જ વિશ્વના રાજા બની શકે છે. તે જ ન્યાયી છે.

૮. માણસની બધી જ સરકારોનું યહોવાહ શું કરશે? પછી શું થશે?

યહોવાહે હજારો વર્ષોથી માણસોને રાજ સોંપ્યું છે. પણ હવે તે તેઓનો નાશ કરશે. પછી પોતે રાજ કરશે. એના વિષે એક ભવિષ્યવાણી કહે છે: “તે રાજાઓની કારકિર્દીમાં [માણસની સરકારો દરમિયાન] આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે [જેમાં ઈશ્વરના હાથ નીચે ઈસુ સ્વર્ગમાં રાજ કરશે ને] જેનો નાશ કદી થશે નહિ, . . . તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાનીયેલ ૨:૪૪) શેતાન, તેની સાથે જોડાયેલા દુષ્ટ દૂતો ને માણસના રાજનો અંત આવશે. પછી ધરતી પર ઈશ્વરનું રાજ હશે. ઈસુ એ રાજ્યના રાજા બનશે. તેમની સાથે સ્વર્ગમાં રાજ કરવા યહોવાહે ૧,૪૪,૦૦૦ ભક્તોને પસંદ કર્યા છે.—પ્રકટીકરણ ૧૪:૧.

દુઃખ સહેવાથી થતા લાભ

૯, ૧૦. ઈસુએ દુઃખ સહ્યું એનાથી શું લાભ થયો?

સ્વર્ગમાં રાજ કરશે તેઓની લાયકાત શું છે? ઈસુ ખ્રિસ્તે પોતે કેવા રાજા બનશે એનો પુરાવો આપ્યો હતો. તેમણે યહોવાહ સાથે વિશ્વ રચવામાં અગણિત વર્ષો પસાર કર્યાં હતાં. તે “કુશળ કારીગર” હતા. (નીતિવચનો ૮:૨૨-૩૧) યહોવાહની ગોઠવણ પ્રમાણે તે ખુશીથી ધરતી પર આવ્યા. યહોવાહના રાજ્ય વિષે લોકોને શીખવ્યું. રાજીખુશીથી યહોવાહના કહેવા પ્રમાણે કર્યું. કેવો સરસ દાખલો!—માત્થી ૪:૧૭; ૬:૯.

૧૦ ઈસુએ લોકોને યહોવાહના રાજ્ય વિષે શીખવ્યું. તેમણે ઇન્સાનની દુઃખી હાલત જોઈ. તેમ જ, પોતે સખત સતાવણી સહી. છેવટે તેમને મારી નાખવામાં આવ્યા. ઈસુએ જે દુઃખ સહન કર્યું એનાથી શું તેમને કોઈ લાભ થયો? ચોક્કસ! હેબ્રી ૫:૮, કહે છે: “તે [ઈશ્વરનો] પુત્ર હતો, તે છતાં પણ પોતે જે જે સંકટો સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યો.” ઈસુને દુખિયારા લોકો પર દયા આવતી. તેમણે પોતે જોયું, અરે અનુભવ્યું કે માણસોને કેવા દુઃખો સહેવા પડે છે. એનાથી તેમને ખબર પડી કે માણસજાતના બચાવનાર તરીકે તેમને શું કરવું પડશે. ઈસુ વિષે પાઊલે કહ્યું: ‘ઈસુને સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું આવશ્યક હતું. જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને વિશ્વાસુ પ્રમુખયાજક થાય. કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુઃખ સહન કર્યાં, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન છે.’ ‘આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં પાપ કર્યું નથી એવા આપણા પ્રમુખયાજક છે. એ માટે દયા પામવાને, તથા અગત્યને પ્રસંગે સહાયને સારુ કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.’—હેબ્રી ૨:૧૭, ૧૮; ૪:૧૪-૧૬; માત્થી ૯:૩૬; ૧૧:૨૮-૩૦.

૧૧. ઈસુ સાથે રાજ કરશે તેઓને પોતાના અનુભવ પરથી શું લાભ થશે?

૧૧ યહોવાહે ૧,૪૪,૦૦૦ ભક્તોને ‘માણસોમાંથી ખરીદ્યા’ છે. તેઓ ઈસુ સાથે રાજ કરશે. (પ્રકટીકરણ ૧૪:૪) તેઓએ પણ આપણા જેવી દુઃખ તકલીફો સહી છે. યહોવાહની ભક્તિ કરવાથી ને ઈસુના પગલે ચાલવાથી તેઓએ ઘણી સતાવણી સહી છે. અરે, ઘણા તો મોતને ભેટ્યા! તોપણ તેઓ ‘પ્રભુની સાક્ષી વિષે, શરમાયા નહિ; પણ દુઃખ સહેવામાં ભાગ લીધો.’ (૨ તીમોથી ૧:૮) તેઓએ દુઃખ તકલીફો સહી હોવાથી આપણને સારી રીતે સમજી શકશે. હમદર્દી બતાવી શકશે. પ્રેમ ને દયા બતાવી શકશે. આપણને સારી રીતે મદદ કરી શકશે.—પ્રકટીકરણ ૫:૧૦; ૧૪:૨-૫; ૨૦:૬.

ધરતી પર જીવવાની મઝા

૧૨, ૧૩. દુઃખ-તકલીફો સહેવાથી આપણને શું લાભ થશે?

૧૨ સ્વર્ગમાં જવાની આશા નથી, તેઓ વિષે શું? તેઓ પૃથ્વી પર જીવશે. યહોવાહના રાજમાં પૃથ્વી સ્વર્ગ જેવી થઈ જશે. બીમારી, ઘડપણ કે મરણનું નામો-નિશાન નહિ હોય. પણ એ દિવસ આવે ત્યાં સુધી દુઃખ-તકલીફો સહેવાથી શું લાભ થશે? એનાથી આપણે સારા ગુણો કેળવી શકીશું. વધુ સારા બની શકીશું. મનની શાંતિ ને આનંદ મળશે.

૧૩ એના વિષે બાઇબલ કહે છે: “જો તમે ન્યાયીપણાને સારૂ સહન કરો છો, તો તમને ધન્ય છે.” “જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે.” (૧ પીતર ૩:૧૪; ૪:૧૪) “જ્યારે લોક તમારી નિંદા કરશે, ને પૂઠે લાગશે, ને મારે લીધે તમારી વિરૂદ્ધ તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ; કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે.” (માત્થી ૫:૧૧, ૧૨) ‘જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે; કેમ કે પાર ઊતર્યા પછી, તેને જીવનનો મુગટ મળશે.’—યાકૂબ ૧:૧૨.

૧૪. સતાવણીમાં પણ યહોવાહના ભક્તો કેમ હરખાય છે?

૧૪ ખરું કે દુઃખી થવાનું કોઈને ગમતું નથી. પણ યહોવાહની ભક્તિ કરવાથી ને ઈસુના પગલે ચાલવાથી દુઃખ-તકલીફો સહન કરીએ ત્યારે આપણને આનંદ થાય છે. એક દાખલો લઈએ. પહેલી સદીમાં પ્રેરિતો ઈસુ વિષે પ્રચાર કરતા હતા. તેથી અમુકને જેલમાં નાખવામાં આવ્યા. પછી યહુદી હાઈકોર્ટમાં લાવવામાં આવ્યા. એ કોર્ટે તેઓને ગુનેગાર ઠરાવ્યા. તેઓને ચાબુકથી માર મારીને છોડી દીધા. પછી તેઓએ શું કર્યું? “તેઓ તે નામને લીધે અપમાન પામવા જોગ ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭-૪૧) જોકે, તેઓએ માર ખાધો એટલે હરખાયા ન હતા. પણ યહોવાહની ભક્તિ કરવાથી ને ઈસુના પગલે ચાલવાથી સજા થઈ એટલે હરખાયા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૫; ૨ કોરીંથી ૧૨:૧૦; ૧ પીતર ૪:૧૩.

૧૫. દુઃખ-તકલીફો સહેવાથી આપણને ભાવિમાં કેવો લાભ થશે?

૧૫ યહોવાહની ભક્તિ કરવાથી દુઃખ-તકલીફો આવે તો ખુશ થવું જોઈએ. આમ આપણે એને સહન કરતા શીખીશું. પછી આપણે મોટી કસોટીઓ પણ સહન કરી શકીશું. યાકૂબ ૧:૨, ૩, કહે છે: “મારા ભાઈઓ, જ્યારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો; કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્‍ન થાય છે.” એ જ રીતે રૂમી ૫:૩-૫, કહે છે: “આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે; અને આશા શરમાવતી નથી.” ઈસુના પગલે ચાલવાથી આપણે આજે દુઃખ-તકલીફો સહન કરીશું તો, આવતા દિવસોમાં વધારે સહન કરી શકીશું.

યહોવાહ આશીર્વાદ આપશે

૧૬. ૧,૪૪,૦૦૦એ જે દુઃખ-તકલીફો સહી, એનો યહોવાહ કેવો આશીર્વાદ આપશે?

૧૬ યહોવાહની ભક્તિ કરવાથી આપણી સતાવણી થાય, માલ-મિલકત લૂંટાઈ જાય, તોય આપણને ચિંતા થતી નથી. આપણને પૂરો ભરોસો છે કે યહોવાહ એ ખોટ ભરપાઈ કરી આપશે. દાખલા તરીકે ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે તેઓને પાઊલે લખ્યું: ‘તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે, એ તમે જાણો છે.’ (હેબ્રી ૧૦:૩૪) યહોવાહ ને ઈસુના માર્ગદર્શન પ્રમાણે તેઓ સ્વર્ગમાંથી આપણા પર આશીર્વાદો વરસાવશે. ત્યારે તેઓના આનંદનો પાર નહિ હોય! પાઊલે ઈશ્વરભક્તોને કહ્યું: ‘હું એમ માનું છું, કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે એની સાથે દુઃખોની કંઈ સરખામણી નથી.’—રૂમી ૮:૧૮.

૧૭. યહોવાહ આપણને કેવા આશીર્વાદો આપશે?

૧૭ યહોવાહની ભક્તિમાં આપણે રાજીખુશીથી કંઈ જતું કરીએ કે ગુમાવીએ તો યહોવાહ શું કરશે? સ્વર્ગ જેવી ધરતી પર અમર જીવન આપશે. ત્યાં બીમારી, ઘડપણ કે મરણ નહિ હોય! તેમ જ, યહોવાહ ‘આપણાં દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’ (પ્રકટીકરણ ૨૧:૪) કેટલું સુંદર વરદાન! યહોવાહની ભક્તિ માટે આપણે કંઈ ગુમાવીએ કે જતું કરીએ તો, નવી દુનિયામાં તે સોગણા આશીર્વાદો આપશે. તે આપણને ભૂલશે નહિ!

૧૮. યહોવાહે કયું વરદાન આપ્યું છે?

૧૮ આપણા પર દુઃખ-તકલીફો કે સતાવણી આવે તોય ગભરાઈશું નહિ, કેમ કે યહોવાહ નવી દુનિયામાં એટલા આશીર્વાદ આપશે કે આપણા આનંદનો પાર નહિ હોય. યશાયાહ ૬૫:૧૭, ૧૮, કહે છે: “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, મનમાં આવશે નહિ. પણ હું જે ઉત્પન્‍ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ; કેમ કે હું યરૂશાલેમને આનંદમય તથા તેના લોકને હર્ષમય ઉત્પન્‍ન કરું છું.” યાકૂબે લખ્યું: “જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે.” (યાકૂબ ૫:૧૧) દુઃખ-તકલીફોમાં આપણે તન-મન-ધનથી યહોવાહની ભક્તિ કરતા રહીશું તો તેમની કૃપા પામીશું. (w 07 8/15)

આપણે શું શીખ્યા?

• દુઃખનો જન્મ કઈ રીતે થયો?

• ૧,૪૪,૦૦૦ અને આપણને દુઃખ-તકલીફો સહેવાથી શું લાભ થશે?

• દુઃખ તકલીફોમાં પણ આપણે કેમ આનંદી રહેવું જોઈએ?

[Study Questions]

[Picture on page 13]

આદમ ને હવા અમર જીવન જીવી શક્યા હોત

[Picture on page 15]

લોકોની દુઃખ-તકલીફો જોઈને ઈસુને રાજા ને પ્રમુખ યાજક બનવામાં મદદ મળી

[Picture on page 17]

પ્રેરિતો ઈસુના નામને લીધે અપમાન પામ્યા હોવાથી હરખાયા