સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાલનો વિચાર કરીને જીવો

કાલનો વિચાર કરીને જીવો

કાલનો વિચાર કરીને જીવો

ઈસુએ ગાલીલના એક પહાડ પર આપેલા પ્રવચનમાં કહ્યું: “આવતી કાલને સારું ચિંતા ન કરો.” પછી ઈસુએ આમ કહ્યું: “આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.”—માત્થી ૬:૩૪.

“આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે” એનો શું અર્થ થાય? શું એ એમ કહે છે કે આપણે આજનો વિચાર કરવો જોઈએ ને કાલનો નહિ? શું ઈસુ અને તેમના જિગરી દોસ્તો પણ એ જ માનતા હતા?

“ચિંતા ન કરો”

ચાલો આપણે જોઈએ કે માત્થી ૬:૨૫-૩૨માં ઈસુએ શું કહ્યું: ‘તમારા જીવનની ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીશું. તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું. આકાશનાં પક્ષીઓને જુઓ. તેઓ વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી. તોપણ ઈશ્વર તેઓનું પાલન કરે છે. ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાનું જીવન એક પલ વધારી શકે છે? લૂગડાં સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો. તેઓ કેવાં વધે છે. તેઓ કામ કરતા નથી. તેઓ કાંતતાં પણ નથી. માટે અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે. અને તમારો ઈશ્વર જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.’

ઈસુએ એ સલાહના અંતમાં બે બાબતો કહી. એક: “પહેલાં તેના [ઈશ્વરના] રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો [જીવનમાં પ્રથમ મૂકો], એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” બીજું, “કાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે.”—માત્થી ૬:૩૩, ૩૪.

તમને શાની જરૂર છે એ ઈશ્વર જાણે છે

શું ઈસુ પોતાના મિત્રો અને ખેડૂતોને આમ કહેતા હતા: અન્‍ન વાવવાની, કાપવાની, વખારો ભરવાની અને કાપડ કાંતવાની કે કપડાં લેવાની કંઈ જરૂર નથી? (નીતિવચનો ૨૧:૫; ૨૪:૩૦-૩૪; સભાશિક્ષક ૧૧:૪) ના, જરાય નહિ. જો તેઓ કામ ન કરે તો, તેઓએ ‘ફસલમાં ભિક્ષા માગવી પડે.’ એટલે તેઓ પર રોટી-કપડાંની ભીખ માંગવાના દિવસો આવી પડે.—નીતિવચનો ૨૦:૪.

શું ઈસુ લોકોને એમ કહેતા હતા કે તેઓએ કદી ચિંતા કરવી નહિ પડે? એ શક્ય જ નથી. ઈસુની ધરપકડ કરી એ રાત્રે તેમને ખૂબ જ ચિંતા હતી.—લુક ૨૨:૪૪.

ઈસુ એમ કહેતા હતા કે ખોટી ચિંતા કરવાથી કંઈ ફાયદો થતો નથી. એવી ચિંતા કરવાથી મુશ્કેલી આપમેળે ચાલી જતી નથી. તેમ જ, ચિંતા કરવાથી આપણે લાંબું જીવી શકતા નથી. ઈસુએ કહ્યું: ‘ચિંતા કરવાથી કોઈ પોતાનું જીવન લંબાવી શકશે નહિ.’ (માત્થી ૬:૨૭) ખોટી ચિંતા કરવાથી જીવન ટૂંકું થઈ જશે.

ઈસુની સલાહ એટલે સલાહ! આપણે જેની ચિંતા કરીએ છીએ એવું જલદી બનતું પણ નથી. બ્રિટનના નેતા વીનસ્ટન ચર્ચિલે પણ બીજા વિશ્વયુદ્ધમાં એ સત્ય અનુભવ્યું હતું. એ દિવસોની અમુક ચિંતાઓ વિષે તેમણે કહ્યું: “હું એ ચિંતાઓનો વિચાર કરું છું ત્યારે મને ઘરડા માણસની વાર્તા યાદ આવે છે. તેણે પોતાના મરતા પહેલાં કહ્યું કે ‘મને જીવનની ઘણી મુશ્કેલીઓની ચિંતા હતી. પણ એમાંની મોટા ભાગની મુશ્કેલીઓ તો કદી આવી જ ન હતી.’” એ બતાવે છે કે આપણે દુઃખ-તકલીફો ને દબાણો અનુભવીએ ત્યારે દરરોજ ફક્ત દિવસ પૂરતી જ ચિંતા કરવી જોઈએ. અને ખોટી ચિંતા ન કરીએ.

