સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તમારા પિતા દયાળુ છે’

‘તમારા પિતા દયાળુ છે’

‘તમારા પિતા દયાળુ છે’

‘જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.’—લુક ૬:૩૬.

૧, ૨. ઈસુએ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને પોતાના મિત્રોને શું કહ્યું? આપણે કેમ દયાળુ બનવું જોઈએ?

 યહોવાહે ઈસ્રાએલીઓને મુસા દ્વારા ૬૦૦ જેટલા નાના-મોટા નિયમો આપ્યા હતા. એ પ્રમાણે તેઓએ જીવવાનું હતું. તેમ જ, તેઓએ એકબીજાને દયા બતાવવાની હતી. એ જ સૌથી મહત્ત્વનું હતું. ફરોશીઓના દિલમાં લોકો માટે દયાનો છાંટોય ન હતો. ઈસુએ તેઓને બે વાર ઠપકો આપીને જણાવ્યું કે ઈશ્વર કહે છે: “યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.” (માત્થી ૯:૧૦-૧૩; ૧૨:૧-૭; હોશીઆ ૬:૬) ઈસુએ કહ્યું: ‘ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો, એટલે ન્યાય તથા દયા તથા વિશ્વાસ, તમે પડતાં મૂક્યાં છે; એ તમારે પડતાં મૂકવાં જોઈતા ન હતાં.’—માત્થી ૨૩:૨૩.

ઈસુને મન દયા બતાવવી એ સૌથી મહત્ત્વનું હતું. તેમણે પોતાના મિત્રોને કહ્યું: ‘જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.’ (લુક ૬:૩૬) યહોવાહ જેવા બનવા માટે આપણે પ્રથમ દયા વિષે શીખવું જોઈએ. (એફેસી ૫:૧) પછી બીજાઓને સારી રીતે દયા બતાવી શકીશું.

દુખિયારા અને લાચારને દયા બતાવીએ

૩. આપણે કેમ યહોવાહ પાસેથી દયા વિષે શીખવું જોઈએ?

એક ઈશ્વરભક્તે ભજનમાં ગાયું: ‘યહોવાહ કૃપાળુ તથા રહેમી છે; તે કોપ કરવામાં ધીમા તથા અતિ કરુણામય છે. યહોવાહ સર્વનું ભલું ચાહે છે; તે સર્વને દયા બતાવે છે.’ (ગીતશાસ્ત્ર ૧૪૫:૮, ૯) યહોવાહ ‘કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો ઈશ્વર છે.’ (૨ કોરીંથી ૧:૩) યહોવાહ દયાથી ભરપૂર છે. દયાળુ વ્યક્તિ દરેક સાથે તેમની જેમ દયાભાવથી વર્તશે. તેમના શિક્ષણ અને દાખલામાંથી આપણે દયાનો ખરો અર્થ શીખી શકીશું.

૪. યશાયાહ ૪૯:૧૫, આપણને દયા વિષે શું શીખવે છે?

યહોવાહે યશાયાહ ૪૯:૧૫માં કહ્યું: “શું, સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય?” “દયા” માટે વપરાયેલો હેબ્રુ શબ્દ ગીતશાસ્ત્ર ૧૪૫:૮, ૯માં “કૃપાળુ” સાથે જોડાયેલો છે. કોઈ પણ માને પોતાના ધાવણા બાળક પર મમતા હોય છે. તે ભૂખ્યું હોવાથી રડે કે તેને બીજા કશાની જરૂર હોય ત્યારે મા તેના પર દયા બતાવે છે. એવી જ રીતે યહોવાહ પણ પોતાના ભક્તો પર મમતા રાખે છે. તેઓને દયા બતાવે છે.

૫. યહોવાહે ઈસ્રાએલીઓને કઈ રીતે બતાવ્યું કે પોતે ‘કરુણાથી ભરપૂર છે?’

