સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હોશીઆના મુખ્ય વિચારો

હોશીઆના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

હોશીઆના મુખ્ય વિચારો

ઈસ્રાએલના દસ કુળના ઉત્તરના રાજ્યમાં લોકો યહોવાહને સાવ ભૂલી ગયા હતા. એ સમયમાં યરોબઆમ બીજો એનો રાજા હતો. તેના રાજમાં ધન-દોલતનો કોઈ પાર ન હતો. પણ તેના મરણ પછી એ બધુંય નકામું બની ગયું. પછી તો બહુ જ ખરાબ વખત આવ્યો. તેના પછી જે છ રાજાઓ આવ્યા, એમાંથી ચારનું ખૂન થયું. (૨ રાજાઓ ૧૪:૨૯; ૧૫:૮-૩૦; ૧૭:૧-૬) એવા મુશ્કેલ સમયમાં હોશીઆ પ્રબોધક હતા. તેમણે ઈસવીસન પૂર્વે ૮૦૪માં યહોવાહનો સંદેશો આપવાનું શરૂ કર્યું. લગભગ ૫૯ વર્ષ સુધી તેમણે પ્રબોધ કર્યો.

હોશીઆના નામનું પુસ્તક શાના વિષે જણાવે છે? એમાં યહોવાહ, હોશીઆના લગ્‍ન-જીવન પરથી જણાવે છે કે પોતાના બેવફા લોકોને તે કેટલા ચાહે છે. એ લાગણી હોશીઆ મીઠા, પ્રેમાળ શબ્દોથી બતાવે છે. સાથે સાથે કડક શબ્દોથી ઈસ્રાએલનાં પાપ ખુલ્લાં પાડે છે. તેઓ પર અને યહુદાહના લોકોને થનારી સજા વિષે પહેલેથી જણાવે છે. યહોવાહ તરફથી આવતો એ સંદેશો આપણા પર ઊંડી છાપ પાડે છે.—હેબ્રી ૪:૧૨.

‘એક સ્ત્રી સાથે લગ્‍ન કર, જે તને બેવફા નીવડશે’

(હોશીઆ ૧:૧–૩:૫)

યહોવાહે હોશીઆને જણાવ્યું કે “જા એક સ્ત્રી સાથે લગ્‍ન કર; તે સ્ત્રી તને બેવફા નીવડશે.” (હોશિયા ૧:૨, કોમન લેંગ્વેજ) તેમણે ગોમેર સાથે લગ્‍ન કર્યા ને તેઓને એક છોકરો થયો. પછી ગોમેર બેવફા બની. તેને બીજા કોઈથી એક છોકરી અને છોકરો થયા. છોકરીનું નામ લો-રૂહામાહ, એટલે કે યહોવાહ ઈસ્રાએલ પર દયા નહિ રાખે. છોકરાનું નામ એલો-આમ્મી એટલે કે યહોવાહ તેઓનો સાથ છોડી દેશે.

યહોવાહને એ વંઠી ગયેલા લોકો વિષે કેવું લાગ્યું? તેમણે હોશીઆને કહ્યું: ‘ફરીથી જા અને જો. ઈસ્રાએલપુત્રો અન્ય દેવો તરફ ફરી જાય છે, છતાં યહોવાહ તેમના પર પ્રીતિ રાખે છે. તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રીતિ કર.’—હોશીઆ ૩:૧.

સવાલ-જવાબ:

૧:૧—હોશીઆએ યહુદાહના ચાર રાજાઓ અને ઈસ્રાએલના એક જ રાજાનું નામ જણાવ્યું. એવું કેમ? એનું કારણ એ કે દાઊદના વંશમાંથી આવતા રાજાઓ જ યહોવાહના લોકોના ખરા રાજા ગણાતા. યહુદાહના રાજાઓ એ વંશના હતા. જ્યારે કે ઉત્તરના ઈસ્રાએલ રાજ્યના રાજાઓ દાઊદના વંશના ન હતા.

૧:૨-૯—હોશીઆની પત્ની હકીકતમાં વેશ્યા હતી કે પછી એ લગ્‍નજીવન એક સંદર્શન હતું? હોશીઆએ એવું કંઈ નથી જણાવ્યું કે એ ફક્ત સંદર્શન હતું. હકીકતમાં હોશીઆએ એવી સ્ત્રી સાથે લગ્‍ન કર્યું જે પછીથી બેવફા નીકળી.