‘પહેલાં ઈશ્વરના રાજ્યને શોધો’

ઈસુને પોતાના સાંભળનારાઓની દુઃખ-તકલીફ અને લાગણીઓની જ ચિંતા ન હતી. તે જાણતા હતા કે રોટી-કપડાં-મકાનની ચિંતા કરવાથી અને ધન-દોલત કે પૈસા પાછળ ભાગવાથી વ્યક્તિ મહત્ત્વની બાબત ભૂલી જાય છે. (ફિલિપી ૧:૧૦) તમને કદાચ થશે કે ‘જીવનમાં બે પાંદડે ન થઈએ તો શું કરીએ?’ બે પાંદડે થવા કરતાં ઈશ્વરની ભક્તિને જીવનમાં પ્રથમ મૂકવી સૌથી મહત્ત્વનું છે. ઈસુએ કહ્યું કે ઈશ્વરના ‘રાજ્યને અને તેમના ન્યાયીપણાને’ આપણે જીવનમાં પ્રથમ મૂકવાં જોઈએ.—માત્થી ૬:૩૩.

ઈસુના જમાનામાં ઘણા લોકો ધન-દોલત કમાવવા પાછળ પડ્યા હતા. તેઓને મન દોલત ભેગી કરવી જ મહત્ત્વનું હતું. એટલે ઈસુએ તેઓનું ધ્યાન ઈશ્વરભક્તિ પર દોર્યું. યહુદીઓ તો ઈશ્વરની પસંદ કરેલી પ્રજા હતી. તેઓની “ફરજ” હતી કે તેઓ ‘ઈશ્વરનો ભય રાખીને તેમની આજ્ઞાઓ પાળે.’—સભાશિક્ષક ૧૨:૧૩.

“જગતની ચિંતા તથા દ્રવ્યની માયા” આપણને ઈશ્વરભક્તિમાં ઠંડા પાડી શકે છે. (માત્થી ૧૩:૨૨) પ્રેરિત પાઊલે લખ્યું: ‘જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓનાં’ મન ભ્રષ્ટ થાય છે. તેઓ ખોટાં કામોમાં પડે છે. પોતાનો જ નાશ કરે છે. (૧ તીમોથી ૬:૯) પોતાના મિત્રો એમાં ફસાય નહિ માટે ઈસુએ તેઓને યાદ દેવડાવ્યું કે ઈશ્વર તેઓની જરૂરિયાત જાણે છે. ઈશ્વર “પક્ષીઓની” સંભાળ રાખે છે તેમ આપણી પણ રાખશે. (માત્થી ૬:૨૬, ૩૨) જીવનની ચિંતાઓમાં ડૂબી જવાને બદલે પોતાથી થઈ શકે એ બધું જ કરવું જોઈએ. અને યહોવાહ પરમેશ્વર પર ભરોસો રાખવો જોઈએ.—ફિલિપી ૪:૬, ૭.

ઈસુએ કહ્યું કે “આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.” એનો શું અર્થ થાય? એ જ કે કાલની ચિંતા કરવાથી એ આજનો દિવસ પણ બગાડશે. કોમન લેંગ્વેજ બાઇબલ આમ કહે છે: “આવતી કાલની ચિંતા ન કરો. આવતી કાલને પોતાની ચિંતા હશે. પ્રત્યેક દિવસની જે મુશ્કેલીઓ છે તેમાં વધારો કરવાની જરૂર નથી.”—માથ્થી ૬:૩૪.

“તમારું રાજ્ય આવો”

આવતી કાલની ખોટી ચિંતા કરવામાં અને એને સાવ ભૂલી જવામાં મોટો ફરક છે. ઈસુએ પોતાના મિત્રોને કાલનો વિચાર કરવાની ના પાડી નથી. અરે, તેમણે તો ભાવિનો વિચાર કરવાનું ઉત્તેજન આપ્યું. ઈસુએ તેઓને શીખવ્યું કે પ્રથમ ઈશ્વરની ઇચ્છા પૂરી થાય ને તેમનું રાજ્ય પૃથ્વી પર આવે એ માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી દિવસ પૂરતું અમને ખાવાનું આપો, એવી પ્રાર્થના કરવી જોઈએ.—માત્થી ૬:૯-૧૧.

નુહના જમાનાના લોકો જેવા આપણે ન થવું જોઈએ. તેઓ ‘ખાવા-પીવામાં, પરણવા-પરણાવામાં’ ડૂબેલા હતા. ઈશ્વર શું કરવાના હતા એ તેઓ ‘સમજ્યા નહિ.’ એનું શું પરિણામ આવ્યું? “જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો.” (માત્થી ૨૪:૩૬-૪૨) એવું આપણું પણ ન થાય એ માટે ઈશ્વરભક્ત પીતરે લખ્યું: “આ બધું જ અગ્‍નિમાં પીગળી જવાનું છે. એ જાણીને આપણે કેવું પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ! પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ.”—૨ પિતર ૩:૫-૭, ૧૧, ૧૨, IBSI.

