યહોવાહનો દરેક બોલ સાચો
યહોવાહનો દરેક બોલ સાચો
‘જે વચનો તમારા ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં પૂરાં થયાં છે.’—યહોશુઆ ૨૩:૧૪.
૧. યહોશુઆ કોણ હતા? તેમણે પાછલી જિંદગીમાં શું કર્યું?
યહોવાહે ઈસ્રાએલી લોકોને અરણ્યમાંથી એક દેશમાં લઈ જવાનું વચન આપ્યું હતું. ત્યાં યહોવાહ તેઓને બહુ જ આશીર્વાદ આપવાના હતા. એ દેશમાં લઈ જવા ખુદ યહોવાહે યહોશુઆને પસંદ કર્યા. તે હિંમતવાન ને શક્તિશાળી હતા. લડવામાં હોશિયાર હતા. તેમણે પાછલી જિંદગીમાં ભૂલાય નહિ એવું પ્રવચન ઈસ્રાએલના વડીલોને આપ્યું. એ સાંભળનારાની શ્રદ્ધા તો વધી જ, સાથે સાથે આપણી શ્રદ્ધા પણ વધી શકે છે.
૨, ૩. યહોશુઆએ પ્રવચન આપ્યું ત્યારે ઈસ્રાએલી લોકોના સંજોગો કેવા હતા? યહોશુઆએ શું કહ્યું?
૨ આ બનાવની કલ્પના કરો: ‘યહોવાહે ઈસ્રાએલપુત્રોને તેઓની ચારે બાજુના સર્વ શત્રુઓથી છુટકારો અપાવ્યો. પછી ઘણે દિવસે યહોશુઆ વૃદ્ધ થયા; ત્યારે તેમણે સર્વ ઈસ્રાએલને, ઈસ્રાએલના વડીલો, મુખ્ય પુરુષો, ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવીને કહ્યું, હું હવે ઘણો વૃદ્ધ થયો છું.’—યહોશુઆ ૨૩:૧, ૨.
૩ યહોશુઆ લગભગ ૧૧૦ વર્ષના થયા હતા. તેમણે જીવનમાં યહોવાહના મોટા મોટા ચમત્કારો જોયા. યહોવાહે કહેલાં ઘણાં વચનો પૂરાં થતાં જોયાં. એટલે, જાત-અનુભવથી તેમણે લોકોને કહ્યું કે ‘તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે વચનો તમારા ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં પૂરાં થયાં છે.’—યહોશુઆ ૨૩:૧૪.
૪. યહોવાહે ઈસ્રાએલી લોકોને કેવાં કેવાં વચન આપ્યાં હતાં?
૪ યહોશુઆના જીવનમાં યહોવાહના અનેક વચનો પૂરાં થયાં હતાં. ચાલો એમાંના ત્રણ વચનોનો વિચાર કરીએ. એક તો તેઓને ગુલામીમાંથી આઝાદ કરવાનું વચન. બીજું તેઓનું રક્ષણ કરવાનું વચન. ત્રીજું તેઓનું પોષણ કરવાનું વચન. આપણા ટાઇમમાં પણ યહોવાહે પોતાના ભક્તોને એવાં જ વચનો આપ્યાં છે. આપણે એ પૂરાં થતાં જોયાં છે. ચાલો પહેલા જોઈએ કે યહોશુઆના સમયમાં શું બન્યું. પછી જોઈશું કે આપણા સમયમાં યહોવાહે શું કર્યું છે.
ગુલામીમાંથી આઝાદ કર્યા
૫, ૬. યહોવાહે ઈસ્રાએલી લોકોને ઇજિપ્તમાંથી કેવી રીતે છોડાવ્યા? એ શું બતાવે છે?
૫ ઈસ્રાએલી લોકો ઇજિપ્ત કે મિસરમાં ગુલામ હતા. તેઓ પોકારી ઊઠ્યા કે ‘યહોવાહ! યહોવાહ! અમને છોડાવો, બચાવો.’ યહોવાહે એ સાંભળ્યું. (નિર્ગમન ૨:૨૩-૨૫) એક બળતા ઝાડવામાંથી યહોવાહે મુસાને કહ્યું: ‘મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારૂ, ને તે દેશમાંથી કાઢીને, એક સારા તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળા દેશમાં લઈ જવા સારૂ હું ઊતર્યો છું.’ (નિર્ગમન ૩:૮) પણ ઇજિપ્તના રાજા ફારૂને ઈસ્રાએલીઓને આઝાદ કરવાની ઘસીને ના પાડી. મુસાએ ફારૂનને કહ્યું કે તો પછી યહોવાહ નાઇલ નદીનાં પાણીને લોહીમાં ફેરવી નાખશે. યહોવાહે એમ જ કર્યું. નદીની બધી માછલીઓ મરી ગઈ અને પાણી પીવા જેવું રહ્યું નહિ. (નિર્ગમન ૭:૧૪-૨૧) તોયે હઠીલો ફારૂન માન્યો નહિ. એટલે યહોવાહ બીજી નવ આફતો લાવ્યાં. તેમણે દરેક આફત પહેલાં ચેતવણી આપી. (નિર્ગમન ૮થી ૧૨ અધ્યાય) દસમી આફતમાં દરેક કુટુંબનો સૌથી મોટો છોકરો માર્યો ગયો. ફારૂને થાકી-હારીને ઈસ્રાએલીઓને ત્યાંથી ચાલ્યા જવાનો હુકમ આપ્યો. તરત જ તેઓ આઝાદ પંખીની જેમ નીકળી ગયા!—નિર્ગમન ૧૨:૨૯-૩૨.
૬ યહોવાહે ઈસ્રાએલીઓને પોતાની પ્રજા તરીકે પસંદ કરી. યહોશુઆએ જોયું કે બીજા દેવ-દેવીઓ તો કંઈ જ નથી. ફક્ત યહોવાહ જ ‘આખી પૃથ્વી પર ઈશ્વર છે.’ (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) યહોવાહ કદીયે ખાલી વચનો આપતા નથી. તે પોતાના વચનો પાળે જ છે. એ વિષે વાંચીને, વિચારીને, અનુભવીને આપણી શ્રદ્ધા કેટલી વધે છે!
યહોવાહે પોતાના ભક્તોનું રક્ષણ કર્યું
૭. યહોવાહે પોતાના ભક્તોનું કેવી રીતે રક્ષણ કર્યું?
૭ યહોવાહે ઈસ્રાએલી લોકોને કહ્યું કે તેઓને પોતાનો દેશ મળશે. એનાથી તેઓને રક્ષણની ગૅરંટી પણ મળી. ચાલો એક-બે દાખલા જોઈએ. ફારૂન ઈસ્રાએલીઓનો જીવ લેવા પાછળ પડ્યો. તેની સાથે કંઈ કેટલાયે રથોવાળું લશ્કર. ઈસ્રાએલીઓ તો જાણે પર્વતો અને દરિયાની વચ્ચે ફસાઈ ગયા. ફારૂન તો ઘમંડથી ફુલાઈ ગયો હશે કે હવે મારા હાથમાંથી કેવી રીતે બચવાના? પણ યહોવાહ જેવું કોણ? તેમણે ફારૂન અને પોતાના ભક્તો વચ્ચે મોટું વાદળ ઉતાર્યું. યહોવાહના લોકોની તરફ પ્રકાશ, પણ ફારૂન અને તેના લોકોની તરફ અંધકાર! ફારૂનનું લશ્કર આગળ વધી શક્યું નહિ. મુસાએ દરિયા તરફ પોતાની લાકડી ઊંચી કરી. સમુદ્રના બે ભાગ થઈ ગયા. ઈસ્રાએલી લોકો માટે બચવાનો માર્ગ, ફારૂન અને લશ્કર માટે મોતનો માર્ગ! યહોવાહે ફારૂનના શક્તિશાળી લશ્કરનો ભૂક્કો બોલાવી દીધો! યહોવાહે પોતાના લોકોની હાર થવા ન દીધી પણ રક્ષણ કર્યું.—નિર્ગમન ૧૪:૧૯-૨૮.
૮. (ક) અરણ્યમાં ઈસ્રાએલી લોકોનું યહોવાહે શાનાથી રક્ષણ કર્યું? (ખ) વચનના દેશમાં તેઓને રક્ષણ આપવા યહોવાહે શું કર્યું?
૮ સમુદ્ર પાર કર્યા પછી, ઈસ્રાએલીઓએ અરણ્યમાં ભટકવું પડ્યું. એ ‘ઝેરી સાપ તથા વીંછીઓવાળું અને પાણી વગરની સૂકી જમીનવાળું વિશાળ તથા ભયંકર અરણ્ય હતું.’ (પુનર્નિયમ ૮:૧૫) એમાંયે યહોવાહે પોતાના લોકોનું રક્ષણ કર્યું. યહોવાહે વચન આપ્યું કે કનાન દેશ તેઓનો થશે. પણ કનાનના શક્તિશાળી લશ્કરો તેઓની સામા થયાં. યહોવાહે હિંમત આપીને યહોશુઆને કહ્યું: “તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઈસ્રાએલપુત્રોને, આપું છું તેમાં આ યરદન ઊતરીને જાઓ. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જેમ મુસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ; હું તને તજીશ નહિ, ને તને મૂકી દઈશ નહિ.” (યહોશુઆ ૧:૨, ૫) યહોવાહે જે કહ્યું એ જ કરી બતાવ્યું. છએક વર્ષમાં જ, યહોશુઆએ કનાન દેશના ૩૧ રાજાને હરાવ્યા! (યહોશુઆ ૧૨:૭-૨૪) યહોશુઆને યહોવાહનો પૂરો સાથ હતો, નહિ તો એ પથ્થરમાંથી પાણી કાઢવા બરાબર હતું.
પોતાના ભક્તોની સંભાળ રાખી
૯, ૧૦. યહોવાહે પોતાના લોકોની કઈ રીતે સંભાળ લીધી?
૯ યહોવાહે ઈસ્રાએલી લોકોને ભરણ-પોષણ કરવાનું પણ વચન આપ્યું. ગુલામીથી આઝાદ કર્યા એના થોડા સમય પછી તેઓને કહ્યું: ‘હું તમારે માટે આકાશમાંથી ખોરાક વરસાવીશ; અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્સો ભેગો કરે.’ માનવામાં નહિ આવે પણ યહોવાહે ‘આકાશમાંથી ખોરાક વરસાવ્યો!’ “ઈસ્રાએલપુત્રોએ તે જોઈને એકબીજાને પૂછ્યું, કે એ શું છે?” એને તેઓએ માન્ના નામ આપ્યું.—નિર્ગમન ૧૬:૪, ૧૩-૧૫.
૧૦ ચાળીસ વર્ષો સુધી યહોવાહે તેઓની સંભાળ લીધી. ખાવા આપ્યું. પીવા પાણી આપ્યું. અરે, યહોવાહે તેઓનાં કપડાં ઘસાઈ જવા ન દીધાં. પગ સૂજી જવા ન દીધા. (પુનર્નિયમ ૮:૩, ૪) યહોશુઆએ આ બધુંય નજરે જોયું ને અનુભવ્યું. યહોવાહે કહ્યું એમ જ કર્યું. ઈસ્રાએલી લોકોનો બચાવ કર્યો. રક્ષણ આપ્યું. પાલન-પોષણ કર્યું.
યહોવાહ આજે પણ આઝાદ કરે છે
૧૧. ભાઈ ચાર્લ્સ રસેલે ૧૯૧૪માં શું કહ્યું? શાનો સમય પાકી ચૂક્યો હતો?
૧૧ શું યહોવાહ આજે પણ એમ જ કરે છે? ચાલો આપણે ૧૯૧૪ની સાલમાં જઈએ. એ બીજી ઑક્ટોબર શુક્રવારની સવાર છે. ન્યૂ યૉર્કના બ્રુકલિન બેથેલમાં ડાઇનિંગ હૉલનો સીન છે. ભાઈ ચાર્લ્સ રસેલ ત્યાં આવ્યા. તે બહુ ખુશ હતા. તે બોલ્યા, ‘હવે વિદેશીઓનો સમય પૂરો થયો. તેઓના રાજાઓ ગયા.’ વિશ્વના માલિક, યહોવાહ ફરીથી પોતાના લોકો માટે કંઈક કરે, એ સમય પાકી ચૂક્યો હતો.
૧૨. ૧૯૧૯માં શું બન્યું? એનાથી શું શક્ય બન્યું?
૧૨ ૧૯૧૯માં યહોવાહે પોતાના લોકોને ‘મહાન બાબેલોનમાંથી’ છોડાવ્યા. એટલે કે યહોવાહને ભજતા નથી એવા ધર્મોની જંજીરમાંથી તેઓને આઝાદ કર્યા. (પ્રકટીકરણ ૧૮:૨) એ બનાવ જોયો હોય એવા બહુ ઓછા આજે આપણામાં છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે એનાથી યહોવાહની ભક્તિ જોર-શોરથી શરૂ થઈ. એ વિષે યશાયાહે પહેલેથી લખ્યું હતું: ‘છેલ્લા સમયમાં યહોવાહના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.’—યશાયાહ ૨:૨.
૧૩. તમે યહોવાહના ભક્તોમાં કેવો વધારો થતો જોયો છે?
૧૩ યશાયાહના એ શબ્દો સાચા પડ્યા. યહોવાહની ભક્તિ બધાથી જુદી જ દેખાઈ આવી. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોએ ૧૯૧૯થી આખી દુનિયામાં હિંમતથી પ્રચાર કામ શરૂ કર્યું. ૧૯૩૦ પછી “બીજાં ઘેટાં” એટલે પૃથ્વી પર જીવવાની આશાવાળાને પણ ભેગા કરવામાં આવે છે. (યોહાન ૧૦:૧૬) પહેલા તો હજારોની સંખ્યામાં આવ્યા, હવે લાખોમાં! ઈશ્વરભક્ત યોહાનને આનું પહેલેથી દર્શન થયું હતું. તેમણે કહ્યું કે “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા!” (પ્રકટીકરણ ૭:૯) તમે યહોવાહ વિષે શીખવા લાગ્યા ત્યારે કેટલા ભાઈ-બહેનો હતા? આજે યહોવાહના ભક્તો ૬૭ લાખ કરતાં વધારે છે! યહોવાહે પોતાના લોકોને બીજા બધા ધર્મોની જંજીરમાંથી આઝાદ કર્યા છે.
૧૪. હજુ આપણો કેવો બચાવ કરવામાં આવશે?
૧૪ યહોવાહ બીજી એક રીતે પણ આપણો બચાવ કરશે. એ વખતે યહોવાહ પરચો બતાવશે. દુશ્મનોનું નામ-નિશાન મિટાવી દેશે. તેઓનાં કાળાં કામોનો યુગ આથમી જશે. યહોવાહ પોતાના લોકોનો જોરદાર બચાવ કરશે. આ પૃથ્વી પર સુખનો સૂરજ ઊગશે. બસ પછી તો શાંતિ, શાંતિ ને શાંતિ!—પ્રકટીકરણ ૨૧:૧-૪.
યહોવાહ આપણું રક્ષણ કરે છે
૧૫. આજેય આપણને કેમ યહોવાહના રક્ષણની જરૂર છે?
૧૫ આપણે જોયું તેમ, યહોશુઆના દિવસોમાં ઈસ્રાએલી લોકોને યહોવાહના રક્ષણની જરૂર હતી. શું આપણા દિવસોમાં યહોવાહના રક્ષણની જરૂર છે? ચોક્કસ હા! ઈસુએ ચેતવણી આપી કે ‘તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.’ (માત્થી ૨૪:૯) વર્ષોથી ઘણા દેશોમાં યહોવાહના ભક્તો વિરોધ સહે છે. સખત સતાવણી સહે છે. પણ યહોવાહના સાથથી તેઓ ટકી રહ્યા છે. (રૂમી ૮:૩૧) બાઇબલ જણાવે છે કે ‘આપણી વિરૂદ્ધ ઘડેલું કોઈ પણ હથિયાર’ કામ કરશે નહિ. યહોવાહ વિષે લોકોને શીખવવાનું કામ કદીયે બંધ થશે નહિ!—યશાયાહ ૫૪:૧૭.
૧૬. તમે શાના પરથી કહી શકો કે યહોવાહ પોતાના લોકોનું રક્ષણ કરે છે?
૧૬ યહોવાહના લોકોનો સખત વિરોધ કર્યો હોય એવા કોઈ નેતા કે ધર્મગુરુઓ તમને યાદ છે? તેઓનું શું થયું? તેઓની એ જ હાલત થઈ છે, જે મુસા અને યહોશુઆના જમાનામાં ફારૂનની થઈʼતી. આપણને ચૂપ કરવા કે આપણો નાશ કરવા દુશ્મન ભલે ગમે એ કરે, યહોવાહ આપણું રક્ષણ કરે છે. યહોવાહના લોકો દિવસે દિવસે વધી રહ્યા છે. ૨૩૬ દેશોમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. પણ એવા ભક્તોનું શું જે દુશ્મનના હાથે મરણ પામે છતાંય યહોવાહને વળગી રહે છે? તેઓને યહોવાહ કદી ભૂલશે નહિ. તેઓને સજીવન કરશે. સાચે જ યહોવાહ પોતાના ભક્તોને રક્ષણ આપવાનું વચન પૂરું કરે છે.
યહોવાહ આપણી સંભાળ રાખે છે
૧૭. દાનીયેલને જ્ઞાન વિષે શું કહેવામાં આવ્યું હતું?
૧૭ યહોવાહે ઈસ્રાએલી લોકોની સંભાળ રાખી હતી. આજે આપણી પણ સંભાળ રાખે છે. એના વિષે ઈશ્વરભક્ત દાનીયેલને સ્વર્ગદૂતે જણાવ્યું હતું: “તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર; ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.” (દાનીયેલ ૧૨:૪) આપણી સંભાળ રાખવા આજે યહોવાહ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા જ્ઞાન આપે છે. ભક્તિમાં આગળ વધવા પુષ્કળ માર્ગદર્શન પણ આપે છે. (માત્થી ૨૪:૪૫) સદીઓથી જે જ્ઞાનની સમજણ ન હતી એ હવે મળી રહી છે.
૧૮. આજે કેમ યહોવાહના જ્ઞાનની કોઈ કમી નથી?
૧૮ આજે અંતના સમયમાં યહોવાહના જ્ઞાનની કોઈ કમી નથી. દુનિયામાં સત્યને ચાહનાર કોઈ પણ યહોવાહ વિષે જાણી શકે, તેમને ઓળખી શકે છે. એ માટે તેમણે પોતાની શક્તિની મદદ આપી છે. આજે બાઇબલ બધે મળે છે. એની અમૃત વાણી જાણવા, સમજવા ઘણાં પુસ્તકો પણ છે. જેમ કે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? * એના વિષયો પર નજર કરો. એમાંના અમુક આ છે: “ઈશ્વર વિષે શીખો,” “ગુજરી ગયેલા લોકો ક્યાં છે?,” “ઈશ્વરનું રાજ્ય શું છે?” અને “ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?” મનુષ્યે આવા વિષયો પર હજારો વર્ષોથી વિચાર કર્યો છે. પણ હવે એના વિષે સત્ય જાણી શક્યો છે. ખરું કે ઘણા લોકો બાઇબલથી અજાણ છે. ચર્ચોએ બાઇબલનું નામ બદનામ કર્યું છે. તોપણ, ઈશ્વરની વાણી કોઈ મિટાવી શકતું નથી. એનાથી ઈશ્વરના લોકોની ભક્તિની તરસ છીપાય છે.
૧૯. તમે યહોવાહનાં કયાં વચનો પૂરાં થયેલાં જોયા છે? તમને એના વિષે કેવું લાગે છે?
૧૯ આજ સુધી આપણે પોતે જે જોયું છે, એનાથી આમ ચોક્કસ કહી શકીએ: ‘જે વચનો તમારા ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં પૂરાં થયાં છે.’ (યહોશુઆ ૨૩:૧૪) બેશક, યહોવાહ પોતાના લોકોને આઝાદ કરે છે. રક્ષણ કરે છે. સંભાળ રાખે છે. શું તમે એવું કોઈ વચન બતાવી શકો જે યહોવાહને ટાઇમે પૂરું ન થયું હોય? એવું કદીયે ન બને!
૨૦. આપણી આવતીકાલ કેવી હશે?
૨૦ આપણી આવતીકાલ કેવી હશે? યહોવાહે વચન આપ્યું છે કે આપણે સુંદર પૃથ્વી પર અમર જીવન જીવી શકીશું. ઈસુ સાથે અમુક સ્વર્ગમાંથી રાજ કરશે. ચાલો આપણે યહોશુઆ જેવી જ શ્રદ્ધા રાખીએ. પછી આપણે યહોવાહનાં વચનો યાદ કરતા કરતા કહીશું કે ‘એ સર્વ પૂરાં થયાં છે!’ (w07 11/1)
[Footnote]
^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
આપણે કેવી રીતે સમજાવીશું?
• યહોશુઆએ યહોવાહનાં કયાં વચનો પૂરાં થતાં જોયાં?
• તમે યહોવાહનાં કયાં વચનો પૂરાં થતાં જોયાં છે?
• બાઇબલ વિષે આપણને કઈ ખાતરી છે?
[Study Questions]
[Pictures on page 25]
આજેય યહોવાહ પોતાના લોકોની સંભાળ રાખે છે