૧:૭—યહુદાહને ક્યારે દયા બતાવાઈ અને બચાવ કરવામાં આવ્યો? ઈ.સ. પૂર્વે ૭૩૨માં રાજા હિઝકીયાહના વખતમાં આશ્શૂરીઓ ચડી આવ્યા. યહોવાહે સ્વર્ગદૂત મોકલીને એક રાતમાં ૧,૮૫,૦૦૦ દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા. (૨ રાજાઓ ૧૯:૩૪, ૩૫) યહોવાહે યહુદાહને ‘ધનુષ્ય, તરવાર, યુદ્ધ, ઘોડાઓ કે સવારોને બદલે,’ સ્વર્ગદૂત દ્વારા બચાવ્યું.

૧:૧૦, ૧૧—ઈ.સ. પૂર્વે ૭૪૦માં ઈસ્રાએલના ઉત્તરના રાજ્યની હાર થઈ. તો પછી કઈ રીતે “યહુદાહપુત્રો ને ઈસ્રાએલપુત્રો એકત્ર” થવાના હતા? ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોને યહુદાહને ગુલામ બનાવ્યું. એ પહેલાં ઘણા લોકો ઈસ્રાએલના ઉત્તર રાજ્યથી યહુદાહ ગયા હતા. (૨ કાળવૃત્તાંત ૧૧:૧૩-૧૭; ૩૦:૬-૧૨, ૧૮-૨૦, ૨૫) ઈ.સ. પૂર્વે ૫૩૭માં ગુલામો જ્યારે પોતાના દેશ પાછા ફર્યા, ત્યારે એમાં ઈસ્રાએલના ઉત્તર રાજ્યના લોકોના વંશજો પણ હતા.—એઝરા ૨:૭૦.

૨:૨૧-૨૩—‘હું મારે સારૂ યિઝ્રએલને દેશમાં રોપીશ; તેના પર હું કૃપા કરીશ.’ યહોવાહે આમ કહ્યું એનો શું અર્થ થાય? હોશીઆ અને ગોમેરના પહેલા દીકરાનું નામ યિઝ્રએલ હતું. (હોશીઆ ૧:૨-૪) યિઝ્રએલ એટલે કે ‘યહોવાહ બી રોપશે.’ એ નામ પરથી યહોવાહે કહ્યું કે ઈ.સ. પૂર્વે ૫૩૭માં બાબેલોનમાં પોતાના બાકી રહેલા ભક્તોને ભેગા કરશે અને બીની જેમ યહુદાહમાં રોપશે. ૭૦ વર્ષોથી ઉજ્જડ પડેલી જમીન ફરીથી અનાજ, દ્રાક્ષાવાડીઓ અને તેલ આપે એ બહુ જરૂરી હતું. ગીતની ભાષામાં કહેવામાં આવ્યું કે એ બધી ચીજો જાણે ધરતીને ફળદ્રુપ બનવા વીનવશે. ધરતી આકાશને વરસાદ વરસાવવા વીનવશે. આકાશ યહોવાહને વીનવશે કે પાણી ભરેલાં વાદળ મોકલે. આ બધુંય પોતાને દેશ પાછા ફરેલા યહોવાહના ભક્તોને માટે! હોશીઆ ૨:૨૩ પાઊલ અને પીતરે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને લાગુ પાડી.—રૂમી ૯:૨૫, ૨૬; ૧ પીતર ૨:૧૦.

આપણે શું શીખી શકીએ?

૧:૨-૯; ૩:૧, ૨. હોશીઆએ કેવો સરસ દાખલો બેસાડ્યો! યહોવાહના કહેવા પ્રમાણે જ લગ્‍ન કરીને તેમની ઇચ્છા પૂરી કરી. શું આપણે પણ પોતાને જે ગમે એ જતું કરીને યહોવાહની ઇચ્છા પૂરી કરીએ છીએ?

૧:૬-૯. યહોવાહ પતિ-પત્ની વચ્ચેની બેવફાઈ ધિક્કારે છે. એવી જ રીતે ભક્તિમાં બેવફાઈ પણ ધિક્કારે છે.

૧:૭, ૧૦, ૧૧; ૨:૧૪-૨૩. યહોવાહ જે કહે એ બધુંય ચોક્કસ થાય છે જ, જેમ ઈસ્રાએલ અને યહુદાહ વિષે થયું.

૨:૧૬, ૧૯, ૨૧-૨૩; ૩:૧-૪. જો દિલથી પસ્તાવો કરવામાં આવે, તો યહોવાહ માફ કરવા તૈયાર છે. (નહેમ્યાહ ૯:૧૭) આપણે પણ એકબીજા સાથે એવા જ પ્રેમ અને દયાથી વર્તવું જોઈએ.