ઈશ્વર સાથે સારું નામ બનાવો

ચાલો આપણે યહોવાહના “આગમનના” એટલે તેમનો ન્યાયચુકાદો આવવાના દિવસની આતુરતાથી રાહ જોઈએ. એમ કરીશું તો આપણે ધન-દોલત, સમય ને શક્તિને સમજી-વિચારીને વાપરીશું. આપણે ધન-દોલત કમાવા કે નવી-નવી વસ્તુઓ મેળવવા પાછળ જ મંડ્યા નહિ રહીએ. તેમ જ જીવનમાં મોજ-મઝા પાછળ નહિ પડીએ. નહિતર યહોવાહની ભક્તિ માટે આપણી પાસે પૂરતો સમય ને શક્તિ નહિ રહે. આજ માટે જીવીએ તો લાભ થઈ શકે. પણ એ ફક્ત થોડા સમય પૂરતું છે. લાંબે ગાળે તો એનાથી પોતાનું નુકસાન થાય છે. ઈસુએ કહ્યું કે પૃથ્વી પર નહિ પણ ‘સ્વર્ગમાં દ્રવ્ય એકઠું કરો.’ એટલે ઈશ્વર સાથે સારું નામ બનાવો.—માત્થી ૬:૧૯, ૨૦.

ઈસુએ એક વાર્તા કહી. એક ધનવાન માણસે ભાવિ વિષે મોટા મોટા પ્લાન કર્યા. પણ ઈશ્વર સાથે નાતો બાંધવા વિષે કોઈ પ્લાન ન કર્યાં. આ માણસ પાસે પુષ્કળ જમીન હતી, જેમાં પુષ્કળ અનાજ પાકતું. તેણે પોતાના કોઠારો તોડી નાખીને મોટા બાંધવાનું વિચાર્યું. તેને લાગ્યું કે એમ કરવાથી પોતે ખાઈ, પીને જીવનની મઝા માણશે. એમાં ખોટું શું હતું? તે જીવનની મઝા માણે એ પહેલાં જ ગુજરી ગયો. અફસોસ કે તેણે ઈશ્વર સાથે નાતો બાંધ્યો ન હતો. તેથી ઈસુએ કહ્યું: “જે માણસ આ પૃથ્વી પર ધનવાન બને છે પણ ઈશ્વરની દૃષ્ટિએ ધનવાન નથી તે મૂર્ખ છે.”—લૂક ૧૨:૧૫-૨૧, IBSI; નીતિવચનો ૧૯:૨૧.

આપણે શું કરવું જોઈએ?

આપણે એ ધનવાન માણસ જેવા ન બનવું જોઈએ. આપણે શીખવું જોઈએ કે પૃથ્વી અને ઇન્સાન માટે ઈશ્વરનો મકસદ શું છે. પછી એ પ્રમાણે જીવવું જોઈએ. ઈશ્વર આવતા દિવસોમાં જે કરવાના છે એ તેમણે ઇન્સાનથી છૂપું રાખ્યું નથી. ઈશ્વરભક્ત આમોસે લખ્યું: ‘પ્રભુ યહોવાહ પોતાના વિચારો પોતાના ભક્તોને જણાવ્યા સિવાય કંઈ કરશે નહિ.’ (આમોસ ૩:૭) યહોવાહ ઈશ્વરે પોતાના ભક્તોને જે જણાવ્યું એ આપણે કઈ રીતે જાણી શકીએ? તેમણે બાઇબલમાં પોતાના વિચારો જણાવ્યા છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

યહોવાહે બાઇબલમાં જણાવ્યું છે કે આવતા દિવસોમાં શું બનશે. જે બનવાનું છે એની પૃથ્વી પર કેવી અસર થશે? એ વિષે ઈસુએ કહ્યું: “મોટી વિપત્તિ [આફત] આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી.” (માત્થી ૨૪:૨૧) એને કોઈ ઇન્સાન રોકી શકે એમ નથી. યહોવાહના ભક્તો એ દિવસની આતુરતાથી રાહ જુએ છે! એ આફત પછી યહોવાહ પૃથ્વી પરથી દુષ્ટતાનો નાશ થશે. એ પછી ‘નવાં આકાશ અને નવી પૃથ્વી’ આવશે. નવા આકાશ શું છે? બાઇબલ યહોવાહની સરકારને ‘નવા આકાશ’ કહે છે. નવી પૃથ્વી શું છે? યહોવાહના ભક્તોને ‘નવી પૃથ્વી’ કહે છે. ઈશ્વરની સરકાર ‘દરેકની આંખોમાંથી આંસુ લૂછી નાખશે. મરણ થશે નહિ. તેમ જ શોક કે રૂદન કે દુઃખ થશે નહિ.’—પ્રકટીકરણ ૨૧:૧-૪.

ઈશ્વર એવા આશીર્વાદો લાવવાના છે તો, આપણે શું કરવું જોઈએ? આપણે બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખવું જોઈએ. યહોવાહના સાક્ષીઓ તમને રાજીખુશીથી શીખવશે. તેઓને મદદ માટે પૂછો. અથવા આ મૅગેઝિનના બીજા પાન પર આપેલા સરનામે લખો. અમારી અરજ છે કે તમે આજનો જ નહિ પણ કાલનો વિચાર કરો અને અમર જીવન પામવા બધું જ કરો. (w07 10/15)

[Pictures on page 5]

“ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે”