સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના વિચારોમાં ઊંડા ને ઊંડા ઊતરીએ

યહોવાહના વિચારોમાં ઊંડા ને ઊંડા ઊતરીએ

યહોવાહના વિચારોમાં ઊંડા ને ઊંડા ઊતરીએ

‘પવિત્ર આત્મા કે શક્તિ સર્વને, હા, ઈશ્વરના ઊંડા વિચારોને પણ શોધે છે.’—૧ કોરીંથી ૨:૧૦.

૧. બાઇબલ શીખનારને શાના વિષે જાણીને બહુ આનંદ થઈ શકે?

 યહોવાહ વિષે પહેલા પહેલા જાણીને તમને કેવું લાગ્યું હતું? એ ખુશીની પળ આપણને બધાયને યાદ છે. ઈશ્વરનું નામ. કેમ આજે આટલું દુઃખ? કેમ અમુક લોકો સ્વર્ગમાં જાય છે? આપણી આવતી કાલ કેવી હશે? આપણે પહેલા પણ બાઇબલ વાંચ્યું હશે. તોયે આપણને આવું જ્ઞાન મળ્યું ન હતું. આપણે જાણે કે દરિયાના છીછરાં પાણીમાં જ જોતા હોઈએ. પણ એની અંદર આવેલી રંગબેરંગી દુનિયા તો દેખાતી જ ન હોય. જો દરિયામાં ઊંડે સુધી ડૂબકી મારતા આવડે અને એની અંદર જોવાના સાધનો હોય, તો મજા આવી જાય. રંગબેરંગી માછલીઓ, પરવાળા કે કોરલ, કંઈ કેટલીય જાતના દરિયાઈ જીવ અને વનસ્પતિ જોવા મળે. એવી જ રીતે, જ્યારે કોઈ આપણને બાઇબલની સમજણ લેવા મદદ કરે, ત્યારે જાણે કે યહોવાહના ઊંડા વિચારો આપણને પહેલા-વહેલા જાણવા મળે છે.—૧ કોરીંથી ૨:૮-૧૦.

૨. બાઇબલનું જ્ઞાન લેવાથી શરૂઆતમાં મળેલો આનંદ કઈ રીતે તાજો જ રહી શકે?

શું આપણે બાઇબલ વિષે ફક્ત ઉપર ઉપરથી જાણીને જ બેસી રહેવું જોઈએ? યહોવાહના ‘ઊંડા વિચારો’ એટલે કે તેમનું જ્ઞાન, એની સમજણ જે તેમના ભક્તોને જણાવાયા છે. એમાં આપણે ચાહીએ એટલા ઊંડા ઊતરી શકીએ, એનો કોઈ પાર જ નથી! જ્યારે કે દુનિયાના લોકોથી એ સંતાડી રાખવામાં આવે છે. (૧ કોરીંથી ૨:૭) ચાલો આપણે યહોવાહના ઊંડા વિચારોમાં શોધ-ખોળ કરવાનું પડતું ન મૂકીએ. એમ કરવાથી શરૂઆતમાં બાઇબલનું જ્ઞાન લીધું અને જે આનંદ મળ્યો એ કાયમ તાજો જ રહેશે.

૩. આપણે જે માનીએ છીએ એની પૂરેપૂરી સમજણ કેમ લેવી જોઈએ?

આપણે યહોવાહના ઊંડા વિચારો કેમ સમજવા જોઈએ? એનાથી આપણી શ્રદ્ધા વધે છે. બાઇબલ જણાવે છે કે આપણે “બુદ્ધિપૂર્વક” કે સમજી-વિચારીને ભક્તિ કરીએ. આપણે પોતે ‘પારખીએ કે ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે.’ (રૂમી ૧૨:૧, ૨) આપણે શું માનીએ છીએ એ તો શીખવું જ જોઈએ. સાથે સાથે એ પણ શીખીએ કે કેમ આપણે એવું માનીએ છીએ. યહોવાહ કહે કે ‘આમ કરો, આમ ન કરો.’ પણ કેમ એવું, એ એકવાર મનમાં ઊતરી જાય પછી આપણે એમ જ કરીશું. યહોવાહના ઊંડા વિચારો જાણીને આપણે ખોટું કરવાની લાલચ સામે લડી શકીશું. ‘સારાં કામ કરવાની’ હોંશ વધશે.—તીતસ ૨:૧૪.

૪. બાઇબલ સ્ટડી કઈ રીતે કરવી જોઈએ?

