સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દયા કેવી રીતે બતાવવી?

દયા કેવી રીતે બતાવવી?

દયા કેવી રીતે બતાવવી?

“[ચાલો] આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.”—ગલાતી ૬:૧૦.

૧, ૨. ઘાયલ વ્યક્તિને સમરૂનીએ મદદ કરી એમાંથી આપણે શું શીખી શકીએ?

 એક યહુદી વકીલે ઈસુને પૂછ્યું: “મારો પડોશી કોણ છે?” ઈસુએ તેને જવાબમાં એક વાર્તા કહી: ‘એક પુરુષ યરૂશાલેમથી યરેખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. એવામાં એક યાજક તે માર્ગે થઈને જતો હતો; અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂની ત્યાં આવ્યો; અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા; એને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની માવજત કરી. બીજે દહાડે તેણે બે દીનાર કાઢીને ઉતારાના માલિકને આપીને કહ્યું, કે એની માવજત કરજે; અને એ કરતાં જે કંઈ વધારે ખરચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ.’ પછી ઈસુએ વકીલને પૂછ્યું: ‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ ઠર્યો? તેણે તેને કહ્યું, કે જેણે તેના પર દયા કરી તે.’—લુક ૧૦:૨૫, ૨૯-૩૭ક.

સમરૂની એ ઘાયલ વ્યક્તિને ઓળખતો ન હતો. તોપણ તેને જોઈને સમરૂનીને દયા આવી. તેણે તેને મદદ કરી. ખરેખર, એ જ સાચી દયા કહેવાય. કોઈ પણ ધર્મ, નાત-જાત કે સમાજ દયાને આડે આવી શકતું નથી. ઈસુએ સમરૂનીનો દાખલો આપીને એ વકીલને કહ્યું: “તું જઈને એ પ્રમાણે કર.” (લુક ૧૦:૩૭ખ) આપણે પણ એ સલાહને દિલમાં ઉતારવી જોઈએ. બધાને દયા બતાવતા રહેવું જોઈએ. પણ કેવી રીતે?

જો કોઈ ભાઈ ગરીબ હોય તો

૩, ૪. મંડળના ભાઈ-બહેનોને કેમ ખાસ દયા બતાવવી જોઈએ?

પ્રેરિત પાઊલે લખ્યું: “પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) અહીં “વિશ્વાસના કુટુંબનાં” શબ્દોનો શું અર્થ થાય? એ મંડળના ભાઈ-બહેનોને દર્શાવે છે. ચાલો આપણે જોઈએ કે મંડળના ભાઈ-બહેનોનું આપણે કઈ રીતે ભલું કરી શકીએ.

પ્રેરિત યાકૂબે પોતાના સમયના ભાઈ-બહેનોને બધાની સાથે દયાભાવથી વર્તવાનું ઉત્તેજન આપતા લખ્યું: “જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે.” (યાકૂબ ૨:૧૩) એની આગળ-પાછળની કલમો બતાવે છે કે આપણે દરરોજ કેવી રીતે દયા બતાવી શકીએ. દાખલા તરીકે યાકૂબ ૧:૨૭ કહે છે: “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.” યાકૂબ ૨:૧૫, ૧૬ કહે છે: “જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડાં [ગરીબ] હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે, કે શાંતિથી જાઓ, તાપો, અને તૃપ્ત થાઓ; તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય?”

૫, ૬. આપણે મંડળના ભાઈ-બહેનોને કઈ રીતે દયા બતાવવી જોઈએ?

ઈશ્વરભક્તો ગરીબ, દુખિયારા ને નિરાધારને મદદ કરે છે. બાઇબલ આપણને તેઓ પ્રત્યે પથ્થર દિલ બનવાનું શીખવતું નથી. એવા લોકોને આપણે આમ કહેતા નથી: ‘શાંતિથી જાઓ. ભગવાન તમારું ભલું કરશે.’ પણ તેઓને મદદ કરવાનું શીખવે છે. (૧ યોહાન ૩:૧૭, ૧૮) કઈ રીતે? બીમાર વ્યક્તિ માટે જમવાનું બનાવી શકાય. ઘરડાં ભાઈ-બહેનને ઘરકામમાં મદદ કરી શકાય. તેઓને જરૂર હોય ત્યારે મિટિંગમાં કાર કે વાહનમાં લઈ જઈ શકીએ. આવા લોકોને મદદ કરવામાં આપણે કંજૂસ ન બનવું જોઈએ.—પુનર્નિયમ ૧૫:૭-૧૦.

મંડળના ભાઈ-બહેનોને આ રીતે મદદ આપવી જ પૂરતું નથી. તેઓને યહોવાહ પરમેશ્વર સાથે પાક્કો નાતો બાંધવા પણ મદદ કરવી જોઈએ. આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે: “બીકણોને [એટલે ઉદાસોને] ઉત્તેજન આપો, નિર્બળોને” ટેકો આપો. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) વૃદ્ધ બહેનોને ‘સારી શિખામણ આપનારી’ બનવાનું ઉત્તેજન આપ્યું છે. (તીતસ ૨:૩) બાઇબલ કહે છે કે વડીલોએ ‘વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથ જેવા’ બનવું જોઈએ.—યશાયાહ ૩૨:૨.

૭. દયા બતાવવા વિષે સીરિયાના અંત્યોખ મંડળના ભાઈઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

પહેલી સદીમાં ભાઈ-બહેનો મંડળમાં વિધવાઓ અને અનાથોની સંભાળ રાખતા હતા. એ ઉપરાંત તેઓએ બીજા મંડળના ભાઈ-બહેનોને મદદ કરવાની ગોઠવણ કરી હતી. એક દાખલો લઈએ. ઈશ્વરભક્ત આગાબસે ઈશ્વરની મદદથી જણાવ્યું કે “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” ત્યારે સીરિયાના અંત્યોખ મંડળના ભાઈઓએ ‘પોતાની શક્તિ પ્રમાણે યહુદાહમાં રહેતા ભાઈઓને કંઈક મદદ મોકલાવી.’ તેઓએ ‘બાર્નાબાસ ને શાઊલની’ સાથે યહુદાહના વડીલોને એ મોકલી આપી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૮-૩૦) આજે શું? કોઈ પણ જગ્યાએ ધરતીકંપ, વાવાઝોડું કે સુનામી જેવી કુદરતી આફતો આવે તો, ત્યાંના ભાઈ-બહેનોને મદદ કરવા ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ અનેક કમિટી રચી છે. (માત્થી ૨૪:૪૫) એ ગોઠવણને દરેક રીતે રાજીખુશીથી ટેકો આપવો જોઈએ. જેમ કે આપણો સમય, શક્તિ ને દાન આપીને ભાઈ-બહેનોને દયા બતાવીએ.

દયા બતાવામાં “પક્ષપાત” ન કરો

૮. આપણે કેમ પક્ષપાત ન કરવો જોઈએ?

અમુક બાબતો આપણને પ્રેમનો “નિયમ” પાળવા ને દયા બતાવવા અટકાવી શકે. આપણે એવા ન બનીએ માટે યાકૂબે ચેતવણી આપી: “જો તમે પક્ષપાત કરો છો, તો પાપ કરો છો, અને નિયમનું ઉલ્લંઘન કરનારા તરીકે નિયમથી અપરાધી ઠરો છો.” (યાકૂબ ૨:૮, ૯) આપણે અમીરોને કે મોટી જવાબદારી ધરાવતી વ્યક્તિને જ મદદ કરતા રહીશું તો, “ગરીબની બૂમ” આપણને સંભળાશે નહિ. (નીતિવચનો ૨૧:૧૩) પક્ષપાત કરવાથી દયાનું મોત થશે. આપણે મન બધા એકસરખા હશે તો, બધાને દયા બતાવી શકીશું.

૯. યહોવાહની ભક્તિમાં મહેનત કરે છે તેને ખાસ દયા બતાવવી કેમ ખોટું નથી?

શું આપણે કોઈને પણ ખાસ દયા બતાવીએ તો એ પક્ષપાત કહેવાય? જરાય નહિ. એક દાખલો લઈએ. પ્રેરિત પાઊલની જેમ એપાફ્રોદિતસ પણ પ્રચારમાં જોશીલા હતા. તેમના વિષે પાઊલે ફિલિપી મંડળના ભાઈઓને લખ્યું: ‘તેને માન આપો.’ શા માટે? “કેમ કે ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે.” (ફિલિપી ૨:૨૫, ૨૯, ૩૦, કોમન લેંગ્વેજ) એપાફ્રોદિતસ તન-મનથી યહોવાહની સેવા કરતા હોવાથી શાબાશી પામવાને યોગ્ય હતા. પહેલો તીમોથી ૫:૧૭ કહે છે: “જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.” ઈસુ જેવા ગુણો બતાવતા દરેકને શાબાશી આપવી જોઈએ. એવા વ્યક્તિને ખાસ દયા બતાવવામાં આવે તો એ પક્ષપાત ન કહેવાય.

‘જે જ્ઞાન ઉપરથી છે તે દયાથી ભરપૂર છે’

૧૦. આપણે કેમ જીભ પર લગામ રાખવી જોઈએ?

૧૦ જીભ વિષે યાકૂબે કહ્યું: “તે બધે ફેલાતી મરકી છે, અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુપિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્‍ન થયેલાં માણસોને શાપ પણ દઈએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે.” પછી યાકૂબે કહ્યું: “જો તમારા મનમાં કડવી અદેખાઈ તથા ચરસાચરસી છે, તો તમે સત્યની વિરૂદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ તે ઐહિક [દુન્યવી], વિષયી તથા શેતાની છે. કેમ કે જ્યાં અદેખાઈ તથા ચરસાચરસી છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. પણ જે જ્ઞાન ઉપરથી [ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન] છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારૂં, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.”—યાકૂબ ૩:૮-૧૦ક, ૧૪-૧૭.

૧૧. સમજી-વિચારીને બોલવાથી આપણે કઈ રીતે દયાળુ બની શકીએ?

૧૧ આપણી વાતચીતથી શું દેખાઈ આવશે? એ જ કે, આપણે જે જ્ઞાન ઉપરથી છે એ પ્રમાણે બોલીએ છીએ. આપણા મનમાં અદેખાઈ ને ચરસાચરસી હોવાથી ઝેર જેવું જૂઠાંણું ફેલાવીએ છીએ. ગીતશાસ્ત્ર ૯૪:૪ કહે છે “સર્વ અન્યાય કરનારા વડાઈ” એટલે કે બડાઈ હાંકે છે. કોઈના વિષે ખોટી વાતો મરકીની જેમ ફેલાય છે, એનાથી નિર્દોષ વ્યક્તિનું નામ બદનામ થાય છે! (ગીતશાસ્ત્ર ૬૪:૨-૪) વળી, ‘જૂઠો સાક્ષી જૂઠ જ ઉચ્ચારે છે.’ એમ કરવાથી કેટલું નુકસાન થાય છે એનો વિચાર કરો. (નીતિવચનો ૧૪:૫; ૧ રાજાઓ ૨૧:૭-૧૩) જીભ પર લગામ ન રાખવાના પરિણામોની વાત કર્યા પછી યાકૂબે કહ્યું: “મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.” (યાકૂબ ૩:૧૦ખ) આપણે હંમેશાં બીજાઓના વિષે સારું વિચારવું ને બોલવું જોઈએ. આમ આપણે સાચી રીતે દયા બતાવી શકીશું. ઈસુએ કહ્યું: “હું તમને કહું છું, કે માણસો જે હરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.” (માત્થી ૧૨:૩૬) સમજી-વિચારીને બોલવાથી જ આપણે દયાળુ બની શકીશું. એમ કરવું મહત્ત્વનું છે.

‘સર્વની ભૂલ માફ કરો’

૧૨, ૧૩. (ક) ચાકરની વાર્તામાંથી આપણે દયા વિષે શું શીખી શકીએ? (ખ) આપણા ભાઈ-બહેનોને “સિત્તેરગણી સાત વાર” માફ કરવાનો શું અર્થ થાય?

૧૨ ઈસુએ એક ચાકરની વાર્તા કહી. તે ચાકર પાસેથી રાજાએ ‘દશ હજાર તાલંત’ એટલે છ કરોડ દીનાર લેવાના હતા. એટલું બધું દેવું ચૂકવવા ચાકર પાસે કંઈ જ ન હતું. તેણે રાજા પાસે દયાની ભીખ માગી. રાજાને તેના પર ‘દયા આવી.’ તેનું દેવું માફ કર્યું. તે ચાકરને બહાર નીકળતાં જ એક સાથીદાર મળ્યો જેની પાસે તેણે સો દીનાર લેવાના હતા. તેનો સાથીદાર પણ કડકો હતો. ચાકરને પોતાના સાથીદાર પર દયા ન આવી. તેણે તેને જેલમાં નાખ્યો. રાજાને એની ખબર પડી ત્યારે ચાકરને બોલાવીને કહ્યું: ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તને તારું બધું લેણું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી એવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ન હતી?’ પછી રાજાએ તેને જેલમાં નાખ્યો. એ વાર્તાના અંતે ઈસુએ કહ્યું: ‘એ પ્રમાણે જો તમે પોતાના ભાઈઓના અપરાધ દિલથી માફ નહિ કરો, તો ઈશ્વર પણ તમને એમ જ કરશે.’—માત્થી ૧૮:૨૩-૩૫.

૧૩ આ વાર્તામાંથી આપણે શીખ્યા કે દયાળુ વ્યક્તિ બીજાને માફ કરે છે. અરે યહોવાહે તો આપણા પાપોનું સૌથી મોટું દેવું માફ કર્યું છે! તો શું આપણે પણ ‘માણસોના અપરાધ માફ ન કરવા જોઈએ?’ (માત્થી ૬:૧૪, ૧૫) ઈસુએ દુષ્ટ ચાકરની વાર્તા કહી એ પહેલાં પીતરે તેમને પૂછ્યું: ‘પ્રભુ, મારો ભાઈ મારી વિરૂદ્ધ કેટલી વાર અપરાધ કરે, ને હું તેને માફ કરૂં? શું સાત વાર સુધી?’ ઈસુએ કહ્યું: “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી.” (માત્થી ૧૮:૨૧, ૨૨) દયાળુ વ્યક્તિ ‘સિત્તેરગણી સાત વાર’ એટલે કાયમ માફ કરવા તૈયાર હોય છે.

૧૪. માત્થી ૭:૧-૪ પ્રમાણે આપણે બીજાઓને કઈ રીતે દયા બતાવી શકીએ?

૧૪ ઈસુએ પહાડ પરના પ્રવચનમાં દયા બતાવવાની બીજી એક રીત બતાવી: ‘તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે; પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે?’ (માત્થી ૭:૧-૪) બીજાઓ કંઈક ભૂલ કરે ત્યારે એ સહન કરવું જોઈએ. તેમ જ તેઓનો ન્યાય ન કરવો જોઈએ પણ માફ કરવા જોઈએ.

બધાંઓનું ભલું કરીએ

૧૫. ભાઈ-બહેનો સિવાય આપણે કેમ બીજાઓને પણ દયા બતાવવી જોઈએ?

૧૫ ઈશ્વરભક્ત યાકૂબે ભાર દઈને જણાવ્યું કે મંડળના ભાઈ-બહેનોને દયા બતાવતા રહેવું જોઈએ. પણ એનો અર્થ એ નથી કે દુનિયાના લોકોને દયા ન બતાવવી જોઈએ. ગીતશાસ્ત્ર ૧૪૫:૯ કહે છે: “યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેની રહેમ છે.” બાઇબલ આપણને ‘ઈશ્વર જેવા બનવાનું ને બધાંઓનું’ ભલું કરવાનું ઉત્તેજન આપે છે. (એફેસી ૫:૧; ગલાતી ૬:૧૦) ખરું કે આપણે ‘જગત ને એના વાનાં પર પ્રેમ’ રાખતા નથી. પણ એનો અર્થ એ નથી કે જગતના લોકોને દયા ન બતાવવી જોઈએ.—૧ યોહાન ૨:૧૫.