યહોવાહને ફરિયાદ છે

(હોશીઆ ૪:૧–૧૩:૧૬)

“દેશના રહેવાસીઓની સાથે યહોવાહ વાદવિવાદ કરવાના છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.” (હોશીઆ ૪:૧) ઈસ્રાએલના આ બેવફા લોકો એટલા તો બગડી ગયા છે કે તેઓ બીજાને છેતરે છે. લોહી વહાવે છે. વ્યભિચાર કરવામાં પણ પહેલો નંબર છે. અરે, ભક્તિમાં પણ બેવફાઈ, આજે આને નમવું તો કાલે બીજા કોઈને! યહોવાહની મદદ માગવાને બદલે “તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશ્શૂરની પાસે જાય છે.”—હોશીઆ ૭:૧૧.

યહોવાહ તેઓને સજા ફટકારતા કહે છે: ‘ઈસ્રાએલ ગરક કે નાશ થઈ ગયું છે.’ (હોશીઆ ૮:૮) યહુદાહનું રાજ પણ છટકી નહિ શકે. હોશીઆ ૧૨:૨ પ્રમાણે, “યહુદાહની સાથે યહોવાહને વાદ કરવાનો છે, તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેના કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.” તોપણ, યહોવાહ આ વચન આપે છે: “હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ.”—હોશીઆ ૧૩:૧૪.

સવાલ-જવાબ:

૬:૧-૩—“ચાલો, આપણે યહોવાહની પાસે પાછા જઈએ,” એવું કોણે કહ્યું હતું? બની શકે કે બેવફા ઈસ્રાએલી લોકો એકબીજાને કહેતા હોય. જો એમ હોય તો એ ફક્ત દેખાડો જ હતો. યહોવાહ માટેનો તેઓનો પ્રેમ ‘સવારના વાદળ જેવો, ને જલદીથી ઊડી જનાર ઝાકળ જેવો’ હતો. (હોશીઆ ૬:૪) લોકોને યહોવાહ પાસે પાછા આવવાનું કહેનાર હોશીઆ પણ હોય શકે. ભલે કોઈએ પણ કહ્યું હોય, દસ કુળના લોકોએ દિલથી પસ્તાવો કરીને યહોવાહ પાસે પાછા આવવાની જરૂર હતી.

૭:૪—બેવફા ઈસ્રાએલીઓ કઈ રીતે “તપાવેલી ભઠ્ઠી જેવા” હતા? આ સરખામણી બતાવે છે કે તેઓનાં દિલમાં કેટલું પાપ ભર્યું હતું.

આપણે શું શીખી શકીએ?

૪:૧, ૬. યહોવાહની કૃપા જોઈતી હોય તો તેમનું અમૃત જેવું જ્ઞાન પીતા રહીએ. જીવનમાં એના પ્રમાણે સુધારો કરતા રહીએ.

૪:૯-૧૩. જેઓ લગ્‍નમાં બેવફાઈ કરે કે ભક્તિમાં બેવફાઈ કરે, તેઓનો હિસાબ યહોવાહ જરૂર લેશે.—હોશીઆ ૧:૪.

૫:૧. યહોવાહના લોકોમાં આગેવાની લેનારાને તો ભક્તિમાં ભેળસેળથી સખત નફરત હોવી જોઈએ. નહિ તો તેઓ બીજાને પણ ખોટી ભક્તિમાં ખેંચી જશે. એમ તેઓ ‘ફાંદારૂપ કે જાળરૂપ’ બનશે.

૬:૧-૪; ૭:૧૪, ૧૬. પસ્તાવાનો દેખાડો કરવાથી યહોવાહને છેતરી શકાય નહિ. તેમની કૃપા મેળવવા, ભૂલ કરનારે દિલથી પસ્તાવો કરવો જોઈએ. તેઓએ “આકાશવાસી” યહોવાહ તરફ પાછા ફરવાની જરૂર છે. યહોવાહના કહેવા પ્રમાણે જ તેઓએ જીવવું જોઈએ.

૬:૬. પાપ કરીને બતાવીએ છીએ કે આપણને યહોવાહની કંઈ પડી નથી. એ પાપ ઢાંકવા તેમની વધારે ભક્તિ કરીએ, એનાથી કોઈ ફરક પડતો નથી.

૮:૭, ૧૩; ૧૦:૧૩. “કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.” મૂર્તિને ભજનારા ઈસ્રાએલીના કિસ્સામાં આ સાચું પડ્યું.—ગલાતી ૬:૭.

૮:૮; ૯:૧૭; ૧૩:૧૬. ઉત્તરના રાજ વિષે જે કહેવામાં આવ્યું એ સાચું પડ્યું. એનું પાટનગર સમરૂન આશ્શૂરે જીતી લીધું. (૨ રાજાઓ ૧૭:૩-૬) આપણને પૂરેપૂરી ખાતરી છે કે યહોવાહનાં દરેક વચન પૂરાં થશે જ.—ગણના ૨૩:૧૯.

૮:૧૪. ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોનીઓ દ્વારા યહોવાહે યહુદાહનાં ‘નગરો પર અગ્‍નિ મોકલ્યો.’ પહેલેથી કહેવામાં આવ્યું હતું તેમ, યરૂશાલેમ અને યહુદાહ પર વિનાશ ઊતરી આવ્યો. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૯) યહોવાહ જે કહે એ ચોક્કસ પૂરું થાય છે જ.—યહોશુઆ ૨૩:૧૪.

૯:૧૦. ઈસ્રાએલી લોકોએ યહોવાહને માર્ગે ચાલવાનું વચન આપ્યું હતું. તોપણ, “તેઓ બઆલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા.” આપણે ચેતીને ચાલીએ, જેથી યહોવાહને વચન આપીને ફરી ન જઈએ.—૧ કોરીંથી ૧૦:૧૧.

૧૦:૧, ૨, ૧૨. આપણે યહોવાહની ભક્તિ કોઈ ઢોંગ વગર કરવી જોઈએ. આપણે ‘ન્યાયીપણું વાવીશું તો, કૃપા લણીશું.’

૧૦:૫. બેથેલ એટલે ઈશ્વરનું ઘર. એમાં મૂર્તિપૂજા ચાલતી હતી એટલે એને બેથ-આવેન કે મૂર્તિનું ઘર એ નામ આપવામાં આવ્યું. બેથ-આવેનના વાછરડાની મૂર્તિ ઉપાડી લઈ જવાઈ ત્યારે, સમરૂનના લોકો શોક કરવા લાગ્યા. કેટલી મૂર્ખાઈ! જે મૂર્તિઓ પોતાનો પણ બચાવ ન કરી શકી એમાં તેઓએ ભરોસો મૂક્યો!—ગીતશાસ્ત્ર ૧૩૫:૧૫-૧૮; યિર્મેયાહ ૧૦:૩-૫.

૧૧:૧-૪. યહોવાહ કદીયે પોતાના લોકો પર જોરજુલમ કરતા નથી. પ્રેમથી વર્તે છે.

૧૧:૮-૧૧; ૧૩:૧૪. યહોવાહનું વચન હતું કે પોતાના લોકો ફરીથી તેમની ભક્તિ કરશે. એ વચન ‘સફળ થયા વિના ફોકટ પાછું વળ્યું નહિ.’ (યશાયાહ ૫૫:૧૧) ઈ.સ. પૂર્વે ૫૩૭માં તેમના ભક્તો બાબેલોનની ગુલામીથી આઝાદ થયા. યરૂશાલેમ પાછા ફર્યા. (એઝરા ૨:૧; ૩:૧-૩) એ જ રીતે યહોવાહ પોતાના ભક્તો દ્વારા જે વચનો બોલ્યાં છે, એ ચોક્કસ પૂરાં કરશે.

૧૨:૬. હંમેશાં બીજાઓને પ્રેમ, કૃપા બતાવીએ. ન્યાયને માર્ગે ચાલીએ. યહોવાહમાં ભરોસો રાખીએ.

૧૩:૬. ઈસ્રાએલી લોકો ‘તૃપ્ત થયા, એટલે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું; એથી તેઓ યહોવાહને ભૂલી ગયા.’ આપણે તેઓની જેમ ઘમંડી ન બનીએ.

“યહોવાહના માર્ગો ન્યાયી છે”

(હોશીઆ ૧૪:૧-૯)

હોશીઆ વિનંતી કરે છે: “હે ઈસ્રાએલ, તારા દેવ યહોવાહની પાસે પાછો આવ; કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.” હોશીઆ લોકોને કહે છે: ‘યહોવાહને વિનંતી કરો, કે સર્વ પાપ દૂર કરો, અને જે સારું છે તેનો સ્વીકાર કરો; એમ અમે બળદના અર્પણની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.’—હોશીઆ ૧૪:૧, ૨.

જે કોઈ દિલથી પસ્તાવો કરે, તેણે યહોવાહથી બીવું ન જોઈએ. પણ તેણે યહોવાહના માર્ગે ચાલીને, તેમનો જયજયકાર કરવો જોઈએ. ‘યહોવાહના માર્ગો ન્યાયી છે, ને પ્રમાણિક માણસો તે માર્ગે ચાલશે.’ (હોશીઆ ૧૪:૯) એ જાણીને આપણું દિલ ખુશીથી ભરાઈ જાય છે કે ઘણા લોકો ‘પાછલા દિવસોમાં યહોવાહનું ભય રાખીને તેની પાસે આવશે, ને તેની ઉદારતાનો આશ્રય લેશે.’—હોશીઆ ૩:૫. (w07 9/15)