આપણે ઈશ્વરના માર્ગે જ ચાલીએ
આપણે ઈશ્વરના માર્ગે જ ચાલીએ
‘ઈસુ બધા માણસોને માટે મરણ પામ્યા, તેથી હવે જેઓ જીવે છે તેઓ પોતાને માટે નહિ, પણ ઈસુને માટે જીવે.’—૨ કોરીંથી ૫:૧૫, પ્રેમસંદેશ.
૧. એરોનભાઈએ શું કર્યું એ જણાવો.
એરોનભાઈ * આફ્રિકામાં મિશનરી છે. તે જણાવે છે: “અંદરો અંદરની લડાઈ દરમિયાન એક નાનકડાં ગામમાં, એક મંડળ એકલું પડી ગયું હતું. કોઈ ત્યાં પહોંચી શકતું નહિ. લડાઈ પત્યા પછી સૌથી પહેલાં અમારી ગાડી ત્યાં પહોંચી. ગાડીમાં અમે તેઓ માટે ખોરાક લાવ્યા, કપડાં લાવ્યા અને આપણાં પુસ્તકો પણ લાવ્યાં હતાં. જેહોવાહ્સ વિટ્નેસિઝ—ધી ઓર્ગેનાઇઝેશન બિહાઇન્ડ ધ નેઈમ * વીડિયો ફિલ્મ પણ લાવ્યા હતા. ગામડાંનાં ઝૂપડાંમાં અમે ટીવી ને વિડીયો ગોઠવ્યાં ને ઘણાએ ફિલ્મ જોઈ. ટોળું એટલું મોટું હતું કે એ ફિલ્મ બે વખત બતાવવી પડી. આ ફિલ્મ જોયા પછી ઘણા લોકોને બાઇબલમાંથી શીખવાનું મન થઈ ગયું. અમને થયું અમારી મહેનત ખરેખર રંગ લાવી.”
૨. (ક) શા માટે આપણું જીવન ઈશ્વરની સેવામાં ગાળવું જોઈએ? (ખ) આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
૨ એરોનભાઈ અને બીજા ભાઈઓએ એ નાનકડાં ગામને સાથ આપવા કેમ એટલી બધી મહેનત કરી? એક તો, તેઓ માટે ખુદ ઈસુએ જીવન કુરબાન કર્યું હતું. એટલે એરોનભાઈ અને બીજા ભાઈઓ બસ ઈશ્વરને માર્ગે જ ચાલવા માંગે છે. આપણે પણ “હવેથી પોતાને અર્થે નહિ” પણ “સુવાર્તાની ખાતર” મહેનત કરીએ છીએ. (૨ કોરીંથી ૫:૧૫; ૧ કોરીંથી ૯:૨૩) આપણે યહોવાહના નામનો પ્રચાર કરીએ છીએ. કેમ કે, આપણને ખબર છે કે આ જગતનો અંત આવશે ત્યારે પૈસા, માન-મોભો કંઈ કામ નહિ આવે. (સભાશિક્ષક ૧૨:૧) તો પ્રશ્નો એ ઊભા થાય કે, કઈ કઈ રીતે સત્યમાં સેવા કરી શકાય? એ માટે આપણે હિંમત, શક્તિ ક્યાંથી મેળવી શકીએ?
ઈશ્વરભક્તિમાં એક-પછી-એક પગલાં લો
૩. સત્યમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ?
૩ આપણે સત્યમાં કઈ કઈ રીતે આગળ વધી શકીએ? સૌથી પહેલાં તો આપણે દેવશાહી સેવા શાળામાં ભાગ લઈ શકીએ. રોજ બાઇબલ વાંચી શકીએ. સત્યનો સંદેશો ફેલાવી શકીએ. બાપ્તિસ્મા લઈ શકીએ. આ રીતે સત્યમાં આપણી પ્રગતિ થઈ શકે. પાઊલે જણાવ્યું કે “એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.” (૧ તીમોથી ૪:૧૫) આ પ્રગતિ બધાને દેખાડો કરવા માટે નથી. કે નથી એમાં કોઈ જાતનો સ્વાર્થ. પણ આ પ્રગતિ આપણી ભક્તિ છે. ઈશ્વરનો પ્રેમ છે. આપણે એમનો સથવારો લઈએ છીએ. એમના સથવારા વગર તો આપણને કેમ ચાલે!—ગીતશાસ્ત્ર ૩૨:૮.