ખરું કે યહોવાહના ઊંડા વિચારો જાણવા સ્ટડી તો કરવી જ પડે. એનો અર્થ એ નથી કે બસ ફટાફટ વાંચી જવું. ના, પણ એ માહિતી વાંચવી, વિચારવી, દિલમાં ઉતારવી. એમ આપણા જ્ઞાનમાં વધારો કરીએ. (૨ તીમોથી ૧:૧૩) એ પણ પારખવું પડે કે શા માટે એ માહિતી એમ કહે છે. વિચારો કે ‘હું એનાથી વધારે સારા નિર્ણય કઈ રીતે લઈ શકું? બીજાને એનાથી કઈ રીતે મદદ કરી શકું?’ આપણે જાણીએ છીએ કે આખું બાઇબલ ‘ઈશ્વરપ્રેરિત છે અને ઉપયોગી છે.’ એટલે ‘યહોવાહના મોંમાંથી નીકળતા હરેક શબ્દની,’ આખા બાઇબલની સ્ટડી કરવી જોઈએ. (૨ તીમોથી ૩:૧૬, ૧૭; માત્થી ૪:૪) એ કાયમ સહેલું નથી. પણ યહોવાહના ઊંડા વિચારો જાણવાથી મોટા આશીર્વાદો મળે છે.

યહોવાહ કોને સમજણ આપે છે?

૫. યહોવાહના “ઊંડા વિચારોને” કોણ સમજી શકે?

બાઇબલની સ્ટડીનો વિચાર કરીને કદાચ તમને થાય કે ‘હું તો બહુ ભણેલો નથી. એ મારું કામ નથી.’ ઈસુના જમાનાનો વિચાર કરો. યહોવાહે પોતાના ઊંડા વિચારોની સમજણ કોને આપી? ભણેલા-ગણેલા ગુરુઓને નહિ, પણ અભણ અને મામૂલી માણસોને. તેઓને પંડિતોની જેમ અભિમાન નʼતું. તેઓ ઈશ્વરભક્તો પાસેથી શીખવા તૈયાર હતા. (માત્થી ૧૧:૨૫; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે યહોવાહે ‘પોતાના પર પ્રેમ કરનારાઓને પવિત્ર આત્માથી પ્રગટ કર્યાં છે; કેમ કે આત્મા સર્વને, હા, તેમના ઊંડા વિચારોને પણ શોધે છે.’—૧ કોરીંથી ૨:૯, ૧૦.

૬. કેવી રીતે યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ ‘સર્વને, તેમના ઊંડા વિચારોને પણ શોધે છે?

કેવી રીતે યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ ‘સર્વને, તેમના ઊંડા વિચારોને પણ શોધે છે?’ યહોવાહ પોતાની પવિત્ર શક્તિથી પોતાના સંગઠનને માર્ગદર્શન આપે છે. એ સંગઠન આખી દુનિયામાં આવેલાં યહોવાહના ભક્તોનાં મંડળોને દોરવણી આપે છે. તેઓ બાઇબલની એકસરખી સમજણ મેળવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮; એફેસી ૪:૩-૬) વર્ષો જતાં તેઓ બાઇબલમાંથી અનેક વિષયોનું સત્ય શીખે છે. યહોવાહ મંડળ દ્વારા લોકોને મદદ કરે છે. શક્તિ આપે છે કે તેઓ જીવનમાં ફેરફાર કરવાનું વલણ કેળવે. યહોવાહના ઊંડા વિચારોની સમજણ મેળવે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૨.

યહોવાહના ‘ઊંડા વિચારો’

૭. ઘણા લોકો કેમ યહોવાહના “ઊંડા વિચારોને” સમજતા નથી?

યહોવાહના ‘ઊંડા વિચારો’ સમજવા બહુ મુશ્કેલ નથી. તો પછી કેમ મોટા ભાગના લોકોને એનું જ્ઞાન કે સમજણ નથી? એ માટે કે શેતાન લોકોને ચાલાકીથી છેતરે છે, જેથી તેઓ યહોવાહના સંગઠનમાં ન આવે અને એની મદદ ન લે.—૨ કોરીંથી ૪:૩, ૪.

૮. એફેસીઓના ત્રીજા અધ્યાયમાં પાઊલ કયા ઊંડા વિચારોની વાત કરતાʼતા?

એફેસીઓના ત્રીજા અધ્યાયમાં ઈશ્વરભક્ત પાઊલ કયા ઊંડા વિચારોની વાત કરતાʼતા? યહોવાહના મોટા ભાગના ભક્તો સારી રીતે સમજે છે એવા ઊંડા વિચારોની. જેમ કે, યહોવાહે વચન આપેલું સંતાન. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોની પસંદગી અને મસીહનું રાજ્ય. પાઊલે આમ લખ્યું: ‘તે જેમ હમણાં તેના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થએલો છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યો નહોતો, એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં અમારી સાથે વતનમાં ભાગીદાર, તેના શરીરના અવયવો, તથા તેના વચનના સહભાગી છે.’ પાઊલે એમ પણ કહ્યું કે ‘સરજનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે,’ એ દરેકને જણાવવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું.—એફેસી ૩:૫-૯.