કોઈના પર દયા આવવી અને તેને મદદ કરવી એ બંનેમાં મોટો ફરક છે. ૩,૫૦૦ વર્ષ પહેલાં યહોવાહના ભક્તો મિસર કે ઇજિપ્તમાં ગુલામ હતા. ત્યારે યહોવાહે શું કર્યું એનો વિચાર કરો. તેમણે મુસાને કહ્યું: ‘મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચે જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું; અને મિસરના હાથમાંથી તેઓને છોડાવવા સારૂ, ને તે દેશમાંથી તેઓને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશમાં લઈ જવા સારૂ હું ઊતર્યો છું.’ (નિર્ગમન ૩:૭, ૮) પછી યહોવાહે ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. એના લગભગ ૫૦૦ વર્ષ પછી યહોવાહે ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું: “હું મિસરમાંથી ઈસ્રાએલને કાઢી લાવ્યો, ને મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારાં સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા.” (૧ શમૂએલ ૧૦:૧૮) ઈસ્રાએલીઓ વારંવાર યહોવાહના ધોરણોથી દૂર ચાલ્યાં જતાં. એટલે તેઓ દુઃખી થતા. તેઓનું દુઃખ જોઈને યહોવાહને દયા આવતી. યહોવાહે તેઓને વારંવાર દુઃખમાંથી બહાર કાઢ્યા. (ન્યાયાધીશો ૨:૧૧-૧૬; ૨ કાળવૃત્તાંત ૩૬:૧૫) આમાંથી શું જોવા મળે છે? એ જ કે નિરાધાર ને ગરીબ પર તકલીફો આવે ત્યારે યહોવાહ તેઓને મદદ કરે છે. ખરેખર, તે ‘કરુણાથી ભરપૂર છે.’—એફેસી ૨:૪.

૬. યહોવાહની જેમ જ ઈસુએ પણ કઈ રીતે લોકોને દયા બતાવી?

ઈસુએ પણ યહોવાહની જેમ જ લોકોને દયા બતાવી હતી. બે આંધળાએ ઈસુને બૂમ પાડીને કહ્યું: “ઓ પ્રભુ, દાઊદના દીકરા, અમારા પર દયા કર.” તેઓ ચાહતા હતા કે ઈસુ ચમત્કાર કરીને તેઓને દેખતા કરે. ઈસુએ શું કર્યું? બાઇબલ કહે છે કે “ઈસુને દયા આવી, ને તે તેઓની આંખોને અડક્યો, ને તરત તેઓ દેખતા થયા.” (માત્થી ૨૦:૩૦-૩૪) ઈસુ દયાળુ હોવાથી આંધળાને દેખતા કર્યા. ભૂતોની મુઠ્ઠીમાં હતા તેઓને આઝાદ કર્યા. રક્તપિત્તીઆ કે કોઢિયાઓ અને બીમાર બાળકોને સાજા કર્યાં.—માત્થી ૯:૨૭; ૧૫:૨૨; ૧૭:૧૫; માર્ક ૫:૧૮, ૧૯; લુક ૧૭:૧૨, ૧૩.

૭. યહોવાહ અને ઈસુ પાસેથી આપણે દયા વિષે શું શીખી શકીએ?

યહોવાહ અને ઈસુએ દયા બતાવી એના બે પાસાં છે: (૧) તેઓને ગરીબ, દુખિયારા ને લાચાર પર દયા કે કરુણા આવી. (૨) એ લાગણીથી તેઓએ દુખિયારાઓને મદદ કરી. એનો અર્થ એ કે દયાળુ વ્યક્તિ દયા બતાવવાની સાથે બીજાને મદદ પણ કરશે. બાઇબલના શિક્ષણ પ્રમાણે દયાનો શું અર્થ થાય? એ જ કે દુખિયારા ને નિરાધારનું ભલું કરવા તેઓને મદદ કરવી. હવે ધારો કે મંડળમાં કોઈએ મોટી ભૂલ કરી છે. એવા સંજોગમાં વડીલો ન્યાય કરતી વખતે કઈ રીતે દયા બતાવી શકે? શું દયાનો અર્થ એમ થાય કે એ વ્યક્તિને કોઈ સજા ન કરવી?

પાપ કે ભૂલ કરનારને દયા બતાવીએ

૮, ૯. દાઊદ અને બાથ-શેબાને દયા બતાવતી વખતે યહોવાહે શું કર્યું?

દાઊદ રાજાનો વિચાર કરો. તેમણે બાથ-શેબા સાથે વ્યભિચાર કરીને પોતાનું પાપ છાનું રાખ્યું. પણ ઈશ્વરભક્ત નાથાને તેમનું પાપ ખુલ્લું પાડ્યું. દાઊદે શું કર્યું? તેમણે દિલથી પસ્તાવો કરીને પ્રાર્થના કરી: ‘હે ઈશ્વર, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર; તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં પાપ ભૂંસી નાખ. મારા પાપથી મને પૂરો ધો, અને મારા પાપથી મને શુદ્ધ કર. કેમ કે મારું પાપ હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી, હા, તારી જ વિરૂદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તારી દૃષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે.’—ગીતશાસ્ત્ર ૫૧:૧-૪.

આ બતાવે છે કે દાઊદે દિલથી પસ્તાવો કર્યો. શું દાઊદની પ્રાર્થના સાંભળીને યહોવાહે તેમની સજા માફ કરી? અમુક હદે ‘હા’ કહી શકાય. મુસાના નિયમ પ્રમાણે દાઊદ અને બાથ-શેબા બંનેને મોતની સજા થવી જોઈતી હતી. પણ યહોવાહ તેઓને જીવતા રાખે છે. (પુનર્નિયમ ૨૨:૨૨) તોપણ, તેઓએ પાપનું પરિણામ ભોગવવું પડ્યું. (૨ શમૂએલ ૧૨:૧૩) યહોવાહ દયા બતાવે ત્યારે પાપ માફ કરે છે. પણ એનો અર્થ એ નથી કે તે વ્યક્તિને યોગ્ય સજા નહિ કરે.

૧૦. યહોવાહ ન્યાય કરે ત્યારે દયા બતાવે છે, પણ એનાથી શું ન માનવું જોઈએ?

૧૦ બાઇબલ કહે છે: “એક માણસથી [આદમથી] જગતમાં પાપ પેઠું.” અને “પાપનો મુસારો મરણ છે.” એટલે સર્વ ઇન્સાનને મોતની સજા થવી જ જોઈએ. (રૂમી ૫:૧૨; ૬:૨૩) પણ ઇન્સાનનો ન્યાય કરતી વખતે યહોવાહ દયા બતાવે છે. એટલે જ આપણે જીવતા છીએ! એનાથી એમ ન માનવું જોઈએ કે તે હંમેશાં દયા બતાવશે. પુનર્નિયમ ૩૨:૪ કહે છે કે યહોવાહના ‘સર્વ માર્ગો ન્યાયી છે.’ આપણને દયા બતાવતી વખતે યહોવાહ પોતાના ન્યાયી ધોરણોને તજી દેતા નથી.

૧૧. દાઊદ અને બાથ-શેબાનો યહોવાહે કઈ રીતે ન્યાય કર્યો?

૧૧ દાઊદ અને બાથ-શેબાનું પાપ માફ કરવામાં આવે તો જ તેઓની સજા ઘટી શકે. ઈસ્રાએલી ન્યાયાધીશો પાસે એમ કરવાનો હક્ક ન હતો. જો તેઓએ દાઊદ અને બાથ-શેબાનો ન્યાય કર્યો હોત તો, મોતની સજા ફરમાવી હોત. કેમ કે એ યહોવાહનો નિયમ હતો. એ સિવાય તેઓ પાસે બીજો કોઈ ઉપાય ન હતો. પણ યહોવાહે તેઓનો ન્યાય કર્યો. કેમ કે, યહોવાહ તો ‘પૃથ્વીના ન્યાયાધીશ છે.’ તે કોઈનું પણ દિલ કે ‘અંતઃકરણ પારખી’ શકે છે. (ઉત્પત્તિ ૧૮:૨૫; ૧ કાળવૃત્તાંત ૨૯:૧૭) વળી યહોવાહે દાઊદ સાથે કરાર કર્યો હતો. (૨ શમૂએલ ૭:૧૨-૧૬) યહોવાહ દાઊદનું દિલ જાણતા હતા. એ કારણે તેમનું પાપ માફ કર્યું.

૧૨. યહોવાહની દયાનો લાભ લેવા આપણે શું કરવું જોઈએ?

૧૨ આપણને વારસામાં પાપ મળ્યું છે. યહોવાહના નિયમને લીધે આપણને મોતની સજા થઈ. યહોવાહને આપણા પર દયા આવી. તેમણે એવી ગોઠવણ કરી કે પોતાનો નિયમ તોડ્યા વગર આપણને પાપની માફી મળે. યહોવાહે આપણા માટે પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્તની કુરબાની કે ખંડણી આપી. તેમના જેવી દયા કોઈએ બતાવી નથી. (માત્થી ૨૦:૨૮; રૂમી ૬:૨૨, ૨૩) આદમના પાપને કારણે આપણને વારસામાં મોતની સજા મળી છે. એમાંથી બચવા આપણે યહોવાહની દયાનો લાભ લેવો જોઈએ. એ માટે ઈસુ ખ્રિસ્તની કુરબાની પર વિશ્વાસ મૂકવો જોઈએ.—યોહાન ૩:૧૬, ૩૬.

દયાળુ અને ઇન્સાફ કરતા ઈશ્વર

૧૩, ૧૪. શું દયા યહોવાહના ઇન્સાફને અટકાવે છે? સમજાવો.

૧૩ આપણે જોયું કે દયા બતાવતી વખતે યહોવાહ પોતાનો નિયમ તોડતા નથી. તો પછી, યહોવાહ ન્યાય કરે ત્યારે શું તેમની દયા આડે આવે છે? શું તે દયાને લીધે ન્યાય કરવામાં ઢીલા પડે છે? ના, જરાય નહિ.

૧૪ યહોવાહે હોશીઆ દ્વારા ઈસ્ત્રાએલીઓને કહ્યું: “હું સદાને માટે મારી સાથે તારું વેવિશાળ કરીશ [એટલે નાતો બાંધીશ]; હા, હું નેકીથી, ન્યાયથી, રહેમનજરથી તથા કૃપાથી મારી સાથે તારું વેવિશાળ કરીશ.” (હોશીઆ ૨:૧૯) આ શબ્દો પરથી જોવા મળે છે કે યહોવાહની દયા બીજા ગુણો સાથે મળતા આવે છે. એમાં ઇન્સાફ કે ન્યાયના ગુણનો પણ સમાવેશ થાય છે. યહોવાહ ‘દયાળુ, કૃપાળુ અને કોપ કરવામાં મંદ છે. અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની માફી આપે છે. અને દોષિતને નિર્દોષ ઠરાવતા નથી.’ (નિર્ગમન ૩૪:૬, ૭) યહોવાહ ઇન્સાફ અને દયાના ઈશ્વર છે. તેમના વિષે બાઇબલ કહે છે: “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે.” (પુનર્નિયમ ૩૨:૪) યહોવાહ દયા બતાવે છે એ જ રીતે ઇન્સાફ પણ કરે છે. તે બંને ગુણો એકસરખી રીતે બતાવે છે. કોઈ પણ ગુણ બીજાથી ચઢિયાતો નથી. એવું નથી કે તેમની દયા ઇન્સાફને અટકાવે છે.

૧૫, ૧૬. (ક) શું બતાવે છે કે યહોવાહના ઇન્સાફમાં જુલમ નથી? (ખ) યહોવાહ આ દુષ્ટ જગતનો ઇન્સાફ કરશે ત્યારે તેમના ભક્તોનું શું થશે?

૧૫ યહોવાહના ઇન્સાફમાં જુલમ નથી. સામાન્ય રીતે ઇન્સાફ કરવાનો અર્થ ગુનેગારને સજા આપવી થાય છે. પણ યહોવાહ ઇન્સાફ કરે ત્યારે નિર્દોષ લોકોનું ભલું કરે છે. એક દાખલો લઈએ. સદોમ ને ગમોરાહના લોકોને પોતાના દુષ્ટ કામોની સજા થઈ. પણ લોટ અને તેમની બે દીકરીઓને બચાવવામાં આવી.—ઉત્પત્તિ ૧૯:૧૨-૨૬.

૧૬ આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ આ દુષ્ટ જગતનો ઇન્સાફ કરશે. એ વખતે “મોટી સભા” એટલે તેમના ભક્તો “મોટી વિપત્તિમાંથી” બચી જશે. કેમ કે ‘તેઓએ પોતાનાં વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં છે.’—પ્રકટીકરણ ૭:૯-૧૪.

કેમ દયાળુ બનવું જોઈએ?

૧૭. દયાળુ બનવાનું કારણ શું છે?

૧૭ યહોવાહ અને ઈસુના દાખલામાંથી આપણે દયાનો ખરો અર્થ સમજ્યા. નીતિવચનો ૧૯:૧૭ આપણને દયાળુ બનવાનું કારણ આપે છે: “ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.” આપણે યહોવાહ અને ઈસુની જેમ દયા બતાવીએ ત્યારે એ જોઈને તેઓને આનંદ થાય છે. (૧ કોરીંથી ૧૧:૧) આપણે બીજાને દયા બતાવીશું તો, તેઓ પણ આપણને દયા બતાવશે.—લુક ૬:૩૮.