૪. આપણે કઈ કઈ રીતે ચિંતા દૂર કરી શકીએ?
૪ આપણે સત્યમાં પ્રગતિ કરવી હોય તો, બીજાની સેવા કરવામાં કોઈ જાતની ચિંતા ન કરવી જોઈએ, કે અચકાવું ન જોઈએ. આપણે અચકાશું તો કંઈ નહિ કરી શકીએ. (સભાશિક્ષક ૧૧:૪) સૌથી પહેલાં તો આપણે પોતાની ચિંતા છોડી દેવી જોઈએ. દાખલા તરીકે, એરીકભાઈને બીજી ભાષા બોલતા મંડળમાં મદદ કરવી હતી. પણ એ જરા અચકાતા હતા. “શું મને ફાવશે? મંડળમાં બધા સાથે હળી-મળી શકીશ?” આવા વિચારો કરતા કરતા એમને ખબર પડી કે “હું તો બસ મારો જ વિચાર કરતો હતો. મારે પોતાનું નહિ પણ બીજાનું જોવું જોઈએ. મેં બધી ચિંતા છોડી ને બસ મારાથી જે થઈ શકે એ કરવા તૈયાર થઈ ગયો. પ્રાર્થના કરી અને એ મંડળમાં ગયો. ખૂબ જ મજા આવી. ઘણા આશીર્વાદો પણ મળ્યા.” (રૂમી ૪:૨૦) આપણે પોતાનું જ ન જોવું જોઈએ. સેવામાં સ્વાર્થ ન હોવો જોઈએ. તો જ આપણને મજા આવશે.
૫. સત્યમાં પ્રગતિ કરવી હોય તો શા માટે સમજી-વિચારીને પગલાં લેવાં જોઈએ? દાખલો આપો.
૫ મોંઘવારીના દિવસોમાં આપણે સમજી-વિચારીને જીવન ગુજારવું જોઈએ. દેવામાં અટવાઈ જઈશું તો સત્યમાં સેવા કરવાનો સમય નહિ મળે. આપણે બસ દેવું ચૂકવવાનાં વમળમાં ફસાઈ જઈશું. બાઇબલ જણાવે છે કે “દેણદાર લેણદારનો દાસ” થઈ જાય છે. (નીતિવચનો ૨૨:૭) યહોવાહમાં ભરોસો રાખીએ અને સત્ય જીવનમાં પહેલું મૂકીએ તો તે આપણું ધ્યાન રાખશે. ગોઉમિંગભાઈ, તેમની બે બહેનો અને માતા બધાય એક જ ઘરમાં રહે છે. તેઓના એરિયામાં મોંઘવારી ઘણી છે. નોકરી સહેલાઈથી મળતી નથી. બધાય કરકસર કરીને જીવન ગુજારે છે. ગોઉમિંગભાઈ જણાવે છે: “અમારી પાસે પૂરતી આવક ન હોય તોય કરકસર કરવાથી અમારું ગાડું ચાલે ને અમે પાયોનિયર સેવા કરી શકીએ. અમારી બાનું ધ્યાન પણ રાખી શકીએ. અમારી બાનો પણ અમને સાથ છે, તેણે કોઈ દિવસ અમારી પાસેથી માંગ માંગ કર્યું નથી. પણ જે હોય એનાથી સંતોષ માન્યો છે.”—૨ કોરીંથી ૧૨:૧૪; હેબ્રી ૧૩:૫.
૬. આપણાં જીવનમાં ફેરફાર કરીને ઈશ્વરને માર્ગે ચાલી શકીએ એનો દાખલો આપો.
૬ તમે ધન-દોલત કમાવામાં, કે બીજી કોઈ બાબતમાં ઊંડા ઊતરી ગયા હો તો, ઘણા ફેરફારો કરવા પડશે, જેથી ઈશ્વરની ભક્તિ કરી શકો. એવા ફેરફારો રાતોરાત નથી થઈ શકતા. પણ હિંમત ન હારતા. ગમે એ થાય, ફેરફારો કરવાનું ચાલુ જ રાખજો. ઈશ્વરભક્તિ જીવનમાં પહેલા મૂકજો. કોઈચીભાઈ તરૂણ વયે બાઇબલમાંથી શીખતા. પણ તેમને વીડિયો ગેઇમ રમવી ખૂબ જ ગમતી. એમાં ને એમાં જ ટાઇમ પસાર કરતા. પછી ત્રીસેક વર્ષના થયા ત્યારે એક દિવસ તેમને થયું, ‘આ હું શું કરું છું? આમને આમ મારો ટાઇમ બગડે છે. આવી રીતે કંઈ જીવાય નહિ.’ કોઈચીભાઈએ બાઇબલમાંથી શીખવાનું પાછું શરૂ કર્યું. ધીમે ધીમે ફેરફારો કર્યા. તેમણે યહોવાહને મદદની ભીખ માંગી. મંડળમાંથી મદદ મળી. સથવારો મળ્યો. છેવટે તે વીડિયો ગેઇમનાં વ્યસનમાંથી છૂટકારો મેળવી શક્યા. (લુક ૧૧:૯) કોઈચીભાઈ હવે સેવકાઈ ચાકર છે.
હદબહાર ન જઈએ
૭. સેવાકાર્ય કરતી વખતે શું વિચારવું જરૂરી છે?
૭ યહોવાહની સેવા આપણે દિલથી કરવી જોઈએ. સેવાકાર્યની બાબતમાં આપણે કદીએ અચકાવું ન જોઈએ. કદીએ આળસ ન કરવી જોઈએ. (હેબ્રી ૬:૧૧, ૧૨) પણ એનો અર્થ એ નથી કે આપણે સેવા કરી કરીને થાકી પાકીને લોથપોથ થઈ જઈએ. આપણે પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઈશ્વરનું કામ કરવા માટે આપણે તેમના પર નભવું જોઈએ. તેમની શક્તિ પર નભવું જોઈએ. (૧ પીતર ૪:૧૧) યહોવાહની સેવા કરવા માટે, એમનું કામ કરવા માટે તે ખુદ આપણને શક્તિ આપે છે. ઈશ્વર નથી ચાહતા કે આપણે હદબહાર જઈએ. (૨ કોરીંથી ૪:૭) આપણને થાક ન લાગે એવી રીતે યહોવાહની સેવા કરવી હોય તો આપણી શક્તિનો સરખી રીતે ઉપયોગ કરવો જોઈએ. આપણી શક્તિ વેડફી ન નાખીએ.
૮. ફૂલ ટાઇમ નોકરી અને પાયોનિયર સેવા કરતી એક બહેનને શું થયું? તેમણે કેવા ફેરફાર કર્યા?
૮ જી હેય બહેન બે વર્ષથી પાયોનિયરીંગ કરતી હતી. સાથે સાથે ફૂલ ટાઇમ જૉબ પણ કરતી હતી. તે કહે છે: “હું પાયોનિયરીંગ કરતી ને ફૂલ ટાઇમ કામ પણ કરતી. મને ફક્ત પાંચેક કલાકની જ ઊંઘ મળતી. સત્યમાં મગજ કામ કરતું ન હતું. પછી સત્યમાં મારી જે મજા હતી એ પણ મરી ગઈ.” જી હેયએ બીજી નોકરી શોધી, જેથી તે તન-મનથી યહોવાહની ભક્તિ કરી શકે. (માર્ક ૧૨:૩૦) “મારું ફૅમિલી એ જ ચાહતું કે હું પૈસા કમાઉં. પણ હું તેઓનાં દબાણમાં ન આવી. યહોવાહની ભક્તિ જીવનમાં પહેલાં મૂકી, પછી કામ. હવે હું બસ રોજી-રોટી ને પહેરવા માટે કપડાં મળી રહે એટલું જ કમાઉં છું. પણ હવે મને વધું ઊંઘ મળે છે. પ્રચાર કામમાં પણ મજા આવે છે. યહોવાહની ભક્તિ કરવાની શક્તિ મળે છે. હવે હું ખરેખર આ જગતની માયા જાળમાંથી છૂટી.”—સભાશિક્ષક ૪:૬; માત્થી ૬:૨૪, ૨૮-૩૦.
૯. આપણે પ્રચારમાં જે કંઈ કરીએ એની લોકો પર કેવી છાપ પડી શકે?