૯. યહોવાહના ‘ઊંડા વિચારો’ સમજવા એ કેમ મોટો આશીર્વાદ છે?

યહોવાહની ઇચ્છાની પાઊલે આવી સમજણ આપી: ‘તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય.’ (એફેસી ૩:૧૧) યહોવાહ આપણી સાથે જે રીતે વર્તે છે, એ સ્વર્ગદૂતો જુએ છે. એના પરથી તેઓ પણ યહોવાહના ઊંડા વિચારો સમજે છે. જે વાતો જાણવાની સ્વર્ગદૂતોને પણ ઇંતેજારી છે, એ સમજવી કેવો મોટો આશીર્વાદ કહેવાય! (૧ પીતર ૧:૧૦-૧૨) પાઊલ એમ પણ કહે છે કે આપણી શ્રદ્ધાની ‘પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે, તે સમજીએ.’ (એફેસી ૩:૧૦, ૧૮) એમ કરવા ચાલો આપણે અમુક દાખલા લઈએ.

યહોવાહના અમુક ઊંડા વિચારો

૧૦, ૧૧. ઈસુ ક્યારે યહોવાહની “સ્ત્રી” અથવા સ્વર્ગના સંગઠનના ‘સંતાનનો’ મુખ્ય ભાગ બન્યા?

૧૦ ઉત્પત્તિ ૩:૧૫નો દાખલો લઈએ. આપણે જાણીએ છીએ કે એમાંની “સ્ત્રી” એટલે કે સ્વર્ગમાં યહોવાહનું સંગઠન. એના ‘સંતાનમાં’ મુખ્ય ભાગ ઈસુ છે. હવે ઊંડા વિચારોની સમજણ મેળવવા આવા સવાલો પર વિચાર કરીએ: ‘ઈસુ એ સંતાન ક્યારે બન્યા? તે સ્વર્ગમાં હતા ત્યારે, પૃથ્વી પર તેમના જન્મ વખતે, બાપ્તિસ્મા વખતે કે પછી સજીવન કરવામાં આવ્યા ત્યારે?’

૧૧ યહોવાહે વચન આપ્યું હતું કે પોતાની “સ્ત્રી” અથવા સ્વર્ગના તેમના સંગઠનમાંથી એક એવું સંતાન આવશે, જે સાપનું માથું છૂંદશે. પણ હજારો વર્ષો સુધી એમ ન બન્યું. શેતાન અને તેનાં કામોનો નાશ કરનાર કોઈ સંતાનનો જન્મ થયો નહિ. યશાયાહની ભવિષ્યવાણી એ સ્ત્રીને “વાંઝણી” અને “મનમાં ઉદાસ” થયેલી બતાવે છે. (યશાયાહ ૫૪:૧, ૫, ૬) આખરે ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો. ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે યહોવાહે પોતાની શક્તિ તેમના પર રેડી. ત્યારે જ યહોવાહે કહ્યું કે “આ મારો વહાલો દીકરો છે.” (માત્થી ૩:૧૭; યોહાન ૩:૩) ‘સંતાનનો’ મુખ્ય ભાગ ઈસુ આખરે આવ્યા. પછીથી ઈસુના શિષ્યો પર યહોવાહની શક્તિ રેડવામાં આવી. યહોવાહની “સ્ત્રી” જેને લાંબા સમયથી કોઈ સંતાન ન હતું, તે હવે ‘હર્ષ કરવા’ લાગે છે.—યશાયાહ ૫૪:૧; ગલાતી ૩:૨૯.

૧૨, ૧૩. બાઇબલ કઈ રીતે બતાવે છે કે સ્વર્ગમાં જવાના છે એ બધાય ભાઈ-બહેનો ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર’ છે?

૧૨ ચાલો યહોવાહના ઊંડા વિચારોનો બીજો દાખલો લઈએ. એ આપણામાંથી પસંદ કરેલા ૧,૪૪,૦૦૦નો છે. (પ્રકટીકરણ ૧૪:૧,) ઈસુએ જણાવ્યું હતું કે ઈશ્વરભક્તોને પુષ્કળ જ્ઞાન આપવા “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” હશે. અમુક કહેશે કે એ “ચાકર” કોઈ પણ વ્યક્તિ હોય શકે, જે બાઇબલનું જ્ઞાન આપે. આપણે માનીએ છીએ કે એ “ચાકર” એટલે સ્વર્ગમાં જવાની આશા રાખનારા પૃથ્વી પરના બધા ભાઈ-બહેનો. (માત્થી ૨૪:૪૫) એ માન્યતાની સાબિતી આપવા બાઇબલની કઈ કલમ બતાવીશું?

૧૩ યહોવાહે ઈસ્રાએલી લોકોને જણાવ્યું કે “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે.” (યશાયાહ ૪૩:૧૦) પણ નીસાન ૧૧, ૩૩ની સાલમાં ઈસુએ ઈસ્રાએલના ગુરુઓને કહ્યું કે હવેથી તેઓ યહોવાહના સેવક કે ભક્તો નથી. ‘ઈશ્વરનું રાજ્ય તેઓની પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.’ પછી ઈસુએ લોકોને કહ્યું કે “જુઓ, તમારે સારૂ તમારૂં ઘર ઉજ્જડ મૂકાયું છે.” (માત્થી ૨૧:૪૩; ૨૩:૩૮) યહોવાહના ચાકર તરીકે ઈસ્રાએલી લોકો ન તો વિશ્વાસુ હતા, ન તો બુદ્ધિમાન. (યશાયાહ ૨૯:૧૩, ૧૪) એ જ દિવસે ઈસુએ આ સવાલ પૂછ્યો કે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?” ઈસુ જાણે કે પૂછતાʼતા કે ‘હવે ઈસ્રાએલના બદલે કઈ પ્રજા વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર બનશે?’ ઈશ્વરભક્ત પીતરે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને કહ્યું કે ‘તમે પવિત્ર પ્રજા, પ્રભુના ખાસ લોક છો.’ (૧ પીતર ૧:૪; ૨:૯) એ ભાઈ-બહેનો ‘ઈશ્વરના ઈસ્રાએલ’ બન્યા. યહોવાહના નવા ચાકર બન્યા. (ગલાતી ૬:૧૬) ઈસ્રાએલી લોકો બધા મળીને યહોવાહના “સેવક” હતા. એ જ રીતે, સ્વર્ગમાં જવાની આશા રાખનારા પૃથ્વી પરના બધા ભાઈ-બહેનો “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” બને છે. યહોવાહના એ “ચાકર” પાસેથી મદદ અને માર્ગદર્શન મળે છે, એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય!

સ્ટડી કરવાની મજા લો

૧૪. બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી આપણને શું ફાયદો થાય છે?

૧૪ આપણને બાઇબલની કોઈ નવી સમજણ મળે ત્યારે કેવું લાગે છે? આપણે રાજી રાજી થઈ જઈએ. આપણી શ્રદ્ધા વધે છે. એટલે જ બાઇબલ ઉપરછલ્લું વાંચવાથી નહિ, પણ એનો ઊંડો અભ્યાસ કરવાથી બહુ ખુશી મળે છે. જ્યારે જ્યારે આપણે પુસ્તક-પુસ્તિકાઓ વાંચીએ ત્યારે આમ વિચારીએ: ‘મને જેટલી ખબર છે, એમાં આ સમજણ કઈ રીતે ઉમેરો કરે છે? બીજી કઈ કલમો કે વિચારો આ લેખની માહિતીને ટેકો આપે છે?’ એના જવાબ માટે વધારે માહિતી શોધવાની જરૂર હોય તો એ લખી લો. આવનાર દિવસોમાં તમે એ કરી શકો.

૧૫. કેવા વિષયો પર તમને નવું નવું શીખવું ગમશે? કઈ રીતે એમાંથી કાયમ લાભ મેળવી શકો?

૧૫ નવું નવું શીખવા માટે તમને કેવી માહિતી ગમશે? કદાચ જુદા જુદા કરાર વિષે જાણવું ગમે. એનાથી યહોવાહે મનુષ્યોના લાભમાં શું કર્યું, એની ઝીણી ઝીણી વિગતો જાણવા મળશે. શ્રદ્ધા વધારવા તમે ઈસુ ખ્રિસ્ત વિષેની ભવિષ્યવાણીઓ પણ વાંચી-વિચારી શકો. અમુક પુસ્તકોની એકે-એક કલમ પર ચર્ચા કરતા પુસ્તકો આપણી પાસે છે. એમાંથી ઘણું શીખી શકો. જેહોવાઝ વીટનેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગ્ડમ * પુસ્તક પણ વાંચી શકો. એમાંથી યહોવાહના ભક્તોનો ઇતિહાસ જાણવા મળી શકે. ચોકીબુરજમાં આવતા “વાચકો તરફથી પ્રશ્નો” વાંચીને પણ અમુક કલમો વિષે વધારે સમજણ મળી શકે છે. એમાંથી શીખી શકાય કે એ સમજણને બાઇબલની બીજી કલમો કઈ રીતે સાબિત કરે છે. આમ આપણે સમજ-શક્તિ વધારી શકીએ. ખરું-ખોટું પારખતા શીખી શકીએ. (હેબ્રી ૫:૧૪) તમે જે શીખો એની નોંધ તમારા બાઇબલમાં કે પછી નોટબુકમાં લખી લો. એટલે તમને અને જેને મદદ કરો તેઓને એનો લાભ કાયમ મળતો રહે.

બાળકો કઈ રીતે સ્ટડીની મજા લઈ શકે?

૧૬. બાળકોને બાઇબલ સ્ટડીની મજા લેવા માબાપ કેવી રીતે મદદ કરી શકે?

૧૬ માબાપ બાળકોને ઘણી મદદ કરી શકે, જેથી તેઓ યહોવાહ સાથે પાકો નાતો બાંધી શકે. એવું ન માની લઈએ કે ‘તેઓને નહિ સમજાય, હજુ તો નાના છે!’ ફૅમિલી સ્ટડી માટે તમે તેઓને કોઈ વિષય પર તૈયારી કરવાનું કહી શકો. પછી સ્ટડીમાં તેઓને પૂછો. ફૅમિલી સ્ટડીમાં તેઓ સાથે જુદા જુદા સીનની પ્રૅક્ટિસ પણ કરી શકો. જેમ કે તેઓ જે શીખ્યા છે, એ જ સત્ય છે, એવું બીજાને કઈ રીતે સાબિત કરી શકે. તમે “સી ધ ગુડ લૅન્ડ” * પુસ્તિકા પણ વાપરી શકો. એમાંથી બાઇબલના જમાનાનું ભૂગોળ તેઓ શીખશે. દર સપ્તાહે થતા આપણા બાઇબલ વાંચનમાં તેઓને વધારે સમજણ પડશે. એનાથી તેઓની શ્રદ્ધા વધશે.

૧૭. આપણે બાઇબલમાંથી નવું નવું શીખતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૭ ખરું કે બાઇબલમાંથી નવું નવું શીખતા રહેવાથી ઘણી મજા આવે છે. એનાથી આપણી શ્રદ્ધા અડગ બને છે. પણ જોજો, એમાં જ તમારો બધો ટાઇમ જતો ન રહે. મિટિંગની તૈયારી માટે પણ ટાઇમ રાખજો. મિટિંગની ગોઠવણ યહોવાહ તરફથી છે. તે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આપણને શીખવે છે. જો તમે મિટિંગ માટે વધારે શોધ-ખોળ કરી શકો, તો સરસ કોમેન્ટ આપી શકશો. જેમ કે બુક સ્ટડીમાં અને બાઇબલ વાંચનના મુખ્ય મુદ્દાની ચર્ચા થાય ત્યારે, સરસ કોમેન્ટ આપી શકો.

૧૮. યહોવાહના “ઊંડા વિચારોને” સમજવા કેમ પ્રયત્ન કરવો જ જોઈએ?

૧૮ આપણે યહોવાહના ઊંડા વિચારોની સમજણ મેળવતા જઈએ તેમ, તેમની સાથેનો નાતો પાકો થતો જશે. એવું જ્ઞાન, સમજણ કેવા અમૂલ્ય છે! એના વિષે બાઇબલ જણાવે છે: “જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે, કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.” (સભાશિક્ષક ૭:૧૨) યહોવાહના વિચારોમાં ઊંડા ઊતરવા ભલે પ્રયત્ન કરવો પડે, એનાથી આપણને જ લાભ છે. એમ કરનારાને બાઇબલ આ ગૅરંટી આપે છે: ‘પરમેશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.’—નીતિવચનો ૨:૪, ૫. (w07 11/1)

[Footnotes]

^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ આ પુસ્તિકા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

આપણે કેવી રીતે સમજાવીશું?

• યહોવાહના ‘ઊંડા વિચારો’ એટલે શું?

• આપણે કેમ યહોવાહના ઊંડા વિચારો વિષે શીખવાનું કદીયે બંધ ન કરીએ?

• યહોવાહના ‘ઊંડા વિચારોની’ સમજણનો ખજાનો કઈ રીતે બધા જ મેળવી શકે છે?

• તમે કેવી રીતે યહોવાહના ‘ઊંડા વિચારોનો’ વધારે લાભ લઈ શકો?

[Study Questions]