૧૮. દયાળુ બનવાની આપણે કેમ કોશિશ કરવી જોઈએ?

૧૮ દયામાં અનેક ગુણો આવી જાય છે. જેમ કે પ્રેમ, કૃપા ને ભલાઈ. દયાને લીધે વ્યક્તિ બીજા પર રહેમ કે હમદર્દી બતાવે છે. તે જલદી ગુસ્સે થતો નથી. તે ધીરજવાન હોવાથી ગુનેગારને પસ્તાવો કરવાનો પૂરતો સમય આપે છે. પણ યહોવાહ દયાને લીધે ઇન્સાફ કરવામાં ઢીલા પડતા નથી. (૨ પીતર ૩:૯, ૧૦) દયા સાથે ધીરજ ને સહનશીલતા જોડાયેલા છે. યહોવાહ એ ગુણોથી ભરપૂર છે. તે આપણને પણ એવા ગુણો કેળવવાની શક્તિ આપે છે. એટલે આપણે યહોવાહ જેવા ગુણો કેળવવા જ જોઈએ. (ગલાતી ૫:૨૨, ૨૩) બધાને દયા બતાવવી એ ખૂબ જ મહત્ત્વનું છે!

“દયાળુઓને ધન્ય છે”

૧૯, ૨૦. કઈ રીતે દયા ન્યાય પર વિજય મેળવે છે?

૧૯ પ્રેરિત યાકૂબે જણાવ્યું કે કેમ દયા આપણા જીવનનો ભાગ હોવી જોઈએ. તેમણે લખ્યું: “ન્યાય પર દયા વિજય મેળવે છે.” (યાકૂબ ૨:૧૩ખ) યાકૂબ અહીં શાની વાત કરતા હતા? એવી દયા જે યહોવાહના ભક્તો બીજાઓને બતાવે છે. પણ એ દયા ન્યાય પર કઈ રીતે વિજય મેળવે છે? જો વ્યક્તિ ઈસુની કુરબાનીની કદર કરે અને બીજાઓને દયા બતાવે તો, યહોવાહ તેને માફ કરશે. ન્યાય કરશે ત્યારે તેને દયા બતાવશે. હંમેશાં યાદ રાખવું જોઈએ કે ‘દરેકે પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.’ જો આપણો હિસાબ સારો હશે તો, દયા ન્યાય પર વિજય મેળવશે. (રૂમી ૧૪:૧૨) દાઊદ દયાળુ હતા, એટલે જ યહોવાહે તેઓના પાપ માફ કર્યાં. (૧ શમૂએલ ૨૪:૪-૭) “જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે.” (યાકૂબ ૨:૧૩ક) એટલે જ બાઇબલ કહે છે કે “નિર્દય” લોકો “મરણને યોગ્ય” છે!—રૂમી ૧:૩૧, ૩૨.

૨૦ એક વાર પહાડ પરના પ્રવચનમાં ઈસુએ કહ્યું: “દયાળુઓને ધન્ય છે; કેમ કે તેઓ દયા પામશે.” (માત્થી ૫:૭) આ શબ્દો બતાવે છે કે ઈશ્વરની દયા પામવા વ્યક્તિ દયાળુ હોવી જોઈએ! હવે પછીના લેખમાં જોઈશું કે આપણે હંમેશાં કેવી રીતે દયા બતાવી શકીએ. (w07 9/15)

આપણે શું શીખ્યા?

• દયા કોને કહેવાય?

• કેવી રીતોએ દયા બતાવવી જોઈએ?

• યહોવાહે કેવી રીતે દયા બતાવીને ઇન્સાફ કર્યો?

• આપણે કેમ દયાળુ બનવું જોઈએ?

[Study Questions]

[Picture on page 9]

મા પોતાના બાળકને જે રીતે દયા ને મમતા બતાવે, એ જ રીતે યહોવાહ પોતાના ભક્તોને પ્રેમ બતાવે છે

[Picture on page 12]

દાઊદને દયા બતાવીને શું યહોવાહે પોતાનો નિયમ તોડ્યો હતો?