૯ બધાય પાયોનિયર સેવા કરી ન શકે. ઘડપણમાં પાયોનિયર બનવું અઘરું છે. તબિયત સારી ન રહેતી હોય તો પાયોનિયર બનવું અઘરું છે. બીજા અનેક સંજોગો આપણને પાયોનિયર બનતા રોકે છે. ભલે આપણે પાયોનિયર હોઈએ કે નહિ, પ્રચારમાં આપણાંથી જે કંઈ થઈ શકે એ યહોવાહ પ્રેમથી સ્વીકારે છે. (લુક ૨૧:૨, ૩) આપણે એમ ન ધારવું જોઈએ કે પ્રચારમાં આપણી મહેનત પાણીમાં જાય છે. દાખલા તરીકે, આપણે થોડાં ઘણાં જ બારણાં ખખડાવ્યાં હોય પણ લોકોને સત્ય વિષે જાણવું ન હતું. આપણે ચાલ્યા જઈએ પછી પણ તેઓ આપણા વિષે વાતો કરતાં હોઈ શકે. અરે, ઘણા તો બારણું ખોલે પણ નહિ છતાં આપણે એ એરિયામાં સત્ય ફેલાવતા હતા એ વિષે વાતો કરતા હોઈ શકે. એવું નથી કે બધાય સત્યનો સંદેશ સાંભળશે. (માત્થી ૧૩:૧૯-૨૩) ઘણા લોકોના સંજોગો બદલાય પછી તેઓ સત્ય સ્વીકારે છે. આપણાથી ગમે એટલો પ્રચાર થાય, આપણે ખરેખર ઈશ્વરનું કામ કરીએ છીએ. આપણે ખરેખર ઈશ્વરની “સાથે કામ કરનારા છીએ.”—૧ કોરીંથી ૩:૯.
૧૦. મંડળમાં આપણે શું કરી શકીએ?
૧૦ આપણે પોતાનાં ફૅમિલીને સત્યમાં મક્કમ રહેવા માટે મદદ કરી શકીએ. મંડળમાં ભાઈ-બહેનોને સથવારો આપી શકીએ. (ગલાતી ૬:૧૦) જેમ જેમ બીજાઓ પર આપણી સારી અસર પડશે, તેમ તેમ તેઓ પણ બીજાઓને મદદ કરી શકશે. (સભાશિક્ષક ૧૧:૧, ૬) વડીલો અને સેવકાઈ ચાકરો રાજી-ખુશીથી મંડળોમાં બધાયને મદદ કરી શકે. તેઓ પોતાની જવાબદારી સારી રીતે ઉઠાવશે તેમ મંડળ મજબૂત રહેશે. તેઓની શ્રદ્ધા અખંડ રહેશે. મંડળમાં પ્રચાર કામ માટે કે બીજું કોઈ પણ કામ કરવા માટેની હોંશ જાગશે. આપણું જીવન પ્રભુના કામમાં ગાળીશું તો એ જીવન, એ કામ “નિરર્થક નથી.”—૧ કોરીંથી ૧૫:૫૮.
જીવનભર યહોવાહને માર્ગે ચાલવું
૧૧. મંડળમાં સેવા આપવા સાથે યહોવાહની સેવામાં બીજી કઈ ગોઠવણો છે?
૧૧ આપણે જીવનની હરેક પળે યહોવાહને મહિમા આપવા ચાહીએ છીએ. (૧ કોરીંથી ૧૦:૩૧) આપણે દિલથી પ્રચાર કરીએ. લોકોને યહોવાહ વિષે શીખવીએ. આપણા ધર્મમાં આ રીતે સેવા કરવા માટે ઘણી ગોઠવણો છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આપણાં મંડળમાં જે કંઈ ગોઠવણો હોય એને ટેકો આપીએ. એ સિવાય બીજા કોઈ મંડળમાં મદદની જરૂર હોય તો ત્યાં જઈ શકીએ. બીજે ક્યાંય પ્રચાર કરવા માટે મદદની જરૂર હોય તો એમાં મદદ કરી શકીએ. બીજી કોઈ ભાષા શીખીને મદદ કરવાની હોય તો એમ કરી શકીએ. બીજા કોઈ દેશમાં જઈને પણ આપણાં ભાઈઓને સાથ આપી શકીએ. કુંવારા વડીલો અને સેવકાઈ ચાકરો મિનિસ્ટ્રીયલ ટ્રેનિંગ સ્કૂલમાં જઈ શકે. પછી જે કોઈ મંડળોમાં ભાઈઓની ખાસ જરૂર હોય એમાં સેવા આપી શકે. પાયોનિયર સેવા આપતા યુગલો ગીલીયડ સ્કૂલમાં જઈ શકે. બેથેલમાં, બેથેલ હોમ કે કિંગ્ડમ હૉલના બાંધકામમાં પણ ભાઈ-બહેનોની અનેક કામ માટે હંમેશા જરૂર પડે છે.
૧૨, ૧૩. (ક) તમે કઈ રીતે નક્કી કરી શકો કે યહોવાહની સેવા કરવા કઈ ગોઠવણમાં ભાગ લેવો? (ખ) તમે જે કંઈ શીખ્યા હો એ બીજી કઈ કઈ રીતે કામ આવી શકે?
૧૨ યહોવાહની ભક્તિમાં આવી તો ઘણી ગોઠવણો છે. તમે કઈ રીતે યહોવાહની સેવા કરશો? યહોવાહની મદદ માંગો, તેમની સંસ્થાને તમે કઈ રીતે કામ આવી શકો એ જુઓ. પછી યહોવાહ તમને માર્ગદર્શન આપશે. ખરો નિર્ણય લેવા મદદ કરશે. (નહેમ્યાહ ૯:૨૦) યહોવાહની સેવામાં આપણે જે કંઈ મહેનત કરીએ, જે કંઈ શીખીએ એ કંઈ પાણીમાં જતું નથી. એ પછી યહોવાહની ભક્તિમાં બીજી અનેક રીતે કામ આવશે.
૧૩ ડેનિસ અને એની પત્ની જેની કિંગ્ડમ હૉલ બાંધકામમાં કાયમ મદદ કરે છે. દક્ષિણ અમેરિકામાં હરીકેન કેટરીના વાવાઝોડું આવ્યું અને એ એરિયાને વેરવિખેર કરતું ગયું. ડેનિસભાઈ અને જેનીએ એ એરિયામાં રાહતકામમાં ઘણી મદદ કરી. ડેનિસ જણાવે છે કે, “કિંગ્ડમ હૉલ બાંધકામમાં અમે શીખ્યા હતા એ આવડત હવે ભાઈ-બહેનોનાં ઘરો બાંધવામાં કામ આવી. ભાઈ-બહેનોએ અમારો દિલથી પાડ માન્યો. યહોવાહના સાક્ષીઓએ ૫,૩૦૦થી વધારે ઘરો બાંધ્યા કે એને રિપૅર કર્યા. બીજાં ઘણાં કિંગ્ડમ હૉલ પણ બાંધ્યાં કે રિપેર કર્યાં. એવું કામ તો ત્યાં કોઈ નથી કરી શક્યું. જે લોકો યહોવાહ વિષે નથી જાણતા તેઓ પણ આ જોઈને યહોવાહ વિષે શીખવા લાગ્યા છે.”
૧૪. પાયોનિયર સેવા કરવી હોય તો આપણે શું કરવું જોઈએ?
૧૪ તમે પાયોનિયર સેવા કરી શકો તો ઘણા આશીર્વાદો મળશે. તમારા સંજોગોમાં પણ ફેરફાર કરી શકો જેથી પાયોનિયરીંગ કરવાનો રસ્તો ખૂલે. નહેમ્યાહની જેમ પ્રાર્થના કરો. નહેમ્યાહને સેવા કરવાની તરસ હતી. ખૂબ જ તરસ હતી. ‘હે પ્રભુ, આ તારા સેવકને તું સફળ કર.’ (નહેમ્યાહ ૧:૧૧) યહોવાહ તો “પ્રાર્થનાના સાંભળનાર” છે એ ભરોસો રાખીને પાયોનિયર સેવા કરવા માટે પગલાં લઈ શકો. (ગીતશાસ્ત્ર ૬૫:૨) પગલાં લેવાની ફરજ આપણી છે. એ લઈશું તો યહોવાહ જરૂર આશીર્વાદ આપશે. પાયોનિયરીંગ કરવાનું નક્કી કરીને પછી પાછા ન પડીએ. જેમ જેમ વધુ પાયોનિયર સેવા કરીશું તેમ તેમ આપણે લોકોને યહોવાહ વિષે સારી રીતે શીખવી શકીશું.
યહોવાહની સેવા કરવામાં જીવન ગુજારીએ
૧૫. (ક) આપણે શા માટે પાયોનિયરો સાથે વાત કરવી જોઈએ અને પાયોનિયરોના અનુભવો વાંચવા જોઈએ? (ખ) પાયોનિયર વિષે વાંચેલી કોઈ જીવનકથા તમને ગમી ગઈ હોય તો એ જણાવો.
૧૫ જીવનભર પાયોનિયરીંગ કરીશું તો કેવા આશીર્વાદો મળશે? જે સેવકોએ ઘણાં વર્ષોથી પાયોનિયરીંગ કર્યું હોય તેઓની સાથે વાત કરો. તેઓને અઢળક આશીર્વાદો મળ્યા છે. (નીતિવચનો ૧૦:૨૨) તેઓ તમને કહેશે કે સુખ-દુઃખમાં યહોવાહે હંમેશાં તેઓને નિભાવી રાખ્યા છે. (ફિલિપી ૪:૧૧-૧૩) ૧૯૫૫થી ૧૯૬૧માં ધ વૉચટાવરમાં આ વિષય હેઠળ ખાસ લેખો છપાયા હતા, “પાયોનિયર સેવા કરવાથી મને કેવા આશીર્વાદ મળ્યા.” આમાં જેઓએ પાયોનિયર સેવા કરી તેઓની જીવન કથા છપાઈ હતી. પ્રેરિતોના કૃત્યોમાં પ્રચાર કામ માટે જે હોંશ, જે ધગસ, જે પ્રેમ જોવા મળે છે એ જ હોંશ, એ જ ધગસ, એ જ પ્રેમ આપણા ભાઈ-બહેનોની જીવનકથામાં જોવા મળે છે. એવી તો અનેક જીવનકથાઓ છપાઈ છે. એ વાંચવાથી પાયોનિયરીંગ કરવા માટે આપણો પ્રેમ જાગે છે.
૧૬. શા માટે યહોવાહના સેવકોને ખરો આનંદ થાય છે?
૧૬ શરૂઆતમાં એરોનભાઈની વાત થઈ. તે જણાવે છે: “આફ્રિકામાં જુવાનિયાઓ રખડી પડ્યા છે. શું કરવું, શું નહિ કંઈ સૂઝતું નથી. અમે તો યહોવાહના સેવકો છીએ, અમે નથી રખડી પડ્યા. અમે યહોવાહને માર્ગે જઈએ છીએ. તેમનો સંદેશો લોકોને જણાવીએ છીએ. એમાં જ ખરી મજા છે. એમાં જ ખરો આનંદ છે. અમે જોઈ શકીએ છીએ કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
૧૭. અત્યારે શા માટે આપણે તનમનથી યહોવાહની સેવા કરવી જોઈએ?
૧૭ તમારા વિષે શું? તમે શું કરો છો? યહોવાહની સેવામાં શું કરવું છે એ તમારે નક્કી કરવું જોઈએ. નહિ તો આપણું જીવન આમતેમ શેતાનની દુનિયામાં અટવાઈ જશે. જલદી જ મહાન વિપત્તિ આવશે ત્યારે પૈસા કે માનમોભો કંઈ કામ નહિ આવે. ત્યારે ફક્ત યહોવાહનો સથવારો જ કામ આવશે. જો આપણે યહોવાહની સેવા કરીશું, પ્રચાર કરીશું, બીજા લોકોને શીખવીશું તો પુષ્કળ આશીર્વાદો મળશે.—માત્થી ૨૪:૨૧; પ્રકટીકરણ ૭:૧૪. (w07 10/1)
[Footnotes]
^ અમુક નામ બદલ્યાં છે.
^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલ છે.
તમે સમજાવશો?
• આપણે જે સેવા કરી શકીએ એના વિષે યહોવાહને કેવું લાગે છે?
• યહોવાહ અને બીજાઓની સેવામાં આપણે શા માટે સમજી-વિચારીને પગલાં લેવાં જોઈએ?
• યહોવાહની સેવા કરવાની કઈ કઈ ગોઠવણો છે?
• આપણે યહોવાહના આશીર્વાદ પામવા અત્યારે કઈ રીતે જીવન જીવી શકીએ?
[Study Questions]
[Pictures on page 24]
તનમનથી યહોવાહની સેવા કરવા ધ્યાન રાખવું જોઈએ, જેથી બીજી બાબતોમાં આપણું ધ્યાન ફંટાઈ ન જાય
[Pictures on page 25]
યહોવાહની સેવા કરવાની અનેક ગોઠવણો છે