૧૬. દયા બતાવતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૬ લોકોના જીવનમાં અણધારી આફતો આવે ત્યારે આપણે મોં ફેરવી લેવું ન જોઈએ. (સભાશિક્ષક ૯:૧૧) આપણે પોતાના ગજા પ્રમાણે મદદ કરવી જોઈએ. (નીતિવચનો ૩:૨૭) બીજાને પૈસે-ટકે મદદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એ કે તેઓ આપણી દયાનો ફાયદો ન ઉઠાવે. અને આળસુ ન બને. (નીતિવચનો ૨૦:૧, ૪; ૨ થેસ્સાલોનીકી ૩:૧૦-૧૨) આમ આપણે સમજી-વિચારીને તેઓને મદદ કરીએ એ ખરી દયા કહેવાય.

૧૭. યહોવાહને ભજતા નથી તેઓને કઈ રીતે દયા બતાવવી જોઈએ?

૧૭ યહોવાહને ભજતા નથી તેઓને દયા બતાવવા શું કરવું જોઈએ? બાઇબલનું અમૃત પાણી પાવું જોઈએ, કેમ કે મોટા ભાગના લોકો અંધકારમાં છે. તેઓ યહોવાહને ઓળખતા નથી. જીવનની મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકતા નથી. સુખી દિવસોની તેઓ પાસે કોઈ આશા નથી. તેઓ ‘પાળક વગરનાં હેરાન થયેલા ને ખોવાઈ ગયેલા ઘેટાં જેવા છે.’ (માત્થી ૯:૩૬) તેઓની મુશ્કેલીઓમાં યહોવાહનાં વચનો દીવાની જેમ ખરો માર્ગ બતાવી શકે. દુઃખ-તકલીફો સહેવા મદદ કરી શકે. અંધકાર જગતમાં તેઓને જીવનમાં ખરી આશા આપે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) યહોવાહના અમૃત પાણીથી દુખિયારાના દિલને ઠંડક પહોંચે એ કોને ન ગમે! દુષ્ટ જગત પર યહોવાહનો ન્યાયચુકાદો કે “મોટી વિપત્તિ” જલદી જ આવશે. એમાંથી લોકોને બચાવવા આપણે પૂરા જોશથી પ્રચાર કરવો જોઈએ. શિષ્યો બનાવવા જોઈએ. (માત્થી ૨૪:૩-૮, ૨૧, ૨૨, ૩૬-૪૧; ૨૮:૧૯, ૨૦) દયા બતાવવાની આ જ સૌથી મહત્ત્વની રીત છે!

રાજી-ખુશીથી દયા બતાવીએ

૧૮, ૧૯. દયાળુ બનવા આપણે કેમ મહેનત કરવી જોઈએ?

૧૮ ઈસુએ કહ્યું કે ‘માંહેની વસ્તુઓ દાનધર્મમાં આપો.’ (લુક ૧૧:૪૧) ઈસુ ખરેખર શું કહેવા માંગતા હતા? એ જ કે દિલથી દયા બતાવવી જોઈએ. કોઈનું દિલથી ભલું કરવું જોઈએ. રાજીખુશીથી બીજાને મદદ કરવી જોઈએ. (૨ કોરીંથી ૯:૭) આજે દુનિયા ક્રૂર છે. લોકો સ્વાર્થી છે. તેઓ બીજાના દુઃખ-તકલીફોથી મોં ફેરવી લે છે. એવું તો બધે જ છે. આવા જગતમાં દયા સાચે જ આંતરડી ઠારે છે!

૧૯ ચાલો આપણે લોકોને દયા બતાવવા બનતું બધું જ કરીએ. આપણે દયાળુ બનીશું તેમ યહોવાહ જેવા ગુણો કેળવી શકીશું. એમ કરીશું તો આપણે સાચે જ જીવનનો આનંદ માણીશું.—માત્થી ૫:૭. (w07 9/15)

આપણે શું શીખ્યા?

• ભાઈ-બહેનોને દયા બતાવવી કેમ સૌથી મહત્ત્વનું છે?

• મંડળમાં આપણે કઈ રીતે દયા બતાવી શકીએ?

• યહોવાહને ભજતા નથી તેઓને કઈ રીતે દયા બતાવવી જોઈએ?

[Study Questions]

[Picture on page 13]

સમરૂનીએ દયા બતાવી

[Picture on page 16]

આપણે અનેક રીતે દયા બતાવી શકીએ